Shikar - Short Stories | RekhtaGujarati

નિર્જન સ્થળે અમે આવી ઊભા. અમે એટલે હું અને મારો પાડો. કાળા આરસ જેવો પાડો સૂર્યના ધોધ પડતા તડકામાં થડ જેવું માથું નમાવી ઊભો હતો. એની કાળી લિસ્સી મોટી આંખોમાં વિચિત્ર ચમક ક્યારેક ક્યારેક પથરાઈ જતી. દૂરનાં ઝાડીઝાંખરાં, ટેકરા અને તાપે બળતા ધૂળિયા રસ્તાઓનાં નાનાં પ્રતિબિંબો પાડાની બેય આંખોમાં પડતાં. પ્રતિબિંબો ઠંડાં, મોહક અને એવાં નાનાં લાગતાં હતાં કે જાણે મુઠ્ઠીમાં લઈ લઉં. નજર જેમ જેમ ઠેરવતો ગયો તેમ તેમ બધાં પ્રતિબિંબો મારી પીઠ પાછળ દૂર દૂર માઇલો દૂર હોય એમ લાગ્યું. ‘તું નાલાયક છે.’ હું ચમકી ગયો. ‘તું નાલાયક છે.’ ફરી સંબોધન. હું સમસમી ગયો. પાડાએ મને નાલાયક કહ્યો. પાડો મને નિર્બળ માને છે, મૂર્ખ માને છે. એની ખાતરી મને એક કરતાં વધુ વાર થઈ ચૂકી છે. તે બપોરે પેલા ગામડાના સુકાયેલા ભૂખરા ખોરડાની પરસાળમાં ઢાળેલ ખાટલામાં થાક્યોપાક્યો સહેજ બેઠેલા ત્યાં ઘાસના ઢગલામાંથી માથું કાઢી ભીંત પર શીંગડાં અફાળતાં અફાળતાં એણે મને પહેલું સંબોધન ‘તું મૂર્ખ છે’ એમ કરેલું.

દસ દિવસના એકધારા પ્રવાસમાં એવા પ્રસંગો જૂજ છે, જ્યારે પાડાએ પ્રેમીજન ગણી, ‘હું તને ચાહું છું’, ‘હું તને ચાહું છું’ એમ કહ્યું હોય. પાડાને હું કેટલો ચાહું છું એનું પ્રમાણ મેં એને પ્રેયસીના નામથી સંબોધવા માંડેલો ત્યારથી એને મળી ગયેલું. એની પીઠ પર હાથ પસવારતાં પસવારતાં મેં કહ્યું કે સાંજ પડતાં ખડકપુર પહોંચી જઈશું અને ખડકપુર પહોંચ્યા એટલે જંગલ જંગલ. પાડાએ જવાબ વાળ્યો નહી. ધબ્બ કરતાં નીચે બેસી જઈ એણે ઊંઘવા માંડ્યું.

કેવો છે પ્રદેશ! ઝાંઝવાઓથી હવે આંખો ચુસાઈ ગઈ છે. ગામેગામ પાણીની રાડ પડે છે. રડ્યાંખડ્યાં ગામ, રસ્તે આવે પણ આવ્યા જેવાં. છૂટાંછવાયાં વેરાન ઝૂંપડાં, ભાંગેલા-તૂટેલા કૂવા, બાવળનાં બળ્યાં ઝાડ અને ઝાંખરાંના ઢગલા અને બધાં ઉપર પડતા કાળઝાળ તડકા જોઈ આંખો કજળવા લાગી છે. દરેક ગામમાં ઘરડી ડોશીઓનો ઢગલો, કાંગલાં જેવાં બાળકો, આળસુ, મેલાં, પાંસળાં નીકળેલાં સ્ત્રી-પુરુષો અને ઢોરોનો વરવો દેખાવ જોવા મળે.

વિશલગઢથી ટ્રેન રસ્તે ખડકપુર ગયો હોત તો પેલા ખૂંખાર વાઘનો શિકાર કરી, વિશલગઢ આવી ગયે આજ અઠવાડિયું થઈ ગયું હોત અને અત્યારે બળતી બપોરે સૂતેલા પાડાની આંખો સામે તાકી, મનોમન વિચારવાને બદલે, દીવાનખાનામાં ગોઠવેલા વાઘના મસ્તક સામે સૌની નજર દોરતો દોરતો શિકારની કથા કહેતો હોત. પણ ભાગ્યદેવીની કુટિલતાને કોણ પામી શક્યું છે? સો-સવાસો માઇલનું અંતર ઘોડા ઉપર કાપી નાખવાનો વિચાર ઝબકી ગયો. આખા વિશલગઢમાં વાત ફેલાઈ ગઈ કે કુંવર નયનસિંહ ખડકપુરના જંગલમાં વાઘનો શિકાર કરવા જાય છે. ત્રણચાર બરકંદાજો ગામમાં કહી વળેલા કે પોતે કુંવર નયનસિંહ સાથે જાય છે, પણ જવાને દિવસે હતા અમે બે જણા હું અને મારો ઘોડો. સાથમાં આટલાં વાનાં લીધાં : બે બંદૂકો, કારતૂસોનો પટ્ટો, પાણીની મશક, ધાબળો, મારો અને ઘોડાનો ખોરાક.

ચોથે દિવસે સવારે એક ગામને પાદરે અમે આવી ઊભા. સારો ઉતારો આપી મુખીએ જમવાની વ્યવસ્થા કરી આપી.

મુખીના દીકરાએ ઘોડા ઉપરથી સામાન ઉતારી ઓરડે મૂક્યો અને છાંયવાળા ઘટાદાર ઝાડના થડે ઘોડાને બાંધી નીરણ મૂક્યું. જમ્યા પછી ઊંઘ સારી આવી ગયેલી. આંખ ખોલી તો તડકા સંકેલાઈ ગયેલા. સાંજ ડોકાવા માંડેલી. સામે હતા મુખી અને એનો દીકરો. બંનેના ચહેરા રડમસ. એમણે જે વાત કહી તેનો અર્થ એક નીકળતો હતો કે થડે બાંધેલ ઘોડાને છોડીને કોઈ ઉપાડી ગયું છે. પંથકમાં હજી કોઈ ઊડતું પંખી પકડી શકાય પણ એક વાર ભાગેલો ચોર પકડી શકાય, અને ચોર તો ઘોડે ચડી નાઠેલો. કોઈ સારા નોકરનો બંદોબસ્ત કરવાનું કહી હું તૈયાર થવા અંદર ગયો. કલાકે નોકર આવ્યો. સામાન એને સોંપી અમે ચાલવા માંડ્યું. બે-ત્રણ માઇલ ગયા હોઇશું ત્યાં અંધારું અંધારું દેખાવા માંડ્યું. હાથ છેટે બળતા દીવાઓ નજીક આવતાં એક કલાક બીજો નીકળી ગયો. ગામ બહાર આવેલા એક મંદિરમાં રાત ગાળી. સવાર પડતાં જણાયું કે સામાન બહાર ખૂણામાં પડ્યો છે પણ નોકર દેખાતો નથી. ઘોડાની જેમ એને તો કોઈ નહીં ઉપાડી ગયું હોય? એને ક્યાં ચાર પગ હતા કે કોઈને કામ આવે! રાહ જોઈ, પણ નાસી ગયેલું કોઈ પાછું આવે?

કહે છે કે એકમેકનું મિલન પૂર્વજન્મના કર્મબળે થતું હોય છે. પાડાની સાથે સહયાત્રા કર્યે આજ દસ દિવસ થયા. અમારાં બંનેનાં ખોળિયાં જુદાં છે, પણ જીવ એક છે. એવું મને લાગવા માંડ્યું છે. સંતો સહનશીલ હોય છે એમ સાંભળ્યું છે, પણ સહનશીલતાનાં પ્રત્યક્ષ દર્શન મને

પાડામાં થયાં છે. ઘોડો ચોરાઈ ગયો, નોકર ભાગી ગયો પણ પાડો ભાર વહતો આગળ ચાલતો રહ્યો છે. ‘તું મૂર્ખ છે’ એમ વખતોવખત કહે છે પણ હું મન વાળું છું કે પૂર્વજન્મમાં શિક્ષક હશે. અને પણ શું એટલું સાચું નથી કે મારા જેવો મનુષ્ય મૂર્ખ હોય તો બીજું શું હોઈ શકે?

પાડો જાગ્યો કે તરત હું વિચાર કરતો અટકી ગયો,. કારણ કે હું જાણું છું કે જે વિચારે છે તેને તે ધિક્કારે છે.

આકાશ હજી લાલચોળ હતું. તડકા ઓટના પાણીની જેમ પાછા ને પાછા ઠેલાતા હતા. આજની રાત ખડકપુરમાં ગાળીશું ખ્યાલે ઘણો આનંદ આવ્યો. ટેવ મુજબ પાડો આગળ ચાલતો જતો હતો. ચાલતાં ચાલતાં જોયું તો ફરી મેદાનો પર અંધારાં ફેલાવા માંડ્યાં. ફરી ઠંડા પવનો ફૂંકાવા માંડ્યા, ફરી દીવા દેખાવા માંડ્યા. ખડકપુરના દીવા જોઈ જાણે મારા ગામના દીવા જોતો હોઉં એવો આનંદ થયો. અમારો છેલ્લો મુકામ આવી ગયો. રાત પડી પડી ત્યાં ખડકપુરની બજારમાં અમે ચાલવા લાગ્યા. દીવાઓ જોઈ પાડાની આંખો વિચિત્ર રીતે ઝબકવા લાગી. બજાર વળોટી અમે એક વિશાળ કોઠીની સામે આવી ઊભા. રાજા વિશ્વંભરનાથની કોઠી હતી એ. પરિચિત તોતિંગ દરવાજો, દરવાન અને પસાયતો. પાડો પસાયતાને ભળાવીને કોઠીના વિશાળ ચોકમાં હું આવી લાગ્યો. ત્યાં ઊભાં ઊભાં ચારેબાજુ જોવામાં ઠીક સમય ગાળ્યો. મુનીમ આવ્યો. છેલ્લાં કેટલાંય વર્ષોથી એવો ને એવો છે. મને જોતાં એની આંખમાં અંતરનો ભાવ છલકી ઊઠ્યો. રાજા વિશ્વંભરનાથ પ્રવાસ પર હતા પણ અહીંના માણસોએ એમની ગેરહાજરી સાલવા દીધી. ભોજન પતાવી, મુનીમ સાથે કોઠીના એક વિશાળ ઓરડામાં હું આવી પહોંચ્યો. ઓરડો મને કંઈક પરિચિત લાગ્યો. રાજા વિશ્વંભરનાથની કોઠી એટલે ઓરડાઓની ઇન્દ્રજાળ. ખડકપુર આજે કંઈ હું પહેલી વાર નથી આવ્યો. મારી પાંચમી કે છઠ્ઠી મુલાકાત છે. અહીંના એકેએક ઓરડાથી હું પરિચિત છું. પણ કોણ જાણે ઓરડો પહેલી વાર જોતો હોઉં એમ લાગ્યું. જાણે જંગલના કોઈ એક ભાગમાં ઊભો હોઉં! મૂએલા વાઘ, રીંછ, સાબર અને ચિત્તાનાં શરીરો ચારેકોર ગોઠવાયેલાં હતાં. વાઘ અને ચિત્તાની આંખોમાં તરાપ મારવાની તત્પરતા તીવ્રપણે તરવરતી હતી. તોફાની બાઘા બાળકની આંખોમાં ક્યારેક જોવા મળતી હિંસ્રતા રીંછની આંખોમાં છવાયેલી હતી. સાબરની આંખોમાં થીજેલો ભય વ્યાપેલો હતો. ઊંઘ, આવી. મુનીમને ગયે ઘણી વાર થઈ હતી, છતાં ઊંઘ આવે એવાં કોઈ ચિહ્નો લાગતાં હતાં.

મારી આંખ આગળ ત્રીજે કે ચોથે મજલે એક સાંકડી ગોળ ફરતી સીડી, છ-સાત ઓરડાઓની સમાંતર હારવાળી એક લાંબી પરસાળમાં આવી ઊભી રહી. મને લાગે છે કે પહેલા ઓરડામાં હું પ્રવેશેલો. બહાર નોકર ચાવીઓના ઝૂમખા સાથે ઊભેલો. એક ઓરડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ આગળ ને આગળ છેક સાતમા ઓરડા સુધી જવાતું. ઠંડક અને તેજથી તરત જોનારની આંખમાં સમાતા ઓરડાના પરદાઓથી છવાયેલા, સ્વચ્છ પથારીઓથી ઓપતા પલંગોથી ભરેલા, સુંદર ચિત્રોથી શણગારેલા અને અમૂલ્ય વસ્તુઓથી ગોઠવાયેલા હતા. સ્કૉટલૅન્ડની કોઈ જાણીતી કંપનીના લેબલવાળા, દારૂ ભરેલા ચળકતા કાળા બાટલાઓથી ભરેલા કબાટની સામે ચારેક સોફા, લાંબું ટેબલ અને પુસ્તકોથી ભરેલાં કબાટોની સામે ભીંત ઉપર ટાંગેલું એક ચિત્ર જોતાં મારી આંખોમાં એક નવી જાતનો સ્વાદ ફેલાવા માંડેલો. સફરજનનું નાનું ઝાડ, નાનાં સફરજનો પર પડતો સાંજનો તડકો અને એક પાકા ઘેરા લાલ બદામી સફરજનને લેવા પગની પાની ધરતીની સહેજ ઊંચકી હળવું કુદેલી નવયૌવનાનાં નાનાં સુડોળ સ્તનોને ઢાંકી દેતી સફરજન ભરેલી ડાળખી. જોતો હતો સુંદરીના પગની પિંડી પર, સફરજનને અડતી એની પાતળી મોહક આંગળીઓ પર, નમણા નાકની લીસી ટોચ પર, પાંપણો એને પહોળી નિર્દોષ આંખો પર તડકો! ગોરા ઘાટીલા મુખની સુરખીથી ભરેલો તડકો જોતો હતો ત્યાં સાંજ ઓરડામાં પ્રવેશવા માંડેલી.

સુંદરીની છબી મારી આંખોમાં ક્યારે કોણે દોરી? કોણે બધી રેખાઓને હળવે હળવે ભૂંસી નાખી? આઠેક વર્ષ પહેલાં અહીં આવેલો ત્યારે જોયેલું ચિત્ર આજેય ઓરડામાં ટિંગાતું હશે, પણ મનમાં સીડી, ઓરડો, ચિત્ર, તડકો જોવામાં કેવો આનંદ આવે છે.

ઊંઘ આવી. પવનનો એક હિલોર આવ્યો. હિલોર આવતાં દીવે બળતાં બે ઝુમ્મરો હલવા લાગ્યાં. દીવાનાં તેજ વાઘ, રીંછ, સાબર અને ચિત્તા પર પડવા લાગ્યાં. ઓરડામાં ભીંતો પર, છત પર, બારી-બારણાં પર વાઘ, રીંછ, સાબર અને ચિત્તાના લાંબા-પહોળા પડછાયા ફરવા માંડ્યા. બારી વાટે ચંદ્રનું કેટલુંક અજવાળું કૂદીને પલંગ પર આવી પડ્યું. બહાર ઝરૂખામાં જવાની ઇચ્છા થઈ આવી. ગયો. અંદર ઓરડામાં વાઘ, રીંછ, સાબર અને ચિત્તાના પડછાયા ફર્યા કરતા હતા. એમાં હવે મારો પડછાયો અંદર ફરવા લાગ્યો. કોઠોની વિશાળ જગ્યા, એની ચોફેર ઘેરાવામાં ફરતી માઈલેક લાંબી ઊંચી દીવાલ, દરવાજાઓના બુરજ, દરવાજાઓની બહાર ડોલતી આસોપાલવની હાર, આસોપાલવની હાર પૂરી થતાં શરૂ થતી ખડકપુરની બજાર, બજારની બહાર આવેલો ડાકબંગલો અને ડાકબંગલો મૂક્યો એટલે જંગી ઝાડ-પાન-વેલાઓથી ભરેલું જંગલ. ચંદ્ર બધાં પર વરસતો હતો. અસંખ્ય થાંભલાઓ અને થાંભલીઓ પર ઝૂલતી આભા-અડતી કોઠીના ઝરૂખામાં ઊભા ઊભા ઘણી રાત વહી ચાલી. રાની પશુઓના અવાજો ખડકપુરમાં ફેલાવા લાગ્યા. ગોળ વગડાઉ ફૂલ જેવો ચંદ્ર તીવ્ર મહેકથી ચળકવા લાગ્યો. બધું મૂકીને સૂવું ગમ્યું, પણ પગ લઈ ચાલ્યા પલંગ ભણી. સૂતાં સૂતાં છત ઉપર નજર ફરવા લાગી. મારી નજર સામે બે મશાલો સળગતી હોય એમ લાગ્યું. ધીરે ધીરે એમ માથું મોટું થતું થતું ઘૂરકવા લાગ્યું. રાજા વિશ્વંભરનાથે તાજેતરમાં શિકાર કરેલા કોઈ વિકરાળ વાઘના શરીરનું માથું છે એમ સમજાયું. સૂઈ જઈશ ત્યારે અંગાર વેરતી આંખો તાકતી રહેશે ખ્યાલથી છેક પાછલી રાતે આંખ મળી.

દિવસ ચડ્યે જાગ્યો તો ઓરડામાં પાંચ-છ જણા ફરતા હતા. મને જાગી ગયેલો જોતાં મુનીમે લાંબી માફી માગતાં જણાવ્યું કે રાજા વિશ્વંભરનાથનો ઓરડો ભૂલથી મને સૂવા માટે આપી દીધો હતો. વિશ્વંભરનાથ પોતે પણ ભાગ્યે ઓરડામાં જાય છે. મુનીમ નાહક દુઃખી થાય છે એમ માની એના સંતોષ ખાતર મને કેવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી તેની એક આખીય રસપ્રદ કથા કહી નાખી. કુટુંબના માણસોને મારામાં બહુ રસ હોય એમ જણાયું નહીં. એકેએક પાડો સાંભરી આવ્યો. ભોજનની થાળી થોડી વાર પછી લાવવાનું કહી લાગલો પાડાને જ્યાં રાખ્યો હતો તે જગ્યા પર ગયો. ભાંગેલા રથની બેઠકમાં શીંગડું ભરાવીને પીઠ ઘસતો હતો. એને પ્રેમથી બોલાવ્યો તમે જાણો છો તેમ મેં એને પ્રેયસીને નામે બોલાવ્યો. જોરથી માથું વીંઝતાં એણે સામે જોયું. આખી રાત જાગ્યો છું એમ જાણે એની બે મોટી આંખો કહેતી હોય! વાઘનો શિકાર રસ્તામાં નથી પડ્યો એમ સમજાયું. ખરો પ્રવાસ જીવ સટોસટનો પ્રવાસ તો હવે થવાનો છે એમ ડરતાં ડરતાં કહ્યું. એણે માથું હલાવતાં હલાવતાં એટલું કહ્યું : ‘અક્કલના વેચી ખાધેલા, તને જેટલો મૂર્ખ હું ધારું છું તે કરતાં તું અનેકગણો વધુ મૂર્ખ છે.’

ત્રણ દિવસ થયા આજ, ત્રણ ત્રણ દિવસથી ખડકપુર જંગલમાં ઠામ ઠામ ફરી વળ્યો પણ પેલા ખૂંખાર વાઘનાં કોઈ એંધાણ જડ્યાં. એક ચડતી બપોરે ઝાડીમાં સૂતેલા બે ચિત્તાઓનાં માથાં બંદૂકની નાળ સામે બરાબર ગોઠવાયેલાં હતાં પણ ગોળી છોડવાનું મન થયું. રોઝ, સાબર કે રીંછના શિકારમાં રસ પડતો નથી. રીંછને છંછેડવું ઘણું ભારે પડી જાય છે.

આજ પાડાને સાથે લઈ જવો એમ નક્કી કર્યું. પાડાનું માંસ વાઘને ભાવે છે અને બાર વાઘ ધરાય એવા જંગી પાડાને જોઈ લુચ્ચા વાઘની દાઢ નક્કી સળકવાની.

માંચકો બાંધેલી જગ્યા આવી પહોંચી. પાસે નદીમાં ત્વરિત ઊછળીને પડતા પાણીના ધોધનો અવાજ જંગલમાં ઘૂ ઘૂ ઘૂ ઘૂ કરતો ફરતો હતો. દૂર ઊભેલા પહાડની પેલી તરફ તડકાને ખેંચતી બપોર ઊતરતી હતી. સાંજ વૃક્ષોનાં મૂળિયાંમાંથી ફૂટી ધીરે ધીરે થડ ડાળ પાંદડાં પર ફેલાતી ફેલાતી, ગીચ જંગલનાં વૃક્ષોની ટોચને ડૂબવી, આકાશમાં ચડી, બધે પથરાઈ ગઈ. ઊંચે બાંધેલ માંચડા ઉપર ચડતાં પહેલાં પાડાના શરીર પર હાથ ફેરવ્યો અને કહ્યું કે સામટા બે વાઘ ત્રાટકે તોપણ બેય વાઘની ખોપરીના ફુરચેફુરચા ઉડાવવામાં ગોળીઓ પાછી નહીં પડે. તું ધરપત રાખજે કે તારો જીવ મારા હાથમાં સલામત છે. પાડાએ જવાબ વાળ્યો. ધબ્બ કરતો નીચે બેસી પડ્યો અને થોડી વારમાં ઘસઘસાટ ઘોરવા લાગ્યો.

ડાળ-પાંદડાંઓમાં ચમકતા આગિયાઓ જોઈ જોઈ અને દૂર કોઈ અજાણ્યા પંખીના કર્કશ સ્વરો સાંભળી સાંભળી થાક લાગ્યો હતો ત્યાં આખું વન જંગલી ફૂલોની તીવ્ર વાસથી મહેકવા લાગ્યું. નદીમાં પડતા ધોધના પાણીનો અવાજ ઘેરો થવા લાગ્યો અને વધતા પૂરની જેમ ચંદ્રનું અજવાળું જંગલમાં ફરી વળ્યું.

હૂહૂહૂ... હૂહૂહૂ... હૂ... પાંદડાંઓ પર થઈને આવતો વજનદાર, પહોળો અવાજ, પડતા પાણીના ધોધના અવાજને મળતો આવતો હતો. પાડાના છીંકોટા એકાએક સંભળાવા લાગ્યા. મારા લમણામાં લોહી જોરથી વહેવા માંડ્યું. નાક પરની ઝીણી રુવાંટી ઊભી થઈ ગઈ, આંખોમાં લોહીના ગરમ ટશિયા ફૂટ્યા હોય એમ લાગ્યું. બંદૂકને ખભા અને ગોઠણની વચ્ચે બરાબર ગોઠવી, આગલી નાળને મજબૂત કાંડામાં પકડી, બંદૂકના ઘોડા પર આંગળી થરકાવવા માંડી, નેમ સાધતી મારી નજર સોયની અણીની જેમ સીધી જતી હતી. સ્ ર્ ર્ ર્ ર્ હવાને ચીરતો એક ધીંગો અવાજ ઊછળીને મારા સીના ઉપર ત્રાટક્યો.

બે સળગતા ગોળાની પાછળ હવામાં તોળાયેલું પહાડ જેવું શરીર, કાતિલ નહોરનું અંધારામાં ભરાવતું, ચમકીલો લાંક લઈ, તેજીલો ઘુમરાવો લઈ, મારા ઉપર ખાબડ્યું. તીક્ષ્ણ દાંતોથી ચમકતી પાતળી લાલ જીભને બહાર ફેંકતા તાળવા સામે મેં ઘોડો દાબી દીધો. ચાર ચાર ગોળીઓ એક પછી એક છૂટી. મારો ખભો સહેજ થડકી ગયો હોય એમ લાગ્યું. એક ભીષણ અવાજ પડતા ધોધના અવાજને ચીરતો, એક પછી એક છૂટેલી ચાર ગોળીઓમાંથી એક પછી એક ફૂટેલા અવાજને ચીરતો ગાઢ જંગલને ધ્રૂજવતો દૂર દૂર ચાલ્યો ગયો. ક્ષણ પહેલાં આંખ સામે વિકરાળ જડબામાંથી લોહીની છોળો ઊછળતી જોઈ હતી, શરીર પરસેવે તરબોળ થઈ ગયું હતું. આંખમાં વળી પાણી લૂછી ધીમે પગલે માંચડો ઊતરી આવ્યો. નજર પડતાં શરીરે શીત વળી ગયાં. થડની જગ્યાએ થડ હતું. પાડો ત્યાં હતો. પ્રાણ ઊડી જતો હોય એમ લાગ્યું. વાઘનું મુડદું ક્યાં? નિશાન ખાલી ગયું? પાડો ક્યાં? વાઘ ખેંચી ગયો હશે? અશક્ય. બે વાઘને પૂરો પડે એવો હતો પાડો. પાડાને ઘસડી જવાયાનાં કોઈ ચિહ્ન હતાં. વાઘને લોહી ઓકતો નજરે જોયો છે. કુંવર નયનસિંહનું નિશાળ ક્યારેય ખાલી નથી ગયું.

પાણીના પડવાનો અવાજ આવ્યા કરે છે. આજુબાજુમાં ફસડાઈ પડેલા વાઘની ભાળ કાઢવાનો નિર્ણય કર્યો. રાત આખી જંગલ ખૂંદ્યા કર્યું પણ મળ્યો વાઘનો પત્તો કે મળ્યો પાડાનો. મારે વિષે મને પહેલી વાર અશ્રદ્ધા જન્મી. બંદૂક સામે એક તિરસ્કારભરી નજરે જોયું. અંધારામાં વીંઝાતો વાઘ ક્યાં ગાયબ થઈ ગયો? પાડાનું શું થયું? ભારે વિષાદ અને ગડમથલભર્યા હૃદયે હું પાછો ફર્યો.

બે દિવસ સતત તપાસ કરી પણ પાડાનો પત્તો લાગ્યો.

આખોય પ્રસંગ કેટલીય વાર નજર સામે તરવરી ઊઠતો અને હું ધ્રૂજી ઊઠું એવી ચીસ મનમાં પાડી ઊઠતો.

આજે ખડકપુર છોડવાનો હતો ત્યાં ખબર મળ્યા કે સાંજે રાજા વિશ્વંભરનાથ આવે છે. એમને મળી એકાદ બે દિવસ રહી વિશલગઢ પાછા ફરવું એમ વિચાર્યું.

મોડી રાત સુધી રાજા વિશ્વંભરનાથે ટીહરી ગઢવાલના પ્રદેશોનું વર્ણન કર્યે રાખ્યું. મેં હળવે રહીને મારા શિકારની વાત ઉપાડી, વાત પૂરી કરું ત્યાં થોભિયા પર કરડી ભીની નજર ઠેરવતા રાજા વિશ્વંભરનાથે ધ્રુજારીભર્યા તીવ્ર સ્વરે કહ્યું ‘કુંવર નયનસિંહ, હવે ખડકપુરના જંગલમાં એક પણ વાઘ જીવતો નથી. તમે જે વાઘ વિષે બહુ સાંભળ્યું હતું અને કહો છો કે તેનો શિકાર પણ કર્યો છે તો ખૂંખાર વાઘનો શિકાર આજથી બરાબર મહિના પહેલાં જંગલના ઉત્તર ભાગમાં આવેલી નદીની પાસે ઊભેલા એક ઘેઘૂર ઝાડની નીચે મેં કર્યો હતો. રાજા વિશ્વંભરનાથને ચાર ગોળીઓ છોડવી પડેલી. લોહીના કોગળા કરતો જમીન પર તૂટી પડેલો, કોઠીના ઇશાન ભાગમાં આવેલા એક ઓરડામાં મારા પલંગની ઉપર બરાબર છતની મધ્યમાં એનું ડુંગર જેવું માથું મસાલો ભરીને રાખ્યું છે. હવે કોણ જાણે કેમ પણ ઓરડામાં સૂવાનું મેં છોડી દીધું છે. સવાર પડતાં તમને વાઘનું માથું બતાવીશ. જોઈને તમારો ભ્રમ તરત દૂર થશે. પણ રહો...’ છેક કાન પાસે મોં લાવી રાજા વિશ્વંભરનાથે કહ્યું, ‘એવું સાંભળ્યું છે કે જંગલમાં હવે કોઈ ફરકતું નથી. સહુ કોઈ ત્યાં જતાં ડરે છે. કહે છે કે આખાય જંગલમાં મરેલા વાઘનું પ્રેત ત્રાડ નાખતું ઘૂમરાયા કરે છે.’

વીજળી પડી હોય એમ લાગ્યું. જાણે કે મારા શરીરમાંનું લોહી કાળું પડી થીજવા માંડ્યું. એમ લાગવા માંડ્યું કે હું પેલા ઓરડામાં ફર્યા કરું છું, છત ઉપરનું પેલા વિકરાળ વાઘનું મોં ઘૂરકી રહ્યું છે અને ઓરડામાં ફરી રહ્યા છે વાઘ, રીંછ, સાબર અને ચિત્તાના લાંબા-પહોળા પડછાયા.

રાજા વિશ્વંભરનાથે ટ્રેન રસ્તે જવા મને સમજાવ્યો. પણ હું તો આવ્યો હતો તે રસ્તે ઘોડા ઉપર સવાર થઈ વિશલગઢ આવવા નીકળી પડ્યો. રસ્તામાં અમુક સ્થળો જોતાં વારે વારે પાડો સાંભરી આવતો હતો. ઝાડ નીચે બેસી બળતા બપોરમાં સૂતેલા પાડા સામે જોતાંજોતાં હું જે વિચારતો હતો તે યાદ કરતાં કરતાં મનમાં પાડાનું તીવ્ર સ્મરણ જાગ્યું અને આંખમાં આંસુ આવી ગયાં. બપોર દાઝતું પેલું ઉજ્જડ ગામ દેખાવા લાગ્યું. ઘોડો ગામમાં વાળ્યો અને પેલા સૂકલ ખોરડાના આંગણામાં એને ઊભો રાખ્યો. અહીંથી ડોસા પાસેથી પાડો ખરીદેલો. ડોસો જણાયો નહીં. એના દીકરાએ મને તૂટેલા ખાટલા પર બેસાડ્યો. ખૂણો, ખૂણામાં પાડાને જ્યાં બાંધેલો ત્યાં નજર પડી. ઘાસનો મોટો ઢગ પડ્યા હતો. ઘાસનો ઢગ હલ્યો, મોટું માથું, મોટી લિસ્સી, ગમી જાય એની આંખ, પાડો! શીંગડાં ભીંત પર અફાળતો અફાળતો ઊભો થઈ ગયો. મારી સામે જોઈ, સહેજ હસી બોલ્યો, ‘મૂર્ખ હું તને ચાહું છું.’ ડોસાના દીકરાએ હું જે તરફ જોઈ રહ્યો તે તરફ જોવા કહ્યું. જગ્યા ભારે છે એમ કહી આંખમાં ઝળઝળિયાં સાથે બોલ્યો, ‘બરાબર મહિના પહેલાં ડોસા ગુજર્યા’તા. ડોસાને પૂરા બાળ્યાય નહીં હોય ને ડોસાને જીવ જેવો વહાલો પાડો ફાટી પડેલો.’

મારી નજર હાડકા જેવી કઠણ થઈ ગઈ. વિશલગઢ આવતાં આવતાં જાણે વૃદ્ધ થઈ ગયો. બપોર પડતાં, દીવાનખાનામાં ગામનું લોક, મેં કરેલા શિકારની કથા સાંભળવા આવેલું. હું શું કહું? મેં ક્યાં શિકાર કર્યો હતો? મેં શિકાર કર્યો હતો? હું ગયો હતો? હું ક્યાં ગયો હતો? હું છું? હું ક્યાં છું?

(‘સૂવર્ણ કેસૂડાં’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 412)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999