અંબાલાલ સાકરલાલ દેસાઈ
Ambalal Sakarlal Desai
ચરોતરમાં મહેમદાવાદથી પાંચસાત ગાઉ ઉપર પાટીદારની વસ્તીનું એક જૂનું ગામ છે. એ મૂળ ગામ નરવાનું હતું. પણ પચાસ પોણોસો વરસથી નરવો તૂટ્યો છે, ને નવી સરવે પ્રમાણે ખાતાબંધી વહીવટ ચાલે છે.
ગામમાં ઉજળિયાત વસ્તી સારી છે; આશરે બસો ઘર પાટીદારનાં છે. બીજાં વાણિયા,
બ્રાહ્મણ તથા વસવાયાંનાં છે. ગામના લોક મહેનતુ અને સંપીલા છે. ગામમાં ઘણું દેવું નથી. શાહુકાર વાણિયા ધીરધાર કરતાં વેપારનો ધંધો વધારે કરે છે. ગામનો ચોરો રૈયતે બાંધેલો મોટો વિશાળ છે, હિંદુઓનું મંદિર પણ સારું છે, ને એક ધર્મશાળામાં વટેમાર્ગુ તથા સાધુસંત ઊતરે છે; તેથી ઠેઠ કાનમ લગી ગામની આબરૂ પણ સારી છે.
કણબીની વસ્તીમાં મોટું ને મોભાવાળું ઘર શાન્તિદાસ પાટીદારનું છે. તેમના બાપને સાત દીકરા હતા. તે બધા હાલ જુદા જુદા રહે છે; સાતે દીકરાને વાડીવિસ્તાર સારો થયો છે. શાન્તિદાસને છ દીકરા છે, તેમાંના પાંચ મોટા ધંધે વળગી ગયા છે, પણ નાનો ભિખારીદાસ હાલ નોકરી ખોળે છે. આશરે દસેક વરસ ઉપર શાન્તિદાસની વહુના મનમાં એમ આવ્યું કે, મારા છ દીકરામાંથી નાનો દીકરો અંગ્રેજી ભણે ને સરકારી નોકરીએ વળગે તો કેવું સારું! વખતે ટોપીવાળાની મહેરબાની થાય, તો ચઢતાં ચઢતાં એ તો કુમાવિસદાર થઈ જાય, ને આપણે ઘેર આખા પરગણાની હાકેમી આવે. શાન્તિદાસના મનને આ વાત બહુ ભાવી નહીં, હાલ અઢારે વરણ અંગ્રેજી ભણતર ભણવા માંડે છે, તેમાં ઘણા અધવચ મૂકી દે છે, ને થોડા જ ઠેઠ લગી પહોંચે છે; વળી જે થોડા ભણી ઊતરે છે તેમને બધાને કુમાવિસદારી મળતી નથી એ વાત શાન્તિદાસ સારી પેઠે સમજતા હતા; પણ છોકરો છેલ્લા ખોળાનો હતો, ને આટલી ઉંમરે ઘરનાં બૈરાંને નાખુશ કરવાં એ પણ ઠીક નહીં, એમ એમણે વિચાર્યું. વળી એમના હૈયામાં એમ પણ ખરું કે પરમેશ્વરને કરવું હોય ને છોકરાનું નસીબ ઊઘડે તો છોકરાની માતાના કોડ પૂરા પડે ને ઘડપણમાં આપણા સુખમાં મણા ન રહે, એટલે પહેલાં તો જરા એમણે બૈરાનું કહ્યું ગણકાર્યું ન ગણકાર્યું એમ કર્યું; પણ છોકરાની માએ એ વાતની કેડ મૂકી નહીં, તેથી હારીને અંતે તે હા ભણ્યા. સારું મુહૂર્ત જોઈને અંગ્રેજી ભણાવવા ભિખારીદાસને અમદાવાદ વિદાય કર્યા. અંગ્રેજી વિદ્યા ભણવી સહેલી નથી. તેમાં વળી સરકારના કાયદા; વળી તેમાં ધોરણ ને ફોરણ, ને પરીક્ષાઓ, તેથી ભણતાં ભણતાં ઘણા દહાડા લાગ્યા, તેથી કોઈ કોઈ વાર શાન્તિદાસને અકળામણ પણ આવે. દર માસે ખાધાખાઈ તથા ફીના દશબાર રૂપિયા અમદાવાદ મોકલવા પડે તે મોટા કબીલાદાર આદમીને ભારે પડતા. પણ વરત લીધું, તે પૂરું કરવું; હવે અધૂરું ભણતર મૂકવાથી કાંઈ લહાણ નથી એમ સમજી તે કાંઈ બોલતા નહોતા. અંતે સાત વરસે ભિખારીદાસ મૅટ્રિકની પરીક્ષા પાસ થયો; તેની ખબર આવતાં શાન્તિદાસને ઘણું સારું લાગ્યું, ને છોકરાની મા તેથી વધારે હરખાયાં ને કહે કે, “હું કહેતી નહોતી કે મારો ભીખો નામ કાઢશે? કાંઈ પૈસા ઉગારે કામ થાય? જ્યારે મૂળાના પીતા જેવા ખર્ચ્યા છે, ત્યારે મારો છોકરો નાગરના છોકરાને ટક્કર મારે એવો થયો છે.”
એ પ્રમાણે ભીખાની મા સૌ આગળ ફુલાય. ભીખાની પરીક્ષા ઊતર્યાના સમાચાર આવ્યા એટલે તેમણે ગામમાં ગોળ વહેંચ્યો, માતાને વધામણાં દીધાં, ને ઘેર નૈવેદ્ય કર્યા; બ્રાહ્મણ તથા સગાંસ્નેહીઓને જમાડ્યાં, અને સૌ આશરાગતિયાંને પણ સંતોક્યાં. ભીખો ગામમાં આવ્યો ત્યારે ગામના સૌ લોક તેને બોલાવવા આવ્યા, તેઓ શાન્તિદાસને કહે કે “હવે બાપા અધૂરું ન રાખશો; હવે તો ભિખારીદાસને મુંબઈ મોકલો; બે પૈસા દેવું થશે તો જારબારીનો રોટલો ખાઈ પેટે પાટા વાળી દેવાશે; પણ હવે તો એને મુંબઈ મોકલો.”
એમ બધા ઘણો આગ્રહ કરીને કહેવા લાગ્યા. શાન્તિદાસ ખાતાપીતા ગૃહસ્થ હતા. તેમની ખેતી મોટી હતી. તથા ઢોરઢાંખર મસ હતાં, ને દાણોદૂણી પણ ઘણું રાખતા. પણ નગદ પૈસાનું બહુ જોર એમની પાસે નહોતું. એટલે મુંબઈ મોકલવાનું તેમનું મન ઢચુપચુ થતું હતું. પણ છોકરાનો, તેની માનો, તથા આખા ગામનો આગ્રહ જોઈ તેમણે પણ અંતે નમતું મૂક્યું, ને ભિખારીદાસને મુંબઈ ભણવા રાખવાનો વિચાર નક્કી કર્યો, ખરચ સારુ ગામના શાહુકાર વનમાળીદાસને ત્યાંથી પ્રથમ રૂપિયા સોનો ઉપાડ કર્યો, વિદાય થતાં પહેલાં ભિખારીદાસને કોરે બોલાવીને કહ્યું કે, “ભાઈ, મારી પાસે પૈસા નથી, મુંબઈ તો ઇંદ્રપુરી જેવું છે, ત્યાં ભાતભાતની જણસો મળે છે. તરેહતરેહના શોખ ત્યાં થઈ શકે છે, માટે તું જો નીતિથી રહી નીચું માથું ઘાલી અભ્યાસમાં જ મન રાખવાનું કબૂલ કરે તો હું મોકલું, નહીં તો ખર્ચ વેઠવાનું મારું ગજું નથી, માટે એ વિચાર આપણે માંડી વાળો.”
ભીખાએ પોતાના બાપને પગે હાથ મૂકીને કહ્યું કે, “ભા, હું એક પાઈ પણ નકામી નહીં ખરચું. અઢાર વરસનો થયો ને શું હું સમજતો નથી કે આપણા ઓરડામાં શું છે ને શું નથી?”
સરકારી કૉલેજ ઊઘડતાં ભિખારીદાસે મુંબઈ જઈ તેમાં દાખલ થયા. ને અભ્યાસ શરૂ કર્યો. થોડા દહાડા તો, બાપની શિખામણ ને પોતાનું વચન હૃદેમાં રાખી ભિખારીદાસે ખૂબ મહેનત કરી. પછી ત્યાં જૂના થતા ગયા ને છોકરાઓનો સહવાસ વધવા માંડ્યો. ત્યાંના પારસીના છોકરાઓના ચળકતા બૂટ જોઈ એમનું મન વારંવાર એમ થતું કે, આપણે એવા બૂટ હોય તો કેવું સારું! એવા મનના ઉછાળા ઉપરાઉપરી થાય, ને ભિખારીદાસ તેને દાબી દે, પણ વળી પાછું ફરી ફરીને બૂટનું મન થાય. એમ કરતાં કરતાં કેટલાક દહાડા વહી ગયા પણ છેવટે ભિખારીદાસનું મન રોક્યું રહ્યું નહીં. તેમણે વિચાર કર્યો કે આપણે વરસે દહાડે ત્રણસો રૂપિયા ખરચીએ છીએ, તેમાં ત્રણ ચાર રૂપિયાના વિલાયતી બૂટ લેવામાં કાંઈ વધી જવાનું નથી. બીજી ગમે તે રીતે કસર કરીશું તો એટલા રૂપિયા ઊગરશે; એટલે બાપાનું મન પણ રહેશે, આપણું વચન પણ જળવાશે, ને આપણા જીવને ભાવતી વસ્તુ પણ મળશે. એમ વિચાર કરી તેમણે વિલાયતી બૂટની એક જોડ લીધી. તે પહેરીને 'ચમચમ' કરતા ફરે ને બૂટ સામું જોઈ મલકાઈ મલકાઈ જાય!
ચાર મહિને કૉલેજ બંધ થઈ ત્યારે ભીખાભાઈ પાછા ગામે આવ્યા. સગુંવહાલું, ગામલોક સૌ બબ્બે ગાઉ એમને લેવા સામું આવ્યું હતું. ભાગોળે આવ્યા ત્યારે ભીખાભાઈ ગાડામાંથી ઊતર્યા; પણ ઊતરતાં પહેલાં પેલા વિલાયતી બૂટ કાઢી પહેર્યા, ને 'ચમચમ' કરતા સૌથી આગળ ચાલ્યા. સૌ કહે, “કેમ ભાઈ આવ્યા કે? કેમ ભાઈ આવ્યા કે? સારો છો? કુશળ છો?” ત્યારે એ હળવે રહી કહે, “હા-હા.” ગામના છોકરા પણ એમને જોવા આવ્યા હતા. કેમકે એ ગામમાંથી મુંબઈ ભણવા સારુ આ પહેલ કોઈ ગયું નહોતું, ને ભીખાભાઈ મુંબઈ જઈ આવ્યા એ મોટી નવાઈ હતી.
ગામમાં આવ્યા પછી સાંજ સવાર હવા ખાવા ભિખારીદાસ નીકળે ત્યારે પેલા બૂટ પહેરીને જાય, તે જોવાને ગામના બધા જુવાનિયા નીકળે. શાન્તિદાસના બીજા દીકરાઓના તથા દીકરીઓના દીકરા મળી આશરે પંદર વીસ હતા. થોડા દિવસ વીત્યા નહીં એટલામાં તેઓએ પોતપોતાની મા પાસે એવા બૂટ સારુ કંકાસ કરવા માંડ્યો. શાન્તિદાસના ભાઈઓના ઘરમાં પણ બૂટ વાસ્તે કલેશ થવા લાગ્યો. ગામના બીજા કણબી વાણિયાના છોકરાઓને પણ એવા બૂટનું મન થયું. બધા છોકરાઓની માઓ પોતપોતાના છોકરાઓ ભણીની તાણ કરે; પણ ભાયડાઓ એ માને નહીં. એમ બધાં સારાં ઘરમાં થોડો થોડો કંકાસ પેઠો. નિતની કળકળથી ભાયડાઓ છેવટે હાર્યા. એકે એકે સૌ એવા બૂટ મંગાવવા લાગ્યા. દર ફેરા જ્યારે છૂટી પડે ત્યારે ભિખારીદાસ મુંબઈથી પાછા આવે; ને હર વેળા જ્યયારે આવે ત્યારે ગામનાં લોકનાં છોકરાની પચીસ-ત્રીસ વિલાયતી બૂટની જોડો લેતા આવે ! એમ બેત્રણ વરસ વીતી ગયાં, ને ગામમાં બીજી પૂંજ વધી હોય કે નહિ, પણ બૂટની પૂંજી તો ઘણી વધી! ગામમાં વિલાયતી બૂટની ત્રણસો જોડ થઈ. સાંજે બધા જુવાનિયા ખેતરે કે તળાવે ફરવા જાય ત્યારે એ બૂટ પહેરીને જાય; ને એવા બૂટવાળા છોકરાની હારની હાર આગળ પાછળ હર વેળા ગામમાં ફરતી દેખાય; તેથી કેટલાક લોકો માંહોમાંહે વાત કરે કે, “ગામની શોભા સારી વધી.” ત્યારે વળી બીજા કહે કે, “એમાં શું કમાયા? ગામ વહેલું ભીખ માગશે.”
વિલાયતી બૂટ લાંબા ટકતા નથી, ને વરસ દહાડાની માંહે ફાટી જાય છે, એટલે જતે દહાડે એમ થયું કે ભીખાભાઈ જવા નીકળે તે દહાડે તેમને ગામલોક દોઢસો બસો બૂટના પૈસા વળગાડે. આ પ્રમાણે બૂટનો ચાલ જબરો થતો ગયો, ને ગામને માથે રૂપિયા એક હજારનો વરસ દહાડે વેરો ચોંટ્યો!
એક વાર ભિખારીદાસ ઉનાળાની છૂટીમાં ગામ પાછા આવ્યા હતા, ને આંગણામાં ખાટલો ઢાળી પાછલે પહોરે બેઠા હતા. શાન્તિદાસ બાપા ઓટલે હાથમાં રૂપાની નેહવાળો હુક્કો ઝાલી રાખી 'ગુડ ગુડ' કરતા હતા. બીજા થોડા પાટીદાર ને ગામલોક પણ ત્યાં સહેજ બેઠા હતા, ને વાતો કરતા હતા. વનમાળીદાસ પારેખ પણ ત્યાં આવ્યા હતા.
વનમાળીદાસ - બાપા, નવરાશે આપણું ખાતું આંખ તળે કાઢો તો ઠીક.
શાન્તિદાસ - કેમ વારુ?
વનમાળીદાસ – આંકડો જરા વધતો જાય છે તે તમને ખબર હશે.
શાન્તિદાસ – લીધું વરત પૂરું કરવું જોઈએ. છોકરાને મુંબઈ મોકલતાં પહેલ શી રીતે હતું?
વનમાળીદાસ – ત્યારે તો તમારા સો પચાસ લેણા રહેતા.
એમ વાતો ચાલતી હતી તેવામાં ગામના દસવીસ મોચી ભેગા થઈ આવ્યા. આવીને ફળિયાં ઉતારીને રાડ પાડવા લાગ્યા કે, “બાપા, હવે તો બહુ થયું; હવે તો ખમા કરો તો સારું.”
શાન્તિદાસ – શું છે? વાત તો કહો.
મોચીઓ મધ્યેનો એક મોચી કે જેનું નામ સોમલો હતું તેણે તેમને કહ્યું, “સોમલા, તું ઠાવકો છે, તું વિગત માંડીને વાત કહે. તમારે શું જોઈએ છે? ને તમારે શું દુઃખ છે? સગી મા હોય તેને પણ કહીએ તો દુઃખ જાણે.”
સોમલો – દુઃખ તો ઘણું છે; વણ વાંકે મરી જઈએ છીએ; પણ રોગ પ્રમાણે ઉપાય થાય તો કળ વળે; એ તમારા હાથમાં છે. બાપા, તમો ઉપાય કરો તો થાય, નહિ તો એકે ઉપાય નથી, ને અમારે જીવ્યાનો આરો નથી.
શાન્તિદાસ – કરાશે તું બોલ. જો મારા હાથમાં હશે તો હું ઉપાય કર્યા વગર નહિ રહું.
સોમલો – બાપ, દુઃખ તો બહુ છે. જુઓ, અમારાં મોચીનાં તમારા ગામમાં વીસ ઘર છે. જ્યારથી ગામ વસ્યું ત્યારથી અમો તમારી પછવાડે પછવાડે વસ્યા છીએ, ને તમારે ચરણે પડ્યા છીએ. અમે આજ લગી ગામલોકના જોડા ને કોસ સીવતા ને અમારો ગુજારો કરતા. વળી એકાદ વીઘું જમીન હોય તે ખેડીએ પણ ખરા; એમ કરી દહાડા કાઢતા. પણ આ બે વરસથી અમારું પૂરું થતું નથી, ને છોકરાં ભૂખે મરે છે. ભીખોબાપો જ્યારથી મુંબઈ ગયા ત્યારથી અમારા દુઃખનું મંડાણ મંડાયું. એ એક બૂટની જોડ લાવ્યા એટલે અમને લાગ્યું ઠીક છે, એમાં શું માહીં. પછી હવે તો ગામમાં લગભગ એવી ચારસો પાંચસો વિલાયતી બૂટની જોડ ખપે છે. અમો વરસમાં સો સો જોડા સીવીએ, એટલે મજૂરીના ૫૦-૭૫ રૂપિયા કમાઈએ, ને અમારા દસબાર ઘરનો નિભાવ એથી થાય. હવે આ બૂટ આવ્યા એટલે એ જોડો ખપતો નથી. હવે પારસણોની પેઠે અહીંનાં બધાં બૈરાં જોડીઓ મૂકીને બૂટ પહેરશે તો બૈરાંનાં પગરખાં સીવવાનું કામ પણ અમારું જશે, ને જેટલા થોડા રોટલા રહ્યા છે તે પણ નહીં રહે. અમારો ગુજારો તો ગામલોક ઉપર હતો. પણ ગામલોક તો બૂટ પહેરે, એટલે આ દશા આવી. અમારાં છોકરાંને પેટ ભરી રોટલા પણ મળતા નથી. જો અમદાવાદના કે બીજા આપણા અહીંના ગામના બૂટ હોત તો અમારામાંથી ત્યાં જઈ કોઈ શીખી આવત; અથવા ન શીખત તો છેવટે અમે ભૂખે મરત, પણ અમારી ન્યાત કે ધંધાવાળા બીજાને રોજી મળત. પણ આ તો વિલાયતી બૂટ, એટલે અમારો એકે ઉપાય નથી, ને અમારે કોઈ પણ રીતનું મન વાળવાનું નથી, ને આમ ને આમ ચાલશે તો બધાં મરી પરવારીશું.
ભિખારીદાસ – કેવા બેવકૂફ લોક છો! તમારે વાસ્તે શું અમો બૂટ નહીં પહેરીએ? માણસને ગમે તે પહેરવાની છૂટ છે, સાહેબ લોકો બૂટ પહેરે છે, મુંબઈમાં ઘણી વસ્તી બૂટ પહેરે છે, તે સૌ ગાંડા લોક હશે? બેવકૂફ લુચ્ચા લોક!
સોમલો – ગાંડા કે ઘેલા, પણ ભૂખે મરીએ ત્યારે શું કરીએ?
ભિખારીદાસ - ભૂખે મરો છો તેમાં કોનો વાંક છે? બીજો ધંધો કરો.
સોમલો – અમે મોચી તો બીજો ધંધો શું કરીએ?
ભિખારીદાસ - દુનિયામાં ઘણા ધંધા છે. ગમે તે કરો.
સોમલો –શું અમો કુંભારનું કામ કરીએ, કે દરજીનું કામ કરીએ, કે લવારનું કામ કરીએ, કે સોનીનું કામ કરીએ કે હજામનું કામ કરીએ? શું કરીએ, કહો ભીખાબાપા?
ભિખારીદાસ – ત્યારે મજૂરી કરો. મજૂરીમાં શું આવડવું છે?
સોમલો – અમોએ કોઈ દિવસ મજૂરી ન કરેલી તે શી રીતે મજૂરી થાય? મજૂરીમાં હાથપગમાં જોર જોઈએ. અમને ચાર પૈસા પણ કોણ આપે?
ભિખારીદાસ – ત્યારે પૂરું ન થાય તો પરગામ જઈ વસો.
સોમલો – આ ગામમાં અમારી વીસ પેઢી થઈ, ને હવે ઘરબાર મૂકીને ક્યાં જઈએ? અહીંનાં ઘર શી રીતે ઉપાડી જઈએ? નાતજાત, લેવુંદેવું, બધું અહીં રહ્યું, ને પરગામ શી રીતે જવાય? બાપા, આટલું અમને કહો છો, ત્યારે તમે વિલાયતી બૂટ ન પહેરો તો શું સત્યાનાશ વળી જાય? મોચી મજૂરી કરે, બીજો ધંધો કરે, ગામ છોડી જાય, તે કરતાં પાટીદાર વિલાયતી બૂટ ન પહેરે તો શું બગડે?
શાન્તિદાસ વચમાં બોલ્યા, “ભીખા, તું છાનો રહે. આ મોચી કહે છે તે વાત જાણવા જેવી છે. જુવાનિયાવેડા કરી એને તરછોડીશ નહીં.”
એટલામાં ગામના પારેખ જગજીવનદાસ આવ્યા. તે કહે કે, “આ શી ભાંજગડ ચાલે છે?”
શાન્તિદાસ - મોચી રાડ પાડતા આવ્યા છે કે, ગામમાં બૂટ આવ્યા તેથી અમે ભૂખે મરીએ છીએ.
જગજીવનદાસ – હા, મોચી મને કહેતા હતા, ને બીજાં વસવાયાં પણ થોડી બૂમ પાડે છે. પૂંજિયો કુંભાર કહે છે કે, એણીવારના વરસે મોચી લોકોએ મારી નાળો સમૂળગી લીધી નથી. પશવો દરજી કહે છે કે, મોચી લોકની સિલાઈ ઓણ મને મળી નથી. એ રીતે છે, માટે આપણે ચાર જણ મળીને વિચાર કરીએ તો સારું.
શાન્તિદાસ – કહો તો બધા કાલે મળીએ.
જગજીવનદાસ – ઠીક, હું બધાને કહાવીશ, ને રામનાથમાં કાલ પાછલા પહોરે મળીશું.
બીજે દહાડે શાન્તિદાસ બાપા, એમના ભાઈ ભત્રીજા, ગામના બીજા પાટીદાર, જગજીવન પારેખ, નાથાભાઈ મોદી, જુગલદાસ તલાટી, તુળસીરામ મહેતા વગેરે બધું ગામ રામનાથ મહાદેવમાં ભેગું થયું. ત્યાં વસવાયાં પણ વણતેડ્યાં પેટનાં બળ્યાં ભેગાં થયાં હતાં. સોમલો મોચી તથા બીજા મોચી, તથા દરજીના ને કુંભારના આગેવાનો આગળથી આવ્યા હતા. બધાએ પહેલાં તો મોચીની વાત સાંભળી. ત્યાં ભીખાભાઈ પણ ગયા હતા. તેમણે અંગ્રેજી વિદ્યાનો આધાર બતાવીને એક મોટી બશેરિયા ચોપડી હતી તે ઉપરથી એક લાંબું ભાષણ કરવાની તૈયારી કરી હતી. તે ઊભા થયા, અને બોલવા લાગ્યા; પણ એમના બાપ અને કાકા કહે, બેસ, બેસ, તું ભણી આવ્યો તે જાણ્યું. હજી તો અમારું ખરર્ચ ખાય છે! જ્યારે બે પૈસા કમાય, ને દુનિયા કેમ ચાલે છે તે સમજે, ત્યારે તારું ભાષણ બહાર કાઢજે.
બધાં વસવાયાંની વતી જગજીવન પારેખ પ્રથમ બોલ્યા. તે કહે કે, “આ બૂટની મોકાણે આઠ-દસ મોચીનાં ઘરનો ધંધો બંધ પડ્યો છે, ને તેમને ખાવાપીવાની બહુ વેળા પડે છે. મોચી નરમ થયા એટલે તેમની ઘરાકીવાળા કુંભાર, દરજી વગેરે પણ નરમ થયા છે; ને બે પૈસા જેના લેણા દેણા છે તે શાહુકારનું લેણું પણ ડૂબવા વખત આવ્યો છે; અને ધક્કો આખા ગામને લાગશે. કોઈએ એમ ન સમજાવું કે, એમાં મારે શી લેવાદેવા છે; બધાનું સારું હોય તો આપણે સારું ને નરસું હોય તો આપણે નરસું. હું અમદાવાદ ગયો હતો, ત્યાં પણ આવાં ને આવાં રોદણાં છે. સોનીનાં ઘરેણા વિલાયતની તૈયાર થઈ આવે છે, ને તે એવાં આંખને ગમે તેવાં હોય છે કે, આપણા ખરા દાગીનાને પણ કોરે મૂકે; એટલે સોનીનો ધંધો બાર આની ગયો છે. લવારનો ધંધો તો બિલકુલ બંધ પડી ગયા જેવો જ છે. લવાર મજૂરી કરે તેને અંગ્રેજી કારખાનામાં રોજ સારો મળે છે; પણ ચપ્પુ, કાતર, ખીલા, કરનારાનો તો બિલકુલ રોજગાર બંધ પડ્યા જેવો જ છે. વિલાયતી કાપડ કરોડો રૂપિયાનું આવે છે; તેથી સાળવી, વણકર, છીપા, બાંધણીગર વગેરેનો ધંધો ગયો છે. લોક ઘણાં લુગડાં પહેરે છે તેથી દરજી ને ધોબી શહેરમાં તાજા દેખાય છે; પણ એકંદર કારીગર તથા વેપારીને પરદેશી માલ આવવાથી અથાગ નુકસાન થયું છે, ને હજુ તો ક્યાં? શહેરમાં કોઈ ધણીધોરી નહીં એટલે વિટંબણા ભારે પડે છે. આપણે તો બધા મળીને કરીએ તો બંદોબસ્ત કરવા સમરથ છીએ; માટે મારી ધ્યાનમાં આવે છે કે, આપણે આપણા ગામ પૂરતો ઠરાવ કરીએ તો ઠીક.”
શાનિત્તદાસ – શો ઠરાવ?
જગજીવનદાસ - હાલ તો એટલું કરો કે ગામમાં કોઈ પરગામના બૂટ ન પહેરે. એટલું થાય તો મોચીનું દુઃખ ટળે.
શાન્તિદાસ – કેમ, ભવાનીદાસભાઈ, શું ધાર્યું?
ભવાનીદાસ – હા, હા. સો ફેરા એવો બંદોબસ્ત કરવો જોઈએ.
નાથાભાઈ મોદી - આપણે પણ કબૂલ છીએ, કેમ તુળસીરામ મહેતા?
તુળસીરામ મહેતા - આપણે પણ સો ફેરા કબૂલ.
જુગલદાસ તલાટી – વારુ, બૈરાંને ઘેર પૂછ્યું? છોકરાં કંકાસ કરશે, તો તેમની માઓ તેમની કુમક કરશે તેનું શું ધાર્યું?
શાન્તિદાસ – છોકરાં અને તેમની માઓ જખ મારે છે.
બધા કહે, “વાહવા, બાપા વાહવા. ત્યારે ચાલો, આપણે મંદિરમાં તુળસી ઉપાડો.” બધા મંદિરમાં ગયા, ને ઠાકોરજી આગળ તુળસી ઉપાડી સૌએ જુદા જુદા સમ ખાધા કે, “પરદેશી બૂટ લાવીએ તો ઠાકોરજી અમને પૂછે” ને પછી બધા વેરાયા.
ગામ સંપીલું હતું; લોક લાંબી નજરવાળા હતા, તોપણ આ વેળા ઠરાવ પાળવામાં થોડી આનાકાની થઈ, ને પછી ઘેરઘેર થોડી કચકચ પણ થઈ; પણ શાન્તિદાસે પોતાના ઘેરથી પહેલ કાઢી ભિખારીદાસને જોડા પહેરાવ્યા. એમ પટાપટ ચાલતાં, અંતે બધા ગૃહસ્થોએ સોગન પાળ્યા, ને છ મહિને મોચી પાછા આગળ જેવા ખાતા પીતા થયા, ને બીજા કારીગર પણ તાજા થયા.
એવામાં નડિયાદથી એક દહાડો મોટમ બારોટ આવ્યા હતા. તેમણે આ બધી વાત ચોરે બેઠે સાંભળી, તે મનમાં બહુ હરખાયા, ને હરખના માર્યા પોતાની મેળે શાન્તિદાસ બાપાને ઘેર કહેવા આવ્યા કે, “બાપા, ગામમાં આગેવાન હોય તો તમારા જેવા હોજો. ખરા અણીના સમે તમે ગામની હિમાયત કરીને ગામનું દુઃખ ટાળ્યું છે. તમારા ઘરનો ધરમ જગ જાણે છે. તમોએ આપણા ગામનું ને દેશનું અભિમાન કરી અઢારે વરણનો ટેક ને ઇજ્જત રાખી છે. આગળ સરકાર દરબારમાં તમારું ઘર રૈયતની કુમક કરતું; હાલ સરકાર તરફથી તો શાન્તિ છે, પણ લોકોનું મન નવા નવા પહેરવેશથી છકી ગયું છે, જેથી કારીગરમાત્રને તથા અન્ત આખા દેશને બહુ વિપત પડે છે. એ વિપતમાં તમારા જેવાની હિમાયત છે ને ઓથ છે. તો દેશનું સદાકાળ ભલું જ થશે. તમારા જેવા તમારા વંશમાં કુળદીવા ઘણા થજો, ને ઈશ્વર તેમને તમારા જેવી મતિ સદા આપજો.
સ્રોત
- પુસ્તક : શાન્તિદાસ (પૃષ્ઠ ક્રમાંક 7)
- સર્જક : અંબાલાલ સાકરલાલ દેસાઈ
- પ્રકાશક : શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1940
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ
