sambhavnaao : ek case fileni - Short Stories | RekhtaGujarati

સંભાવનાઓ : એક કેસ ફાઈલની

sambhavnaao : ek case fileni

દક્ષા સંઘવી દક્ષા સંઘવી
સંભાવનાઓ : એક કેસ ફાઈલની
દક્ષા સંઘવી

એક તો અમારા પ્રભાતભાઈનો કેસ મૂળથી પાંગળો અને એમાંય દેસાઈસાહેબ જેવા દેસાઈસાહેબે હાર સ્વીકારી લીધી પછી કોણ એમાં હાથ નાખે? એટલે તો મારાં સાસુ જ્યારે જ્યારે પ્રભાતભાઈને એટલે કે મારા મોટા દિયરને પરણાવવાની વાત કરે ત્યારે હું તરત વિરોધ કરું. મારો વિરોધ પણ બરાબર હતો. એક તો અમારા પ્રભાતભાઈ મંદબુદ્ધિના. એટલે તો સાત ચોપડીથી આગળ ભણ્યા નહિ; વળી કોઈ કામધંધાની પણ જરા જેટલી સૂઝ નહિ. રખે એવું નહિ માનતા કે પ્રભાતભાઈ કામચોર છે; કામ તો બધું હોંશે હોંશે કરે, પણ બધું કામ વ્યોમને ચાર વખત ચોખવટ કરીને સમજાવવું પડે. તે પછી પણ કામ પૂરે પાધરે પાર પાડે એવી કોઈ ખાતરી તો નહિ જ. એટલે જવાબદારીવાળું કોઈ કામ તો એમને સોંપાય નહિ અને અધૂરામાં પૂરું હોય એમ એક પગે જરા લંઘાય પણ ખરા! હવે તમે કહો, આવા માણસને કન્યા આપે કોણ? માનો કે કન્યા તો એના જોગી મળી જાય, પણ એમનો ઘરસંસાર ચલાવે કોણ? દિવસ આખો લાલામાં રચ્યપચ્યા રહેનાર મારાં સાસુ પાસે તો એનો જવાબ હાજર છે. 'સૌનું ચિંતવનાર લાલો' એનુંય ચિંતવશે. આપણા આટલા મોટા કુટુમ્બમાં એક શું ભારે પડે?'

એકની વાત હોય ત્યાં સુધી તો બધું જાણે કે ઠીક પણ એકના બે થાય પછી બેના ચાર થતાં ક્યાં વાર લાગે છે! અને એમાંય તો પાછા અભણ લાઈન લગાડી દેતાંય વાર નહિ! અને આવી વાતોમાં આવા અબુધો પર તો લાલાની અપરંપાર કૃપા હોય! અને અત્યારે તો સૌ પોતાના એક-બે બાળકોને માંડ સાચવે ત્યાં બીજાના વસ્તારનું કોણ જુએ? પણ મારાં સાસુ પાસે તો એનો જવાબ પણ રોકડો : 'એને એનું રળી ખાવા જેટલી સમજ છે. તો વસ્તારને પાલવવાની સમજ પણ આવી જશે!'

હવે વાતની પણ ચોખવટ કરવી પડશે. અમારા પ્રભાતભાઈ 'એમનું રળી ખાય છે' વાત જેટલી સાચી છે એટલી ખોટી પણ છે. હવે તમને એમ થતું હશે કે બાઈનું ખસી ગયું છે શું? વાત સાચી પણ છે અને ખોટી પણ છે એવું તે કેમ બને? ચાલો, હવે અંદરની વાત પણ ફોડ પાડીને તમને કહી દઉં. આમ તો વાત અમારા ઘરની સાવ અંગત વાત, એટલે આમ સાવ છડેચોક તમને વાત કરું તો 'વહુએ વગોવ્યા મોટા ખોરડા'વાળી વાત સિદ્ધ થાય. પણ આમ જોવા જઈએ તો અતિ અંગત વાત હવે અંગત। રહી નથી. 'આ તમને કહું છું, બીજા કોઈને કહેશો નહિ' એમ કરતાં કરતાં અંગત વાત આખા ગામમાં ફેલાઈ ગઈ છે. અમારા મોટાભાગના જ્ઞાતિજનો પણ 'અંદરની વાત'થી પૂરેપૂરા વાકેફ છે. એટલે હવે આજે વાત તમને પણ કહી દેવામાં કાંઈ વાંધો નથી.

વાત જાણે એમ છે કે મારા વગદાર બૅરિસ્ટર સસરાએ એમની પૂરેપૂરી વગ વાપરીને પ્રભાતભાઈને એક હીરાની પેઢીમાં ગોઠવી દીધાં છે. કામ તો એમને કશું ફાવે નહિ; પણ બેસાડી રાખવાના રૂપિયા ચાર હજાર આપે. હવે તમે પૂછશો કે એમ બેસી રહેવાના ચાર હજાર કોણ આપે? અરે ભલામાણસ! બધું મારે તમને ફોડ પાડીને કહેવાનું? તો સમજી જવાની વાતો! શહેરના ટોચના બૅરિસ્ટર શ્રી દેસાઈસાહેબ એટલે કે મારા સસરા એમનું ઇન્કમટેક્ષ-સેલટેક્ષનું બધું સૂલટાવી આપે, બદલામાં મિત્ર અમારા પ્રભાતભાઈને આસિસ્ટન્ટ મેનેજરની ખુરશી પર બેસાડે. ટૂંકમાં ખુરશી પર બેસી રહેવાના ચાર હજાર મળે અને દુનિયાને પણ કહી શકાય કે પ્રભાતભાઈ એમનું 'રળી ખાય' એટલા સમજદાર છે. તમે કહેશો કે દુનિયા બધું જાણે છે તો નાટક… કરવું પડે ભાઈ, દુનિયા અંદરખાને બધું જાણતી હોય તો પણ આવાં નાટક કરવાં પડે, એનું નામ તો દુનિયાદારી!

જુઓને તમારી ખણખોદેય ક્યાં બંધ થાય છે? તમને થયો સવાલ બધાને થાય કે બૅરિસ્ટર દેસાઈસાહેબની આટલી મોટી કન્સલ્ટિંગ ફર્મ 'દેસાઈ ઍન્ડ દેસાઈ'માં પ્રભાતભાઈ માટે એક ખુરશીની જગ્યા મળે? અરે મારા ભાઈ! એક ખુરશી તો શું આખી ચૅમ્બર આપવી પોસાય. પણ એમ કરવા પાછળ કોઈક કારણ તો હોય ને?

કારણ છે જ, અને એની વાત કરવા જઈ રહી છું. વાત જાણે એમ છે કે માર સસરા એટલે કે બૅરિસ્ટર દેસાઈસાહેબ એમની સાડત્રીસ વર્ષની કારકિર્દીમાં એક પણ કેસ હાર્યા નથી. અહીં આપણે કેસ સાચો કે ખોટો પીંજણમાં નથી પડવાનું; પણ દેસાઈસાહેબને હારવું પસંદ નથી મૂળ મુદ્દાની વાતને બરોબર સમજી લેવાની છે. યેનકેન પ્રકારેણ ગમે તેમ ગમે ત્યાંથી ધાર્યાં કામ કઢાવી લેનાર દેસાઈસાહેબ નિયતિ સામે હારી ગયા છે. એમની બહોળી ઓળખાણો, પ્રખર બુદ્ધિ, વિપુલ સંપત્તિ અને મારાં આસ્થાવાન સાસુનો 'લાલો' પણ પ્રભાતભાઈના કેસમાં કાંઈ કરી શક્યા નથી. હવે પ્રભાતભાઈને પોતાની નજર સામે, પોતાની ફર્મમાં બેસાડવા અને આવનાર દરેકને પોતાના ત્રણ સ્માર્ટ, બૅરિસ્ટર થયેલ પુત્રોની સાથોસાથ અબુધ-અભણ દીકરાનો પણ પરિચય કરાવવો એટલે નિયતિએ આપેલ પછડાટને રોજ યાદ રાખવાની રોજેરોજ પોતાની હારનો સ્વીકાર કરવાનો! વિકટ પરિસ્થિતિથી બચવાનો એકમાત્ર રસ્તો કે પ્રભાતભાઈને બીજે ક્યાંક ગોઠવી દેવાના. પ્રભાતભાઈનું પણ સચવાઈ જાય અને દેસાઈસાહેબના પ્રખર વ્યક્તિત્વને ગ્રહણ લાગતું અટકે.

તમને એમ લાગતું હશે કે મંદબુદ્ધિનો દિયર મને અળખામણો લાગે છે એટલે બધું તમને કહું છું. ના ભાઈ ના, એવી ગેરસમજ કરશો નહિ. દિયર તો મને ત્રણે સરખા વહાલાં. પરણીને આવી ત્યારથી ત્રણેય દિયરની બધી જવાબદારીઓમાંથી સાસુને મુક્ત રાખ્યાં છે. એમાંય મા બની, એટલે કે આશી-આરઝૂના જન્મ પછી તો દિયર દીકરા જેવા લાગ્યા છે. જવા દો, અમારી સ્ત્રીઓની વાત તમને નહિ સમજાય, એક વાર મા બન્યા પછી જગતને જોવાની દૃષ્ટિ બદલાઈ જાય. પણ તોય પ્રભાતભાઈનાં લગ્નની વાત ટાળતી રહી. પાછળનું મુખ્ય કારણ તો કે પારકી દીકરીને આપણે ઘેર લાવીને દુઃખી કરવી એના કરતાં આપણા ઓછી બુદ્ધિના દિયરને આપણે સારી રીતે સાચવી લેવાના.

પણ બધું સાચવી લેવાનું આપણા હાથમાં ઓછું છે? હમણાં પ્રભાતભાઈનું બદલાયેલું વર્તન જોઈને મનેય એમ થઈ ગયું કે હવે પ્રભાતભાઈને પરણાવવા તો પડશે જ. હવે જે વાત કરું છું ધ્યાનથી સાંભળજો.

મારે પતિ ચારેય ભાઈઓમાં સૌથી મોટા, પ્રભાતભાઈ એમનાથી સાત વર્ષે નાના અને ત્યાર પછી બે-બે વર્ષના અંતરે નાના બે દિયર. હવે પ્રભાતભાઈનું ગોઠવાય ગોઠવાય પણ નાના બેને તો પરણાવવા પડે. ઘરની મોટી વહુ તરીકે મેં દીકરાઓની જેમ બન્ને દિયરોને પરણાવ્યા. નાના દિયરને પરણાવ્યા એટલે મને લાગ્યું કે હવે પરવાર્યા; કારણ કે પ્રભાતભાઈનો કેસ તો મૂળથી ખોટો, અને મારા મનથી તો ફાઈલ અભેરાઈ પર ચડી ગઈ હતી. પણ ખરું કમઠાણ હવે શરૂ થયું. નાના દિયરના લગ્ન પછી પ્રભાતભાઈનું વર્તન બદલાઈ ગયું હતું. સદા નીચી મૂંડીએ ચાલનાર પ્રભાતભાઈ હવે નાના ભાઈઓના રૂમના બંધ દરવાજા સામે તાકી રહેતા. નાની દેરાણી એના પતિને વળાવવા દરવાજા સુધી જાય ત્યારે પ્રભાતભાઈ એમની પાછળ પાછળ જાય અને બંનેને ટીકી-ટીકીને જોયા કરે. નાનીએ બાબતે મને ફરિયાદ પણ કરી હતી, એનો અણગમો દેખીતો હતો; પણ આમાં શું થઈ શકે? પોતાના હોય એને નભાવ્યે છૂટકો. એક-બે વખત તો કપડાં સુકાતાં હોય ત્યાં જઈને સુંવાળી સાડીઓ પર કોમળતાથી હાથ ફેરવતા મેં પોતે એમને જોયા. વખતે એમની આંખમાંથી ડોકાતી લાલસા અને લાચારી જોઈ મને કંઈકનું કંઈ થઈ ગયું. મારું મન ચક્રાવે ચડી ગયું.

માણસની બુદ્ધિ ભલે અધૂરી હોય, પણ શરીર તો સંપૂર્ણ હતું! એક પુરુષનું સંપૂર્ણ શરીર જે કાંઈ માગે તે એમનામાં પણ જાગતું જતું દેખાતું હતું. ચિનગારી આગનું સ્વરૂપ લે પહેલાં હવે પ્રભાતભાઈને પરણાવી દેવા જોઈએ એમ મને સ્પષ્ટ લાગતું હતું. મેં બાબતે મારા સસરા સાથે વાત કરવા પ્રયત્ન કર્યો, પણ દેસાઈસાહેબને હારી ગયેલા કેસ અંગેની કોઈ ચર્ચામાં રસ નહોતો. આખરે મેં દિશામાં પ્રયાસો હાથ ધર્યા. એક એમનાથીયે અબુધ એવી સાધારણ ઘરની કન્યા હતી. હવે દેસાઈસાહેબ તો એવા ઊતરતા ઘરમાં પગ મૂકે, એટલે હું પ્રભાતભાઈને લઈને કન્યા જોવા ગઈ. બંને અબુધો તો એમનાં લગ્ન થવાનાં છે વાતથી ખુશ હતાં એકબીજા સામે ચકળવકળ આંખે જોઈને હસતાં હતાં. હવે આમાં મારેય ક્યાં કાંઈ જોવાપણું હતું! લાકડે માંકડું વળગાડવાનું હતું!

પંદરવીસ દિવસમાં દેસાઈસાહેબ સિવાયના થોડાંક પરિવારજનોની હાજરીમાં બંનેનાં લગ્ન લેવાયાં. લગ્ન કરવાનો તો બંનેને જાણે ભારે ઉત્સાહ! વરની આંખોમાં ધૈર્ય નહિ અને કન્યાની આંખોમાં શરમ નહિ! ફેરા તો એવા ઝડપથી ફર્યા કે સૌ મોં દાબી હસતાં રહ્યાં. વખતે તો મને વાત બહુ ખટકી હતી, પણ અત્યારે યાદ કરું છું તો કોઈ નાનકડા બાળકને ગમતું રમકડું મળે ને જેવો આનંદ અનુભવે તેવો નિર્દોષ આનંદ તે વખતે બંનેની આંખોમાં હતો. વિવાહ સંપન્ન થયે અમે ઘેર આવ્યા. સૌ વડીલોને પગે લાગ્યા પછી કોઈનાય કહ્યાની રાહ જોયા વિના કોઈની જરા સરખી આમન્યા રાખ્યા વિના પ્રભાતભાઈ વહુને લઈને પોતાના રૂમમાં ઘૂસી ગયા. જોઈ નાની દેરાણીએ તરત ઉપાલંભ કર્યો - 'બંનેને અકરાંતિયાં ભેગાં થયાં છે, કોણ જાણો શુંય થશે!'

દેરાણીઓને દીકરીઓ જેમ રાખનાર - કદી હરફ સરખો કહેનાર મેં એને ટોકતાં કહ્યું 'ગમે તેવાં છે, તમારાં જેઠ-જેઠાણી છે; આમન્યામાં રહો તો સારું.' નાની તો તરત ચૂપ થઈ ગઈ. પણ ક્યાં સુધી હું આમ બધાને ચૂપ કરતી રહું!

હવે વહુ આવતાં પ્રભાતભાઈનો કેસ વધારે ગૂંચવાશે એમ લાગતું હતું. ઘેલા તો હતા જ, હવે વહુઘેલા થયા! અને અમારાં વહુ પણ એવા જ. શું બોલવું શું નહિ, બોલતા પહેલાં જરા વિચારવું એવી સમજ તો અબુધોમાં હતી ક્યાં? લગ્નના બે-પાંચ દિવસ પછીની વાત કરું. અમે ચારેય દેરાણી-જેઠાણી બેઠાં હતાં. મારી આશી પણ ત્યાં આવીને બેઠી. અચાનક વાતવાતમાં એણે નવાં કાકીને પૂછ્યું 'કાકી, તમને અહીં ગમે છે?' નવાં કાકી તરફથી ભફ કરતોકને જવાબ આવ્યો 'રાતે ગમે છે, દિવસે નથી ગમતું.' બન્ને નાની દેરાણીઓ તો જે હસે! મારે તો હસવું કે રડવું? આમાં હું કોને ઠપકો આપું? નવપરિણીતા કોઈ છોછ વિના આમ બધાંની વચ્ચે રાતે ગમવાની વાત કરે તો સૌ હસવાનાં હોયને! અને બંન્ને અબુધો તો સાચ્ચે જાણે કે રાતની રાહ જોતાં હોય! કદાચ દેહની નિકટતાથી અનુભવાતી આત્મીયતા હૂંફનો અનુભવ એનું કારણ હશે. અબુધોને તો એવી હૂંફનો અનુભવ બીજે ક્યાં થયો હોય! ડાહ્યા પરિવારજનોએ તો હંમેશાં 'અબુધ' કહી અવહેલના કરી હોય અથવા 'બિચારા' કહી દયા ખાધી હોય! આવાઓને સંભાળનાર તો મળી રહે પણ પોતાના જાણી પ્રેમ કરનાર કોણ મળે? એટલે કદાચ સંબંધમાં બેઉ પરસ્પરની સ્વીકૃતિનો આનંદ પણ મેળવતાં હશે!

ખેર, જે હોય તે! આપણે તો બધું સ્વીકારવાનું હતું. અબુધો પાસેથી બીજી અપેક્ષાયે શું રાખીએ? જોકે નવાં દેરણી કામ કરવા તત્પર. ચીંધીએ તેટલું ચુપચાપ ચોકસાઈથી કર્યા કરે. કામની ચીવટ-ચોખ્ખાઈ પણ ઊડીને આંખે વળગે એવી, પણ આની આંગળીઓ થોડી વાંકી એટલે તપેલાં ઉતારવાનું કે સાણસી વડે કાંઈ પકડવાનું તો આને સોંપાય નહિ.

જોકે હમણાં હમણાંથી બંને જાણે બદલાયેલાં લાગતાં હતાં. ચકળવકળ આંખોમાં ગંભીરતાએ સ્થાન લીધું હતું. પ્રભાતભાઈ પણ હવે સાંજે આવીને રૂમ તરફ જવાને બદલે પરિવારજનોની વાતચીતમાં જોડાતાં. સવારમાં જતી વખતે કદીક મને પગે લાગીને જાય, કદીક ધીમું ધીમું કાંઈ ગણગણતા હોય. તમનેય થશે કે સાવ હારી ગયા હતા તે કેસમાં નવો ફણગો વળી ક્યાંથી ફૂટ્યો? હું પણ અણધાર્યા ફેરફારોથી મૂંઝવણ અનુભવતી હતી. આખરે મારાથી રહેવાયું નહિ. એક દિવસ નાની બંને શોપિંગ પર ગઈ હતી ત્યારે પ્રભાતભાઈને મારા રૂમમાં બોલાવીને પૂછી નાખ્યું 'શું વાત છે? તમે બંને ખૂબ બદલાયેલાં લાગો છો?'

જવાબમાં પ્રભાતભાઈ રીતસર મારાં બંને હાથ પકડીને મને એમના રૂમમાં ખેંચી ગયા. જઈને જોઉં તો મારો વિસ્મયનો પાર નહિ. એમના રૂમની દીવાલો પર પશુ-પંખીના બચ્ચા, ઢીંગલા-ઢીંગલી અને કાર્ટૂન-ચિત્રો બનાવેલાં હતાં. અલબત્ત આશી-આરઝૂના પોસ્ટલ કલરથી જ; પણ આટલા આબેહૂબ ચિત્રો આશી-આરઝૂએ તો બનાવ્યાં હોય. મારા મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યા - 'અરે વાહ! આટલાં સરસ ચિત્રો કોણે બનાવ્યાં?' પછી મેં પ્રશ્નાર્થ નજરે બંને અબુધો સામે જોયું. શું? પ્રભાતભાઈના ચહેરા પર દુનિયા આખીની મિરાત મળી ગઈ હોય એવો આનંદનો ઉજાસી ધોધ અને મારાં અબુધ દેરાણીની આંખો પહેલી વાર… પહેલી વાર મારાં અબુધ દેરાણીની આંખો શરમના ભારથી ઝૂકેલી અને ચહેરા પર મોનાલિસા જેવા સુંદર રહસ્યને ગોપવી બેઠેલું સ્મિત. એક પળ તો મને કાંઈ સમજાયું નહિ; પણ બીજી પળે...

ઓહ! તો આમ વાત હતી. અમ ડાહ્યાઓ પાસે આવી સુંદર અભિવ્યક્તિ હતી ખરી? આવનાર બાળકના સ્વાગત માટે કેવી તૈયારી અને ઉત્સાહ! હું પણ એવા ઉત્સાહથી બંનેને ભેટી પડી, પણ બીજી પળે નવા ફૂટતા અંકુરની સાથોસાથ ઊગી નીકળેલો કાંટો જાણે મારા હૃદયમાં ઊગ્યો હોય એમ કશુંક ભોંકાવા લાગ્યું. બંને જણા બાળકને સાચવશે કેવી રીતે? અને વળી જેની વાંકી આંગળીઓ એક નાનકડી વસ્તુને પણ બરાબર નથી પકડી શકતી બાળકને હાથમાં લે અને કરે નારાયણ ને બાળક હાથમાંથી સરકી જાય તો કુમળું ફૂલ… હે ભગવાન! શું થવા બેઠું છે?

ત્યાં પ્રભાતભાઈના અવાજે મારી તંદ્રા તોડી 'ભાભી, હવે તમારી દેરાણી તમારે હવાલે, તમે કહેશો તેમ કરશે, તમારે બધું શીખવવાનું.' પછી તો અબુધ દેરાણી નવરાં પડે કે મારી પાસે આવી જાય - 'ભાભી, હવે શું કરું?' હવે અધૂરા માણસને શું કામ સોંપાય. પણ તો અલાદિનના જિનની જેમ ખસે નહિ! હવે બેજીવસોતીને તો એમ પણ કહેવાય કે કામ હોય તો દાદરા ચડો ને ઊતરો! આખરે બલાથી છૂટકારો મેળવવા હું એને મારી લાઇબ્રેરીમાં લઈ ગઈ અને એને વાંચવા સરળ પડે એવા બાળકોના પુસ્તકોનો વિભાગ બતાવીને કહ્યું 'જ્યારે કંઈ કામ હોય ત્યારે પુસ્તકો વાંચ્યા કરવાનાં.' મેં તો જિનથી છુટકારો મેળવવા કર્યું, પછી એણે પુસ્તક વાંચ્યા કે નહિ જાણવાની મને ક્યાં કશી દરકાર હતી.

પૂરા દિવસે અમારાં અબુધ વહુએ સંપૂર્ણ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. નિયતિની અવળચંડાઈ તો જુઓ! ત્રણ બૅરિસ્ટર પુત્રને ત્યાં દીકરીઓ દીકરીઓ અને અબુધ એવા પ્રભાતભાઈને ત્યાં બૅરિસ્ટર દેસાઈસાહેબનો વંશ આગળ ચલાવનાર કુળદીપક. કોઈનીય સામે નહિ હારનાર દેસાઈસાહેબ વિધિની ચાલ સામે તો મહાત થઈ જાયને!

પણ મારી તો હવે ઊંઘ હરામ થઈ ગઈ હતી. રાતના લાલાનો જરી રડવાનો અવાજ આવે ને મારી ઊંઘ ઊડી જાય. ક્યાંક અબુધ એને પડખાભેર લઈને ઊંઘી જાય અને બિચારું બાળક એની માના ભારથી દબાઈને ગૂંગળાઈ મરે તો? અરે! હું આવી ગંભીર વાત કરું છું ને તમને હસવું આવે છે? આવું પણ બનતું હોય છે ઘણી વાર!

પછી તો રાતમાં પ્રભાતભાઈના ઓરડામાં જરા સરખો ખખડાટ થાય તો મને ફાળ પડે કે જરૂર વાંકી આંગળીઓવાળીના હાથમાંથી બાળક પડી ગયું હશે! હું દોડીને એમના રૂમ સુધી જાઉં; પણ એમ અંદર તો કેમ જવાય? હું એમ ને એમ રઘવાટભરી દોટ મૂકી મારાં સાસુના રૂમમાં જોઉં તો પણ એમના 'લાલા'ના પારણાની ચાંદીની દોરી આંગળીએ વીંટાળી નિરાંતે સૂતાં હોય. હું અભાગણી, તે રાત આખી ઉજાગરે કાઢું.

પણ બાળકે તો આવીને જાણે ચમત્કાર સર્જ્યો છે. એના દૂધની બૉટલ ભરતી વખતે એની માના હાથમાંથી એકેય વખત સાણસી છટકી નથી. બૉટલ ફૂટી નથી, કે દૂધ ઢોળાયું નથી. વાંકી આંગળીઓમાં ચેતન આવ્યું તે ચમત્કાર નહિ તો બીજું શું? અને અમારાં અબુધ વહુની સૂઝ અને સ્ફૂર્તિ તો જુઓ. બાળકને જાતે માલીશ કરે, નવરાવે. એના ઘસારા પાવાના ટાઈમ, દૂધના ટાઈમ બધું ચીવટપૂર્વક જાળવે. મહિનાનો થયો ત્યાં સુધી શું શું આપવું એનું તો જાણે ટાઈમટેબલ અને પણ એટલું સુંદર રીતે કરે જાણે બાળઉછેરની રીતસરની તાલીમ લીધી હોય! આવી સારસંભાળ તો અમે ત્રણેય ભણેલી મમ્મીઓએ પણ ક્યાં લીધી હતી! અને પ્રભાતભાઈને તો જુઓ; મઝાના હાલરડાં ગાતા ગાતા લાલુને સુવડાવે. અને લાલુ જાગતો હોય તો ભાતભાતના ચહેરા બનાવી અવનવા અવાજ કાઢીને એને હસાવે.

મારા આશ્ચર્ય અવધિ તો ત્યારે આવી જ્યારે પ્રભાતભાઈ લાલુ માટે ઢગલાબંધ રમકડાં અને સાથે મારે માટે એક સાડી લઈ આવ્યા. એમની પાસે આટલા બધા રૂપિયા આવે ક્યાંથી? ઉછીના તો કોઈ એમને આપે નહિ, ડાહ્યા માણસો તો એમ સમજે કે અબુધોને વળી પૈસાની શી જરૂર! એટલે તો એમના પગારના ચાર હજાર તો એમના બેંક એકાઉન્ટમાં જમા થતા અને ચેકબુક દેસાઈસાહેબના લોકરમાં હોય. અબુધોને પેટ ભરવા સિવાયની બીજી જરૂરતો પણ હોય એવું વિચારવાની તો ડાહ્યાઓને ફુરસદ ક્યાંથી હોય! પણ પછી બધું ખરીદવાના પૈસા પ્રભાતભાઈ પાસે આવ્યા ક્યાંથી? પાછી મારી તો રાતભરની ઊંઘ હરામ! બીજા દિવસે સવારે તો મેં રીતસરનો એમનો પીછો કર્યો. પ્રભાતભાઈ પેઈન્ટરની નાનકડી કૅબિનમાં ગયા. હું પણ એમની પાછળ જ. મારા તરફ ધ્યાન જતાં તરત એમણે કૅબિનના માલિક સાથે મારો પરિચય કરાવ્યો. કૅબિનવાળો કહેતો હતો 'પ્રભાતભાઈ સરસ પેઈન્ટિંગ કરે છે. એના લીધે મને ડબલ કામ મળે છે.' મેં પ્રભાતભાઈને પૂછ્યું 'તમને આમ નોકરી કરવાની શી જરૂર પડી?' હવે અમારા પ્રભાતભાઈનો જવાબ સાંભળજો 'જે દિવસે લાલુ સમજણો થાય અને મને પૂછે કે પપ્પા, તમે ઑફિસમાં શું કામ કરો છો? ત્યારે મારે જુઠ્ઠું બોલવું? અને એને ખબર પડે કે એના પપ્પાને ફક્ત બેસી રહેવાનો પગાર મળે છે તો એને કેવું લાગે? તો એમ ધારે ને કે એનો બાપ કોઈ કામને લાયક નથી. બીજું તો કંઈ કામ મને ફાવે નહિ એટલે કામ કરું છું. કામ પ્રમાણે પાંચ-છ હજાર મળી રહે છે.'

હું તો સ્તબ્ધ રહી ગઈ. એક નાનકડા બાળકને 'વ્યક્તિ' તરીકેનો દરજ્જો આપી એની ભાવનાઓનો ખ્યાલ રાખે એનાથી વધારે જવાબદાર પિતા કોને કહેવાય? તમને તે દિવસની મારા મનની લાગણીઓની વાત કરું તો દિવસે મારા અબુધ દિયરના માટે મેં જે ગૌરવ અનુભવ્યું તેવું ગૌરવ તો લાખોના કારોબાર કરનાર મારા બૅરિસ્ટર પતિ વિશે પણ નથી અનુભવ્યું!

આમ તો હવે બધું સુપેરે ચાલતું હતું, પણ તોય હજી એક કીડો મને કોરી ખાતો હતો. લાલો હજી નાનો હતો. બંને અબુધો ઉતાવળ કરી બેસે અને બીજું બાળક આવી જાય તો? મેં મારા દેરાણીને બોલાવી જ્યાં વાતની જરાક શરૂઆત કરી ત્યાં તે મીઠું હસીને મારો હાથ પકડી એના રૂમ તરફ ખેંચી ગઈ. વખતે તો હું ગભરાઈ ગઈ. અબુધ એના રૂમમાં લઈ જઈને ક્યાંક સંતતિનિયમનનાં સાધનો તો નહિ બતાવેને! પણ એણે તો રૂમમાં અલગ અલગ ગોઠવેલાં બેડ બતાવ્યાં. એટલે કે અબુધો, જેમને લગ્નની પ્રથમ રાત્રિએ 'અકરાંતિયાં'નું બિરુદ મળ્યું હતું; તેઓ સંયમિત જીવન સ્વીકારીને બીજા બાળકનું આગમન ટાળતાં હતાં. હવે આને વિશે ડાહ્યાઓ શું કહેશે?

હવે આજે જ્યારે હું માંડીને બધી વાત કરવા બેઠી છું તો એક પ્રસંગ તમને જરૂર કહીશ. બન્યું એવું કે સાસુમાની જપપોથી ખોવાઈ ગઈ. જપપોથી એટલે નામસ્મરણ આંકડાકીય નોંધ. દરેક પાને હજાર ખાનાં હોય. નામસ્મરણ કરતાં જાય અને ખાનું ભરતા જાય. સહસ્રનામ જપાય એટલે એક પાનું પૂરું થાય. સાસુમાને રોજ સવારે સહસ્રનામ થાય પછી અન્નજળ લેવાનો નિયમ. હવે જપપોથી વિના નામસ્મરણ કેવી રીતે એટલે સૌ હાંફળાફાંફળા થઈ પોથી મોંમાં શોધવા લાગ્યાં. હવે પોથી મળે નહિ ત્યાં સુધી સાસુ અન્નનો દાણો સુદ્ધાં મોંમાં નાખે નહિ. બધાંએ ખૂબ સમજાવી જોયું પણ માજી તો હઠે ચડી ગયાં હતાં, ટસના મસ પણ શાનાં થાય? અમારાં અબુધ વહુને ખબર પડી : મને કહે 'ભાભી, હું બાને સમજાવી જોઉં?' હવે તમે કહો ભલભલાના હાથ પડ્યા - દેસાઈસાહેબ જેવા દેસાઈસાહેબનો ગજ વાગે ત્યાં આનું બાયડીનું શું ગજુ અને આને વાતોની ઝાઝી ગતાગમેય ક્યાં હતી? પણ હું હજી કંઈ જવાબ આપું પહેલાં શાંતિથી બા પાસે બેસીને બાનો હાથ પોતાના હાથમાં લઈ વિવેકપૂર્વક ધીરે ધીરે કહેવા લાગી 'જુઓ બા, કાગડો પાણીના કુંજામાં કાંકરા ગણીને નાખે કે વગર નાખે; પાણી તો ઉપર આવવાનું છેને!' બસ એક વાક્યમાં બા બધું સમજી ગયાં, પોથી વિના ગણતરી વિના નામસ્મરણ કરી પ્રસાદ-પંચામૃત લઈ લીધુ.

પણ હવે અવાચક થવાનો વારો મારો હતો. તરસ્યા કાગડાની કથામાંથી ચતુરાઈનો બોધ લીધો, મહેનતનો બોધ લીધો; પણ કથામાં રહેલ ગૂઢ-માર્મિક વાત ડાહ્યાઓને કે કદાચ મોટા જ્ઞાની-વિદ્વાનોને પણ નહિ સમજાઈ હોય અને વાત મારાં અબુધ દેરાણીએ કેવી સહજ રીતે સમજાવી દીધી.

હવે કેસમાં આટલો મોટો વળાંક આવે અને કોઈને દેખાય એવું બને. પ્રભાતભાઈની માણસમાંય ગણતરી કરનાર દેર-દેરાણીઓ હવે એમનો પૂરતો આદર કરે છે. બા તો બધાંથી પર જ, ભલાં ને એમની સેવા ભલી; અને દેસાઈસાહેબ, એમની વાત જવા દો, પોતે હારીને જે કેસ ફાઈલ અભેરાઈ પર ચડાવી દીધી હતી ફાઈલ ફરી ખૂલે... એમની નજર બહાર રહી ગયેલી સંભાવનાઓ દેખાય... સ્વીકારવું એમના સ્વભાવમાં છે ક્યાં!!

સ્રોત

  • પુસ્તક : ધરાથી આભ સુધી (પૃષ્ઠ ક્રમાંક 155)
  • સંપાદક : પારુલ કંદર્પ દેસાઈ
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2017