Talap - Short Stories | RekhtaGujarati

બીડીના પૈસા નહોતા એટલે ભલિયો ઠૂંઠાની શોધમાં નીકળ્યો. ગામના ચોરા તરફ ગયો. હોટલના ઓટલા પર જમાવ્યું. નવરાશની પળોમાં અહીં બેસતા. ગામની તમામ ચર્ચાઓ થતી. ઓટલાની આજુબાજુ વિવિધ જાતની બીડીઓનાં ઠૂંઠાં પડતાં. કાળી-ધોળી-પીળી-વાદળી દોરીવાળાં ઠૂંઠાં. એક વાર તમામે ઠૂંઠાં પર એની નજર ફરી વળી. કેટલાંક મોટાં તો વળી કેટલાંક નાનાં બચુકલાં હતાં. છેલ્લે, એક એંડી જેવા ઠૂંઠા પર એની નજર ઠરી. ઠૂંઠું મોટું હતું. સ્પેશ્યલનું હોય એવું લાગ્યું. એને થયું : ખેંચવા છતાંય બરાબર સળગ્યું નહિ હોય એટલે કંટાળીને કોઈએ ફેંકી દીધું હશે. વાંકા વળીને ધીમેથી એણે ઉઠાવ્યું. મુઠ્ઠી વાળી દીધી. પછી, કો’ક બીડી સળગાવે એની રાહ જોઈ રહ્યો. ધીમેથી અંગૂઠો ફેરવી ઠૂંઠાનો છેડો સાફ કરી દીધો. ખાસ્સી વાર રાહ જોઈ, પણ લાઇટર કે દીવાસળીવાળું કોઈ મળ્યું નહિ. એને બીડી પીવાની તીવ્ર તલપ ઊપડી. તલપાપડ થઇ રહ્યો. સામે હોટલ આગળ એના વાસના બે-ત્રણ ડોસા બેઠેલા હતા. એમને જોઇને તે અવળું ફરી ગયો. બાજુમાં ભીમો રાવળ આવીને બેઠો. ભીમા રાવળે ખિસ્સામાંથી લાઇટર કાઢીને બીડી સળગાવી, ગબ્બ કરી તરત લાઇટરને ખિસ્સામાં મૂકી દીધું. ઓટલા પરથી એક વખત એનું લાઇટર ગુમ થયેલું ત્યારથી તે સમજી ગયેલો. બીડી સળગાવીને તરત ખિસ્સામાં મૂકી દેતો. ઠૂંઠાને બે આંગળીઓ વચ્ચે દબાવી રાખી ભલિયો તે સળગાવવાની રાહ જોઈને બેઠો હતો. ભીમો રાવળ ફક્ફક્ બીડી ફૂંકી રહ્યો. ભલિયો એની સામે જોઈ રહ્યો. ધુમાડાની સેર એના નાકનાં ટેરવાંને અડીને ઊંચે ચડી ગઈ. હવે ભલિયાથી રહેવાય તેમ નહોતું. પેલા ડોસા ત્યાંથી ગયા કે છે એની ખાતરી કરવા વારેઘડીએ જોઈ લેતો. તેવામાં ભીમા રાવળનો છોકરો ઊંટલારી લઇને આવી પહોંચ્યો. જવાની ઉતાવળ હતી એટલે ભીમો રાવળ બીડીના કસ ઉપર કસ ખેંચવા લાગ્યો. બીડી પૂરી કરવાની ધૂન ઊપડી એને. ધુમાડો હવામાં પ્રસર્યો. ભલિયાને અણસાર આવી ગયો કે ભીમો હવે જવાની ઉતાવળમાં છે, એટલે એણે લાઇટર માગ્યું. ભીમાએ ખિસ્સામાં જેવો હાથ નાખ્યો કે સામેથી આવતા આંબા લંબાને ભલિયાએ જોયો. લાઇટ, પાછું મૂકી દેવાનો ઇશારો કર્યો. ભીમો રાવળ સહેજ હસીને રવાના થયો. આંબા લેંબાને ભલિયો મનોમન ચોપડાવી રહ્યો : ‘નવરીનો...!’

ઠૂંઠું મોટું હતું એટલે મુઠ્ઠીમાં સાચવી રાખ્યું. આંબા લેંબા જાય પછી સળગાવવાનું વિચારી લીધું. હોઠ પર બેઠેલી તલપ આઘીપાછી થવા લાગી. ઘણી રાહ જોઈ, પણ આંબા લેંબા નવરોધૂપ હતો એટલે વાતોમાં એવો તલ્લીન હતો કે ના પૂછો વાત! મુઠ્ઠી વાળીને ભલિયો ત્યાંથી છટક્યો. ગ્રામપંચાયતની હવેલી આગળ થોભ્યો. હવેલીમાં ઉપરના માળે હંમેશાં જુગાર રમાતો. જુગારિયા સિગારેટનાં ઠૂંઠાં નીચે ફેંકતા. ભલિયાને એમ કે ધોળીનું ઠૂંઠું મળી જાય તો ભયો ભયો! ડોક ઊંચી કરી ઉપર જોઈ લીધું. બારીબારણાં બંધ હતાં. પાનાં રમાતાં હોય એવું લાગ્યું નહિ : ચ્યમ બંધ સઅ, હારું?’ એવું વિચારી આમથી તેમ આંટા મારવા લાગ્યો. થાક્યો એટલે ઓટલે બેઠો. ત્યાં ડાબી બાજુએથી સરપંચને આવતા જોયા. સરપંચ સિગારેટ પીતાં પીતાં કોઇકની સાથે વાતો કરી રહ્યા હતા: ‘ગઈ કાલે પોલીસવાળાએ પૂછપરછ કરેલી. કે’છે કે નવા ડી.એસ.પી. ખૂબ કડક છે. કોઇનુંય ચાલે તેમ નથી.’ ભલિયાએ સરવા કાન કરી સાંભળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એનું ધ્યાન તો સિગારેટ પર હતું. સિગારેટ જોઇને મુઠ્ઠીમાં સાચવી રાખેલા પેલા એંડી જેવા ઠૂંઠાને વટથી મસળી નાખ્યું! તે ભૂકો થઇ જમીન પર વેરાઇ ગયું. પછી, સિગારેટને કાગડોળે તાકી રહ્યો. થોડોક હરખાયો. ઘડીકમાં ધુમાડા પર, ઘડીકમાં સરપંચના હોઠ પર, તો ઘડીકમાં સિગારેટના કદ પર નજર ફેરવી રહ્યો. ક્યારે ફેંકે તો સળગતી ઉઠાવી લઉં! સળગાવવાની તો માથાકૂટ નહિ! ઉત્કટ તલપ હવે એનાથી રોકી રોકાય તેમ નહોતી. તલપ તલબ-તલબ થઇ તડપી રહી. એક બાજુ સરપંચ ઠૂંઠું ફેંકતા નહોતા એટલે એને ચિંતા થવા લાગી : ‘પેલું ઠૂંઠું ગયું, હવે? ક્યારનોય તાકીને બેઠો છું, પણ ફેંકે તો ને!’ જોતજોતામાં સિગારેટ પતી જવાની અણી પર આવી ગઇ... ને, અચાનક સરપંચથી હાથનો ઝાટકો નંખાઈ ગયો. સિગારેટ બળતી બળતી છેક આંગળીઓને દઝાડતી ગઈ. સરપંચની આંગળીઓ પર ચચરી રહ્યું. થૂંક લગાવી ફૂંકી રહ્યા! તાપ હતો એટલે બળતરા ઊપડી. ભલિયાને હસવું ચડવું, પણ ઠૂંઠાની ચિંતામાં હસી શક્યો નહિ. હાથના ઝાટકાને લીધે ઠૂંઠું ઊડીને દૂર પડ્યું હતું. ઠૂંઠું બળતું બળતું છેક પહોંચી ગયું હતું. એકેય ફૂંક મારી શકાય તેવી શક્યતા નહોતી. પછી તો ધીમે ધીમે બળીને રાખ થઇ ગયું. ભલિયાને તો બાવાનાં બેય બગડે તેવું થયું! મનમાં ને મનમાં સરપંચને ચોપડાવી દીધી : ‘મૅર, દિયોર મેશી!’

નિરાશ થઇને ભલિયો ઘર તરફ વળ્યો. રસ્તામાં ભીમો રાવળ દેખાયો. ઊંટલારીમાં માલસામાન ભરીને ક્યાંક જતો હતો. એને બીડી ફૂંકતો જોઇને ભલિયો થોભ્યો. હજી તો બીડી હમણાં સળગાવી હશે એવું લાગ્યું એટલે ઠૂંઠું અહીં પડે તેવી કોઇ શક્યતા નહોતી. જો હોટલ આગળ ચા પીવા ઊભો રહે તો કદાચ શક્યતા ખરી, પણ ત્યાં તો પેલા ડોસા ટળ્યા હશે ને! એટલી વારમાં તો ભીમો આવી પહોંચ્યો. લીમડા નીચે ઊંટલારી ઊભી રાખી અને સીધો હોટલમાં ઘૂસ્યો. ભલિયાને હોટલમાં પ્રવેશ નહોતો. તક ટૂંપાઈ ગઈ... તે બબડવા લાગ્યો : ‘હેંડ, ભલિયા! આજ તો લમણે ઠૂંઠુંય લશેલું નથી.’ અને રામાપીરના મંદિરે આવીને બેઠો. બાજુમાં કૂવામાંથી શવલી પાણી ખેંચી રહી હતી. બેડામાં પાણીનો દદૂડો કરતાં એની નજર ભલિયા પર પડી.

‘ચ્યમ, ભલિયા! લાકડૉ વેંણવા નથી જ્યો?’

‘દરરોજ હું હેંડહેંડ કરઅ? હેંડી હેડીનં તો પગૉના નખય ઘહઇ જ્યાં! અનં વૉઘૉય ખાલીખમ્મ્ થઇ જ્યૉ સ.’

‘તું એક કૉમ ના કરમ્?’ ઊભો થઇને ધીમેથી કૂવાની નજીક ગયો.

‘કૉમ હું સમ્ તો કે’ પ્હેલો!

શવલી એની સામે જોઈ રહી. મલકીને આંખો પટપટાવી : ‘હું કરવું સમ્?’

‘બીડીઓ લેવી સઅ... મારી મા લાકડૉ વેણવા જઇસન્ નં મારા બાપા તો કૉણિયો જૈંય આલમ્ એવા નથી!’ ભલિયાએ યુક્તિ વાપરી દશિયું લેવા નરમાશથી કહ્યું. હવે, શવલી સમજી ગઈ હતી, વખતે તે પૈસા આપે તેમ નહોતી. પહેલાં ભલિયો ચારપાંચ વખત પાંચિયાં-દશિયાં લઇ ગયો હતો. પણ વળીને પાછાં આપે તો ભલિયો નૈં! કશુંય બોલ્યા વગર શવલી પાણી ખેંચી રહી. પછી, બેડામાં પાણી રેડતાં બોલી,

‘ભલિયા, મારા પોંહણ નથી!’

‘શવલી, ઑમ હું કરમ્ સઅ?’

‘નથી...’

‘ચ્યમ, તું કબજામૉ તો રાખમ્ સઅ!’ એણે જમણા ભાગ પર જોઇ લીધું. જમણો ભાગ થોડો વધુ ઊપસેલો જણાયો. આંખનો ઉલાળો કરી શવલીને પૈસાનો નાનો બટવો મૂકવાની જગા યાદ કરાવી. શવલીએ આનાકાની કરી. રકઝક ચાલી. માથે બેડું મૂકી શવલી ઊપડી ગઇ. ભલિયો ઉદાસ થઇ ગયો. ઓટલે આવીને પાછો બેઠો. રાશ ને ડોલ કૂવા પર હતાં. તેથી ભલિયાને મનમાં હતું કે ફરીથી આવશે. થોડીક વાર પછી શવલી આવી. આજુબાજુ ડાફેરો મારી તે એની પાસે ગયો, ‘લાય કમ્ હેંડ!’

‘ભલિયા, નથી... હાચું કઉં સું, નૈતર તનઅ ના પાડું?’

સાંભળીને ભલિયો ઠપ્પ થઇ ગયો. શવલી એકની બે ના થઇ તે ના થઇ. દશિયું હવે મળવાનું નથી એટલે ભલિયાએ જટિયાંમાં ખંજવાળી લીધું. કબજામાં જે જગાએ બટવો મૂકતી હતી તે જગાએ એની નજર ભોંકાઇ. બપોરનો સમય હતો એટલે બધું સૂમસામ હતું. હિંમત એકઠી કરી અને ઊપસેલા ભાગ પર એણે અડપલું કરી લીધું! થોડું કઠણ લાગ્યું. પોચુંપોચું નહોતું એટલે એને શંકા પાકી થઇ કે પૈસા મૂકવાનો બટવો હશે જ. ખાતરી કરવા ફંફોસવા જતો હતો ત્યાં તો શવલી બે ડગલાં પાછી હટી ગઈ. શવલીને પોતાના શરીરની રગેરગમાં ઝણઝણાટી પ્રસરતી અનુભવાઇ. એને અનન્ય અનુભૂતિ થઇ રહી. થોડી મલકી, ચૂપ રહી. આંખો તીરછી કરી ભલિયાના સોનેરી વાળમાં જોઇ રહી... ભલિયાને તો બીડી પીવા ફક્ત દશિયું જોઇતું હતું. શવલીને રોકતાં તે બોલ્યો: ‘શવલી, બટવો હોય એવું લાગઅ સઅ! ખા, જોગણીમાના?’ પણ, શવલીને કશું સંભળાયું નહિ. ભલિયાના ચળકતા સોનેરી સુંવાળા વાળ, નિર્દોષ માંજરી આંખો ને લાલઘૂમ હોઠમાં એની નજર ખૂંપતી ગઇ. વધુ સમય આમ ઊભેલાનું યાદ થતાં, ઘેરી આંખો સાથે તે રવાના થઇ ગઇ. થાકીને ભલિયો સીધો ઘર તરફ ઊપડયો. ભલિયાના બાપા બહાર સૂતા હતા. સીધો ઘરમાં ગયો. ઝભ્ભાના ખિસ્સામાં ખણખોતર કરી જોયું. કંઇ મળ્યું નહિ. ધીમે પગલે બહાર આવ્યો. પૈસા મેળવવાના પેંતરા નિષ્ફળ નીવડયા. તેથી વિચારે ચડી ગયો...

‘લ્યા, ભલિયા!’ બેઠા થતાં એના બાપાએ કહ્યું.

‘હું સમ્?’

‘તે તો ઓકોય ભર્યો નૈં!’

‘દેતવા વગર?’

‘હારું, તો લૅ દશિયું પેશ્યલ લઇ આવ... ઓકો તો તારી મા આવીનં ચૂલો હળગાવત્ તાણં વાત!’

ભલિયો પાછો ગેલમાં આવી ગયો. બાપા પાસેથી ઝટ દશિયું લઇને બીડીઓ લેવા જવાનું કરતો હતો ત્યાં લાકડાંનો ભારો નાખતાં એની મા તાડૂકી,

‘ચ્યૉ હેંડ્યો, ભલિયા? આખો દંન બશ રવડ રવડ...’

‘બીડીઓ લૅવા...’

‘ર’વા દે તું! હું ચૂલો હરગાઉં સું. તારા બાપનં તો બીડીઓય ફૂંકવી સઅ નં ઓકોય ગડગડાવવો સઅ... ઑમ બહરું પીહો તો પૂરું હેનું થશે?’

એની માના ડોળા જોઇને ભલિયો પાછો વળ્યો ને ટપ્પ દઇને પૈસા પાછા આપી દીધા. મહાપ્રયત્ને એણે તલપને ધરબાવી દીધી.

ભલિયાનું ઘર વાસમાં વચ્ચોવચ્ચ રસ્તા પર હતું. શવલી જ્યારે જ્યારે ત્યાં થઇને જતી આવતી ત્યારે ત્યારે ભલિયા સામું અચૂક જોઈ લેતી. દશિયું નહોતું આપ્યું એટલે ભલિયો આડું જોતો. બીડી વગર એણે દિવસ કેવી રીતે પસાર કર્યો હતો તે તો એનું મન જાણતું હતું. થોડા દિવસથી તો શવલી આરપાર તાકી રહેતી. ભલિયાથી અછાનું નહોતું. આમ, આરપાર વીંધવાનું હવે શવલીને ખૂબ ખૂબ ગમવા લાગ્યું. પેલો સ્પર્શ ચટકા ભરી ભરીને સતત સતાવતો. સાત ધોરણ સુધી તો સાથે હર્યાંફર્યાં. કેવો ભોળોભટ્ટાક! દશિયું આપ્યું હોત તો અત્યારે બોલતો તો હોત. ઘણી વાર એને સાંભરી આવતું ત્યારે હળવી હળવી ગલીપચી જેવું થતું. મોટા ભાગનાં બૈરાં ને પુરુષો આજે લોકાચારે ગયાં હતાં. રડ્યાંખડ્યા ઘરડાં માણસો અંગ સંકોરીને આડાં પડ્યાં હતાં. સમયે લીમડા નીચે લખોટીઓ ટીચતા ભલિયાને ઇશારો કરી શવલીએ બોલાવ્યો. ભલિયાએ ટાળ્યું. ત્રાંસી ઝીણી નજરે લાલ લાલ લખોટીને તાકી રહેતાં એણે ધારી ધારીને નિશાન લીધું. પછી, વચલી આંગળી પર મજબૂત પકડીને ખેંચી રાખેલો લખોટો સટ્ટાક્ કરતોક છોડ્યો! ટચાક્ દઇને તાક્યું. લખોટી ચક્કર ચક્કર ફેરફૂદડી ફરતી રસ્તા બાજુ રગડી ગઈ ને નાહવાના પથરા પાસે ઠરી. લખોટીની પાછળ પાછળ ગયો. લખોટી કાદવવાળી થઇ હતી. ચડ્ડી પર ઘસી સાફ કરી દીધી. ગોળ ગોળ ફેરવી લખોટીને જોઇ રહ્યો. એવું જોરથી નિશાન તાક્યું હતું. જેથી નાના નાના અસંખ્ય ટીચા પડી ગયા હતા એની ઉપર. ટીચા જોતાં જોતાં કેમ જાણે એનાથી શવલી તરફ જોવાઇ ગયું. શવલીએ હાથ ઊંચો કરી બીડી બતાવી. બીડી જોઇને ખુશ થયો. જરા થોભ્યો. ડાફરિયાં મારી લીધા પછી શવલીના ઘર તરફ સરક્યો. વલીથી થોડુંક જોરથી હસી જવાયું. એના હસવાનો અવાજ કંઈક જુદો લાગ્યો. કાચની બંગડીઓ ખખડે એવો તીણો રણકાર હતો એના હાસ્યમાં. તીણો તીણો હાસ્યનો રણકતો રણકાર ભલિયાના હૈયાને સ્પર્શી ગયો. લીમડા પર બેઠેલાં પંખીઓનો કલરવ હાસ્યમાં ભળી રહ્યો. આછેરા પવનથી ભલિયાના વાળ વીખરાયા. એનો ચહેરો દીપી ઊઠ્યો. શવલી પ્રદીપ્ત થઈ ઊઠી અને ક્યાંય સુધી છાનાંછપનાં કશુંક પી રહી. એની ઘેરી દ્રષ્ટિ રૂપવલયો રચી રહી. ભલિયો એની નજીક, ખૂબ નજીક, સરકતો ગયો. પેલું હાસ્ય, શવલીની આંખો, ગાલ ને નયનરમ્ય હોઠના ખૂણામાં સ્થિર થતું ગયું. ભલિયો કેદ થતો રહ્યો...

‘ભલિયા!’ બીડી ધરતાં શવલી બોલી.

‘હં!’ ભલિયો ઝબક્યો. એની નજર બીડી પર નહોતી. શવલીને સહેજે આશ્ચર્ય થયું નહિ.

‘ભલિયા, તે દા’ડે ખરેખર પૈસા નહોતા. પણ આજ તો તને બીડી પિવડાવું, લે...!’ કહીને શવલી લળી પડી, બીડી ધરી.

શવલીની આંખોમાં ઊંડે ઊંડે સુધી જોઇ રહ્યો. પછી બીડી લઇ લીધી, આવેશમાં જોરથી બીડીને મસળી, ખૂબ મસળી. ભુક્કો થઇ જમીન પર વેરાઇ ગઇ.

શવલી તો અચંબો પામી ગઇ, ‘ચ્યમ્ ભલિયા! તેં હાચુકલી છોરી દીધી?’

પવનથી લીમડો હિલ્લોળાયો.

‘હા, હાચુકલી છોરી દીધી!’

‘જુઠ્ઠા! ઑમ તો લોકોનાં એંઠાં ઠૂંઠૉ ફૂંકઅ સઅ!!’

‘શવલી, તારા હમ્મ્ !’

સોગંધ લીધા એટલે શવલી ઢીલી થઇ ગઇ. એને અંતરથી એવું થયું કે ખેંચ ના કરી હોત તો સારું. પછી વાતાવરણ હળવું કરવા ધીમેથી કહ્યું:

‘ચ્યમ છોરી દીધી?’

ભલિયાએ જવાબ આપ્યો નહિ. એનું મન અગોચર ભોમકા પર વિહરી રહ્યું. થોડી વાર પછી કહ્યું. ‘શવલી, આજ હુદી મનઅ ખબર ન’તી કઅ બીડીમૉ કશોય હવાદ નથી...!’

શવલી ખડખડાટ હસી પડી. હસતાં હસતાં એણે બીજી બીડી ધરી. એના હસવામાં સૌંદર્ય ઓર નીખરી રહ્યું. ભલિયો ખોવાતો ગયો. પછી બોલ્યો:

‘શવલી, ઉં બીડી નથી પીતો!’

‘ચ્યારથી શઉકાર થઇ જ્યો?’

‘તેં દશિયું ના આવ્યું ત્યારથી!’

અને બન્ને જણ મશગૂલ થઈ ગયાં.

ભલિયો ખૂબ નિકટ ગયો હતો. બન્ને વચ્ચે બહુ અન્તર નહોતું, એટલે હવા પિસાતી રહી. શવલીનું ફાટફાટ યૌવન અંદરથી ઉછાળાબંધ ધસી રહ્યું હતું. છાતીમાં મોજાંનો થરકાટ મચી રહ્યો હતો. ગાલ પર તેજલિસોટા ને હોઠમાં હાસ્ય પ્રકટ્યાં. ભલિયાની તીક્ષ્ણ નજર બટવો મૂકતી હતી તે જગા પર ચોંટી. ધીરેથી એણે હાથ લંબાવ્યો. શવલી બીડી ધરવા જતી હતી ત્યાં રેવા સેનમાનું જોટું ઓંય... ઓંય... ઓં..ય... કરતું ઊભા વાસમાં દોડતું દોડતું આવી ચડ્યું. શવલી હાંફળીફાંફળી થઇ ગઇ ને ઘરમાં જતી રહી. ભલિયો ગભરાયો. રેવો જોઇ જશે તો? તે ધીમેથી ખસ્યો. કટલાની આડશે આડશે ઝડપથી બહાર નીકળી ગયો... પેલી ક્ષણ સોરાઇ રહી...

જોટાએ વાસમાં તરખાટ મચાવી દીધો, રેવો જ્યારથી વેચાતું લાવ્યો ત્યારથી દરરોજ રુંગલાતું. રેવો પણ હવે તો કંટાળ્યો હતો. એની પાછળ પાછળ પણ દોડી રહ્યો. ઘર તરફ જતાં જતાં ભલિયો, રેવલો ને એના જોટા પર મનોમન ખિજાયો... ‘મેલી આય કઅ જા કહઇવાડઅ!’

બીજા દિવસે શવલીની સગાઇની વાતો થવા માંડી. એનાં મા-બાપ જે ગામે લોકાચાર ગયાં હતાં તે ગામમાં સગપણ ગોઠવી દીધું હતું. છોકરો દેખાવે રૂપાળો નહોતો, પણ ભણવામાં, કે’છે, હોશિયાર હતો, અને શવલી પણ મોટું બૈરું લાગતી હતી ને! હવે તેમની ચિંતા ઓછી થઇ.

બન્ને પક્ષની ઉતાવળને લીધે લગ્ન લેવાનું મુહૂર્ત પણ જોવડાવી લીધું. લગ્નની એક અઠવાડિયું વાર હતી. બધાં તૈયારીમાં લાગી ગયાં હતાં.

શવલીની આજુબાજુ એની બહેનપણીઓ ટોળે વળી જતી, ગપસપ કરતી, ઠિઠિયારે ચડતી, લગ્નની આવી બધી ધમાલમાં પણ ભલિયાને યાદ કર્યા કરતી અને મનોમન રેવાના જોટા પ્રત્યે નફરત કરતી.

શવલીના લગ્નનું જાણીને ભલિયો હરખાયો. પણ આટલાં બધાં જલદીથી લગ્ન લેવાશે ને શવલી પોતાનાથી દૂર ચાલી જશે વિચારમાત્રથી એનું હૈયું દ્રવી ઊઠ્યું. એકાદ વાર શવલીને એકાંતમાં મળી લેવાની તીવ્ર ઇચ્છા થઇ આવી. પરન્તુ લગ્ન ઢૂંકડાં હતાં એટલે શવલીને ઘરની બહાર આવવા-જવા પર અંકુશ મુકાયો: ‘શવલી, તારૉ લગન લેવાનૉ સં એટલઅ એકલાં બહાર ના જવાય, ભૂત-પલીત ઑહણ થાય! પૉહણ ચાકુ રાખ એટલઅ ભો નૈ!’

ભલિયો બધું જાણતો હતો. શવલીની સાથે કો’ક ને કો’ક ફોરી તો હોય જ! હવે તો, ભલિયો લીમડા નીચે બેસી શવલીના ઘર તરફ સૂનમૂન તાકી રહેતો...

અને જોતજોતામાં અઠવાડિયું પસાર થઈ ગયું એની ખબર પણ ના પડી. સારું મુહૂર્ત હશે એટલે આખા ગામમાં દરેક કોમમાં લગન હતાં. ઢોલ અને શરણાઇના સૂરે વાતાવરણ રસતરબોળ બની ગયું ને શવલીને પણ જાન સાથે વળાવી દીધી.

એકની એક દીકરી હતી એટલે એનાં મા-બાપ ધ્રુસકે ધ્રૂસકે રડી પડેલાં. એની બહેનપણીઓય ખૂબ રડેલી. વળાવતી વખતે તો ભલિયોય હતો, પણ શવલીએ મોટો ઘૂમટો તાણેલો હતો. નાનાંમોટાંથી એવી તો ઘેરાઇ ગઇ હતી કે આંખમેળાપ પણ શક્ય નહોતો. ભલિયાની આંખોમાં પાણી બાઝી ગયું હતું. એને ધૂંધળું ધૂંધળું દેખાયું હતું. છેલ્લે છેલ્લે, ના મળી શકાયું તેથી ભલિયો ગમગીન બની ગયો હતો. એને અવસાદ ઘેરી વળ્યો.

મોડી રાત સુધી ભલિયાને ઊંઘ આવી નહિ. પૈસા મૂકતી હતી તે જગા પરનું અડપલું-શવલીની બીડી-ગાલ, હોઠ, આંખો-છેલ્લો મેળાપ-રેવાના જોટાનું ફંગલાવું-તલપનું તરફડવું-બધામાં ખોવાતો ગયો. પરાણે આંખો મીંચીને પડી રહ્યો. ખોયા જેવી ઢોયણીના વા’ણની ગાંઠો ખૂંચી. આમથી તેમ પડખાં ફર્યો. આમ ક્યાંય સુધી પડખાં ઘસતો રહ્યો . અંધારું પ્રગાઢ થતું ગયું. ક્ષણભાર તળે કચડાઈ ગયો.... પ્રસરતો અંધકાર ને તલપ ગૂંછળાં બની એને વીંટળાઈ રહી.....

સ્રોત

  • પુસ્તક : તલપ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : હરીશ મંગલમ્
  • પ્રકાશક : કુમકુમ પ્રકાશન
  • વર્ષ : 2001