sharnaaiinaa suur - Short Stories | RekhtaGujarati

શરણાઈના સૂર

sharnaaiinaa suur

ચુનીલાલ મડિયા ચુનીલાલ મડિયા
શરણાઈના સૂર
ચુનીલાલ મડિયા

માંડવો વધાવાઈ ગયો. ગોતરીજ પાસે પગેલાગણું પતી ગયું. ઘરને ટોડલે વરઘોડિયાંએ કંકુના થાપા પાડી દીધા.

જાનને શીખ દેવાઈ ગઈ. ધર્માદાનાં લાગાંલેતરી ચૂકવાઈ ગયાં. વેવાઈઓએ એકબીજાને વહાલપૂર્વક ભેટી લીધાં.

રામણદીવડો પેટાવાઈ ગયો. વરકન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયાં. સામેથી આવતી પાણિયારીનાં શુભ શુકન સાંપડી ગયાં...

અને ગાડાનું પૈડું સિંચાઈ ગયું.

...અને ડોસા રમઝુ મીરે શરણાઈનો સૂર છેડ્યો. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી. સુહાગણોએ ગીત ઉપાડ્યું અને ગવરીની જાન ઊઘલી ગઈ.

ગામડાગામની વાત સાંકડી શેરીમાં કોઈના ઘરની પછીત તો કોઈના કરા સાથે ધરો ધફડાવતું ગાડું માંડ-માંડ કરીને શેરી સોંસરવું નીકળ્યું ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુનાં બૈરાંઓ વરરાજાને જોવાં એકઠાં થઈ ગયાં હતાં. લાજના લાંબા ઘૂમટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતાં હતાં :

'આ ભૂધર મેરાઈનો જમાઈ-'

'ગવરીનો વર...હાથમાં તલવાર લઈને કેવો બેઠો છે!'

નાકા ઉપર નિયમ મુજબ મેઘો ઢોલી દાદ લેવા આડો ફરીને ઊભો રહ્યો. રમઝુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી, કન્યાપક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું :

'આ દશ દશ પીપળો...

દશ દાદાનાં ખેતર...'

વરપક્ષની જાનરાણીઓએ સામું ગીત માંડયું :

'ખોલો ગવરીબાઈ ઘૂંઘટા...

જુઓ સાસરિયાનાં રૂપ...

એક રાણો ને બીજો રાજિયો...

ત્રીજો દલ્લીનો દવાન...'

ગીતોના સૂર વધારે વેધક હતા કે શરણાઈના, નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ બની રહ્યું. મીરે શરણાઈની એવી તો રમઝટ જમાવી હતી કે વરના બાપ પણ એના રસાસ્વાદમાં દાદ આપવાનું વીસરી ગયા. પરિણામે ગીતો અને ઢોલ—શરણાઈનો સારી વાર સુધી તાસીરો બોલી રહ્યો. આખરે જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો ને રમઝુના હાથમાં પાવલી પડી ત્યારે એણે પીઠ ફેરવી ને જાન આગળ વધી.

રમઝુની શરણાઈએ આખી બજારને જગાડી દીધી હતી. કામઢા વેપારીઓ હજાર કામ પડતાં મેલીને ઊઘલતી જાનને અવલોકવા દુકાનોને ઉંબરે આવી ઊભા. આખું સરઘસ અત્યારે જાજ્વલ્યમાન રંગો વડે સોહાતું હતું. મોખરે રમઝુના માથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઊડતા હતા. મેઘા ઢોલીએ લીલા રંગનું માથાબાંધણું બાંધેલું. જાનૈયાઓને વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા તેથી આખો સમૂહ લાલભડક લાગતો હતો. હિરભરતનાં ઝૂલ ને શીંગડીઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા તરી આવતા હતા. ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયાન જામો, એમનાં હાથમાંની તરવારનું રંગીન મિયાન તેમ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગસૂષ્ટિ રચી જતાં હતાં. એમની પાછળ વિદાયગીતો ગાતી સુહાગણોનાં અવનવાં પટકૂળોનો તો રંગમેળો જોવા મળતો હતો.

આડે દિવસે ઊડઊડ લાગતી બજારમાં રમઝુ મીરની શરણાઈએ નવી દુનિયા રચી કાઢી હતી. એના સૂરની મોહિની એવી હતી કે સાંભળનારને મત્ત બનાવી મૂકે. એની અસર કાન વાટે સીધી હૃદય પર ચોટ મારે ને હૃદયના પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચે. પ્રાકૃતજનોને શરણાઈની સુરાવલિ સમજાય કે સમજાય પણ મંત્રમુગ્ધ બનીને ડોલી ઊઠે તો ખરાં જ.

ભરબજારે ચોગાનમાં ઊભીને રમઝુએ અડાણો ઉપાડ્યો હતો. ઉન્માદભરી તરજનું બંધારણ ભાગ્યે કોઈ લોકો સમજતાં. છતાં, એમાં રહેલો આનંદ અને ઉછરંગ, તોફન અને મસ્તી સહુ શ્રોતાઓ માણી રહ્યાં. એમની આંખ સામે તો, વાતેવાતમાં છણકા કરતી, આંખમાંથી અગનતણખા વેરતી, ખોટેખોટાં રૂસણાં લેતી, વળી પાછી પતિના પ્રેમોપચારે રીઝી જતી, અજબ નટખટ ને નખરાળી નવોઢા રમી રહી. અભણ રમઝુ ડોસા પાસે શબ્દો હતા, કેવળ સૂર હતા. અને સૂર વડે આવી સૃષ્ટિ ખડી કરી જતો હતો. નમતે બપોરે ઊભી બજારે સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસરિયે સોંઢતી પતિમિલનોત્સુક પરિણીતાનું કલ્પનાચિત્ર શ્રોતાઓની આંખ સામે તરવરી રહ્યું મેલાઘેલા માણસે સાધ્ય કરેલી સૂરશક્તિની બલિહારી હતી.

હર ઘડીએ વધારે ને વધારે ઘૂંટાતા જતા અડાણના સૂરમાં શ્રોતાઓ કરતાંય વધારે તો રમઝુ મીર પોતે રમમાણ લાગતો હતો. આંખ મીંચીને ગલોફાં ફુલાવી ફુલાવીને શરણાઈમાં શ્વાસ રેડતો જતો હતો અને નિર્જીવ વાદ્યને જીવંત બનાવતો જતો હતો. ગામ આખું લાંબા અનુભવને પરિણામે જાણતું થઈ ગયેલું કે રમઝુ એક વાર એની શરણાઈમાં ફૂંક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન રહે. માત્ર પરગામથી ગગો પરણાવવા આવેલા તળશીવેવાઈને વાતની જાણ નહોતી તેથી તેઓ મીરને દાદના પૈસાનો લાલચુ ગણીને પાવલું ફેંકી રહ્યા પછી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા હતા. તળશીવેવાઈને સૂરજ આથમતાં પહેલાં પોતાને ગામ સણોસરે પહોંચી જવાની ઉતાવળ હતી તેથી શરણાઈવાળાને આદેશ આપી રહ્યા હતા :

'હાલો, મીર, હાલો ઝટ વહેતા થાવ.'

પણ અડાણાના સૂરમાં ગળાબૂડ સેલારા લેતા રમઝુને આવા આદેશ સાંભળવાની નવરાશ ક્યાં હતી? મીર એની શરણાઈમાં સમય બગાડતો જતો હતો ને તળશીવેવાઈને મનમાં ચટપટી ચાલતી હતી : ગતિએ રૂપિયે ગજને હિસાબે આગળ હાલશું તો સણોસરે પૂગતાં સાંજ પડી જશે ને અંધારે સામૈયા કરવામાં હોરાજીની કિસનલાઇટ મંગાવવી પડશે. મોંઘીદાટ બત્તીનાં બિલ ભરવાને બદલે વેવાઈએ મુફલિસ મીરને પાવલું વધારે દાદ આપીને આગળ વધવા પ્રેર્યો, પણ શરણાઈના સૂરમાં ડાબેથી જમણે ડોલી રહેલા રમઝુને દાદ પેટે ફેંકતા પૈસા ગણવાની ક્યાં નવરાશ હતી? મેથા ઢોલીએ ધૂળમાંથી સિક્કા વીણી લીધા અને રમઝુને કહ્યું કે 'હાલો મીર, હવે હાંઉ કરો હાંઉં.' પણ આવી સૂચન પણ કાને ઘરે એમ ક્યાં હતો?

આખરે ભૂધર મેરાઈ પોતે આગળ આવ્યા ને રમઝુને રીતસરનો હડસેલો મારીને સંભળાવ્યું : 'હવે હાલ્યની ઝટ, હાલ્યની, આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભતો રહીશ તો કે' દી પાદર પોગાડીશ!'

***

આગળ વધતો હતો અને દરેક ડગલે જિવાઈ ગયેલી જિંદગીનું એકેક દૃશ્ય એની ઝામર-મોતિયા વડે ઝંખવાતી આંખ આગળ તાદૃશ્ય થતું હતું.

ભરજુવાનીમાં ઘરભંગ થયેલા રમઝુને બે વરસની માવિહોણી બાળકીની માતા બનવું પડેલું, ઓઝત નદીને હેઠવાસને આરે રમઝુએ બાળકી સકીનાનાં બળોતિયાં ધોયેલાં દૃશ્યની સાહેદી આપી શકે એવાં ઘણાં ડોસાંડગરાં તો ગામમાં હજી હયાત હતાં. રમઝુને દુનિયામાં બે પાત્રો જોડે દિલ્લગી બંધાઈ ગઈ હતી : એક તો મીર કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ અને બીજી મૃત પત્નીનાં મીઠાં સંભારણરૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના. તેથી એણે પોતાના દિલની દુનિયામાં ત્રીજા કોઈ પાત્રને પ્રવેશ કરવા નહોતો દીધો. કોમનાં માણસોએ ફરી વાર નિકાહ પઢવાને બહુ બહુ આગ્રહ કરવા છતાં, જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો.

રમઝુએ સકીનાને સગી મા કરતાંય સવાયા હેતથી ઉછેરીને મોટી કરેલી. સકીનાનાં લાડચાગ તો લોકવાયકા સમાં થઈ પડેલાં, માતા તેમ પિતાના બેવડા વાત્સલ્યથી રમઝુ પુત્રીનાં લાલનપાલન કરતો હતો. પોતે કોઈ વાર સૂકો રોટલો ખાઈને ચલાવી લે પણ પુત્રીને તો પકવાન જમાડે. પોતે ફાટ્યાંતૂટ્યાં કપડાં પર સો થીગડાં મારે પણ સકીનાને તો ફૂલફટાક બનાવીને બહાર કાઢે. ન-માઈ પુત્રીને જરા પણ ઓછું આવે એની તકેદારી રાખવા માટે રમઝુ એને અછોઅછો વાનાં કરતો.

સકીના કાખમાં બેસવા જેવડી હતી ત્યાં સુધી તો રમઝુ એને ચોવીસે કલાક પોતાની સાથે ફેરવતો, કોઈના સામૈયામાં શરણાઈ વગાડવા જવાનું હોય તોપણ સકીના તો એની કાખમાં બેઠી હોય અથવા તો પિતાના ગળામાં હાથ પરોવીને પીઠ પર બાઝી પડી હોય. રમઝુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે ફુલેકામાં ફરતો હોય ત્યારે એની પીઠ પર, વાંદરીને પેટે વળગેલાં બચોળિયાંની જેમ વળગી રહેલી બાળકીનું સુભગ દૃશ્ય તો વરસો સુધી ગામમાં સુપરિચિત થઈ પડેલું.

સાચી વાત તો હતી કે, શરણાઈ તેમ સકીના બંને, વિધુર આદમીની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. શરણાઈ અને સકીનાની હાજરીમાં રમઝુ પોતાને દુનિયાનો શહેનશાહ સમજતો. ઘણીય વાર નમતી સંધ્યાએ પોતાના કૂબાના આંગણામાં બેઠો બેઠો રમઝુ કેવળ મોજ ખાતર શરણાઈમાંથી સૂર છેડતો ને સકીનાને રીઝવતો. બાળકી ગેલમાં આવીને કાલુંકાલું બોલવા લાગતી. એને કાલાઘેલા બોલમાં રમઝુ મૃત પત્નીની પ્રેમપ્રચુર વાણી સાંભળી રહેતો. રીતે શરણાઈ રમઝુ મીર માટે કેવળ રોટલો રળવાનું સાધન નહોતું, વિદેહી જીવનસંગાથિની સાથે સાંનિધ્ય અનુભવવાનું, એના જીવનબીન સાથે એકસૂર, એકતાલ, એકરસ બનવાનું જીવતું—જાગતું વાદ્ય હતું. તેથી તો, પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યારે ઓટા પર મરવાના ફૂલછોડની મહેક માણતો માણતો શરણાઈના સૂર વહાવતો ને? રમઝુની વિચિત્ર લાગતી ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકેલી. વ્યવહારડાહ્યાં લોકો ગરીબ માણસની આવી ધૂનને ગાંડપણમાં ખપાવતા. પણ મનસ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી? તો સપનાને સહારે જિંદગી જીવતો હતો. ને શરણાઈ વડે સપનાં સાચાં પાડતો હતો. પાંપણમાં પુરાયેલા સુમધુર સ્વપ્ન સમી સકીનાને પણ રમઝુએ એક દિવસ સાસરે વળાવવી પડી હતી. અને તે દિવસે એણે પારાવાર દુઃખ અનુભવ્યું હતું. અત્યારે એનાં ડગલાં ગામઝાંપાની દિશામાં પડતાં હતાં પણ એના મનનું માંકડું તો અતીતની યાત્રાએ ઊપડી ગયું હતું. પ્રસંગોની પરકમ્મા કરતું વારેવારે પુત્રીવિદાયના પ્રસંગ પર આવીને અટકતું હતું. પુત્રીવિદાયનો પ્રસંગ તાજો થતાં ડોસાનું વત્સલહૃદય વલોવાઈ જતું હતું અને વલોપાત શરણાઈના સૂર વાટે વ્યક્ત થઈ જતો હતો. અત્યારે પોતે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો છે વાત રમઝુ વીસરી ગયો. સાસરિયે સોંઢી રહેલી કન્યા ભૂધર મેરાઈની ગવરી છે હકીકત પણ ભૂલી ગયો. અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાને વિદાય અપાય છે એમ સમજીને શરણાઈમાં હૃદયની સઘળી વ્યથા રેડી રહ્યો હતો. તેથી તો જાન ઝાંપે પહોંચતાં સુધીમાં તો રમઝુના દર્દનાક સૂરોએ આખું વાતાવરણ ભારઝલ્લું બનાવી મૂક્યું હતું.

આનું કારણ હતું કે, સકીનાનું સંભારણું રમઝુ માટે જરાય સુખદ નહોતું. ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભારેલો પડ્યો હતો. આવે પ્રસંગે રાખનું આવરણ દૂર થતાં ડોસાની ભીતરમાં ભડકા ઊઠતા, કારણ હતું કે સકીનાને સાસરિયે મોકલ્યા પછી આઠમે દિવસે એના ભેદી મૃત્યુના વાવડ આવેલા. મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શકેલો નહિ. એનું રહસ્ય ગામ આખામાં આજ સુધી ગોપિત રહેવા પામેલું. એક અટકળ એવી હતી કે સકીનાને જે ગામમાં વરાવેલી ત્યાંનાં બે બરોબરિયાં ને જોરૂકાં કુટુંબોના જુવાનોની નજર જુવતીના જોબન પર ઠરેલી. માથાભારે ગણાતી મીર કોમના બેમાંથી એક જૂથને તો રમઝુએ નારાજ કરવું પડે એમ હતું. પણ અટંકી કોમનાં માણસો નારાજ થઈને બેસી રહે એવાં સોજાં નહોતાં. સકીનાની જુવાનીની અંગડાઈએ એમના વૈરાગ્નિને વીંઝણો ઢાળ્યો ને એમાંથી બંને હરિફો વચ્ચે વસમાં વેણની આપલે થઈ ગઈ. આખરે એમાંથી તરવારની ધાર ઝબકી ગઈ, બંને પક્ષો ઝાટકે આવ્યા, ને એમાંથી કહે છે કે, સકીનાનું કાટલું કાઢી નાખવામાં આવેલું. સમાચાર સાંભળીને રમઝુને વજ્રઘાત લાગેલો. સકીનાના અકાળ મૃત્યુથી ડોસાએ પુત્રી તેમ પત્ની બંનેના દેહવિલયનો બમણો વિયોગ અનુભવેલો. દિવસો સુધી તો અવાક્ થઈ ગયેલો. એની ચિત્તભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતાં કે ડોસાની ડાગળી ચસકી ગઈ છે.

તેથી તો પાદરમાં પહોંચ્યા પછી રમઝુએ શરણાઈની તાન ઉપર આમથી તેમ ડોલવા માંડ્યું ત્યારે લોકોએ એને ગાંડામાં ગણી કાઢ્યોને?

પીપળા હેઠે ગાડું થોભ્યું. ગવરીની સરખી-સમોવડી સહિયરો એક પછી એક વિદાય આપવા આવી. સહુ બહેનપણીઓ ગવરીની નજીક જઈ, ગોઠિયણના કાનમાં ધીમી ગોષ્ઠિ કરીને આંસુભરી આંખે પાછી આવતી હતી. ઘરચોળાના ઘૂંઘટાની આડશે રડી રડીને ગવરીની આંખો લાલ હીંગળા જેવી થઈ ગઈ હતી તો અત્યારે ખબર પડી. હબકતી પુત્રીને જોઈને માતાનું હૃદય હાથ રહ્યું. સાથે આણેલી ટબૂડીમાંથી ગવરીને બે ઘૂંટડા પાણી પાઈને તેઓ કોચવાતે હૃદયે દૂર ચાલ્યાં ગયાં, પણ એમની પાંપણ પર આવીને અટકેલાં આંસુ રમઝુની નજર બહાર નહોતાં રહ્યાં. લાગણીના આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત નહોતી કરી શકતી એની અભિવ્યક્તિ રમઝુ પોતાના સૂર વાટે કરી રહ્યો.

આમ તો પાદરનો પીપળો અને ચબૂતરો ગામની સેંકડો કન્યાઓની વિદાયનો સાક્ષી બની ચૂક્યો હતો. રમઝુ પોતે પણ આવા અસંખ્ય વિદાયપ્રસંગોએ શરણાઈ વગાડીને સાટામાં રૂપિયો-રડો મહેનતાણું મેળવી ચૂક્યો હતો. ખોબો ભરીને ખારેક, લાડવા વગેરે લઈ ચૂક્યો હતો. પણ આજની વાત અનોખી હતી. આજનું વળામણું વિશિષ્ટ હતું, આજનો વિદાયપ્રસંગ સાવ વિલક્ષણ હતો. આજે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને આરે પહોંચેલો ખખડી ગયેલો રમઝુ મીર હતો પણ વીસ વરસ પહેલાં સકીનાને વિદાય આપનાર પુત્રીપિતા હતો. તેથી તો, તળશીવેવાઈએ પાવલાથી માંડીને બાધા રૂપિયા જેવડી મોટી રકમની ત્રણ ત્રણ વાર દાદ આપવા છતાં રમઝુ શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહિને?

કન્યાપક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમું વિદાયગીત ઊપડયું હતું :

દાદાને આંગણે આંબલો

આંબલો ઘોરગંભીર જો...

એક રે પાંદડું અમે તોડિયું

દાદા ગાળ દેજો જ...

અમે રે લીલુડા વનની ચરકલડી...

માત્ર ગવરી નહિ, ગવરીની ગોઠણ્યો નહિ, કન્યાનાં આત્મજનો નહિ પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે કે ડૂસકાં ભરતું લાગ્યું. અને મીરની શરણાઈએ શોકમગ્ન વાતાવરણ સાથે અજબ સમવેત સાધ્યો, એના સૂરમાં ઘૂંટાતું દર્દ વાતાવરણની ગમગીનીને દ્વિગુણિત બનાવી ગયું. રમઝુ ચગ્યો હતો, એની શરણાઈ ચગી હતી. પોતાના ચિરાયેલા દિલની વેદનાને ચગાવવામાં પણ ડોસો ચેન અનુભવતો હતો.

પણ કન્યાને લઈને ઝટપટ ઘરભેગાં થઈ જવાની ઉતાવળમાં વરરાજા તેમ વરના બાપ તળશીવેવાઈ તલપાપડ થઈ રહ્યા હતા. પાદરના મોકળા ૫ટમાં મોકળે મને સૂરાવટ રેલાવી રહેલા મીરને જોઈને વેવાઈની અકળામણ વધતી જતી હતી.

આખરે એમણે ભૂધર મેરાઈ સમક્ષ અકળામણ વ્યક્ત કરી પણ ખરી : 'આ તમારો મીર તો ભારે લાલચુ લાગે છે! આટલી દાદ દીધી તોય હજી ધરવ નથી થાતો! અમુારે તો અહીં સીમાડે સૂરજ આથમી જાશે એમ લાગે છે...'

વેવાઈની ફરિયાદ સાંભળીને તુરંત ભૂધર મેરાઈ, જાનનો મારગ રોકીને ઊભેલા મીર પાસે જઈ પહોંચ્યા અને મોટે સાદે સંભળાવ્યું : 'એલા ડોસલા, આવો ભૂખાવળો ક્યાં થ્યો? આટલી હદે દાદ દીધી તોય હજી તને ધરપત નથી? આટલાં પાવલાં પડ્યાં તોય હજી હાંઉ નથી કે'તો?'

પણ રમઝુ તો પોતાની શરણાઈના સૂર સિવાય બીજું કાંઈ સાંભળે એમ ક્યાં હતો? કંટાળીને ભૂધર મેરાઈએ વેવાઈને કહ્યું : 'ડોસની ડાગળી જરાક ચસકી ગયેલ છે, દુખિયો જીવ છે ને એમાં પાછી પાકી અવસ્થા થઈ એટલે હવે કળ-વકળનું ભાન નથી રિયું.'

'એને ભલે કળ-વકળનું ભાન હોય પણ અમારે અસુરું થઈ જશે એનું શું?'

તળશીવેવાઈએ તીખે અવાજે કહ્યું : 'એક તો બીકાળો મારગ ને ભેગું જરજોખમ...'

હવે ભૂધર મેરાઈનો મિજાજ હાથથી ગયો. એમણે દાદ પેટે જમીન પર ફેંકાયેલા સિક્કા વીણીને પરાણે મીરની મુઠ્ઠીમાં પકડાવ્યા ને પછી એને હડસેલો મારીને કહ્યું : 'એલા લપળા, હવે તો મારગ મોકળો કરીને ઘરભેગો થા! હજી તી તારે કેટલાક રૂપિયા ઓકાવવા છે? કે પછી મીઠાં ઝાડનાં મૂળ ખાવાં છે, માળા માગણ!'

ભૂધર મેરાઈના હડસેલાથી મીર હાલ્યો તો ખરો, પણ પોતાના ઘરને-ગામને–મારગે નહિ, સીમને મારગે સણોસરાને કેડે.

'આ તો હજી સગડ નથી મેલતો.' તળશીવેવાઈ કંટાળીને બોલ્યા : 'આ તો અમારી મોર વેતો થયો...'

'મર થાતો', સીમને મારગે સામે ચાલતા રમઝુને જોઈને ભૂધર મેરાઈએ કહ્યું, 'થાકશે એટલે એની મેળે પાછો આવતો રહેશે.' અને પછી, વેવાઈને છેલ્લી સૂચના તરીકે ઉમેર્યું, 'હવે ખબરદાર એને રાતું કાવડિયું પણ આપ્યું છે તો!... તમે પહેલેથી છૂટે હાથે દાદ દેવા માંડી એમાં ડોસો હોનાનાં ઝાડ ભાળી ગયો. પણ હવે ભૂંગળું ફૂંકી ફૂંકીને મરી જાય તોય સામું જોશો મા.'

અને પછી, બંને વેવાઈઓ ભાવે કરીને ભેટ્યા અને જાન સણોસરાને કેડે ચડી.

રમઝુ પણ હજી ધૂનમાં ને ધૂનમાં જાનની મોખરે ચાલ્યા કરતો હતો. પાછળ, પાદરમાં ઊભેલા લોકો ગાંડા માણસની હાંસી ઉડાવતાં હતાં. પુત્રી વળાવીને કુટુંબીઓ ભારે હૃદયે ઘર તરફ પાછાં ફરતાં હતાં ત્યારે સ્ત્રીઓએ છેલ્લું ગીત ઉપાડ્યું હતું :

એક આવ્યો'તો પરદેશી પોપટો

બેની રમતા'તાં માંડવા હેઠ...

ધુતારો ધૂતી ગયો...

ધૂનમાં ને ધૂનમાં મોટાંમોટાં ડગ ભરતા રમઝુને કાને ગીતનાં વેણ આછાંપાતળાં અથડાતાં હતાં, પણ એને ખ્યાલ નહોતો કે પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. પુત્રીવિયોગના દુઃખ-દર્દમાં જાણે કે દિશાશૂન્ય થઈ ગયો હતો.

હવે તો જાનૈયાઓએ પણ મીરની મશ્કરી શરૂ કરી હતી : 'સાવ મગજ-મેટ થઈ ગયો લાગે છે.'

'માગણ કીધાં એટલે હાંઉ... આંગળી દેતાં પોંચાને વળગે... ગમે તેવી તોય અંતે તો વહવાયાંની જાત ને! જીવને સંતોષ નહિ...'

'મર વગાડ્યા કરે એનું ભૂંગળું... હાલીહાલીને પગે પાણી ઊતરશે એટલે આફુડો પાછો આવશે.'

'ને ઠેઠ સણોસરા સુધી વગાડતો આવે તોય શું વાંધો છે? સામૈયામાં પણ આની શરણાઈ કામ આવશે. ગામના મીરને રૂપિયો ખટાવવો મટ્યો.'

પણ રમઝુ સણોસરા સુધી ગયો. વચ્ચે કબ્રસ્તાન આવ્યું કે તુરત એના પગ થંભી ગયા. ધણમાંથી પાછું ફરેલું ઢોર ગમાણનો ખીલો સૂંઘીને ઊભું રહી જાય એમ કબ્રસ્તાનમાંથી આવતી મરવાના છોડની પરિચિત, સોડમ નાકમાં જતાં મીર ખચકાઈને ઊભો રહી ગયો. પાછળ વરકન્યાને લઈને ગાડું આવતું હતું અને એની પાછળ જુવાન જાનૈયાઓની ઠીઠિયાઠોરી સંભળાતી હતી, રમઝુની આંખ સામે સાસરે સોંઢતી ગવરી નહિ પણ સકીના પસાર થઈ રહી. તુરત એનો હાથ ગજવા તરફ વળ્યો. પાદરમાં ભૂધર મેરાઈએ ધૂળમાંથી ઉસરડો કરીને પરાણે ગજવામાં નખાવેલા પૈસા હાથ આવ્યા. જોયું તો સાચે દોથો ભરાય એટલા સિક્કા દાદમાં મળી ચૂક્યા જણાયા.

રાંક રમઝુ તો રાજી-રાજી થઈ ગયો. હરખભર્યો ગાડા નજીક ગયો ને બોલ્યો : 'લે, ગગી, કાપડાના કરીને આપું છું.'

અને હજી તો રકમનો સ્વીકાર કે અસ્વીકાર થાય પહેલાં તો ઊતરતી સંધ્યાના ઉજાશમાં રમઝુ કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો. એની એક આંખ સામે ગવરીનું કાપડું ને બીજી આંખ સામે સકીનાનું કફન તરવરી રહ્યું.

ચસકેલ માણસના આવા વિચિત્ર વર્તાવ બદલ જાનૈયાઓ ફરીવાર ચેષ્ટા કરતા આગળ વધ્યા.

દિવસને આથમતે અજવાળે રમઝુએ મૃત પત્નીની કબર પાસે બેસીને સરસ સુરાવટ છેડી. એમાં મિલન અને વિયોગના મિશ્ર ભાવોની ગંગા—જમના ગૂંથાઈ ગઈ. પવનની પાંખે ચડીને સૂર મોડે મોડે સુધી ગામમાં તેમજ સીમમાં સંભળાતા રહ્યા. અને અનેક મિલનોત્સુક તેમ વિયોગી આત્માઓ સુરાવટમાંથી એકસરખી શાતા અનુભવતા રહ્યા.

પણ કમનસીબે રમઝુની શરણાઈની છેલ્લી સુરાવટ હતી. પછી શરણાઈ કે સૂર ગામલોકોને કદી સાંભળવા મળ્યા નહિ.

સ્રોત

  • પુસ્તક : ચુનીલાલ મડિયાનો વાર્તાવૈભવ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : શરીફા વીજળીવાળા
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2024