અઝીઝ ટંકારવી
Aziz Tankarvi
મહેમાનોના ગયા પછી પણ અભરામ ભગત ખાટલામાં બેઠાં બેઠાં મલકાતા હતા. મનોમન કહેતા હતા. આ વાડી કંઈ આમ ને આમ થોડી ફાલીફૂલી છે અમે બે અને અમારાં ત્રણ, પાંચને, પાંચમાં પુછાતાં કરવા મારા નાકમાં દમ આવી ગયો છે. નથી જોઈ ટાઢ કે તડકો, હેલીનો કાદવ કે કીચડ. ફજરની બાંગ થાય એટલે બળદ ને હળ તૈયાર થઈ જાય. નમાઝ પઢી ઇમરાનની અમ્માએ તૈયાર કરેલી ચા ને જુવારનો રોટલો પતાવું એટલે સીધું આવે ખેતર, ત્યારે બે પાંદડે થવાયું છે.
ખેતરનું તો એવું કે ખેતરમય બની ગયા કે એક શેઢેથી બીજે શેઢે ખેડાવા માંડે, કાળું ભમ્મર મટોડું ઉપર-નીચે થતાં જ મીઠીમધુરી સોડમ મનને તરબતર કરી દે. ચાસ ખેડાતા જાય ને અભરામ ભગત વગડાની ફરફર થતી હવામાં ધીમી હલકે બળદોના ઘૂઘરાના તાલમાં કવ્વાલી કે ભજન લલકારવા લાગે. હા, અભરામ ભગતને ભજનની લગનએમના બાપા તરફથી વારસામાં મળેલી. તેમના ભજનના આશિકો આજેય તેમને યાદ કરે છે. એટલે જ તો લોકો એમને ‘ભગત’ના હુલામણા નામે બોલાવતા. ત્યારથી જ ભગત અટક પડી ગયેલી.
સૂમસામ વગડાના જીવ અભરામ ભગતે ખેતરમાં જાન રેડી એક વરસ તો વીઘે ચાર ક્વિન્ટલની રાશની તુવેર પકવેલી. બીજા ખેતરોમાં દેશી કપાસ, ઘઉં, જુવારનો મબલક પાક તો જુદો. એમની તનતોડ મહેનતને લઈ ત્રણ વરસ ઉપરાછાપરી એકબીજાને ચઢિયાતાં આવ્યાં. બસ ત્યારથી અભરામ ભગતના દી’ ફરી ગયા. અડધે ભાગે જમીન ખેડતા હતા તેને બદલે પોતાની આગવી ચાલીસ વીઘા જમીન કરી.
બાકી ખેડૂતનું તે એવું કે કો’ક વરસ નબળું તો કો’ક વરસ જળરું, નબળાં વરસોમાં ખેડૂત કાં તો જમીન ગીરવે મૂકે, કાંતો બે-પાંચ વીઘાં ફટકારી મારે ત્યારે માંડ બે છેડા મળે.
લોકો કહેતા: અભરામ ભગતના બાપને એક જમાનામાં ખાસ્સી જમીન હતી. પણ એકબીજાને ખાતા વરસો અને બીમારીને લઈ ઘરના ખોરડા સિવાય બધું જ વેચાઈ ગયેલું. પણ દસ વરસમાં તો અભરામ ભગતે પાછું હતું તેથી બમણું કરી દીધું, ને ઉપરથી આ ઉંમરેય રાતી ચણોઠી જેવા.
તે હોય જ ને! મોટો દીકરો ઇમરાન ઇંગ્લેન્ડમાં પાઉન્ડમાં કમાય છે. જ્યારે સફવાન ચાર મહિના પાલેજ જીનમાં કપાસની લે-વેચ કરે, અને બાકીનો સમય ખેતીની દેખભાળ કરે. સૌથી મોટી દીકરી સાહેદાને તો ભગતે વીસમે વસે ઇંગ્લેન્ડ પરણાવી દીધેલી. તેણે જ તો ઈમરાનને બોલાવી લીધેલો. જવાનું તો નાના સફવાનને હતું પણ મોટા ઈમરાનને પાસપોર્ટ તૈયાર હતો તે એનો નંબર લાગી ગયેલો. ઈમરાને જઈને સફવાન માટે ખૂબ ફાંફાં માર્યા, પણ પછી તો એ ય પાણીમાં બેસી ગયો.
અભરામ ભગત ઘણી વાર કહેતા, હવે અલ્લામિયાંનુ તેડું આવે તો ય કોઈ ભો નઈ. મિયાં-બીબી હજ પઢ્યાં, ત્યાંથી ઇમરાને ઇંગ્લેન્ડ બોલાવ્યાં અને એકને બદલે બબ્બે દીકરાની વાડી હરીભરી જોયા પછી કયા અરમાન બાકી હોય! વળી અધૂરું હતું તે સફવાનનો સિદ્દીક પણ દુબઈમાં ગોઠવાઈ ગયો. જે થયું તે સારું થયું, સફવાન અને એની વહુને ઊંડે ઊંડે એવું થયા કરતું’તું કે અમારું લોહી પણ પરદેશ ખેડે. આ એ સિદ્દીકની શાદીની વાત માટે જ તો મહેમાનો આવેલા
મહેમાનો સાથે સિદ્દીકની વાત કરવા આવેલા આદમ પટેલે મહેમાનોને કહેલું. અભરામ ભગતની વાડીમાં શું જોવાનું? પછી નાસ્તામાં ખાતા હતા તે કેરી બતાવતાં કહ્યું, આ કંઈ બજારની કેરી નથી હોં! ભગતના પોતાના આંબાની છે. પછી ધીરથી ભગતને પૂછેલું, ‘ભગત, આ બાગની કેરી કે ગામની તલાવડીવાળા આંબાની?’ અભરામ ભગતે હસતાં હસતાં જ કહેલું, ‘ના, આ તો બાગની કેરી છે. તલાવડીવાળો આંબો તો...!’
ખાટલામાં આડે પડખે થતાં અભરામ ભગત વિચારે ચઢ્યા. આ તલાવડીવાળા આંબાને ઓણસાલ મીઠું, માટી, તથા પસી પરમારને ત્યાંથી ચામડાના ટુકડા લઈ આવીને નાખવા સફવાનને કહેવું પડશે. ત્રણેક મહિના પર કબ્રસ્તાનથી પાછા ફરતાં એ આંબો જોયો ત્યારે કેટલી ઊધઈ થઈ ગઈ હતી. આવીને તરત સફવાનને કહેલું. પણ.. કમાવાની કડાકૂટમાં પડેલી આજકાલની ઔલાદને કશું ભાન જ નહી ને!
અલ્યા, આ એ જ આંબો છે જેણે કુટુંબની લાજ રાખેલી. એ આંબો ઉતારવા શાખ ન ગળી હોય તેના મહિના અગાઉ તો એની કેરીઓની માંગ આવી જાય. પાછી રોકડા પૈસા સાથે વળી વધેલી કેરીનાં તારી મા અધાણાં કરે. ખાંડ નાંખીને છૂંદો કરે ખેતર-શેઢેથી થાક્યા-પાક્યા આવ્યા હોઇ એ ત્યારે બટકું રોટલા સાથે.... એ અથાણાથી જ ઘણી વાર પેટ ભરેલું છે. બાળપણમાં એક વખત હતો કે મને વીંટળાયેલા રહેતા, તેમ આંબાનેય બંને વીંટળાયેલા રહેતા. અને એની કેરી ખાવા માટે બેવ બરાબરના બાઝતા. ઈમરાનનેય એની કેરી ખૂબ મીઠી લાગતી. એટલે જ તે એ ઇંગ્લેંડથી પણ કોઈક સાથે મોકલવા લખ્યા કરે. અને આવે એટલે તલાવડીવાળા આંબે આંટો મારે જ.
આજે હવે એ જ આંબાની માવજત કરતાં મારો બેટો સફવાન કતરાય છે. પાછા કે’ છે, હવે એ આંબો ખખડી ગયો છે. ગમે તેટલું મીઠું, ખાતર નાખો કોઈ ફરક ના પડે.
મેં અને મુસા ઈસપે જોડાજોડ એકસાથે આંબા વાવેલા એને બિચારાને મારા આંબા કરતાં માંડ અડધા ફળ આવે. પહેલા જ વરસે જ્યારે એવું થયું ત્યારે કોઇકે મજાકમાં કહેલું ; ભગત, પંચાયતેથી આંબાની સનદ લઈ લેજો: નહીં તો...
તે વેળા અભરામ ભગતે સાચોસાચ ચોરે જઈને તલાટીને કહેલું. તલાટી સા’બ, મારા તલાવડીવાળા આંબાની સનદ કાઢી આપો ને. પછી તો તલાટીએ મામલતદાર કચેરીએ ટિકિટ ચોંટાડેલી અરજી આપવાનું ને એવું બધું કીધેલું. પછી હસતાં હસતાં એવી ય ધરપત આપી; ‘ભગતકાકા, આંબો તમારો જ છે ને! તલાવડીની પાળેથી કોણ લઈ જવાનું છે?’
સફવાનને કેટલીવાર કહ્યું કે, તું વડોદરા જાય તો ડૉક્ટરને દવા બદલવાનું કે’જે. મહિનાથી ગોળીઓ ગળું છું પણ રૂપિયાભાર પણ ફેર નથી. આજકાલના ડોકટરોથી તો તોબા! સવારની સાત-દસની ક્વીનની ગાડીમાં દવા લેવા વડોદરા ગયેલા તે ઠેઠ પાંચ વાગે લોહી, પેશાબ, ફોટોગ્રાફ બધું પત્યું. છતાંય દરદ તો ઠેરનું ઠેર! વિચારવા લાગ્યા! હવે કોઈ વૈદ-હકીમનું કરવું પડશે.
એટલામાં ટપાલી ઇંગ્લેન્ડની ટપાલ આપી ગયો. ચશ્મો ચઢાવી વાંચ્યું તો ઇમરાન દેશમાં આવે છે. ભગત મનોમન બબડ્યા. એને ભાનબાન છે નંઈ! હવે ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ રહી છે ત્યારે દેશમાં આવે છે. નક્કી એની છોકરી માટે કોઈ સગાઈની વાત હશે? એ બુડથલને કેટલી વાર લખ્યુ કે, તું અને સફવાન બંને ભાઈ જ વેવાઈ બની જાઓ ને! પણ બોલે તો બે ખાય ને! જવાબ આવે ત્યારે એ વાતનો ઉલ્લેખ સુધ્ધાં નંઈ. આજ કાલના બૈરાંથી તો ખુદા ખૈર કરે. કોણ જાણે ગઇસાલ ફરવા આવેલી ઇમરાનની વહુએ ત્યાં જઈને કેવી કાનાફૂંસી કરી તે બંને ભાઈઓ વચ્ચેનું અંતર વધી ગયું. માણસનું ય કેવું કે'વાય! સુખ આવે ત્યારે ચુંટલીઓ ખણે.
ઇમરાન આવે એટલે વાત. મન તો થાય છે બંનેને મારી આંખોની સામે મિલકતના ભાગ વહેંચી આપું. જેથી હું ન હોઉં ત્યારેટ ટંટોફિસાદતો નંઈ. પણ ઇમરાન નહીં માને. કહેશે, મારે ભાગ પાડીને કયાં લઈ જવાનું છે? અલ્યા, એ તો હું ય સમજું છું. પણ બૈરાંનું ભલું પૂછવું. આ ગયા વરસે તને પોંક, કેરીઓ મોકલવાનું પાર્સલ સિદ્દીક બાંધતો હતો ત્યારે નાયલોનની દોરી જોરથી બાંધવાથી એના હાથ ચચરી ઊઠ્યા, ત્યારે ઉંબરના બારણા ઓથે ઊભેલી સિદ્દીકની મા કેવું ધારદાર બોલેલી. બસ, બહુ જોરથી ના બાંધ. આવાં પાર્સલો બાંધી બાંધીને તારા હાથે આંટણ પડી જશે.
ભગતને બોલવાનું તો ઘણું મન થયું કે, આંબો વાવતાં, ઉછેરતાં, મારા હાથ તો નથી દુખ્યા? છતાં એમણે જીભ પર કાબૂ રાખ્યો. કકળાટનું મોઢું કાળું! આમેય સફવાન - એની વહુ એક જ તસ્બીહ પઢ્યા કરે છે કે, તમને તો ઇમરાન બહુ વહાલો છે. અલ્યા, ભોટ લોકો, કઈ આંગળી કાપું તો લોહી ના નીકળે?
આખરે એ દિવસ આવી પહોંચ્યો. યુ.કે.થી આવતાં જ ચોથે દિવસે ઇમરાને ધડાકો કર્યો. બાજી, આ ફેરા મારો વિચાર બધું વહેંચી લેવાનો છે. આંગળીઓના નખ વડે કોઈ પોતાના આંબાના થડની છાલ છોલી રહ્યું હોય એવો ભગતને ભાસ થયો. જમણા હાથે ચશ્માની દાંડી નાક ઉપર ચઢાવતાં થોડી વાર તો એ ઇમરાન તરફ એકીટશે તાકી રહ્યા. એમને થયું, હમણાં ઇમરાન બોલશે: ના બાજી, હું મજાકમાં કહેતો હતો. મારે ભાગ વહેંચીને કયાં લઈ જવાનું છે? મારી પાસે અલ્લાહનું દીધેલું ઘણું છે.
પરંતુ તેને બદલે જુદું જ સાંભળવા મળ્યું: બાજી, મને ખબર છે તમને સફવાન મારા કરતાં વધારે વ્હાલો છે. હું તો રહ્યો દૂર. એટલે તમને એનું જ વધારે લાગે ને! પણ મારે કયાં વધારાનું કશું જોઈએ છે, મારા હકનું તો લઉં કે નહી?
‘કેમ ઘોડે ચઢીને આવ્યો છે?’ પછી સ્વગત બોલ્યા. અભરામ ભગત, તું ય શું અડિયલ ટટ્ટુ જેવું કરે છે? તું જ ઈચ્છતો હતો કે તારી હાજરીમાં બધું વહેંચાઈ જાય ને હવે કેમ ડરે છે? માળું આય અજબ કહેવાય! બે વાસણ ભેગાં થાય ને અથડાય એ તો જાણે બરાબર; પણ આ તો એક પુરબમાં અને બીજો પશ્ચિમમાં રહે છે તા ય...!
પંચ બોલાવાયું. પંચમાં ત્રણ જ જણ. એક ફળિયાના વડીલ હજીકાકા, બીજા છત્રસિંહ દરબાર અને ત્રીજા દૂરના એહમદ ફુઆ. ત્રણમાંથી બેનો તો ફળિયામાં, ગામમાં ભારે વટ. કોઈ એમનો પડ્યો બોલ ન ઉથામે. છતાંય તમાશો ટાળવા ઘરના ઉપલા માળે આગલી પડસાળમાં પંચ ભેગું થયું. ખેતર, વાડી, બીડ, વાસણો, ડોશીના વખતનું સોનું વગેરેની યાદી કરાઈ. એ યાદીમાં સફવાને ગામ બહાર રાખેલા બે પ્લોટને પણ મૂકવા ઇમરાને મમરો મૂક્યો.
સફવાને ના પાડી. એ પ્લોટ મેં મારા દીકરા સિદ્દીકની કમાણીમાંથી લીધા છે, ખેતીની આવકમાંથી નહી. છતાં ઇમરાને જીદ કરી કહ્યું. ‘સિદ્દીકને ખેતીની આવકની રકમમાંથી તે દુબઈ મોકલ્યો ને!
‘એવું તો તું જ્યારે યુ.કે. ગયો ત્યારે બાજીએ પાડાની કાંધ જેવી પારખેત વગાની પાંચ વીઘા જમીન વેચેલી વળી તે ત્યાં બબ્બે મકાનો, ફેક્ટરી ક્યાં નથી કરી? અમે આખું ઘર ખેતીમાં તૂટી મરીએ છીએ. તેંનું કશું નહીં? સફવાને કહ્યું.
‘ફેક્ટરી. ઘરો એમ ને એમ નથી થયાં! અમે બબ્બે જણાએ બરફ, ટાઢ વેઠી અને ફ્રિજનું ગરમ ખાઈને, સંચો સીવી એટલું કર્યું છે. તમારી જેમ ચાકર, કામવાળી રાખી લહેર નથી કરતાં. આ ગઈસાલ મારા બૈરી-છોકરાં દેશમાં આવ્યા ત્યારે, તમે કેટલી ચાકરી કરી તેની મને ખબર છે! ઇમરાને ગુસ્સાભેર કહ્યું.
બીજો કોઈ વખત હોત તો અભરામ ભગત હાથમાં લઈને ફરે છે તે ગેડી ખખડાવીને બંનેને ચૂપ કરી દેત, પણ અત્યારે એ અવાચક બની બધું સાંભળી રહ્યા હતા.
ઇમરાનને અધવચ્ચેથી અટકાવી હાજીકાકાએ, છત્રસિંહ ખખડાવીને કહ્યું, ‘બુદ્ધઓ, લાજો, ભગતે ખૂન-પસીનો એક કરીને તમારું નસીબ આડેનું પાંદડું ખસેડ્યું ને તમે બને ચૂંટીઓ ખણો છો? લોકના ઉંબરે રખડતાંય પાર ન આવત’ એવું ભારપૂર્વક કહ્યા પછી જ વહેંચણી માટેની ગાડી પાટા પર આવી.
ખેતરો, વાડી, બીડ એક પછી એકના સરખે હિસ્સે ભાગ વહેચાવા માંડ્યા. નાની ચમચીથી લઈ કબાટ, જૂનો મજૂસ વગેરેની પણ કિંમત મૂકી વહેંચણી શરૂ થઈ.
નાનો સફાવન ઉંબરા પાસે ટેબલ પર બેઠાં બેઠાં થોડી થોડી વારે અંદરના ખંડ તરફ જોઈ લેતો હતો. જ્યારે ઈમરાન પગ પર પગ ચઢાવી રોથમેન સિગારેટના કસ ખેંચતો ખુરશી પર બેઠો હતો. પોતાના બંને દીકરા આંખો સામે જ બેઠા હતા છતાં આંખોનાં ઝળઝળિયાંને લઈ અભરામ ભગતને બંનેની છબી ઝાંખી જ દેખાઈ રહી હતી.
સફાવનની વહુ ઓઢણીનો થોડોક ઘૂમટો ચહેરા પર તાણી થોડીવારે ચા-પાણી આપવાને બહાને આગલી પડસાળમાં ડોકિયું કરી જતી હતી. ભગતની નજર ઘરના ભેરિયા (અભરાઈ) પર ગઈ. જૂનું ઘર ધીરે ધીરે ખાલી થઈ ગયું હતું. પડસાળની વચ્ચોવચ ભેંસ દોહવાની પિત્તળની પવાલી, દેગડો, તપેલી, સાણસી, કપ-રકાબી અને બારીની ભીંત પાસે દૂર જઈને પડેતી હજીયાણીની છીંકણીની ખાલી ડબ્બી વગેરે ઢગલો થઈને પડ્યું હતું. ભગતને થયું: હજીયાણી આ જોવા જીવતી હોત તો તેય આમ જ...
થોડીક રકઝક, બોલાચાલી છતાં ત્રણ-ચાર કલાકને અંતે બધું વહેંચાઈ ગયું. હાજીકાકા, છત્રસિંહે દરબાર, એહમદ ફુવા વિદાય લેતાં બોલ્યા:
‘અભરામ ભગત, અમે જઈએ ત્યારે...! કંઈક ગરબડ જેવુ લાગે તો બોલાવજો. બધું બરાબર થયું છે ને?’
અભરામ ભગત બારી બહારના સૂના આકાશ તરફ જોવા માંડ્યા. પંચના ત્રણેને થયું ભગતને હવે વધારે બહેરાશ આવી ગઈ એટલે બરાબર સાંભળ્યુ હોય એમ લાગતું નથી પણ, એમને ક્યાંથી ખબર હોય કે ભગત તો કયારનાય તલાવડીવાળા આંબામાં એકાકાર થઈ ગયા હતા. ત્રણે ડોસાથી વિદાય લઈ દાદર ઊતરતાં જોરથી બોલ્યા, ‘લ્યો, આવજો ત્યારે! હવે કંઈ વહેચવાનું બાકી રહે છે?’
એ જ વેળા ભગતને ખાંસીનો વળ ચઢ્યો. પાસે પડેલા ગ્લાસમાંથી બે ઘૂંટ પાણી પીધા પછી ભગત પોતાનામાં પાછા ફરતાં ધીમે સાદે બગડ્યા: તમેય ખરા ભાંજગડિયા! તલાવડીની પાળે પડું પડું થઈ રહેલો સનદ વગરનો આંબો તો હજી વહેંચવાનો બાકી રહી ગયો.
સ્રોત
- પુસ્તક : સનદ વગરનો આંબો (પૃષ્ઠ ક્રમાંક 44)
- સર્જક : અઝીઝ ટંકારવી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1996
