Suvvar ni aaulad - Short Stories | RekhtaGujarati

સુવ્વરની ઔલાદ

Suvvar ni aaulad

ભગવતીકુમાર શર્મા ભગવતીકુમાર શર્મા
સુવ્વરની ઔલાદ
ભગવતીકુમાર શર્મા

કુન્તાએ કેટલીય વાર મોત વાંચ્છ્યું હતું - એના પતિ ચરણનું, ‘દુનિયાના દરેક માણસે ક્યારેક તો એના કોઈક ને કોઈક સ્વજનનું મોત થાય એવી ઇચ્છા કરી હોય છે.’ એવું એણે ક્યારેય વાંચ્યું હતું કે નહીં એની તો ખબર નથી, પણ ચરણની બાબતમાં ચોખ્ખીચણાક હતી. - એને કયારેય, સહેજેય ગમ્યો નહોતો ધણી તરીકે તો કદી નહીં. પાંચ વર્ષ પહેલાં એનાં લગ્ન થયાં ત્યારેય કુન્તાની કોઈ મરજી નહોતી. એણે બહુ માથાફોડ કરી હતી, જેથી ચરણ સાથે એને સુવાની વેળા આવે. ઘેરથી નાસી ગઈ હતી, પણ એની જોરૂકો મામો એને પીંચોટિયું પકડીને પાછો લઈ આવ્યો હતો. એણે આપઘાતની કોશિશ કરી જોઈ હતી, પણ મ્યુનિસિપલ દવાખાનાના દાક્તરે એને ઉગારી લીધી હતી. તેને રિમાન્ડ હોમમાં જવું હતું. પણ મામાએ ‘સત્તાવાળાઓને ફોડી નાખ્યા હતા. કુણાલ પણ માટીપગો નીકળ્યો હતો. ‘સાલો બાયલો! મૂઓ નામરદ!' કુન્તાએ એને મનોમન ગાળો દીધી હતી. કુશાલને ભગાડી જવા તૈયાર હતી, પણ કુણાલને એના મામાની, ચરણની અને પોલિસની બીક લાગતી હતી. એની કાયરતાથી કુન્તા ખૂબ છેડાઈ પડી હતી. ‘હટ સાળા, પાણી વગરના ! લૂગડાનો છેડો ખેંચતાં બીક નહોતી લાગતી અને હવે પેલા તારા બબ્બે બાપની બીક... ' પણ એક નિસાસા સાથે એને સમજાઈ ગયું : 'આ તલમાંથી હવે તેલ નીકળે તેમ નથી... સુવ્વર નામરદ!' એણે બીજો ઉપાય પણ અજમાવી જોયો હતો. તે સીધી ચરણને મળી અને તેની સાથે લગ્ન કરવાની તેની નામરજી તેણે સાથે શબ્દોમાં બતાવી દીધી. કુણાલ સાથેના પોતાના સંબંધની વાત છુપાવી નહીં : 'ચરણદાસ, કુણાલ નામના એક જુવાન સાથે મારે બધા સંબંધો હતા. અમે એક ખાટલા પર સૂતાં છીએ. હજી તમે વિચાર કરો. પછી તમે મને બેવફા ઔરત કહેતા.’ પણ ચરણ એકનો બે થયો. કહી દીધું : 'મને એની કશી પરવા નથી, છોકરી! તારી સાથે લગ્ન કરવાની મને એટલી બધી ખૂજલી પણ નથી. તારો પેલો બદમાશ મામો મારા પાંચ હજાર રૂપિયા વત્તા વ્યાજ ચૂકવી આપે - નહીં તો તું રકમ પાછી આપે તો હું તારા મોં પર થૂંકવાયે રાજી નથી. તારા જેવી બહુ લુગાઈઓ જોઈ નાખી છે મેં.’ કહી ચરણે મોઢામાંથી તમાકુના પાનની લાંબી પિચકારી મારી હતી. કડક બીડીનો ઊંડો કસ ખેંચ્યો હતો અને લાલઘુમ્મ આંખે કુન્તા સામે જોયું હતું. કુન્તાના હાથ સળવળી ઊઠ્યા. ઉંમરમાં એનાથી વીસેક વર્ષ મોટો, જરઠ અને ઓઘરાળો આદમી એનો ધણી બનવાનો હતો, એની ગુદાઝ કાયાને સહેલાવવાનો હતો -કુન્તાને કમકમાં આવી ગયાં. એનું ગળું ભીંસી દેવાની, એની કોઈ ધોરી નસ કાપી નાખવાની કે એના શરીરનો કોઈ નાજુક ભાગ દબાવીને એનો જીવ લેવાની ઈચ્છા કુન્તાના મનમાં ધમધમી ઊઠી - અને ત્યાંથી સિલસિલો શરૂ થયો હતો - ચરણનું મોત વાંચ્છવાનો. એની સાથે ફેરા ફરતી વખતે કે, પહેલી રાતે ભારે સલ્લ બૂટ સાથે ખાટલાની નજીક આવતો હતો. ત્યારે, કે એની સાથે માતાજીને મંદિરે પગે લાગવા જતી વખતે કે એને માટે દૂધ વગરની ચા બનાવતી વેળાએ, કે એની મનપસંદ કોઈક તીખી - તમતમતી વાનગી તૈયાર કરતાં. કે એની રુંછડાંવાળી ટોપી પર બ્રશ ફેરવતાં કુન્તાને વારંવાર ચરણના મોતના વિચાર આવતા કોઈક એનું ખૂન કરે; એનો કોઈ જુગારી હરીફ સ્તો! અથવા એની સાઈકલ કોઈક ખટારા સાથે ભટકાઈ પડે; અધરાત-મધરાતે પોલિસ અને વેગનંતીડું સમજીને ગોળીએ દે; ઘરમાં ઝેરી સાપ નીકળે અને એને દંશ દે; ગળે ફાંસો ખાઈ લે. ક્યારેક એને એના રોટલામાં મોરથૂથૂ ભેળવી દેવાના, રાત્રે ઘસઘસાટ ઘોરતો હોય ત્યારે એને ગળે દાંત ભેરવી એનું ગરમ લોહી પીવાના, કોઈકને સો-બસો આપવાના કરી એનું કાસળ કઢાવવાના વિચારોયે એને આવતા વિચારો.

વિચારો એણે છાનાયે રાખ્યા નહોતા. ચરણ સાથે એને ઝગડો થતો - અને લગભગ રોજિંદી ઘટના હતી - ત્યારે બે બરછીની ધાર જેવા અવાજે કહેતી :

‘યાદ રાખજે માગ માટીના થતા, એક દી હું ઘટક ઘટક ઘૂંટડા ભરીને તારું લોહી પીવાની હું... તારી ચેહ બળતી જોઈશ તે દી મારી આંખોને ટાઢક વળશે... મૂઆ રાંડવા, કાળ તો એવો ચઢે છે કે તારી છાતીમાં છરો હુલાવી દઉં બાર ઇંચનો... તારા નામની બંગડીઓ દી ફૂટે એની વાટ જોઈને બેઠી છું.

જવાબમાં ક્યારેક ગડદાપાટુ, કદીક લાકડીના સપાટા, બેફામ ગાળો અને કોઈક વાર નફકરું હાસ્ય :

‘સાલી વેશ્યા, તારે કીધે હું એમ મરવાનો નથી. હું તો આખો કાગડો ખાઈને બેઠો છું. તારા જેવી તો સત્તરને જીવતી ભોંયમાં ભંડારી લીધી છે. છિનાળ! હું જાણું છું કે તું તો મારા મોતની વાટ જોઈ બેઠી છે, કેમ કે તારે પેલા રંડીના દલાલ કુણાલિયાનું ઘર માંડવું છે ને એની પથારીમાં... પણ યાદ રાખજે કમજાત, પહેલાં તો તું તારા દલાલની લાશ જોશે ને ત્યારે હું એની લાશ ઉપર બેઠો બેઠો ચિકન-બિયાનીની જ્યાફત ઉડાવીશ ને તેય મહુડા ઉપર!’

બહુ મોટો ઝઘડો થતો રાતે ચરણ ક્યાં તો ઘેર આવતો નહીં અથવા આવતો ત્યારે પરોઢ થવા આવ્યું હોય, દારૂથી ચિક્કાર, જુગારમાં ક્યાં તો હારી ગયો હોય; કોઇક સાથે હાથાપાઈ થઈ ગઈ હોય. હોઠને ખૂણેથી તેજ તમાકુવાળા પાનના રેગાડા હડપચી નીચે ઊતર્યા હોય, એકધારી સિગારેટ પીધાથી કાળા પડી ગયેલા હોઠ કશુંક બબડતા હોય, બીડીના તિખારાથી ખમીસમાં ત્રણચાર જગ્યાએ કાળા પડી ગયાં હોય. અને એવી દશામાં તે કુન્તાને સૂવાના ઓરડામાં ધસડતી ત્યારે કુન્તાને ક્યાં તો એની ખોપરી છુંદી નાખવાના કે પાછી પોતે ઘાસતેલ છાંટીને સળગી મરવાના વિચારો આવતા - માત્ર વિચારી ને પછી ગુમસુમ થઈ બેસી રહેતી. સવારનો તડકો બારીમાંથી ઠલવાતો હોય તોય ખાટલાની પાંગતેથી ઊભી થતી. એની રાતીચોળ આંખોમાં ચીપડાં બાઝતાં, રડવાથી એનું નાક ગળવા માંડતું. ખભેથી સરી પડેલી સાડી અને ચૂંથાઈ ગયેલા કબજાથી, છૂટા વાળથી અને ચેરાયેલા ચાંદલાથી એનો દેખાવ કંઈક બિહામણો લાગતો. પાસે ઊંધે મોઢે પડી નસકોરાં બોલાવતા ચરણને જોઈ એને બકારી આવતી. એને પોતાને શરીરેથી બધા લૂગડાં ફગાવી શેરીની વચ્ચોવચ ઊભા રહેવાની, ચરણની હાજરીમાં કોઈક પારકા મરદ સાથે શારીરિક સંબંધ બાંધવાની, ચરણને નગ્ન કરી ઘરની બહાર ઘસડી ચાબુકે ચાબુકે સબોડવાની, ચરણથી ગર્ભ રહે તો ગરમ દવા ખાઈ એનો નિકાલ કરી નાખવાની, પોતાની છાતી કાપી એના ટુકડા ચરણની થાળીમાં પીરસવાની - એમ જાતજાતની કાળઝાળ ઇચ્છાઓ થતી - માત્ર ઇચ્છાઓ અને બેસી રહેતી ગુમસૂમ, ઉદાસ, રડમસ, છાતીના પોલાણમાં ઢગલોએક ઓથાર ભરીને.

ક્યારેક એને પારોઠનાં પગલાં ભરવાનાયે વિચારો આવતા - ક્યાં સુધી તણાવ, દુશ્મનાવટ, ત્રાસ? શા માટે નમતું જોખવું? ચરણ ગમે તેવો તોયે માણસ છે ને? એક ભવ દાંત કચકચાવીને ગુજારી નખાય એની સાથે? એના પર વહાલ વરસાવું તો એનું વર્તન સુધરે? એને દેવની જેમ પૂજું, છાતીએ ચાપું તો કુમળો પડે? છેવટે તો પાંચ હાથ પૂરો મરદ છે, એને બીજું શું જોઈએ?

પણ વળી કુન્તાનું મન ફૂંફાડી ઊઠતું : જરઠ સામે ઝૂકી જવું? જુગારીને હથેળીના છાંયડા કરવા? દારૂડિયાને દેવની જેમ પૂજું? અરે, જરઠ, જુગારી ને ઢીંચેલ હોત, પગથી તે માથા સુધી સારો આદમી હોત તોયે મારે શું એને ચાટવો છે? એના મોં પર થૂંકે છે? મારી બલારાત! તો એક લાગનો છે - ઠાઠડીમાં કચકચાવીને બંધાવાના! અને કુન્તાની આંખો આગળ ચિત્રવિચિત્ર દ્રશ્યો ઊપસતાં : ચરણના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. ઓળખીતા-પાળખીતા એની પથારીની ફરતે ટોળ વળ્યા છે, પણ હજુ ચરણનો જીવ જતો નથી, કોઈ કુન્તાને આગળ કરે છે, પણ કુન્તા મોઢું ફેરવી લે છે. ચરણના મોતની લંબાતી ઘડીઓથી ગૂંગળાય છે. આના કરતાં તો કોઈ ચરણની છાતીમાં ગોળીનો ભડાકો કરી દે તો સારું; તરત ખેલ ખતમ. તો મૂઓ ઝટ મરતોય નથી... સાલો કુત્તો!... તો કોઈક વાર કુન્તાને ચરણની જગ્યાએ કુણાલની કલ્પના આવતી - એની સાથે સંસાર માંડવાનું બન્યું હોત તો? એને અમસ્તો નજીવો તાવ ભરાત તોયે પોતે હાંફળીફાંફળી થઈ જાત, અરે, એનું સહેજ માથું દુખતે કે શરદી થાત કે પગે મચકોડ આવત કે ખાંસી આવત કે અજીરણ થઈ જાત તોપે પોતે એને આછોવાનાં કરત - હાય રે, લ્હાવાયે નસીબમાં લખાયા - ને સાલો કુણાલિયો પણ નામરદ નીકળ્યો, સુવ્વર ! એને તો કરડી ખાવો જોઈએ કમબખ્તને!... કુન્તા ક્રોધ અને નિસાસાના બેવડા ભરડાથી ભીંસાઈ જતી. કપાળ કૂટતી, એને ગળે ડચૂરો બાઝતો, રાતોની રાતો સુધી પૂરું ઊંઘી શકતી. પથારીમાં તરફડ્યા કરતી, માથાનાં જટિયાં ખેંચતી. દિવસ આખો ફુવડની જેમ પડી રહેતી, બેત્રણ દહાડા સુધી નાહતી-ધોતી નહીં. ઘરમાં એને એકદમ એકલવાયું લાગતું. તે ચરણની રાહ જોવા માંડતી - મૂઓ રાખ્ખસ ઘરમાં ફરકે છેય ખરો? બૈરી તો સાલાને ખાવા ધાય! ઘરના ધાનના બે કોળિયા મોઢામાં ઠાંસતા તો ટાઢિયો તાવ આવે પાજીને! તારે દારૂ પીવો હોય તો લાવને સાલા, મારે હાથે હું તને પિવડાવું અરે, તું કહેતો હોય તો હુંયે જોડે ઢીંચું, પણ દુશ્મન મારા, બળતરા...!

પછી માથું વીંઝી ચરણના વિચારોને હાંકી કાઢવા મથતી. રાહ જુએ છે મારી જૂતી. અહીં તો અમે ટેસડા કરીશું ને તમે હાથ ઘસતા રહી જશો, લલવાજી!... અને એકલી-અટુલી સિનેમા જોવા ઊપડી જતી - સામટા બબ્બે ખેલ જોઈ નાખતી, ઘેર પાછી ફરીને ખાટલામાં ઊંઘમૂંધ સૂઈ રહેતી. ક્યારેક બારી-બારણાં બંધ કરી ચરણની બંડીમાંથી બીડી કાઢી ધુમાડા કાઢતી, ‘મારો સાત જનમનો વેરી' ઘેર આવે તો એની સાથે સખત ઝઘડો કરવાનો નિર્ણય કરતી, મનમાં રે મનમાં એને દેવા માટેની ગાળો પસંદ કરી રાખતી. ચરણ આવતો ત્યારે તે કાં તો એમાંનું થોડુંક ભૂલી જતી અથવા ઊંઘવાનો ડોળ કરી નાક બોલાવતી. ચરણ ખાંસી ખાતો સૂઈ જતો અને કુન્તા પડખાં ઘસતી-એની જીભનું ટેરવું ગાળોથી રવરવ થતું.

હમણાંથી ચરણની તબિયત કથળી હતી. જલદ જિંદગીએ એનું વેર વાળવા માંડ્યું હોય તેમ ચરણનું શરીર લેવાઈ ગયું હતું. આંખો ફિક્કી. ઉપરસ, તાવ, ખોરાક ઊતરી ગયો હતો. અવાજ વિચિત્ર રીતે તરડાઈ ગયો હતો. ગળે જાણે ખખરીનો જાડો થર બાઝી ગયો હતો. તે વારંવાર થૂંક્યા કરતો, ખાટલે બેસી બીડી-સિગારેટ તાણ્યા કરતો, તમાકુવાળા પાનનો ડૂચો ગલોફામાં ગોઠવી રાખતો. અને શરાબ પીધા પછી કુન્તાને ગાળો : 'સાલી છિનાળ... મારી જિંદગી બરબાદ કરી... ભગવાન તને નરકમાં નાખશે, સાલી!... ચીભડાની જેમ ચીરી નાખીશ તે તેમાં મીઠું ભરી દઈશ. મરચાંનો ધુમાડો કરીશ. રંડી!’ પણ તેનાં ઘણાં વાક્યો ઉધરસમાં દબાઈ જતાં. કુન્તા, આમાનું કેટલુંક સાંભળતી, અને પછી કમ્મરે હાથ ટેકવી, દાંત કરકચાવી, ડોળા ફાડી, છાતી પરથી છેડો ખસેડી બોલતી : 'હવે રહેવા દે મૂઆ નઠોર, મને જેમ ચીરી નાખનારના હાથ તો ક્યારનાયે વઢાઈ ગયા છે, સાલા દલાલ!’ ચરણ સામે જોઈ જવાબ આપતો, પણ ઘણી વાર ખાંસીના હુમલાથી ગૂંચવાઈ જતો. કુન્તા થૂંકદાનીનો ઘા કરતાં બોલતી : ‘આમાં થુંકજે, સાલા. થૂંકી થૂંકીને ઘર બગાડતો, સુવ્વર!' અને તોય ચરણની ખાંસી શમતી નહીં ત્યારે કુન્તા ધમધમ કરતી પાણીનો પ્યાલો લાવી તેની પાસે પછાડતી, દવાનાં પડીકાં તેની તરફ ફેંકતી ને છેવટે ઝોડની જેમ એની છાતી ને વાંસે હાથ ફેરવતી, એની બીડીની ફૂડી બારીમાંથી ફગાવી હતી, દારૂની બાટલીની કચ્ચર કચ્ચર કરતી, ‘હવે જો તેં દારૂનો દેવતા જીભે અડાડ્યો તો ઘોઘળો પીસીને તારો જાન લઈશ, ડુક્કર!' એની ચેતવણી ફંગોળાતી અને

ચરણની હાલત સુધરતી નહોતી. કુંતાએ એને કહ્યું ‘જા સાલા, કોઈ મોટા દાક્તરને જઈને દેખાડ. આમ મારા બાપની જેમ મરવા પડ્યો છે તે! આમ ને આમ ઠાઠડીએ બંધાઈ જઈશ એના કરતાં દાક્તરને દાપું ચૂકવી આવ, સાલા ગામના ઉતાર?' ચરણ માન્યો ત્યારે એક દિવસ કુન્તાએ જાતે આંગણામાંથી પસાર થતી એક રિક્ષાને થોભાવી, ચરણના પગ પાસે એની ચંપલ ફેંકી ને પછી કાતર જેવા અવાજે કહ્યું : 'જાય છે કે નહીં તારા બાપને ત્યાં કે પછી ઝીકું ચંપલ તારા માથામાં?’ ત્યારે ચરણ ‘સાલી તે બાયડી છે કે ચૂડેલ?’ એવું બબડતો રિક્ષામાં ફસડાયો. પગ પછાડતી કુન્તા ઓટલે જઈને ઊભી રહી અને રિક્ષા અદ્રશ્ય થાય ત્યાં સુધી દિશામાં તાક્યા કર્યા પછી ‘હા, હું તો ચુડેલ છું. ચુડેલ!' એમ બોલતી ઘરમાં આવી, બારણાં ભડોભડ બંધ કરી ખાટલા પર ઊંધે મોઢે પટકાઈ ક્યાંય સુધી પડી રહી. એને લાગતું કે પોક મુકીને રડી પડશે, પણ આંખો કોરીધાકોર રહી. છંછેડાઈ : 'સાલુ રડવુંયે ક્યાં મરી ગયું છે! થાય છે કે આંખોમાં આંગળાં ઘોંચી ઘોંચીનેય રડી લઉં, તો કાળજે...’

પછી એણે ઘરમાં આંટા મારવા માંડયા. એક ગોખલામાં ચરણની બીડીઓ નજરે પડી. ફગાવી દીધી. દીવાસળીના બાકસનોયે બારીમાંથી ઘા કર્યો. તમાકુની ડાબલી ચૂલામાં ઠાલવી દીધી. ઘર ધુમાડાથી અને કુન્તાનું ગળું ઉધરસથી ભરાઈ ગયાં. આંખમાંથી પાણી સરી પડયું ‘પણ કાંઈ સાલું રડવાનું નથી!' બબડતી ખુરશીમાં બેઠી, ઘડિયાળમાં જોયું. એકલવાયાપણાથી ઘેરાઈ ગઈ. એને અણગમો આવ્યો. ‘આના કરતાં તો ચરણ - ખવીસ દાક્તરને ત્યાંથી કોણ જાણે ક્યારે પાછો આવશે? પણ સુવ્વર દાક્તરને ત્યાં જશે ખરો કે પછી ક્યાંક ઢીંચવા બેસી જશે? ડુક્કરની સાથે હું જાતે મરી હોત તો ઠીક થાત. હરામી તો દવા લેવા મોકલું તો રંડીબજારમાં ટળે તેવો છે. ને પછી આવશે મારા નામની કાણ માંડતો ખોં... ખોં... ખોં... તે કરે ને ટેસડા બીડી-તમાકુના, દારૂ ને એલફેલના...! સુવ્વર, મારું શરીર જો; છે ને પ્હાણા જેવું ! કાળજે કાળી બળતરા ઊઠે છે, બાકી કોઈ એબ નથી... જીભ તલવાર જેવી છે, પણ ચરણનો હાથ ઝાલ્યા પછી કોઈની આગળ હજી સુધી જાંઘ ઉઘાડી નથી... હિંમત તો કોઈ કરે! સુવ્વરને કાપી નાખું? સાલાનું અંગ છૂંદી નાખું? પણ પેલો સાલો કેમ હજી પાછો આવ્યો? સીધો પહોંચી ગયો મસાણમાં?... દાક્તરને ત્યાં વાર તો લાગે ને? તેમાંયે તો મોટો દાક્તર.... સુવ્વરને દવાની કંઈ ટિક્કી લાગી જાય તો જાન છૂટે... સાલો ઘરમાં જ્યાં ત્યાં થૂંકના બળખા કાઢ્યા કરે છે ને આખો દી ખોં... ખોં... ખોં... કરે છે તે નથી. વેઠાતું... પહેલાં તો ભૂંડની ઓલાદની જેમ ડોઝરામાં ઝાંહટતો હતો; હવે તો સુવ્વર ચકલાની જેમ ચણે છે... સાલાને ગળે નથી ઊતરતું... સાલી તે કાંઈ મરદની રીત છે? મરદે તો મારી-ઉહેડીને ઝાંહટવું જોઈએ; તો તબિયત કડિયાળી ડાંગ જેવી રહે... ડુક્કરનો ખેંખલીદાસ જેવો થતો જાય છે... દવાની કોઈ ટિક્કી... મૂઓ કોઈ મોટા દાક્તરને ત્યાં ગયો હોય તો સારું... કે પછી નખ્ખોદિયો કોઈ મારી શોક્યને ત્યાં જઈને પડયો હશે ?... જો હરામજાદો દાક્તરને ત્યાં નહીં ગયો હોય તો આજે એને જીવતો છોડવાની હું...’

રિક્ષાનો ઘુઘવાટ સંભળાયો. બારણું ખખડયું. થોડી પળો પછી કુન્તાનું ધ્યાન તરફ ખેંચાયું. ‘એ રામજણીનો આવ્યો લાગે છે!' બોલતી દોડતે પગલે બારણા તરફ ગઈ. ‘છિનાળવો દાક્તરને ત્યાં નહીં ગયો હોય તો –‘ બબડતાં એણે બારણાં ઉઘાડ્યાં. ચરણ હતો - વધારે નિસ્તેજ, અસ્વસ્થ, ધ્રૂજતો. 'એય ખવીસ, દાક્તરને ત્યાં ગયો'તો કે પછી કોઈ રંડીને કુન્તા ત્રાટકતાં ત્રાટકતાં સંકોરાઈ ગઈ, ચરણ ટગર ટગર એની સામે તાકી રહ્યો હતો - એક શબ્દ પણ બોલ્યા વગર. થોડીક ક્ષણો કુન્તા સહમી ગઈ, પછી ઝડપથી અસલ મિજાજમાં આવતાં બોલી : 'એય ઘોરખોદિયા, ડોળા ફાડીને આમ શું જુએ છે શું? મોઢામાંથી ફાટતો કેમ નથી?' ચરણ કાંઈ બોલ્યા વિના લથડતે પગે ઘરમાં આવ્યો, ખાટલા પર ઢગલો થઈને ફસડાયો ને પછી ધ્રૂજતા હાથે પાયજામાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને તે કુન્તા તરફ ફેંક્યો. કાંઈ સમજાયું નહીં એટલે કુન્તા બરાડી ઊઠી : 'શેનું છે ચીંથરું? મારા લગનની કંકોતરી તો –‘

‘દાક્તરની રિપોર્ટ છે!' હાંફતા ચરણે ખખરી બાઝેલા સાદે કહ્યું.

‘હું... ત્યારે પીટ્યો દાક્તરને ત્યાં ગયો ખરો... જાય તો જાન લઉં સાલાનો?' બબડતી કૂન્તાએ રિપોર્ટની કાગળ ઊંધોચત્તો ફેરવ્યો, પણ અંગ્રેજી લખાણ સમજાતાં કાગળ પાછો ચરણ તરફ ફગાવતાં બોલી :

‘આમાં તો બળી કાંઈ ગમ પડતી નથી... સાલો દાકતર છે કે કુંભાર? …તને કાંઈ કીધું?’

ચરણે હકારમાં માથું હલાવ્યું એટલે કુન્તાએ એની એકદમ નજીક જઈ બરાડો પાડી પૂછયું : ‘તો ક્યારનો ભસી મરતો કેમ નથી? સાપ છે કે ઘો છે કે....’

જવાબમાં ચરણ નિસ્તેજ આંખે, થોડી ક્ષણો સુધી ટગર ટગર કુન્તાની સામે જોઈ રહ્યો, પછી ખોખરા કરમાયેલા સાદે ધ્રૂજતા શબ્દો બોલ્યો :

‘મને કેન્સર છે... દાક્તરે કહ્યું.’ અને ચરણે જોરથી આંખો મીચી દીધી. સાથે હાંફમાંથી સરકતો બબડાટ : ‘કેન્સર એટલે કેન્સલ...’

‘હાય.. હાય ચરણિયા તને –‘ કુન્તા લગભગ ચીસ પાડી ઊઠી. અગ્નિવર્તુળો જેવા એના શબ્દો વીંઝાયા : 'સુવ્વર, મેં તને લાખ વાર ના પાડી હતી કે બીડી... તમાકુ... દારૂ.... રંડીબાજી બંધ કર પણ તું હરામીની ઔલાદ...’ અને એણે ચરણને ગાલે ધડાધડ ત્રણચાર તમાચા ફટકારી દીધા. સાથે પેલું ક્યારનું રૂંધાઈ રહેલું રડવાનું - સુવ્વરની ઔલાદ જેવું...

('સુવર્ણ કેસૂડા'માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ 1) (પૃષ્ઠ ક્રમાંક 448)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019