Tane Sachve Parvati - Short Stories | RekhtaGujarati

તને સાચવે પાર્વતી

Tane Sachve Parvati

વર્ષા અડાલજા વર્ષા અડાલજા
તને સાચવે પાર્વતી
વર્ષા અડાલજા

રક્ષાએ બાલ્કનીમાં ડોકિયું કર્યું.

નચિકેત ખુરશીમાં ફેલાઈને બેઠો હતો. આંખ મળી ગઈ હતી. પરાણે વહાલો લાગે એવો એનો વર. આમ કસમયે એના ઊંઘવાની નવાઈ નહોતી. આવી શાંતિની પળો એને બાંધીબીડી મળતી.

પાળી પર હાથ ટેકવી રક્ષા ઊભી રહી. રવિવારની સાંજે સામેનો બગીચો શાંત અને નિર્જન હતો. દરરોજ તો બગીચાના હીંચકે બાળકોની કિલકારીઓ ઝૂલતી હોય, પણ આજે બાળકો કદાચ પપ્પા-મમ્મી સાથે કશે મહાલવા ઊપડી ગયાં હશે.

નચિકેત બાજુમાં ઊભો રહ્યો.

- એટલી વારમાં ઊઠી ગયો તું?

- હં. બગીચો સૂનો લાગે છે, નહીં!

રક્ષા કશું બોલી નહીં. આવી ઘણી બધી વાતો પહેલાં અગણિત વાર થઈ ગઈ છે. એક વાતનો તંતુ લંબાઈને અસંબંધ બીજી વાતનો દોર ચાલે. બંને એકમેકમાં પરોવાઈ અર્થવિહીન વાતોને જીવનની ગહન વાતનો દરજ્જો આપી દેતાં.

રક્ષા ઑફિસ પોલિટિક્સથી માંડીને ગાર્ડનિંગ અને ખજૂરની ચટણીમાં લીંબુ કે આંબલી વિશે અધિકારપૂર્વક બોલી શકતી. તો નચિકેત ક્યાં ઊણો ઊતરે એમ હતો! પતંગનો માંજો કેવો હોવો જોઈએથી શરૂ કરી, ઇન્ટરનેટ, નવું પુસ્તક અને બા ફોઈ માટે જાતે બનાવેલી આયુર્વેદિક દવા વિશે રસપૂર્વક વાત કરી શકતો.

પણ બંને પક્ષ જુગતેજોડીનાં લગ્ન માટે નારાજ હતા. બા ફોઈએ છેલ્લો આદેશ આપી દીધેલો. લગ્ન થઈ શકે. કારણ શું વળી? તું અને રક્ષા દૂરના સગપણે એક ગોત્રનાં છો. પાપનું ભયંકર પરિણામ આવશે. મનેકમને રક્ષાનાં માબાપે પણ એમાં સૂર પુરાવ્યો હતો.

પણ એવું તે કંઈ હોય? બંનેએ રજિસ્ટર લગ્ન કર્યાં ત્યારે રક્ષાની બહેનપણી તારાએ તો ઑફિસમાં બંનેને કંકુ-ચોખાથી વધાવી હોંશથી ગાયું હતું, તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી.

પછી તો સંસારનો રથ ઘૂઘરીઓ રણકાવતો સરસ ચાલવા લાગ્યો હતો. બંનેની પાસે સપનાંઓનો ખજાનો હતો.

પહેલાં એક સરસ ઘર. બાલ્કનીવાળું અને સામે બગીચો. બાલ્કનીમાં રક્ષાનું ડ્રીમ બોન્સાઈ ગાર્ડન. ટચૂકડાં વૃક્ષો પર નાનાં નાનાં ફળ અને ફૂલ.

પછી એક બાળક. એનું નામ શું પાડીશુંથી માંડી એવરેસ્ટ ચડશે કે સાતસમંદર તરશે એની ચર્ચાઓ કર્યા પછી બંને નિષ્કર્ષ પર આવતાં. શું બનવું તે એને નક્કી કરવા દઈશું. બસ, એક સારો મનુષ્ય બને તે માટે એને ખાતર, પાણી, તેજથી સિંચીશું. સૂર્યોન્મુખ વૃક્ષની જેમ ઊગશે, મહોરશે અને ફળફૂલથી લચી પડશે.

ચાર વર્ષમાં ઘરનું સપનું તો સાકાર થઈ ગયું. જેવું જોઈતું હતું એવું. બાલ્કની અને સામે બગીચો. રક્ષાના બોન્સાઈ ગાર્ડનમાં દાડમડીને લાલચટ્ટક નાનાં ફળ લાગ્યાં હતાં અને સૂરજનો પીળચટ્ટો તડકો પીને સોનેરી સંતરા ગળચટ્ટાં બન્યાં હતાં.

હવે બંનેની ધીરજ રહી. આપણું બાળક. રોજ સાંજે બગીચામાં ઝૂલવા, રમવા લઈ જશું. પકડદાવ રમતાં રમતાં આપણા સંતાઈ ગયેલા શૈશવને પકડી આણીશું.

રાંદલમાએ તથાસ્તુ કહ્યું હોય એમ રક્ષાને દીકરી જન્મી. એવી રૂપાળી અને મીઠડી કે નર્સે એના ખોળામાં ચાંદીનો ઝગમગતો ટુકડો મૂકતા કહ્યું, “આપકે ઘર ચાંદની આઈ હૈ.”

નચિકેતે એને ચૂમી લેતાં કહ્યું.

- બસ એનું નામ. આપણું જીવન તો ઝાકઝમાળ થઈ ગયું રક્ષા.

રક્ષાની આંખ છલછલ થઈ ગઈ.

- આજે તારાં બા ફોઈ કે મારાં પપ્પા-મમ્મી હોત તો ચાંદનીને પાપનું ફળ કહેવાને બદલે આપણા પુણ્યનાં સંચિત કર્મોની ગઠરી કહેત ખરું નચિકેત!

નચિકેતે મિત્રોને પાર્ટી આપી. રક્ષાએ તારાને અમેરિકા કૉલ કર્યો, મારી દીકરી તો મોગરાનાં ફૂલનો ઢગલો છે જાણે.

ઓહો એમ! મારો દીકરો ક્યાં કમ છે? બારાત લઈને આવી પૂગીશ. આપણે સાથે નવદંપતીને વધાવશું ને ગાશું, તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી. પાટણના પટોળાનો અત્યારથી ઑર્ડર નોંધાવી દેજે.

નચિકેત ચાંદનીને રમાડતાં કહેતો, જો તો રક્ષા, કેટલી શાંત અને ડાહી છે મારી દીકરી! ચૂપચાપ તાક્યા કરે છે! અરે મારી ચંદ્રિકા! ઝટ મોટાં થાઓ બહેનબા, બગીચામાં આપણે રમવા જવાનું છે.

પણ બગીચામાં પકડાપકડીના દાવ ખેલવાનો વખત આવ્યો નહીં. મેડિકલ સાયન્સે અંતિમ ચુકાદો આપી દીધો. ચાંદની ઈઝ મેન્ટલી ચેલેન્જ્ડ ચાઇલ્ડ.

રાત્રે ચાંદનીને હૈયે ચાંપી રક્ષાએ હૈયાફાટ આક્રંદ કર્યું હતું. એણે ઈશ્વરને એક પ્રશ્ન પૂછ્યો હતો, વ્હાય મી ગૉડ! શા માટે અમારી સાથે આમ પ્રભુ!

નચિકેત ચૂપચાપ પત્નીની પીઠે હાથ પસવારતો રહ્યો. શું કહે? એમના આંગણે રોપાયેલો છોડ કદી મહોરશે, પાંગરશે કે એને ફળફૂલ લચી પડશે.

રક્ષાને સ્લીપિંગ ટૅબ્લેટ આપી માંડ સૂવડાવી. પણ કાંઈ ઉકેલ નહોતો. જીવનભરના જાગરણનું શું? બા ફોઈના ઝેરભર્યા શબ્દો આભડી ગયા. પાપનું ફળ... પ્રેમ કરવો પાપ હતું?

બા ફોઈના શબ્દોની સાથે ડૉક્ટરે સમભાવથી કેટલી સરસ વાત કરી હતી તે યાદ આવી;

મારી વાત સાંભળજો અને યાદ રાખજો. મારા ભાગ્યમાં કેટકેટલાં માબાપોને આઘાતજનક ને ક્યારેક ભયંકર નિદાનો આપવાં પડે છે! હું પણ ડિસ્ટર્બ થઈ જાઉં છું. પોતાના સંતાનની જિંદગી નિરર્થક વહેતી જતી જોઈ રહેવું અગ્નિપરીક્ષા છે, ત્યારે હું એમને એક વાત કહું છું, ઈશ્વર શક્તિશાળીને પીડાનું વરદાન આપે છે. શાપ નથી. યુ આર ચોઝન વન.

નચિકેત બાલ્કનીમાં ઊભો રહ્યો. ચોઝન વન. માનિસક ખોડખાંપણ અને વિકલાંગ બાળકના પિતા બનવાનું ઈશ્વરે એના ભાલે સૌભાગ્યતિલક કર્યું છે. ભલે, તો એમ. હવે ઈશ્વરની કરુણાને લાયક તો બનવું પડશે.

નચિકેતે સવારે રક્ષાને ઉઠાડી અને કોમળતાથી એનો ચહેરો હાથમાં સાહી લીધો.

જો રક્ષા, મારી વાત ધ્યાનથી સાંભળજે. ઈશ્વરે એક સુંદર આત્માને આપણી પાસે મોકલ્યો છે. આપણે એમની ખૂબ સેવા કરવાની છે અને અઢળક પ્રેમ આપવાનો છે. આવો અવસર સૌને મળતો નથી. સમજે છેને મારી વાત તું!

- નથી સમજતી હું. કશું નથી સમજતી. આપણા પ્રેમની આવી ઘોર વિડંબના? એના કરતાં...

નચિકેતે રક્ષાના મોં પર હાથ મૂકી દીધો.

- બસ, શું મને પણ આઘાત નહીં લાગ્યો હોય! પણ ધીમે ધીમે આપણને સત્ય સમજાશે કે દિવસ-રાત એની સેવા કરતાં કરતાં આપણે વધુ નિઃસ્વાર્થ અને ઉદાત્ત માનવી બનતાં જઈશું. સૌભાગ્ય ચાંદનીને લીધે તો આપણને મળ્યું છે.

રક્ષાની આંખમાં પૂર ઊમટ્યાં.

- પોતાનાં સંતાનોને સઘળું આપી દેવાની હોડમાં મા-બાપો ભૌતિક જીવન પાછળ દોડતાં રહે છે રક્ષા.

- પણ એમ તો સંસાર ચાલે છે!

- જાણું છું, પણ વિચાર કર. પોતાનું અસ્તિત્વ ભૂંસીને, ચૈતન્યહીન બનવાનો શાપ વહોરીને કેટલાં સંતાનો માતાપિતાને એક સુંદર ઉદાત્ત જીવનની સોગાત આપે છે! આપણે ભાગ્યશાળી છીએ. આપણે ક્ષણથી પ્રતિજ્ઞા લેવાની છે.

- નચિકેત...

- આપણે ક્યારેય રડીશું નહીં ને આપણી જાતની દયા નહીં ખાઈએ. બીજાને આપણને બિચ્ચારાં તો બિલકુલ નહીં કહેવા દઈએ. બીજી પ્રતિજ્ઞા, આપણે ક્યારેય બીજું સંતાન નહીં થવા દઈએ.

- તું જાણે છે ને તું શું કહે છે?

- તપશ્ચર્યા છે રક્ષા.

- હવે મારી વાત સાંભળ. કૉલેજના એક સોશ્યલ પ્રોજેક્ટ માટે મારે ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં, મેન્ટલી ચેલેન્જ્ડ, સેરિબ્રલ પાલ્સી અને જાતભાતનાં શારીરિક-માનસિક ખોડખાંપણવાળાં બાળકો માટે કામ કરવાનું હતું.

જો રક્ષા...

- મારી વાત ક્યાં પૂરી થઈ છે? તરફડતાં, રિબાતાં અને વેજિટેબલ લાઈફ જીવતાં બાળકો પાછળ ઘસાતાં, હિજરાતાં માબાપને તું જુએ તો તારા આદર્શવાદી ખ્યાલો અને ત્યાગ, તપસ્યા જેવા શબ્દોનો ભાંગીને ભુક્કો થઈ જાય. હું બે દિવસમાં ત્યાંથી ભાગી છૂટી હતી.

- ભાગીને ક્યાં જઈશું રક્ષા? કેટલા વિશ્વાસ અને શ્રદ્ધાથી ચાંદનીએ આપણે ત્યાં જન્મ લીધો હશે!

*

પછી એક અખંડ યજ્ઞનો આરંભ થયો.

રક્ષાએ તો પ્રસૂતિ પહેલાં ઑફિસ છોડી દીધી હતી. નચિકેત ઘરે કૉમ્પ્યુટર પર ફ્રીલાન્સ કામ કરવા લાગ્યો. એક એક ક્ષણની અને એક એક પૈસાની બચત હવે માત્ર ચાંદની માટે.

ચંદ્રમાનો ડાઘ ચાંદની પર ફેલાવા લાગ્યો. મોટી થતી ગઈ ને રૂપાળો ચહેરો બદલાવા લાગ્યો. એક આંખ ખેંચાઈ ગઈ. હોઠ લબડી પડ્યો. જમીન પર પગ માંડી શકતી. પંજા પર ચાલતાં ગબડી પડતી.

બાલ્કનીમાંથી બોન્સાઈ વૃક્ષો અદૃશ્ય થઈ ગયાં. વધારાનું ફર્નિચર મિત્રોને ત્યાં પહોંચી ગયું. રોજ ચાંદનીને લઈ રક્ષાને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ માટે જવું પડતું. કોઈ નોકરાણી બાઈ ટકી નહીં. એક વાર બંને બહારથી આવ્યાં તો બાઈ ચાંદનીને ખુરશી સાથે બાંધી દઈ નિરાંતે ટીવી જોતી હતી.

પછી તો ચોવીસ કલાક ચાંદનીની સંભાળ બંનેએ પોતે લઈ લીધી. કોઈ ઋષિમુનિ ઘોર જંગલમાં અત્યંત કઠિન તપશ્ચર્યા કરે તેનાથી એક બાળકીને સાચવવાની તપશ્ચર્યા જરાયે ઊતરતી હતી. સવાર પડતાં ચાંદની પડી, ચાંદનીએ ચીસાચીસ કરી, ચાંદનીએ માખણ લીંપ્યું... ઘરમાં સતત ચાંદની ચાંદની થયા કરતું. જરા મોટી થતાં એને એકલાં જ્ જમાડવી, નવડાવવી, હૉસ્પિટલ લઈ જવી બહુ અઘરું બનતું ગયું.

નચિકેત રાત્રે કૉમ્પ્યુટર પર કામ કરતો. સાથે ઇન્ટરનેટ પર બીજાં માતાપિતાનો સંપર્ક કરતો, માહિતી, અનુભવો, દવાની આપ-લે થતી.

તારા અમેરિકાથી આવી ગઈ હતી. એક બપોરે ઘરે આવતાંવેંત વરસી પડી.

- ઈનફ રક્ષા. તને હું કૉલ પર અમેરિકાથી સમજાવતી ત્યારે ચાંદની હજી નાની છે તારી દલીલ મેં સ્વીકારેલી. પણ હવે ચાંદનીને આઠમું બેઠું ને! એણે તને ચૂસી લીધી છે. અરીસામાં તેં છેલ્લે તને ક્યારે જોઈ હતી રક્ષા? સાવ છોતરા જેવી થઈ ગઈ છે તું.

- તારા...

- આજે તું મને સાંભળ, જરા યાદ કરવા મથી જો, તેં અને નચિકેતે છેલ્લે ક્યારે પ્રેમ કરેલો? છેલ્લે ક્યારે કોઈ મસ્ત ફિલ્મ સાથે જોઈ હતી કે ડિનર લીધેલું? ક્યા ભવમાં દરિયામાં પગ બોળી ઊભાં ઊભાં સૂર્યાસ્ત જોયો હતો?

- ચાંદની પાસે બધાનું મહત્ત્વ કેટલું?

- રક્ષા બી પ્રેક્ટિલ. ચાંદની મોટી થશે, એનું શરીર બોલશે ત્યારે લિટરલી સાપનો ભારો બની જશે ને જો, ફરીથી સોમી વાર મને ઈશ્વર પેટલીકરની ‘લોહીની સગાઈ'ની વાર્તા કહેવા બેસતી.

તારાએ રક્ષાને સામે બેસાડી.

- મારી વાત શાંતિથી સાંભળ. ચાંદનીને સ્પેશ્યલ હૉમમાં મૂકી દે. અમેરિકામાં તો... ખેર, તું ગમે તેટલી તપશ્ચર્યા કરે તોય ઉપરથી દેવતા ઊતરી આવી તથાસ્તુ કહેવાના નથી.

રાત્રે ચાંદનીએ જમતાં જમતાં એને બહુ કવરાવી. સૂપનો બાઉલ ઢોળી નાખ્યો. ચાંદનીનું વજન ખાસ્સું વધી ગયું હતું. ડૉક્ટર હળવા ખોરાક માટે આગ્રહ રાખતા, પણ ચાંદની મીઠાઈ, ખાંડ અને માખણની શોખીન હતી. સૂપ જોતાં એણે ઢોળી નાખ્યો. એનાં કપડાંય બગાડ્યાં. બધું સાફ કરતાં રક્ષા જીવ પર આવી ગઈ. ભૂખ લાગી હતી. વધ્યું-ઘટ્યું ખાઈ લઈ ચાંદનીને પડખામાં થાબડતી પલંગમાં પડી. નચિકેત હેલ્પ સપોર્ટ ગ્રૂપની મિટિંગમાં બહારથી જમીને આવ્યો હતો. અને કૉમ્પ્યુટર પર ઇ-મેઇલ કરી રહ્યો હતો. ઉઘાડા શરીરે શોર્ટ્સ પહેરી કામ કરી રહ્યો હતો. એની ખુલ્લી માંસલ પીઠ પર રક્ષાની નજર ચંદન ઘોની જેમ વળગી પડી. તારાએ પૂછ્યું હતું, તમે છેલ્લો પ્રેમ ક્યારે કરેલો?

ક્યારે કર્યો હતો પ્રેમ?

ચાંદની નાની હતી ત્યારે ઝડપથી આટોપી લીધેલું શરીરસુખ. પછી તો એય શક્ય નહોતું. ચાંદની મોટી થતી ગઈ અને નચિકેત ધીમે ધીમે ચાંદનીના પલંગના સામ્રાજ્યમાંથી હડસેલાઈ ગયો હતો.

- મિટિંગ સરસ ગઈ હોં રક્ષા! અમે એક કૉન્ફરન્સનું આયોજન કરી રહ્યા છીએ...

નિચિકેત સામે આવીને ઊભો રહ્યો. રક્ષાને નચિકેતને વળગી પડવાનું મન થયું. એણે તરત કહ્યું,

- કાલે કહીશ મને? હું ખૂબ થાકી ગઈ છું.

ચાંદનીએ ઈર્ષાથી તગતગતી આંખે રક્ષાને સજ્જડ બાથ ભીડી દીધી હતી. ભલે કહેતાં નચિકેત ઝૂક્યો. રક્ષાના હોઠે હળવું ચુંબન કર્યું કે ઘુરકાટ કરતી ચાંદનીએ ઝપ દઈને નચિકેતના વાળ પકડી લીધા. રક્ષાએ અચાનક ચાંદનીને પીઠ પર જોરથી માર્યું, એના હાથ છૂટી ગયા. રડવા માંડી. નારાજીથી નચિકેત બોલ્યો,

- તેં ચાંદની પર હાથ ઉપાડ્યો?

- શું કરું હું? જેમ મોટી થાય છે એમ જિદ્દી...

- કમ ઓન રક્ષા, તું જાણે છે શરીરથી મોટી થતી લાગે છે પણ સમજણી થોડી થાય છે?

તકિયામાં મોં ખોસતાં રક્ષા રડી પડી. એની પાસે જવાની નચિકેતની હિંમત ચાલી. બહાર ચાલી ગયો. ચાંદનીના હાથ એને ફરી વીંટળાઈ વળ્યા. એને જોરથી ધક્કો મારી દેવાનું મન થયું. પણ ચાંદનીની પકડમાંથી છૂટવું આસાન નહોતું. ભગવાન! તારા કહેતી હતી એમ ખરેખર ભાંગી પડવાની અણી પર હતી!

ક્યારેક કપરાં ચડાણ તો કદીક ખાડાટેકરાવાળી કેડી નીચે અને નીચે ઊતરતી દેખાતી. બંને હાંફતાં, થાકી જતાં, પડતાં, આખડતાં, ચાલતાં રહેતાં. સમયનું અંતહીન ધગધગતું રણ પસાર કરવાનું હતું. રસ્તે કોઈ માઈલસ્ટોન નહોતો. નકશાની રેખાઓ વિના ક્યાં પહોંચવાનું હતું?

ચાંદનીના ભરાવદાર શરીર પર રક્ષા છેક પગ સુધીનો ગાઉન પહેરાવતી. એમાંથી એનાં મોટાં સ્તન ઊછળી આવતાં.

જેનાથી રક્ષા ફફડતી હતી. સમય પણ આવ્યો. ચાંદનીને પહેલી વાર પિરિયડ આવ્યો ત્યારે ડરના માર્યા આખા ઘરમાં દોડાદોડ કરી આખું ઘર એણે લોહીથી ચીતરી મૂક્યું. આખરે મીણબત્તી સળગાવી, એને ડરાવી, સાફ કરી પેડ બાંધ્યું ત્યારે ક્રિયા ફરી ફરી, હંમેશા કરવાની છે વિચારથી રક્ષાને કમકમાં છૂટી ગયાં.

વર્ષોથી નચિકેત ચાંદનીને નવડાવતો. દીકરીના નગ્ન શરીરને જોવાની છોછ ક્યારની છૂટી ગઈ હતી.

દિવસે નચિકેત ચાંદનીને નવડાવતો હતો, રક્ષા પાણી રેડતી હતી. નચિકેત ચૉકલેટની ચીકાશ એના શરીર પરથી ચોળીને કાઢતો હતો ત્યાં તો ચાંદની નચિકેતના બંને હાથ એનાં સ્તન પર દાબી રાખી આનંદથી ઊછળવા માંડી.

સળગતા અંગારા પર હાથ પડ્યો હોય એમ નિકેતે હાથ પાછા ખેંચી લીધા. એની અને રક્ષાની નજર મળી. ચાંદની એનાં સ્તન જોડે રમવા જતાં લપસી પડી. માંડ એના વજનદાર શરીરને ઊંચકીને બંનેએ બહાર આણ્યું.

ચાંદની ભર ઊંઘમાં પડી ત્યાં સુધી રક્ષા જાગતી રહી. નચિકેત પાસે આવી ત્યારે કૉમ્પ્યુટર ટેબલ પર માથું ઢાળી ઊંઘી ગયો હતો. રક્ષાનો સ્પર્શ થતાં જાગી ગયો. એનો દૂબળો, સુક્કો હાથ પકડી બંને સોફામાં બેઠાં.

નચિકેત, હવે ચાંદનીને કોઈ સંસ્થા, આશ્રમમાં મૂક્યા વિના છૂટકો નથી.

આટલાં વર્ષોમાં પહેલી વાર નચિકેતને હતાશ જોયો.

- સમજુ છું રક્ષા. દીકરી છે ને! ક્યાં સુધી એને દુનિયાની નજરથી બચાવીને રાખી શકીશું? ઘરમાં પૂરીને તો નહીં જિવાય!

- એક સ્ત્રી અને મા તરીકે સત્ય હું ક્યારની જાણું છું નચિકેત. જેટલી વાર ઘરની બૅલ રણકે છે, ચાંદનીને ઘરમાં રાખી, બારણું બંધ રાખી બહાર કામ પતાવી દઉં છું. વૉચમેન, બાજુવાળાનો નોકર, ધોબી... હજી હમણાં પોસ્ટમેન આવ્યો હતો. તારા રજિસ્ટર લેટર માટે સહી કરવા બૉલપેન લેવા બારણું ખોલ્યું કે ચાંદની બહાર દોડી આવી, ગાઉન ઊંચો કરી પેટ પર ખંજવાળતી હતી અને પેલો...

- પ્લીઝ રક્ષા.

- આંખ-કાન બંધ કરી દેવાથી જે બની રહ્યું છે અને કદાચ બની શકે છે તેને ટાળી તો શકાતું નથી નચિકેત.

નચિકેતે ચૂપચાપ રક્ષાની જરા ઝૂકી ગયેલી પીઠ પર હાથ પસવાર્યો, ને કંપી ગયો. ચાંદનીની વધતી કાયાનો બોજ હવે ઊંચકાય તેમ નહોતો.

- નચિકેત, તારાએ એક સંસ્થામાં ચાંદનીનું નામ ક્યારનું લખાવી રાખ્યું હતું. ત્યાં તરત જગા મળવી મુશ્કેલ છે. સંસ્થા આમ તો આશ્રમ જેવી છે. ગામબહાર વિશાળ કૅમ્પસમાં છોકરીઓ માટે ખાસ જુદો વિભાગ છે, કાલે તારાને કહું છું ત્યાં તપાસ કરે, ચાંદનીને ક્યારે જગ્યા મળી શકશે?

નચિકેત રક્ષાને વળગી પડ્યો. આજે એણે નિર્બન્ધ આંસુ વહેવા દીધાં. રક્ષાએ એના ચહેરાને બે હાથમાં સાહી લીધો.

- શાંત થાઓ નચિકેત. આમ પણ દીકરીને ક્યારેક તો વિદાય આપવાની હતી ને!

આજે જવાનું છે.

મંગળગીત ગાવાનાં છે શરણાઈ. બારસાખે આસોપાલવનું તોરણ બાંધવાનું નથી. લાપસીનાં આંધણની પણ શી જરૂર છે? તારા અને રક્ષાએ કપડાં અને જરૂરી ચીજવસ્તુઓની બૅગ તૈયાર કરી લીધી છે. બૅન્ડવાજાં વગાડવાની જરૂર નથી, ચૂપચાપ નીકળી જવાનું છે. ચાંદની સાનમાં સમજી ગઈ છે, કશું બનવાનું છે એટલે હરખાય છે.

નચિકેત સૂનમૂન બેસી રહ્યો. રક્ષા પાસે આવી અને નચિકેતના ખભે હાથ મૂક્યો,

- આપણાથી થાય તે બધું કરી છૂટ્યાં. તું કહેતો હતોને વી વેર ચોઝન વન! તો તું હવે હિંમત હારે તે કેમ ચાલે?

- પણ આમ વિદાય...

- નચિકેત! ત્યાં સુરક્ષિત છે સધિયારો ઓછો છે?

- તારાએ સૂટકેસ બંધ કરી.

- બધું આવી ગયું ને રક્ષા! નચિકેત તું જગ્યા જોઈશ તો ખુશ થશે. ખુલ્લા નૈસર્ગિક વાતાવરણમાં એના જેવી બીજી છોકરીઓ સાથે ચાંદની જીવનભર શાંતિથી જીવશે. એક ફૉર્માલિટી બાકી છે, ફોર્મ પર સહી કરો તમે બંને.

- શેનું ફોર્મ?

- તમે માતાપિતા તરીકે રાજીખુશીથી તમારી દીકરીનું ગર્ભાશય કાઢી નાખવાની સંમતિ આપો છો.

- ફોર્મ પર પેન મૂકી તારા અંદર ગઈ. કંકાવટી લઈ બહાર આવી અને રક્ષા સામે ધરી.

- ચાલ રક્ષા, ચાંદનીને કપાળે ચાંદલો કર.

રક્ષાએ કંકુમાં આંગળી ઝબોળી.

સ્રોત

  • પુસ્તક : તને સાચવે પારવતી (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : વર્ષા અડાલજા
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2010