Tahomatdar - Short Stories | RekhtaGujarati

તહોમતદાર

Tahomatdar

ઈવા ડેવ ઈવા ડેવ
તહોમતદાર
ઈવા ડેવ

મોડી રાતે બારણું ખોલી, દીવાસળી ચેતાવીને ઘરમાં પ્રવેશ કરવા જતા જગુએ એક નાની ચિઠ્ઠી ઉંબરા પર પડેલી ભાળી. જોતાં એનું મન ડર ને ઉત્સુકતાથી કંપી રહ્યું. ઓરડામાં ધસી જઈ, ઝટપટ ફાનસ સળગાવી એણે કાપલી ખોલી નાખી કે તગતગી રહ્યા રાતી રાણ જેવા અક્ષરો.

“અમે આંય તારી રા’ જોઇને બેઠા છીએ. તું ગામમાં પગ મૂકે કે અમે તારું પગેરું ઝાલવાના છીએ. ચિઠ્ઠી તને મળે પછીના ચોવીસ કલાકના ગાળામાં અમે બેચૂક તારો જાન લેશું. તને રિબાઈ-રિબાઈને મારી નાખશું. મારી બોનને મેં વચન આપ્યું છે. મારા ધારિયાથી મારી ટચલી આંગળી વાઢીને એના લોહીથી મેં ચિઠ્ઠી લખી છે. તેં મારી બોનની એકની એક છોડીનું ખૂન કર્યું છે. કાયદાએ ભલે તને છૂટો મૂક્યો પણ હું તને જવા દેવાનો નથી. જોઉં છું. હવે તને કોણ મારી ચૂડમાંથી છોડાવે છે? લોહીતરસ્યો હું તારી પાછળ ફરવાનો છું.

- ‘કમળીનો મામો.’

કારમી કંપારી વ્યાપી ગઈ એના બદનમાં. ધ્રૂજતા હાથોની મુઠ્ઠીઓમાં કાપલી દબાઈ ગઈ. ઘડી પહેલાંનો નિર્દોષ છૂટ્યાનો મુક્તિનો આનંદ ક્યાંય ગાયબ થઇ ગયો. ભયથી શીત ને અક્કડ બની ખેતરના ચાડિયાની જેમ ખોડાઈ ગયો. એના દાંત કકડી ઊઠ્યા, છાતીમાં ફૂટેલો ધ્રાસકો ભડામ અવાજ કરતો એના પેટમાં પડ્યો ને એનાથી પડેલા ઘાવમાંથી જઠરની દીવાલોમાંથી જાણે ટપક-ટપક લોહી ચૂઈને એનાં આંતરડામાં ફરી વળ્યું. એનાં મગજના મજ્જાતંતુઓ તંગ બની બહેર મારી ગયા.

‘એ મને મારી નાખશે! હવે મારો કેડો નહિ મૂકે; નહિ મૂકે.’ નૈસર્ગિક એનું શરીર ભાગી છૂટવાની તૈયારી કરવા માંડ્યું. ‘હું આમ સમય કેમ વેડફી રહ્યો છું? મારું પગેરું પકડી પાછળ ચાલી આવ્યા હશે.’ બબડ્યો. એણે એનાં હૃદયને થર-થર કાંપતું અનુભવ્યું; જાણે કાતીલ ઠંડીમાં ઉઘાડા ડિલે ખુલ્લામાં ઊભો રહ્યો.

ચંદનઘોની ચપળતાથી ઝડપથી સરકી બારણે આવ્યો. વળી પાછો અંદર ધસી જઈ ફાનસ બુઝાવી આવ્યો. બારી આગળ ચુપકીદીથી ઊભીને એણે ચોમેર નજર ફેરવી, કાન સરવા કર્યા. થોડી ક્ષણોમાં પવનની હલકી લહેર સાથે ધીમે-ધીમે વાત કરી રહ્યાનો કોઈનો અવાજ તણાઈ આવ્યો. એણે ડોક તાણીને દિશામાં દૃષ્ટિ ફેંકી. એનાં ગાત્રો બરફ બની ગયાં. પચાસેક વાર દૂર એક ઝાડ નીચે બે પડછંદ આદમીઓના ઓળા હાલતા જણાયા. એકના ખભે ચકચકતું ધારિયું હતું; બીજાના ખભે ચમકતું હતું ભાલાનું તીણું ફળું. એનો જીવ ચોંટી ગયો તાળવે; સજ્જડ. શરીરમાં આંચકીઓ આવી ગઈ. પેટમાં આંટીઓ પડી ગઈ ને માંસપેશીઓ લોચાઈ રહી, એટલો ગાભરો બની ગયો કે ના થવું જોઈએ બધું એનાથી થઇ જવા માંડ્યું. અરબડિયું ખાઈ ગયો, ફંફોસતાં તાળું પડી ગયું ને છેવટે બારણું મોટા અવાજ સાથે ભટકાયું. સાથે ઝાડ નીચેના ચળકાટો ખસ્યા ને જીવ લઈને ત્યાંથી નાઠો; ઊંડા શ્વાસને ઘૂંટતો, તેજીથી વિચારતો, પગના અવાજને બને તેટલો દબાવતો.

‘ક્યાં ભાગું? વીરમતી! એના સિવાય બીજું કોણ મને મદદ કરે? એના પ્યાર વાસ્તે તો...તો...! બિચારીનું ગળું રેંસી નાખ્યું હતું. ડરી તો નહિ જાય ને? ના, ના, એવું નહિ કરે. પણ બે મૂઆ પાછળ આવી લાગશે તો કેમ મને આશરો આપશે?”

એમના જોડાનો ખબખબ-ખબખબ અવાજ પાછળ સંભળાયો. લગ્ન સમયે જોયેલી મામાજીની મુખાકૃતિ ચક્ષુ સમક્ષ ખેંચાઈ આવી. ધોળો સાફો, સાફાની પટ્ટી નીચે તણાયેલી તીણી ભમ્મર, ઝીણી, રતુમડી ને વેધક આંખો, ભારે નાક નીચે આમળ દઈ ચડાવેલા વીંછીના આંકડા જેવા મૂછોના આંકડા; માંસલ ઉન્નત ખભાવાળી પહાડી કાયા. એને મામાજી લગારે ગમ્યા નહોતા.

એણે પાછળ ત્વરિત નજર નાખી. બેઉ જણ એના જેટલી ઝડપથી એને પકડવા દોડી રહ્યા હતા. એમના હાથની મજબૂત પકડોનો અનુભવ એને થવા માંડ્યો; શસ્ત્રની ધાર એના ગળા પર, બદન પર ફરતી લાગી.

દોડતો નાની હોસ્પિટલના કંપાઉંડમાં દાખલ થઇ ગયો. સીધો વીરમતીના ક્વાર્ટર પર પહોંચી અધીરાઈથી એનાં બારણાંને ધધડાવવા લાગ્યો. ખૂલતાં બારણાંને આંચકા સાથે ખોલી, અંદર પ્રવેશીને એણે ધડ દઈને બંધ કરી દીધું, ને સ્ટોપર ચડાવી દીધી. વીરમતીની હાજરીની નોંધ લીધા વિના બેબાકળી નજર એણે ચારે પાસ દોડાવી, સંતાવાની કોઈ જગા એને ના જડી.

વીરમતી વિસ્ફારિત નેત્રે, ડઘાઈ જઈ એના બાહુક જેવા વર્તનને સમજવા પ્રયત્ન કરી રહી. એના મોં પર ભીતિ પ્રસરેલી હતી. પ્રેમથી બાથમાં લેતો એનો પ્રેમી આજે આમ ગાંડાની જેમ કેમ ધસી આવ્યો છે તે એને સમજાતું નહોતું.

‘શું છે, જગુ?’

આઘોપાછો થતો બબડ્યો: ‘એ પાછળ પડ્યો છે. મારું કાટલું કાઢી નાખશે. વીરુ, બચાવ. તું મને સંતાડી દે ક્યાંક. મારું લોહી પી જશે. ભગવાન, હું શું કરું?

અજ્ઞાત ડરે પણ ચોંકી ઊઠી. થોથવાતા અવાજે પૂછવા લાગી: ‘છે શું? એ...એ કોણ છે? કેટલાય દિવસથી હું તારી રાહ જોઈ બેઠી છું. ને તું કેવો આવ્યો છે? તું તો નિર્દોષ છૂટી...!’

કૂદકો મારી બારી આગળ ધસી ગયો. બહાર નજર ફેંકતાં એણે બેઉને કંપાઉંડમાં પેસતા જોયા. જમણા પડખામાં એને દુઃખી આવ્યું. પેટમાં જાણે આંતરડાં એકમેકની સાથે આંટીઓના વળ ચડે એમ અંટાઈ ગયાં. કળતર થતું હતું ત્યાં હાથથી દબાવતો વીરમતીને આર્જવભરી અરજ કરી રહ્યો : ‘જલદી, વીરુ. જલદી. કૈંક રસ્તો શોધી કાઢ. નહિ તો તું મારું મડું જોઇશ હમણાં. કમળીનો મામો મારી પાછળ પડ્યો છે. રિબાવી-રિબાવીને મારી નાખશે મને!’ લોચો વળેલી જાસાચિઠ્ઠી એણે વીરમતીના હાથમાં મૂકી. કૈં સૂઝતાં રસોડામાં ગયો. પાછળના બારણાને ખોલી એણે ચોપાસ જોઈ લીધું. ફરી આગળના ઓરડામાં ધસી આવ્યો.

વીરમતીના મુખને જોતાં સમજી ગયો કે એને કરાલ મોતના મોંમાંથી છૂટવા કોઈ પણ સાથ આપવાનું નથી. જે પ્રેમિકા ખાતર એણે કલંકિત કામ કર્યું હતું છૂટી પડે, તો? વીરમતીના ચહેરા પરથી નૂર ઊડી ગયું હતું. એના હાથમાં ચિઠ્ઠી કાંપી રહી હતી. એણે પેલાઓનો અવાજ પાસે આવતો સાંભળ્યો.

‘તારો પ્રેમ ક્યાં ગયો, વીરુ? શું સારુ મેં કમળીનું કાસળ...?’

‘તું અહીં શા માટે આવ્યો? યાદ છે તને? મેં તને વાળ્યો હતો.’ ગજબના ગુસ્સે બળી ઊઠ્યો.

‘જુઠ્ઠી! કજાત!’ પછી એકદમ પરીસ્થિતિનો ખ્યાલ આવતાં કરગરી પડ્યો: ‘વીરુ, મને મદદ કર. હોસ્પિટલના ખાટલામાં દર્દીની જેમ સુવાડી દે. ચાલ, પાછલે બારણેથી નીકળી જઈએ. મને આમ હડસેલી ના મૂક. આપણો પ્રેમ યાદ કર. પગે પડું.’

વીરમતીએ બારી બહાર નજર નાખી. ધારિયાના ચળકાટને પાસે સરતો જોઈ એની રહીસહી હિંમત ઓસરી ગઈ. ડરપોક બની ગઈ. ‘તું ભાગ અહીંથી. તારી સાથે મારોય જાન લેશે.’ શિયાવિયા થઇ ગઈ.

બહાર જોડા ખખડવાનો આછો અણસાર આવ્યો. તીરની જેમ છૂટ્યો.

અધીરા ટકોરા બારણે પડ્યા. ફડફડતા કાળજે એણે બારણું ખોલ્યું. ઝાટકા સાથે એને હડસેલી મામો અંદર ઘૂસી આવ્યો, ચિત્તાની ચપળતાથી ઘરમાં ફરી વળ્યો. આવીને એને ડારતો દબાતી ત્રાડે બોલ્યો: ‘બોલ, છિનાળ! ક્યાં છે તારો હગલો?’

બાવરી બની ફાટી આંખે એની સામું જોઈ રહી. કેમેય એના મોંમાંથી શબ્દો નીકળી શક્યા નહિ. ધારિયું લંબાવતા મામાજીને ડચકાં ખાતાં કહેવા લાગી: ‘એ...એ... અહીં નથી...’

‘ભીમસિંગ!” પહાડી અવાજ ગાજ્યો, ‘એ પેલો જાય નાઠો.’

જાતવંત ઘોડાની જેમ ઠેકતો લાંબી છલાંગો ભરતો બહાર ધસ્યો. સાથીદારની સાથે થઇ જઈ ભાગતા પડછાયાને ઝડપવા દોડવા લાગ્યો એ.

જગુના પગ હરણફાળ લઇ રહ્યા હતા, એનું મન ચક્રોની જેમ ફરી રહ્યું હતું, હૃદય ધમણની જેમ ફૂલી સંકોચાઈ રહ્યું હતું, ને ગળે ભયંકર શોષ પડી રહ્યો હતો.

‘જો જીવતો રહીશ તો રાંડનો ટોટો પીસી નાખીશ. નહિ છોડું. એકની ઉપર બીજી થઇ તારા ઘરમાં નહિ બેસું. પ્રીત હોય તો છેડો ફાડી આપ, ને ના બને તો... તો પછી ગમે તેમ એનો કાંટો કાઢી નાખ.’ બોલનારી ફરી ગઈ. નહિ છોડું. પણ મને જીવતો નહિ મૂકે. ઓહ! હવે હું ક્યાં જાઉં? કોણ મને રક્ષણ આપશે? આમાંથી છૂટવાનો કશો ઉપાય નથી? છીતો ભીલ! હા, એકલો આની સામું જિગર કરે એવો છે. મોં-માગ્યા પૈસા આપીશ. પૈસા ખાતર એણે જુબાની ફેરવી તો...?’ એકદમ ફંટાઈ જઈ એણે એમને ચૂકવી દીધા. સંતાતો, લપાતો પાછલે રસ્તે છેવાડે આવેલા છીતા ભીલના કાચા ઘરમાં ઘૂસી ગયો. છીતો એકલપંડે ચલમ ફૂંકી રહ્યો હતો. એને ઘૂસી આવેલો જોઈ ડાંગ લેવા જતો પડકારી ઊઠ્યો;

‘કોણ સે?”

‘છીતા? છીતા! હું...હું... જગો છું.’

‘હું સે ભાયલા? અધરાતે અંઈ!”

એના મોઢા પર હાથ મૂકી દબાતા સૂરે બોલ્યો: ‘છીતા, મને માળિયે સંતાડી દે.”

‘પણ સે હું?’ કમને તણાતો છીતો પૂછી રહ્યો.

‘જલદી, જલદી, છીતા. તું માગીશ એટલા પૈસા આપીશ પણ મને બલામાંથી છોડવ.’

ચૂપચાપ, ફંફોસતાં-ફંફોસતાં બેઉ માળિયા પર ચડી ગયા. હાંફી રહ્યો હતો. એને શ્વાસ ચડી ગયો હતો. થોડી ક્ષણોમાં જાળિયું દેખાતાં ત્યાં ધસી ગયો. ચોફેરથી ભીલવાડાને આવરી લેતી લાંબી નજર નાખી એણે. થોડી વાર પછી દૂર એકમાત્ર ઊભેલા વીજળીના દીવાની નીચે બે આકૃતિઓ ઊપસતી જણાઈ. એનાં હાંજાં ગગડી ગયાં, દાંત કકડી ઊઠ્યા, ઢીલોઢસ થઈ ગયો. એણે ફરી નજર નાખી ને ધારિયા ને ભાલાનાં ફળાનો ચળકાટ એની આંખમાં જોર કરી ઘૂસી ગયો. એનું મગજ અત્યંત તંગ બની ગયું, સ્નાયુઓ ઉત્કટ બની ગયા. ને વાઈ આવી હોય એમ બબડવા માંડ્યો: ‘એ કંઈ હવે મને છોડે તેમ નથી. મને રિબાવી-રિવાવીને મારી નાખવાનો. તું એકલો ભડવીર છે જે મને આમાંથી બચાવે. તું માગે એટલા પૈસા આપું પણ મને છોડવ એનાથી.”

થોડી ચીડ સાથે છીતો બોલ્યો: ‘જુઓ, ભાયલા, ટમે સીઢી વાટ કરો. કોણ સે ટમારી પાછળ પરયા સે ટે? પસે ઊં હા-નાનો જવાબ દઉં.”

એણે બે હાથ છીતાના પોલાદ જેવા બાહુ પર મૂક્યા. ક્ષણ માટે એને વિશ્વાસ પાછો મળ્યો. આજીજી કરતો બોલ્યો:

‘જો છીતા, તારી જુબાનીએ મને છોડાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. હવે તું ફરી મારી કુમકે ધા. કમળીના મામાએ ‘એકદમ હાંફળોહાંફળો થઈને ખિસ્સાં ફંફોળતો, “અરે! જાસાચિઠ્ઠી તો રાંડની પાસે રહી ગઈ. દુષ્ટતાએ ચિઠ્ઠી મને પાછી ના આપી. ભગવાન! મારો એકનો એક પુરાવો! હવે મારું શું થશે?’

‘કમળીનો મામો! ભીમસિંગ! તંઈયા ઊભો સે! ના, ભાય, ના. કાળોટરા હાઠે ઊં વેર ની બાંઢૂં. એણે ટમને અટાર હુઢી કેમ સોડ્યા એની મને ટો હમજ ની પરે?’

છીતો જાળીયે જઈ ઊભો. જગાની રહીસહી હામ જતી રહી. છિન્નભિન્ન થઈ ગયો. એને ચક્કર આવી ગયાં. પેટમાં પતંગિયા ફરકવા માંડ્યાં. નીચે બેસી પડ્યો. જગા પાસે આવી છીતો આવેશમાં બોલવા માંડ્યો: ‘ટમે અમણાંની અમણાં આંયથી નીકરો. મારો વા’લો, ઝૂંપરે- ઝૂંપરે હોઢટો આંય આવે સે. મારું ઘર ફેંડી લાખહે. ટમને ભાળે ટો મને હૌ મારી લાખે. ઊઠો.’ જગાને ઊભો કરતો એને માળિયેથી નીચે ઘસડી રહ્યો.

જગો કરગરવા માંડ્યો: ‘ક્યાં જઉં હવે છીતા?

એને અધવચ્ચે અટકાવી દઈ એણે કહ્યું: ‘ટમે ટો ભાય, ભણેલા માણસ સો. જઈને સોકીમાં પેહી જાઓ. ટમને કેમ કરી પકરવાનો સે?’

આશાની ચિનગારી એવા બેસુમાર અંધકારમાં ઝબૂકી. સપાટાબંધ ઝૂંપડામાંથી બહાર નીકળી ગયો. આવ્યો’તો પાછલે છીંડેથી ભીલવાડામાંથી સટકયો. જેવો મુખ્ય રસ્તાને વટાવવા ગયો કે સોએક વાર ઊભેલ પડછંદ કાયાને એનો અણસાર આવી ગયો. કાનને ભેદી સોંસરી નીકળી જતી બુલંદ બૂમ હવામાં ચકરાવો લઈ રહી વાગોળો લઈ રહે તેમ:

‘ભી...મ...સં...ગ! આંયથી નાઠો!”

એના પગોમાં ગજબનું જોમ આવી ગયું. ચૌટા ને શેરીઓ ઝડપથી વટાવતો ઊગમણે પાદરે આવેલી ચોકીએ આવી પહોંચ્યો. ઊંઘતા જમાદારને એણે ઢંઢોળીને જગાડ્યો. જમાદાર ગાળો બકતો, એનો દંડો સંભાળતો, આંખો ચોળતો એને ઓળખવા પ્રયત્ન કરવા લાગ્યો. પોલીસ ચોકીની અંદરની લાઇટ કરી. જમાદારનો મિજાજ છટક્યો હોત પણ જગુના દિદાર જોઈ ગમ ખાઈ ગયો.

‘જમાદાર, મારી પાછળ બે મારા પડ્યા છે. સંભળાય છે તમને બૂટના અવાજ? ક્યારનો હું એમનાથી છૂટવા માર્યો-માર્યો ફરું છું. મારું કોઈ બેલી નથી. મારો જાન લઇ લેશે. મને બચાવો. મારી ફરિયાદ નોંધો. લોકોને ગિરફ્તાર કરો.’

‘કોણ છે અલા? શેની ફરિયાદ...?’

“સાહેબ, તો પેલો માસ્તર છે. કમળી ખૂન-કેસનો તહોમતદાર છે.’

‘જુઓ, જુઓ, જમાદાર, બેઉ આવી લાગ્યા છે, જોયું પેલું ચકચકતું ધારિયું ને બીજું ભાલાનું ફળું! એમને જેલમાં પૂરી દો.’ મોંમાંથી શ્વાસ કાઢતો હાંફી રહ્યો.

જમાદાર છેવટ બોલ્યો: ‘જો ભાઈ, તમારી વાત સાચી છે એની કોઈ સાબિતી?’

‘હા, સાબિતી, ને અટકી ગયો. વીરમતીનું નામ દેતાં સંકોચાયો. પછી ઉશ્કેરાટમાં બોલી ગયો. લોહીથી લખેલી જાસાચિઠ્ઠી છે. મેં પેલી નર્સ વીરમતીને સાચવવા આપી છે. હમણાં લઈ આવું. ચાલો મારી સાથે’ ઊભો થઈ ગયો.

‘તમે યાર સમજતા નથી. ચિઠ્ઠી બેઉએ લખી છે એનો શો પુરાવો? અમને લાગેવળગે છે ત્યાં સુધી બેઉ જણા કશું ગેરકાયદેસર નથી કરી રહ્યા. અમે એમને હાથ બી લગાડી શકીએ નહિ. લોકો કાયદાનું ઉલ્લંઘન ના કરે ત્યાં સુધી અમારાથી કાંઈ પણ પગલું ભરાય નહિ. બહુ-બહુ તો અમે તમને અહીં રાત સુધી રક્ષણ આપી શકીએ.’

એને કોર્ટમાં થયેલી તપાસ - ઊલટ તપાસ યાદ આવી ગઈ. એના વકીલે શોરબકોર કરી કંઈ આવા મુદ્દાઓ ઊભા કરી સાબિત કર્યું હતું કે કમળીએ કદાચ આત્મહત્યા પણ કરી હોય! બીજું એને સંદેહ થયો કે વીરમતી ચિઠ્ઠી આપવા તૈયાર થાય ખરી! જમ જેવા મામાના ડરથી એને સહાય કરવા તૈયાર થાય નહિ. ત્યાં જમાદાર ફરી બોલ્યો: ‘જોયું સાહેબ, અમારાથી કાંઈ ના થઈ શકે. તમે આજની રાત રહી શકો છો.’

ચૂપ થઈ ગયો. ફરી પાછાં વિષાદ ને હતાશાનાં વાદળ એને ઘેરી વળ્યાં. એનાં મનમાં ભીતિનો વંટોળ ઘુમરાવા લાગ્યો. એનાં મગજની નસો વધુ ને વધુ તંગ થવા માંડી. મોતના દૂતો કંકાલોની જેમ એની આસપાસ નર્તવા લાગ્યા.

સ્વિચ બંધ કરવા જતા જમાદારને એમ કરવાનું કહેવાની ઈચ્છાને એણે જેમતેમ દબાવી.

કોકડું વળી ખૂણામાં ભરાઈને સૂતેલા એણે રાત અર્ધનિંદ્રામાં, અર્ધભયંકર દુઃસ્વપ્નો જોવામાં અને અર્ધપાગલાવસ્થામાં બકવાસ કરવામાં વિતાવી. એના અચેતનમાંથી ઊથલી-ઊથલીને ભૂસકા મારતું કમળીનું ભૂત એની છાતી પર સવાર થઈને બેઠું રહ્યું.

‘હા...હા...આ...આ...હી...હી...તું નિર્દોષ છૂટી ગયો છે કેમ? તું દુનિયાને મનાવે છે કે તું નિર્દોષ છે? કેવો દગો નર્સે તને દીધો? મને બહુ આનંદ થયો છે. મારાથી છાની-છાની એની મુલાકાત લેતો હતો, કાં? મને ભોળાવતો’તો. હું ગમતી નો’તી, કેમ? એની જોડે સંસાર માંડવો’તો, ખરું ને? હવે હું જોઉં છું તું કેવો સુખી થાય છે! હું તારો કેડો નથી મૂકવાની! મારા મામાનાં મન પર હું સવાર થઈને બેઠી છું. આટલા દા’ડા પછી કેવા સાબદા મારું વેર લેવા નીકળી પડ્યા છે. હું, હું, એના પર સવાર છું. યાદ રાખજે, તને રિબાવી-રિબાવીને મારશે. મને તેં રિબાવી હતી તેના કરતાં સો-ગણી રિબામણી તારે ભોગવવી પડવાની છે. મેં તારું શું બગાડ્યું હતું? તારા જીવનમાંથી ધકેલી મૂકી તો એમ દૂર મને રહેવા દેવી’તી, તેં મારો જીવ લેવા પાછી બોલાવી, સેતાન? પટાવી-ફોસલાવી તું મને રાતે નદીને કિનારે લઈ ગયો. ચાંદનીમાં તેં મને મીઠી-મીઠી વાતો કરી, વહાલ કર્યું. હાથમાં હાથ મિલાવી પાણીમાં લઈ ગયો. મશ્કરી કરતો હોય, એમ પાણીની છાલકો મારી મને ભીંજાવી તેં ને ગભરાયેલી મને છાતીભેર પાણીમાં જોર કરી દબાવી દીધી. મા! કેવી ભયંકર ગૂંગળામણ મને થઈ હતી? મારી એક-એક પળ કેવી રીતે વીતી હતી? મારા પ્રાણે પાણી વિના માછલી તરફડે એમ તરફડી-તરફડીને પછડાટો ખાધી હતી. મારું રૂંવેરૂંવું રુદન કરી ઊઠયું હતું. મારા ધમપછાડાની તારા પર કશી અસર ના થઈ. ક્રૂર માણસ! ગજબની જુક્તિ વાપરી તેં! મારું ગળું પકડીને પાણીની નીચે તારી ભોરિંગ ભીંસમાં મને દબાવી રાખી. મારા બોલ તારે સાંભળવા ના પડ્યા, મારું મોં ના જોવું પડ્યું કે ના જોવી પડી મારી નિઃસહાય પછડાટો. થોડી મિનિટોમાં મારું પ્રાણપંખેરું વલખાં મારી-મારીને ઊડી ગયું. હવે તારે મરવું નથી, કાં? હેં, મરવું કેટલું મુશ્કેલ છે? મરવાનું કોઈને ગમતું નથી; કીડીને પણ નહિ; નાનામાં નાના જીવને પણ નહિ. કહું તને? મને લગારેય ગમ્યું નહોતું. મારે બહુ જીવવું હતું. બહુ ઈચ્છા હતી. તારી સાથે કે તારા વગર જેવું તેવુંય જીવન માત્ર બસ હતું. ખબર છે તને, મને છેલ્લા શા વિચારો આવ્યા હતા? ‘તારા જીવનમાંથી બિલકુલ ખસી જઈશ; કોઈ દિવસ નહિ ઢૂંકું ત્યાં. પણ...પણ... મને ભયંકર મૂંઝારો થઈ રહ્યો છે. ફક્ત એક ક્ષણ માટે મને હવાનો શ્વાસ લેવા દે...’ ઓહ! કેવી ભયંકર અમૂઝણ! એક પળનો શ્વાસ... ને હવે તારે મરવું નથી. તારાય બધા મિથ્યા પ્રયાસો છે. મામાના માથા પર ડાકણી થઈને હું ચડી બેઠી છું. મારો અંત તો થોડી ક્ષણોમાં આવ્યો હતો પણ તારું મોત તો ગોકળગાયની ગતિએ ધીમે-ધીમે તારી બાજુ આવી રહ્યું છે. તું સાવ ભાનમાં હશે, પળે-પળે નરી પીડા ભોગવતો હોઈશ; કરાંઝતો, પછડાટો લેતો, કણસતો મરી રહ્યો હોઈશ ત્યારે હું મામાને માથેથી ઊતરીશ.’

અર્ધનિંદ્રામાં બબડ્યો; રડી ઊઠીને: “ના, ના, મને...કો...ઈ બચાવો...મારે જીવવું છે. જ-મા...દાર! વીર...મતી પુરાવો... લોહીના અક્ષર...જુઓ!’

એક પોલીસ પાસું ફેરવતો બબડ્યો: ‘ચસકી જવાનું છે આનું સવાર સુધીમાં, લવરી કરે છે ક્યારનો!”

ફરી પાછો દુઃસ્વપ્નમાં ગરકી ગયો: ‘રિબાવી-રિબાવીને મારશો મને? ઝાડ સાથે બાંધી ભાલાથી કોચશો? પગથી માથા સુધી! હેં, તમારી પાસે બીજો એનાથી પણ વધારે પીડાજનક નુસખો છે? મને કોથળામાં પૂરશો, ને કોથળામાં શું હશે? ઝેરી વીંછીઓ, નાના-નાના નાગો, કાકીડાઓ...! એનાથી પણ ક્રૂર યોજના તમે પહેલેથી વિચારી રાખી છે શું? શું મારે નદીના ભાઠા પર મરવું પડશે? મુશ્કેટાટ બાંધી મને ભરબપોરે રેતીના ભાઠામાં લઈ જશો. પછી મને ધખધખતી રેતીમાં શેકાવા દેશો. આળોટતો, રાડ્યો નાખતો, પછડાટો લેતો મને બફાવા દેશો. મારી ચામડીને તડ-તડ બળતી જોઈ, બળતા માંસની ગંધ સૂંઘી, તમને પાશવી આનંદ મળશે, કેમ? એટલાથી તમને સંતોષ નહિ વળે, મારી જાંઘોમાંથી માંસના લોચા કાઢી હવામાં ફેંકશો...પેલાં કાગડા, ગીધડાં, સમડી વગેરે એક-એક ચાંચ મારી મારી આંખો, જીભ, કાન, નાક, હોઠ વગેરે છૂટાં પાડીને બટકે-બટકે ભોજન કરશે, ત્યારે તમારા વેરની જ્વાળાઓ ઠરશે...?’

ઊંઘમાં રડી ઊઠ્યો. જમાદાર ને પોલીસો એના બબડાટથી જાગી ઊઠ્યા. એનો કલબલાટ સહન ના થવાથી પોલીસો રોનના ચક્કર મારવા ચાલ્યા ગયા. જમાદાર માથેમોઢે ઓઢી ઊંઘવાનો મિથ્યા પ્રયાસ કરવા લાગ્યો.

મળસ્કે ઊઠ્યો ત્યારે ભાંગી પડ્યો હતો ને એણે એનું સમતોલપણું સાવ ગુમાવી દીધું હતું. દબાતે પગલે બારણાની આડશે ઊભીને પેલા ઝાડ નીચે તાકી રહ્યો. વીજળીના દીવા બુઝાઈ ગયા હતા. પહેલાં તો એને કશું દેખાયું નહિ. હર્ષાન્વિત બનવા જતાં એને એકાએક ધારિયા ને ભાલાનાં ફળા ભોરિંગના માથા પરનો મણિ ચમકે એમ ઝળહળ થતાં દેખાયાં, એનાં શરીરનું સઘળું કૌવત હણાઈ ગયું. અંગપ્રત્યંગ શિથિલ બની ગયું. એનાથી માથે હાથ મુકાઇ ગયો. પોતે ભડકી ઊઠ્યો. એને પહેલી વાર ખ્યાલ આવ્યો કે ભયંકર તાવથી શેકાઈ રહ્યો છે જાણે ઊનો તવો ના હોય!

ફરી પાછી વિચારોની હારમાળા શરૂ થઈ: ‘સવાર તો પડ્યું. હવે ક્યાં જવું? પણ ધોળે દિવસે શું કરવાનો છે? રિબાવી-રિબાવીને મારે છે મને. અંધારામાં, એકલ-દોકલ હોઉં ત્યારે પકડે તો એમ બને! હવે તો જમાદાર જાણે છે. ઉઘાડે છોગ કૈં કરશે તો કાંઈ કોર્ટ છોડવાની છે? કાયદો શૂળીએ ચડાવીને છાલ મેલશે. એય મારો છાલ નહિ મૂકે. રાત તો પાછી પડવાની ને? ના, મારો પીછો નહિ મૂકે, કેમ કરી છૂટું આમાંથી? કોણ-કોણ...અલબત્ત, વકીલ, સારો બાહોશ વકીલ! સારો તારણહાર! કેમ મને અત્યાર સુધી યાદ ના આવ્યો? બે કલાકમાં તો બસમાં શહેરમાં પહોંચીશ. ચાલ, જીવ, ભગવાનનું નામ લઈને એને બંગલે, ધોળે દિવસે મારું ખૂન નહિ કરે. ને મારો ચાલાક વકીલ બેસાડી દેશે બેઉને જેલના સળિયા પાછળ...

સવાર પડતાં, ઊઠવા કરતાં જમાદારના પગમાં પડી કરગરી રહ્યો: ‘જમાદાર, તમે બહુ મોટો ઉપકાર કર્યો છે મારા પર. થોડો વધારે કરો. મને બસમાં બેસાડી જાઓ. જુઓ, આખી રાત ફાટી આંખે તે બેઉ ત્યાં બેસી રહ્યા છે. હજુય તમે મારી વાત નથી માનતા? કેવું ખુન્નસ છે બેઉની આંખોમાં? દયા કરો.’

જમાદારને દયા આવી ગઈ. કપડાં ઠીકઠાક કરી એને સાથે લઈ બસ-સ્ટેન્ડ પર ચાલ્યા. ઝાડ તળેથી પસાર થતા જગાએ જીવ લબૂકલબૂક થવા માંડ્યો. મામાની રાતીચોળ આંખો પર નજર પડતાં શીત કંપારીથી ધ્રૂજી રહ્યો. મામો એના તરફ કાતિલ નજરે જોઈ તિરસ્કારસૂચક થૂંક્યો. જમાદારે બેઉને ટોક્યા :

“અલ્યા અહીં કેમ બેસી રહ્યા છો?”

“કેમ, સાહેબ? ઝાડ નીચે બેહી બીડી ફૂંકવી ગુનો છે?”

જમાદાર ચૂપચાપ ચાલી રહ્યા. જગાને લાગ્યું કે, મામાજીના તુમાખી બોલવાએ જમાદારની બોલતી બંધ કરી દીધી હતી.

જમાદાર બોલ્યા : ‘હવે જોયું સાહેબ! જમાનાના પૂરા ખાધેલા માણસો રહ્યા. કાયદો જાણે. ઉતાવળમાં પગલું ભરીએ તો અમે ખરી મુશ્કેલીમાં મુકાઈ જઈએ. ઉઘાડે છોગ જ્યાં સુધી કાયદાનો ભંગ ના થતો હોય ત્યાં સુધી અમારાથી કૈં થાય નહિ.’

એણે પાછળ નજર નાખી. બેઉ જણાએ ઊઠીને એમની પાછળ ચાલવા માંડ્યું. તરત એના ધબકારા વધવા માંડ્યા, શરીર વધારે ધીકવા લાગ્યું ને ચોપાસ ધરતી ફરતી દેખાવા માંડી.

સ્ટેન્ડ પર ઊભેલી બસમાં સાબરની ગતિથી અંદર ચડી ગયો. આગલી સીટ પરની એક ખાલી જગા...જેની ચારેબાજુ લોકો ગોઠવાઈ ગયા હતા... તે પર તે ગોઠવાઈ ગયો. પેલા બેઉ પણ આગલી સીટ પર જગ્યા ના હોવાથી પાછળની બે સીટો પર ચૂપકીદીથી ગોઠવાઈ ગયા.

શહેરમાં બસ આવી ત્યાં સુધી દુઃસ્વપ્નોમાં સતત સપડાતો રહ્યો. કોણ જાણે શાથી સાચી કે ખોટી એને એક ખાતરી થઈ ગઈ હતી કે ધોળા દિવસે, અજાણ્યા શહેરમાં, લોકોની ભીડમાં એને નહિ મારી નાખે. વળી, રિબાવી-રિબાવીને મારવાની એમની ઈચ્છા અધૂરી રહી જાય.

બસમાંથી નીકળતાં એનો જીવ તાળવે ચોંટી ગયો. એનો શ્વાસ અધ્ધર થઈ ગયો. પણ એના આશ્ચર્ય વચ્ચે માત્ર બેઉની કરપીણ ને ડારતી નજરો માત્ર એની પર ટીકી રહી. ખૂબ ઝડપથી, એમનાથી દૂર રહેતો, કોઈ પણ સ્ત્રી-પુરુષની ઓથે સંતાતો એના વકીલના બંગલા તરફ દોડવા લાગ્યો. ગઈ કાલની રાતની માફક અમુક અંતરે પેલા બેઉ એનું પગેરું સૂંઘતા રહ્યા.

પંદર-વીસ મિનિટમાં, તાવથી સસડી ગયેલા રતુંબડા મોંએ, થાકથી લથડી ગયેલાં અંગોએ, લગભગ બેધ્યાન દશામાં એણે વકીલની રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે વકીલ ખુદ ચોંકી ઊઠ્યો.

“જગા, જગા, શું છે?”

થોડી વાર સુધી ફરસબંધી પર પડી રહી શ્વાસ ખાઈ રહ્યો. પછી પેલા બેઉ પાછળ આવી લાગ્યા છે યાદ આવતાં હોશમાં આવી ત્રુટક શબ્દોએ એની વાત કરવા માંડ્યો.

‘વકીલસાહેબ, મને ફરી... ફરી... બ...ચાવો. બેઉ જણા...’

‘કોણ, બેઉ જણા?’

“એ મા... રા ઓ! ઓહ! મને જીવતો નહિ મૂકે. તમારા સિવાય મને કોઈ નહિ બચાવી શકે. ગઈ કાલ રાતના મારી પાછળ પડ્યા છે.”

“પણ કોણ છે? તું શાંત થા ને સીધી વાત કર.’

‘ઓહ! મારું કાસળ કાઢી નાખશે. સાહેબ, મારી કમળી ખરી ના? હા, મારી પત્નીનો મામો... મને રાત્રે જાસાચિઠ્ઠી મળી એના પોતાના લોહીના અક્ષરે લખેલી. રિબાવી-રિબાવીને મને ચોવીસ કલાકમાં મારી નાખવાનું પણ લીધું છે. કૈંક કરો. જલદી કરો. બેઉ બહાર ઊભા છે.’

“જાસાચિઠ્ઠી લાવ તો...!”

‘હેં જાસાચિઠ્ઠી! પણ... નથી. તો...એ તો પેલી નર્સ...પેલી આપણા તરફથી સાક્ષી હતી ને તેને ત્યાં દોડાદોડમાં ભૂલી આવ્યો. હવે શું થશે?’ વકીલ સપ્રશ્ન માત્ર એની તરફ જોઈ રહ્યા.

‘જગા, એમ કંઈક તો...’

‘સાહેબ, બેઉ બહાર ઊભા. ચાલો, તમે તમારી જાતે જુઓ. ધારિયું ને ભાલો! કેવાં ચક્ચકે છે!’ લગભગ એમને તાણતો બહાર ખેંચી લાવ્યો. આસપાસ નજીક કોઈ જણાતા એને આશ્ચર્ય થયું ત્યાં સોએક વાર દૂર, બંગલાઓને છેડે દોડી જતા સરિયામ રસ્તા પર, એક ઝાડ નીચે બેઉ જણને બેઠેલા એણે ને વકીલે સાથે જોયા. વકીલ ડોકું ધુણાવતા રૂમમાં પાછા આવ્યા.

એનું માથું ફાટ-ફાટ થઈ રહ્યું. એણે વિનંતીઓ, કાકલુદીઓ, દલીલો ને અરજો વકીલને કરવા માંડી. એના આશ્ચર્યનો પાર નહોતો. એને લાગ્યું કે જાણે વકીલ છૂટી પડતા હતા.

જગાના શરીરમાંથી આવતી પરસેવા ને ધૂળની માથું ફાટી જાય એવી બૂથી બચવા નાકે હાથ મૂકતા વકીલ ડોકું ધુણાવતા બોલ્યા: ‘જો જગા, આમેય કાયદો આમાં બહુ કરી શકે એમ નથી. ને માન કે હમણાં તને છોડાવવા કૈં કરું... પણ... ક્યાં સુધી આમ છોડાવવાનું ચાલવાનું? કાયદાના હાથમાંથી છોડાવી શકાય પણ નાગચૂડમાંથી છોડાવવાની કોઈનીય શક્તિ નથી ભગવાનની પણ નહિ.’ ફાટી આંખે સાંભળી રહ્યો પણ વકીલની વાતનો મર્મ એને સમજાયો. ક્યાં સુધી ને કઈ જગાએ ભાગ-ભાગ કરે? જાણે એનો કંઈ અંત નથી.

આખરે જયારે ભાંગેલો, લથડતો, હતાશ ને બેશુદ્ધ વકીલના બંગલાની બહાર આવ્યો ત્યારે વિજયનું પણ ખૂની સ્મિત કરતો મામો ઝાડ નીચે ઊભો થઈ રહ્યો.

સ્રોત

  • પુસ્તક : ઈવા ડેવનો વાર્તા વૈભવ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : શરીફા વીજળીવાળા
  • પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2024