Tekri - Short Stories | RekhtaGujarati

આમ તો મારું ઘર સારું, રહેવાલાયક. જીવ ઠરે એવું. એને બે બારણાં - એક ઉગમણું, બીજું આથમણું, ઘરના પાડેલા ત્રણ ખંડ, વચ્ચે રસોડું હતું. ડાબે-જમણે બે દીવાલો, ઉપર મજબૂત મોભ. ઢળે ઢાળ નળિયાંનો. નેવાં મોવડી નકશી ભરપૂર. આંગણું સરસ લીંપ્યુંગુપ્યું. ઓકળિયોબદ્ધ ભાતીગળ શોભે.

ઘરના આગલા એટલે કે પહેલા ઓરડાની ઉત્તર ભીંતે મૂકેલી બારી તથા પાછલા ઓરડામાં દક્ષિણ બાજુએ બેસાડેલી બારી બન્ને બારીઓમાંથી હવા-પ્રકાશની આવન-જાવન તો ચાલે દિલરુબા! એના ખૂણેખૂણા હંમેશ ભર્યા ભર્યા યજ્ઞકુંડ સમા બની રહેતા હતા. ક્યારેક કડે હિંડોળો બંધાય અને હળવોય હાલે ત્યારે શરદઋતુ રચાતી તે ભોંયતળિયું માખણવર્ણું બની જતું જુદું.

ઘણી વાર થતું કે મારા કયા મોભીએ ઘર ઉપર એક મોભ ગોઠવી કયા કારણે બે બારણાં રાખ્યાં હશે! પાછાં બન્નેનાં માપસર સાખવાળાં મૂક્યાં છે ચોકઠાં. એમાં ગોઠવ્યા દાભિડયા મરોડદાર સિસમનાં કમાડ, સ્થિર સ્વસ્થ ચણિયારાં, કમાડ વખાય એટલે દૂધના કટોરામાં ચાર ચાર પતાસાં ઓગળતાં હોય એવાં લાગે. ઊઘડે તો બહારનું ગળપણ ઘરમાં, રવેશની પીઠ પીઠ પલળી ઊઠે. ચૉક-પાણિયારું તેજમાં ફાટું ફાટું. ઓરડેઓરડા તંગ રાચરચીલું સાકર સાકર છાંટ્યું. મજૂસ જોયું હોય તો મયૂરાસન. હું એના પર ચડી બેસતો. ગોખ ગોખમાં ક્યાંક આસપાસ કોહિનૂરનો હીરો ઝગમગી ઊઠે. હીરો પકડવા આખા ઘરમાં દોડતો, થાકીને પછી પાછલા ઓરડાના બંધ કમાડોની તિરાડ-ફાડમાંથી આઘે સતત બસ તાક્યા કરતો તો પશ્ચિમ ઢાળ ઊતરતો હોય સૂરજ દેખાય, પાછું ઝાંખુંપાંખું લીલા પર્ણ સરખું આભ. એમાં કાળી ઇયળ-શી બેઠેલી હોય ટેઢીમેઢી એક ટેકરી. પૂંઠળ ઊડે ધૂંવાધૂળ. ખરતાં પોડાં બનીને સરતાં હોય વાદળાં.

ઘણુંખરું સૌને આવવા-જવા પૂર્વ તરફનું દ્વાર હતું, તેથી પશ્ચિમમુખવાળા બારણાને બંધ રાખવામાં આવતું હતું. આમેય બધાંને ઘરનું પૂર્વમુખ ગમતું, કારણ સૂર્ય ક્ષિતિજ આઘી કરીને બહાર નીકળતો એવો સીધો અમારા ઘર-આંગણે કોઈ અતિથી સાધુની જેમ આવીને ઊભો રહેતો હતો. મા, વધામણીરૂપે પૂજન કરી, એના સૂર્યચરણ પ્રક્ષાલતી. માથાથીય અધ્ધર થયેલા બન્ને હાથમાં ઝલાયેલા તામ્રકળશમાંથી નીચે ધરા ઉપર દદળી આવતા જળને મારી હથેલીઓમાં પકડવા મથતો, પાળેલો શ્વાન પણ જોડે પૂંછડી પટપટાવતો ઊભો હોય. દેખીને સામેનાં વૃક્ષ વૃક્ષ અન્યોન્ય ખભે હાથ મૂકી નાચી ઊઠતાં હતાં. એમનેય મા તરાગડો વીંટી દઈને કંકુ-છાંટા નાખતી ત્યારે કેટલાં બધાં પંખીઓ ટહુકી ઊઠતાં હતાં એકસામટાં. ગમતા પંખીટૌકાઓ મારી ચડ્ડીના ખિસ્સામાં ભરી લેતો, પછી પાકાં બોરની જેમ ધીરે ધીરે મમળાવી ચૂસી કંઠમાં ઉતારી દેતો હતો. વાયરો પણ આવે સોડમભયો. વરસમાં ત્રણ ત્રણ વખત ચડતો-ઊતરતો મેઘ ઇન્દ્ર રાજાના મહેલનો ખજાનો ઉપાડી લાવીને ઠાલવતો. એમાં સધળો વગડો મદભયો રૂમઝૂમ. મારી પાંચેય ભગિનીઓના દાગીના ખજાનામાંથી પિતાએ ઘડાવ્યા હતા. મારોય કંદોરો ઘડાવેલો એમાંથી સ્તો. છએ ઋતુઓ નીતરતી રહેતી હતી બારણાના તોરણમાંથી. નીચે ઘોડિયું, એમાં મારાથી નાની બહેન ચખૂ ઊંઘે, મોટી બહેન ચામૂ હાલરડાં સંભળાવતી સંભળાવતી એને ઝુલાવ્યાં કરતી હતી. જોડે તુલસીકચારો જાણે ઘરનું કલેજું, છજે ચન્દ્ર સરખી ઠીબ રોજ લટકતી હોય. ઝરે ઝાકળ ભેજ-ચાંદની.

પેલા પશ્ચિમ બાજુના બારણેથી તો કોઈ ભાગ્યે બહાર નીકળતું કે પ્રવેશતું. મોટે ભાગે એને સાંકળ વાખ્યા વગરનું બંધ રાખવામાં આવતું હતું. કોઈક વખત ઘરના કોઈ નાનામોટા વ્યક્તિથી ભૂલમાં ઉઘાડી દેવામાં આવ્યું હોય તો એને બંધ કરવું મુશ્કેલ. આઠેય જણ મારાં માતાપિતા અને હું, તથા પાંચેય બહેનો ઠેલવા વળગીએ. એમાં સહુથી નાની ચખૂ ઉગમણા બારણેથી રમતી રમતી આવી ચડે, કમાડને જરાક હાથ અડાડી અમથું ઠેલીને, ઠેલવા વળગેલાં બધાંને તાકી લઈને પાછી હસતી હસતી ક્યાંક ઘરના ખુણામાં લપાઈ જતી, અમે શોધીએ તોય જડે નહીં. આથમણું બારણું બંધ કરવામાં પિતાને વધુ બળ-તપ વાપરવું પડતું હતું. એમના ચહેરા પર પ્રસ્વેદ ચડી બેઠેલો દેખાય. માને ઊપડ્યો હોય શ્વાસ. મને તો કામમાં ગમ્મત રહેતી. લાકડાં-પથરા ઠેલવાની મજા, પણ ટેકરી સામેથી ભૂંડણ બની જઈને પરાણે વખાતાં કમાડ વચ્ચે માથું ભિડાવવા દોડી આવીને ભેટાં મારતી, શ્વાસ-સિંકોટા નાખતી જોસપૂર્વક અડધી ઘરમાં ઘૂસી આવતી હતી. હું મૃત દાદાનો દંડેરો એના કપાળમાં ઝીંકતો એટલે પાછી પડતી, પછી રાજીરોળ થતો થતો પૂર્વ આંગણે આવીને રમવા લાગતો. નળિયાનું ગાલ્લું, ઠીકરાંનાં ગોળ ચકરડાં-પૈડાં ને કોઈ ફૂટેલી માટલીના કાંઠલાના બે સરખા સરખા બળદ બનાવીને જોડતો, ફેરવતો. એકાદ બળદ ધૂંસરામાંથી નીકળી ગયો જાણીને બાજુની શેરીવાળી બીલી દોડી આવીને બેબાકળી બળદનું સમોલ-જોતર ઠીક કરી આપતી. મારા જેવડી, રોજ દક્ષિણ બાજુની ગલીમાંથી સફેદ બકરી સાથે આવીને હળવે હળવે ઉત્તર બાજુ નંદ-બલરામના ખેતર તરફ ચરાવવા જતાં જતાં મારી જોડે રમવા જોડાઈ જતી હતી. કેટલીક વાર બકરી ચાલી ગઈ હોય ને મને નીરખતી ઊભેલી જોવા મળતી. ઠીક રહેતું. બીલી જો બોલાયા વગર ઘર આગળથી નીકળી ગઈ તો એના પૂંઠળ દોડી જઈને ચોટલા ઝાલી એના કેશ ખેંચતો. બેવડ વળી જતી. બીલી સિફતથી વાળ છોડાવડાવીને ઓચિંતી મારા તરફ થૂંકી નાસી જતી બહુ આઘે. પછી હું તાજું જન્મેલું લવારું ઉપાડી લાવીને ઊંચકી, તેડી એકીનજરે સૂનમૂન તાક્યા કરતો. જો પોતાનું ડોકું ફેરવીને દેખતી તો બીજે દિવસે પાછો મેળાપ. પિતાએ રોપેલા ઘટાદાર આંબા નીચે બન્ને એકબીજાના હાથ પકડીને ફેરફૂંદડી ફરવા લાગતાં. ગોળ ગોળ ફરફર પવન ચડતો, મજા મજા. જો નીચે ભોંય પર પડી જાય તો હું આખો એના ઉપર. મારા હાડહાડમાં રૂપેણ વહેવા માંડતી હતી. આંગણા પર ઠલવાઈ જતું હતું અઢળક સોનું.

ઉત્તર બાજુના વગડેથી પાછી ફરતી ત્યારે મને ગળચટ્યા સરપોપટા આપતી, અને રોપતી માથામાં એકાદ કલકલિયાનું પીંછું. હું એને બદલામાં સાકરિયા-ચણા આપતો, વળી એના હાથમાં મૂકતો હતો જાસવંતીનું ફૂલ. છેલ્લે બન્નેના મોઢામાં તુલસીનાં પાન રમતાં થઈ જતાં. જોડે જોડે ઊભાં રહી પૂર્વદિશાએ નિહાળી રહેતાં. રાત પડી જાય. ઊમટે શીતલ ધુમ્મસનાં મોજાં, રુવાંટે રુવાંટે ફૂટે પોયણજળટીપાં અને ગગનમાં ધીરે ધીરે ચડતો આવતો હોય ચન્દ્રમા. કોઈક વાર રાત્રે ચન્દ્રમાને પકડવા હું કાંસાની ખાલીખટ થાળી લાવું ને બીલી લાવે લોટો પાણી. જળ રેડીને તાસક ભરી એના સ્થિર પાણીમાં વ્યોમ પરનું ચન્દ્રબિંબ થાળીમાં પકડીએ, માણીએ એકસાથે, ત્યારે બન્નેનાં માથાં ટીંચાઈ જતાંય ખરાં. આમ કેટલીય રાત રાત, દહાડા વીતતાં બીલી પોતે બની ગઈ પૈડું. હું એનો વાંક-સળિયો. પૈડું ગબડાવું એમ ગબડે. કદીક બની જાઉં ફુગ્ગો તો રેશમની દોરી. બીલી લોટતી દોરી આપીને નચાવે તો નાચું. ફરફરું અઘ્ધર. મારો નીલ પડછાયો પકડે તો હું એનો ગુલાબી ચહેરો, છોડછોડ ઉપર ફૂલ બેઠાં, વનવેલા ઘેરાઈ વાડે વાડે છવાઈ ગયા હતા. ક્યાંકથી પતંગિયાં પાંખો ફફડાવતાં નજીક ઊડી આવ્યાં. પંખ પંખની વાગતાં ઠેસ, વાદળ વાદળની વીંટળાઈ ગઈ હતી પામરી. આખરે આંગણામાં હું લીલછાયો ઘટાદાર આંબો બની ગયો હોઉં ને બીલી કોયલ, ટહૂઉ... ટહૂઉ...ના એકધારા નાખતી હતી બોલ. હરણીના થનગણાટ સાથેના મીઠા મીઠા ટહુકા વસંતના.

કેટલાંક વરસ બાદ રમતાં રમતાં પૂંઠળ દેખ્યું તો પિતા ઉગમણા બારણેથી પોતાનો ખાટલો ખેંચતાં ખેંચતાં ઘરના ઊંડાણમાં, જાણે ધૂણીમાં ઓગળતા જતા હોય! છેલ્લા ઓરડાના પેલા આથમણા બંધ બારણા આગળ અટકી એમાં બેઠા. હું ઘરમાં દોડ્યો. મા, મારી પાછળ દોડી આવી હતી. પાંચેય ભગિનીઓ પણ, કાળા માલવામાં અંગારા ભરીને હું એમની છાતી શેકવા જતો હતો ત્યાં પેલું બારણું ઊઘડી ગયું હતું. ‘બેટા, ઓચિંતું બારણું ઊઘડ્યું નં તારા બાપા!' બહાર જોયું તો કાળું કાળું ગીધ ઊડતું જતું હતું. માએ મૂકી હતી પોક. હું રડવા લાગ્યો હતો. પાંચેય બહેનની આંખમાંથી આંસુરેલા, ત્યારે આઘે પશ્ચિમ છેડે બેઠેલી ટેકરી ઘડીક ચણોઠડી જેવડી, ઘડીક તાડ જેવડી બની બનીને છાતી કૂટતી, જટિયાં ઉલાળતી ખખડાટ ખોખરું હાસ્ય રેડવતી રેડવતી વચ્ચે લાગ મળતાં કંકર, કાંટા-કાચ ફેંકવા માંડતી હતી અમારા તરફ, કાયા એની કાળીચૌદશ, એટલું નહીં ચોખટું ચણાયેલો તારક તારક વિનાનો કાળોધબ્બ અંધાર. એમાં અનેક આગિયા વારે વારે ઝબૂકતા હતા.

બીલીએ મારા ખભે હાથ મૂક્યો ને હું ધીરો પડ્યો હતો. પિતાનું સાંભરણ રોજ પજવે ખરું. મા પેલા ગોઝારા બારણાની તિરાડમાંથી જોતી જોતી સતત બારેમાસ રડતી રહેતી હતી. કોઈ ઉગમણા આંગણે આવે, જો ભભૂત રંગ્યો ભૈરવબાવો હોય તો હાથમાં ચીપિયો, જેના દેહ પર ભગવાં કપડાં, કપડાં પર બાંધેલાં સખત કચ દોરડાં. આઘોપાછો ફર્યા કરે, ખખડે ઘૂઘરા, ધણધણાટ ઊડે રાખ. જટિયાંમાંથી લખ્લખ ખરે ધતૂરાનો ફૂલ. મા પેલું ઓરડા-પછીતવાળું બારણું છોડી, ભરી લોટની મુઠ્ઠી દોડતી આવીને ભંભોટીમાં નાખી નમે. સાધુ તો અહલેક બોલી, ગજવી આંગણું ક્યાંક, ચાલ્યો જતો, પછી મા કામધંધે વળગતી. કપડાં-વાસણ-પોતું. વાઢકામય એના લમણે લખાયેલું હતું. મારી બહેન ચામૂ એના ઘરકામ, રસોઈમાં મદદ કરવા લાગી. એની સાથે મા બની જીર્ણ, એના શરીર પર પશ્ચિમ બારણાની પેલી પારથી પેલી ટેકરી આવી બેસી ગઈ હતી, તેથી કદાચ માની ચામડી ઉપર સફેદ સફેદ ચાંદા-કોઢ નીકળ્યા હતા. આંખમાં મોતિયા-ઝામર, છતાં એણે આથમણા બારણાની તિરાડમાંથી પેલી ટેકરીને જોવાનું છોડ્યું હતું.

એક વેળા ઘર-આંગણે લાલવાદી-ફૂલવાદી આવ્યા. બન્ને મદારી એકસરખા, પરંતુ ચહેરા રાતિદવસ જેવા. લાલવાદીનો દેહ ભૂરો, ભભકદાર પહેરેલાં લાલ કપડાં, પગે કાળી મોજડી, કંઠે કરેણફૂલ પીળાં. કાળા ડંડેરા વડે વાંસટોપલીમાંથી કાઢવા લાગ્યો હતો નાગ, ત્યારે ફૂલવાદી તો મહુવર વગાડે, ડોલે, ગાલ ફુલાવે, એનો દેહ દેખ્યો હોય તો શામળો, કલાડા સમો. પાછો ઓઢ્યો હતો કાળો કાંબળો. પગમાં સફેદ મોજડી, કંઠે આકડાની ફૂલમાળા ઝગમગે. નાગ ડોલે ડોલે ને મહુવરને મારે ફૂંફાડા ફૂંક... મા, ઘરમાંથી મકાઈ લઈ આવીને ચારણીમાં ચાળતી ચાળતી પેલા મદારીઓએ પાથરેલા લાલકાળા પાથરણામાં એકાએક ચાળણી મકાઈ નાખી હતી. મકાઈ તાજી દાણાદાર ચળકે. મદારી જોતાં જોતાં દંગ થઈ ગયા. એવામાં ટોપલામાંથી સરકીને નાગ સડસડાટ જળરેલાની જેમ સીધો બારણામાં. જતા સાપને દેખીને બીલી બૂમબરાડા પાડી ઊઠેલી. હું ખાલી ખાલી. લાલવાદી અને ફૂલવાદી તો ઝબઝબકીને ઘરમાં પેઠા. એકે મહુવર વગાડેલી, બીજાએ ડાકલું એકધારું ખખડાવ્યા કરેલું. ભૈરવરાગે માર્યાં હતાં ભેંકાર હલેસાં. લીંપણ હલબલી ઊઠેલું. ઘડી ઓરડો પરસાળ બને ને પરસાળ ઘડીમાં ઓરડો. નાગ નૂગરો કેમેય હાથ આવે નહીં. ખૂણા ખૂણા, કાણેકાણાં દર, મેડીમાળ, માળિયાં, મોભ તપાસી લીધાં. સાણસા ચીપિયા નાખી જોયા હતા. કેટલાક ઢાગાઢોળા ગયા વ્યર્થ, મદારી થાક્યા. એમની મોરલીઓ થાકી, થાક્યાં ડમરાં. નાગ ક્યાં ગયો હશે? પેઠો હતો તો ઘરમાં. પરસાળમાં પડેલો લિસોટો જોયો હતો! બીલી કહે, તારા ઘરમાં સાપ. ચારે બહનો છળી ઊઠે, મા પણ. હું અને ચખૂ બે હસી કાઢીએ. થૂંકીએ બીલી પર. એક વાર ઓરડામાં રમતાં રમતાં ચબૂએ સાપ જોયો ને દોડતી હાંફભેર બહાર આવી બીલીને બાઝી પડી હતી. હું, ચબૂ અને બીલી ત્રણે ઓરડામાં આવ્યાં તો ભોંય ઉપર મા બેહોશ. એની છાતી પર પેલો નાગ ડોલે. આખું ફળિયું ઘરમાં એકઠું થઈ ગયું હતું. પેલું પશ્ચિમ બારણુંય ઊઘડી ચૂકેલું. ચામૂ અને બીજી બહેનો માથાફાટ રડવા લાગી હતી. ફક્ત હું આઘે આઘે દેખી રહેલો, પેલી ટેકરી નાગની ફણા, જીભ ફુત્કારે તો વીજળી પછી અંધારું ફેલાય જબરું. ખરે કાળા કાળા મબલખ મંકોડા...

સારું કર્યું કે માએ ચામૂ તથા બીજી બહેનોને પરણાવી દીધી હતી. ચખૂ અને હું બે કુંવારાં. ઘરમાં રાંધીએ અને જમીએ. કોક વાર બીલી પણ આવી ચડી, મારા માટે ભોજન બનાવી દેતી હતી. એને કંસારનું આંધણ મૂકતાં સારું આવડે. લાપસીમાં ઘી રેડે જોઈ રહીએ એવું. એની ડોક પરથી આખું જાંબૂનું ઝાડ સરકીને એની છાતી ઉપર લહેરાઈ ઊઠતું હતું. કેડ પર કિટમેખલા ચળકી રહે. પગપાનીઓ તો કૂંણી કૂંણી પોપટપાંખ ઉછાળે, ઢળે મુખ. છાયી રહે માઘ મહિનો, શિશિર સરે શરીર પર... ફેલાય વાસંતીવાસ. કહેવાય છે કે એનો જન્મ મઘા નક્ષત્રમાં થયેલો. એક વેળા બીલી સોળ ઉંમરવાળી માણેકઠારી પૂર્ણિમાના દહાડે અમે રાતના બાર વાગ્યા બાદ તુલસીકયારા પાસે, આંગણે ઊભાં ઊભાં એક વાસણમાં દૂધપૌંઆ એઠા ખાધા-પીધા હતા. ચખૂ દેખી ગયેલી. બીલીનો હાથ ખેંચી ખેંચી લાવીને એણે મારા ખાટલામાં બેસાડી દીધી હતી, ત્યારે આખો ઓરડો સુગરીનો માળો બની ઝૂલવા લાગ્યો હતો. સાકર સાકરની ચાસણી થઈ ઊભરાઈ ગયું હતું ઘર. પાકાં રાતાંચટાક બોર. બોરથી કેડસોતી લચી પડતી હતી બોરડી અને હું રાજગરાનો છોડ!

પછી પિતાએ જેમ ગામ અંદરનું તેમ બહારનું સીમવગડાનું રખવાળું કર્યું. એમ મેં પણ, એટલું નહીં ઝાડ ઝાડનાં બી વીણી વીણી લાવીને ચોમાસામાં ગોચર-ખરાબાઓમાં નાખી નાખી દરેક જાતનાં વૃક્ષો ઉગાડ્યાં, તળાવની પાળો બાંધી, આંબા ઉછેર્યાં. ગામ-સીમાડાનો વેરાન થતો દેહ લીલો બનાવી દીધો હતો, ત્યાર બાદ ઘોડાગાડી ફેરવી તથા રિક્ષા ચલાવીને સારી એવી રકમ ભેગી કરીને ધામધૂમથી મારી નાની નાજુક ભગિની ચખૂને સારું, સંસ્કારવાળું ઘર પસંદ કરીને પરણાવી દઉં તો મા-બાપ નથી છતાં એનો અવસર !... ત્યાં પાછી ફરતી રિક્ષામાં દૂરથી બેઠાં બેઠાં નિહાળ્યું. આંગણે ચખૂ તથા કાળા ઘોડા સાથેનો જુવાન ઊભેલાં દીઠાં. ચખૂ છેક એના શરીર સમીપ. પેલાનું ગુલાબ સૂંઘતી ભાળી. હું ઘર-આંગણે આવી અટકું પહેલાં પેલો ઘોડેસવાર ઊપડી ગયો હતો. હરામખોર જમીનદારનો બેટો? બડો ચાલાક ચોરટો. ગામમાં રીંછ રીંછપણું રમે-જમે. જેને તેને છેતરે-ફસાવે. સીમવગડાનાં ઝાડ ઝાડ છાનાછપને વઢાવે. વેચી પૈસો ગણી લે એકલો. સીમભેલાણમાંય શૂરોપૂરો. રૂપેણકાંઠે પેલા અબ્દુલ પીંજારાની છોડી સકીનાને નદીમાં. સાલો શરાબી, લંપટ લેભાગુ. એની સાથે મારી નાની બહેન ચખૂ.

પછી વરસ થતાં થતાં આંગણે માંડવો રોપાયો. ચંદરી લાલપીળી બંધાઈ ચૂકી. ઢોલ-શરણાઈ-ત્રાંસાના મીઠા અવાજોમાં આખું ફળિયું લહેરાઈ ઊઠદ્યું હતું. ઘર-ઉંબરને ઉમંગ માય નહીં. તોરણ ઝૂલે ટોડલા સાથે. માણેકસ્તંભ માટેની મંગળવિધિ ચાલતી હતી, ત્યારે હું બુમરાણ પડી ઘરમાં. હું દોડ્યો બધાં દોડ્યાં. અંદરનાં કમાડ તોડી-ખોલી જોવા જઈએ છીએ તો ઓરડામાં ચખૂ કડે લટકે. એણે ગળાફાંસો ખાધો હતો ને પછીતનું બારણું ખુલ્લુંખટ, મેં રડતાં રડતાં જોયેલું તો એક કાળો ઘોડો પૂરપાટ દોડતો જતો હતો પેલી ટેકરી તરફ. જાગતા હતા એની ખરી-નાળના પડઘા.

ચખૂ ગઈ. ઘર સૂનું સૂનું. એમાં હું એકલો. અંધારું રોજ મને સૂકવવા મૂકે. આંગણેથી છેક પેલા પછીતના બારણા સુધી. પેલી ટેકરી એની કે કમાડ નીચેની પાતળી તમસસેર થઈને ઓરડામાં, ભૂલેચૂકે ચોક-ઉંબરા સુધી આવી ચડેલી બીલીનાં પડેલાં પગલાં પકડી પકડી લઈ ઉંદરડી જેમ ફૂંકી ફૂંકીને ખાય. અરે, એની મેંદીની ભાત ચરે. પીએ ને હું જોયા કરું. ખિજાઉં. જેમતેમ કરીને બારણાની બધી ફાડ-તિરાડોમાં બરાબર ચૂનો પૂરી ઉપર મીણ લગાડી દીધું હતું. દેખાતી ટેકરી તથા એની ધુમ્મસઝાંય સાથે આખી પશ્ચિમ દિશા બંધ. થોડીક નિરાંત. હાશ વર્તાઈ હતી. જ્યાં હું ઘરને લીપાવી-ઝુંપાવી, ધોળાવીને ઉગમણા બારણે જવારા રોપાવવાની તૈયારી કરવા માંડું ત્યાં ઢોલ-શરણાઈના દિલધડક તૂરો, કંકુ કંકુની મીઠી સોરમ, ઊડે ગુલાલ, દૂર જતી મોટરમાં ચડતી બીલી. એને વળાવતા લોકો. મને ધરતીકંપના આંચકા વાગી બેઠા હતા. ક્યાંક ભીતર ઊપડેલી આગ શરીરવનને ભડભડ પકડવા લાગી હતી.

હું શેકાઈ ગયેલો મગફળીનો લીલવો દાણો. રહ્યાં એમાં જોમ કે સોમ. સાવ સુકાયેલા તળાવ સરખું પેટનું તળિયું બની ગયું. પાછી માંહ્ય ઉખરાળી નિરંતર હલબલે. જો વખત મળે તો કોઈ કોઈ વાર ચાર મા જણી ભગિનીઓ ખબર કાઢે ખરી. મારી અને ઘરની અવદશા દેખીને દુ:ખી દુ:ખી. ચામૂ રડી ઊઠતી તો જીમી ચૂપ. હું ભેંકાર. જોડે ઊભો રહીને બહેનોને જોયા કરું. બળ્યા કરું. ઘર ખખડ્યા કરે વંટોળમાં. થાકીને ઓરડામાં દોડી જતો હતો પેલા પછીતવાળા બંધ બારણે. સ્થિર ઊભો રહી, પડેલી કોઈ તાજી એક તિરાડને પકડી પાડી ટેકરીને નીરખવા માંડતો તો થોડીક શાતા વળે. જો એમાં થોડોક પ્રાણવાયુ ભળે તો ટેકરી લાગે મેઘમઢી. એના ઉપર બેઠી હોય કોક દેવકન્યા. મારી બાળસખી બીલી હોય! એને પકડવા દોડું. આગળ દોડે ને હું પાછળ દોડતાં દોડતાં બની જઈએ હંસ અને હંસી. સાથે ઊડીએ વરસતા મુશળધાર વરસાદમાં. નીચે પંચશિખા આરતીરૂપ ટેકરી ઝગમગે. ઊઠે ધ્વનિ શંખનો. સાથે ઝાલરના રણકા આખી પશ્ચિમ દિશામાં ગુંજવા લાગ્યા હતા. ઊડવા માંડ્યાં હતાં અનેક કબૂતરો. નીલરંગી કબૂતરોનાં ટોળેટોળાં ટેકરીની આસપાસ ઘૂમતાં ચક્કર પર ચક્કર લગાવતાં પાછાં એની ટોચે બેસતાં હતાં. કેટલાં બધાં કપોત. પક્ષીઓમાં જો કોઈ નિરુપયોગી હોય તો નીલાં કબૂતર પંખીઓ. ચણ ચરે ને હગાર નાખે. હગાર ભીંજાય તો પડે કીડા. છૂટે દુર્ગંધ. કબૂતર પંખીઓથી ટેકરી ભરાઈ ગઈ. બન્યો હગારનો ટીંબો. એમાં સળવળે રાવણની ખોપરી. વળી દુર્યોધનનાં હાડકાં, હાડકાંમાં કીડા-કાનખજૂરા ઊભરાય. છવાય ધુમાડો.

ધુમાડો ધીરે ધીરે માનવદેહમાં ફેરવાઈ ગયો. ધારીને જોવા જાઉં છું તો એક પડછંદ કાયા પેલી ટેકરી ઉપર ઊભેલી દેખી. જેનું ના ધડ કે માથું, રુંડમુંડ બાર બાર હાથ હલે. બે રુક્ષ-પગ સૂકાં રાયણનાં ઝાડનાં ખડબચડાં થડિયાં, તળિયે મરુ ઊછળે. છાતી, રીંછનાં કાળાં રૂંછાંરૂંછાંઓથી ભરચક હતી. ચહેરો સપાટ, જ્વાળામુખી વારે વારે ભભૂકે. એમાં તણખા બનીને લાલ આંખો ધખધખે. આગળ તરતા દંત તો ધૂમકેતુની લાંબી ધૂવાં-પૂંછડી આસપાસ અનેક ઉલ્કાઓ ચામાચીડિયાં બનીને ગોળ ગોળ ઘૂમતી હતી. જેના દક્ષિણ બાહુઓમાંથી નકરો અંધાર ઝમતો હતો, ત્યારે જમણા બાહુઓમાંથી ફૂટી આવતું હતું ઓજસ. અડખેપડખે ઊભા હતા બબ્બે જોડાજોડ હાંફતા, રક્તિમ જીભવાળા કાળા ચાર કૂતરા. પેલી ટેકરી અદશ્ય સાક્ષાત્ યમ! મારા ઘરનાં પશ્ચિમ કમાડ ફટ ખૂલી ગયેલાં તો ઊડતાં કબૂતરોથી ચીતરાઈ ગયું હતું વ્યોમ. મારાં હાડ થરથરી ઊઠેલાં અને શ્વાસ ગૂંગળાઈ રહ્યા હતા. અણઘડ પુરુષ મારા ઘર બાજુ ના આવે માટે પ્રથમ પૂજાતપ આદર્યાં, પછી સૂર્ય-સ્તોત્ર-મંત્ર-જંત્ર જપવા લાગ્યો હતો. છેવટે રહેવાતાં મારા કોઈ કુળદેવતાએ ઓરડાની એક ખીંટીએ ભરાવેલો બગલથેલો ઝટપટ ઉતારી ખભે ભરાવી દીધો હતો. એટલું નહીં, એમાંથી તપસિદ્ધ અજાનબાહુ બાહુબલિ બહાર કાઢીને સામે ધર્યાં. એમનીય સાધના ઓછી પડી કે અટક્યા વિના ટટ્ટાર ધીરે ધીરે સ્વસ્થ ડગ માંડતો મારી બાજુ. મારા શરીરનું રક્ત થંભી ગયું હતું. પેલા ચાર શ્વાન તો કશુંક સૂંઘતા આગળ આગળ... જાણે ચારમાંથી ચૌદ કાળાં કાળસમુદ્રી મોજાં ઊંડે ઊતરે. ચોક્કસ કૂતરા પકડી, બચકાં પર બચકાં ભરી ઝેરીલા દાંત ભોંકશે. બીકનો માર્યો ફરીથી બગલથેલામાં હાથ નાખ્યો તો સદ્ભાગ્ય. પોતાની છાતી ચીરીને રામસીતાનું દર્શન કરાવતા સંકટમોચન બજરંગનું શિલ્પ જડી આવ્યું. એને તરત બહાર કાઢીને બતાવતાં બતાવતાં હનુમાનચાલીસા વાંચી સંભળાવ્યા. એય ભક્તિ એળે ગઈ. આગ આગ ગંધકના ભડકા. થોડીક ઘડીમાં કોઈ ઝોબક લાકડું કદાચ મારા ઘરનું ઊખડી ગયેલું કમાડ ચોકઠું ઉપાડીને હું કાળા વાયુમંડળ પૂંઠળ વિના કારણ ખેંચાતો જતો હતો. ફૂટે ચાકડી પર તિરાડ-ટશિયા તીણા. પીઠે પડે માર કુકર્મનો. તીખા તમતમતા ચાબખા વીજળીના. લોહી દદડ દદડ, મોઢે ઝેરનો પ્યાલો. માથે ખીલા. છાતીએ ગોળીઓ ધખધખતી. આખું ઉમતાગામ તાકી રહેલું. ભરબજાર વચમાં ભીડ, જનમેદની જબરી મને જોવા ઊમટેલી. કોઈના હૈયામાં હતી હમદર્દી કે કોઈએ નહોતો નાખ્યો મારા નામનો ચિત્કાર. અરે, બીલી પણ હાજર હતી એય ચૂપ, ત્યારે ફક્ત મારી નાભિમાંથી પ્રકટીને રડતી રડતી વહી રહી હતી મારા ગામકાંઠાની એકલી રૂપેણ નદી.

પછી તો લંગડાતો, ઘસડાતો સૂનકાર સાથે આઘે આઘે ખેંચાતો રહ્યો સતત... વનવગડાનાં વૃક્ષ વૃક્ષો રોકવા મથ્યાં હતાં. પંખ-પંખીઓએ ગાન ગાયાં-પાયાં. વાયુએ સ્ફૂર્તિ-ઊજાં અને તળાવ-સરોવરે ટાઢક આપી હતી. કેટલું બધું દ્રવ્ય ધરાનું મારી આગળ આગળ... પથરાતું ગયું હતું છતાં ચારેકોર સન્નાટો. કોઈનો સંચાર, વાદળ પણ સરતાં હતાં. ભારે ચુપકીદી પાશેર તડકો તથા ચપટીક ધૂળ પછેડીએ બાંધી બસ આંખો મીંચીને પરસેવે રેબઝેબ હાંફભેર ચાલવા લાગ્યો. પેલી ટેકરી ખેંચી રહી હતી. છેલ્લે એકલો બિહામણી ટેકરી પાસે આવી ઊભા રહી જોયું તો ફૂલોથી ભરચક છાબડી લાગી હતી. એની કાયામાંથી સુગંધ સુગંધ છૂટે. આસપાસ જળ-ધુમ્મસ અને અફાટ વિસ્તરેલો નીલવર્ણ શોભતો હતો. જીવ ઠરે એવું વાતાવરણ. સૂર્ય અસ્ત થયા પછીના આકાશમાં મને સોનારૂપાના તેજ તેજથી મઢેલી ઝગમગ ગમી ઊઠેલી શુક્રની બારી. જેમાં બેઠેલું કોક સ્વજન હાથ લાંબો કરી કરીને બોલાવતું હતું જેને હું ઊંચી ડોકે નિષ્પલક તાકી રહ્યો હતો એકધારો...

(‘વિ' માર્ચ-એપ્રિલ 1937 માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999