sher matini bhukh - Short Stories | RekhtaGujarati

શેર માટીની ભૂખ

sher matini bhukh

જયંત ખત્રી જયંત ખત્રી
શેર માટીની ભૂખ
જયંત ખત્રી

સત્તર વરસે પદ્મા પરણી. વીસમા વરસ સુધી એને કંઈ છોકરાં ન થયાં, એની એણે પરવાય કરી નહિ. પણ બાવીસ વરસે પહેલી જ વાર એને 'શેર માટીની ભૂખ' જન્મી. અને તે દિવસથી પોતાના હૈયાને જ જાણે જૂઠું સમજાવતી હોય એમ એ સૌને કહેતી ફરતી : 'અમને કંઈ છે? 'હુતો' ને 'હુતી' — અમે ગમે તેમ કરીએ. આ છોકરાંઓની પંચાત, બા, અમને ન જોઈએ!'

પણ એ ભૂખ તો દિવસોદિવસ વધતી ચાલી. એની આંખોએ પેલો શૂન્યભાવ દેખાવો શરૂ થયો. દહાડે દહાડે એને એકાંત મીઠું ભાસવા લાગ્યું. ચાલીનાં બૈરાંઓ વધારે જોડે બેસવા કરતાં બારી આગળ ઊભું રહેવું કે ઉંબરા પર એકલું બેસી રહેવું એને વધારે ગમતું.

એક વખત એનાં બારણાં આગળ બાજુવાળી સાવિત્રીનો બાબો રમતો હતો. પદ્મા એને જોઈ રહી. એક પળ, બે પળ, અને ત્રીજી પળે તો એનું ભાન પણ સરી ગયું. કોણ જાણે કેમ એ તરત જ ચોંકી ઊઠી અને ધબ દઈને બારણું દઈ દીધું. એ મૂંઝાઈ-અકળાઈ ગઈ.

અને પાછળથી થયું કે એ તુચ્છ, ગંદા છોકરા તરફ જોતાં એનું માન ગળી ગયું હતું અને પેલી ભૂખ એની આંખોમાં તરી આવી, એના અણોસરાપણાને ઉઘાડો પાડી દીધો હતો. એ દયામણી સ્થિતિમાં એને કોઈ જોઈ જાય તો એને કેટલી ભોંઠપ લાગે!

પણ સાવિત્રીનો બાબો એને બહુ ગમતો – બહુ મીઠો લાગતો! એની તરફ ના જોવાનું એ કેમે કરી નિશ્ચિત કરી શકી નહિ. પણ હવેથી એ એને કોઈ વખત બારણાંની ફાડમાંથી જોયા કરતી – જોઈ જ રહેતી. આંખમાં આંસુ ઊભરાઈ એનું દર્શન અવરોધતાં ત્યારે જ પદ્માને ભાન થતું કે પોતે તો રડી રહી છે.

અને એ ધબ દઈને પાછું બારણું બંધ કરી સોફા પર પડી રહેતી. એનું દીવાનખાનું સ્વચ્છ અને સુઘડ રીતે શણગારેલું હતું.

સોફા, ખુરશીઓ, સીસમની કોતરકામવાળી ટિપોઈ, છેલ્લી ઢબનું રાઈટિંગ ટેબલ, એનેમલનો ટેબલ લૅમ્પ અને ભીંત પર શૃંગારની છબીઓ. પણ પદ્માને આ સ્વચ્છ સુઘડતા બેહૂદી રીતે નિર્જીવ ભાસતી. અરે, જીવવાનો ડોળ કરતું પેલું ઘડિયાળ પણ 'ટક - ટક' એના જીવનની મીઠી પળો કાપી કાપીને ઓછી કરતું ભાસતું!

પચીસ વરસ ખરી ગયાં, પદ્મા તોય માતા ન બની.

એક દહાડો એને ઉધરસ થઈ. એમના ડૉક્ટર પાસે દવા લેવા ગઈ ત્યારે હસતાં હસતાં આ વાત ઉચ્ચારી : 'હેં ડૉક્ટર સાહેબ, આનો કંઈ ઉપાય નથી?'

ડૉક્ટર હસમુખો થવા જતાં ચિબાવલો થઈ ગયો. એણે કહ્યું : 'સારું ને છોકરાં નથી થતાં તે! એટલાં તમે ભાગ્યશાળી છો. બાકી તો, લોકોને છોકરાં ન થાય એવા ઉપાય જોઈએ છે!'

૫દ્મા હસી. એને હસાવી માટે ડૉક્ટર પણ ખૂબ હસ્યો. પદ્મા ઘેર આવી એના નિર્જીવ સોફા પર અડધો કલાક રડી.

પછી તો પદ્માની ભૂખ વધતી ચાલી. એ હર્ષદરાય – એના પતિના – ખોળામાં માથું મૂકી રડી દેતી. મધરાતનાં અંધારાંય એ ભૂખ્યું રુદન સાંભળી થથરી ઊઠતાં.

એને આશ્વાસન આપતાં આપતાં હર્ષદરાય ઊંઘી જતા. ત્યારે પદ્મા ઊઠીને બારી આગળ ઊભી રહેતી. કોક રાતના ચંદ્ર હોય, કોક અંધારી, તારલાઓથી મઢી રાત હોય. પણ પદ્માને અજવાળિયાં-અંધારિયાંની કંઈ પડી નહોતી. ગમે તેવા આકાશ નીચેય નિર્જીવ લાગતા જગતની પેલી પાર એ દિવાસ્વપ્નો ગૂંથતી અને એ સ્વપ્નમાંથી જાગતી ત્યારે રડી રડી, મનમાં પુકારીને કહેતી : 'પ્રભુ મારી એક 'શેર માટીની ભૂખ' ન ભાંગે?'

અને એમ કેટલીય રાત્રિઓ અંધારું-અજવાળું કરી વહી ગઈ.

એક દહાડો બાજુવાળી સાવિત્રીએ એના બાબાની પીઠમાં ફોલ્લો થયેલો જોયો.

'હાય હાય! આ શું?' એણે લાગલી જ બૂમ પાડી. 'મંગળાબહેન, આ જુઓ મારા બાબાને કોઈએ ડામ દીધો છે!' એણે બાબાને છાતીએ ચાંપી અસંખ્ય બચીઓ ભરી.

'એ મોઈ પદ્માનાં કામ હશે – મોઈ વાંઝણી! કમાડની ફાટમાંથી મારા બાબા તરફ વરુ જેવી ભૂખી આંખે જોતી મેં એને ઘણી વખત જોઈ છે. નીચ, મોઈ નફ્ફટ!'

૫ન્નાએ એકેક શબ્દ સાંભળી લીધો. એનો શ્વાસ રૂંધાયો. એનું કાળજું વીંધાઈ ગયું. વાંઝિયાપણું આવડું મોટું પાપ હશે એ એને આજે જ ખબર પડી. એણે લાજ, ક્ષોભ તજી મોટેથી રડી દીધું — પોક મૂકીને રડી. એ રુદન એનાથી કેમ કરી રોકાયું જાય તેમ નહોતું.

એ ડામ જેવા શબ્દનો જવાબ એક જ હતો. પદ્માએ છોકરું મેળવવા આકાશપાતાળ એક કરવાનો નિશ્ચય કર્યો. એણે એક પછી એક ડૉક્ટર અજમાવ્યા, વ્રત લીધાં, માનતાઓ કરી, દોરાધાગા અને માદળિયાંઓ મંત્રાવ્યાં, જાપ જપાવ્યા અને બ્રાહ્મણો જમાડ્યા. પણ કશુંય વળ્યું નહિ. સૌ કોઈ એના પૈસા લૂંટી ખસી ગયું.

પદ્મા હતાશ બની. એના નિર્જન ઓરડામાં અને એના મનની અંધારી એકલતામાં પાછી પટકાઈ પડી!

અને ૫દ્માને ત્રીસ વરસ પૂરાં થયાં!

ધીમે ધીમે એ આજુબાજુની વ્યક્તિઓ અને વસ્તુઓમાં રસ લેતી બંધ થઈ. એને માટે હવે હતું એક રુદન – જીવનને વળગી રહેવાનો એક માત્ર તાંતણો – જે એને બહુ વાર વહાલું લાગતું.

એક દહાડો રાતના હર્ષદરાયે કહ્યું : 'કાલે આપણે ત્યાં મહેમાન આવવાના છે.'

'કોણ?' પદ્માએ પૂછવાની ખાતર પૂછ્યું.

'હરગોવિંદ.'

'હેં!'

'નથુ કાકાનો હરગોવિંદ! ગામમાં આપણી બાજુમાં રહેતો હતો તે!'

'એ તો ડૉક્ટરનો અભ્યાસ કરતો હતો ને?'

'હા – એ જ. એને પાસ થયાને બે વરસ થઈ ગયાં. અહીં દવાખાનું ખોલવાનો વિચાર રાખે છે.'

બીજે દિવસે હરગોવિંદ આવ્યો. સત્તાવીસ વરસનો, મજબૂત બાંધાનો, સુંદર બિનઅનુભવી યુવાન. પદ્મા એની જોડે વધારે કંઈ બોલી નહિ. પણ હરગોવિંદને કોઈની પણ જોડે વાતો કરવાની ટેવ હતી; અને વાત વચ્ચે શ્વાસ લેવા થંભતો ત્યારે મોહી પડવાનું મન થાય એવું થોડુંક હસી લેતો.

દુનિયા હજી સુધી એણે અનુભવી નહોતી, એટલે એનું હાસ્ય મુક્ત અને મોહક હતું. શ્રદ્ધા હજી કસોટીએ ચડી નહોતી, તેથી એના સ્વભાવમાં ગૌરવભરી તુમાખી હતી.

ચાર દિવસ વહી ગયા. જાણે અમસ્તો જ આવ્યો હોય એમ એણે દવાખાનાની પેરવીમાં કશુંય પગલું ભર્યું નહિ તેમ વાતેય ઉચ્ચારી નહિ. પદ્માને આ છોકરો, ઉપરછલકો ને અધૂરો તોય, ગમી ગયો. એની હાજરીમાં પેલા એકલવાયા વિચારો માટે અવકાશ નહોતો!

દિવસ જતાં પદ્મા એની જોડે વાતો કરવા લાગી - બધીય વાતો કહી. ડૉક્ટરથી માંડીને જોશી સુધીની! અને વાતોને છેડે પેલી નમણી આંખોય ઢળી પડી. તેણે આંસુ છુપાવવાનો પ્રયત્ન કર્યો તે હરગોવિંદે ચપળતાથી જોઈ લીધું. પદ્માને એ મૂંઝવણમાંથી બચાવવા પોતે પીઠ ફેરવી બારી આગળ ઊભો રહ્યો. અને સત્તાવીસ વરસના બિનઅનુભવી યુવાને દુનિયાદારીનો પહેલો પાઠ લીધો. એને ભાન ન રહ્યું કે એનું હૃદય થોડુંક જુદી જ રીતે થડકી ગયું હતું.

તે રાતે એણે પદ્મા વિશે જ વિચારો કર્યા અને બીજે દિવસ જૂઠું હસતી પદ્મા એને ચા આપવા આવી ત્યારે એણે ગંભીર થઈ કહ્યું :

'૫દ્મબહેન, એક વાત કહું?' પદ્માનું ખોટું હાસ્ય ઊડી ગયું. જે વાત ઉચ્ચારવીય એને ગમતી નહોતી તેનું સૂચન હરગોવિંદ કરવાનો હતો.

'શું છે?'

'ગઈકાલે તમે પેલી વાત કરી ત્યાર પછી મને એક વિચાર આવ્યો કે નિઃસંતાન રહેવા માટે જેટલાં તમે જવાબદાર છો તેટલે જ દરજ્જે હર્ષદરાય પણ જવાબદાર છે. એમની પણ તપાસ કરાવી દવા લેવડાવો.'

પદ્મા બોલી નહિ, પણ એનું કપાળ અને હોઠ એની અમર વેદનાથી મરડાઈ ગયાં. એણે ઊભાં થઈ જઈ આ તોછડા છોકરાની હાજરીમાંથી ભાગી જવા ઇચ્છ્યું, પણ એમ કરવાની એનામાં શક્તિ આવી નહિ. એ ધબ દઈને પાછી સોફા પર બેસી ગઈ. બે હાથમાં માથું મૂકી નિરાધારનો એકરાર કરતી રડી પડી.

હરગોવિંદે એક ઘડી માટે એની તરફ સ્નેહાળ નિકટતા અનુભવી : એટલી બધી અને એવી તો સચોટ કે એ અનુભવ માણતાં આ પ્રસંગે ઊભી કરેલી પોતાની ફરજ પણ એ ભૂલી ગયો – પદ્મા તરફ અભાન જોઈ જ રહ્યો! જિંદગી જો એક નાટક જ હોય તો અત્યારે રુદનનો કેવો સુંદર અભિનય કરતી હતી આ મોહક, અતિ મોહક પદ્મા!

બેદરકારીમાં વિખરાઈ ગયેલા પણ કળાભરી રેખાઓ દોરતા તાજા જ ધોયેલા વાળ, રડી રડીને મદમસ્ત દેખાતી આંખો અને રુદન પછી નિર્મળ થયેલું, ભીના હોઠવાળું મનમોહક મુખારવિંદ!

હરગોવિંદે જોયા જ કર્યું. એનું હૃદય પદ્માની વિખરાયેલી લટો સમારી એનાં આંસુ લૂછવાના સંકેત કરી રહ્યું હતું. એણે હાથ ઊંચોનીચો કરી બહાનારૂપ શબ્દો શોધવાની મથામણ કરી ત્યારે પદ્માએ એની મૂંઝવણ જોઈ. એણે નટની ચતુરાઈથી ભાવ બદલ્યા અને હરગોવિંદને કશી તક આપ્યા વિના બીજા રૂમમાં જતી રહી.

નહિ. અંદર જઈ રડી નહીં. બંધ બારણાં આગળ નિમૂઢ ઊભી રહી - જાણે એનું આખુંય મન ભૂલમાં બહાર બીજા ઓરડામાં ન રહી ગયું હોય! એ કશુંય નહોતી કરતી. તોય એના હાથપગ પરાણે ધ્રૂજતા હતા. એના હૃદયના ધબકારાની ગરમી આખા શરીરમાં ફરી વળતી એણે અનુભવી!

હરગોવિંદ બહાર ગયો કે લાગલી પદ્મા દીવાનખાનમાં આવી બેઠી – છુટકારાનો દમ ખેંચ્યો. હાથપગની ધ્રુજારી બંધ પડી ત્યાં સુધી એ એમ જ આંખો મીંચીને પડી રહી.

અને ત્યાર પછી સુઘડ રીતે ગોઠવાયેલા એના દીવાનખાનાની દરેક વસ્તુમાં ૫દ્માએ પ્રાણ પાંગરતા જોયા. એને લાગ્યું કે અહીંની દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. કોતરકામવાળી ટિપોઈ અને નવી ઢબનું ટેબલ કળાના સુંદર નમૂના હતા. પેલું કંટાળાભર્યું ઘડિયાળ હવેથી એના હૃદયસંગીતના તાલ પૂરવા લાગ્યું અને એ તાલના નશામાં પદ્માના કલાકો અને દિવસો ગણતરી વગર વહી ગયા.

ત્રીસ વરસ પછી પદ્માના સ્ત્રીત્વે અકળાવી નાખે એવી ત્વરાથી ખીલવાની શરૂઆત કરી. આટલાં વરસો સુધી પદ્માએ એના યૌવનની દરકાર નહોતી કરી. આ બેદરકારી માટે યૌવન એની પર આફરીન થયું હોય એમ પોતાની સોળે કળાઓ એની પર ઢોળી દીધી.

જિંદગીમાં પહેલી જ વખત સાડી નીચે પોતાનું યૌવન સંતાડવાનો આ ત્રીસ વરસની નવયૌવનાએ અભાન પ્રયત્ન કર્યો ત્યારે સૌંદર્યનાં અસંખ્ય કળાવર્તુળો પેદા થયાં – પ્રસરી ગયાં!

અત્યાર સુધી હરગોવિંદની હાજરીમાં નિઃસંકોચ રુદન કરનારી, હૃદય ખોલીને વાતો કરનારી પદ્મા હવે એની નજર નીચે મીઠું મૂંઝાવા લાગી. એ જોતો હોય ત્યારે એના અભિનયમાં ગાંભીર્ય અને ગતિમાં ક્ષોભ પરાણે આવી જતાં. એ બાજુમાંથી પસાર થતો ત્યારે પદ્મા બારણાં પાછળ લપાતી અને જાણીજોઈને લપાતી તોય એની આંખો સાથે આંખો મિલાવવાનો મોહ એનાથી છૂટતો નહિ. કોઈક વખત અકસ્માત બની જતો અને એ બંને દૃષ્ટિઓ અથડાઈ પડતી ત્યારે પદ્મા ત્વરાથી પીઠ ફેરવી પરાણે ઉશ્કેરાઈ જતી; અને એ ઉશ્કેરાટ સંતાડવા ચપળ હાથથી સાડીનો પાલવ ખેંચતી ત્યારે એના ખીલતા યૌવનની બેચાર કળીઓ ફૂલ બની જતી.

એક સવારના હર્ષદરાય બાથરૂમમાં નાહવા બેઠેલા. દીવાનખાનામાં એકલા જ

બેઠેલા હરગોવિંદને પદ્મા ચા આપવા આવી ત્યારે એણે સહસા પૂછ્યું :

'હમણાં હમણાં કેમ કંઈ બોલતાં નથી, પદ્માબહેન? ગુસ્સે થયાં છો?'

જવાબમાં પદ્માના હાથમાંથી ચાનો પ્યાલો પડી ગયો - ઢોળાઈ ભાંગી ગયો. આ જવાબ મૂરખ હરગોવિંદ સમજ્યો નહિ. એણે કહ્યું : 'જવા દો પ્યાલાને. મને જવાબ આપો.'

એ કશું બોલ્યા વગર પાછી ફરી, ત્યારે હરગોવિંદ એને આડો ફર્યો. પદ્મા જાણે કયા ભાવથી લાલ લાલ થઈ ગઈ, આંખની ભમર સંકોચાઈ. મોઢું ગંભીર થઈ ગયું. 'મને જવા દો, હરગોવિંદભાઈ.'

અને એ જ વખતે હર્ષદરાયે દીવાનખાનામાં પ્રવેશ કર્યો. હરગોવિંદ ગુનેગારની અદાથી ચોંકી ગયો. એણે પાછું ફરી જોયું ત્યારે પદ્મા રસોડાનાં બારણાં આગળથી એની તરફ લુચ્ચું હસી રહી હતી.

હર્ષદરાયની ગેરહાજરીમાં એ બંને ઘણી વખત એકલાં પડતાં. પદ્મા ઓછું બોલતી, પણ હરગોવિંદનું કહ્યું બધું સાંભળતી. અને બંનેમાંથી કોઈ ન બોલતું હોય ત્યારે પદ્મા એક હાથની હથેળી પર હડપચી ટેકવી બીજા હાથની આંગળી વડે ટિપોઈ પર અદૃશ્ય રેખાઓ દોરતી.

'શું વિચાર કરો છો, પદ્માબહેન?' હરગોવિંદ પૂછતો ત્યારે પદ્મા સારી પેઠે સમજતી. આવું પૂછી એ પોતાની આંખો સાથે એની આંખ મિલાવવા ઇચ્છતો હતો.

એને ઉશ્કેરવા એ નીચું જ જોઈ રહેતી અને હસ્યા વગર કહેતી : 'કશાયના નહીં!'

આવા એક પ્રસંગે હરગોવિંદે ગંભીર થઈ જઈ કહ્યું : 'મને લાગે છે કે મારે હવે અહીંથી જવું જોઈએ.'

'કેમ?'

'બસ એમ જ!'

'તમને કંઈ અગવડ છે અહીં? હોય તો કહેતા કેમ નથી? તમારે જુદાઈ ન સમજવી.'

'ના, ના. અગવડ તો કંઈ નથી.'

'ત્યારે?'

હરગોવિંદે દુભાયા જેવું મોઢું કરી જવાબનહિ આપ્યો ત્યારે પદ્માએ કહ્યું : 'તમારી મરજી.' અને રેખા દોરતી હરગોવિંદની આંગળીઓ ત્યાં જઅટકી પડી. એણે અભિમાનમાં માથું ઊંચું કરી જોયું તો પદ્મા એની તરફ સચોટ નજરે જોઈ રહી હતી. અને એ દૃષ્ટિઓ ફરી અથડાઈ પડી, જુદી જ રીતે!

હરગોવિંદે ઊભા થઈ કોટ પહેરવો શરૂ કર્યો ત્યારે પદ્માએ વ્યંગમાં હસતાં પૂછ્યું : 'બહાર જાઓ છો? ચા કરી આપું?' એણે માનભંગ થઈ કહ્યું : 'નહિ.' અને બહાર જતાં જતાં એણે પદ્મા તરફ જોયું ત્યારે એ જોરથી હસી પડી : 'તમે બાળક છો બાળક, હરગોવિંદભાઈ!'

તે રાતના મોડે સુધી હરગોવિંદ પાછો ફર્યો નહિ. જમવાનો વખત ક્યારનોય થઈ ગયો હતો અને હર્ષદરાયની અધીરાઈ વધતી જતી હતી. એમણે છેવટે કહ્યું : 'ચાલ ત્યારે આપણે જમી લઈએ. એને માટે ઢાંકી મૂકજે.' પદ્માને જમવાનું ભાવ્યું નહિ. એને હરગોવિંદ વિશે ચિંતા થવા લાગી.

અગિયાર વાગ્યે હર્ષદરાયે સૂવાની તૈયારી કરવા માંડી. 'તું તારે સૂઈ જા. એ ગયો હશે નાટકસિનેમામાં ક્યાંક. વહેલોમોડો આવશે પોતાની મેળે!'

૫દ્મા પથારીમાં પડી પણ એને ઊંઘ આવી નહિ. હરગોવિંદ ગુસ્સે થઈને બહાર ગયો હતો અને મુંબઈમાં ટ્રામ, મોટર અને માણસો બધાંય ખરાબ હતાં. એને અકસ્માત નડ્યો હશે? હૉસ્પિટલમાં હશે? પોલીસના કબજમાં હશે? એને અપાર મૂંઝવણ થઈ. ઘણી રાતો પછી એ ફરી બારી આગળ આવી ઊભી. મધરાતનું મુંબઈ હજી જાગ્રત હતું. એને ખબર નહિ પડી કે એ શા માટે હરગોવિંદની આટલી બધી ચિંતા કરતી હતી. બજારમાં ભાવોની મોટી વધઘટ થતી ત્યારે હર્ષદરાય પણ કોઈક વખત મોડા ઘેર આવતા ત્યારે પદ્માની અધીરાઈ આમ જ વધી જતી.

'પણ હરગોવિંદ?' પદ્માના મને સવાલ કર્યો. એનો હૃદયે નિર્લજ્જ જવાબ આપ્યો. એ પરસેવાથી રેબઝેબ થઈ ગઈ. એ જવાબને ખોટો ઠરાવવા જેમ એના મને અસંખ્ય બહાનાં શોધ્યાં તેમ હૃદય કિન્નાખોરીમાં જોરથી, જલદીથી થડકી ઊઠ્યું. 'હર્ષદરાય પણ એટલે જ દરજ્જે જવાબદાર છે.' હરગોવિંદના શબ્દો પદ્માને યાદ આવ્યા અને એમની તરફ જોતાં પદ્માને જિંદગીમાં પહેલી જ વાર અણગમો આવ્યો.

અને બારણા પર ટકોરા થયા. પદ્મા ગભરાઈ. અકળાઈ ગઈ. પોતે જઈ બારણું ખોલવાની એની હિંમત ચાલી નહિ. હર્ષદરાય ભર ઊંઘમાં હતા. 'જગાડું એમને?' ત્યાં ફરી ટકોરા થયા – એક, બે, ત્રણ, અરર – કેટલા બધા! એણે દોડી જઈ બારણું ખોલી નાખ્યું. હરગોવિંદ સીધો પોતાના રૂમમાં જતો રહ્યો. પદ્મા જોતી જ રહી. 'એક શબ્દ પણ બોલ્યા નહિ!' એણે વિચાર કર્યો. અને એ દુખિયારીનું હૃદય દુભાઈ ગયું, આંસુ વહી ગયાં. એ હળવે હાથે બારણું બંધ કરી પથારીમાં પડી!

બીજે દિવસે હર્ષદરાય બહાર ગયા કે તરત જ પદ્મા અને હરગોવિંદે એકમેક તરફ જોયું. જોતાં જ બંને ગંભીર બની ગયાં.

'રાત્રે મોડા કેમ આવ્યા?' ૫દ્માએ પૂછ્યું.

'સિનેમામાં ગયો હતો.'

'કહીને જવું હતુંને!' થોડી વાર કોઈ કંઈ બોલ્યું નહિ, આખરે પદ્માએ નીચું જોતાં કહ્યું : 'મારો વાંક! મેં તમને નાહકના ગુસ્સે કર્યા હતા.' હરગોવિંદ તોય કંઈ બોલ્યો નહિ. 'મને કેટલી બધી ચિંતા થઈ હશે એ તમને શું ખબર?'

'ચિંતા? અને તે મારા માટે? માણસો સિનેમામાં નથી જતા?'

ખરી વાત. એણે શા માટે હરગોવિંદની ચિંતા કરવી જોઈએ? શા હકે?

'આનું નામ તે પારકી પંચાત!' હરગોવિંદે કહેતાં જ કહી દીધું.

'હાસ્તો – પોતાની નહિ.'

'નહિ, પોતાની. તમે અમારા મહેમાન છો.'

'એટલા માટે પોતાની નહિ.' હરગોવિંદ સોફા પરથી અરધો ઊભો થઈ ગયો.

'તમે જૂઠું બોલો છે, પદ્માબહેન!'

૫દ્માના શરીરે ઠંડી કંપારી ફરી વળી. એનું અંગેઅંગ ધ્રૂજી ઊઠ્યું.

'મને નાહકની ચીડવો નહિ, હરગોવિંદભાઈ! જાણો છોને શા માટે પૂછો છો?'

અને એની તરફ સૂચક દૃષ્ટિ નાખી પદ્મા રસોડામાં જતી રહી. ત્યાં કંઈ કામ નહોતું તોય એણે થાળીઓ એક જગાએથી ઊંચકી બીજી જગાએ ગોઠવી. કાચની બરણીઓનાં ઢાંકણાં અદલબદલ કર્યાં અને અમસ્તી અમસ્તી ચીનીનાં પ્યાલારકાબી ધોવા બેઠી. એને ક્યાંય જંપ વળ્યો નહિ. મોઢું ફિક્કું અને આંખો લાલ થઈ ગઈ. હોઠો પર ભીનાશ આવી. એમને દાબી રાખવા છતાં એ પરાણે ફરકવા લાગ્યા. એની અધીરાઈ વધવા લાગી. હૃદયની જેમ એનું આખું અંગ એને થડકતું ભાસ્યું. હાથમાંથી ચીનીનો પ્યાલો પડી ભાંગી ગયો એનું એને ભાનેય ન રહ્યું. એને એમ જ રહેવા દઈ એ બેબાકળી બહાર આવી. હરગોવિંદ પોતાના રૂમમાં કશુંક લખતો બેઠી હતો. એના ઉંબરા પર વગર કારણે પદ્મા આવી ઊભી. વાતાવરણ તંગ થઈ ગયું.

'કેમ?' હરગોવિંદે આશ્ચર્યમાં પૂછ્યું.

'અમસ્તી જ.' કહેતી એ બહાવરી જેવી પાછી ફરી દીવાનખાનાની બારી આગળ જઈ ઊભી.

એનું શરીર આગ આગ થઈ રહ્યું હતું. એના પરમાણુઓ અત્યારે કશુંક માગી રહ્યા હતા — કશુંક એવું કે જે મેળવ્યા વગર એની સૂધ પાછી આવવાની નહોતી.

બારી આગળથી પદ્મા રસોડામાં ગઈ, ત્યાંથી સોફા ઉપર અને પાછી હરગોવિંદના રૂમના બારણા આગળ. ફિક્કી, ગભરાયેલી, ઉશ્કેરાયેલી તે હરગોવિંદને તાકતી ઊભી.

'પદ્માબહેન!' હરગોવિંદે બૂમ મારી.

૫દ્માને ચક્કર આવતાં હોય એમ તે જરા ડોલી. હરગોવિંદે હાથ આપ્યો, એણે પકડી લીધો, વળગી પડી. હરગોવિંદે એને રૂમમાં ખેંચી લીધી.

બહાર દીવાનખાનાનું ઘડિયાળ 'ટક-ટક' કશુંક સૂચક બોલતું રહ્યું, અને ત્યાંની દરેક નિર્જીવ વસ્તુઓમાં ખળભળાટ ફરી વળ્યો. કશુંક બની રહ્યું હોય અને એ બદલ અહીંની દરેક વસ્તુ વાચા માગતી હોય એવો ગમગીન ભાવ દીવાનખાનાને ચારે ખૂણે ઘૂમી રહ્યો.

મિનિટ પર મિનિટ પસાર થવા લાગી – જાણે કોઈના જીવનના એક મહાબનાવની ઐતિહાસિક પળો ગણાતી હોય. સાડા ચારનો ટકોરો થયો!

પવનનું એક ઝાપટું આવ્યું. દીવાનખાનાની બારીનું એક બારણું અવાજ સાથે બંધ થયું. બહારની થોડીક ધૂળ અંદર ધસી આવી. ટેબલ પરથી કાગળિયાં ઊડી ગયાં. પિત્તળના ફ્લાવરવાઝની માટી પરથી માખીઓ ગણગણાટ કરતી ઊડી ગઈ. ગમગીની પરાકાષ્ઠાએ પહોંચી.

ત્યાં હરગોવિંદની ઓરડીનું કમાડ ધીમે રહીને અવાજ કર્યા વગર ખૂલ્યું. પહેલાં નાજુક હાથ અને પછી વીખરાયેલા વાળવાળું પદ્માનું લેવાઈ ગયેલું મોઢું બહાર આવ્યું. સાડીનો છેડો કેડે ઘાલતી ગભરાયેલી પદ્મા પોતાના બેડરૂમમાં દોડી ગઈ. થોડી વાર રહીને હરગોવિંદ પણ માથા પર જેમતેમ હૅટ ઘાલતો બહાર ચાલ્યો ગયો.

ફરી પાછું દીવાનખાનું સૂનું પડ્યું. બપોર વહી ગયા, સાંજ પડી. પદ્મા પોતાના રૂમમાંથી રસોડામાં ગઈ. રસોઈ ચડાવી અને બારી આગળ શૂન્યમનસ્ક ઊભી રહી. 'શેર માટીની ભૂખ' સંતોષવા એણે એક પરાક્રમ કર્યું હતું — એની જ સાથે એનું પતન થયું! જેના વગર મહામૂલા સ્ત્રીત્વની કંઈ કિંમત નથી – જે ગુમાવ્યા પછી જીવતા રહેવાનો ઉત્સવ અને વ્યક્તિત્વનાં અભિમાન નાશ પામે છે એવી એક અણમૂલ વસ્તુ એણે હાથે કરીને ગુમાવી હતી. એનું મન એને અસંખ્ય ફિટકારો વરસાવી રહ્યું હતું.

બારી આગળ ઊભી ઊભી એ ઉછકારે ઉછકારે રડી પડી : 'પ્રભુ મારી એક શેર માટીની ભૂખ પૂરી પાડત, મને ફક્ત એક જ બળક આપત તો તો આમાંનું કશું બનત નહિ. હું ખરાબ સ્ત્રી નથી – હું નથી – નથી ખરાબ સ્ત્રી! ઓ – ઓ...'

'અરે, આ શું?' પદ્માએ પાછળ ફરી જોયું તો હર્ષદરાય એની બાજુમાં જ ઊભા હતા. પદ્મા આબાદ પકડાઈ ગઈ.

હર્ષદરાયે એને ખભે હાથ મૂક્યો. 'હજી કેટલા દિવસ આમ રડ્યા કરશે? જે વસ્તુનો ઉપાય નથી એનો હરખ-શોક શો કરવો, ગાંડી!' એમણે પદ્માના ગાલ પર હળવી લપડાક મારી.

દીવાનખાનાના સોફા પર એમણે પદ્માને બહુ બહુ મનાવી-પટાવી પણ એના ચહેરાની ગમગીની ગઈ નહિ, એ કશુંય બોલી નહિ. ફક્ત પેલું બેહૂદું ઘડિયાળ હર્ષદરાયનાં મનામણાંને હઠીલી સ્ત્રી માફક એક જ 'ટક, ટક' જવાબ આપી રહ્યું!

દિવસો પસાર થવા લાગ્યા. હરગોવિંદને એક ધર્માદા દવાખાનામાં છ મહિનાની કામચલાઉ નોકરી મળી ગઈ. એણે હર્ષદરાયનું ઘર છોડ્યું.

૫દ્મ ફરી પાછી એકલી પડી. હમણાંની એની એકલતા ભયંકર હતી. એને વિચારો ખૂબ સતાવતા. એણે હરગોવિંદના ચરણોમાં પોતાનું પતન સ્વીકાર્યું હતું, એટલા માટે કે જે 'શેર માટીની ભૂખ' હર્ષદરાય સંતોષી ન શક્યા તે એ કદાચ પૂરી પાડે. અને એણે એમ પણ માન્યું કે આના પછી બધું સારું થઈ જવાનું.

પણ આમાંનું કશું બન્યું નહિ. એને રહી રહીને ભાન થયું કે જે પ્રાપ્તિ માટે એણે પોતાનું પતન સ્વીકાર્યું હતું, એ પુત્રપ્રાપ્તિ એને ન પણ થાય. શક્યતા - સંભવ બહુ ઓછો હતો – અને એ સંભવ પર એણે પોતાનું સ્ત્રીત્વ વેચ્યું, હર્ષદરાયને દગો દીધો, પોતાની નજરમાં પોતાને હલકી પડવા દીધી!

પણ ચાર મહિના પસાર થયા ને પદ્માને ખાતરી થઈ કે હવે એનું પરાક્રમ ફળ આપી રહ્યું હતું.

એ ગર્ભવતી બની હતી.

એક પળ એને શાંતિ મળી. એને હવે દુઃખ ન હોવું જોઈએ. એની પાસે પૈસો હતો, હથેળીમાં રમે એવો પતિ હતો, અને હવે તો ધીમે ધીમે 'શેર માટીની ભૂખ' પણ સંતોષાતી હતી; પણ એનું ગુનેગાર મન કેમે કરી માનતું નહિ.

પાંચ મહિને એનું પેટ દેખાયું. હર્ષદરાયે એ જોયું. એક રાતના એમણે સંકોચાતાં પૂછ્યું : 'પદ્મા, આ શું છે – બધું?' એમણે પેટ તરફ સૂચક નજર નાખી અને પછી હસી પડ્યા.

પદ્મા નીચું જોઈ રહી. એની આંખમાંથી આંસુ વહી ગયાં. 'પ્રભુએ તારી ઇચ્છા પૂરી પાડી. હવે તે રડવાનું હોય? ગાંડી ક્યાંની!' અને એમણે પદ્માના વાંસા પર હેતથી હાથ ફેરવ્યો ત્યારે એના શરીરમાં કોઈ અસહ્ય દર્દની કંપારી ફરી વળી.

અને ત્યાર પછી જ્યારે જ્યારે હર્ષદરાય એ બાબતમાં કંઈ પણ સૂચના કરતા ત્યારે પદ્મા ગુનેગારની મનોદશાથી સંકોચાતી મોઢાના ભાવ સંતાડવા ગંભીર થવા પ્રયત્ન કરતી, તોય કપાળ પરથી વેદનાની કરચલીઓ જતી નહિ. એ ગભરાતાં ગભરાતાં હર્ષદરાયના ચહેરાનો ભાવ જોતી કે એમના શબ્દોમાં કેટલો વ્યંગ હતો? પણ દરેક પ્રસંગે એમનો ઉત્સાહ નિર્મળ અને નિખાલસ જ એને દેખાતો.

૫દ્મા એટલું જ ઇચ્છતી કે હર્ષદરાયમાં લગીરે પાપ હોત તો એ પદ્મામાં શંકા લાવી બેચાર કડવા શબ્દો કહેત – એને મારપીટ કરત તો એને કેટલું બધું આશ્વાસન મળત! પણ આ નિખાલસ પતિ એના હેતથી પદ્માનો, ગર્ભવતી હોવાનો આનંદ નિર્દય રીતે હણી રહ્યો હતો.

એમ જ સાત, આઠ અને નવ મહિનાઓ પસાર થઈ ગયા. પદ્માનું પરાક્રમ હવે પૂર્ણ પક્વતાએ પહોંચી રહ્યું હતું. એ ઘડીઓ અને દિવસો ગણી રહી.

પદ્માએ વિચાર્યું કે થોડા જ દિવસોમાં હવે હર્ષદરાયની મિલકતનો વારસ જન્મશે. એ બંનેના લોહીનું ટીપું! એમની જ માટીનું પૂતળું! અને ગામેગામ એના ખબરો જશે – ઉજાણીઓ થશે!

જ્યારે પદ્મા જ એક જાણતી હતી કે એ માટીનું પૂતળું એક મોટી ઠગાઈ હતી – એના આનંદનું સત્યાનાશ નોતરતો એ એક અમંગળ પ્રસંગ હતો. એ હર્ષદરાયની માટી નહોતી, એ એક પાપ હતું જે કોઈક દહાડો ફૂટી જવા વિકસી રહ્યું હતું. એ કદાચ કોઈ એવી ઘડીએ ફૂટશે કે જ્યારે પ્રાયશ્ચિત્ત કરવાનોય અવકાશ નહિ મળે.

આ ભાર એનાથી કેમે કરીને સહ્યો જાય તેમ નહોતો. એણે નિશ્ચય કર્યો કે બેધડક એકરાર કરવો!

એ નિશ્ચયને એટલો જ અડગ રાખવા પદ્મા એના નિર્જીવ દીવાનખાનામાં આંખો મીંચીને પડી રહી. પેલું ઘડિયાળ એની હંમેશની આદત પ્રમાણે બેહૂદું 'ટક-ટક' કરી એને પજવી રહ્યું. પદ્મા હર્ષદરાયના આવવાની ઘડીઓ ગણવા લાગી.

દરવાજા પર ટકોરા થયા અને પદ્મા ચોંકી ગઈ. એ ઊઠે તે પહેલાં એના હૈયાએ દોડાદોડ કરી મૂકી. એનો નિશ્ચય ડગુમગુ થઈ રહ્યો.

એણે દરવાજો ખોલ્યો. હર્ષદરાય અંદર આવી સોફા પર બેસી ગયા. 'આજે શરીરે જરા ઠીક નથી' કહેતાં સૂઈ ગયા. 'તું તારે જમી લે.'

'કેમ, શું થયું છે?' જાણે પોતાને જ પૂછતી હોય એમ પદ્માએ ધીમે સાદે પૂછ્યું.

'અમસ્તું જ – જરા તાવ આવી ગયો છે અને છાતીમાં દુઃખે છે.'

'મારે જમવું નથી – તમારું માથું દાબી આપું?'

'જાને હવે, ડાહી થતી! ભાવે તેટલું જમી લે.'

પદ્મા રડતાં રડતાં જમવા બેઠી. જમીને હર્ષદરાયની બાજુમાં સંકોચાઈને બેઠી. 'અરર! કેટલો બધો તાવ છે તમને!'

અને આ વહાલસોયા પતિ તરફ જબ્બર ઉમળકો આવ્યો, પણ એટલા જ ઉમળકાભેર ગોત્યા શબ્દો જડ્યા નહિ. એ એટલું જ બોલી શકી : ડૉક્ટરને બોલાવું?'

'ના રે! મને કશું – કંઈ નથી. કાલે તાવ ઊતરી જશે!'

પણ બીજે દિવસે હર્ષદરાયનો તાવ વધ્યો. છાતીમાં સખત દુખવા લાગ્યું અને ઉધરસે દેખાવ દીધો. પદ્માએ ટેલિફોન કરી હરગોવિંદને બોલાવ્યો.

'એમને ન્યુમોનિયાની અસર છે.' એણે કહ્યું.

'હેં!'

'હા — બંને બાજુ.' કંઈક વિચાર કરી એણે કહ્યું : 'જુઓ પદ્માબહેન, આવતી-કાલે મારી હૉસ્પિટલની ટર્મ પૂરી થાય છે, પણ હું ગમે તેમ કરીને આજે સાંજના જ આવી જઈશ. હમણાં તો દવા મોકલી આપું છું. એમને કોઈ પણ હિસાબે પથારી પરથી ઊઠવા દેશો નહિ!'

હરગોવિંદની ગેરહાજરીમાં પદ્મા હર્ષદરાયની સારવાર કરવા લાગી. જ્યારે જ્યારે એમનાથી દૂર જવાની એને તક મળતી ત્યારે મન હળવું કરવા એ થોડુંક રડી લેતી.

પદ્માને લાગ્યું કે પડછાયાની જેમ એનું પાપ એની પાછળ ફરી રહ્યું હતું. 'મારા જ પાપના ભોગે એ બીમાર પડ્યા છે' — એવું વારંવાર એના મનમાં એ બોલ્યા કરતી.

'પદ્મા!' હર્ષદરાયે એને પાસે બોલાવી.

'કેમ?'

'તું આખો દહાડો કેમ રડ્યા કરે છે?'

'ના, ના – હું હવે નથી રડતી!'

'જૂઠું બોલે છે? હું કંઈ આંધળો નથી! મને કહે તો ખરી કે તને શું દુઃખ છે હવે, જ્યારે પ્રભુએ બધાં સારાં વાનાં કર્યાં છે?'

૫દ્માએ એક જબ્બર પ્રયત્ન કરી આંસુ રોક્યાં. એણે હર્ષદરાયના કપાળે હાથ ફેરવ્યો : 'તમે સારા થઈ જાઓને', એણે બનાવટી લાડ કરતાં કહ્યું, 'પછી કહીશ.' પણ એનાથી હવે ઘડીભર આંસુ રોકાય તેમ નહોતું. 'હું આ આવી', કહેતી એ બાથરૂમમાં દોડી ગઈ અને ત્યાં મન ભરીને રડી લીધું!

પાછી આવી ત્યારે હર્ષદરાયે એનો હાથ પકડી બાજુમાં ખેંચી લીધી. 'ક્યાં ગઈ હતી? રડવા. ખરું કહેજે!'

પદ્મા ચૂપ રહી. હર્ષદરાયે એના ગાલ પર હાથ ફેરવતાં ગળગળા થઈ કહ્યું : 'હું મારું સર્વસ્વ આપું, જો તું એક વખત પહેલાંના જેવું હસે – પેલું પરણ્યાની પહેલી રાતે હસી હતી તેવું!'

૫દ્માએ હસવાનો પ્રયત્ન કર્યો. પણ એનું જૂઠાણું અને બેડોળતા ઉપર તરી આવ્યાં. એ રોકી રોકાઈ નહિ. એ હર્ષદરાયની છાતીમાં માથું મૂકી બેફાટ રુદનમાં તૂટી પડી. એની આખી સૂરીલી કાયા કંપી ઊઠી, જાણે એ રુદન એના અંગેઅંગમાંથી ફૂટી નીકળવા મથતું હોય!

એ જ વખતે હરગોવિંદે પ્રવેશ કર્યો અને આશ્ચર્યમાં થંભી ગયો. પદ્મા દૂર ખસી ગઈ. પણ ઘડીભર વિચારશૂન્ય હરગોવિંદ તરફ જોતી રસોડામાં જતી રહી.

ચાર દિવસ પસાર થઈ ગયા અને હર્ષદરાયની માંદગી વધતી ચાલી. દિવસભર હરગોવિંદ એમની બાજુમાં બેસી રહેતો – દવા પાતો, ઇન્જેક્ષન આપતો, શેક કરતો. આખી રાત પદ્મા જાગતી.

પાંચમે દિવસે એમનું હૃદય નબળું પડતું લાગ્યું. હોઠ, નાકની દાંડી અને આંગળીઓના નખ કાળા પડી જતા જણાયા. હરગોવિંદ ગભરાયો. એણે નછૂટકે પદ્મા આગળ એમની માંદગીની ગંભીરતા જાહેર કરવાનો નિશ્ચય કર્યો. એણે પદ્માને શોધવા માંડી : 'પદ્માબહેન!'

એણે રસોડામાં જઈને જોયું તો પદ્મા એક સાદડી પર પડી હતી. એનું મોઢું પેટના દર્દથી ચીમળાઈ ગયું હતું. એ તરત જ પામી ગયો કે પદ્મા બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી! એની મુસીબતનો હવે પાર નહોતો!

'પદ્માબહેન... તમને...'

'હા, હરગોવિંદભાઈ!' એણે પાસું બદલતાં કહ્યું. 'આ – આ બધું શું થવા બેઠું છે? મારાં દુઃખોનો અંત આવશે કે નહિ કોઈ દહાડો?' એણે જોરથી રડી દીધું.

'આના કરતાં તો મોત ભલું!'

'ગાંડાં ન બનો, પદ્માબે'ન. આ પ્રસંગ રડવાનો નથી!'

'રડવાનો નથી!' એણે બેઠાં થઈ જઈ હરગોવિંદ સામે ડોળા કાઢ્યા. પણ એનામાં તાકાત નહોતી. એ પાછી સૂઈ ગઈ. 'હું અભાગણીના નસીબે આંસુ સિવાય બીજું શું છે? કહો જોઉં?'

'વખત નહિ ગુમાવો.' હરગોવિંદે કહ્યું : 'ચાલો, હું તમને હૉસ્પિટલમાં મૂકી આવું.'

'પણ એમને કેમ છે?'

'એમને સારું થઈ જશે!'

૫દ્મા હૉસ્પિટલમાં પહોંચી. પણ ત્યારથી એની સૂધ મૂંઝાઈ ગઈ. આટલાં વરસોની યાતના પછી આ પ્રસંગનો સામનો કરવાની એનામાં શક્તિ અને હિંમત ન રહ્યાં. એણે નમતું આપ્યું. હૉસ્પિટલના વૉર્ડની સીલિંગ તરફ મૂઢની જેમ એ એક નજર જોતી પડી રહી.

રાત્રિનાં અધારાં ઢળી પડ્યાં, મધરાત થઈ. ગરમી સખત પડતી હતી, ઝાડનું પાંદડુંય હાલતું નહોતું, ધરતીના કપાળ સમા આકાશ પર તારકોનાં પ્રસ્વેદબિંદુ જામ્યાં હતાં. મધરાતનું જગત, અકળામણથી શાંત પડ્યું હાંફી રહ્યું હતું. હૉસ્પિટલમાં એવી જ દર્દભરી શાંતિ પ્રસરી રહી હતી. સાતમનો ચંદ્ર મધરાત પછી અસ્ત પામ્યો ત્યારે હૉસ્પિટલમાં એક નવા પ્રાણનો જન્મ થયો. એ બાળકે શ્વાસ ખેંચી દુનિયાનો પહેલો અનુભવ લીધો અને એ રડી ઊઠ્યું.

બરોબર એ જ વખતે એક જૂનો થઈ ગયેલો પ્રાણ એના છેલ્લા શ્વાસ ખેંચી રહ્યો હતો!

સવાર પડી. પદ્માએ હરગોવિંદના આવવાની રાહ જોવી શરૂ કરી. આઠ, નવ, દસ એ આવ્યો નહિ. બાર થયા તોય એ ન આવ્યો. પદ્મા એમ જ આંખ મીંચ્યા વગર સીલિંગ તરફ જોતી પડી રહી. એને કશા વિચારો નહોતા આવતા. એની આંખોનું નૂર ઊડી ગયું હતું. એના ચહેરા પરથી સૌ કોમળ ભાવો જતા રહ્યા હતા. જાણે એક મીણનું પૂતળું પડ્યું ન હોય!

છેક સાંજના હરગોવિંદ આવ્યો. થાક અને ઉજાગરાથી એનો ચહેરો પડી ગયો હતો. પદ્માએ એક પ્રશ્નાર્થ નજર એની તરફ ફેંકી. એ મૂંઝાયો – અને મૂંઝવણમાં દિશાશૂન્ય ફાટી આંખે એણે પદ્મા તરફ જોયું. પદ્માએ નજર ફેરવી પાછું સીલિંગ તરફ જોવું શરૂ કર્યું.

હરગોવિંદ પદ્માને કશુંક કહેવા આવ્યો હતો — કશુંક બહુ જ અમંગળ! પણ એ કહેવાની એનામાં હિંમત નહોતી. હૉસ્પિટલની ખુરશીમાં એનો આખો દેહ બેસુમાર અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. એ કેમે કરીને પોતાના ભાવ છુપાવી શકતો ન હતો.

એ વાત પદ્મા પાસે કેમ કરવી એ જ એને સૂઝ્યું નહિ. એણે ફેરવી ફેરવીને ઘણાં વાક્યો ગોઠવ્યાં. ચહેરાના ભાવો બદલવા પ્રયત્ન કર્યો, પણ એમ કરવા જતાં એની અસ્વસ્થ કાયરતા જ માત્ર ઉઘાડી પડતી હતી અને એમ પંદર મિનિટ વહી ગઈ તોય એની જીભ ખૂલી નહિ.

પદ્મા ચૂપ હતી. એ ચૂપકી હરગોવિંદ માટે અસહ્ય હતી. એને શરીરે કંપ ફરી વળ્યો. 'ગમે તેમ થાય, મારે મોઢે આ વાત હું એમને નહિ જ કહું.' હરગોવિંદ નિશ્ચય કરીને ઊઠ્યો. હૅટ પહેરતો દરવાજા આગળ પહોંચ્યો ત્યાં પદ્માએ એને રોક્યો : 'હરગોવિંદભાઈ!'

હરગોવિંદ ત્યાં જ ઊભો રહી ગયો. હવે પદ્માને મોઢું બતાવવાનીય એનામાં તાકાત ન રહી. એને ખાતરી થઈ ગઈ કે જે વાત એ કરવા માગતો હતો એ જ વાત ૫દ્મા પૂછવાની હતી. એનાં ગાત્ર ગળી ગયાં.

'એમને કેમ છે હવે?'

પદ્માએ પૂછ્યું ત્યારે હરગોવિંદની આંખ આગળ લાલ-લીલા અંધારાનાં વર્તુળ ફરી વળ્યાં. મહામહેનતે લાગણીઓ ધકેલી. નિર્દય મને નિષ્ઠુર રીતે પેલી વાત કહી દેવા એણે પદ્મા તરફ મોઢું ફેરવ્યું.

'હરગોવિંદભાઈ, આમ કેમ? એમને કશુંક થયું છે?'

હરગોવિંદે ખુરશી પર બેસતાં ડોકું ધુણાવી હા કહી. પદ્મા બેઠી થઈ ગઈ. એની આંખો ફાટી ગઈ, હાથની મૂઠીઓ વળાઈ ગઈ.

'શું?'

'હા.' હરગોવિંદ માંડ માંડ બોલી શક્યો. 'ગઈ કાલે – મધરાત પછી!'

પદ્મા પથારી પર પડી ગઈ. એના છૂટા બાલો તકિયા પર છિન્નભિન્ન છવાઈ ગયા. આંખો અને હોઠ દબાવી એણે ચહેરાને વળ દીધો તોય એક મોટું ડૂસકું જોર કરી બહાર નીકળી ગયું. બીજું ડૂસકું દબાવવા જતાં એ અંદર ઊતરી ગયું. આંખો અરધી ખૂલી ગઈ. ૫દ્મા પાછી અર્થહીન નજરે સીલિંગ તરફ જોઈ રહી. એના હાથ, પગ અને હોઠ તોયે ધ્રૂજી રહ્યા હતા.

હરગોવિંદે કહ્યું : 'મેં મોટાકાકાને તાર કર્યો છે. બનતાં સુધી આજે સાંજ સુધીમાં જ આવી પહોંચશે.' હરગોવિંદે નીચું જોયું. 'અને' – એણે ખુરશીના હાથા જોરથી દબાવીને પકડ્યા. 'આવતી પહેલી તારીખથી મારી બહારગામની નોકરી નક્કી થઈ ગઈ છે એટલે – એટલે કદાચ —' એણે મહામહેનતે વાક્ય પૂરું કર્યું. 'બે દિવસ રહી મારે પણ મુંબઈ છોડવું પડે પણ મોટાકાકા આવશે ત્યાં સુધી ગમે તેમ કરીને રોકાઈશ.'

આટલું કહી પોતાની ફરજ પૂરી થઈ હોય એવું સમજતો હરગોવિંદ ઊઠ્યો. 'હું જાઉં છું.' કહેતાં બહાર નીકળી ગયો. અને જાહેર રસ્તા પર એક મોટરકાર બ્રેકનો અવાજ કરતી એનાથી થોડે જ દૂર ઊભી રહી ગઈ ત્યારે જ એને ભાન થયું કે એ ખરેખર પદ્માની હાજરીમાંથી છૂટી જવા પામ્યો હતો.

હૉસ્પિટલના ઘડિયાળમાં છના ટકોરા થયા. પદ્માએ સીલિંગ તરફથી નજર ફેરવી ઘડિયાળ તરફ જોયું અને એના મગજમાં એના દીવાનખાનામાં ઘડિયાળના 'ટક-ટક' વાગી રહ્યા. એને હર્ષદરાયના શબ્દો યાદ આવ્યા : 'એક વખત પહેલાંના જેવું ન હસે? પેલું, પરણ્યાની પહેલી રાતે હસી હતી તેવું?' પદ્માની આંખ મીંચાઈ ગઈ અને એના કંપતા હોઠો પરથી એક નાનકડું, મસ્તીખોર હાસ્ય રમત કરતું ઊડી ગયું.

પદ્માને એના વૈધવ્યના પહેલા જ દિવસે પરણ્યાની પહેલી રાતનું રંગીલું સ્વપ્નું આવ્યું – શાંત, કોમળ અને આશાભર્યું! પણ નર્સે આવીને એને જગાડી દીધી, એનું બાળક હળવેથી એની બાજુમાં મેલી, ધવડાવવાનું કહી જતી રહી.

૫દ્મા ઘડીભર એને જોઈ રહી. પ્રભાતના પહેલા કિરણ જેવું આશાભર્યું ગુલાબની ખીલતી કળી જેવું કોમળ – એ તો આંખ ઉઘાડતાંય હજી ડરતું હતું.

૫દ્માએ એને છાતીએ મેલ્યું ને એ સફાળી ચોંકી ઊઠી. એની છાતીમાંથી હજારો વેદનાઓના દંશ તેના શરીરે ફરી વળ્યા. એણે બાળકને છાતીએથી છીનવી દૂર ધકેલી દીધું અને રડતાં રડતાં બોલી ઊઠી :

'હટ,પારકી માટી!'

સ્રોત

  • પુસ્તક : ડૉ. જયંત ખત્રી સમગ્ર વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સર્જક : જયંત ખત્રી
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1994