Shataranj no kheladi - Short Stories | RekhtaGujarati

શતરંજના ખેલાડી

Shataranj no kheladi

પ્રેમચંદ પ્રેમચંદ
શતરંજના ખેલાડી
પ્રેમચંદ

વાજિદઅલી શાહનો જમાનો હતો. લખનૌ વિલાસિતાના રંગમાં ડૂબેલું હતું. નાના-મોટા; ગરીબ-અમીર સૌ વિલાસિતામાં ડૂબેલા હતા. કોઈ નૃત્ય અને ગાયનની મજલિસ સજાવતું હતું, તો કોઈ અફીણના નશાના આનંદમાં ઝોલા ખાતા હતા. જીવનના પ્રત્યેક વિભાગમાં આમોદપ્રમોદનું પ્રાધાન્ય હતું. શાસનવિભાગમાં, સાહિત્ય-ક્ષેત્રમાં; સામાજિક અવસ્થામાં; કલાકૌશલ્યમાં; ઉદ્યોગ-ધંધામાં, આહાર-વ્યવહારમાં સર્વત્ર વિલાસિતા વ્યાપી રહી હતી.

રાજકર્મચારી વિષયવાસનામાં, કવિગણ પ્રેમ અને વિરહના વર્ણનોમાં, કારીગર મૂલ્યવાન વસ્ત્રોની કારીગીરીમાં અને ચિકનનાં પરિધાન બનાવવામાં; વ્યવસાયીઓ સૂરમો, અત્તર, મિસ્સી અને ઉબટનના રોજગારમાં રચ્યાપચ્યા રહેતા હતા. સૌની આંખોમાં વિલાસિતાનો મદ છવાયેલો હતો. સંસારમાં શું થઈ રહ્યું છે એની કોઈને ખબર ન હતી. બટેર લડી રહ્યાં હતાં. તેતરોની લડાઈના વારા કાઢવામાં આવી રહ્યા હતા.

ક્યાંક ચૌસર બિછાવવામાં આવી છે અને પૌ-બારહનો શોર મચ્યો છે. ક્યાંક શતરંજનો ઘોર સંગ્રામ ચાલી રહ્યો છે. રાજાથી શરૂ કરીને રંક સુધી સૌ એની ધૂનમાં મસ્ત હતા. ત્યાં સુધી કે ફકીરોને પૈસા મળતાં તો તેઓ ભોજન કરતા નહીં પરંતુ અફીણ ખાતા અથવા ગાંજો પીતા. “શતરંજ, તાસ, ગંજીફો રમવાથી બુદ્ધિ તીવ્ર થાય છે, વિચારશક્તિનો વિકાસ થાય છે. કૂટપ્રશ્નોને ઉકેલવાની આદત પડે છે.” એવી દલીલો ભારપૂર્વક પ્રસ્તુત કરવામાં આવતી હતી. (આવા સંપ્રદાયના લોકોનો આજે પણ અભાવ નથી.)

એટલે જ જો મિરજા સજ્જાદઅલી અને મીર રોશનઅલી પોતાનો અધિકાંશ સમય, બુદ્ધિ તીવ્ર કરવામાં વ્યતીત કરતા હોય તો એમાં કોઈ વિચારશીલ પુરુષને શો વાંધો હોય? બંનેની પાસે વંશપરંપરાગત જાગીરો હતી. આજીવિકાની કોઈ ચિંતા ન હતી. ઘરમાં બેસીને ટક ટક કર્યા કરતા હતા. આખરે બીજું કરે પણ શું?

પ્રાતઃકાલે બંને મિત્ર નાસ્તો કરીને શતરંજની બિસાત બિછાવીને બેસી જતા હતા. મ્હોરાં તૈયાર થઈ જતાં અને લડાઈના દાવપેચ થવા માંડતા. પછી ખબર પડતી નહીં, ક્યારે બપોર થયા, ક્યારે ત્રીજો પ્રહર થયો અને ક્યારે સાંજ પડી. ઘરમાંથી વારંવાર એમને બોલાવવામાં આવતા કે ખાવાનું તૈયાર છે. અહીંથી જવાબ મળતો કે “આવીએ છીએ, દસ્તરખાનું બિછાવો.” ત્યાં સુધી કે રસોઈયો વિવશ થઈને કમરામાં જમવાનું મૂકી દેતો અને બંને મિત્રો બંને કામ એક સાથે કરતા.

મિરજા સજ્જાદઅલીના ઘરમાં કોઈ વડીલ કે વૃદ્ધ હતું નહીં. એટલે એમના જ દીવાનખાનામાં બાજીઓ ખેલાતી. પરંતુ એ વાત પણ ન હતી કે મિરજાના ઘરનાં બીજાં લોકો એમના આ વ્યવહારથી ખુશ હતાં. ઘરવાળાંઓનું તો કહેવું જ શું? મહોલ્લાના લોકો, ઘરના નોકરચાકરો પણ દરરોજ એમની ટીકાઓ કરતા હતા, ‘ઘણો જ અનિષ્ટ ખેલ છે, ઘરને બરબાદ કરી દે છે. ખુદા ન કરે કે કોઈને એની ટેવ પડે. માણસ દીન, દુનિયાના કોઈ કામનો રહેતો નથી. એ નથી રહેતો ઘરનો કે નથી રહેતો ઘાટનો. આ ઘણો જ ખરાબ રોગ છે.’

ત્યાં સુધી કે મિરજાનાં બેગમ સાહેબાને તો એનો એટલો દ્વેષ હતો કે તેઓ મોકો શોધી શોધીને પતિ પર ફિટકાર વરસાવતાં હતાં. પરંતુ એમને એવો મોકો ભાગ્યે જ મળતો. એ સૂતાં હોય, ત્યાં સુધીમાં તો બાજી બિછાવી દેવામાં આવતી અને રાતના જ્યારે એ સૂઈ જતાં હતાં ત્યારે ક્યાંય મિરજાજી ઘરમાં આવતા હતા. હાં, નોકરો પર એ એમનો ગુસ્સો ઉતારતાં. “શું પાન માગ્યાં છે? કહી દે, આવીને લઈ જાય. ખાવાની ફુરસદ નથી? લઈ જઈને ખાવાનું એમના માથે માર. ખાવું હોય તો ખાય, નહીં તો કૂતરાને ખવરાવી દે.” પરંતુ રૂબરૂ તો તેઓ પણ કહી શકતાં ન હતાં. એમને એમના પતિ પ્રત્યે એટલો દ્વેષ નહોતો, જેટલો મીરસાહેબ પ્રત્યે. એમણે એમનું નામ મીર બિગાડુ રાખ્યું હતું. કદાચ મિરજાજી એમના બચાવમાં સઘળો દોષ મીરસાહેબના માથે જ નાખી દેતા હશે!

એક દિવસ બેગમસાહેબાના માથામાં દર્દ થવા માંડ્યું. એમણે દાસીને કહ્યું, “જઈને મિરજાસાહેબને બોલાવી લાવ. કોઈ હકીમની ત્યાંથી દવા લઈ આવે. દોડ, જલદી જા.” દાસી ગઈ તો મિરજાજીએ કહ્યું, “જા, હમણાં જ આવું છું.” બેગમસાહેબનો મિજાજ ગરમ હતો. એટલી ધીરજ ક્યાંથી હોય કે એમના માથામાં દર્દ હોય અને એમના પતિ શતરંજ ખેલતા રહે? એમનો ચહેરો લાલ થઈ ગયો. દાસી સાથે કહેવરાવ્યું, “હમણાં જ ચાલો નહીં તો તેઓ પોતે જ હકીમને ત્યાં જશે.” મિરજાજી અત્યંત ઉત્તેજના ભરી બાજી રમી રહ્યા હતા. બે જ ચાલમાં મીરસાહેબનો પરાજય થવાની તૈયારી હતી. તેઓ ખિજાયા ને બોલ્યા, “આટલી બધી ઉતાવળ કેમ છે? જરાયે ધીરજ નથી રહેતી?”

મીર બોલ્યા, “અરે, જઈને સાંભળો તો ખરા, સ્ત્રીઓ તો સદા નાજુકમિજાજ હોય છે.”

મિરજા બોલ્યા, “જી હા, જાઉં શું કામ! બે ચાલમાં જ આપનો પરાજય થાય છે.”

મીર બોલ્યા, “જનાબ, એવા ભરોસામાં રહેશો નહીં. એવી ચાલ વિચારી છે કે આપનાં મહોરાં પડ્યાં રહે અને આપનો પરાજય થઈ જાય. જરા જઈ આવો. સાંભળીને આવો. શા માટે ફોગટનું એમનું દિલ દુખાવો છો?”

મિરજા બોલ્યા, “આ વાત પર જ આપને હરાવીને જ જઈશ.”

મીર બોલ્યા, “હું રમીશ નહીં. આપ જઈને એમને સાંભળીને આવો.”

મિરજા બોલ્યા, “અરે યાર, હકીમને ત્યાં જવું પડશે. ખરેખર માથું દુઃખતું નથી. એ તો મને પરેશાન કરવાનું બહાનું છે.”

મીર બોલ્યા, “કંઈ પણ હોય, એમની સેવા તો કરવી જ પડશે.”

મિરજા બોલ્યો, “ભલે, એક ચાલ ચાલી લઉં!”

મીર બોલ્યા, “કદાપિ નહીં. જ્યાં સુધી આપ, એમને સાંભળીને નહીં આવો, હું મહોરાંને હાથ જ નહીં લગાવું...”

મિરજાસાહેબ મજબૂર થઈને અંદર ગયા. બેગમસાહેબાએ ભવાં ચડાવીને પરંતુ વેદનામય સ્વરે કહ્યું, “તમને અભાગી શતરંજ કેમ આટલી પ્યારી છે? ભલે કોઈ મરી જાય, પરંતુ ઊઠવાનું નામ જ લેતા નથી. ભાગ્યે જ તમારા જેવો કોઈ મનુષ્ય હશે.”

મિરજા બોલ્યા, “શું કહું, મીરસાહેબ માનતા જ નહોતા. ભારે મુશ્કેલીથી એમનાથી છૂટીને આવ્યો છું.”

બેગમ બોલ્યાં, “શું જેવા તેઓ નકામા છે, તેવા જ સૌને માને છે? એમને પણ બાલબચ્ચાં તો હશે, અથવા સૌને સાફ કરી નાખ્યા છે?”

મિરજા બોલ્યા, “ભારે ચીટકું છે. જ્યારે એ આવે છે ત્યારે મારે મજબૂર થઈને રમવું પડે છે.”

બેગમ બોલ્યાં, “એમને ધુતકારી કેમ દેતા નથી?”

મિરજા બોલ્યા, “મારી બરોબરના માણસ છે. ઉંમરમાં અને દર્જામાં મારાથી બે આંગળ ઊંચા. એમનો આદર તો કરવો જ પડે ને!”

બેગમ બોલ્યાં, “તો હું જ એમને ધુતકારી દઈશ. નારાજ થવું હોય તો ભલે થાય, કોઈ કોઈનું આપેલું થોડું ખાય છે. રાની રૂઠશે તો એનો સોહાગ લેશે, બીજું શું કરશે? હરિયા! જઈને બહારથી શતરંજ ઉઠાવી લાવ. મીરસાહેબને કહી દે મિયાં હવે નહીં રમે. આપ જઈ શકો છો.”

મિરજા બોલ્યા, “હાં, હાં, એવો ગજબ કરશો નહીં. શું મને બેઇજ્જત કરવા માગો છો? ઊભી રહે હરિયા, ક્યાં જાય છે?”

બેગમ બોલ્યાં, “જવા કેમ નથી દેતા? જે એને રોકે એ મારું લોહી પીએ. ભલે એને રોકી... જોઉં છું મને કેવા રોકે છે?”

એમ કહીને ખિજાયેલાં બેગમસાહેબા દીવાનખાના તરફ ચાલ્યાં. મિરજા બિચારાનો રંગ ઊડી ગયો. બીબીને આજીજી કરવા માંડ્યા, “ખુદાના માટે તમને હજરત હુસેનના કસમ છે. એ તરફ જુઓ તો તમે મને મરતો જુઓ.” પરંતુ બેગમ કોઈપણ રીતે માન્યાં નહીં, દીવાનખાનાના બારણા સુધી ગયાં. પરંતુ એકાએક પરપુરુષની સામે જતાં એમના પગ બંધાઈ ગયા, અંદર જોયું. સંયોગથી કમરો ખાલી હતો. મીરસાહેબે એક-બે મહોરાં આમતેમ કરી નાખ્યા હતા. અને પોતાની પ્રામાણિકતા દેખાડવા બહાર ફરી રહ્યા હતા.

પછી વાંધો શો હતો? બેગમે અંદર જઈને બાજી ઉલાળી દીધી. કેટલાંક મહોરાં ટેબલ નીચે ફેંકી દીધાં, કેટલાંક બહાર ફેંકી દીધાં. બારણું અંદરથી બંધ કરીને સાંકળ ચડાવી દીધી. મીરસાહેબ બારણા આગળ તો હતા જ. બહાર ફેંકાતાં મહોરાં પણ જોયાં. ચૂડીઓનો રણકાર પણ કાને પડ્યો. પછી બારણું બંધ થયું. એટલે સમજી ગયા, કે બેગમસાહેબા ગુસ્સે થઈ ગયાં છે. ચુપચાપ ઘરનો રસ્તો પકડ્યો.

મિરજાએ કહ્યું, “તમે તો ગજબ કર્યો.”

બેગમ બોલ્યાં, “હવે જો મીરસાહેબ અહીં આવશે તો એમને ઊભા ઊભા જ તગડી મુકાવીશ. આટલી લગની તેઓ ખુદા સાથે લગાવત તો વલી થઈ જાત! આપ શતરંજ રમો અને હું અહીં ચૂલા-ચક્કીની ફિકરમાં માથું ફોડું. હકીમને ત્યાં જાઓ કે હજુ પણ શોખ રહી ગયો છે?”

મિરજા ઘરેથી તો નીકળ્યા, પરંતુ હકીમના ઘરે જવાને બદલે મીરસાહેબના ઘરે પહોંચ્યા, અને સઘળો વૃત્તાંત કહ્યો. મીરસાહેબ બોલ્યા, “મેં તો જ્યારે મહોરાં બહાર ફેંકાતાં જોયાં, ત્યારે જ સમજી ગયો. તરત જ ભાગ્યો. ભારે ગુસ્સો કરનારી બાઈ છે, પરંતુ આપે એને ખૂબ માથે ચઢાવી છે, એ યોગ્ય નથી. એમને એનાથી શો મતલબ છે કે આપ બહાર શું કરો છો? ઘરનો પ્રબંધ કરવાનું એમનું કામ છે. બીજી વાતોથી એમને શું લેવાદેવા?”

મિરજા બોલ્યા, “ખેર, હવે એ તો કહો. હવે બાજી ક્યાં રમીશું?”

મીર બોલ્યા, “એનું શું દુઃખ છે. આટલું મોટું ઘર પડ્યું છે, બસ અહીં જ બાજી જમાવીશું.”

મિરજા બોલ્યા, “પરંતુ બેગમસાહેબાને કેવી રીતે મનાવીશ? ઘરે બેસી રહેતો હતો, ત્યારે પણ આટલી ગુસ્સે થતી હતી. તો અહીં બેઠક થશે, તો મને જીવતો જ છોડશે નહીં.”

મીર બોલ્યા, “અરે, એમને બોલવા દેજો. બે-ચાર દિવસોમાં આપોઆપ ઠેકાણે આવી જશે. હાં, આપ એટલું કરજો. આજથી જરા રૂઠેલા રહેજો.”

(2)

કોઈ અજ્ઞાત કારણથી મીરસાહેબની બેગમ, મીરસાહેબ ઘરથી દૂર રહે એ જ ઉચિત સમજતી હતી, એટલે જ એ એમના શતરંજ-પ્રેમની ક્યારેય ટીકા કરતી ન હતી. બલકે ક્યારેક મીરસાહેબને વાર થતી તો એમને યાદ આપી દેતી હતી. આ કારણથી મીરસાહેબને ભ્રમ થઈ ગયો હતો કે, “મારી સ્ત્રી અત્યંત વિનયશીલ અને ગંભીર છે.” પરંતુ જ્યારે દીવાનખાનામાં જ શતરંજની બાજી રમાવા માંડી અને મીરસાહેબ આખો દિવસ ઘરમાં રહેવા લાગ્યા, ત્યારે બેગમસાહેબાને ઘણું કષ્ટ થવા માંડ્યું. એમની સ્વતંત્રતામાં અવરોધ ઊભો થયો. આખો દિવસ દરવાજા તરફ જોતાં વ્યાકુળ થઈ જતી.

ત્યાં નોકરોમાં પણ અંદર અંદર ગુસપુસ થવા માંડી. ઘરમાં કોણ આવે છે અને કોણ જાય છે, એનો એમને કંઈ સંબંધ નહોતો. હવે તો આઠે પ્રહર ભય છવાયેલો રહેતો. અત્યાર સુધી આખો દિવસ પડ્યાં પડ્યાં તેઓ માખો મારતા હતા. હવે પાન લાવવાનો હુકમ થતો, તો ક્યારેક મીઠાઈ લાવવાનો અને હુક્કો તો કોઈ પ્રેમીના હૃદયની માફક રોજ બળતો જ રહેતો.

તેઓ જઈ જઈને બેગમસાહેબાને કહેતા, “હજૂર મિયાંની શતરંજ તો અમારા જીવની જંજાળ થઈ ગઈ છે. આખો દિવસ દોડતાં દોડતાં પગમાં તો ચાંદીઓ પડી છે. આ તે કોઈ ખેલ છે? સવારના બેસે તો સાંજ થઈ જાય. ઘડી અડધી ઘડી દિલ બહેલાવવા ખેલ ખેલવો એ પૂરતું છે. ખેર, અમને તો કોઈ ફરિયાદ નથી, હજૂરના ગુલામ છીએ. જે હુકમ થશે એને બજાવીશું. પરંતુ આ ખેલ અશુભ છે. એને ખેલનારની ક્યારેય ઉન્નતિ થઈ નથી. ઘર પર કોઈને કોઈ આફત જરૂર આવે છે. ત્યાં સુધી કે એની પાછળ એક પછી એક મહોલ્લાના મહોલ્લા બરબાદ થતા જોવામાં આવ્યા છે. આખા મહોલ્લામાં આ જ ચર્ચા થાય છે. હજૂરનું નમક ખાઈએ છીએ, અમારા માલિકની બૂરાઈ સાંભળીને રંજ થાય છે. પરંતુ શું કરીએ? એ વખતે બેગમસાહેબા કહેતાં, “હું પોતે જ આ પસંદ કરતી નથી, પરંતુ તેઓ કોઈનું સાંભળતા નથી શું કરી શકાય?”

મહોલ્લામાં બે-ચાર જૂના જમાનાના લોકો હતા. તેઓ જાતજાતની અમંગળ કલ્પનાઓ કરવા લાગ્યા, “હવે ખેરિયત નથી. જ્યારે આપણા અમીર ઉમરાવોના આ હાલ છે તો હવે મુલ્કની રક્ષાનો ભાર ખુદાના માથે છે. આ બાદશાહત શતરંજના હાથે જ બરબાદ થશે. લક્ષણ બૂરાં છે.”

રાજ્યમાં હાહાકાર મચ્યો હતો. પ્રજા દહાડે દિવસે લૂંટાઈ રહી હતી. કોઈ ફરિયાદ સાંભળનારું હતું નહીં. ગામડાઓની સઘળી સંપત્તિ લખનૌમાં ખેંચાઈને આવતી હતી, અને એ વેશ્યાઓમાં, ભાંડોમાં અને વિલાસિતાનાં અન્ય અંગોમાં ઉડાડી દેવામાં આવતી હતી. અંગ્રેજ કંપનીનું ઋણ દિવસે દિવસે વધતું જતું હતું. કાંબળી દિવસે દિવસે ભીંજાઈને ભારે થતી જતી હતી. દેશમાં સુવ્યવસ્થા ન હોવાને લીધે વાર્ષિક કર પણ વસૂલ થતો ન હતો. રેસિડેન્ટ વારંવાર ચેતવણી આપતો હતો. પરંતુ અહીં તો લોકો વિલાસિતાના નશામાં ચૂર હતા. કોઈનું રૂંવાડુંયે ફરકતું ન હતું.

ખેર, મીરસાહેબના દીવાનખાનામાં શતરંજ ચાલુ થયે કેટલાયે મહિના પસાર થઈ ગયા હતા. નવા નવા નકશાઓના ઉકેલ શોધાતા હતા. નવા નવા કોયડા બનાવવામાં આવતા, નિત્ય નવી વ્યુહરચના થતી; ક્યારેક રમતાં રમતાં ઝઘડો થઈ જતો. તૂ તૂ મેં મેં સુધીની ઝાપટ થઈ જતી. પરંતુ તરત જ બંને મિત્રોમાં મેળ થઈ જતો. ક્યારેક ક્યારેક એવું પણ થતું કે બાજી ઉઠાવી લેવામાં આવતી. મિરજાજી રિસાઈને પોતાના ઘરે જતા રહેતા. મીરસાહેબ એમના ઘરમાં જ રહેતા. પરંતુ આખી રાત્રિની નિદ્રાની સાથે જ સઘળું મનોમાલિન્ય શાંત થઈ જતું અને પ્રાતઃકાળે બંને મિત્રો દીવાનખાનામાં આવી જતા.

એક દિવસ બન્ને મિત્રો બેઠા બેઠા શતરંજના કોયડા ઉકેલવામાં લીન થઈ ગયા હતા; એટલામાં બાદશાહી ફોજનો એક ઘોડેસવાર અફસર મીરસાહેબનું નામ પૂછતો પૂછતો ત્યાં આવી પહોંચ્યો. મીરસાહેબના હોશ ઊડી ગયા. આ બલા ક્યાંથી માથે પડી! હાજર થવાની આ આજ્ઞા શા માટે કરવામાં આવી છે? હવે ખેરિયત દેખાતી નથી. ઘરનાં બારણાં બંધ કરી દેવામાં આવ્યાં. નોકરોને કહ્યું, “કહી દો. ઘરમાં નથી.”

સવારે પૂછ્યું, “ઘરમાં નથી તો ક્યાં છે?”

નોકર બોલ્યો, “એ હું જાણતો નથી, શું કામ છે?”

સવાર બોલ્યો, “કામ તને શા માટે કહું? હજૂર તરફથી હાજર થવાનો આદેશ છે. કદાચ ફોજ માટે કેટલાક સિપાઈ માગ્યા છે. જાગીરદાર છે કે કંઈ મશ્કરી છે. મોરચા પર જવું પડશે, ત્યારે જ ખરી પરિસ્થિતિ સમજાશે.”

નોકર, “ઠીક, તો જાઓ. એમને કહી દેવામાં આવશે.”

સવાર બોલ્યો, “કહેવાની વાત નથી. આવતીકાલે હું પોતે જ આવીશ. સાથે લઈને જવાનો હુકમ થયો છે.”

સવાર જતો રહ્યો, મીરસાહેબનો આત્મા કાંપવા લાગ્યો. એમણે મિરજાજીને કહ્યું, “કહો જનાબ, હવે શું થશે?”

મિરજા બોલ્યા, “ભારે મુસીબત છે. ક્યાંક મને પણ હાજર થવાની આજ્ઞા ન થાય!”

મીર બોલ્યા, “કમબખ્ત પાછો કાલે ફરીથી આવવાનું કહી ગયો છે.”

મિરજા બોલ્યા, “આફત છે. બીજું શું? ક્યાંક મોરચા પર જવું પડશે તો વગર મોતે મરવું પડશે.”

મીર બોલ્યા, “બસ, હવે એક જ યુક્તિ છે કે અહીં રહેવું જ નહીં. કાલથી ગોમતી પાર કોઈ વેરાનમાં બાજી જમાવીએ. ત્યાં કોઈને ખબર પડશે નહીં. હજરત આવીને જાતે જ પાછા ફરી જશે.”

મિરજા બોલ્યા, “વાહ! વાહ! આપને તો ઘણું સારું સૂઝ્યું, એના સિવાય બીજી કોઈ યુક્તિ જ નથી.”

અહીં મીરસાહેબની બેગમ એ સવારથી કહી રહી હતી, “તમે તો ભગાવવાની ભારે ધમકી આપી.”

એણે જવાબ આપ્યો, “આવા મૂર્ખોને તો હું ચપટી વગાડતાં જ સીધા કરી દઉં છું. એમની સઘળી બુદ્ધિ અને હિંમતને તો શતરંજ ગળી ગયું છે. હવે ભૂલીને પણ ઘરે નહીં રહે.”

(3)

બીજા દિવસથી બંને મિત્રો વહેલી સવારે ઘરેથી નીકળી જતા. બગલમાં એક નાનકડી ગાદી દબાવીને, ડબ્બામાં પાનનાં બીડાં ભરીને ગોમતી પારની એક પુરાણી વેરાન મસ્જિદમાં પહોંચી જતાં. જેને કદાચ નવાબ આસફઉદુલ્લાએ બનાવી હતી. રસ્તામાંથી તંબાકુ, ચલમ અને ગાંજો લઈ લેતાં અને મસ્જિદમાં જઈ ગાદી બિછાવીને હુક્કો ભરીને શતરંજ રમવા બેસી જતા. પછી એમને દીન-દુનિયાની કોઈ ફિકર રહેતી નહીં. ‘કિશ્ત’, ‘શહ’ આદિ એક-બે શબ્દ સિવાય એમના મોઢામાંથી કોઈ વાક્ય નીકળતું નહીં. કોઈ યોગી પણ સમાધિમાં આટલો એકાગ્ર થતો નહીં હોય. બપોરના જ્યારે ભૂખ લાગતી ત્યારે બંને મિત્ર વીશીમાં જઈને જમી આવતા અને એક હુક્કાની ચલમ પીને પાછા સંગ્રામક્ષેત્રમાં લીન થઈ જતા. ક્યારેક ક્યારેક તો એમને ભોજનનો પણ ખ્યાલ રહેતો નહીં.

અહીં દેશની રાજનીતિક પરિસ્થિતિ ભયંકર થઈ રહી હતી. કંપનીની ફોજો લખનૌ તરફ આગળ ધપી રહી હતી. શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. લોકો બાળ-બચ્ચાંને લઈને ગામડાંઓમાં ભાગી રહ્યાં હતાં. પરંતુ અમારા આ બંને ખેલાડીઓને એની જરાપણ ફિકર ન હતી. તેઓ ઘરે પણ ગલીઓમાં થઈને આવતા. એમને ડર લાગતો કે બાદશાહના કોઈ અધિકારીની એમના પર નજર ન પડી જાય. નહીં તો બેકારમાં તેઓ પકડાઈ જશે. વાર્ષિક હજારો રૂપિયા આપનારી જાગીરને તેઓ ફોગટમાં હજમ કરવા માગતા હતા.

એક દિવસ બંને મિત્રો મસ્જિદના ખંડેરમાં બેસીને શતરંજ રમતા હતા. મિરજાની બાજી કંઈક નબળી હતી. મીરસાહેબ એમને કિશ્ત પર કિશ્ત આપી રહ્યા હતા. એટલામાં સૈનિકો આવતા દેખાયા. એ ગોરાઓની ફોજ હતી અને લખનૌ પર અધિકાર જમાવવા આવી રહી હતી.

મીરસાહેબ બોલ્યા, “અંગ્રેજી ફોજ આવી રહી છે. ખુદા ખેર કરે.”

મિરજા બોલ્યા, “ભલે આવતી! આપ કિશ્ત બચાવો, આપ કિશ્ત.”

મીર બોલ્યા, “જરા જોવું જોઈએ. આની ઓથે ઊભા રહીએ!”

મિરજા બોલ્યા, “પછી જોઈ લેજો. ઉતાવળ શું છે, પાછી કિશ્ત.”

મીર બોલ્યો, “તોપખાનું પણ છે. લગભગ પાંચ હજાર સૈનિકો છે. કેવા જવાન છે. લાલ વાંદરાઓ જેવાં એમનાં લાલ મોઢાં છે. એમની સૂરત જોઈને જ ડર લાગે છે.”

મિરજા બોલ્યા, “જનાબ, બહાનાં ન બનાવો. આવો ધોખો કોઈ બીજાને આપજો. આ કિશ્ત!”

મીર બોલ્યા, “આપ પણ અજબ માણસ છો. અહીં શહેર પર આફત આવી છે અને આપને કિશ્ત સૂઝે છે. કંઈક એ પણ ખબર હોવી જરૂરી છે કે શહેર ઘેરાયું છે કે નહીં? નહીં તો ઘેર કેમ જઈશું?”

મિરજા બોલ્યા, “જ્યારે ઘેર જવાનો વખત આવશે, ત્યારે જોઈ લઈશું, આ કિશ્ત! બસ, હવેની શહમાં આપની હાર છે.”

ફોજ આગળ નીકળી ગઈ. દસ વાગ્યાનો સમય હતો. પાછી બાજી બિછાવી દેવામાં આવી.

મિરજા બોલ્યા, “આજે જમવાનું શું થશે?”

મીર બોલ્યા, “અજી, આજે તો રોજું છે. શું આપને બહુ ભૂખ લાગી છે?”

મિરજા બોલ્યા, “જી નહીં, કોણ જાણે શહેરમાં શું થઈ રહ્યું હશે?”

મીર બોલ્યા, “શહેરમાં કંઈ નહીં થયું હોય. લોકો જમીને આરામથી સૂઈ ગયા હશે. હજૂર નવાબ સાહેબ પણ આરામગૃહમાં હશે.”

બંને સજ્જનો પાછા એવા રમતમાં લીન થઈ ગયા કે ત્રણ વાગી ગયા. અત્યારે મિરજાજીની બાજી નબળી હતી. ચારના ટકોરા પડવા માંડ્યા અને ફોજના પાછા ફરવાનો પદરવ સંભળાવા માંડ્યો. નવાબ વાજિદઅલીને પકડી લેવામાં આવ્યા હતા, અને સેના એમને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ રહી હતી. શહેરમાં નહોતી કોઈ હલચલ કે નહોતી મારામારી કે કાપાકાપી. લોહીનું એક ટીપું પણ પડ્યું ન હતું. આજ સુધીમાં કોઈ પણ સ્વતંત્ર દેશના રાજાનો પરાજય આટલી શાંતિથી લોહી વહાવ્યા વગર નહીં થયો હોય. આ એ અહિંસા ન હતી, જેના પર દેવગણ પ્રસન્ન થઈ જાય છે. આ એ કાયરપણું હતું, જેના પર મોટા મોટા કાયરો પણ આંસુ વહાવે છે. અવધ જેવા વિશાળ દેશનો નવાબ કેદી થઈને જતો હતો, અને લખનૌ એની વિલાસની નિદ્રામાં મસ્ત હતું. આ રાજનીતિક અધઃપતનની ચરમ સીમા હતી.

મિરજા બોલ્યા, “હજૂર નવાબસાહેબને જાલિમોએ કેદ કરી લીધા છે.”

મીર બોલ્યા, “હશે, લો ચાલ ચાલો.”

મિરજા બોલ્યા, “જનાબ જરા થોભો. અત્યારે એમાં રુચિ રહી નથી. બિચારા નવાબસાહેબ અત્યારે લોહીના આંસુએ રડી રહ્યા હશે.”

મીર બોલ્યા, “રડ્યા જ હશે. આવો વિલાસ ત્યાં ક્યાંથી હોય! લો, ચાલ ચાલો!”

મિરજા બોલ્યા, “કોઈના દિવસો એકસરખા જતા નથી. કેવી દર્દભરી દશા છે?”

મીર બોલ્યા, “હા, એ તો છે જ... આ લ્યો, બીજી ચાલ! બસ હવેની ચાલમાં આપની હાર છે, આપ કોઈ રીતે બચી શકશો નહિ.”

મિરજા બોલ્યા, “ચાલમાં ખુદાના કસમ, આપ ભારે નિર્દય છો! આટલી મોટી દુર્ઘટના જોઈને આપને દુઃખ પણ નથી થતું? હાય, ગરીબ વાજિદઅલી શાહ!”

મીર બોલ્યા, “પહેલાં તમારા બાદશાહને બચાવો, પછી નવાબસાહેબનો શોક કરો, આ ચાલ અને આ હાર! લાવો હાથ!”

બાદશાહને પકડીને લઈ જતી સેના એમની સામેથી પસાર થઈ ગઈ. એના ગયા પછી મિરજાએ ફરીથી બાજી બિછાવી. હારનો આઘાત ખરાબ હોય છે. મીર બોલ્યા, “આવો, નવાબસાહેબના શોકમાં એકાદ મરસિયો કહી નાખીએ.” પરંતુ મિરજાની રાજભક્તિ એમની હારની સાથે જ લુપ્ત થઈ ચૂકી હતી. તેઓ હારનો બદલો ચુકાવવા અધીર થઈ રહ્યા હતા.

(4)

સાંજ પડી ગઈ. ખંડેરમાં ચામાચીડિયાં ચીસો પાડી રહ્યાં હતાં. દેવચકલીઓ આવી આવીને એમના માળામાં ભરાઈ ગઈ. પરંતુ બંને ખેલાડીઓ કટોકટીનો ખેલ ખેલી રહ્યા હતા. જાણે એકબીજાના લોહીના તરસ્યા શૂરવીરો સામસામે લડી રહ્યા ન હોય! મિરજાજી ઉપરાઉપરી ત્રણ બાજીઓ હારી ચૂક્યા હતા. આ ચોથી બાજીનો રંગ પણ કંઈ સારો ન હતો. તેઓ વારંવાર જીતવાનો સંકલ્પ કરીને સાવચેતીથી રમતા હતા. પરંતુ કોઈને કોઈ એવી કઢંગી રીતે બાજી ખરાબ થઈ જતી હતી. દરેક વખતે હારની સાથે જ પ્રતિકારની ભાવના ઉગ્ર થઈ જતી હતી.

ત્યાં મીર સાહેબ ઉલ્લાસના માર્યા ગઝલો ગાતા હતા, ચપટીઓ વગાડતા હતા, જાણે કોઈ ગુપ્ત ધન ના મળ્યું હોય! મિરજાજી એ સાંભળી સાંભળીને ખિજવાઈ જવા લાગ્યા અને બોલ્યા, “જનાબ, આપ ચાલ બદલશો નહીં. એ કેવું કે પહેલાં એક ચાલ ચાલો અને પછી ફરીથી એને બદલી નાખે? જે કંઈ ચાલવું હોય તે એક વાર જ ચાલો. અહીં, આપ મહોરા પર હાથ કેમ રાખો છો? મહોરા પરથી હાથ ઉઠાવી લો, જ્યાં સુધી આપને ચાલ સૂઝે નહીં, ત્યાં સુધી મહોરાને અડશો નહીં. આપ એક-એક ચાલ અડધા કલાકે ચાલો છો. એની છૂટ નથી. જેને એક ચાલ ચાલવામાં પાંચ મિનિટથી વધારે સમય લાગે એની હાર સમજવામાં આવે. પાછી આપે ચાલ બદલી! છાનામાના મહોરું ત્યાં જ મૂકી દો.

મીરસાહેબનો સિપાઈ મરતો હતો. તેઓ બોલ્યા, “મેં ચાલ ચાલી જ ક્યાં હતી?”

મિરજા બોલ્યા, “આપ ચાલ ચાલી ચૂક્યા છો. મહોરું ત્યાં જ મૂકી દો-એ જ ઘરમાં!”

મીર બોલ્યા, “એ ઘરમાં શું કામ મૂકું? મેં હાથમાંથી મહોરું છોડ્યું જ ક્યાં હતું?”

મિરજા બોલ્યા, “મહોરું આપ કયામત સુધી ના છોડો તો શું ચાલ જ ન ચાલી કહેવાય? સિપાઈને મરાતો જોઈને ધાંધલ કરવા લાગ્યા?”

મીર બોલ્યા, “ધાંધલ તો આપ કરો છો. હારજીત તો નસીબને આધીન છે. ધાંધલ કરવાથી કોઈ જીતતું નથી.”

મિરજા બોલ્યા, “તો આ બાજીમાં તો આપની હાર થઈ ગઈ.”

મીર બોલ્યા, “મારી કેમ કરીને હાર થાય?”

મિરજા બોલ્યા, “તો આપ મહોરું એ જ ઘરમાં રાખી દ્યો. જ્યાં પહેલાં આપે રાખ્યું હતું.”

મીર બોલ્યા, “ત્યાં શું કામ રાખું? નથી રાખતો.”

મિરજા બોલ્યા, “કેમ નહીં રાખો, આપને રાખવું જ પડશે.”

તકરાર વધવા લાગી, બંને પોતપોતાની વાત પર અડગ રહ્યા હતા. કોઈ કોઈનાથી દબાતા ન હતા. અપ્રાસંગિક વાતો થવા માંડી. મિરજા બોલ્યા, “તમારા ખાનદાનમાં કોઈ શતરંજ રમ્યું હોય, ત્યારે જ એના કાયદા જાણોને? તેઓ તો હંમેશાં ઘાસ કાપતા હતા. આપ શતરંજ શું રમી જાણો? રિયાસત એ તો જુદી વસ્તુ છે. જાગીર મળી જવાથી કોઈ અમીર થઈ નથી જતું.”

મીર બોલ્યા, “શું કહ્યું? ઘાસ તો આપના અબ્બાજાન કાપતા હશે. અહીં તો કેટલીયે પેઢીઓથી શતરંજ રમતા આવ્યા છીએ.”

મિરજા બોલ્યા, “જાઓ જાઓ, ગાજીઉદ્દીન હૈદરને ત્યાં રસોઈકામ કરતાં કરતાં ઉંમર વીતી ગઈ, આજે અમીર બનવા નીકળ્યા છે. અમીર બનવું એ કાંઈ મશ્કરી નથી.”

મીર બોલ્યો, “શા માટે તમારા વડીલોના મોઢા પર મેંશ ચોપડો છો, તેઓ ભલે રસોઈયાનું કામ કરતા હશે. અમે તો હંમેશાં બાદશાહના દસ્તરખાને પર ખાણું ખાતા આવ્યા છીએ.”

મિરજા બોલ્યા, “અરે ચાલ ચાલ, ચરકટા! બહુ ડંફાસ મારીને વાતો કરે છે.”

મીર બોલ્યા, “જબાન સંભાળો નહીં તો ખરાબ પરિણામ આવશે. હું આવી વાતો સાંભળવા ટેવાયેલો નથી. અહીં તો જે આંખો દેખાડે છે, એની આંખો કાઢી લઉં છું, છે હિંમત?”

મિરજા બોલ્યા, “આપ મારી હિંમત જોવા ઇચ્છો છો, તો પછી આવી જાઓ. આજે બબ્બે હાથની ભલે થઈ જાય, પછી આ પાર કે પેલી પાર.”

મીર બોલ્યા, “તો અહીં તમારાથી કોણ દબાવાનું છે?”

બંને દોસ્તોએ કમ્મરમાંથી તલવારો ખેંચી કાઢી. નવાબી જમાનો હતો, સૌ તલવાર, કટાર વગેરે હથિયાર બાંધતા હતા. બંને વિલાસી હતા, છતાં કાયર ન હતા. એમનામાં રાજનીતિક ભાવોનું અધઃપતન થઈ ગયું હતું. બાદશાહ માટે, બાદશાહત માટે શું કામ મરવું; પરંતુ વ્યક્તિગત વીરતાનો અભાવ ન હતો. બંને ઘવાઈને નીચે પડ્યા અને ત્યાં જ તરફડી તરફડીને મર્યા. પોતાના બાદશાહના માટે જેમની આંખોમાંથી આંસુનું એક બિંદુ પણ ન નીકળ્યું, એ બંને જણાએ શતરંજના વજીરની રક્ષા માટે પોતાના પ્રાણ આપી દીધા.

અંધારું થઈ રહ્યું હતું. બાજી બિછાવેલી હતી. બંને બાદશાહો પોતપોતાના સિંહાસનો પર બેસીને જાણે આ બંને વીરોના મૃત્યુ પર રડી ન રહ્યા હોય!

ચારે બાજુ સન્નાટો છવાયેલો હતો. ખંડેરની તૂટેલી કમાનો, જર્જરિત દીવાલો અને ધૂળથી ખરાડાયેલા મિનારા, આ લાશોને જોતા હતા અને માથું ધુણાવતા હતા.

(અનુ. પ્રો. શૈલેન્દ્ર ઠાકુર)

સ્રોત

  • પુસ્તક : માનસરોવર ભાગ - 3 (પૃષ્ઠ ક્રમાંક 346)
  • સંપાદક : પ્રો. શૈલેન્દ્ર ઠાકુર
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1988