યોગેશ જોષી
Yogesh Joshi
છેલ્લું દૃશ્ય ભજવાયું, છેલ્લો સંવાદ બોલાયો એ ક્ષણે જ કોઈકે ‘સ્ટેચ્યુ’ કહ્યું હોય એમ સ્ટેજ પરના બધાં જ પાત્રો, જેમ હતાં એ જ મુદ્રામાં સ્થગિત થઈ ગયાં. પરદો પડ્યો. લાઇટો થઈ.
મારી નજર ઈલાબહેનને શોધવા લાગી.
ઇન્ટરવલમાં મેં ઈલાબહેનને જોયાં'તાં. પહેલી જ લાઈનમાં બેઠેલાં. હું ખાસ્સી પાછળ હતી તે એમનો સાઇડ ફેસ જ જોઈ શકેલી. પહેલાં તો થયું કે ઈલાબહેન જેવું કોઈક છે. પણ જ્યાં એમનો ચહેરો દરવાજા તરફ ફર્યો, ચહેરાનો વધારે ભાગ દેખાયો તો થયું, ના, ના; આ તો ઈલાબહેન જ. એરપોર્ટ પર ઊતરતાં ઈલાબહેનને ય યાદ કરેલાં. સરનાં સ્મરણો તો આખીયે મુસાફરી દરમિયાન મનમાં ઊભરાયાં હતાં. પંદર વર્ષ પછી હું અહીં આવી હું તો શું થયું ? ઈલાબહેનને તો જોતાંવેંત જ ઓળખી કાઢું, સરના ઘરે કેટલીબધી વાર મળ્યા હતાં ! કેવું મઝાનું જાજરમાન વ્યક્તિત્વ ! કાયમ હસતાં ને હસતાં. કંઈ ને કંઈ બોલ બોલ કર્યા કરે અથવા તો કોઈને કોઈ ગીત ગણગણતાં જ હોય ને એ ગીતના ભાવ પ્રમાણે, લય-તાલ સૂર-રાગ પ્રમાણે એમના હાથની મુદ્રાઓ ય બદલાતી જાય. થોડા જ દિવસ માટે હું અહીં આવી હોવાથી સમયની સતત ખેંચ રહે છે. ઈલાબહેનને મળવાનું મન થાય તો ય સમય ક્યાં મળવાનો હતો ? સારું થયું, ઈલાબહેન પણ આ નાટક જોવા આવ્યાં ને હવે એમને ય મળી લેવાશે.
ઇન્ટરવલમાં હું ઊભી થઈને એમને મળવા જઉં ત્યાં જ લાઇટો બંધ થઈ ગયેલી. અંધારું ધબ. માત્ર ઊંચકાતા જતા મરુન રંગના પરદા પર આછું પીળું અજવાળું વધવા લાગ્યું, કેટલાંક પાત્રો પ્રગટ થયાં તો એમની વેશભૂષા બદલાઈ ગયેલી.
થયું, કંઈ નહીં, જેવું નાટક પૂરું થશે કે પહોંચી જઈશ ઈલાબહેન પાસે. એમનો હાથ લઈ લઈશ મારા હાથમાં. મને જોતાં જ એમની ભમ્મરો ઊંચકાશે, વિસ્મયથી આંખો આ...મ... પહોળી થશે ને મોઢેથી બોલી ઊઠશે, ‘અરે ! તું અહીં ક્યાંથી ?’ ને ભેટી જ પડશે ઉમળકાથી, ઉષ્માથી. ને પછી વરસાવશે પ્રશ્નોની ઝડીઓ- ક્યારે આવી ? હજી સુધી ઘેર કેમ ન આવી ? કાગળ-બાગળ કેમ નથી લખતી કોઈ દિવસ ? અમેરિકા જઈને અમને ભૂલી ગઈ કે ? કાગળ ન લખે તો કંઈ નહિ, દિવાળી-કાર્ડ તો લખવું જોઈએ કે નહિ ? ક્યાં સુધી રોકાવાની છે ?
નાટક પૂરું થતાં જ હું ખુરશીમાંથી ઊભી થઈ ને નજર ઈલાબહેનને શોધવા લાગી. પહેલી લાઈન ધીરે ધીરે સરકતી જતી હતી દરવાજા તરફ. પ્રેક્ષકોથી હૉલ ચિક્કાર હતો ને બધાંયને ઉતાવળ હતી બહાર જવાની. ખીચોખીચ ભીડ ગોકળગાયની ગતિએ ધીરે ધીરે ખસતી જતી હતી ત્યાં જ મારી નજર પડી ઈલાબહેન પર. સફેદ સાડીમાં સજ્જ. લાંબા ચોટલાને બદલે પૉની છે એ સિવાય કશો જ ફેર નથી પડ્યો. એવાં ને એવાં જ છે. પંદર વર્ષમાં વજન જરીકે વધ્યું યે નથી કે ઘટ્યું ય નથી. અત્યારે ય, છેલ્લે જોયેલાં એવાં જ પાતળાં, ઊંચાં, ટટ્ટાર ગરદન; ચહેરો લગીર ઉંચકાયેલો. ગૌરવભરી ચાલ, પાતળી કમર. ઇર્ષ્યા આવે છે એમની. હું ય અહીં હતી ત્યાં સુધી તો એમના જેવી જ પાતળી હતી. ને હવે ? મોટા ઢોલકા જેવી થઈ ગઈ છું ઢમઢોલ. એમાં ય બીજી સુવાવડ પછી તો પાછળનો ભાગ પણ ખૂબ વધી ગયો છે.
સર જો અત્યારે જીવતા હોત તો એમના તો માન્યામાં જ ન આવત કે હું આટલી જાડી હોઈ શકું, સર ઘણીવાર કહેતા - તારો સ્વભાવ બળતરો છે તે તું આવી દુબળી-પાતળી જ રહેવાની; અગરબત્તી જેવી !
લો, હવે તો ઈલાબહેન છેક દરવાજા પાસે ય પહોંચી ગયાં ને મારે તો હજી ખાસ્સાં બધાં પગથિયાં ઊતરવાનાં છે ને પછી જમણી બાજુની અડધી લાઇન પસાર કરીશ ત્યારે દરવાજો આવશે. મન તો થાય છે કે આમ દોડી જાઉં ઈલાબહેન પાસે.
પણ આ ભીડ? આના કરતાં તો કીડીઓની લાઇન ઝડપથી આગળ વધતી હોય. બધી જ ભીડને એક કૂદકે આમ ઠેકી જવાતી હોય કે ઊડી શકાતું હોય તો કેવું સારું ? હું બહાર પહોચું એ પહેલાં તો ઈલાબહેન ક્યાંક ચાલ્યાં ન જાય તો સારું, હું ય પહેલાં જેટલી પાતળી હોત તો તે ભીડમાંથી ય આમ જરીક જરીક મારગ કરતી, ઘૂસતી નીકળી શકત ઝટ બહાર, પણ હવે તો મારું શરીર ? સર હોત તો મને જોઈને અચંબામાં જ પડી જાત ને ભરાવદાર ભમ્મરો ઊંચકીને, આંખો પહોળી કરીને કહેત, આમ મદનિયા જેવી ક્યારથી થઈ ગઈ ?
દરવાજા સુધી પહોંચતાં ખાસ્સી વાર લાગી પણ દરવાજાની બહાર નીકળ્યા પછી થોડી મોકળાશ હતી. મોકળાશ એટલે ? ખીચોખીચ ભીડને બદલે છૂટીછવાઈ ભીડ, પણ ભીડ તો ખરી જ.
આટલી ભીડમાં હવે હું ક્યાં શોધું ઈલાબહેનને ? કદાચ એ સ્કુટર લઈને આવ્યાં હશે. સરના ઘરે એ સ્કુટર લઈને જ આવતાં. લાવ, ઝટ ઝટ જવા દે પાર્કિન્ગ-સ્ટૅન્ડ તરફ, શક્ય છે કે ત્યાં મળી જાય. હું ઉતાવળી ઉતાવળી ચાલવા લાગી.
મારુતિનો દરવાજો ખોલી રહેલાં ઈલાબહેન પર મારી નજર પડી. હું લગભગ દોડવા લાગી. ઈલાબહેનને બૂમ પાડવા જતી હતી ત્યાં જ કોક બહેન ઈલાબહેન પાસે આવ્યાં ને બંને કશી વાતો કરવા લાગ્યાં. મદનિયા જેવું આ શરીર ઊંચકીને આમ દોડી તે હાંફ ચઢી ગઈ. થોડી ધીમી પડી. વળી ઉતાવળી ચાલે ચાલવા લાગી. પેલાં બહેનનો અવાજ સંભળાય એટલી નજીક પહોંચી.
‘ચાલો ઈલાબહેન, બાય, ગુડનાઇટ' કહી પેલાં બહેન ચાલવા લાગ્યાં.
હું છેક પહોંચી. ઈલાબહેનની પીઠ મારી તરફ હતી તે મેં પાછળથી એમની બે ય આંખો દાબી.
સરના ઘરે એકવાર હું કશુંક વાંચતી બેઠી'તી ત્યારે ઈલાબહેને ચૂપકીદીથી પાછળથી આવીને મારી આંખો દાબેલી.
પોતાની આંખો પર દબાયેલી મારી હથેળીઓને સ્પર્શતાં ઈલાબહેન બોલ્યાં, ‘કોણ ?’
વળી સ્પર્શ દ્વારા મને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યાં.
‘મારો સ્પર્શ તો નહીં ઓળખો પણ મારો અવાજ ઓળખાયો કે નહીં ?'
‘મીનળ...?’
‘ના.’
‘તો ?’ ઈલાબહેન યાદ કરવા લાગ્યાં.
‘મીનાક્ષી ?’
‘અં છું...’
હું ગાવા લાગી –
નામ ગૂમ જાયેગા...
ચહેરા યે બદલ જાયેગા...
મેરી આવાજ હી પહચાન હૈ...
‘મારો આ અવાજ ઘડવામાં ય તમારો ફાળો છે.'
‘ઋચા ?’
‘ના.'
‘યાદ કરો, યાદ કરો.. પંદર વરસ પહેલાના સમયમાં ડૂબકી લગાવો...’
‘....’
ઈલાબહેનને થયું હશે લાગે છે કે કોક નિકટનું, નહીંતર પાછળથી આવીને આમ મારી આંખો ન દાબે. અને એ ય મારા પતિના અવસાન પછી ય...
મને થયું વચમાં આટલાં વરસો વીતી ગયાં છે એટલે કદાચ ઈલાબહેનને ખ્યાલ નહીં આવે. તે મેં મારી હથેળીઓ લઈ લીધી ને એમની સામે ઊભી રહી, હોઠના બે ય ખૂણેથી સ્મિત રેલાવતી.
એમણે આસમાની રંગની પાતળી કિનારવાળી સફેદ સાડી પહેરેલી ને ગોરા, વિશાળ કપાળમાં મોટ્ટો મરૂન ચાંલ્લો.
હું સસ્મિત એમની આંખોમાં તાકી રહી.
તેઓ મને હજી ઓળખી શક્યાં નહોતાં. એમની ભમ્મરો એકમેકની નજીક ખેંચાયેલી. ને કપાળમાં બે ઊભી, ઊંડી રેખાઓ દેખાતી હતી.
એકાદ ક્ષણ પછી એમના કપાળમાંની બે ઊભી કરચલીઓ ચાલી ગઈ. ખેંચાયેલી ભમ્મરોય સહજ થઈ ગઈ. પણ આંખોમાં ઓળખાણ પડ્યાની ચમક ન આવી.
‘હું ખૂબ જાડીપાડી થઈ ગઈ છુંને એટલે મને ન ઓળખી પણ મારો ચહેરો યાદ નથી આવતો ? હા, ટૂંકા ને કર્લી વાળ કરાવ્યા છે એટલે કદાચ ચહેરો ય જુદો લાગતો હશે ખરું ?'
‘હવે ઝટ કહી નાંખો કે તમે કોણ ?' કોરાકટ ચહેરે ઈલાબહેને કહ્યું.
મને નવાઈ લાગી. ઈલાબહેન હમેશાં ઋજુ અવાજે જ વાત કરતાં ને ચહેરો ય હમેશાં હસતો ને ખીલેલો જ રહેતો. એમના અવાજમાં આવી કોરાશ, આવો અણગમો ને આટલી સખ્તાઈ કયાંથી ?
‘હું સુમન, સુમન દેસાઈ, હવે તો ઓળખી ને ?’
‘ના’ એવા જ રુક્ષ-શુષ્ક અવાજે ઈલાબહેને કહ્યું.
‘ક્યારેક રવીન્દ્રસંગીતનું કોઈ ગીત ગણગણતાં તમે મને બોલાવતાં તો ‘સુમન’ને બદલે ‘સુમોન’ કેહતાં ?'
‘...'
આ સાંભળી એમનો ચહેરો સખત બન્યો.
‘કેમ! આપણે સરના ઘરે કંઈ કેટલીયે વાર મળતાં ?'
એમની નજર ખીલીની જેમ મારી આંખોમાં ખોડાઈ.
‘કોણ સર ?’ જમણી ભમ્મર અદ્ધર ઊંચકીને એમણે પૂછ્યું.
જિંદગીમાં આટલું વિસ્મય મેં ક્યારેય અનુભવ્યું નહોતું. ઈલાબહેન એવું પૂછે કે કોણ સર - ?
આ શું ઈલાબહેન છે કે પછી એમના ખોળિયામાં પ્રવેશી ગયું છે કોક બીજું જ ?!
‘સ... ર...., અનિકેત મહેતા.'
સરનું નામ સાંભળતાં જ એમનો ચહેરો કાળમીંઢ ખડક જેવો થઈ ગયો. ને એ જ ક્ષણે એમણે મારાથી મોં ફેરવી લીધું, મારુતિમાં ગોઠવાયાં. સખત જોરથી ધડાક બારણું બંધ કર્યું, ચાવી ફેરવીને મારુતિ ભગાડી મૂકી. પાછળ થોડો ધૂમાડો ને થોડો ઘર્રરાટ મૂકીને વળાંક લઈ મારુતિ રોડ પરનાં વાહનોની ભીડમાં ભળી ગઈ.
આ હું શું જોઉં છું ? સપનું તો નથી ને ?
સરનું અવસાન થયે પણ દસ વરસ વીતી ગયાં ને છતાં ય એમનું નામ સાંભળતાવેંત ઈલાબહેન જેવાં ઈલાબહેન આમ ચહેરો ફેરવી લે ! ગુસ્સાથી ફાટફાટ, રાતાંચોળ થઈ જાય ?! ધડાક્ દઈને બારણું બંધ કરીને મારુતિ ભગાડી મૂકે ?
એ સમયે તો ઈલાબહેન સરનાં વખાણ કરતાં થાકતાં નહિ.
સર - અનિકેત મહેતા, અધ્યાપક ઉપરાંત મોટા નાટ્યલેખક ને દિગ્દર્શક, સર પાસે હું ‘ઍબ્સર્ડ’ નાટક પર પીએચ.ડી. કરતી. ઘણીવાર સરના ઘરે જતી. ક્યારેક સરના ઘરે જ રહી જતી. સરનાં પત્ની ય ખૂબ માયાળુ. ઈલાબહેન પણ અવારનવાર સરના ઘરે આવતાં. સર સાથે એમને તો મારા કરતાં ય વધારે જૂનો અને ઘનિષ્ઠ સંબંધ. સરનાં નાટકોમાં ગીતો તો ઈલાબહેન જ ગાતાં. કેટલાક ગીતો કમ્પોઝ પણ કરતાં. કયારેક સરના ઘરેથી હું રાત્રે દસ-સાડા દસે નીકળતી ત્યારે ય ઈલાબહેન તો એ ય નિરાંતે બેસી રહેતાં. સરનાં ઘરે રાત્રે, અગાસીમાં કોક નાટકનું રિહર્સલ ચાલતું, ત્યારે નાટકમાં કામ કરતી કેટલીક છોકરીઓ ય સરના ઘરે જ રાત રોકાતી. સરનાં પત્ની ય બધાં પર બહુ હેત વરસાવતા. એમને નાટક-ફાટકમાં જરીકે ય રસ નહોતો, પણ હતાં માણસભૂખ્યાં. બધાંને પ્રેમથી આવકારે, રાખે, જમાડે, અડધાંઅડધાં થઈ જાય.
અવારનવાર નાટકના શો માટે અલગ અલગ શહેરોમાં જવાનું થતું. સર કલાકારોના કાફલા સાથે જતા. સાંભળ્યું'તું સર આમ નાટકના શો માટે બહાર જાય ત્યારે ‘ડ્રિન્ક્સ' પણ લેતા. કોકવાર નશામાં તેઓ કરી બેઠા હશે ઈલાબહેન પાસે કશી બેહૂદી માગણી !
હું પીએચ.ડી. કરતી હતી ત્યારે સરની ઉંમર હશે પાંત્રીસેક વર્ષ. આટલી નાની ઉંમરે નાટ્યક્ષેત્રે તેમનું નામ થઈ ગયેલું. બે-ત્રણ છાપાંઓમાં નાટક તથા સાહિત્યની કટાર પણ લખતા. ભરત- નાટ્યશાસ્ત્ર પચાવેલું ને ગ્રીક નાટકોના ય ઊંડા અભ્યાસી. પશ્ચિમના આધુનિક નાટકોના ય જાણકાર.
સર જ્યારે મેઘદૂત ભણાવતા ત્યારે તો વિદ્યાર્થીઓ ગાંડાં જ થઈ જતાં. વર્ગમાં આવે ને બોલવાનું શરૂ કરે એવા જ જાણે ટ્રાન્સમાં આવી જાય અને પછી તો એમની મધુર વાણીની અનેક છટાઓ ને ધારાઓના પ્રવાહમાં બધાં જ તણાતાં જાય. થોડો ભારે, ચોખ્ખોચણાક, રણકતો બુલંદ અવાજ. બધાંયને પકડી-જકડી ખેંચી રાખે એવું કશુંક ચુંબકત્વ એમની તેજસ્વી આંખોમાં. અવારનવાર આંખો વિસ્ફારિત થાય, ઝીણી થાય, ક્યારેક જાણે કશાક અદૃશ્યને તાકી રહે. ક્યારેક ક્યારેક વાત કરતાં કરતાં જાણે એમની આંખોમાં તારલીઓ ચમકી ઊઠે. કશીક વાતનો મર્મ સમજાવતાં ક્યારેક કોઈ કોઈ વાક્ય અધૂરું છોડી દઈને પછી આંખો પટપટાવે.
મને હજીયે યાદ આવે છે ‘મેઘદૂત' કે પ્રેમની કવિતાઓ ભણાવતાં ભણાવતાં સર કેવા તો રસમય, મધુમય બની જતાં ! ને વર્ગ પતે એ પછી યે અમારાં જેવાં મુગ્ધજનોનું ટોળું થઈ જતું એમની આસપાસ !
સર હજીયે જાણે આંખો સામે જ દેખાય છે.
પોણા છ ફૂટ ઊંચાઈ, મજબૂત બાંધો, લંબગોળ ચહેરો. અણિયાળું નાક. માથે લગભગ અડધે સુધી ટાલ, લાંબી દાઢી. હમેશાં સફેદ દૂધ જેવાં પેન્ટ ને શર્ટ. શિયાળામાં સ્વેટર પણ મોટા ભાગે સફેદ. એમના કપડાં પર ક્યારેક એક ડાઘ પણ ન હોય. હાથરૂમાલ પણ સફેદ. વર્ગમાં ભણાવે ત્યારે વાણીની સાથોસાથ એમના હાથોની અને શરીરની અનેક મુદ્રાઓ પણ બોલી ઊઠતી. એમની વાણીની શરૂઆત થાય પર્વત પરથી ઊતરતી ચંચળ નદીની જેમ, પણ પછી તો જેમ જેમ આગળ વધવા જાય તેમ તેમ વધુ ને વધુ પટ આવરી લે. અરણ્યની વાત હોય, પહાડોની, સમુદ્રોની, વનવાસની કે કશાયની; તમને એક જુદા જ ભાવલોકમાં, એક જુદી જ સૃષ્ટિમાં લઈ જાય. રસતરબોળ થઈ જવાય. એમની વાણી એ વાણી નહિ પણ જાણે, વશીકરણ-વિદ્યા.
આ જ વશીકરણ-વિદ્યાનો સરે ક્યારેય દુરૂપયોગ પણ કર્યો હશે ? વાણીની સાથે સાથે એકાંતમાં કરતા હશે સ્પર્શનું ય કામણ ? ના, ના, મારી સાથે તો એમણે ક્યારેય એવો સ્પર્શ કર્યો નથી.
એક વાર કૉલેજમાંથી અમે પ્રવાસે ગયેલાં, સાહિત્યના વિદ્યાર્થીઓનું અમારું ગ્રુપ અને સર. તે વખતનું એક સ્મરણ હજીયે આંખ સામે જ તરવરે છે.
નર્મદાકાંઠે પહોંચ્યાં. ના'વા માટે બધાં ટુવાલ વગેરે સાથે લઈ ગયેલાં. એક ઘાટનાં પગથિયાં ઊતર્યાં. અમે, છોકરીઓ આ ઘાટથી ડાબી બાજુએ થોડેક દૂર જવાનું વિચારતી'તી. છોકરાઓ પણ અમારી હાજરીમાં કપડાં ઉતારતાં કંઈક સંકોચ અનુભવતા'તા. જ્યારે સર?-
પૂર્ણ ખીલેલા ચંદ્રને જોઈને પાગલોનું પાગલપણું વધી જાય એમ, નર્મદાનાં વહેતાં નીરને જોતાં જ સર જાણે સાવ પાગલ. નર્મદા જાણે ક્યાંક નાસી જવાની હોય ને જલદી એને બાથમાં લેવાની હોય એમ સરે ફટાફટ કપડાં ઉતાર્યાં. સરને માત્ર જાંગિયામાં જોઈને કેટલીક છોકરીઓ તો સ્તબ્ધ !
મદમસ્ત બનીને સર તો કૂદી જ પડ્યા નદીના ધસમસતા પ્રવાહમાં ને તરતાં તરતાં થોડેક દૂર ગયા ને પછી હાથ ઊંચો કરીને સાદ પાડ્યો –
‘કેમ બધાં હજી કાંઠે જ ઊભાં છો ? ઝંપલાવો જલદી...’
બે-ત્રણ છોકરીઓની કાનની બૂટો પર જ નહિ, આખા ય ચહેરા પર રતાશ દોડી આવેલી ! હું ય અવાચક થઈને સરનું આ જુદું જ, પ્રાકૃત રૂપ જોઈ રહેલી...
એકવાર હું સરના ઘરે મારું ડિસ્સર્ટેશનનું કામ કરતી હતી. ઈલાબહેન પણ સરના ઘરે જ હતાં. નાટકના કોઈ ગીતની સ્વરરચના અંગે ખાસ્સી ચર્ચાઓ કરી પછી કશેક જવાનું યાદ આવતાં તેઓ ઊઠ્યાં.
‘સુમન...’ ઈલાબહેનના ગયા પછી સરે મને ધીમા, દબાતા અવાજે પૂછેલું, ‘ઈલાબહેન વિશે કશું જાણે છે ?’
‘હા, કેમ નહિ ? ખૂબ સરસ ગાય છે. સંગીતના ક્લાસ ચલાવે છે. જાતે સ્વરરચના પણ કરે છે.'
‘એ તો બધું ખરું, પણ એમના ચારિત્ર્ય વિશે ?’
‘ના, મેં તો ક્યારેય એમને કોઈની ય સાથે ‘એવી રીતે’ જોયાં નથી. કે એમનું ચારિત્ર્ય શિથિલ હોય એવી કલ્પના સુદ્ધાં હું ન કરી શકું. વર્તનમાં ય ક્યારેક કોઈની સાથે છૂટ લે કે છૂટ લેવા દે એવાં નથી. એમનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી છે કે એમની સાથે છૂટ લેવાનો વિચાર સરખો ન કરે. બાકી છે અત્યંત સુંદર. મિસ ઇન્ડિયાની સ્પર્ધામાં ભાગ લે તો કોઈને અણસાર સુદ્ધાં ન આવે કે તેઓ પરણેલાં હશે ને આટલી ઉંમર હશે.'
સરની સાથે રહીને મને ય એ વખતે જાણે ભાષણ કરવાની ટેવ પડી ગયેલી. સરની વાગ્છટાના સંસ્કાર મારામાં યે ઝીલાયેલા. ક્યાં પૉઝ લેવો, કયા શબ્દ પર કેટલું વજન દેવું, કયા શબ્દો શીમળાના ફૂલની જેમ હળવેકથી વહેતા કરી દેવા.’
‘ઈલાબહેનને એમના પતિ સાથે મતભેદો છે.'
‘તે હોય. આજના જમાનામાં એમાં નવું શું છે ?’
દીવાલો ય સાંભળી ન જાય એટલા ધીમા સાદે, ચહેરો છેક મારી નજીક લાવીને સરે કહ્યું હતું –
‘ઈલાબહેનને એમના દિયર સાથે જાતીય સંબંધ છે.'
આ સાંભળીને હું અવાક્ ! મારા તો માન્યામાં જ નહોતું આવતું. સર પાસેથી આ વાત જાણ્યા પછી, સરના ઘરે જ્યારે જ્યારે ઈલાબહેન આવતાં ત્યારે ત્યારે હું એમને જાણ ન થાય એમ, એમની સામે તાકી રહેતી - આવા વ્યક્તિત્વવાળી, પ્રભાવશાળી સ્ત્રીને એમના દિયર સાથે જાતીય સંબંધ હોય ? પતિને જાણ થઈ ગયા પછી પણ એવો સંબંધ ચાલુ રહે ખરો ? મારા તો મગજમાં કશું ય ઊતરતું નહીં.
હું ભણતી ત્યારે મારો અવાજ ખાસ્સો જાડો, લગભગ પુરુષના જેવો હતો.
મારો અવાજ સાંભળી ઈલાબહેને કહેલું : ‘મારા ઘરે પંદરેક દિવસ આવ. રોજ અડધોએક કલાક. હું તારો અવાજ બદલી દઈશ.'
શરૂમાં તો મારા માન્યામાં ન આવ્યું, પણ પછી કુતૂહલવશ એમને ત્યાં ગઈ. શાસ્ત્રીય સંગીતની જેમ તેઓ મારી પાસે સ્વરોનું દીર્ઘ ઉચ્ચારણ કરાવતાં... ને પાંચ-છ દિવસમાં તો મારો અવાજ સાચે જ બદલાઈ ગયો.
‘સ્પીચથૅરપી વળી ક્યારે શીખ્યાં ઈલાબહેન ?' મેં પૂછેલું.
‘સંગીત આપણને બધું જ શીખવે. સંગીત આપણને શ્વાસ લેતાં ય શીખવે, બોલતાં ય શીખવે ને જીવતાં ય શીખવે.'
આવાં ઈલાબહેનને એમના દિયર સાથે આડો સંબંધ હોઈ શકે ? મારું મન ચિત્કારી ચિત્કારીને કહેતું - ના... ના... ના...
પણ અમેરિકામાં આટલું રહ્યા પછી અત્યારે મારું મન ‘ના’ નથી કહેતું, પણ એ વખતે તો...
સરને ય મેં પૂછેલું, ‘ઈલાબહેનની આવી અંગત વાતોની તમને ક્યાંથી ખબર ?'
‘ઈલાબહેને જ આ પ્રશ્ન મારી સાથે ચર્ચેલો.’
મને થયેલું. ઈલાબહેનને સર સાથે ગમે તેટલા આત્મીય સંબંધો હોય છતાં આવી અંગત બાબતની ચર્ચા કઈ રીતે કરી શકે ?
મને અત્યારે, આ ક્ષણે યાદ આવે છે.
હું અમેરિકા ગઈ એ અગાઉના ત્રણ-ચાર મહિના દરમિયાન મેં ક્યારેય ઈલાબહેનને સરના ઘેર જોયાં નહોતાં, સરની તબિયત ખૂબ ખરાબ રહેતી તે છતાં ય. સરને હૉસ્પિટલમાં દાખલ કર્યાં ત્યારે ય ઈલાબહેનને હૉસ્પિટલમાં ય જોયાં નહોતાં. એ વખતે તો એમ કે કદાચ મારી ગેરહાજરીમાં ઈલાબહેન ખબર પૂછવા આવી ગયાં હશે. વળી આવી બાબત પ્રત્યે મારું ધ્યાન ગયું નહોતું એનું કારણ, સરની માંદગી જ એવી હતી કે...
સરની તબિયત બગડતી ગઈ - બધા ટેસ્ટ કરાવ્યા તો-
લીવરનું કેન્સર.
ડૉક્ટરોએ ઑપરેશન કરીને જોઈ જોયું, કૅન્સર કેટલું ફેલાયું છે, જો થોડા જ ભાગમાં હોય તો એ કૅન્સરગ્રસ્ત ભાગ કાઢી નાંખવો, પણ કૅન્સર આખાયે લીવરમાં ફેલાઈ ગયેલું.
પછી તો મારે અમેરિકા જવાનું થયું.
હું અમેરિકા પહોંચી એના મહિના પછી જ જાણ્યું.
સર... હવે આ જગતમાં નથી.
ઈલાબહેન ! - કેમે ય મારા મગજમાંથી હઠતાં નથી.
સરની શક્તિઓથી આટલાં પ્રભાવિત, આટલાં મુગ્ધ, સાવ સરળતાથી સરની પાસે હ્રદય ખોલીને પોતાના અંગત જીવનની કોઈને ય ન કહીં શકાય એવી બધી વાત કરી શકનારાં ઈલાબહેન, આજે સરના અવસાનના ય દસેક વર્ષ પછી, સરનું નામ સાંભળતા જ આમ મોં ફેરવી લે, આમ ધડાક્ બારણું બંધ કરી મારુતિ ભગાડી મૂકે એ હજી ય માન્યામાં જ નથી આવતું.
શું હોઈ શકે એનું કારણ ?
ઈલાબહેનના એમના દિયર સાથેના જાતીય સંબંધ છે એવું જાણ્યા પછી કદાચ થયું હશે સરના ચારિત્ર્યનું સ્ખલન ? ના ના, એવું તો ન હોય. કેમ મારું મન આમ તુક્કાઓ કરે છે ? પણ, તો પછી સર પોતાના ચારિત્ર્ય માટે, ઈમેજ માટે વધારે પડતા સભાન કેમ હતા ?! ઈલાબહેન બધાં સાથે છૂટથી બોલે-ચાલે વર્તે, પણ કોઈને ય જાતીય છૂટ લેવા દે ! પણ મને એ ખરેખર ન ઓળખે એવું ય બને ખરું ?
કશું જ સમજાતું નહોતું.
આખી ય રાત મારા મગજમાં એ જ વિચારોનું થમસાણ ચાલ્યા કર્યું. આખી યે રાત જરીકે ઊંઘ ન આવી. થયું, કારણ જાણવા નહિ મળે ત્યાં સુધી મારા મનને જંપ નહિ થાય. સર માટેના મારા આદરને, મારી લાગણીઓને ઈલાબહેને એવી તો ઠેસ પહોંચાડી હતી કે મને હજી યે કળ વળતી નહોતી.
પરોઢિયે દૂધવાળાએ ખખડાવ્યું ત્યારે થયું, અરે, વિચારોમાં ને વિચારોમાં જ આમ, સાવ ખુલ્લી આંખે જ સવાર પડી ગયું ?
હવે નાહી-ધોઈ-પરવારીને સવારના પહોરમાં જ હું જઈશ ઈલાબહેનના ઘરે. જળોની જેમ ચોંટીશ એમના ગળે, કારણ જાણ્યા વિના છોડીશ નહિ એમને. એવું તે શું બન્યું હશે કે સરના અવસાનનાં ય દસ વર્ષ પછી યે સરનું આવું અપમાન ? સરનું નામ સાંભળતાં જ તેઓ આમ મોં ફેરવી લે ? સાથે સાથે મારું ય અપમાન કરતાં ચાલ્યાં જાય. આમ ધડાક બારણું બંધ કરી, મારુતિ ભગાવીને ! જાણે કશાકથી છૂટકારો મેળવવા નાસતાં હોય એમ !
સવારના પહોરમાં જ હું રિક્ષા કરીને ઈલાબહેનનાં ‘દર્શન’ એપાર્ટમેન્ટ પાસે પહોંચી, ભાડું ચૂકવ્યું, પરત કરવા માટે રિક્ષાવાળા પાસે છૂટા નહોતા તે એ પૈસા જતા કરીને હું ઝટ ઝટ લિફ્ટ પાસે પહોંચી, બટન દબાવી રાહ જોતી ઊભી રહી.
કેમ લિફ્ટનું કોઈ ઇન્ડિકેશન નથી આવતું ?
અરે રામ, સવારસવારમાં મારું મગજે ય સાવ બંધ પડ્યું છે. ‘લિફ્ટ બંધ છે’નું આવડું મોટું પાટિયું દેખાયું નહિ !
પગથિયાં ચઢવા માંડ્યાં. બે-ત્રણ માળ વટાવ્યા પછી મને ખાતરી થઈ ગઈ કે હું કેટલી બધી જાડી થઈ ગઈ છું ! સખત હાંફ ચઢી તે પગથિયામાં જ થોડીવાર બેઠી. હાંફ ઓછી થઈ કે વળી દાદરા ચઢવા માંડી.
હજી તો ચોથો માળ જ ચાલે છે... છેક છઠ્ઠા માળે જવાનું છે.
હા...શ... ચોથો માળ પૂરો થયો. બસ, હવે પાંચમો ને છઠ્ઠો. બસ, બે જ માળ, હવે વાર નહિ લાગે.
કૉલેજમાં હતી ત્યારે ગિરનાર ચઢી હતી. સર પણ સાથે હતા કહેતા, ‘બસ હવે બહુ દૂર નથી, આ પેલું શિખર દેખાય... ચમકતું, તડકાનો સોનેરી મુગટ પહેરેલું...’
રસ્તામાં બે-ત્રણ વાર લીંબુ-પાણી પીધેલું.
પાંચમા માળનાં પગથિયાં ચઢતાંચઢતાં થયું, અહીં પગથિયામાં ય લીંબુ-પાણી વેચનારા બેઠા હોય તો ! આવા વિચાર સાથે જ હસવું આવ્યું. સારું થયું સામેથી કોઈ પગથિયાં ઊતરતું નહોતું, નહીંતર મને આમ એકલી એકલી હસતી જોઈને સાવ ગાંડી જ ધારત.
વળી થોડી ક્ષણ ઊભી રહી.
હાંફ લગીર ઓછી થઈ.
વળી પગથિયાં ચઢવા લાગી.
હા...શ... છઠ્ઠો માળ આવ્યો.
હાંફ જરી ઓછી થાય પછી ઈલાબહેનના ફ્લૅટનો બેલ વગાડું.
બેલ વગાડ્યો ને બારણું ખૂલે એની રાહ જોવા લાગી.
કટ્ અવાજ આવ્યો. ને પછી કિચૂ...ડ કરતું બારણું ખૂલ્યું.
પાતળાં સોટા જેવાં, ફિક્કાં કોક બહેન દેખાયાં. તાજા જ ધોયેલા વાળમાં ટુવાલ વીંટાળેલો હતો. વાળમાંથી શેમ્પુની સુવાસ આવતી હતી. જાડા કાચનાં ચશ્માં પાછળથી એમની ઝીણી, ચૂંચરી આંખો મને ઉકેલવા મથતી હતી.
થયું, ભૂલથી બીજા કોઈ માળના ફ્લૅટનું બારણું તો નથી ખખડાવ્યું ને ? ફ્લૅટ નંબરની તકતી તરફ જોયું, પછી પૂછ્યું –
‘ઈલાબહેન...?’
‘હા, હું જ ઈલા... બોલો,'
‘તમે નહિ, પેલાં સંગીતના ક્લાસ ચલાવે છે એ ઈલાબહેન.’
‘એ તો દસ વર્ષથી બીજે રહેવા ગયાં.'
‘એમનું સરનામું આપી શકશો ?’
‘અહીંથી ગયા પછી તો એમણે બે-ત્રણ ઘર બદલ્યાં...'
‘તો અત્યારે કયાં રહે છે ?'
‘એ તો ખબર નથી.'
પાંચ મણનો નિઃસાસો નાંખીને હું પાછી ફરી.
સરનું નામ સાંભળતાં જ ઈલાબહેને કેમ આવું વર્તન કર્યુ હશે ? આનો જવાબ નહિ મળે ત્યાં સુધી હવે મને ચેન નહિ પડે. સર જો હોત તો તો એમને જ પૂછી લેત, પણ...
મારું પીએચ.ડી. ઝટ પૂરું થાય એ માટે સરે કેટલી મહેનત કરેલી ! સુમન... સુમન કહેતાં એમની જીભ થાકતી નહિ. કેટલું ચાહતા બધા જ વિદ્યાર્થીઓને, માણસોને, પશુ-પંખીને, વનરાજીને ! આંગણામાંના કોક છોડ સુકાવા લાગે કે તરત માળીનું ધ્યાન દોરે. કેટકેટલા યુવાન કલાકારો એમના નાટકમાં કામ કરવાના કારણે આગળ આવ્યા ! એમનાં નાટકોમાં રોલ મળે ત્યારપછી એ કલાકાર માટે ટી.વી. સિરિયલોનાં દ્વાર ખૂલી જતાં. પણ પોતાની ઇમેજ પ્રત્યે વધારે સજાગ, સભાન કેમ હતા ? મને ય કહેલું એકવાર એમણે, ’સુમન, પેલી વૈશાલી સાથે ફરવું નહિ, એની સાથે ફરવાથી તારી ઇમેજ પણ બગડે...'
‘વૈશાલી ક્યાં એવી છોકરી છે ?’
‘તને ખબર નથી, સુમન ? હૉસ્ટેલ આખી ય જાણે છે કે એ લૅસ્બિયન છે.'
હું હૉસ્ટેલમાં રહેતી તો ય મને આ વાતની ખબર નહોતી. આવી બધી વાતોની સરને ક્યાંથી ખબર પડતી હશે ?
એકવાર મને મેલેરિયા - ફાલ્સિફેરમ થઈ ગયેલો, ત્યારે તો સરે મને હૉસ્ટેલમા પાછી જવા જ નહોતી દીધી. તાવ સખત વધી જાય ત્યારે ભાભી પોતાં મૂકતાં. એકવાર ભાભી શોપિંગ માટે ગયાં હશે ને સરે મારા કપાળે પોતાં મૂકેલા. મેં ઘણી ય ના પાડી તે છતાંય. એમને લીવરનું કૅન્સર થયા પછી કેટકેટલા માણસો ક્યાંય ક્યાંયથી એમને મળવા આવતા એ જોઈ મને થતું, કેટકેટલાં માણસોનો પ્રેમ જીત્યો છે સરે ! કેટકેટલા લોકો સર સાજા થાય એ માટે જાતજાતની બાધાઓ રાખતા. સરની કામવાળીએ ય મેલડીમાની બાધા રાખેલી. આવા સર માટે, એમનાં અવસાનનાં આટલાં વરસો પછી યે, ઈલાબહેનના મનમાં આટલી નફરત ? આટલી બધી ઘૃણા ? એવું તે શું બન્યું હશે ?
હવે તો એનું કારણ જાણીને જ જંપીશ. ગમે ત્યાંથી શોધી કાઢીશ ઈલાબહેનનું સરનામું, સંગીતના ક્લાસ ચલાવનારાઓ પાસેથી કે સુગમ સંગીત ગાનારાઓ પાસેથી જરૂર મળી રહેશે એમનું સરનામું.
કેટલાંકને મેં ફોન કરીકરીને પૂછ્યું તો, એમાંનાં કોઈને સરનામાની ખબર નહોતી. એ લોકો પાસેથી જાણ્યું, પતિના અવસાન પછી એમણે ગાવાનું છોડી દીધું છે ને સંગીતના ક્લાસે ય બંધ કર્યા છે.
નાટક જોવા આવેલા ત્યારે એમણે સાડી તો સફેદ, આસમાની બોર્ડરવાળી પહેરેલી. પણ ચાંલ્લો તો કર્યો હતો ! હવે તો જોકે ઘણાં ચાંલ્લો કરવાનું ચાલું રાખે છે.
એક વિચાર સ્ફૂર્યો, આકાશવાણીના સંગીત વિભાગમાં ફૉન કરી જોઉં... કદાચ ત્યાંથી સરનામું મળી રહે. પણ ત્યાંથી એ જ જવાબ - એમણે તો વરસોથી ગાવાનું બંધ કર્યું છે તે હવે તો એમનુ કાર્ડ જડવું મુશ્કેલ.
છેવટે જૂની પેઢીના એક ગાયક પાસેથી મળી ગયું એમનું સરનામું. હવે હું એમને છોડીશ નહિ. કારણ ન જાણું તો મારું નામ સુમન નહિ.
એમના ઘરે પહોંચી.
ડોરબેલ વગાડ્યો.
થોડી ક્ષણ પછી બારણું ખૂલ્યું.
હા...શ... ! ચાલો, છેવટે ઈલાબહેન મળ્યાં તો ખરાં.
કોરા કટ ચહેરે મારી સામે થોડી ક્ષણ તાકી રહ્યાં પછી તેઓ બોલ્યાં, ‘આવો.’
ચાલો, એમણે ‘આવો’ તો કહ્યું.
‘બેસો.’
નાની ટ્રેમાં તેઓ પાણી લઈ આવ્યાં.
મેં ઘૂંટડોક પાણી પીને ગ્લાસ ટ્રેમાં મૂક્યો.
ટ્રે ટિપોઈ પર મૂકી તેઓ મારી સામેની ખુરશીમાં બેઠાં.
ગ્લાસમાં બાકી રહેલા પાણીની સપાટી થોડું હલબલીને શાંત થઈ.
‘બોલો,' ઈલાબહેને સાવ શુષ્ક અવાજે પૂછ્યું, ‘શું કામ પડ્યું ?’
‘સર-’ હું આગળ કંઈ બોલવા જઉં એ પહેલાં જ –
‘સરનું નામ ન લેશો મારી આગળ. એ સિવાય જે કામ હોય તે બોલો.’
ધોળો પૂણી જેવો એમનો ચહેરો રાતો થઈ ગયો.
‘મારે બીજું કશું જ કામ નથી, માત્ર એટલું જ જાણવું છે કે સર માટે તમને આટલી નફરત કેમ છે ?’
ઈલાબહેન ઊભા થઈ ગયાં.
‘સુમન, તમે જઈ શકો છો.’ ઊંચા અવાજે એમણે કહ્યું.
એમનો આવો મોટો અવાજ મેં કદીયે સાંભળ્યો નહોતો.
સરના ઘરે કયારેક હું જરા મોટેથી બોલી ઊઠતી તો, ઈલાબહેન જ મને ટોકતાં. હું ય ખુરશીમાંથી ઊભી થઈ ગઈ. મને ય ગુસ્સો ચઢયો.
‘કારણ જાણ્યા સિવાય હું અહીંથી જવાની નથી' કહી આવેશમાં મેં તેમને ખભામાંથી પકડી હચમચાવીને પૂછ્યું, ‘સર માટે આટલી નફરત કેમ ? મારે આનો જવાબ જોઈએ, જોઈએ જોઈએ ને જોઈએ.'
મારી જાણ બહાર જ, મારો અવાજ સખત મોટો ને મોટો થઈ ગયો. હું ય ગુસ્સાથી થર થર કાંપતી હતી અને ઈલાબહેન ? રૂની પૂણી જેવો એમનો દેહ જાણે ભડકો થઈ ઊઠેલો !
કશો જવાબ આપવાને બદલે એમણે મારા ગાલે એક જોરદાર તમાચો ચોડ દીધો ને કહ્યું - ‘લે આ જવાબ.’
પછી તરત જ ચહેરો ફેરવી દઈ તેઓ અંદરની રૂમમાં જતાં
ને ડઘાઈ ગયેલી હું ત્યાં ને ત્યાં જ ખોડાઈ ગઈ.
સ્રોત
- પુસ્તક : ઉજાણી (પૃષ્ઠ ક્રમાંક 175)
- સંપાદક : સુમન શાહ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2004
