હિરેન દેસાઈ
Hiren Desai
એ આખા ફળિયામાં ફરી વળ્યો. પૂરનાં પાણીમાં તણાઈને નદીમાંથી નગરમાં પ્રવેશી ગયેલો મગર જેમ રઘવાયો બનીને ગલીઓમાં પૂરપાટ ભાગતો હોય એવી ત્વરાથી એ એક પછી એક એમ ત્રણેય ઓરડામાં ફરી વળ્યો. અંતે રસોડામાં પણ તપાસી જોયું. કૂંડાને કંઈ પગ નથી હોતા કે એ ચાલીને બીજી કોઈ જગ્યાએ જતું રહે. બધા મિત્રો જેને ‘મૂર્ખ’, ‘જડસું’ કે ‘અણસમજુ’ જેવાં વિશેષણોથી સંબોધે છે, એ આકાશ પણ આવી સામાન્ય બાબતોથી વાકેફ હશે. એણે ફરી વિચાર કર્યો. આવી સ્થિતિમાં થોડી ધીરજ ધરી શકાય તો સારું પડે.
સિદ્ધાર્થ ખુરશી પર બેસી ગયો. ખુરશીના હાથા પર પોતાના હાથ મૂકીને એણે જરૂરી સહારો મેળવ્યો. સામેની દીવાલ પર ટીંગાતી ઘડિયાળમાં જોઈને સમય નોંધ્યો. પોતે અડધો કલાક પહેલાં ઘરેથી નીકળેલો. જતી વખતે ઘરના મુખ્ય દરવાજાને બરાબર તાળું મારેલું. કૂંડાને એકલું મૂકીને જતા જીવ નહોતો ચાલતો છતાં એ ગયો. કામ એટલું મહત્ત્વનું નહોતું. કોઈ મિત્રને પણ પોતે જણાવી શક્યો હોત. જે થયું એમાં એને પોતાની બેદરકારી કળાઈ. એ ઊભો થયો. ફરી બેસી ગયો. આસપાસ કોઈ નથી એ જોઈને એની અકળામણ વધી. ઘરમાં પથરાયેલી શાંતિ એની નસેનસમાં વહેવા માંડે તો અને તો જ આ માથે પડેલી આફતમાં એ કોઈ નક્કર પગલું ભરવાનું વિચારી શકે એમ હતો.
‘સિદ્ધાર્થ…સિદ્ધાર્થ…’ ડોર બેલ વાગે તે પહેલાં જ આકરા અવાજથી એ હચમચી ગયો.
દરવાજાને ધક્કો મારીને કોઈ અંદર પ્રવેશ્યું.
“આકાશ, તું? વાત ફેલાઈ ગઈ કે શું?”
“કઈ વાત?” હાંફતા હાંફતા આકાશે પૂછ્યું.
“કૂંડું ગાયબ થવાની…”
“શેનું કૂડું? કોનું કૂંડું?”
“કૂંડું. એકમાત્ર છોડનું કૂંડું. સૂરજમુખીના છોડનું કૂંડું.” સિદ્ધાર્થે હાથાનો સહારો છોડી દીધો.
“હેં?” આકાશ હેરતભરી નજરે સિદ્ધાર્થના પરસેવાથી લથબથ શર્ટને જોઈ રહ્યો, “હું તો અહીં તને…”
“એ છોડ બધું, તું મને આમાં શું મદદ કરી શકીશ એ જણાવ...”
“શેમાં?” સોફા પર બેસીને આકાશે ઊંડો શ્વાસ ખેંચ્યો.
“તું સાચે સાવ નકામો છે. અણસમજુ છે. દોડતો દોડતો આવ્યો અને પાછો મને પૂછે છે! અજાણ બને છે!”
“પણ…”
“પણ-બણ કંઈ નહીં. મારી સાથે ચાલ. હું તને બતાવું.”
સિદ્ધાર્થ આકાશને અંદરના ઓરડામાં લઈ ગયો, જ્યાં પોતે સૂતો હતો. આકાશ ઊભો રહ્યો અને સિદ્ધાર્થ ઉભડક બેઠો. “આ જો.”
“માટી?”
“કૂંડું હોવાની નિશાની. ગાયબ થઈ ગયું ક્યાંક. નક્કી કોઈ ચોરી ગયું.” સિદ્ધાર્થે આંખો પહોળી કરી.
“શું બકે છે, ભાઈ? એવું તે કંઈ બનતું હશે! કૂંડું ચોરવામાં વળી કોને રસ હોય…!”
“કેમ ન હોય? છોડ મેળવવાની લાલચ હોય જ. એ સૂરખમુખીનો છેલ્લો છોડ હતો.”
“મને કંઈ સમજાતું નથી. હું અહીં આવ્યો તને એ જાણ કરવા કે થોડા સમય પહેલાં મેં જે ઘોડો ખરીદ્યો હતો એનો આજ સવારથી કોઈ પત્તો નથી. હું ઘણી જગ્યાએ ફરી વળ્યો. નરહરિ સ્કૂલ પાછળનું ચોગાને ય જોઈ આવ્યો.”
“એ કંઈ ચિંતા કર્યા જેવી વાત નથી. મળી રહેશે બીજો ઘોડો. પણ આનું શું? હવે સૂરજમુખીનો છોડ ક્યાં શોધવો મારે?”
“એ પણ મળી રહેશે બીજો.” કહીને આકાશે સિદ્ધાર્થના માથામાં ટપલી મારી. હસ્યો જરા.
“ડફોળ, એ સંભવ નથી. તું મારી વાત કેમ સમજતો નથી? આખી દુનિયામાં એના સિવાય બીજો કોઈ છોડ બચ્યો નથી. બધા સૂકાઈ ગયા છે. સૂરજમુખીનાં ફૂલો તને કોઈ બજારમાં હવે નજરે ચડે છે ખરાં?”
“હા, મેં જોયેલો એક છોકરાને. સૂરજમુખીનો છોડ લઈને જતો હતો.”
“સાચે? ક્યાં?” સિદ્ધાર્થ ઊભો થઈ ગયો. “ક્યારે જોયો તેં એને?”
“અહીં આવતો હતો ત્યારે રસ્તામાં. એ સ્કૂલ તરફ જતો હતો. બહુ ખુશ દેખાતો હતો.”
“તું એને ઓળખે છે?”
આકાશે ડચકારો બોલાવ્યો.
“દેખાવમાં કેવો હતો?”
“ઊંચો અને સુકલકડી.”
“ચાલ સ્કૂલ તરફ જઈએ એને શોધવા. સુરજમુખીનો છોડ મેળવ્યાની એની ખુશી હું લાંબો સમય નહિ ટકવા દઉં.”
સિદ્ધાર્થે હઠ પકડી. આકાશ હજુ પણ અવઢવમાં હતો. માથું ખંજવાળતો હતો. આંખો પટપટાવતો હતો. એનો હાથ ખેંચીને સિદ્ધાર્થ ઘરની બહાર નીકળી ગયો.
“આટલી ઉતાવળ શેની પણ? તાળું મારી દે ઘરને.”
“હવે તાળું મારવાનો કોઈ અર્થ રહ્યો નથી.” ચાલ જેટલો જ ઉતાવળિયો સિદ્ધાર્થનો અવાજ.
થોડેક સુધી ચાલ્યા પછી સિદ્ધાર્થે દોડવાનું શરૂ કર્યું. આકાશે કાળાંડિબાંગ વાદળો સામે જોયું અને શરણાગતિ સ્વીકારી લીધી. સિદ્ધાર્થ ગતિ વધારી. દોડતો દોડતો એ અનેક યુગોમાંથી પસાર થઈ ગયો. એને ઘોડાની હણહણાટી સંભળાઈ. કરાળ અંધકારને ભેદતો એ આગળ વધી રહ્યો હતો. રથનું પૈડું થાકીને જમીન પર લેટી ગયું હતું. સાઇકલ, મોટર બધું જ પાછળ છૂટી ગયેલું. સ્કૂલ અને આકાશ પણ. સિદ્ધાર્થ એકાએક ઊભો રહી ગયો. એને હાંફ ચડ્યો હતો. પોતે બહુ દુર નીકળી ગયો છે એ હકીકતની એને પ્રતીતિ થઈ. એણે ચોમેર નજર ફેરવી.
નજીકમાં એક બાંધકામ જોઈને સિદ્ધાર્થને ધરપત થઈ. એ અંદર ગયો. દૂર એક ખૂણામાં ઘોડો ઊભો હતો. સિદ્ધાર્થ હરખાયો. ઘોડાની બરાબર પાછળ એક છોકરો ઊભો હતો. ઊંચો અને સુકલકડી. સિદ્ધાર્થ એની નજીક ગયો. છોકરાના કાળાંમેશ કપડાં અને ખિન્ન ચહેરો જોઈને એના મોઢામાંથી ભય ટપક્યો, “શ્યામાને સૂરજમુખીનું ફૂલ અત્યંત પ્રિય છે. મને મારો છોડ પાછો આપી દે.”
પેલો છોકરો ચુપચાપ ઊભો રહ્યો.
“શ્યામાએ ત્રણેક મહિના અગાઉ એનું હોમવર્ક કરતી વખતે મને એક બહુ વિચિત્ર વાર્તા સંભળાવેલી, જેમાં થોડા સમયમાં આખા વિશ્વના સૂરજમુખીના છોડ સૂકાઈ જાય છે અને પછી નવો કોઈ છોડ ઊગતો નથી. શ્યામાને એ બધું સાચું લાગતું હતું અને મને એ સમયે હસવું આવતું હતું, પણ…” સિદ્ધાર્થ ગંભીર બની ગયો. “તેં મારા ઘરમાંથી ચોરી કેવી રીતે કરી?”
“હું દિવાલની આરપાર જઈ શકું છું.”
“મને ઉલ્લુ બનાવી રહ્યો છે..! ક્યાં છે?”
“બળી ગયો.” છોકરાનો ચહેરો વિલાઈ ગયો.
“શું કીધું? થોડું જોરથી બોલ.”
“એ છોડ બળી ગયો.”
“ના, ના, ના, ના. એ શક્ય નથી. મારે એની જરૂર છે. હું એના વગર નહીં રહી શકું. શ્યામા અને શ્રદ્ધા જ્યાં સુધી જાત્રામાંથી પાછા ન ફરે ત્યાં સુધી એ છોડ જ મારો સહારો છે.” સિદ્ધાર્થનું શરીર કંપવા લાગ્યું.
“મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. માફ કરી દો મને.” કહીને છોકરો પાછળના દરવાજેથી બહાર જવા લાગ્યો. એકાએક અટક્યો અને સિદ્ધાર્થ તરફ ફરીને બોલ્યો, “સૂરજ સામે એકધારું જોતો હતો એમાં…”
“શું બકવાસ કરી રહ્યો છે?”
“શ્યામા... શ્યામા… ક્યાં છે તું?”
“શ્યામા અહીં ક્યાંથી હોય?! એ તો એની મમ્મી જોડે ગઈ છે.” કહેતા સિદ્ધાર્થે આસપાસ જોયું. થોડે દૂર ધુમ્મસમાં એને કેટલાક ઓળા કળાયા. લાંબા વાળ અને ભૂરી આંખોવાળી છોકરી દીવાલે ચડેલી નાગરવેલને ખેંચી રહી હતી.
“શ્યામા તે દિવસે સ્કૂલેથી સીધી મારી સાથે આવતી રહી હતી. અમે બધાં મિત્રો હવે સાથે જ રહીએ છીએ. શ્યામા છોડ લાવવાની જીદ્દ કરતી હતી. એ કોઈ જાત્રા-બાત્રાએ નથી ગઈ. તમે આ ફૅન્ટસીમાંથી બહાર નીકળો. બિહામણાં સપનાંઓએ તમને પાગલ કરી દીધા છે.”
“બસ, બહુ થયું!” છોકરાને પકડવા માટે સિદ્ધાર્થે દોડવાનો પ્રયત્ન કર્યો, પણ એના પગ લપસવા લાગ્યા. વાળ ઘાસની જેમ લહેરાવા લાગ્યા. ધૂળમાટીથી કપડાં રગદોળાઈ ગયાં. શરીર પર ઘસરડા પડ્યા. લસરતો લસરતો એ કોઈ અંધારિયા કુવાના તળિયે જઈ અફળાયો. કૂવામાં ઊતરેલાં વૃક્ષનાં ખોખરાં મૂળિયાંએ પોતાના હાથથી સિદ્ધાર્થને જકડી લીધો; પછી કૂવાની દીવાલે બાઝેલી લીલે એના માથા પર ગોળ ગોળ ફરતા કુંભારના ચાકડાની ત્વરાથી એક ચીકણું આવરણ રચી દીધું. સિદ્ધાર્થની આંખો બીડાઈ ગઈ, મોં સિવાઈ ગયું અને હાથપગ થીજી ગયા. રચાઈ ગઈ જાણે બુદ્ધની પ્રતિમા. એવામાં ઘોડાની હણહણાટી સંભળાઈ. સિદ્ધાર્થને આકાશની યાદ આવી. આકાશ કદાચ અહીં જ આવતો હશે એમ વિચારીને એના મનને સહેજ ધરપત વળી ખરી, પણ એ ધરપત યુગમાં પલટાઈ ગયેલી એકેક ક્ષણને વિતાવવા જેટલી તો કસદાર નહોતી જ…
શ્રદ્ધાનું નામ પુકારવા સિદ્ધાર્થના હોઠ તલસતા રહ્યા. એને સામાન ભરતી અને શ્યામા માટે રડતી શ્રદ્ધા દેખાઈ. “મને તે સ્કૂલ પહેલેથી જ પસંદ નહોતી. મારી વાત કાને ધરી હોત તો…’’ વરાળ બની જતી શ્રદ્ધાની ફરિયાદોથી સિદ્ધાર્થનો શ્વાસ રૂંધાતો હતો. સિદ્ધાર્થ ઇચ્છતો હતો કે વરાળનું પ્રમાણ વધતું જાય, વધતું જાય ને છેવટે પોતે જ વરાળનો ગોળો બની જાય, પણ… શ્રદ્ધાના ગયા પછી એ શ્યામાની જૂની સ્કૂલબૅગને બસ પંપાળતો રહ્યો હતો, મોડી રાત સુધી.
***
ફરી બૂમ સંભળાઈ. સિદ્ધાર્થ પથારીમાંથી સફાળો બેઠો થઈ ગયો. એનું આખું શરીર થરથરતું હતું. દરવાજે ટકોરા મારવાની સાથે આકાશ સિદ્ધાર્થના નામની બૂમો પાડતો હતો. પલંગ નીચે લાલ રંગથી ‘ન્યાય, બાળકો, કૂમળાં’ એવા અસ્તવ્યસ્ત શબ્દોના લખાણવાળું લાકડાનું એક પાટિયું પડ્યું હતું. સિદ્ધાર્થની નજર એના ઉપર સ્થિર થઈ. ચાલીને એ કાચની બારી પાસે ગયો અને બારીની બહાર કૂંડામાં ઊગેલા સૂરજમુખીના છોડને નીરખતો ટટ્ટાર ઊભો રહ્યો. સૂરજમુખીનું ફૂલ સૂરજ સામેથી નજર હટાવીને જાણે પોતાની તરફ જોઈ રહ્યું હોય એવું એને લાગ્યું.
સ્રોત
- પુસ્તક : વારેવા (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : રાજુ પટેલ
- પ્રકાશક : વારેવા ટોળી
- વર્ષ : 2025
