Snehdhan - Short Stories | RekhtaGujarati

મા વિનાનાં બે છોકરાંને ઉછેરવાનો ભાર વિધવા ફોઈ પર આવી પડ્યો. સાંભળ્યું હતું, મોટો છોકરો ભારે ઉદ્ધત ને તોફાની છે, કશાયને ગણકારતો નથી. નિશાળે જાય તો ત્યાંય માસ્તરોને ત્રાહ્ય ત્રાહ્ય પોકારાવી દે છે. ઘરમાં બીજાં બધાં એનાથી ડરે છે. મા સુધ્ધાં ડરતી. માત્ર બાપુ એને પહોંચી વળતા, કંઈ કેટલીય સજાઓથી, તમાચાઓથી, ગડદાપાટુથી. માર ખાતી વેળા એની આંખોમાંથી આંસુનું એક ટીપું સુદ્ધાં પડતું નહિ. મુખની રેખાઓ કઠોર બની જતી, શરીર જાણે બની જતું નિષ્પ્રાણ, નિષ્પંદ. મૂંગી મૂંગી થતી પોતાની અવહેલનાને ખમી શકવાને કારણે બાપુ માંહોમાંહે ચિડાતા ને છેવટે છેલ્લી વાર કાન અમળાવીને ધમકી આપતા આપતા ચાલી જતા ‘આખી દુનિયામાં કોઈ સંઘરવાનું નથી, જોજે ને!’

છોકરો નિષ્કામ ભાવે સાંભળી રહેતો.

દેખાવે તે કોઈક કાળે સુરૂપ હશે. અત્યારે તો તેનો ચહેરો જોઈને જંગલનું પ્રાણી યાદ આવી જતું. લાંબી આંખોમાં હિસાનો ભાવ સળગતો લાગે. કાળી પાંપણો ઊંચકાય ત્યારે એની નીચેથી એવો તો તિરસ્કાર પ્રગટ થાય! જાણે એનું ચાલે તો આખી દુનિયાને પગથી લાત મારી અવકાશમાં ગબડાવી દે.

વિધવા ફોઈ ગાડીમાંથી નીચે ઊતરી દ્વાર પાસે આવી ત્યારે અંદર સંઘર્ષ ચાલી રહ્યો હતો. બાપુ છોકરાને શિખામણ આપવા ગયા હતા. “જો જતીન, આજે ફોઈ આવે છે. હવે આપણે ત્યાં રહેશે. તારે એનું કહ્યું હવેથી માનવાનું છે, આજ સુધી તું જે રીતે વર્તતો હતો હવે નહિ ચાલે...”

છોકરો પથ્થર-શી મુદ્રા કરી ઊભો રહ્યો.

બાપુ ચિડાઈને બોલ્યા :“સંભળાય છે કાંઈ કે પથ્થર પર પાણી જ? આજ સુધી તો તારી મા હતી. તે તારા ગમે તેવા ઉધમાતને વેઠી લેતી હતી. પણ ફોઈ પાસે બધું નહિ ચાલે. બિચારી પોતાનું ઘર છોડી આપણા બધાંનું ધ્યાન રાખવા આવે છે. એનું કહ્યું નહિ માને તો પછી તારી સારી પેઠે મરામત કરવી પડશે. સંભળાય છે?”

છોકરો કર્કશ સ્વરે બોલ્યો : “નથી સંભળાતું, સો વાર નથી સંભળાતું.”

બાપુ ગુસ્સાથી ઊકળી ઊઠ્યા. આગળ વધી તેમણે એક જોરભરી થપ્પડ છોકરાના ગાલ પર મારી : “નથી સંભળાતું? તો વાગ્યું પણ નહિ સંભળાયું હોય, કેમ?”

પળે ફોઈએ ઘરના બારણામાં પગ મૂક્યો. બાપુ છોકરાને મારતા હતા તે જોઈ તેનું આખું શરીર મમ્મી ઊઠ્યું. એકદમ આગળ દોડીને છોકરાને પોતાની નજીક ખેંચી પાલવથી તેનું માથું ઢાંકી દેતાં બોલી : “અરે, શું કરો છો, આવડા કુમળા છોકરાને મરાય કે?”

બાપુ રોષભર્યે અવાજે બોલ્યા : “કુમળો? અરે તો પથરા જેવો કઠોર છે કઠોર!

પોતાને ગોદમાં છુપાવીને ઊભેલી ફોઈને ધક્કો દઈ, તેના હાથને તરછોડતો જતીન બોલ્યો : “હા પથરો છું, રસ્તા પરનો પથરો!” ને પછી ઓરડામાંથી ભરવેગે દોટ મૂકતો બહાર ભાગી ગયો.

ભાઈ બહેન સામે ઓશિયાળું સ્મિત કરતો ઊભો રહ્યો. ભોંઠે પડેલે અવાજે કહ્યું : “અળવીતરો છોકરો છે. કોને ખબર એની મા જેવી શાંત સ્ત્રીને પેટે આવો હિંસાખોર બાળક શી રીતે જન્મ્યો! એનું ચાલે તો આપણા બધાંનું ખૂન કરી નાખે!”

“હાં હાં,” બહેને ભાઈને મોંએ હાથ મૂક્યો : “એવું કહેવાય. છોકરાને તો પ્રેમ જોઈએ. મારવાથી તો તે ઊલટાનાં વધુ બગડતાં હોય છે. તમે જોજો ને! થોડા દિવસમાં તો સરખો થઈ જશે.”

*

ફોઈને પોતાના ઉપર વિશ્વાસ હતો. નાનપણમાં તેનાં લગ્ન થઈ ગયેલાં સાસરું સારું હતું, પતિયે ખરાબ નહોતો, પણ એક્કે બાળક થવાથી તેના હૃદયનો બહુ મોટો ભાગ સાવ ખાલી રહી ગયેલો. સંતાન માટે તલસી તલસીને છેવટે શાંત બની ગયેલા હ્રદયમાં કેટલી અતૃપ્તિ અણ ઓળખાઈ પડી હતી તેનું તેને ઝાઝું ભાન નહોતું. પતિ ને સાસુના મૃત્યુ પછી તે એકલી એકલી. પોતાના ગામમાં દિવસો પસાર કરતી હતી ત્યાં ભાઈનું તેડું આવ્યું - સ્ત્રીના મૃત્યુથી ભાંગી પડેલા ઘરને સંભાળવા માટે. ભાઈએ છોકરા વિષે બહેનને પહેલેથી સાવચેત કરી દીધી. હતી, પણ બહેને વાતને હસી કાઢી. બાળકો સંબંધેના તેના ખ્યાલો બહુ કુમળા અને સ્નેહભરેલા હતા. તેને વિશ્વાસ હતો કે પોતે સ્નેહથી ગમે તેવા ઉદ્દંડ બાળકને પણ સીધો બનાવી દઈ શકે.

ફોઈના આવતાં બે-ત્રણ દિવસ સુધી તો બધું ઠીક ચાલ્યું. જતીને કોઈ વિશેષ તોફાન કર્યા. ફોઈને કનડી નહિ. રસોડામાં ઢોળફોડ મચાવી નહિ. ફોઈએ રાજી થઈને ભાઈને હ્યું : “જોયું છોકરો બિચારો સ્નેહ વગર અકળાતો હતો! હવે કેવો શાંત ને ડાહ્યો થઈ ગયો છે! થોડા વખતમાં તો એવો સરસ થઈ જશે કે તમે એનાં ગુણગાન ગાવા લાગશો.”

ભાઈનું મન અસમંજસમાં પડી ગયું. મનમાં સહેજ ગ્લાનિ યે થઈ કે પોતે બધી વખત છોકરા સાથે બહુ કડક હાથે કામ લીધું હતું. છોકરાં તો સ્નેહનાં ભૂખ્યાં હોય. પોતે આટલી સજા કરી હોત તો કદાચ છોકરો આટલો ખરાબ થયો હોત.

ભાઈ ને બહેન વાત કરતાં હતાં તે વખતે બહારથી જતીન દોડતો આવ્યો. ધૂળે ભરેલાં કપડાં, હાથેપગે ધૂળ, વાળમાંય ધૂળ આવીને બોલ્યો : “ફોઈ જમવાનું આપો, જલદી, જલદી, મારે પાછું તરત જવું છે.”

બાપુથી રહેવાયું નહિ. જરાક ખમચીને તેમણે કહ્યું : “પણ આટલી બધી

ધાડ શી છે? હાથ-મોં તો ધો.”

બાપના કહેવા તરફ તદ્દન ઉપેક્ષા દાખવીને જતીન ફરી ફોઈને ઉદ્દેશી બોલ્યો : “ફોઈ, જલદી. તમે કેટલી વાર લગાડો છો! બે મિનિટ તો થઈ પણ ગઈ...”

બાપુ ગરજી ઊઠ્યા : “તે તું એવો ક્યો લાટસાહેબ છે કે તારાથી બે મિનિટ ખમાય નહિ? ને આવા ધૂળભરેલા હાથે જમશે કે? જા, જઈને પહેલાં હાથ ધોઈ આવ...

છોકરો ફોઈના સામું નજર માંડી ઊભો રહ્યો. ફોઈએ સ્નેહભર્યે કંઠે કહ્યું : “જા દીકરા, હાથ-મોં ધોઈ આવ તો! હું થાળી પીરસું છું.”

છોકરો જડાઈ ગયો હોય તેમ ફરસ પર બરોબર પગ જમાવીને ઊભો રહી ગયો.

બાપુ તરડાયેલ અવાજે ફોઈ તરફ જોઈને બોલ્યા : “મેં નહોતું તો...”

“શું કહ્યું હતું?” છોકરો ચીસ પાડવા જેવા અવાજે બોલ્યો : “કે હું પથ્થર છું એમ ને? હા, હું પથ્થર છું, રસ્તાને છેડે પડેલો પથ્થર!” ને તેણે ઝડપથી ખિસ્સામાં હાથ નાખીને મૂઠી ભરેલી ધૂળદાળની ઉઘાડી તપેલીમાં નાખી. “લો-લો- તમે લોકો લાગના છે!” અને પછી ગાંડપણ વળગ્યું હોય તેમ તે વેગથી બહાર દોડી ગયો.

ફોઈ ભોંઠી પડીને દાળની તપેલી તરફ જોઈ રહી. બાપુ માફી ભરેલું કરુણ સ્મિત કરતાં બોલ્યા : “તને બેન, બોલાવીને કેવું કામ સોંપ્યું છે? પણ તું મુંઝાતી નહિ, છોકરાને જરાય દાદ દેતી નહિ. એને તો મારી મારીને ઠેકાણે લાવવો પડે તેમ છે. તને જરૂર પડે તો મારા ઓરડામાં બારી પાસેના ખૂણામાં નેતરની સોટી છે.”

ફોઈની આંખની પાંપણો ફડ ફડ થઈ ઊઠી, પણ તે કશું બોલી નહિ. તે રાતે જતીન પથારીમાં સૂતો હતો ત્યારે ધીમે પગલે ફોઈ તેની પાસે જઈ બેઠી. તેના વાળમાં હાથ પસવારતી ધીમે અવાજે બોલી : “જતીન બેટા, હું અહીં રહું તે તને ગમે કે ગમે?”

જતીન કશું બોલ્યા વગર પડ્યો રહ્યો.

ફોઈએ તેના મોં ઉપર આંગળીઓ ફેરવતાં ફરીને પૂછ્યું : “જતીન, હું અહીં રહું કે પાછી મારે ગામ ચાલી જાઉં?”

જતીન પડખું ફેરવીને સૂઈ જતાં બોલ્યો : “તમે રહો કે રહો, એમાં મને શું?”

“તને હું નથી ગમતી?”

જતીન કંટાળાભરેલા અવાજે બોલ્યો : “મને કોઈ ગમતું નથી, કોઈ નહિ. મને નકામો શું કામ હેરાન કરે છે? જોજો ને, હું ઘરમાં રહેવાનો નથી!”

ફોઈ સંકોચ પામીને બોલી : “ક્યાં જઈશ?”

“રસ્તાને છેડે-પથ્થરા પડ્યા છે ત્યાં...!” જતીન રૂક્ષ અવાજે બોલ્યો : “હવે હું ઊંઘી ગયો છુ. મને બોલાવો નહિ.”

સાત વર્ષના છોકરાના મોંએ આવી વાણી સાંભળી ફોઈના મનમાં કાંઈનું કાંઈ થઈ ગયું. તેને મૂળે છોકરાઓ પર વહાલ હતું, ને જતીનના તોફાનની વાત સાંભળી તેણે નક્કી કરેલું કે પોતે ખૂબ લાડ-પ્યાર કરીને, ધીરજ રાખીને એને સારો બનાવશે. પણ અહીં એની કશી ભાવના કામ લાગી નહિ, જાણી તે મનમાં ખુબ દુ:ખી થઈ. જતીનના કપાળે ફરી એક વાર હાથ ફેરવવાની તેને ઇચ્છા થઈ આવી. પણ એથી તો વધારે ખિજાશે એમ માની તે ઊઠીને પોતાની પથારીમાં જઈને પડી.

જતીનથી નાની બહેન હતી સીમા. પાંચ વર્ષની છોકરી જતીનથી તદ્દન વિરુદ્ધ સ્વભાવની હતી. બાપુ અને ફોઈને પ્રસન્ન કરવા ખૂબ મહેનત કરતી, દેખાવમાં તે જેવી સરસ હતી તેવી સ્વભાવે કોમળ હતી. બાપુ ઘણી વાર હેતા : “એનામાં ને જતીનમાં કેટલો ફરક છે? એક છે પથરો ને બીજી છે હીરો...”

જતીન સીમાનેય હેરાન કરવામાં કાંઈ બાકી રાખતો નહિ. કોઈક વાર તો કારણ વગર એના ગાલ પર પટાપટ તમાચા ચોડી દેતો. “તું હીરો છે, કેમ? આહા, આંસુમાં હીરો કેવો ચમકે છે?”

ફોઈને જતીન ગમે તેવાં તોફાન કરે, તેનું બહુ લાગતું નહિ. પણ સીમાને હેરાન કરે કે મારે ત્યારે તેમનીયે ધીરજ ખૂટી જતી. ત્યારે તેમનાથી જતીનને વઢ્યા વગર રહેવાતું નહિ. જતીન એના જવાબમાં સીમાને બીજા બે ધબ્બા મારીને બોલતો બોલતો બહાર જતો રહેતો : “હીરાને તે પથ્થર કાંઈ વાગે?”

પણ એક દિવસ તો હદ થઈ ગઈ.

બાપુ એમના ઓરડામાં કાંઈ કાગળિયાં ઉથલાવતા હતા. ફોઈ રસોડામાં રસોઈ બનાવતી હતી. વખતે અચાનક સીમાના ચિત્કારો તેમને સંભળાયા. ફોઈના મનમાં ફાળ પડી. રસોડામાંથી હાથ ધોઈને બહાર આવતાં આવતાંમાં તો સીમાના આક્રોશથી ઘર ભરાઈ ગયું. જોયું તો તે જમીન પર પડી હતી. જતીન તેની પીઠ પર, માથા પર, હાથ પર ફાવે ત્યાં મુક્કીઓ મારતો હતો ને વાળ ખેંચતો હતો ને બોલતો જતો હતો : “મારીશ, હજુ મારીશ. ખૂબ મારીશ.”

ફોઈએ એકદમ દોડીને જતીનને પકડી લીધો. શક્ય તેટલો સંયમ રાખીને તેમણે ઠપકો આપ્યો : “આ શું કરે છે જતીન?”

જતીન છૂટા પગે એક લાત સીમાને મારતો બોલ્યો : “મારું છું.”

ફોઈનું ધૈર્ય ખૂટી ગયું. જતીનના ગાલ પર એક હળવી થપ્પડ દઈને તેને કહ્યું : “આટલી નાનકડી છોકરીને મારતાં શરમ નથી આવતી?”

“પથરાને શરમ શી?” કહીને જતીને ફોઈના હાથે મોટું બચકું ભર્યુ. “જુઓ, તમનેય હાથે બટકું ભરી શકું છું...”

“ઓ-” ફોઈથી ઝીણી ચીસ પડાઈ ગઈ.

બાપુ એમના ઓરડામાંથી દોડતા આવ્યા. એક પળમાં તેમણે પરિસ્થિતિ સમજી લીધી. આવ્યા તેવા પાછા જઈ પોતાના ખંડમાંથી નેતરની સોટી લઈ આવ્યા. ક્રોધથી કંપતા અવાજે તેમણે કહ્યું : “જતીને હવે માઝા મૂકી છે. હવે નરમ થયે નહિ ચાલે...” અને તેમણે જતીનને ફટાફટ સોટી ફટકારવા માંડી.

જતીનનો ચહેરો એકદમ ખૂબ કઠોર બની ગયો. તે જાણે એની રાહ જોતો હોય એમ સ્થિર સ્તબ્ધ ઊભો રહ્યો. બાપુએ એની પીઠ પર સોટી ફટકારતાં કહ્યું : “કોને ખબર ક્યાંથી આવો છોકરો આવ્યો છે!”

ફોઈ એક ક્ષણ જોઈ રહી. બીજી પળે તેનું માતૃહૃદય કણાથી છલાછલ થઈ ઊઠ્યું. તે દોડ... તેણે સોટી વચ્ચેથી પકડી લીધી. “હાં, હાં, આમ છોકરા ને મરાય?”

જતીન બળથી ફોઈને દૂર ખસેડતાં બોલ્યો : “તમે દૂર રહો. મારી ને બાપુની વચ્ચે આવનાર તમે વળી કોણ?” ને પછી તે બાપુની સામે પીઠ ફેરવીને ઊભો રહ્યો. જાણે એની પીઠ કહેતી હોય : “મારો, મારો, ખૂબ મારે... મારી નાખો!”

બાપુનો ક્રોધ બેકાબૂ બની ગયો. ફોઈના હાથમાંથી સોટી છોડાવી બળપૂર્વક તેમણે જતીનના વાંસા પર ચોડી દીધી. બધાની વચ્ચે સીમાના આક્રોશ તો ચાલુ હતા. ફોઈએ એક હાથે સીમાને ઊભી કરી ને બીજા હાથે બાપુને બળપૂર્વક બીજા ઓરડામાં લઈ જવા ખેંચ્યા. બાપુએ કહ્યું : “ખસી જા બહેન, આજે તો હું એને બરોબર ખોખરો કરીશ.”

જતીન અડગ, અચલ ઊભો હતો. ધીમા કઠોર અવાજે તે બોલ્યો : “હા, તો મારો ને! એટલે તો ઊભો છું. એક તસુયે ખસું તો કહેજો.”

બાપુ મારી મારીને છેવટે થાકી ગયા. જતીનનાં કપડાં ફાટી ગયાં. એની પીઠ પર સોળ ઊઠ્યાં. પરસેવો લૂછીને તેમણે સોટી ફેંકી દીધી. બહેન તરફ જોઈને કહ્યું : “એને ત્રણ દિવસ સુધી ખાવા આપવાનું નથી, આપ્યું છે તો વાત છે!” ને પછી તે મોટાં ડગલાં ભરતા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા.

ફોઈ મૂઢ-શી બધો ખેલ જોતી ઊભી રહી. સીમા હજુ ધીમે ધીમે ડૂસકાં ભરી રહી હતી. જતીન ઊભો હતો ત્યાં ઊભો રહ્યો.

ત્રણેક કલાક વીત્યા કેડે ફોઈએ આવીને જોયું તો હજુ પણ જતીન ત્યાંનો ત્યાં ઊભો હતો. તેનો ચહેરો ભાવહીન હતો.

ફોઈએ ડરતાં ડરતાં કહ્યું : “ચાલ જતીન, જરાક ખાઈ લે તો...”

જતીને સાંભળ્યું હોય તેમ તેના ચહેરા પર કશો ફેરફાર થયો નહિ.

ફોઈએ જરા વધુ નજીક આવી કહ્યું : “બાપુ તો કહે... તો ગુસ્સામાં હતા ને એટલે કહ્યું. ચાલ, જો, જરા ખાઈ લે... મેં પણ ખાધું નથી.”

જતીન ત્રાડ પાડવા જેવા અવાજે બોલ્યો : “હું નથી ખાવાનો, નથી ખાવાનો, નથી ખાવાનો. તમે બધાં ભેગાં મળી મારો જીવ લેવા માગો છે ને? લઈ લો...”

ફોઈની વધુ બોલવાની હિમત ચાલી નહિ.

તે દિવસે ઘરમાં કોઈ જમ્યું નહિ. સીમા સુધ્ધાં નહિ.

સાંજ પડી ત્યાં સુધી જતીન ને ઠેકાણે ઊભો રહ્યો. ફોઈએ ચાર-પાંચ વાર ડોકિયું કર્યું, પણ જતીન પાસે જવાની તેમની હિમત ચાલી નહિ. એક વાર તેમણે પાણીનો પ્યાલો ભરી તેની પાસે મૂક્યો. જતીને બીજી દિશામાં મોં ફેરવી લીધું ને હતો તેમ ઊભો રહ્યો.

શિયાળાની શરૂઆતના દિવસો હતા. સાંજ પડ્યે જરા જરા ઠંડી હવા ફૂંકાવા લાગી. હવાની પહેલી લહર શરીરને અડતાં જતીન એકદમ ટટ્ટાર થઇ ગયો. ને બીજી લહર લાગતાં અચાનક તેને કોને ખબર શું થયું. એકદમ તે દોડ્યો. બારણાં પાસે તે ઠોકર ખાઈને પડ્યો. પણ ત્યાંથી લાગલો ઊઠીને તે પાછો બહાર દોડી ગયો.

ફોઇ પરસાળમાં બેઠી હતી. જતીનને આમ દોડી જતો જોઈને તેને વિસ્મય થયું. છોકરો ક્યાંક ભાગી તો નહિ જાય ને? - તેને થયું, ને તે પણ ઊભી થઈ તેની પાછળ દોડી. જતીનને તો આજુબાજુનું શું ભાન હતું નહિ. સીધી દિશામાં તે જાણે આંખો બંધ કરીને દોડ્યે જતો હતો. છેવટે રસ્તાને છેડે, એક ખુલ્લી જગ્યા આવી ત્યાં તે ધીમો પડ્યો.

ત્યાંથી ડાબી બાજુએ વળતાં થોડો ઝાડી જેવો ભાગ હતો. જતીનનાં પગલાં એકદમ ધીમાં થઈ ગયાં. તદ્દન બિલ્લીપગે તે ઝાડીની નજીક ગયો. ફોઈ પણ કુતૂહલથી તેની પાછળ પાછળ ગઈ. જતીન જરાક અંદર ઘૂસી, વાંકો વળ્યો, ને પછી ઉભડક પગે બેઠો. ત્યાં ઝાડીના અંદરના ભાગમાં એક કૂતરી તેનાં તાજાં વિયયેલાં ગલૂડિયાં સાથે બેઠી હતી. જતીને વહાલથી એક પછી એક ગલૂડિયાં પર હાથ ફેરવ્યો. “આજ તમને કાંઈ ખાવાનું નથી મળ્યું કાં?” તે વહાલથી બોલ્યો : આજ એટલે મેંય ખાધું નથી હોં! પણ એની ફિકર નહિ. ઘેરથી નહિ તો વીરુને ત્યાંથી તમને બે રોટલી લાવી આપીશ.”

ફોઈ સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. છોકરો હમણાંથી રોજ જમતી વખતે હઠ કરીને ચાર રોટલી પહેલેથી સાથે માગતો, ને પછી તેમાંથી બે અચૂક પડતી મૂકતો, તેનું રહસ્ય તેમને સમજાયું. પછી ચોકડીમાં થાળી મૂકવા જતી વખતે તે બચેલી રોટલી ખિસ્સામાં લઈ જતો હોવો જોઈએ. ને ઘીના ડાઘ દેખાય એટલે ચડ્ડીને ધૂળથી રગદોળતો હોવો જોઈએ!

ફોઈ નજીક આવી જતીનની બાજુમાં બેસી ગઈ. જતીન એની સામે જોતાં ક્ષણભર ચમકી ઊઠ્યો. પછી સહજ સૂરે બોલ્યો : “જુઓ ફોઈ, કેવાં સરસ ગલૂડિયાં છે!” અને તે ફોઈની સંમતિ મેળવવા ફોઈના મોં સામે આતુરતાથી તાકી રહ્યો.

ફોઈના હૃદયમાં ભરતી આવી. છોકરાના મોં પર સ્નેહના, આતુરતાના, મુગ્ધતાના આવા ભાવો તેણે ક્યારેય જોયા નહોતા. તે ધીમે અવાજે બોલી : “અરે વાહ, કુરકુરિયાં તો ભારે સરસ છે. એક, બે, ત્રણ ને ચાર છે ને શું? ઠીક જતીન, તો હજુ ત્રણ-ચાર દિવસથી જન્મ્યાં લાગે છે. તે એમને શીરોબીરો ખવડાવેલો કે?”

જતીન ઉદાસ થઈ જઈને બોલ્યો : “શીરો ખવડાવવો જોઈએ ફોઈ? મને તો ખબર નહોતી!” ને પછી એકદમ ભાંગેલે અવાજે બોલ્યો : “પણ હું શીરો ક્યાંથી લાવું?”

ફોઈએ મહેનત કરીને આંખોને સાચવી, તોયે તે ભીની ભીની થઈ ગઈ. મોં આડું કરી તે બોલી : “એમાં શું જતીન, મને કહેવું હતું ને? બિચારાં ગલૂડિયાંથી રોટલી ચવાય કે? ચાલ, ઘેર જઈએ, શીરો બનાવીને પછી આવીએ.”

જતીન ફોઈના મોં સામું તાકી રહી, મનાતું હોય તેમ બોલ્યો : “તમે બનાવી આપશો ફોઈ?”

ફોઈ હસીને બોલી : “હા સ્તો, હું બનાવીશ, તું મને મદદ કરજે,” જતીન ખુશખુશાલ થઈ ગયો. પછી એકદમ કંઈ યાદ આવતાં બોલ્યા : “પણ બાપુ? બાપુ જાણશે તો વઢશે નહિ?”

“આપણે બાપુથી છાનોમાનો બનાવી લઈશું, પછી ગલૂડિયાં મોટાં થશે એટલે એમાંથી એક બાપુને ભેટ આપીશું-બાપુના ઓરડાની ચોકી કરવા માટે.”

જતીનનું બાળહૃદય બોલ્યું : “પછી બાપુને ઓરડામાંથી બહાર નહિ આવવા દે, કેમ?” તે જરાક મલકાયો. પણ બાપુ વિરુદ્ધ બોલતાં રખેને ફોઈ નારાજ થઈ જાય ડરે તે અટકી ગયો. ફોઈના રૂપમાં મળેલું સ્નેહધન આજની તેની અપૂર્વ ઉપલબ્ધિ હતી. તેને તરતમાં ખોઈ દેવા માગતો નહોતો.

ફોઈ ઊભી થઈને તેણે જતીનને સ્નેહથી સાથે લીધો. જતીન તેના પાલવમાં અર્ધો છુપાતો, અર્ધો શરમાતો બોલ્યો : “ફોઈ, હું બહુ ખરાબ છોકરો છું?”

ફોઈએ મમતાથી તેને હૃદયસરસો ચાંપી લીધો. “ના રે, તું તો મને એટલો વહાલો લાગે છે!”

જતીને આશંકાથી કહ્યું : “પણ બાપુ તો મને પથરો કહે છે!” ફોઈએ કાંઈ બોલતાં આલિંગન વધુ ગાઢ બનાવ્યું.

જતીન ધીમે સ્વરે બોલતો રહ્યો : “ફોઈ, હું કાંઈ સીમાને મારવાનો નહોતો. પણ આજે સવારે ગલૂડિયાં જોઈ લીધાં હતાં. એટલે એણે મને ધમકી આપી કે હું એની તોડેલી સ્લેટ સરખી નહિ કરી આપું તો બાપુને ગલૂડિયાં વિશે કહી દેશે. તમે કહો ફોઈ! પછી મને ગુસ્સો આવે? બાપુ મને આટલું મારે છે તે ગલૂડિયાંને જીવતાં રહેવા દે ખરા કે?...” અને પછી ફોઈ સામે જોઈ સ્નેહથી બોલ્યો : “ફોઈ, મેં બચકું ભરેલું તે બહુ વાગ્યું હતું? જોઉ તો...” તેણે ફોઈના હાથ પર પોતાનો હાથ ફેરવ્યો : “ફોઈ, તમે સાચે શીરો કરી આપશો ને? આહા! મને ખબર નહિ. ગલૂડિયાંને શીરો આપવો જોઈએ, નહિ તો હું વીરુની માને કહેત તો, તે તો કરી આપત...” પછી જરા અચકાઈને બોલ્યો : “તમેય કરી આપત ફોઈ! પણ મને બાપુની બીક લાગતી હતી! હવે હું સીમાને નહિ મારું... ફોઇ, તમે ગલૂડિયાં વિષે બાપુને કહેતા નહિ હોં! બિચારાં ગલૂડિયાં! એમનું કોણ ધ્યાન રાખે?...”

ફોઈની આંખેથી આંસુની ધાર ચાલી. એનાં ટીપાં જતીનને માથે પડતાં તેણે ચમકીને ઊંચું જોયું, ને પછી બોલ્યો : “રડતાં નહિ ફોઈ હવે હું ડાહ્યો થઈ જઈશ. હવે કદી તોફાન નહિ કરું. કોઈને નહિ મારું. તમે કહેશો તો નિશાળમાંયે ભણીશ. પણ ફોઈ, તમે ગલૂડિયાં માટે રોજ ખાવાનું બનાવી આપશો ને?”

... ને પછી સ્વગત બોલતો હોય તેમ બોલ્યો : “મારી નિશાળમાં ઘણાં બધાં ફૂલ થાય છે. મોગરાનાં ફૂલની તો અહા, એવી સુગંધ આવે છે! ફોઇ! એનાં ફૂલ લઈ આવીને હું તમારે માટે માળા ગૂંથીશ. તે તમે પહેરશો? ફૂલ તો માળી નથી તોડવા દેતો. પણ તોય હું તો તોડવાનો. બહુ તો મારશે એટલું ને? એમ હું ક્યાં મારથી ડરું એવો છું નહીં ફોઈ!”

સ્રોત

  • પુસ્તક : વધુ ને વધુ સુંદર (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : કુન્દનિકા કાપડિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013