thakorsaheb ane yavanii - Short Stories | RekhtaGujarati

ઠાકોરસાહેબ અને યવની

thakorsaheb ane yavanii

પ્રવિણસિંહ ચાવડા પ્રવિણસિંહ ચાવડા
ઠાકોરસાહેબ અને યવની
પ્રવિણસિંહ ચાવડા

શિકારે ગયા હતા ત્યાંથી ઠાકોરસાહેબ યવનીને લેતા આવ્યા. યવની નામ તો એમણે આપ્યું; મૂળ તો કદાચ જમની હશે. એક વનવાસીને આંગણે અશ્વની લગામ ખેંચી હતી. પાણી પીને એડી મારવાની હતી કારણ કે હરણથી છેટું પડે તે સહન થતું નહોતું. એ વખતે જંગલની કેડી ઉપર ઉઘાડી પગલીઓ મૂકતી વનવાસીની પુત્રી આવી. કેડમાં મધનો કુંભ હતો. બાપે કહ્યું, મહેમાનને ચખાડ ચખાડ. છોકરીએ ઊંચા થઈને જમણા હાથે વાડકી ધરી ત્યારે ઠાકોરસાહેબના ધ્યાનમાં આવ્યું કે મધ અને એની લાવનારી જુદાં નહોતાં. પછી તો મૂળ કાર્યક્રમ બાજુએ રહ્યો. એ ઘોડેથી નીચે ઉતર્યા અને ખાટલી ઉપર બેસીને વૃદ્ધની સાથે મકાઈ અને મહુડાની વાતો કરી. જંગલ ક્યારેય આટલું એમની સામે ઊઘડ્યું નહોતું. મહુડાની ત્રણ પ્યાલી ઉપરાઉપરી ચડાવીને ડોસો 'બાવજી બાવજી' કરતો આંગણામાં નાચવા લાગ્યો.

ઠાકોરસાહેબ બબડ્યા, 'એ જ સુગંધ, એ જ સ્વાદ.'

હરખાતા બાપે દીકરીને કહ્યું, 'આખો ઘડો જ આપી દે.'

એનું નૃત્ય તો જલદી પૂરું થાય એવું નહોતું. વચ્ચે એને અટકાવીને ઠાકોરસાહેબે વિવેવકપૂર્વક નમીને, કુંભની સાથે એના વિસ્તાર સમી છોકરીને પણ માગી લીધી.

પાછા વળતાં નગર નજીક આવ્યું ત્યારે એક નાની ટુકડી જુદી પડી. એક પાલખીને ચારે બાજુથી ઘેરી ભાલા ચળકાવતા ઘોડેસવારો ગામથી દૂર આવેલા મહેલ તરફ ગયા. આગળ સરોવર અને પીઠ પાછળ ડુંગર એવો એ મહેલ વિશિષ્ટ હતો. ત્યાં ચુનંદા ચાકરોના હોઠ ઉપર હંમેશાં ગુપ્તતાનો મંત્ર રહેતો. દાસીઓ ચાલતી નહીં પણ સરકતી. માંદા બાળકને ફૂંક મારતી હોય એવી ભાષા એ બોલતી. એમને અડધું અંધારામાં અડધું અજવાળામાં અલપઝલપ અસ્તિત્વ હતું.

બીજા દિવસે સાંજે ઠાકોરસાહેબ એ મહેલ ઉપર ગયા ત્યારે પ્રવેશતાં પહેલાં મનોમન એને 'યવનીનો મહેલ' એવું નામ અપાઈ ગયું. પોતાનું હંમેશનું ઊંચું આસન છોડીને એક નાની ખુરશી ઉપર એ બેઠા. એકએક દાસી ચુપચાપ હળવેથી આવી, દૂર બારણામાં પાસે બેસીને ઓવારણા લીધાં અને ચાલી ગઈ. છેલ્લે કૌશલ્યા આવી. એણે બારણામાં પેસતાં માથું નમાવીને ઠાકોરસાહેબની અડોઅડ બેઠક લીધી. થોડીવારે બે દાસીઓ બે બાજુથી સાહીને યવનીને લાવી. રંગરંગીન વસ્ત્રોવાળી નમણી દાસીઓની વચ્ચે વન્ય પશુ અડવું લાગતું હતું. એની આંખોમાં ભય હતો. ઠાકોરસાહેબ એને જોયે ગયા એમ ધીમે ધીમે ઝમીને હાસ્ય આંખોના ખૂણે પાણીરૂપે એકઠું થયું. છોકરીને નવડાવવાનો પ્રયત્ન તો થયો હતો પણ હજુ પોપડા દૂર થયા નહોતા. શરીર નવાં વસ્ત્રોથી વેગળું રહેતું હતું. કેશ મેલા અને ભૂખરા હતા. એટલે કે, વનમાં પ્રથમ દૃષ્ટિએ જે રૂપ ઝિલાયું હતું તે તડકાની રમત નહોતી.

કૌશલ્યા એના જમાનાની સુંદરી હતી. માલિક સાથેના સંબંધોનો એક તબક્કો પૂરો થયો પછી એ એમની મિત્ર અને સલાહકાર બની હતી. વિલાસના તેમ વેદનાના બધા રાગોથી તે પરિચિત હતી. ઠાકોરસાહેબ યવનીને જોતા હતા ત્યારે તે એમની આંખોને તપાસતી હતી.

એણે પ્રશ્નાર્થમાં ભવાં ઊંચા કર્યા, 'હુકમ?'

ઠાકોરસાહેબ કંઈ બોલ્યા નહીં. યવનીને લઈને દાસીઓ ચાલી ગઈ પછી કહ્યું, 'કૌશલ્યા.'

'હૂકમ.'

'ધોવામાં આવે પણ તે બંબા વડે નહીં, ભીની પાતળી પીંછી વડે. અંગમાંથી ઊભડકપણું જાય, પણ નૃત્ય રહે. આંખોમાંથી ભય જાય, પણ વિસ્મય રહે–'

કૌશલ્યા હસી.

'તારે હિસાબે કેટલો સમય લાગશે?'

પ્રકૃતિનું એક મોટું ચક્ર કૌશલ્યાની દૃષ્ટિ સમક્ષ ફરી ગયું. એણે કહ્યું, 'મુદત આપો છો તો પૂરા બાર મહિના આપો.'

જમીનમાંથી ખોદી કાઢેલા કાચા સોનાના ગચ્ચાને તપાવવું, તાવવું અને ટીપવું એટલું પૂરતું નહોતું. એને પ્રભાતની, સંધ્યાની અને મધરાતની તેમ શ્રાવણની, શરદની અને ફાગણની ભાવના આપવી પડે.

કૌશલ્યા અચ્છી વહીવટદાર હતી. બીજા દિવસથી સરોવરકિનારાના એ મહેલમાં દૂતોની અવરજવર ચાલુ થઈ. વૈદોને તેડાવવામાં આવ્યા. યવનીને માટે ભોજનની અલગ યોજના બનાવવામાં આવી. એ જ રીતે એના પ્રસાધન વિશે પણ મંત્રણાઓ થઈ. જંગલમાંથી વિવિધ મૂળિયાં અને નદીની માટી લાવવાના સૂચનને કૌશલ્યાએ ફગાવી દીધું. એ બધું તો જરૂર કરતાં વધારે માત્રામાં હતું. જે હતું એનો ખપ પૂરતો જ ભાગ રાખી બાકીનું ધોઈ દેવાનું હતું. લખનૌ અને દિલ્હીથી સોદાગરોને તેડાવવામાં આવ્યા. વિવિધ સાબુઓ હાજર થયા. પાલનપુરથી અત્તર આવ્યાં. કૌશલ્યા રૂપને વરસાદ, નદી, હરણ અને મોર દ્વારા સમજતી હતી. યવનીને એણે સવાર-સાંજ બગીચામાં ચલાવી. રોજ રાત્રે ચંદ્રના કે તારાઓના પ્રકાશમાં બંને સરોવરમાં તરે ત્યારે કોઈ વાર એને લાગતું કે યવની માછલી બની જાય છે.

ઠાકોરસાહેબના મહેલમાં સમાંતર બીજી પ્રવૃત્તિઓ ચાલતી હતી. દૂરથી ગવૈયા આવતા હતા. મોડી રાતના એકાન્તમાં મૌનની સૂક્ષ્મ છાયાઓ રચાતી. શૃંગારથી શરૂ થતી મહેફિલ મધરાત પછી વેદનાના સ્વરો પકડતી. આ અભ્યાસ વહીવટને માટે પણ ઉપકારક સાબિત થયો. વહેલી સવારે ઊઠીને ઠાકોરસાહેબ કચેરીમાં હાજર થતા અને કારીગરોના, ખેડૂતોના, વનવાસીઓના પ્રશ્નો સાંભળતા. પોતે ખાસ બોલતા નહીં પણ સચિવો એમની દૃષ્ટિના અર્થ સમજીને પ્રશ્નોનો નિકાલ કરતા. ક્યારેક કોઈ અધિકારી વધારે પડતી રાજભક્તિથી પ્રેરાઈ નાણાં ખર્ચવામાં સંકોચ બતાવે ત્યારે એ ધીમેથી કહેતા, 'જેનું છે એને આપવાનું છે.'

મનમાં રટણ ચાલતું – યવની યવની.

મુદત પૂરી થતાં કૌશલ્યાનું તેડું આવ્યું અને એ યવનીના મહેલમાં હાજર થયા. હરખાતી કૌશલ્યા, છાતી ઉપરથી ખસી જતા વસ્ત્રને સરખું કરતાં, વર્ષ દરમિયાનની પોતાની પ્રવૃત્તિઓનો અહેવાલ આપવા જતી હતી ત્યાં એક છોકરી દોડતી આવી અને ભૂલી પડી હોય એમ કંઈક મૂંઝવણ સાથે નવા આવેલા મહાનુભાવને જોઈને ખંડની વચ્ચોવચ્ચ ઊભી રહી ગઈ. એણે તો દાસીઓથી વીંટળાઈને મલપતાં આવવાનું હતું પણ આયોજનને અવગણી, દાસીઓની સાથે થોડાં વસ્ત્રોને પણ તરછોડીને એ દોડતી આવી હતી. એક ક્ષણ કૌશલ્યાની ભમર ખેંચાઈ, પણ માલિકના ચહેરા ઉપર પ્રસરતા હાસ્યને જોઈને એની કલા વિશેની સમજ પણ જાગ્રત થઈ. વિદ્યાર્થિનીના આ રીતના પ્રવેશમાં તો સહજતાનો ગુણ હતો.

બે માણસો એકબીજાને વિસ્મય સાથે જોતાં રહ્યાં. યવનીનો અડધો ચહેરો લાંબા ખુલ્લા કેશ વડે ઢંકાયેલો હતો. ખૂબ પાતળાં વસ્ત્રો એક તરફ એના અંગમાં અને બીજી તરફ હવામાં ભળી જતાં હતાં. ત્વચાનું મધ અકબંધ હતું. ઠાકોરસાહેબને થયું, આંખોનો આસમાની રંગ કેમ પહેલી મુલાકાતે દેખાયો નહોતો? બે પતંગિયાં બેઠાં હોય એવી પાંપણો પણ શું કૌશલ્યાની સઘન તાલીમનું પરિણામ હતી?

ઓરડાની વચ્ચે ઊભેલા એ શિલ્પને નિહાળતાં એમણે કહ્યું, 'કૌશલ્યા.'

'હુકમ.'

'સાંજનો સમય છે. સરોવર ઉપરથી અનુકૂળ પવન પણ વાઈ રહ્યો છે. તારી વિદ્યાર્થિનીને વિનંતી કરીશું કે કંઈ ગાય?'

'ગાવાનું તો, હુકમ-'

'ખંડમાં ફરતાં રમતાં, અથવા બગીચામાં નૃત્યના તાલની સાથે-'

'નૃત્ય પણ, મારા માલિક–'

માલિકે ધીમેથી કહ્યું, 'આને લઈ જાઓ.'

પોતાનાથી શી ક્ષતિ થઈ તે ન સમજતી યવની પાછળ નજર કરતી ધીમે ધીમે ચાલી ગઈ.

કૌશલ્યાનો ક્ષોભ દૂર કરવા ઠાકોરસાહેબે હસીને કહ્યું, 'કૌશલ્યા, ભીતરના ભાગો તો બાકી રહી ગયા!'

કૌશલ્યાએ ચિંતા સાથે એમના હાથ ઉપર હાથ મૂક્યો, 'મારા માલિક, આપને શાની શોધ છે?'

ઠાકોરસાહેબના મૌનનો અર્થ થતો હતો – પ્રશ્નનો જવાબ પણ તારે શોધવાનો છે.

બીજા તબક્કાની તાલીમ માટે મલ્હારરાવ નામના, રાજ્યની હાઇસ્કૂલના નિવૃત્ત હેડમાસ્ટરના હાથ નીચે વિસ્તૃત તંત્ર ગોઠવાયું એમાં સંગીત અને નૃત્ય ઉપરાંત સંસ્કૃત, અંગ્રેજી, વસ્ત્રપરિધાન, ઘોડેસવારી, ટેબલટેનિસ અને શિષ્ટાચાર જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. એ માટે જુદા જુદા નિષ્ણાતો આવ્યા એમાં શર્લિ વ્હાઈટ નામની અંગ્રેજ ગવર્નેસ પણ હતી એ સહુની મીઠી ફરિયાદ એ હતી કે ડગલે અને પગલે લગામ ખેંચવી પડતી હતી. તોડીને, છિન્નભિન્ન કરીને આગળ નીકળી જવા મથતી વિદ્યાર્થિનીને જે તે શાસ્ત્રની મર્યાદામાં બાંધી રાખવાનું કામ અઘરું હતું. ધીમેધીમે યવનીમાંથી નકાર ઓછો થયો અને એનું ઉડ્ડયન વિનિયમિત થયું. માથું નમાવીને એ વારંવાર કહેવા લાગી, 'યસ સર, યુ આર રાઈટ, સર.' એકાગ્રતાથી કોઈની વાત સાંભળવી, સામા માણસની સાથે સંમત થવું, તે એને સારું લાગવા માંડ્યું.

કૌશલ્યાએ રૂપના ફુવારા જેવો જે આવિષ્કાર કર્યો હતો એની રજ ઠાકોરસાહેબનાં વૃદ્ધ ગાત્રો ઉપર સતત ખર્યા કરતી હતી. આ વખતે એ દૂર બેસી રહ્યા નહીં. કૌશલ્યા અને થોડા અંગત ચાકરો સિવાય બીજું કોઈ ન જાણે એમ એ ગુપ્ત રીતે આવતા અને દૂર, પડદાની કે વૃક્ષની પાછળ ઊભા રહી જોતા અને સાંભળતા. ભાઈ, યવનીની ચાલમાં તો ગરવાઈ આવી છે! આંખો ચારે બાજુથી સતત ભીનાશ જ ખેંચ્યા કરે છે!

એવી એક મુલાકાત પછી એ કૌશલ્યાની પાસે થોડી વાર બેઠા, યવની માટે નવાં પુસ્તકોનાં પાર્સલો આવ્યાં હતાં તે જોયાં, શરબત પીધું અને વિદાય લીધી. એક વૃક્ષની પાછળ ઊભેલા અશ્વની લગામ ઉપર હાથ હતો ત્યારે બગીચાના દૂરના એક ખૂણામાં ઉડતું વસ્ત્ર એમને દેખાયું. મનમાં થયું, ઉડવાનો અભ્યાસ ચાલી રહ્યો છે શું? શરારતી બાળકની જેમ વૃક્ષોની પાછળ, મેંદીની વાડની ઓથે, પાંદડાં ખખડે નહીં એમ ચાલતા એ પેલી જગ્યાએ પહોંચ્યા તો ત્યાં કોઈ નહોતું. હાસ્યને આંખોમાં રોકીને થોડી વાર ઊભા રહ્યા ત્યાં બીજી દિશામાંથી સ્વરનો એક ખંડ હવા ઉપર તરતો આવ્યો. સુગંધિત છોડવા અને વૃક્ષોનો ટેકો લેતા, એમને પંપાળતા, એ ઢાળ ઊતર્યા. ત્યાં મોટાં વૃક્ષોની વચ્ચે ઝરણું હતું. એક ખડક ઉપર યવની, વસ્ત્રોને સહેજ ઊંચાં લઈ, પગ પાણીમાં બોળીને બેઠી હતી. પાસે સંગીતશિક્ષક બેઠો હતો. પગ અને પાણી વચ્ચે ચાલતી હતી એવી જ રમત બંનેના સ્વર વચ્ચે પણ ચાલતી હતી. યુવક ગાતો હતો હવાને અને પાણીને સંબોધીને. યવની પ્રતિસાદ આપતી હતી પક્ષીઓ અને વૃક્ષોને.

થોડી વારે અચાનક ઠાકોરસાહેબને પોતાની સ્થિતિનું ભાન થયું. ચોરની જેમ સંતાઈને જોવામાં અભદ્રતા હતી. એ પાછા વળી ગયા.

બીજા દિવસે યવનીના મહેલમાં એમનું આગમન થયું ત્યારે અશ્વ નહોતો. સાથે કોઈ અનુચર નહોતો. અડધી બાંયનું પહેરણ, સુતરાઉ પાટલૂન અને ચંપલ જોઈને કૌશલ્યાની આંખોમાં પાણી આવી ગયાં. એના માલિકને રાતોરાત શું થયું? લગભગ દોડતી એ બારણે પહોંચી અને છેલ્લાં ઘણાં વર્ષોથી નહોતી નમી એટલી નીચે નમી. પગ ઉપર મસ્તક ટેકવીને આજીજી કરી — હુકમ!

બંને અગાશીમાં બેઠાં. ઠાકોરસાહેબે ચાકરો અને તેમનાં સંતાનોના ખબઅંતર પૂછ્યા. કોણ ક્યાં હતું, શું કરતું હતું, કોની છોકરીને ક્યાં પરણાવી હતી એ બધી વાતોની વચ્ચે અચાનક એમણે કહ્યું, 'જે છોકરો સંગીત શીખવે છે–'

'જી.'

'એને તેં જોયો?'

'જી.'

'કેવો લાગ્યો?'

કૌશલ્યાએ એ વિશે વિચાર્યું નહોતું.

'ક્યાંનો છે, કાશીનો કે બનારસનો?'

'એટલે આઘેથી નથી આવ્યો. આપણા મલ્હારરાવનો જતીન છે. પૂના ભણતો હતો.'

'તો તો જતીન ઘરનો છોકરો ગણાય', સરોવરનાં જળ ઉપર દૃષ્ટિ ઠેરવતાં ઠાકોરસાહેબે કહ્યું, 'કૌશલ્યા—'

'જી.'

'યવની કંઈ વાત કરે છે?'

'શાની?'

'અનુકૂળતાએ, એકાન્તમાં હળવેથી તું યવનીનું મન જાણી લેજે.'

કૌશલ્યા રડી.

'તારી ગેરસમજ થઈ, કૌશલ્યા.'

'મારી કોઈ ગેરસમજ નથી થઈ, મારા માલિક.'

અચાનક કૌશલ્યાને લાગ્યું કે બંને જ્યાં બેઠાં હતાં એ તો ખૂબ નાનો તખતો હતો. પશ્ચાદ્ભૂમાં વિશાળ રંગભૂમિ ઉપર જે મોટો ખેલ રચાયો હતો એમાં દેશ સ્વતંત્ર થઈ રહ્યો હતો અને લોકશાહી આવી રહી હતી.

સ્રોત

  • પુસ્તક : પ્રવીણસિંહ ચાવડાનો વાર્તાલોક (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન
  • વર્ષ : 2020