Thumbadi - Short Stories | RekhtaGujarati

દૂરથી થુંબડી જોવા લાલભાએ આંખો ઝીણી કરી. ડૂબતા સૂર્યની ગાઢી લાલાશમાં થુંબડી જાણે આગ ઝેરવતી હોય! આખીય થુંબડી પર હોકામાં ફૂંકીએ ને પથરાઈ વળે એવી લાલાશ પથરાઈ વળી હતી. લાલભાની આંખોમાં સામો તડકો વાગ્યો. ને થુંબડી અલપઝલપ થવા લાગી. થુંબડી કેમ પૂરતી દેખાતી નથી? શિયાળાની સાંજ છે એટલે કે શું? આમ તો લાલભાને થુંબડીથી ખસવાનું મન ક્યાં થતું હતું? પણ આજ સવારનો રણજિત અમદાવાદ ગયો ને થુંબડી જાણે બળો-રોળો પહાડ.

લાલભાનું મન અમદાવાદની કોર્ટમાં પહોંચી ગયું. નાનકાની વહુએ બેય ભાઈઓ પર હેરાનગતિનો દાવો માંડ્યો હતો. વાંક તો નાનકાનો જ. લાવતાં તો લાવી દીધી. પણ પછી ગમતી નહોતી. અવારનવાર બોલાચાલી થતી. નાનકાએ એક-બે વાર હાથ ઉગામેલો. પણ એમાં રણજિતનો શું વાંક? વૉરંટ છૂટ્યું હતું. અમદાવાદથી પોલીસ આવેલી. નાનકાને મોકલવો પડેલો. પોલીસ તો રણજિતનેય લીધા વગર જવા ક્યાં માનતી હતી? પણ ગલ્લા-તલ્લા કર્યા. નાસ્તા-પાણીનું ખર્ચ આપ્યું. ને કાલ સાંજ સુધીમાં જામીન સાથે હાજર થવાની શરતે પોલીસ પાછી ગયેલી. જોકે આખાય ગામમાં માઠા પ્રસંગે ખડે પગે રહેતા રણજિત પ્રત્યે લાલભાને ગળા સુધી વિશ્વાસ હતો. ગઈકાલે પશુભાના દલુસિંહને અમદાવાદ ફોન કરેલો. જામીન થવા તૈયાર થઈ ગયો હતો. ‘મું બેઠો છું અહીં ઈયાટવાનું શું? કાલે આવી જાઓ, જામીન થઈ જાઉં.’ રણજિત બીજા કોઈને સાથે નહોતો લઈ ગયો. દલુંસિંહમાં ભરોસો પૂરો હતો. એને નોકરીએ રણજિતે ચડાવેલો. પેલા ધારાસભ્ય જોડે ફોન કરાયેલો ત્યારે સીટી બસમાં ડ્રાઈવર તરીકે લાગેલો. પછી દલુંસિંહ જામીન થવાની ના થોડી પાડે. નહીંતર રણજિત સાથે જનારા ક્યાં ઓછા હતા? ચાર ગામનું લોક થુંબડીએ પૂછ્યા વગર બીજે પગ માંડતું. થુંબડી તો એમણે ઘસી કાઢી. અડધી રાતે કામ પડે ને સીધું થુંબડીએ. ગામનું ખરું નામ ભૂંસાઈ ગયેલું. કોઈ પૂછે તો આવનાર દૂરથી કહી દે - થુંબડીએ જવું છઅ.

લાલભા ઊભા રહી ગયા. કોઈએ બૂમ પાડી કે શું? આજુબાજુ જોઈ લાલભા ચાલતા થયા. જોડામાં ધૂળ ભરાઈ ગઈ હતી. ખંખેરવાનું મન થયું. પણ ઊભા રહેવાનો સમય ક્યાં હતો? ઝડપથી ઘેર પહોંચી જવું હતું. પગમાં રેત કુંચતી હતી. તોય ધબ-ધબ જોડા રેત પર માંડતા ચાલતા રહ્યા. મન તો થુંબડીમાં.

- રણજિતભાઈ, જમીન પર બેંક વાળો લોન આપતો નથી.

- બાપુ, છોકરી પરણાવી છઅ. કૉક મદદ કરૉ.

- રણજિતભાઈ, અમારા ગામનો ચેકડેમ પાસ થતો નથી. પછી કોઈનું કામ થયું હોય એવો કિસ્સો લાલભાને યાદ આવતો નહોતો.

નેળિયે લાલભા ઊભા રહી ગયા. થુંબડી આઘી ચાલી ગઈ કે અલોપ થઈ ગઈ? લાલભાએ આંખો પર હાથનું નેજવું કર્યું. દૂર જોવાની મથામણ આદરે પહેલાં પાસેના વાડામાંથી બૂમ સંભળાઈ. ‘લાલભા, કોરો કટ કાઢ્યો છઅ. રાતે મોકલાવું?’ વાડાની પાછળ મેઘો ઊભો હતો. આડો વખત હોત તો લાલભાએ વહેલો આવજે કહ્યું હોત. પણ આજ એમને રણજિતની ચતુરાઈ સિવાય કશું ખપતું હતું. હાથ ફંગોળી ચાલતા થઈ ગયા ને ચાલતાં-ચાલતાં ખખડીને બોલી પડ્યા, ‘કાલે લાવજે. ને પેલા લવજીને કે’જે બકરોય પહોંચાડે. જલસો કરવાનો શે.’ લાલભા ગેલમાં આવી ગયા. દાદાનું બાપુપણું આજે એમનામાં આવી ગયું હોય એવું લાગ્યું. લાલભા છાતી પહોળી ખેંચી ઉતાવળા થયા. બપોરે ખેતરે જતાં થોડું અફીણ લીધેલું એનો નશો ચડ્યો કે શું? લાલભા મનોમન મલકાયા. તો રણજિત પોતાનો જામીન આપી કાલ છૂટી જશે. નાનકો બે દિવસ ભલે રહેતો. હમણાંથી અછકલો થઈ ગયો છે તે ભાન થશે. પછી રણજિત અમદાવાદ ગમે તે મિત્રને જામીન કરી છોડાવી લાવશે. ગામનાંને તો ગંધે નહીં આવે. ક્યાંથી આવે? પોલીસ પૂછતી-પૂછતી આવી પછી વાત વહેતી મૂકેલી કે રણજિતના મિત્રો હતા. અંબાજી ગયેલા એટલે વળતી વખતે મળવા આવેલા. લાલભા મૂછમાં હસી પડ્યા. થુંબડીનાં કૂતરાં લાલભાને લેવા દોડી આવ્યાં. વિચારોમાં થુંબડી સુધી આવી ગયા તો ધ્યાનમાં હતું. ઉતાવળા થઈ ઢાળ ચડવા લાગ્યા. તરસ અને તલપથી ગળું સુકાવા લાગ્યું. પણ પહેલા તો સમાચાર પૂછી લેવા હતા. આંગણામાં આવી ખોંખારો કર્યો. રણજિતની છોકરી પાણી લઈ દોડી આવી. લાલભા કશું પૂછે પહેલાં કહેવા માંડી.

‘દલુકાકા હજુ ગયા નથી. ફોનની રાહ જોવી શી.’

લાલભા કશું બોલ્યા નહીં. પાણીના બે ઘૂંટ ભર્યા. ખાટલામાં બેસી પડ્યા. રણજિતના બે છોકરા-છોકરી, પથુભાનાં ડોસી ને પશુભાની રિસાઈને બેઠેલી છોકરી બધાંય ભેગાં થઈ ઘૂસ-પૂસ કરી રહ્યાં હતાં. બધાંય મારાં વાલાં અંદર ભરાઈ બેઠાં છે, એમ થોડો રસ્તો નીકળી જવાનો હતો? જાણે એક-બે ભમરા કાનની આજુબાજુ આવી એકધારુ ગુણ... ગુણ... ગુણ ના કરતા હોય, કશો સ્પષ્ટ અવાજ હતો.

પવન આવ્યો. લાલભાના શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઈ ગયું. લાલભા ગઢીમાં જોવા નમ્યા. પણ અડધું-પડધું દેખાયું. ડમરી ચઢે ને સુક્કાં પાંદડાં-કાગળ ચકરાતાં-વમળાતાં ઉંચે ચડવા મથે ને તરત બધું ત્યાં ને ત્યાં વેરાઈ જાય તેમ ઘરમાં બધું ચક્રાવે ચડી વેરાઈ જતું હતું. એકબીજાનાં મોંઢાં આગળ પાછા હાથના ઈશારા.

- જોને વાતે વળગ્યાં સે. જાણી બાપ-દાદાની જાગીર લૂંટાઈ જવાની ના હોય! લાલભાને સનેપાત ઊપડવા જેવું થયું. માથું ખંચેરતા હોય તેમ પાઘડી ઉતારી ઑશીકે નાખી. આડો દિવસ હોત તો થોડું પી-ખાઈ પરવાળી-કમાડ વાખ્યું, કટલું વાખ્યું. દીવો કર્યો રાણો અમે અમારે ઊગ્યા; પ્રભુ, તમે તમારું જાણો-જેવું કહી ચાદર તાણી નસકોરાં બોલાવતા હોત. પણ આજે એમને જંપ નહોતો.

ઘરમાંથી પાછો કલબલાટ અવાજ આવ્યો. લાલભાને આજે બધીય રાજવી મર્યાદાઓ તોડી બધાંની વચ્ચે જઈ ઊભા રહેવાનું મન થયું. મોંઢા-મોંઢ સંભળાવી દેવું હતું. શૅની પળોજણ માંડી છઅ. આમ ગૅહ જેવા થઈ જયે થોડું ચાલશે. રણજિત તો ડુંગરનો વાઘ છઅ. હમણાં આવળ ને બાવળ જુદા કરી ના આવે તો મને ફટ કહેજો. લાલભા બોલી ના શક્યા. પેઢીઓથી ચાલતી મર્યાદા થોડી તોડાય છે? બે હાથે પગ નીચેનું ધોતિયું ભેગું કર્યું. પગનાં પાવલાં એકબીજાથી ઘસી રેત ખેંચેરી પગ ઉપર ખેંચ્યા. પલોઠી લગાવી. મૂછે વળ દીધો. એમ કર્યેય ભીતરનો ભાર થોડો હળવો થવાનો હતો?

ભાર ક્યાં આજનો હતો? લાલભા-પથુભા અને કનસિંહના બા-બાપુજી તો નાનાં મૂકીને એક્સિડન્ટમાં મરી ગયેલા. દાદા હતા ત્યાં સુધી તો ચાર ગામની જાગીરીનો વટ રહેલો. આઝાદીની અસર અહીં ગામડાં સુધી હજુ ક્યાં આવી હતી? દાદા રાજકારણમાં રસ નહોતા લેતા. પણ ગાંધીનગર સુધી એમનો અવાજ અધિકારીઓ સાંભળતા. દાદા ઊકલી ગયા ને ભાયાતોના ઝઘડા વધી પડ્યા. કનકસિંહે બધાંની પીઠ પાછળ ઘા કરી, જાગીરી પોતાને નામે કરાવી દીધી ને હવેલી બથાવી પાડી. લાલભા પશુભાને થુંબડી પર બનાવેલી ગઢીઓ આપી. તો દાદીમાએ વલોપાત કર્યો ને થોડી જમીન વહેંચી. નહીંતર ગુજારો કરવાનાંય વખા થઈ પડત.

લાલભાનું માથું ગુસ્સામાં તગવા લાગ્યું. કેમ કોઈ નીકળતાં નથી. કે કશું બોલતાંય નથી? એક પળ તો થયું અંદરથી અફીણ મંગાવી ઘોળીને બધુંય પી જાય. તે ભલે ને બે દિવસે ભાન આવે. એટલામાં પથુભા હોકો લઈ આવતા ભળાયા. ને લાલભાનો સનેપાત ઓછો થયો. ‘કાંઈ સમાચાર આવ્યા?’ પથુભા હોકો ખેંચતાં ખાટલાની પાંગથે બેઠા.

‘કાંઈ નથી.’ લાલભાએ માથાના બાલ પર હાથ ફેરવ્યો. પથુભાએ હોકાની નૅ સાફ કરી લાલભાને ધર્યો. પછી પાઘડી સહેજ ઊંચી કરી પથુભા માથામાં ખણવા લાગ્યા. લાલભાએ ઉપરાછાપરી બે-ચાર કસ ખેંચ્યા. ત્યાં સુધી પથુભા કંઈ બોલ્યા નહીં. લાલભાની નજર પથુભા પર પડી. પથુભા મલકાતા હોય તેવું લાગ્યું. સાલું નીચાજોણું થયું. વખતે એમની વાત માની ગયા હોત તો વલે ના થાત. જેવુ વિચારી લાલભાએ ઊંડો કસ ખેંચ્યો. પછી હોકો પથુભાને આપ્યો.

લાલભાને પશુભાની મૂછો હવામાં ફર-ફરતી હોય તેવી લાગી.

નાનકાની સગાઈ પરપરગણામાં થઈ રહી હતી. ત્યારે પશુભાએ ઘસીને ના પાડી હતી. પરપરગણાનો અનુભવ એમને કડવો થયો હતો. દીકરીને મોટા ઉપાડે પરપરગણે પરણાવેલી. ત્યાંની જાગીરી જોઈ અંજાઈ ગયેલા. પણ જમાઈ દારૂડિયો-ધમાલિયો નીકળ્યો. દીકરી છેલ્લા સાત વર્ષથી રિસાઈને બેઠી હતી. પરપરગણાનાં અજાણ્યા કાંધિયાઓની આછકલાઈને કારણે હજુ સુધી કોઈ રસ્તો નીકળ્યો નથી. છેવટે કોર્ટે કેસ મૂક્યો. તો મુદ્દતના ઘસરડા હાથ લાગ્યા.

પથુભાએ હોકલીની દેતવા આઘીપાછી કરી. ને ફૂંક મારી. આંખમાં દેતવાની નાની પત્તી પડી. હથેળીથી આંખ મસળતાં કહી ઉઠ્યા, ‘રાંડ-ગાંડ ને તાપણી, મારી હારી કદીએ ના થાય આપણી.’

લાલભાએ દાઢ દબાવી, ‘કાયદાય એમના. કોણ કહે...?’ ભીતરનો ઊકળાટ પાછો બેઠો થયો. દૂર કોણ ઓળખીતું હોય? જામીન આપ્યે છૂટકો. પોલીસ તો બેય બાજુથી પૈસા ખંચેરવાની. બાજુથી પોલીસ હૉત તો? લાલભા ડોલી પડ્યા. પેલો પ્રસંગ એમને યાદ આવ્યો.

ગામના વજેસંગના રઘુની ઘરવાળીએ ટૂંપો ખાધો હતો. ગામ આખું ફફડાટમાં હતું. સામેનો વેવાઈ માથાભારે હતો. જાણશે તો ધોળા દહાડે તારા ગણાવશે. ગામ આખું જાણે બૉડી બાંમણીનું ખેતર. કોઈને કશું સૂજતું હતું. બધા થુંબડી પર આવી ભરાઈ બેઠા હતા. કબૂતરની જેમ ફફડે. કો’ક રસ્તો કાઢવો પડશે નહીંતર વેવાઈ માથે છાંણાં થાપશે. હમણાંથી રણજિતને ધારાસભ્ય સાથે ઘરોબો બંધાયો હતો. ઈન્સ્પેક્ટરેય ઓળખીતા થઈ ગયા હતા. રણજિતે ફોન પર ઈન્સ્પેક્ટરને સમજાવ્યા. સમ્મત થયા.

‘વેવાઈને બોલાવી દો. અમે આવી જઈએ છીએ’ ઈન્સ્પેક્ટર ભરેલી જીપ સાથે હાજર થઈ ગયા હતા. રઘુનાં સાસરિયાં ત્રણ જીપો ભરીને આવ્યા હતાં. ઘણી વાર સુધી ગામને ઝાંપે રક-ઝક થઈ. જોકે પોલીસ હાજર હતી એટલે ઝાઝી માથાકૂટ થઈ. રણજિતના મિત્ર ઈન્સ્પેક્ટર વચ્ચે પડ્યા ત્યારે વેવાઈ પક્ષના જપીને બેઠા. છેવટનો ઉકેલ તો રણજિતે આપેલો. -મા વગરની થઈ ગયેલી રઘુની છોકરીના નામે પચાસ હજાર બેંકમાં ફિક્સ કરી દેવા. જેથી એનું ભવિષ્ય બગડે નહીં. રઘુના સાસરિયાં સમ્મત થયાં. પણ વજેસંગ જોડે હાલ રૂપિયા ક્યાંથી હાજર હોય. રણજિત ઘરમાંથી કાઢી લાવેલો રોકડા પચ્ચીસ હજાર. ને બાકીના પૈસાની જવાબદારી લીધી ત્યારે સમાધાન થયું હતું. લાશને અગ્નિદાહ દઈ રઘુનાં સાસરિયાં ગયાં. આખા ગામને કળ વળેલી. પેલો વજેસંગ હમણાં સુધી કહ્યા કરતો હતો. ‘રણજિતસિંહ ના હોત તો જેલના સળિયા ગણતા હોત. ચાર ગામમાં કોઈની દેન છે કે આવો રસ્તો કાઢે.’ સાંભળીને કનકસિંહ અને એના દીકરા રાજસિંહને તો ભોંયરામાં જઈ ભરાઈ જવાનું બાકી રહેલું.

ઘરમાંથી પથુભાનાં ડોસી અને દીકરી બહાર નીકળ્યાં. ગઢી તરફ ગયાં. ‘શુ વિચારમાં પડ્યાં’તાં?’ પથુભાએ હોકલી ધરી.

‘કાંઈ નહી.’ લાલભાએ હોકલી લીધી. ‘વિચારતો હતો કે રણજિત બધા પોલીસવાળાઓને ફોસલાવ્યા હશે. એમની ચા પીને પાછો આવશે.’ લાલભા ઝીણી આંખે મલકાયા. ને ઉપરા-ઉપરી હોકાની બે-ચાર ગડુડાટી બોલાવી. પશુભા આગળ કશું બોલે પહેલાં ગઢીમાંથી એમના નામની બૂમ પડી. ‘મારાં હળાં જંપીને બેસવાય નહીં દેતા’ કહેતા હોકો લઈ ઊભા થયા. ચાલતા થયા. થોડા આગળ ચાલ્યા. કશું યાદ આવ્યું હોય એમ ઊભા રહ્યા, ‘અમારો દલસિંહે માથે પડ્યો. કાગળિયાંની ફાઈલ તો એની સાસરીયામાં છેક ઓઢવ મૂકી હતી. વેરાની પાવતી એમાં. બપોરે યાદ આવી. ઠેકાંણા વનો...’ પછી ચાલતી પકડતાં કહેતા ગયા, ‘લ્યા મું ફોન કરું છું તે જલદી પહોંચે.’ લાલભાએ કતરાતી આંખે જોયું. જાણે પથુભા અંધારામાં સંતાઈ ગયા. લાલભા એકલા પડ્યા. પશુભા પર ખીજ ચડી, ‘હોકો મૂકી ગયો હોત’તો એનઅ ખબર તો છઅ કે છોરીએ મારો હોકો ફોડી નાખ્યો છઅ.’ લાલભાને પશુભાનો હોકો ઝૂંટવી લઈ આવવાની ઈચ્છા થઈ. આમ તો ક્વૉરીમાં ભાગીદારી કરીને નુકશાન પડ્યું ત્યારે તો પથુભાનો હોકો ને હાથ સુકાઈ ગયા હતા. પણ રણિજતે આડા પડી સુખનો ઓડકાર આપ્યો.

લાલભાના મનમાં પાછલાં બે વર્ષો હડિયૉ કાઢવા લાગ્યાં. ગામના સરપંચની ચૂંટણીનાં પડઘમ ગાજવાનાં હતાં. ચાર ગામની એક ગ્રામપંચાયત. બે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં. રાજસિંહે અને રણજિતસિંહે. આખુંય ગામ મૂંઝારામાં પણ લોકોના ધ્યાનમાં તો પેલા બે કામ આવેલાં. ચાર ગામનો બોર પાસ કરાવ્યો. બધા હેરાન થતા હતા સતલાસણા સુધીનો પાક્કો રસ્તો કરાવ્યો. રણજિત સિવાય કોણ કરે? ચાર ગામને રણજિત પર ભરોસો હતો. રાજસિંહ બચેલા રાજનો ખજાનો વેરવા માંડેલો. છેવટે રણજિત ત્રણસો મતે જીતી ગયેલો. ત્યારે તો હવેલીના દીવા ઝાંખા પડી ગયેલા.

રણજિતે બધીય યોજનાઓના લાભ ગામને અપાવ્યા. એક વર્ષમાં તલાટી ને મામલતદારની ઘરે ઊઠક-બેઠક બની ગયેલી. ઈંગ્લિશ દારૂને મરઘીની વાસ ભાળી ગયેલા તલાટીને પટાવી રણજિતે જે ડુંગરા કોઈના નામે નહોતા તેવામાંથી એક પથુભાના અને બે લાલભાને નામે કરી દીધા. રાજસિંહે ઘણા ઉધામા કર્યા. કોણ એનું સાંભળે? ચેકડેમોના કામોય રણજિતે ઘરના સભ્યોની બનાવેલી મંડળીના નામે કર્યાં, ને જીગર વાપરીને સીમાંત રોજગારી કાર્યક્રમના પચાસ હજાર પાસ કરાવી, જાતે ટ્રેક્ટર ફેરવી સમથળ કરી દીધું. રાજસિંહે દૂરની રાજકીય વગ વાપરી છેક ગાંધીનગરથી અધિકારીઓ તપાસે બોલાવ્યા. ચોપડે બોલાવેલા મજૂરો પાણીના પોટલાની જેમ છૂટી પડ્યા. અહીંના અધિકારીઓ હોત તો રણજિત ફોડી દેત. અલબત્ત પ્રયત્ન ક્યાં નહોતો કર્યો? પણ કનકસિંહ! ને રણજિતની જાહોજલાલી જેમની આંખોમાં ખૂંચતી હતી. તેમની વિરોધ અરજીઓને કારણે અધિકારીઓને હાથ ખંચેરવા પડેલા. ને સસ્પેન્ડ ઓર્ડર આપેલો.

ફોનની ઘંટડી રણકી. ઘરમાં બધાં ઊંચાં-નીચાં થઈ ગયાં. લાલભા હડફ દઈ બેઠા થયા. ઓસરીમાં આવ્યા. દૂરથી પૂછી વળ્યા, ‘શુ કીધું બુન?’

રણજિતની છોકરી દોડતી આવી. ‘કટ્ થઈ ગયો’.

લાલભા હાથની ઑગળીઓ દબાવતા પાછા આવ્યા. જાણે પગ નીચેથી થુંબડી ખસી જતી હોય તેવું લાગ્યું. લાલભાની છાતીમાં કોરો દારૂ પીધા પછી બળતરા થાય તેવી બળતરા ઊપડી. પેલા ઈન્સ્પેકટર નિવૃત્ત થઈ મુંબઈ ચાલ્યા ગયા. ક્યાં ખોળવા? લાલભા દાંત ઘચડવા લાગ્યા. એમ હિંમત હારી જાય તેવા નહોતા. લાલભા ખાટલામાં બેઠા. દાદીમાની યાદ આવી.

બે ભાઈઓને થુંબડી પર રહેવા આવવું પડ્યું ત્યારે દાદીમાએ હિમ્મત આપેલી, ચિંત્યા ના કરતા. થુંબડી પર તો પહેલાં વાઘ રહેતા’તા. તારા દાદા થુંબડી પર જતા ને એમનો રુઆબ બદલાઈ જતો. એટલે તો એમણે થુંબડી પર ગઢીઓ બનાવેલી. કોઈ કામે મહેલમાં ઢીલા પડતા તો થુંબડીની ગઢીમાં આવતા. ને એવી ત્રાડ નાખથા કે બધા મળતિયા શિયાવિયા થઈ જતા. ત્યાં જઈ તમેય વાઘ જેવા થઈ જશો.

લાલભા આખી થુંબડી જોવા આંખો ભમાવવા લાગ્યા. થુંબડી જાણે વાઘ વગરની સૂની થઈ ગઈ હતી. થુંબડીમાં દૂર અરવલ્લીના ડૂંગરોમાં વાયરો વા’ય ને અવાજ આવે એવો અવાજ લાલભા અનુભવતા. અવાજ આજ સંભળાતો નહોતો. લાલભા થોડા સ્થિર થયા. પણ બધું સ્તબ્ધ. લાલભાને થોડે દૂર ઊભા રહી આખી થુંબડી જોવાની અબળખા જાગી. આમેય ક્યારનું વાડામાં જવું હતું.

લાલભા ઊભા થયા. પગ દાબી-દાબીને ઢાળ ઊતર્યા. પહેલા ઑગા પાસે જઈ ઊભા રહ્યા. વદ બીજનો ચંદ્ર સંતાતો હતો. લાલભા વાડે બેઠા. ત્યાં તો એમના કાને અસ્પષ્ટ અવાજ સંભળાયો. અંધારુ ફંફોસતા બોરડી પાસે જઈ ઊભા રહ્યા. પાછલાં ઓગાંમાં બૈરાં ડોગલે બેઠાં હતાં. એમનો અવાજ સંભળાયો.

- રતનસિંહ અને રાજસિંહ બધું પાક્કું કર્યું છઅ. ફેરા રણજિતસિંહ જેલ ભેગો. મોટો રાજવી થવું’તું. પૈનો થઈ જશે.

- હાંભળ્યું છઅ કે પશુભાનો દલુંસિંહ ભળી ગયો છઅ.

- હૉવઅ. જવાનો નથી. સવારે જોજો આખા ગામમાં થૂ... થૂ...

પછીના શબ્દો ઑગામાં અટકાઈ પડ્યા. ટાઢા વાયરે ભીંસી લીધા. પગમાં ખાલી ચડી આવી. ગઢી તરફ ચાલ્યા. થુંબડીનો ઢાળ ચડતાં પહેલી વાર થાક વર્તાયો. પગ ઠરવા લાગ્યા. થુંબડી કેંમ ઠરી ગઈ છઅ? લાલભા આખી થુંબડી જોવા આંખો પહોળી કરવા માંડ્યા. ઊંચા ઢાળ પર પગ મૂકતાં રેતનું ઢેકું તૂટ્યું. પગ ખસી ગયો. લાલભા ધબ્બ દેતા નીચે પડ્યા. હાથ ફેલાઈ ગયા હતા. એમ ને એમ એમણે જોયું તો થુંબડી અંધારામાં એકાકાર થઈ ગઈ હતી.

સ્રોત

  • પુસ્તક : થુંબડી (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સર્જક : સંજય ચૌહાણ
  • પ્રકાશક : લટૂર પ્રકાશન
  • વર્ષ : 2013