Shanka - Short Stories | RekhtaGujarati

બસે સુરતનું સ્ટેન્ડ છોડ્યું ને થોડી વારે ઓચ્છવલાલને પહેલવહેલી સનસા થઈ. ‘ના, રે. એવું કાંઈ નથી' એમ વિચારી તેમણે આખી વાતને ભૂલી જવાનો પ્રયત્ન કર્યો. થોડોક સમય એમ ને એમ પસાર થયો. દીવાસળીની તોડેલી પેટીની જેમ બસ માણસોથી ઠાંસોઠાંસ ભરેલી હતી. ઓચ્છવલાલ ઊભા રહ્યા હતા એમ માનવા જઈએ તો તેઓ બેઠા હતા એવું કહેવું પડે અને વાઇસે વર્સા! ઊભડક બધું હતું. બીજા ઉતારુઓ અને એમના સામાનના હડદોલાઓ એમને સતત વાગતા હતા. ‘સાલી તે બસની મુસાફરી છે કે જિંદગી?’ એવું આછું આછું તેઓ બબડ્યા. ઉનાળાની બપોર હતી એટલે બસની બારીઓમાંથી એમના નિસાસાઓ જેવી લૂ ફૂંકાતી હતી. સહયાત્રીઓનાં શરીરના પરસેવાની ખાટી ગંધથી એમનાં નસકોરાં ભરાઈ ગયાં હતાં - પોતે જાણે કીડા બની ઊભરાતી ગટરવાળી ગલીમાંથી પસાર થઈ રહ્યા હોય એમ તેમને લાગ્યું.

ફરી વાર એમને શંકા ગઈ. વખતે એનું દબાણ પારખી શકાય એટલું હતું. પછી લાગલું યાદ આવ્યું કે ઘેરથી નીકળતી વખતે તેઓ ચોકડીએ ફેરો મારી આવવાનું સદંતર ભૂલી ગયા હતા! આમ તો એમને ટેવ હતી ઘરમાંથી બહાર પગ મૂકતાં પહેલાં, શંકા થઈ હોય તોયે, ચોકડીમાં જઈ આવવાની. એમાં ક્યારેય ચૂક થતી, આજે થઈ. બધ્ધો વાંક વિમળીનો. પત્નીનું નામ હતું તો વિમળા. રંગમાં આવીને પોતાને ક્યારેક ‘વિમલ’ કહેવડાવવાનુંયે પસંદ કરતી, પણ ઓચ્છવલાલ પ્રત્યેક સંદર્ભમાં તેનો ‘વિમળી' તરીકે વિચાર કરતા. પરણેતરનાં બાવીસ વર્ષમાં નામ દઈને તો એને ક્યારેય બોલાવી હતી. કાગળપત્તર વળી કેવા લખવાના? સુડતાળીસના પોતે, આડત્રીસની વિમળી, અરે, દીકરો અજય વીસનો તો થયો. અમદાવાદની કૉલેજમાં ભણતો હતો. તેના પછી બે છોકરીઓ હતી. એમનાં નામ કે ઉમ્મર યાદ રાખવાની ઓચ્છવલાલે ક્યારેય પરવા કરી હતી, વિમળી જાણે ને એની છોકરીઓ જાણે.

અજયની વાત અલગ હતી.

હવે ઓચ્છવલાલની શંકા બળવત્તર બનવા માંડી હતી. વાંક પોતાનો હતો. શા માટે ચોકડીમાં બેસી આવ્યા? દોઢ મિનિટનું કામ હતું. ઉતાવળ હતી તેથી શું થઈ ગયું? બસનો વખત થવા આવ્યો હતો એય સાચું. ઘેરથી નીકળતી વખતે વિમળીએ તાયફોય કાંઈ ઓછો નહોતો કર્યો, છતાં પોતાને સરત રહી હોત તો... પણ સાળુ, તો આખું કોળું દાળમાં ગયું! બસસ્ટેન્ડ પર તો તેઓ આવ્યા ને બસ મુકાઈ. પછી તો પડે એના કકડા. બસમાં પ્રવેશ્યા ત્યારે થોડીક વાર તો એમ લાગ્યું કે પોતાના શરીરના બધા ભાગો છૂટા પડી ગયા હતા. જૂની, તેલ પીધેલી ટોપી ચગદાઈ ગઈ હતી. ધોતિયાને ઝૈડકો ગયો હતો, ચંપલની પટી તૂટી હતી. તોયે છેવટે તેઓ અમદાવાદ જતી બસમાં પગ મૂકી શક્યા હતા અને બસ એમને પોતાના અજય પાસે લઈ જઈ રહી હતી વિચારે એમને ચારે કોરની પરેશાની વચ્ચે પણ આશ્વાસન મળતું હતું. છેલ્લા કેટલાય દિવસથી એમનું મન અજયમાં હતું, મળું? મળું? મળીને શું કરું? શું કહું? જે કહેવું છે તે કહી દઉં? કહેવા જેવું છે ખરું? કે પછી અમસ્તો મળી આવું? છેલ્લા મહિનાથી એનું મોઢું જોયું હતું તે જોઈ આવું?

‘મારો સાળો વેશ ખરો થયો!’ એવું મનોમન બબડી ઓચ્છવલાલે હાથ વડે પોતાનું ધોતિયું સહેજ દબાવ્યું. કંઈક રાહત જેવું લાગ્યું - લાગ્યું ત્યાં શંકાનું જોર વધી ગયું. ‘તારું નખોદ જાય વિમળી!’ એમ સ્વગત બબડ્યા. પોતે ઘેરથી નીકળ્યા તે વખતનું દૃશ્ય, કિટ્સન લાઇટને સહારે ભજવાતી રેઢિયાળ ભવાઈના દાખડાની જેમ, કડવો સ્વાદ ફેલાવતું એમના મનમાં ઊપસી આવ્યું. વિમળીએ એક તો ખાવાનું ધૂળ જેવું બનાવેલું - સારું રાંધે છે ક્યારે? રાંધતી હશે એનો કોક સગલો આવતો હશે ત્યારે. અહીં તો થાળીમાં સવાર-સાંજ ગોતાબાફણું નીર્યું છે! લૂસ લૂસ ખાધું, ઉપરથી બે લોટા પાણી ઢીંચ્યું, મનમાં હતું : ભાણેથી ઊઠું કે જાઉં સીધો ચોકડીમાં, ત્યાં તો કભારજાએ તાયફો કર્યો, પૂછેઃ ‘ક્યાં ટળો છો?’ ‘તારા બાપને ઘેર !’ કે ‘મસાણમાં !’ એવો જવાબ જીભને ટેરવે સળવળી ઊઠ્યો, પણ એને કહ્યું તો આટલું : ‘અંદાવાદ.’ લેવા માંડ્યાં છાજિયાં એણે મારા નામનાં. ‘શું દાટ્યું છે ત્યાં? કરજો બાપ-દીકરા મારા નામની થાય એટલે ખોદણી ! કઈ તમારી સગલીને ત્યાં-‘ અરે, કમજાત. સગલો તો તારો પેલો ચંદુડિયો - ઓચ્છવલાલને જીભ કચરવાનું મન થયું. પોતાની સગ્ગી ઘરવાળી વિશે આવું વિચારતાં - થયું કે લાવ, બસનાં પૈડાં હેઠળ કચરાઈ મરું, પણ પછી મનમાંથી અવાજોનાં ગૂંચળેગૂંચળાં ફેંકાયાં : ‘હા, ચંદુડિયો! સાડી સત્તર વાર!... પણ થોડીક પળોમાં તેઓ વળી ઢીલા પડી ગયા. પોતે ક્યાં ક્યારેય કશું નજરોનજર જોયું હતું? તેઓ તો બહારના બહાર હોય. કદીક ઘેર આવે ત્યારે બહુ બહુ તો બારણાં બંધ જોવા મળે - અંદરથી જોયું હોય એથી શું થઈ ગયું? વળી સવાલ સબાકાની જેમ ઊઠ્યો. હવામાં ગંધ આવે ગંધ! પારકા પરસેવાની ખાટી ચૈડ ગંધ! - હમણાં નથી આવતી?

‘આ તો સાલી ખરેખરી ઉપાધિ થઈ!' એમ બબડી ઓચ્છવલાલે બે પગની આંટી લગાવી. રાહત અનુભવાઈ કે નહિ તેનોયે તેમને બરાબર ખ્યાલ આવી શક્યો, એટલે આંટીને એમણે સખ્ત કરી. ‘બધી સાલી મોંકાણ છે ને!’ વળી તેઓ પોતાના જોગું બણબણ્યા, જેમ તેમ કરીને તેઓ ઊભા થયા. આસપાસ જોયું. માણસોનાં શરીર અને સામાન સિવાય લગભગ કશું દેખાયું. ધોતિયા પર હાથ દબાવી વધારે અગવડભરી રીતે બેસી ગયા. ‘શું છે કાકા?’ પાસે ઊભેલા એક જુવાનિયાએ બીડીના ધુમાડા કાઢતાં રમૂજભર્યા સ્વરે પૂછ્યું. ‘આ બસ હવે ક્યાં ઊભી રહેશે?’ એમણે પૃચ્છા કરી. ‘વડોદરા. કંઈ કામ છે?’ જુવાનના સ્વરમાંની રમૂજ મશ્કરી બની. માથું ધુણાવી એમણે બારી બહાર નજર કરી. હજી તો બસ ખોલવડ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી અને અહીં તો... એમણે દાંત કચકચાવ્યા. વિમળીને દેવાય એટલી ગાળો મનમાં દીધી. શંખણીની નફ્ફટાઈ તો જુઓ! જતી વખતે કહે : ‘અમદાવાદ જાઓ છો તો મારે સારુ રતનપોળથી સરસ સાડી લેતા આવજો.’ પછી ઉમેર્યું : ‘અને લિપિસ્ટકની શીશી પણ.’ અરે, તારી તે! સાડી ને લિસ્ટિક ને બધું ઉંમરે? કાલ ઊઠીને છોકરાની વહુ ઘરમાં આવશે! કહેજે તારા પેલા ચંદુડિયાને! લઈ આલશે બધું તને! પણ ચંદુ મૂળ મારો ભાઈબંધ નહોતો? હતો ત્યારે હતો, હવે શું? કાલ મરતો હોય તો આજ મરે. મારે ક્યાં ના’વું-નિચોવવું - અને ફરી એમનો હાથ ધોતિયા પર ગયો.

કન્ડક્ટર ટિકિટ કાપતો નજીક આવ્યો એટલે એને પૂછ્યું : ‘હે ભઈ, બસ ભરૂચ તો ઊભી રહેશે ને?’ ‘ના?’ ઓચ્છવલાલને લાગ્યું કે એણે એના હાથમાંનું મશીન એમના કપાળમાં ફટકાર્યું હતું - બીજી ક્ષણે એમનું દબાણ વધી ગયું. એમણે શરીરને જોરથી સંકોચ્યું. ધ્રુજારી દોડી ગઈ. સારું લાગ્યું. આંખો મીંચી તેમણે ઝોલે ચઢવાનો પ્રયત્ન કર્યો - કંઈ કરતાં વખત વીતે ને વહેલું આવે વડોદરું! અત્યારે એમને વડોદરા દુનિયાનું શ્રેષ્ઠ શહેર લાગી રહ્યું હતું, જ્યાં ગુલાબી આરસ મઢેલું, દર્પણો જડેલું, સ્વચ્છ, સુંદર શૌચાલય પૈડાં પર ગોઠવાઈ એમની સામે આવીને ઊભું રહેશે અને પોતે મરક મરક થતાં ધોતિયું ઊંચું કરી મોકળાશથી બસ....

કોઈક ઉતારુની કોણીનો ગોદો વાગ્યો એટલે ઓચ્છવલાલનું ભીનું દિવાસ્વપ્ન તૂટી ગયું. આરસ-દર્પણજડિત શૌચાલય કડડભૂસ થઈને માણસોરૂપી સળિયાઓની કેદમાં પલટાઈ ગયું. આના કરતાં તો કૂતરા- બિલાડી હોવું સારું. કશી વાતે શરમ નહિ. અથવા બાળક હોવું. અથવા દોડતી બસમાં હોવું. આના કરતાં તો લૂ ઝરતી બપોરે ધૂળિયે રસ્તે કોઈ ઉઘાડા પગે દોડાવે તો સારું, ગધેડીના પગને પેશાબે ભીંજવીનેય ભીના તો કરી શકાય.

અજંપો ઊમટી આવ્યો મનમાં વાદળની માફક, વાદળ એટલે પાણી ના, હમણાં પાણીની જરૂર નથી. તરસ તો સખ્ત લાગી હતી ઉનાળુ બપોરે. ગળે શોષ અને પેઢુની નીચે પીડા. તેમણે વર્ષો પહેલાંની વિમળીને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. નવી નવી પરણીને આવી હતી. શંખણીનું રૂપ તો કહેવું પડે. આગનો ભડકો. ઓચ્છવલાલની આંખો સમક્ષ સત્તર- અઢાર વર્ષની નમણી, કુંવારી સુગંધથી છલકાતી વિમળી તાદ્રશ થઈ ઊઠી અને એમને આખે શરીરે રોમાંચનું લખલખું, પહેલા વરસાદે ઊગી નીકળતા લીલા ઘાસની જેમ ફૂટી નીકળ્યું. વરસાદ એટલે પાણી એટલે - ના. ધ્રુજારી શમી અને દબાણે નવેસરથી જોર પકડ્યુ. આકળવિકળ થઈ ગયા. બસ નર્મદાના નવા પુલ પરથી દોડી રહી હતી, હજી દોઢેક કલાક તો ખરો વડોદરાને, ત્યાં સુધીમાં તો - સત્યાનાશ જાય ‘ડબલ એક્સ્પ્રેસ’ બસનું અને સાથે વિમળીનુંય. થયું : લાવ, કન્ડક્ટરને કહ્યું : મારો ભાઈ કરું - તું પાંચ મિનિટ, અરે, બે મિનિટ તારી હાથણી જેવી બસને રસ્તામાં ઊભી રખાવ, હું ઝટ ઝટ... પણ હિંમત ચાલી. આટલાં બધાં લોકમાંથી કોઈ ચવળતું નથી ને એક મારે જ... એવું છે બાપલા! દુનિયા આખી લીલાલહેર કરે છે - વિમળી પણ - એક મારે બધો સંતાપ. છૂટકો નથી. ખેંચી કાઢીશ વડોદરા સુધીની વાટ, અરે, આટલી - આવી જિંદગી ઢસરડી કાઢી તો કલાક નહિ કપાય? કાપું તો જાઉં ક્યાં? અજય યાદ આવ્યો. શું કરીશ એને મળીને? શું કહીશ? કંઈ કહીશ ખરો? - કહી શકીશ ? કેમ કરીને કહેવાશે? તો ડાહ્યો દીકરો છે. વીસ વરસનો છે તોય ચૌદે બ્રહ્માંડનું શાણપણ એનામાં આવીને ઠર્યું છે. બત્રીસે કોઠે દીવા થાય છે એને જોઈને. ધગધગતા રણમાં તો વીરડી છે. ઘણી વાર તો એવું લાગે છે દીકરો નથી, બાપ છે - વડલા જેવો. એને છાંયડે બે ઘડી રહીએ તો સાત ભવની ટાઢક થાય. પણ પડ્યો આઘેની વાટે. વિમળીએ એને વેગળો કાઢ્યો. મારો ધ્રુવ બાપડો. દશરથે જેમ રામને તેમ મેં કૈકેયી જેવી વિમળીને પાપે દીકરાને દૂર હડસેલી મેલ્યો. નહિ જાણતો હોય બધું? - માનાં લખ્ખણ ને બાપની પીડા ?... શી રીતે જાણે? ચાર વરસથી તો અંદાવાદ રહે છે, ઘરમાં શું ચાલે છે, કોણ આવે-જાય છે એની બાપડાને શી જાણ? રજાઓમાં આવ્યો - આવ્યો ને ગયો. એક રીતે સારું. દેખવું નહિ, દાઝવું નહિ, વિમળીનો ઓછાયો એને અભડાવે નહિ. અજય! એમના મનમાં રટણા ઊપડી. વળી થયું : શા સારું. એની પાસે જવું? સુખના જીવને ક્યાં આગમાં નાખવો? અંધારામાં છે તે ઠીક છે. બાપ ઊઠીને દીકરા સમક્ષ માને નવસ્રી કરીશ? એવું તે થાય? દીકરો શું કહેશે કરશે? આમ તો વિમળી એને અછો વાનાં કરે છે. અજયનેય મા પ્રત્યે હેત ખરું, ને મારા તરફ દયા. મા-દીકરા વચ્ચે વાડ ચણવી? પણ અહીં મારો જીવ બલ્કે એનાથી મોંઘી આબરૂનાં ચીંથરાં ઊડી રહ્યાં છે તેનું શું? પણ આભ ફાટ્યું છે ત્યાં અજય ક્યાં હાથ દેવા જશે? ના, અજયની વાત - એનો વક્કર અલગ છે. એની શારડી જેવી એક નજર વિમળી ત૨ફ કરશે ને વિમળી ઊભી ને ઊભી સળગી જશે. મારો એવો વક્કર હોત તો પૂછવું શું હતું? આંખ ફરે ને વિમળી મૂતરી પડે!

ઓચ્છવલાલને પેઢુમાં સણકો આવ્યો. વિમળીને બદલે પોતાનાથી એવું થઈ જશે - ક્યાંક થઈ તો નથી ગયું ને? શંકા પડી, તો ભારે ફજેતી થાય, આમેય ક્યાં ઓછી હતી? ના, વાત એટલે નહોતી પહોંચી. બેઠક પર તેઓ કસમસાયા. અજયના વિચારનો તંતુ ફરીથી માંડ માંડ જોડી શકાયો. મને ધુત્કારી તો નહિ કાઢે ને? ‘શરમ નથી આવતી તમને આવી વાત કરતાં? ને તેય મારી સામે? તમારી આંખે કમળો તો નથી થયો ને? જાઓ, ઘેર પાછા. મળી-સંપીને રહો. રાજી રાખો. થોડું-ઘણું કમાઓ.’

અકળાઈ ઊઠ્યા ઓચ્છવલાલ. અજય રીતે વર્તવાનો હોય તો અમદાવાદ જવાને બદલે વડોદરાથી પાછા ફરી જવું સારું. વડોદરા ઊતરું. હળવો થાઉં ને વળતી બસ પકડું. પણ ક્યાં છે વડોદરા? એમણે બારી બહાર નજર દોડાવી. અણસાર વર્તાતા હતા ખરા - મકાનો, સિટીબસ, રિક્ષાઓ, સામાન સંભાળતા ઉતારુઓ. જીવમાં જીવ આવ્યો. ધોતિયાને અડકી જોયું. ના, ભીનું નહોતું. પણ હવે ગણતરીની મિનિટોય પસાર કરતાં કંઠે પ્રાણ આવે છે અથવા બીજે ક્યાંક.

‘ફક્ત પંદર મિનિટ!' કન્ડક્ટરનો અવાજ અને ઘંટડીનો રણકાર દેવદૂતના સાદ અને મંદિરમાંના ઘંટારવ જેવા લાગ્યા. પંદર મિનિટ! પંદર મિનિટમાં તો આખું સુરસાગર ભરી નાખીશ. ઓચ્છવલાલના મગજમાં ચમકારો થયો ને તેઓ મરકમરક થઈ ઊઠ્યા. બસ સ્ટૅન્ડ પર આવીને થંભી ત્યાં તો આખું મહાભારત આરંભાઈ ગયું - અંદરથી બહાર જનારાઓનું અને બહારથી અંદર આવવા માગનારાઓનું. ઓચ્છવલાલની બેઠક છેક ડ્રાઇવરની નજીક હતી. ત્યાંથી તે બસના દરવાજાની વચ્ચે અભિમન્યુના સાત નહિ, સત્યાસી કોઠાઓ પથરાઈ ગયા હોય એમ એમણે અનુભવ્યું. પ્રવાસીઓ અને સામાનની સતત ગતિમય અક્ષૌહિણી સેનાઓ વચ્ચે પોતાની જાત એમને પેટ ઢસડતી ગોકળગાય જેવી લાગી. એક ડગલું આગળ ને બે ડગલાં પાછળ, શરીરના જુદા જુદા ભાગો પર અથડાતા પેટીઓના ખૂણાઓ, બેઠક ઝૂંટવાઈ જવાનો ભય. માથા પરથી સરકી પડતી ટોપી, ધોતિયાના ઝૈડકાનું વિસ્તરવું - પોતે જાણે કુરુક્ષેત્રમાં હાથીઓના પગ નીચે કચડાતા હતા અને દંતશૂળથી વીંધાતા હતા ને જયદ્રથ સામેના યુદ્ધની ક્ષણે સૂર્ય જેવો સમય ઢાળ પરથી દડતા પાણીના અથવા પેશાબના રેલાની માફક

સુરસાગર શું, એક ખોબોય ભરી શકાયો.

પંદરમી મિનિટે બસ ઊપડી ત્યારે ઓચ્છવલાલ પોતાની બેઠક પર અર્ધ-બેભાન જેવા, હાંફતા કણસતા અમળાતા, પગની આંટી ભિડાવતા, ધોતિયું કચકચાવતા, મનમાં રામનામનું રટણ કરતા ફસડાયેલા હતા. એમને અસુખ હશે એમ માની બાજુમાં બેઠેલા પ્રવાસીએ પોતાની વૉટરબૅગમાંથી પાણી કાઢી પ્લાસ્ટિકનો પ્યાલો ધર્યો. ઓચ્છવલાલે ઇશારાથી પાછો ઠેલ્યો, પાણી જોઈને ઊબકો આવવા જેવું થયું. ઊલટી વાટેય જો પેઢુનું દબાણ ઓછું થયું હોય. એમને પોતાની જાત પર ઊલટી કરવાની ઝાંઝ ચઢી. અથવા સામે વિમળી ઊભી હોય તો શંખણીને મારા પેશાબથી નવડાવી નાખું.

એમણે પ્રયત્નપૂર્વક અજયને સંભાર્યો. કદાચ કંઈક રાહત લાગે. અજય, દીકરા, જો તારા બાપની દશા! એમનું મન રડું રડું થઈ ગયું. તારી માના સંતાપે હું તારી પાસે આવવા નીકળ્યો ને જો મારી હાલત થઈ છે તે!

વિમળી બધા દુઃખનું મૂળ છે. હવે અજયથી કશું નહિ છુપાવું. કહી દઈશ - બધું ઠાલવી દઈશ. વિમળીને એના પેટના જણ્યા આગળ નવસ્ત્રી કરી દઈશ. હવે નહિ રહેવાય - નથી રહેવાતું. અજયને જે કરવું હોય તે કરે - મને ધૂત્કારે, ધૂળથી ભૂંડો કરે; હું તો કહીશઃ તારી મા પેલા ચંદુડિયા સાથે - એકલો ચંદુડિયો શા માટે, સુંદરલાલ, જયંતી, ગજાનન, મહેન્દ્ર, ચીમન, દયાળ, કાયસ્થ, પેલો લંગડો; એકએકનાં નામ આંગળીને વેઢે છે, એકએક ચહેરા યાદ છે, એકએકનાં ઠામઠેકાણાં જાણું છું, એકએકનાં પગલાં પિછાણું છું, એકએકના પરસેવાની ગંધ પારખું છું.

હવે પેઢુમાં સણકા આવતા હતા. કંઈ કંઈ બુટ્ટાઓ ઊઠવા માંડ્યા; ચકલો બનીને બસની બારીમાંથી ઊડી જઈ કોક ઝાડની ડાળને લગીર ભીની કરું? કૂતરાનું ગલૂડિયું બનીને કૂદી પડું ને એક પગ ઊંચો કરી કોક ટેલિફોન તારના થાંભલે-

શરમથી ભરાઈ ગયું એમનું આખુંયે હોવું. તે સાથે વિમળી પ્રત્યેના ધિક્કારથી પોતાનું રોમેરોમ દુર્ગંધથી છલકાઈ ગયું હોય એમ તેઓ અનુભવી રહ્યા. એમને થયું: વિમળી સ્ત્રી નહોતી, ડુક્કરના પેશાબનું વર્ષોથી બંધિયાર રહેલું ખાબોચિયું હતું, જેમાં પોતાને રોજ ડૂબકી મારવી પડતી હતી અને અજય આઘે ગુલાબના ફૂલ જેવો

દીકરા, ઉગારીને લે મને! એમનું અસ્તિત્વ ચિત્કારી ઊઠ્યું. હું નરક જેવું જીવન જીવું છું, બેટા! ઉઘાડી આંખે મારે ભૂંડી ચિકટાઈ જોવી પડે છે. છાણના કીડા જેવું જીવતર જીવી રહ્યો છું. તને - શું કહું દીકરા? શંખણીએ તો મને પોતાના સગા ધણીને એનો દલાલ બનાવી દીધો છે દીકરા! તારાથી હવે હું સૂતરના એક તાંતણા કે મૂતરના એક છાંટા જેવુંયે નથી છુપાવતો અજય!

ફટાક!

પૂરપાટ દોડતી બસના એક પૈડામાં પંક્ચર પડવાનો અવાજ ભોંકાઈને હવામાં તૂટી ગયો. બસ અટકી પડી. પહેલાં તો ઓચ્છવલાલને કશું સમજાયું, પણ પછી ખ્યાલ આવતાં જેલમાંથી છૂટેલા જનમટીપના કેદીની જેમ દોડ્યા બસના બારણા ભણી...

(‘શંકા'માંથી)

સ્રોત

  • પુસ્તક : ભગવતીકુમાર શર્માની શ્રેષ્ઠ વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સર્જક : ભગવતીકુમાર શર્મા
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2022