ચિંતન શેલત
Chintan Shelat
જો એમાં એમ છે કે, એક કપલ છે. હમણાં રેવા અને નર્મદાશંકર એવાં નામ છે. એટલે ઉંમરવાળાં છે. જો ને એમનાં લગન, કટોકટી ચાલતી’તીને? ત્યારે થયેલાં. તે વખતે નર્મદાશંકરને લગભગ, 29-30ની આજુબાજુ થયા હશે, અને રેવાનેય તે 28-29 જેવા જ.
હવે એમાં શું હતું કે, એક તો આ નર્મદાશંકરને પહેલેથી સમાજસેવાની બહુ ચડેલી. દેશ માટે જીવન સમર્પિત કરવાનું ને એવું બધું. હવે ઘરમાં એકનો એક દીકરો એટલે બાપાએ થોડી ઢીલ આપેલી. એટલે આટલી ઉંમર થયે પણ લગન બાકી હતા. ને પાછું આપણું પેલું નવ નિર્માણમાં તો ભાઈ માથું છુંદાઈને પણ આવેલા. તે ડોસીએ જે રાડારોડ કરેલી! ને એટલામાં આ કટોકટી આવી. તે ફરી પાછાં છમકલાં થાય અને ફરી કંઈ વધુ થાય તે પહેલા જ ડોસીએ ગમે તેમ મારો દીકરો, એકનો એક, ને ખોટનો ને એવું બધું કરી ડોસાને પટાઈ લીધા, ને લગન બંધ બારણે લેવાઈ ગયા, રેવા સાથે.
રેવાનેય તે એની મા સાવ ગાંડા જેવી જ થઈ ગયેલી તે, એનાં ડોસાને એવી તે ક્યાં ખબર પડે કે છોકરી મોટી થઈ હવે પરણાવો!
ગાંડી એટલે સાવ એવી નંઈ, પોતાનું કામ, ને ઘરનું બધું ય કામ કરે, હરે ફરે બધુંય પણ મડદાંની માફક, એટલે એ તો આઘાત લાગ્યો હોય તો પછી આવું થાય જ ને! એમાં શું હતું કે, રેવા તો એકની એક હતી, તે ત્યાં લગી કે માને બહુ પાછલી ઉંમરે દીકરો આયો. ત્યાં લગી તો બધી છૂટ સાથે રેવા ઉછરેલી. પણ મોડો-મોડોય દીકરો આયો એટલે પાછા, તું છોકરી છે ને છોકરીની જેમ રહો ને એ બધું ચાલું થઈ ગયેલું. તે એક દિવસ પાંચેક વર્ષનો હશે નાનકો, ને પડોશમાં રમતાં રમતાં ટાંકામાં પડીને મરી ગયો. ફસડાઈ ગયેલી માનાં ખોળે ખાલી જગ્યા જોઈ રેવા દોડી ગયેલી પણ તરત જ માએ અળગી કરી નાખેલી. બસ એ દિવસથી આવું ને આવું.
તે પછી સગામાં કો’કે મોડી-મોડી પણ ટકોર કરી હશે કે નર્મદાશંકર જોડે ગોઠવી દીધું.
રેવાને તો જામી ગયું નર્મદાશંકર જોડે, એના સ્વતંત્ર મિજાજ જોડે, એટલે જ્યાં જ્યાં નર્મદાશંકર જાય રેવા જોડેને જોડે. કટોકટી પતી, નવી સરકાર, નર્મદાશંકર જેવાનાં હવે દેશ ક્યાંનો ક્યાં પહોંચી જશે ને એવાં બધાં સપનાઓ બહુ ટક્યા નહીં. ને ત્રીજી સરકાર, ને એ હજી માંડ પડખુંય ફરે તે પહેલાં પાછી ઇંદિરા ગાંધી આવી ગઈ.
હવે નર્મદાશંકરને તો શું કરવું શું ના કરવું થઈ ગયું. આ બધાં રાજકીય નાટકોમાં કોણ સાચું ને કોણ ખોટું? તે પછી એણે એમ નક્કી જ કર્યું કે હવે પોતાનાથી જે થઈ શકે તે કરવું અને પહેલો ઠરાવ એણે રેવાની સંમતિથી કર્યો કે આપણા દેશની તકલીફ એ વસતિ છે, માટે આપણે એકેય સંતાન નહીં કરીએ. પછી ગયાય ખરા ડોક્ટર પાસે. ઓપરેશન કરાવવા. ડોક્ટર કહે કે ભઈ કંઈ પણ આવું ફાઈનલ ડિસિઝન લઈ લો એનાં કરતાં, આ એક આંકડી છે, કોપર ટી, એ જ નંખાવી દો. 90 ટકા કારગર છે, અને પછી ભવિષ્યમાં જો વિચાર બદલાય તો કઢાવી નાખવાની!
આ ભઈએ રેવાની સામું જોઈ હા પાડી દીધી, ને ઘેર આવ્યાં. ને ચાલ્યું એમનું. રોજનું. શેરી નાટકો, સંસ્થાઓ ને ભાષણો, વગેરે વગેરે. સમય ક્યાં ગયો ને રેવા 36-36ની થઈ ગઈ. જે કોઈ દિવસ ના દેખાય તે દેખાવા માંડ્યું. સોસાયટીમાં ને બહાર બધે, નાનાં બાળકો પર નજર જાય. પેલા વાર્તાકારો લખે ને, કે માતૃત્વ માથું ઊંચકવા માંડ્યું ને એવું બધું! તે બધું ધીમે-ધીમે વધવા માંડ્યું ને એનાંથી સહન થાય નંઈ. નર્મદાશંકરને કહે નંઈ. તે કહ્યું જ્યોતિને.
જ્યોતિ બાજુમાં જ રહે. રેવાથી તો એ બહુ ઇમ્પ્રેસ, ને એથીય વધારે તો નર્મદાશંકરથી, પોતાનો પતિ પોતાને ક્યાં આટલી છૂટ આપે છે! એટલે જેટલું જ્યોતિ આ રેવા જોડે રહે વાત કરે ને એટલું જ્યોતિને એમ થાય કે એ બહારની દુનિયાના ટચમાં છે. એને પોતાને કંઈ આમ ઇમ્પોર્ટન્સ મળ્યા જેવું લાગે. એટલે રેવા-જ્યોતિનું ચાલે.
હવે જે રેવા સામે પોતે હંમેશાં ઊંચું જોતી’તી આજે એ જ રેવા પોતાનું દુઃખ રડે તો તો જ્યોતિને તો અબઘડી ઇલાજ કરાવાનું મન થાય જ ને! ને તરત જ, ઉપાય પણ શોધી કાઢ્યો ને રેવાને લઈ એ પોતાનાં કો’ક દૂરનાં સંબંધમાં થતી લેડી-ડૉક્ટર પાસે લઈ ગઈ.
એંશીનો દશક ઠીક ઠીક ચડી ગયેલો.. પેલી ડોક્ટર પણ જાણે પોતે સ્ત્રી હોવા છતાંય ડોક્ટર છે ને, ફાંકામાં ને ફાંકામાં, રેવાને તાત્કાલિક આંકડી કઢાવી નંખાવા કહ્યું, છે કોણ તમારા પતિ તમારા જીવન વિશે નિર્ણય લેવાવાળા? આવી તડ ફડ સામે જ્યોતિ તો ઝીણી કીકીએ જોઈ જ રહી, ને રેવાએ મૂંઝવણમાં જ આંકડી કઢાવી નાખી.
ઘરે આવીને કહું કહું થાય પણ એમ તો વાર્તા પતે?
આ વાતનેય એક વર્ષ વીતી ગયું. નર્મદાશંકર જોડે રેવાનું જવાનું ઓછું થઈને સાવ બંધ જેવું જ થઈ ગયેલું. જ્યોતિ સાથે બેસવાનું વધુ. પછી રોજ રોજની અકળામણમાં પોતાને જ્યારે ખબર પડી કે પોતે પ્રેગ્નેન્ટ છે તો આંચકો વધુ લાગેલો. પણ હવે? નર્મદાશંકરને કહેવું શું?
હવે સાચું કહેવા જેટલા સ્વાભિમાન ઉપર, બીક ચડી બેસેલી. તે જ્યોતિ સાથે નક્કી કરેલું તેમ જ, નર્મદાશંકરને કહી દીધું, ડૉક્ટરને બતાવ્યું કહ્યું કે હું પ્રેગ્નેન્ટ છું ને એમણે સલાહ આપેલી કે આંકડી કઢાવી નાખો એટલે મેં કઢાવી નાંખી.
પણ હવે નર્મદાશંકર શું કહેશે?
ભઈ તો ઉપરથી ખુશ થયા, નર્મદાશંકરએ તો નક્કી પણ કરી દીધું કે જો દીકરી આવી તો સમાજમાં ઉદાહરણ પૂરું પડે એ રીતે દીકરીને ઉછેરીશું, અને જો દીકરો આવ્યો તે એને પણ એક જવાબદાર નાગરિક બનાવીશું અને એ આપણું આ કામ આગળ વધારશે.
ચલો પત્યું!
તે પછી 8 મહિને ને સાડા ત્રણ અઠવાડિયે, કિશોરનો જન્મ. સગુંવહાલું જેને પણ કાને કિશોરનું નામ જાય કે તરત જ પાછળ બીજી વાત પડછાયા માફક જાય. ‘હું તો આંકડી પેરતી’તી, આ તો અનાયાસ જ, ભગવાની કૃપા હોં, એની લીલા!’
તે પછી આ ભગવાનની લીલાય 28-29 વર્ષની ઢાંઢી થઈ. એટલે 2008ની આસ-પાસ! ખરું? લીલા ભગવાનની; પણ અદ્દલ કોપી નર્મદાશંકરની.
તે આ લગભગ 3 દાયકા નર્મદાશંકરે તો આ ત્રણ જણનું પૂરું પાડવામાં જ ખરચી નાખ્યા ને રેવા તો જાણે એની ભજન-મંડળીની સ્ટાર બની ગયેલી. ને કિશોર, જાણે જુવાન નર્મદાશંકર! એનેય સમાજ સેવાની ચડેલી. પણ એનું કંકલુઝન જરા જુદું હતું. એનો વિચાર એમ છે કે આપણો પ્રોબલેમ ‘વસતિ’ નથી પણ ‘ઘડતરનો અભાવ’ છે. વસતિ તો ઉપયોગમાં લઈ શકશે, પણ અણઘડ કે ઠોઠ વસતિ શા કામની? એટલે એણે એક એનજીઓમાં જોડાઈને ભણાવવાનું કામ ચાલું કરી દીધું. એટલે પછી એને લગતું બધુંય પ્રૌઢશિક્ષણને એ બધું! યુ ગેટ ધ પોઈન્ટ, યાહ?
આ બાજુ, રેવાનાં ભજનમંડળમાં, ઓહો! રેવાબેન તમારાં જેવી તો ભગતિ કોઈની નંઈ, ને રેવાનું નામ પડે કે તરત, એમની આખી ગોખી કાઢેલી ભગવદ્ ગીતા અને પછી ત્યાંથી ભગવાનની કૃપાને કિશોર ને અનાયાસ, સમજાય છે ને, આ ચેઈન ઓફ થોટ્સ?
એટલે પછી તો, એમ?
તમારો કિશોર કેટલાં વર્ષનો? લગન?
બસ એટલે આ બધુંય કિશોર પર આવે. એટલે આટલાં વર્ષે, નર્મદાશંકર જાણે પોતાના બાપા જેવા, રેવા એકદમ નર્મદાશંકરની મા જેવી, અને કિશોર? નર્મદાશંકર જેવો? કે કિશોર જેવો?
તે એક દિવસ ડાંગથી પાછો આયો એનાં પ્રૌઢશિક્ષણ વગેરેનાં કેમ્પ કરીને. પણ આયો કે બસ એકદમ ચક્કર ખાઈ ગયેલો, જાણે કોઈએ ધૂળ ચટાડી આપી હોય.
થયેલું એમ કે કિશોરને હતું કે આ 21મી સદી, કમ્પ્યુટરનો જમાનો, લોકોને વેલ ઇન્ફોર્મ્ડ કરી દઈએ તો દુનિયાનાં ખૂણે ખૂણે મુંઝાયા વગર ફરી શકે. કંઈક કરી શકે. અને એટલે જ તો એ આ બધું કરતો હતો. પણ ડાંગમાં જ્યારે એક છોકરો દોડતો-દોડતો બીજો છોકરો ડૂબી રહ્યો છે એમ કહેવા આવ્યો અને બધાંય દોડી ગયેલાં પણ એ બીજા છોકરાને બચાવી ન’તા શકેલાં. ત્યારે કિશોરને થયેલું કે જો આમ જ મરવાનું હોય તો ગમે તેટલું ભણ્યા ગમે તેટલું ફર્યા, પણ શું કામ આવવાનું? તો શું હું ટાઈમ વેસ્ટ કરી રહ્યો છું? તો મારે ખરેખર એવું શું કરવું જોઈએ જે લોકોને ખરેખર કામ લાગે?
બસ આ જ વિચારોમાં, પોતાના એનજીઓના છોકરાંઓને કો’ક નદી પાસે પ્રવાસમાં લઈ ગયા હશે, તે કંઈ નંઈને કંઈ નંઈ તરતાં તો શીખવાડું છોકરાઓને એમ વિચારી પોતે નદીમાં પડ્યો કે લીલ પર લપસી પડ્યો અને પત્થર પર માથું ટીચાઈ ગયું અને...
હા તે! મરી જ ગયો!
(બહાર લિવિંગ રૂમમાં કિશોરનું શબ મૂકેલું છે, આજુબાજુ એ જ ભજનમંડળ બેઠું છે, નર્મદાશંકર પણ ધરાશાયી થઈને ઊભેલો છે. ને રેવા, ભગવાન-રૂમમાં બંધ છે. પણ વારે વારે અવાજ તો સંભળાય જ છે રેવાને: ‘અરે બેન આ જ સાચી ભગતિ છે, જુઓ, આ ખોટનો દીકરો લઈ લીધો ભગવાને તોય ભૂલ્યાં નથી ભગવાનને બોલો! અરે બેન...’)
બસ તે પછી ભગવાનની કૃપા ધ્રૂજીને ફાટી ગઈ અને છતો થઈ ગયો પેલો પતિને દીધેલો છેહ. એની જાણ-બહાર, એની મરજી વગર, અરેરે બેન કેવી ભગત, ભગવાનની કૃપા. ને બીજી જ ક્ષણે, બધાને દેખાય એ રીતે, રેવાએ ઘરની બહાર ઠાકોરજીની મૂર્તિનો ઘા કરી દીધો. મૂર્તિ પડવાના રણકાર સાથે રેવાની ફ્રેઈમ તો મરી જ ગઈ સાથે સાથે રેવા પોતાની મા-માં ફેરવાઈ ગઈ. એ જ મડદાંની જેમ હરવા-ફરવાનું કામ કરવાનું પોતાનામાં જ રહેવાનું.
હવે, આ વાતનેય 3-4 વર્ષ થયાં હશે. નર્મદાશંકરના રિટાયર થયા પછી, શરીરની નાકાબેલિયત ને હિસાબે પોતે બહુ હરી-ફરી નથી શકતા. પણ ઘરમાં નાટકની જેમ ભજવાતી રોજિંદી ક્રિયાઓથી થોડું ભાગી જવા મળે એટલે રોજ સવારે વહેલું કાંકરિયા જવાનું અને રાત્રે જમ્યાં પછી, નજીકનાં ગાર્ડન પાસે. એક ગ્રુપ થઈ ગયું છે એમનું ડોસાઓનું. સવારે જે ડોસાઓ પોતાની મતલબ વગર જીવી નાખેલી જિંદગીની ચર્ચા કરતાં કરતાં કસરત કરતી છોકરીઓને પોતાની લથડી પડતી વાસનાથી જોઈ રહ્યાં હોય, એ જ ડોસાઓ સાંજે અલપ-ઝલપ પ્રાઈવેટ મોમેન્ટ માણી લેતાં કપલોને જોઈને ભારતીય સંસ્કૃતિને ગાળો દેતા હોય. ઘરમાં તો કેદ. ઘર જાણે કોઈ નાટકનાં તખ્તા જેવું. બધું જ બસ સારું દેખાય એવી રીતે ગોઠવી દેવાયેલું. ક્રાઈમ સીન જેવું, અને બહાર પણ કેવાં લોકો વચ્ચે જીવવાનું? નર્મદાશંકરને આખરે વિચાર આયો કે કેટલું વિચારેલું કે કેવું જીવશે પોતે? શું શું કરી નાખશે દેશ માટે? કિશોર ધારેલો ન’તો, પણ એનેય સ્વીકાર્યો પોતે! અને એ પણ નર્મદાશંકર જેવું જ વિચારતો હતો ને? પણ એ પણ? હવે પોતાની આ વેલ્યુ છે? આ ડોસાઓ સાથે? મેં શું ગુનો કર્યો? પોતાના જીવનને અર્થ જ આપવો હતો ને? એ ભૂલ હતી? આવું જીવવા કરતાં તો મરી જવું...
આયો! રેલ્વેના પાટાં પર ગંદવાડ સૂંઘી સૂંઘીને કૂતરું આવે ને? એવી જ રીતે, પ્રશ્નોના પાટા પર શંકાને સૂંઘી સૂંઘી મોતનો વિચાર આયો જ.
રાતે ઘરે જઈ છેવટે આ બધું રેવાને કહી દેવાનું મન થઈ ગયું. પાટ પર સૂતેલી રેવાની પાસે જાય છે, બેસે છે, ધીમે રહી ને એના સાથળ પર હાથ મૂકે છે, ને રેવા તરત જ પડખું ફરી જાય છે, જાણે વીજળી પડી હોય એની પર.
ફરે જ ને! કેમ નંઈ? અડધી જિંદગી પોતે જે જુઠ્ઠાણું ચલાવી રાખ્યું, પણ કિશોરનાં મર્યા પછી તો એ જુઠ્ઠાણું સાચવવા એકેય દંભ બાકી રહ્યો નહીં. એ જ વાતનું તો રેવા પ્રાયશ્ચિત કરે છે. સજા આપે છે પોતાની જાતને! પણ નર્મદાશંકરને એને ક્યાંથી ખબર હોય? હા પણ નર્મદાશંકરને દેખાતું નથી કે પોતે શું કરે છે? તો પછી? પણ એ સમજે ક્યાંથી? એને શી ખબર? શી ખબર?
હવે રાત્રે ઊંઘાય પણ કેમ બેઉનાથી.
પછી તો ક્લાયમેક્સની જેમ સવાર પડી.
રાત્રે રેવાનાં પડખાંએ જ નર્મદાશંકરને નિર્ણય તૈયાર કરી આપેલો કે ગાડીના પાટા ઉપર સૂઈ જવું. એટલે પોતે હજી બહાર જવા જેટલો પગ આગળ કરે છે કે તરત જ રેવાનો અવાજ આવે છે.
‘મેં કહ્યું, સાંભળો છો?’
ને વર્ષોથી ભંગાર વચ્ચે પડી રહેલું ઘર, સહેજ સળવળ્યું.
બસ.
હવે આપણી વાર્તા પૂરી.
સ્રોત
- પુસ્તક : નવલેખન ગુજરાતી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : યોગેશ જોષી
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
- વર્ષ : 2016
