ઊજમશી પરમાર
Ujamshi Parmar
પ્રવાસન વિભાગ સાથે તમારે કશું લાગતું વળગતું હોય કે ના હોય, પણ પ્રવાસન વિભાગે હવાલો સંભાળેલો હોય તેવા દરિયાકાંઠાના બંગલાના વિસ્તરણનું કામ માથે આવી પડે, તો તમારે એક કુશળ સ્થાપતિની રીતે અંદાજી ખર્ચને અનુકૂળ નવાબ શમીમખાનના આ જૂનાપુરાણા બંગલાના વધારાના જોડાણની ડિઝાઇન આકારવી પડે. જૂના વાસ્તુશિલ્પની રીતે વધારાના જોડાણનો મેળ મેળવવા જતાં પણ એક નહીં, અનેક મુશ્કેલીઓ ઊભી થવાની.
પોર્ચમાં ઊભેલી કારમાંથી નકશા દોરવાની સામગ્રી મોટી ગોળ ટિપોઈ પર ગોઠવીને તમે નેતરના સોફામાં લાંબા થઈને વીસ ફૂટ ઊંચી છત તરફ તાકી રહો છો, ત્યાંથી લસરતી નજર બાથરૂમ તરફ ખુલતાં દસ ફૂટ ઊંચા બારણા તરફ વળે છે, ત્યાંથી ભીના કેશ બહાર આવતી ખાન વંશની ઊંચામાં ઊંચી બેગમ પણ કેટલી બેઠી દડીની લાગતી હશે, તેની કલ્પનાથી તમને અસુખ થાય છે. ઘર અને કચેરીઓનાં છ ફૂટ ઊંચાં બારણાં તમારા મનમાંથી ખસી શકતાં નથી. કદાચ ઊંચામાં ઊંચી બેગમને પણ પોતાના દિમાગમાં સપ્રમાણ ઠસાવવા માટે નવાબે આટલાં ઊંચાં બારણાં મુકાવ્યાં હોય, અથવા કદાચ બારણાંની વિશિષ્ટ ઊંચાઈને કારણે જ બેગમ વધુ કમનીય લાગતી હોય.
ઢળતા ડ્રોઈંગ-બોર્ડ પર લસરતી પેન્સિલ ટી-સ્કેવર સાથે પટકાવીને તમે એક ગ્લાસ પાણી પીને બહાર નીકળશો. બહાર નીકળો એટલે દરિયાએ દળીદળીને રેશમી ચળકતી કરી મૂકેલી રેતીમાં લસરતા ઉઘાડા પગે ઢોળાવ ઉતરતા જ મોજાંની રસબસતી છોળ પગના તળિયે ગલગલિયાં કરતી આવી પહોંચે છે.
“અહીંનો દરિયો જોખમી છે, સાહેબ, દર વરસે ભોગ લે છે. એક ફેરા મોજું તાણે પછી સીધું જ પેટાળ ભણી લઈ જાય એવો ઢાળ છે. સલોની બેગમની વાત સાંભળી છે? દરિયો ભાળીને ગાંડીતૂર થઈ જાતી, દાદરનાં ત્રણ ત્રણ પગથિયાં ઠેકતી આવીને દરિયામાં ખાબકતી. એને એની તરણ-કળાનું બહુ ગુમાન હતું સાહેબ, પણ દરિયાએ ટાંટિયેથી ઝાલીને એવી તાણી કે નવાબેય ઝાલી નો શક્યો, તી ગઈ ફૂંકતી...!”
“પછી?” સૂરજનો ધગધગતો ગોળો ગબડતો ગબડતો દરિયામાં મોં બોળવાનો થયો છે, તેને ખેંચવા જ જાણે એકાદ ખેતરવા લાંબી દોરીનો ગલ ફેંકતો પેલો માછી-છોકરાં સૂરજ આડે આવવાથી કાળો ધબ થઈ ગયો છે તે જોતાં જોતાં તમે આ પ્રશ્ન દોહરાવ્યો...
“પછી શું, નવાબને ઘેર કાંઈ બેગમની ખોટ થોડી? લાયા બીજી. ઊભા રયો, ઇવડી ઈ બીજી બેગમની વાત જાફરભાઈ સારી પેઠ કહેશે. જાફરભાઈ, સાયેબ બોલાવે. ન્યાંકણે કાંડા પાંહે...”
બૂમો પાડતો પાડતો એ તો અંતર્ધાન. પછી જાફર આવશે બબડતો બબડતો, “હું જાણું ને, ઈનો બાટલીનો ટેમ થઈ ગયો, પછી શાનો ઊભો રયે?”
“જાફર, આ બીજી બેગમની શું વાત છે, ભાઈ?”
“બીજી બેગમ નહીં સાહેબ, વાજિંદા બેગમ... એવી પ્યારી પ્યારી બેગમનું નામ બગાડે છે સાલો, એ છે જ એવો. વાજિંદા બેગમ અચ્છી શાએરા હતી સાહેબ. જો કે નવાબ એની શાયરી સાંભળીને નહોતા લાગ્વા, પણ એણે નવાબને રાતદિન શાયરી જ સંભળાવ્યા કરી. એમાં નવાબને એનો અભરખો ઊઠી ગયો. એ બિચારી બહુ દુઃખમાં જ આવું લખી ગઈ હશે:
હમદમે ગર નેસ્ત એ દિલ
રોજે-મેહનતગો મ બાશ
યૂનિસે જિર્દાંનિયા રા બહતર
અઝ દીવાર નેસ્ત!*
મતલબ તારું કોઈ સાથી નથી તો અય દિલ, તું ચિંતા ન કર. કારાગારમાં ભીંતોથી વધુ સગું કોણ હોવાનું?
એ આબશાર નોગહાર અઝ બહરે ચીસ્તી
ચીં બર જિબી ફિગંદા જિ અંદોહ કીસ્તી!
આયાચી દર્દ બૂદ કિ ચૂર્મા તમામ રાખ શબ
સર એ બન્સંગ મીં જદી ઓ મી ગરીસ્તી!
ઓ ઝરણું, તું શા માટે રડે છે? તને એવું તે કયું દુઃખ છે કે મારી જેમ જ રાતભર પથ્થર ઉપર માથું પછાડી પછાડીને રોયા કરે છે?
ફક્ત શાયરી જ નહીં, એનું દિલ પણ ઊંચી કિસ્મતનું હતું. એ નવાબ શમીમખાન માટે ઝૂર્યા કરતી હતી, પણ નવાબે ફક્ત બેગમ વાજિંદાનું મોં ફરી જોવું ના પડે એટલા માટે જ ઉનાળાની સીઝન માટે ખાસ બંધાવેલો આ બંગલો હંમેશને માટે છોડી દીધો હતો, બેગમનું ચાલ્યું હોત તો પાનની ગિલોરીમાં વીંટીને પોતાનું દિલ તેણે નવાબને મોકલાવ્યું હોત.”
“પછી શું થયું, જાફર?”
“પછી ખબર નથી સાહેબ. બુઝુર્ગોએ તેનો જનાજો જોયો છે એટલે તે મૃત્યુ તો પામી જ હશે.”
“આ ‘જ’નો શું અર્થ જાફર?”
“સાહેબ, ‘જનાજો’નો અર્થ તો મને જ ખબર નથી.”
“પાછું ‘જ’?”
“પાછું ‘જ’ નહીં. પાછું અંધારું. સાહેબ ચાલો, હવે તોફાની મોજાંના ઘૂઘવાટ સિવાય કાંઈ સાંભળવા નહીં મળે. બંગલામાં કદાચ...”
અંધારે હતા ત્યાં સુધી જાફરનો ચહેરો જોવાની તીવ્રતમ ઇચ્છા હતી. પણ અજવાળે આવતાં થયું કે ઝાઝા ભાગે વાતો અને ચહેરાઓનો મેળ બંધબેસતો નથી હોતો.
“સાહેબ, બારણું બંધ કરી લો, પછી નિરાંતે નકશા બનાવો. અમે બહારના ખંડમાં સૂતા છીએ. કાંઈ જરૂર પડે તો...”
એક હાથ લાંબી સ્ટોપરથી બારણું બંધ કરતાં જ આખો ખંડ ચોપાસથી તમને ઘેરી વળશે. એટેચીમાંથી નેપકિન લઈને હમામ તરફનું બારણું ખોલતાં તમારા હાથ પિત્તળના સિંહમુખવાળા હેન્ડલ પર જ જકડાઈ જશે. જાણે... લીસ્સી રંગીન કપચી જડેલી ફર્શ પર લાંબી પથારી કરીને સૂતેલું એવું જ લીસ્સું રંગીન કપચી જડેલું ટબ, પહોળાઈમાં પણ બે જણ સ્નાન લઈ શકે એવું અને એવડું... કદાચ બેગમ વાજિદાને એની તનહાઈ સાથે લઈને સૂતાં સૂતાં આવડું ટબ પણ નાનું પડતું હોય...
“યૂનિસે જિર્દાંનિયા રા બહુતર...” ભીના દેહ પરથી સરતાં જલબિંદુઓમાં ફક્ત દરિયાની જ ખારાશ નહીં ભળી હોય, દીવાલોને રિશ્તેદાર માનતી અને મનાવતી આર્દ્ર આંખો...
છાતીમાંથી નિશ્વાસ ઊભરાઈ જવાની ભીતિથી મોં લૂછતાં લૂછતાં જ તમારાથી બહાર નીકળી જવાશે. બહાર પણ પચાસ માણસ પથારી કરીને સૂઈ રહે એવડો ખંડ મોં ફાડીને ઊભો જ હશે. આદમ કદ આયનામાં તમારા ઉઘાડા ખભાના પ્રતિબિંબ પાછળ કોઈ ધૂંધળું ચહેરા જેવું જોઈને તમારા હૃદયની જગ્યાએથી કીડિયારું ઊભરાવા લાગશે. તમને ભય છે કે તમે પાછળ જોશો તો કાંઈ જ નહીં હોય, તેથી પ્રતિબિંબ સામે ત્રાટકથી જ એ શું છે તે સમજી લેવાનું ગોઠવશો.
પણ એ બધું તમે બરાબર ગોઠવી શકવાના નથી. તમારી ઉઘાડી ગરદન પરનાં તમામ ભીનાં જલબિંદુઓ શોષાઈ જાય એવી ઊના નિશ્વાસ જેવી ઝાળ તમે અનુભવશો.
કિતું તૂ મેરે જનાઝે પે ના આયા,
તેરી રાહે તક હૈ મઝાર આજા...
સમગ્ર બદનમાં એક થરથરાટ ઊભો કરીને તમે આટલો સમય નિજી કામથી દૂર રહ્યા પછી બોર્ડ પર જઈ બેસશો. બોર્ડ પર ચાલતા ટી-સ્ક્વેર અને સેટસ્ક્વેરની પાટા બદલતી ખટાખટ ધ્વનિમાળાથી માંડ બધું જ્યાં રાત્રે પડતું થયું હશે ત્યાં પાછું છેક પહેલેથી છેલ્લે સુધી રબ્બર ફેરવવું પડશે. પછી તો તમારે જીભના ખેદસૂચક ડચકારાથી સાથે જ સંતોષ માનીને બગાસું ખાઈને પલંગ તરફ ડગ માંડવાના રહેશે.
અજવાળામાં તમને શુંનું શું દેખાયા જ કરશે એમ અનુભવતાં થોડી વારના શયન બાદ ઊભા થઈને નાઇટ લેમ્પ બંધ કરશો, પણ અંધારુંયે સુખ નહીં લેવા દે. તમારા શરીર પર જાણે બરફની આંગળીઓ કશીક રેખાઓ દોરવા લાગશે તો તમે સડાપ લઈને બેબાકળા ઊઠી જશો. તમારા મોં પર કોઈના સુગંધી શ્વાસ ઠલવાતાં તમારી ચીસ નીકળતાં રહી જશે. જફરનો ખ્યાલ તમને તેમ કરતાં રોકશે.
કોરા રેશમી વાળની લહેર પવનની જેમ આવીને ગાલ પર ચંપાય અને કાનમાં કાનોકાન જ સાંભળી શકાય એવો સુરીલો દર્દીલો અવાજ, વાંસમાંથી રાત્રે વહેતા પવન જેવો અવાજ...
‘જાદમે દરદૈમો અજ ખૂને જિગર પરવરદા...’
વેદનાએ મને જન્મ આપ્યો અને જિગરના લોહી પર મારો ઉછેર થયો છે...
“અસ્લામાલેકુમ હુઝૂર, અલ્લાહતાલાની મેહર બરસે આપકે પૂરે કબીલે પર, યે જો મહેલમેં આપ ઠહરે હુવે હૈં, હમારા જનાજા હૈ યે. આપ ગૌર કરે હુઝૂર યાયાવર આતે હૈ, ઠહરતે હૈં, હમારે જનાઝે પર ખરાટેં ભરતે હૈં. હમારી રૂહ બેચેન હોતી હૈં. મેહરબાની કરકે ઓર કોઈ જનાઝેકી નક્કાશી મત કીજિયે હુંઝૂર... આમીન...”
ક્યાંય સુધી પેલું કાશ્મીરી સૌન્દર્ય પોતાની બદામી આંખોથી ખામોશ ખામોશ પાંગથ પર બેસી રહેશે, તમે છાતી પર ભાર લઈને સૂઈ રહેશો.
અચાનક ખંડમાં અજવાળું... ઓહ! ત્યાં ડ્રોઇંગ બોર્ડ પર પેપરનો ખૂણો સળગી રહ્યો છે. કાશ્મીરી નાઝનીન પોતાના સફેદ પોશાક, સફેદ હીરાજડિત અલંકારણો સાથે ધસી જઈને બોર્ડ પર છાઈ જશે. અંધારામાં યે ઝળાંહળાં રુના પોલ ઊડતાં ઊડતાં આંખોને ચકાચૌંધ કરતા રહેશે...
“હુઝૂર, યહ હાદસા આપકો તાગવાર ગુઝરેગા. ક્યા કરે, મજબૂરી જો હૈ! વૈસે નકશા તો આપને ખુદ મિટા દિયા હૈ, હમ કસૂરવાર ભી નહીં હૈં, ફિર ભી આપકા નકશા હમ ફિરસે વોહી અંદાઝસે ઉભાર દેતે હૈ. અબ આપ જિયાદા નહીં સોચેંગે, આપકી પલકેં નિંદસે બોઝિલ હો રહી હૈં... અલવિદા...!”
પંખીઓના ચહચહાટ જ હશે, જેનાથી તમે જાગી જશો. બારીઓના રંગીન કાચમાંથી તડકો આવીને ફર્શ પર કેટકેટલા રંગ પાથરી દેશે. ઊઠીને સ્ટોપર ખોલતાં જ જાફર હાથમાં બાવળનાં તાજાં કાપેલાં દાતણ લઈને ઊભો હશે.
પાછા ફરીને જુઓ, ડ્રોઇંગ-બોર્ડ પર બે અચરજ રાહ જુએ છે. આખો નકશો યથાવત છે, તમે તો ભૂંસી નાખેલો ને! તેમાં ક્યાંય રબ્બર ફર્યું હોય તેમ લાગે છે? અને નવું નક્કોર રબ્બર તો ખાસ્સું ઘસાયેલું છે. ઉપસંહારમાં નકશાના ખૂણે જલતી અગરબત્તીનો છેડો અડી ગયો હોય તેમ એક તલ જેવડું કાણું આરપાર દેખાઈ રહ્યું છે. છે ને?
સ્રોત
- પુસ્તક : ટેટ્રાપૉડ (પૃષ્ઠ ક્રમાંક 14)
- સર્જક : ઊજમશી પરમાર
- પ્રકાશક : શારદા પરમાર
- વર્ષ : 1984
