મધુ રાય
Madhu Rye
સરલ અને શમ્પાને પ્રેમ હતો, અને એ બંને લગભગ રોજ સાંજના બગીચામાં બેસતાં. શનિ અને રવિ આખો દિવસ સાથે ગાળતાં અને વાતો કરતાં.
એક દિવસ સાંજે બગીચામાં સરલ અને શમ્પા પ્રેમથી બેઠાં બેઠાં વાતો કરતાં હતાં, અને શમ્પાએ સરલને કહ્યું હતું કે, દુનિયાના અંત સુધી આમ બેઠાં રહેવાનું હોય તો કેવું સારું! સરલ ખૂબ મજાની વાતો, સાંભળવાનું મન થાય એવી વાતો શમ્પાને કરતો હતો, અને એકાએક બગીચાની બત્તીના આછા અજવાળામાં એણે જોયું તો શમ્પાનો જમણો હાથ દેખાતો નથી. સરલને પહેલાં તો સમજાયું નહીં કે શમ્પાનો હાથ હમણાં તો અહીં હતો, આટલી વારમાં ક્યાં ગયો, સરલ કંઈ સમજી શકે એની પહેલાં શમ્પાનો જમણો હાથ શમ્પાનાં કપડાં સુધી અદૃશ્ય થઈ ગયો હતો, એની આરપાર દેખાવા લાગ્યું હતું. સરલ એકદમ ડરી ગયો. સરલે બોલવાનું ચાલુ રાખ્યું, અને જોતજોતામાં શમ્પાના હાથને અદૃશ્ય કરતી રેખા શમ્પાનાં ગળા, ડોક, માથા અને શરીર આખા ઉપર ફરી વળી; શમ્પા તદ્દન અદૃશ્ય થઈ ગઈ. સરલ ડરનો માર્યો બોલતો જ રહ્યો.
બાગ હતો, બાંકડો હતો, બત્તી હતી, પણ શમ્પા એકાએક અદૃશ્ય થઈ ગઈ હતી. સરલ એકદમ અવાક્ થઈ ગયો. એની જીભ એકદમ જ અટકી પડી. વાતો ખૂબ સરસ રીતે થઈ રહી હતી, સરલ બોલવાથી કદી થાકશે નહીં એનું લાગતું હતું, પણ કોને ખબર કેમ શમ્પા અદૃશ્ય થઈ ગઈ હતી. સરલને સમજાયું નહીં કે શમ્પાના અદૃશ્ય થવાની એણે બેઠા રહેવું જોઈએ, શોધ કરવી જોઈએ, કે ચાલ્યા જવું જોઈએ.
સરલે ધીમેથી પૂછ્યું : “શમ્પા, શમ્પા, તું છે?” પણ કંઈ જવાબ ન આવ્યો. સરલનો ડર દૂર થઈ ગયો હતો. આશ્ચર્ય ઓછું થઈ ગયું હતું. ધીમે ધીમે એકલા બોલતા હોવાની ભોંઠપથી એણે જીભ કચડી લીધી. કંઈ ભ્રમ થયો હશે. સરલ ઊભો થયો. જાણે બાંકડા પાસે, પોતે કાયર ઠરશે એવા ડરથી, જરા વાર ઊભો રહ્યો. જાણે બાંકડાનું ધ્યાન ન હોય એ રીતે ખસકી, સરકીને ચાલ્યો, આગળ વધ્યો, અને પછી ઝડપથી ચાલવા માંડ્યો, અને આખરે દોડીને બહાર રસ્તા ઉપર આવી ગયો. સરલને યાદ આવ્યું કે શમ્પા અલોપ થઈ ગઈ છે. સરલે શમ્પાને ઘેર તપાસ કરવાનું નક્કી કર્યું. એ ચાલતો ચાલતો હોટેલ પાસે આવ્યો. એ હોટેલમાં સરલ અને શમ્પા રોજ ચા પીતાં. સરલ કીટલીમાં ચાય પસંદ કરતો, કીટલીમાંથી ચાનાં પાંદડાં સૂંઘવાનો એને નશો હતો. હોટેલમાં ફોન હતો. એ ગયો ત્યારે થોડાક યુવાન છોકરા પબ્લિક ફોન ઉપર તોફાને ચડ્યા હતા : સાંભળવાની જગ્યાએથી જ બોલતા હતા. સાંભળતા હતા, સરલ અકળાઈને ઊભો રહ્યો. એ છોકરાઓએ ઘણી વાર એને શમ્પાની સાથે જોયો હતો. મજાકો કરી હતી. કોઈ ઓળખતા નહોતા, પણ દીઠે જાણતા હતા. સરલને હતું કે પોતાને ફોન કરવા આવેલો જોઈ છોકરાઓ મશ્કરીએ ચડશે, પણ કોને ખબર કેમ, એની તરફ ધ્યાન જતાં, છોકરાઓ મજાક છોડી બિલકુલ શાલીનતાથી દૂર ખસી ગયા, અને સરલે ફોન જોડ્યો. સામેથી અવાજ આવ્યો : “હલો...” સરલે પૂછ્યું : “શમ્પા ત્યાં છે?”
સરલને સમજાયું નહીં કે એને ફોન ઉપર કાંઈ સંભળાતું કેમ નથી. એણે ફોનને ઊંધો કરી, સિક્કા નાખવાના ડબ્બાને થપથપાવી, ધબ્બા મારીને સાંભળવાનો પ્રયત્ન કર્યો. પણ કંઈ સંભળાયું તે ન જ સંભળાયું. હોટલનો મૅનેજર એનો પરિચિત હતો. એણે અને છોકરાઓએ પ્રયત્ન કર્યો, ફોન બરાબર હતો. સરલે ફરી પ્રયત્ન કર્યો, સામેથી અવાજ આવતો હતો, “હલો”. સરલ પૂછતો હતો “શમ્પા ત્યાં છે?” સામેથી સંભળાતું હતું, “શમ્પા?”... અને બસ પછી સૂનકાર... સરલે ફોન મૂકી દીધો. એ ખૂબ વિચારમાં ને વિચારમાં, ખૂબ જ અજાયબ બનીને, અને ખૂબ જ નિષ્ફળતાથી નરમ નરમ રીતે દાંત પીસીપીસીને બહાર નીકળ્યો; હોટલની બહાર પાનની દુકાન હતી. એણે ત્યાં ઊભા રહીને કોઈ બે જણાંને રિક્ષામાં બેસીને ક્યાંક જતાં જોયાં. એને યાદ આવ્યું. શમ્પાને ઘેર રિક્ષામાં જઈ શકાય છે. સરલ શમ્પાને ઘેર રિક્ષામાં ગયો. બહાર રિક્ષા ઊભી રાખી, કદાચ શમ્પા ઘરમાં હોય તો સાથે લઈ જઈ શકાય. સરલે ખિસ્સામાં જોયું તો પૈસા પૂરતા નહોતા. સરલે રિક્ષા છોડી દીધી. ઘરમાં ગયો.
“શમ્પા?”
શમ્પાના ઘરમાં કંઈ અજાયબી ફેલાઈ ગઈ.
“શમ્પા કોણ?”
અરે, સરલને થયું કે આ શું? શમ્પાના ઘરમાં કોઈ શમ્પાને ઓળખતું નથી? પછી એને યાદ આવ્યું. શમ્પાના ઘરમાં શમ્પાને ‘બેબી’ કહેતા હતા; એ કહેવા જતો હતો, “બેબી ક્યાં છે?” ત્યાં ઘરમાંથી એક મોટી ઉંમરનાં મહિલા સાંધેલા છાયલમાં લોટવાળા હાથ લૂછતાં લૂછતાં બહાર આવ્યાં, શમ્પાનાં ફોઈ હતાં, એમનું નામ ચંપાબહેન હતું. સરલે ગભરાઈને કહ્યું, “ના, ના, શમ્પા, શમ્પા, તમારી ભત્રીજી... બેબી... બેબી!” બધાં એને જોઈ રહ્યાં, જાણે એણે કંઈ અશોભનીય વાત કરી હોય. સરલને થયું કે એણે શમ્પા નહોતું કહ્યું, ચંપાબહેન અથવા ચંપાફોઈ કહ્યું હોત, જો એને ચંપાબહેનનું કામ હોત તો. એને શમ્પાનું કામ હતું. એણે શમ્પા કહ્યું હતું. “બેબી, બેબી!” અંદરના ઓરડામાંથી હાથમાં ઇન્દ્રજાળ કૉમિક્સ લઈને શમ્પાની નાની બહેન બહાર આવી. શિયાળામાં એના જાંબુડી રંગના ગાલ ફાટતા હતા. એણે ચશ્માં પહેર્યાં હતાં, એની ઉંમરના પ્રમાણમાં શમ્પાની નાની બહેન બહુ કઠોર લાગતી હતી. એણે અવિશ્વાસથી સરલની સામે જોયું, “શું કામ છે?”
“ના, ના, મારે શમ્પાનું કામ છે, આની મોટીબહેનનું” સરલે હતાશાથી કહ્યું. ઘાઘરી-ચોળી પહેરીને ‘મોટીબહેન’ બહાર આવી. એના મોં ઉપર ખીલ હતા. એણે વાળની એક લટ ચંદ્રમાની જેમ કપાળ પર ગોઠવી હતી. એ શમ્પા નહોતી. સરલે લગભગ ગૂંગળાઈને કહ્યું, “આ નહીં, આ નહીં.” એણે આ છોકરીને જોઈ જ નહોતી. શમ્પાની ઉંમરની હતી, શમ્પાના ઘરમાં હતી, પણ શમ્પા ન હતી. એણે શમ્પાના બાપુજીને વાત કરી, “શમ્પા, તમારી વચલી દીકરી...” પણ વાત આગળ જ ન ચાલી. કોને ખબર કેમ, શમ્પાના ઘરમાં શમ્પા હતી જ નહીં, એટલે કે ખોટા ઘરમાં આવ્યો હોય એટલી હદે બધાં અજાયબી પામતાં હતાં.
સરલે કહ્યું, “જુઓ–” અને એને સહર્ષ યાદ આવ્યું. એની પાસે શમ્પાનો એક ફોટો છે. એણે કહ્યું, “જુઓ હું ફોટો બતાવું.” એણે પાકીટ કાઢી ફોટો કાઢી બતાવતાં કહ્યું, “આ છોકરી.” બાપુજી હસી પડ્યા, ફોટો સરલનો પોતાનો હતો. સરલે ફોટો જોયો, અને લગભગ રડવા સુધી પહોંચી ગયો. એણે બધાં ખિસ્સાં તપાસ્યાં, શમ્પાનો ફોટો હતો જ નહીં.
સરલ ત્યાંથી ઊભો થઈ ગયો. શમ્પાની એક બહેનપણી થોડેક દૂર રહેતી હતી. એ ચાલતો ત્યાં ગયો.
“આવોને સરલભાઈ.” બહેનપણીએ આવકાર્યો. “મા, સરલભાઈ આવ્યા છે.” મા બહાર આવ્યાં. “કેમ સરલ, તબિયત તો સારી છે ને?”
“શમ્પા છે?”
“શમ્પા! એટલે?”
“શમ્પા, શમ્પા તારી બહેનપણી અહીંયાં છે? વિજયભાઈની દીકરી...?” સરલે અકળાઈને હાથ જોડી દીધા. બહેનપણીએ પણ તરત નમસ્તે કર્યું. શમ્પાની બહેનપણી શમ્પા નામની કોઈ છોકરીને ઓળખતી ન હતી. (“શમ્પા? છોકરીનું નામ છે?”) સરલને સમજાયું નહીં કે હવે શું કરવું જોઈએ. એણે નક્કી કર્યું, શમ્પા કાલે કૉલેજમાં આવશે, અને મળી શકાશે. બહેનપણી નમસ્તેમાં જ ઊભી હતી.
પહેલો પિરિયડ આખો સરલે શમ્પાની રાહ જોવામાં વિતાવી દીધો. પછી બહાર ઊભાં ઊભાં થાકી ગયો. બીજા પિરિયડમાં ક્લાસમાં જઈને બેઠો. “રોલ એકસો બે!” “પ્રેઝન સર...!” અને એકસો વીસ શમ્પાનો હતો... “રોલ એકસો વીસ“રોલ એકસો વીસ!” પ્રોફેસર બૂમ પાડી. કોઈ જવાબ નહીં. “રોલ એકસો વીસ!” ફરી શાંતિ. સરલને થયું પ્રૉક્સી પુરાવવા, પણ છોકરીના નામની સામે છોકરાનો અવાજ પ્રૉક્સી આપે તો પકડાઈ જાય. ત્યાં અવાજ આવ્યો, “પ્રેઝન સર!” કોઈ છોકરાનો અવાજ. સરલે એકદમ ઊંચા થઈ જોયું, કોઈ જાડો છોકરો હાજરી પુરાવતો હતો. પ્રોફેસરે ધ્યાન આપ્યું નહીં, “રોલ એકસો એકવીસ...”
પિરિયડ પછી સરલ એ જાડા છોકરા પાસે ગયો. કંઈ પૂછવા જાય. ત્યાં એની નોટબુક ઉપર જોયું. લખ્યું હતું. કોઠારી કે. ટી., રોલ નંબર 120. સરલે પ્રોફેસરને પૂછ્યું, “સર, રોલ નંબર એકસો વીસ કોણ છે?” પ્રોફેસરે રુક્ષતાથી ઑફિસમાં તપાસ કરવાનું કહ્યું. ઑફિસવાળાએ કહ્યું : “120 છે કોઠારી કે. ટી. અને શમ્પા શુક્લનો...?” ઑફિસે પંદર મિનિટ સુધી તપાસ કરીને કહ્યું, શમ્પા શુક્લ કોઈ છે નહીં રોલ ઉપર. “શમ્પા વિજયરાય શુક્લ...” સરલે આગ્રહપૂર્વક ફરી તપાસ કરવા જણાવ્યું. રોલ તપાસવાનો ચાર્જ ચાર આના હતો. ઑફિસે સરલને જોઈને એક જ વારના પૈસા લીધા. કહ્યું. “તબિયત તો બરાબર છે ને?”
સરલે કૉલેજમાં લગભગ બધાંને પૂછ્યું. પણ શમ્પા ક્યાં છે એ તો દૂર, શમ્પાને કોઈ ઓળખતું જ નહોતું.
*
સરલ પોતાના એક દોસ્તને શમ્પા વિશે વાતો કરતો. મિત્રને વાત કરી તો એ અજાયબીથી જોઈ રહ્યો. “શમ્પા?” મિત્રે કહ્યું કે એનું નામ પહેલી વાર સાંભળે છે. સરલે કહ્યું : “સરલે હૉસ્ટલ જઈને શમ્પાના પત્રો વાંચવાનો વિચાર કર્યો. પત્રો બૅગમાં હતા જ નહીં. શમ્પાએ એને એક ફાઉન્ટનપેન ભેટ આપી હતી એની ઉપર કોતરેલું હતું, સરલ અને શમ્પાનું નામ... સરલે જોયું : કંઈ જ કોતરેલું નથી, પેન બનાવનાર કંપનીનું નામ જ છે.
સરલે સાંજે બગીચામાં જવાનો વિચાર કર્યો. બગીચામાં જતા પહેલાં એણે હોટેલમાં જવાનો વિચાર કર્યો. હોટેલમાં જઈ એણે પરિચિત જેવા મૅનેજરને “મારી સાથે જે છોકરી આવે છે” એ વિશે વાત કરી. મૅનેજર ભદ્રતાથી કહ્યું, “છોકરી? તમે તો એકલા જ આવો છો!” વેઇટરે પણ એ જ કહ્યું. સરલે કહ્યું, “કેમ, અહીંથી ઘણી વાર છોકરી ફોન કરતી કે મોડું થયું છે, જમીને આવશે... કેમ હજી પરમ દિવસે તો ફોન કર્યો હતો. ગઈ કાલે જ મેં એને ઘેર ફોન કર્યો હતો!”
મૅનેજર કહ્યું, “પણ અહીંયાં ફોન જ ક્યાં છે! આપકો કોઈ ધોખા હુઆ હૈ...” ભ્રમ? સરલે મનોમન કહ્યું, મને ભ્રમ થયો છે? એણે ઊઠીને ટેલિફોનની જગ્યાએ જોયું, ત્યાં કંઈ ન હતું. ફોન જ ન હતો.
સરલ ચાલતો ચાલતો બગીચામાં આવ્યો. ગઈ કાલે બેઠાં હતાં એ બાંકડા પાસે આવ્યો, બેઠો. અને અજાયબી વચ્ચે જોયું, બાંકડો એક છેડેથી અદૃશ્ય થતો જાય છે. પળવારમાં બાંકડો અલોપ થઈ ગયો, અને સરલે જોયું તો પોતે મેંદીની વાડ પાસે ઊભો છે.
બ્લૅકબોર્ડ ઉપર ભૂંસાતા જતા લખાણની જેમ રીતસર બગીચો ભૂંસાતો જતો હતો. બગીચો જોતજોતામાં ક્યાંક ખોવાઈ ગયો. સરલ દોડતો દોડતો દરવાજાની બહાર નીકળ્યો, અને પાછળ વળી જોયું. દરવાજો અદૃશ્ય થઈ ગયો હતો. જ્યાં બગીચો હતો ત્યાં ડામરનો રોડ બની ગયો હતો... હોટેલ હતી ત્યાં આધુનિક શૈલીનું મકાન બની ગયું હતું. સરલે ગભરાટથી રિક્ષા પકડી, શમ્પાને ઘેર પહોંચ્યો. શમ્પાને ઘેર આજે માત્ર એના બાપુજી હતા. વિજયરાયે એને પૂછ્યું : “આવો, ક્યાંથી આવો છો?” સરલે વિસ્મયથી ઓળખાણ આપી, “હું ગઈ કાલે તો આવ્યો હતો” એમ કહ્યું. વિજયરાયે કહ્યું, “આપને કંઈ સમજફેર થાય છે. કાલે તો ઘર બંધ હતું. આખું ઘર મુંબઈ છે. હું પણ આજે જ આવ્યો.” વિજયરાયે કહ્યું, એમણે સરલને પહેલાં ક્યારેય જોયો ન હતો. સરલ દોડતો શમ્પાની બહેનપણીને ત્યાં ગયો. ત્યાં સરલને કોઈ ઓળખતું ન હતું. ત્યાં બે-ચાર જણા ભેગા થઈ ગયા હતા, “તમે પોળ ભૂલ્યા હશો, ભાઈ” કહી રસ્તો બતાવવા લાગ્યા હતા. બહેનપણીએ કહ્યું, “પખાલીની પોળમાં મારી માસીની દીકરી રહે છે. એ મારા જેવી જ લાગે છે. તમે... કદાચ કાંઈ સરતચૂક થઈ છે.”
*
સરલે બીજે દિવસે કૉલેજમાં પગ મૂક્યો ત્યારે રોલ નંબર એકસો બેના જવાબમાં એક શીખ છોકરો હાજરી પુરાવતો હતો. ઑફિસમાં ચાર આના આપી તપાસ કરાવી તો જણાયું, રોલ એકસો બે છે ગ્રેવાલ જે. સી. અને પટેલ સરલ પી. નામનો કોઈ છોકરો કૉલેજમાં નથી. સરલે પોતાની ચોપડીઓ, નોટબુકો બતાવી. એ બધી કોને ખબર કેવી રીતે ગ્રેવાલ જે. સી.ના નામની હતી, અને આપી દેવી પડી હતી. સરલે હૉસ્ટેલે જઈને તપાસ કરી. એના રૂમમાં કોઈ પરદેશી રહેતો હતો. એણે ખૂબ જ સારી રીતે સરલને આવકારી સમજાવ્યું કે સરલ માને છે કે સરલ અહીં રાતે સૂતો છે, અને બે વર્ષથી સૂતો આવ્યો છે, એ એની કાંઈ ગેરસમજણ છે. પરદેશીનું નામ હતું બ્રાઉન ટી... “ટી ફોર ટેડ, એટલે થીઓડોર...” પરદેશીએ સમજાવ્યું સરલે વળગણી ઉપર સુકાતાં પોતાનાં કપડાં બતાવ્યાં. સરખાવતાં જણાયું, એકે એના માપનું ન હતું. એના કબાટમાં ચોપડીઓ હતી, પણ એની ઉપર થીઓડોર બ્રાઉન હતું. હૉસ્ટેલના રજિસ્ટરમાં સરલનું નામ ન હતું. સરલે યુનિવર્સિટીમાં પોતાના નામ વિશે તપાસ કરાવી, એમાં છેલ્લાં પાંચ વર્ષના રેકર્ડમાં એનું નામ નહોતું. મ્યુનિસિપલ મતદારોની યાદીમાં એ નહોતો. પોતે એક-બે સામયિકો મગાવતો એની ગ્રાહકોની યાદીમાં એ નહોતો. બત્તી વિના સાઈકલ ચલાવવાના ગુનાસર એક વાર એ પકડાયો હતો, પેટીકેસ કોર્ટમાં એનું નામ કે એનો ગુનો દર્જ કરેલાં નહોતાં. ક્રિકેટની રમતમાં એને માથે સખત વાગ્યું હતું, ત્યારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાંના ચોપડામાં એ નહોતો. હૉસ્ટેલ મેસમાં એની કોઈ કુપનબુક નહોતી. મ્યુનિસિપલ બાથમાં સભ્યક્રમાંક 42221 કોઈ ધોળા વાળવાળા વેપારીના નામે હતો. કૉલેજના આઇડેન્ટિટટી કાર્ડમાં એનો ફોટો નહોતો, નામ નહોતું. લાઇબ્રેરીમાં એણે સહી કરેલા ચોપડાઓમાંથી એની સેંકડો સહીઓ અદૃશ્ય થઈ ગઈ હતી. પોસ્ટઑફિસમાં દર મહિને આવતા મનીઑર્ડરોની રસીદો બધી તપાસડાવતાં સરલનું નામ જડ્યું નહોતું. સરલે ઘરે તાર કર્યો, પણ એના ગામના નામનું કોઈ ગામ નહોતું. એણે ટ્રેનની ટિકિટ લેવા પૈસા લંબાવ્યા, પણ એનો જવાબ નહીં આવે એવું સર્ટિફિકેટ ઑફ પોસ્ટિંગની છાપ મારવાવાળા કલાર્કે કહ્યું. હતું; કારણ કે એ જિલ્લામાં એ નામની કોઈ પોસ્ટઑફિસ નહોતી.
સરલે પોતાની ઘડિયાળ અને ફાઉન્ટનપેન વેચવાનો વિચાર કર્યો. એણે જઈને પોતાના એક દોસ્તને બંને બતાવવાનું નક્કી કર્યું. જોકે દોસ્ત એને ઓળખશે નહીં એની એને ખાતરી થઈ ગઈ હતી. બંને વસ્તુ બતાવી કાંઈ કહેવા જાય ત્યાં જ દોસ્તે ખૂબ જ કૃતજ્ઞતાથી કહ્યું, “ઓહ થેંક્યુ, ક્યાંથી જડી?” સરલ કાંઈ બોલે એ પહેલાં દોસ્તે એની પત્નીને બોલાવી કહ્યું, “જોયું? મેં કહ્યું હતું ને કે આપણે ટ્રેનમાં જ ભૂલી ગયાં છીએ! ભાઈ બિચારા લઈ આવ્યા. ભાઈ, તમને કેમ ખબર પડી કે આ મારી જ ઘડિયાળ છે?”
“કેમ, તમારું નામ છે ને ઉપર!” પત્નીએ પેન અને ઘડિયાળ દોસ્તના હાથમાંથી આંચકી લેતાં કહ્યું, જાણે ફરી ખોવાઈ જશે. દોસ્તની પત્નીએ બંનેને વંચાવ્યું, ‘અશોક ત્રિવેદી’ નામ કોતરેલું હતું બંને ચીજો ઉપર. અશોક ત્રિવેદીએ સરલને આભારપૂર્વક શરબત પિવડાવ્યું અને મજાક કરી, “શિયાળામાં શરબત, પણ માફ કરજો હોં, જરા દૂધ નથી ઘરમાં... મારી પત્ની બહુ ગરમ મિજાજની છે ને, હે...હે... એટલે શરબત વધુ સારું; હે, હે.”
*
ચાલતાં ચાલતાં સરલને ખ્યાલ આવ્યો એના જોડા બહુ ટાઇટ થઈ ગયા છે. એણે ઉતારીને તપાસ્યા, અને જોયું તો દસ વર્ષના છોકરાના હોય એવડા જોડા હાથમાં પકડીને બેઠો છે. સરલે જોડા ત્યાં જ મૂકી ઉઘાડા પગે ચાલવાનું શરૂ કર્યું. ચાલતાં ચાલતાં માથે હાથ ફેરવ્યો અને જોયું તો માથે ટાલ હતી. એક પણ વાળ ન હતો. ખમીસમાં હાથ નાખવા ગયો જે જોયું તો માત્ર જાંઘિયાભેર રસ્તે ચાલે છે. અને કોને ખબર કેમ, કોઈને કુતૂહલ થતું નથી. સરલ દોડવા લાગ્યો. દોડતાં દોડતાં એના શરીરનાં રૂંવાડાં હવામાં ઝડપાઈને ઊડવા લાગ્યાં, અને શરીર ઉપરથી અદ્રશ્ય થઈ ગયાં.. નિર્વસ્ત્ર દશામાં દોડતો દોડતો એ એક ઝરણા પાસે આવ્યો. પાણીમાં પગ બોળી બહાર કાઢ્યા, પગ બહાર જ ન આવ્યા. સાથળ પછી એના પગ દૃશ્ય થઈ ગયા હતા. સરલે રેતી ઉપર પોતાનું નામ લખવાનો પ્રયત્ન કર્યો, એ નામ ભૂલી ગયો હતો, ભાષા ભૂલી ગયો હતો, લખાયું તે માત્ર આડાઅવળા લીટા હતા. એણે ઝરણાના સ્વચ્છ પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવા માથું નમાવ્યું. કંઈ દેખાતું નહોતું. ઝરણું વહેતું હતું, અને એના તળિયા નીચેની રેતી, પથ્થરો સાફ દેખાતા હતા. સરલનું પ્રતિબિંબ સાફ દેખાતું નહોતું. બંને હાથ એકબીજામાં ભરાવવા ગયો અને માત્ર હવામાં બાચકા ભરવા લાગ્યો. એને હજી હમણાં સુધી સંભળાતો ઝરણાનો, કોયલનો અવાજ અટકી ગયો હતો. એને કંઈ સંભળાતું નહોતું, દેખાતું નહોતું, અડકાતું નહોતું. સરલ સાંગોપાંગ અલોપ થઈ ગયો હતો.
સરલનું નામોનિશાન પૃથ્વી પરથી એટલી સિફતથી અદૃશ્ય થઈ ગયું હતું કે જાણે સરલ પોતે એક ભ્રમ હોય. “આપકો કોઈ ધોખા હુઆ હૈ.” “કંઈ સમજફેર થઈ હશે.” “સરતચૂક થઈ ગઈ લાગે છે.” પણ સરલ જાણતો હતો, જ્યાં સુધી પોતે છે એનું આત્મવિશ્વાસપૂર્વક કહી શકે છે ત્યાં સુધી પોતે છે. અને સરલે ત્યાં જ પોતાની હસ્તી સ્થગિત કરી દીધી, કારણ કે એના સંબંધોની જેમ, એનો આત્મવિશ્વાસ પણ કદાચ વિસ્મયપૂર્વક પૂછશે :
“તમને? તમને ક્યાંય જોયા હોય એવું તો યાદ આવતું નથી.”
સ્રોત
- પુસ્તક : કથાભારતી ગુજરાતી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 150)
- સંપાદક : યશવંત શુક્લ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા
- વર્ષ : 2000
