અજય સોની
Ajay Soni
રોમતે દોરાને બે દાંત વચ્ચે લઈને ઝાટકો દીધો. કપડાંમાં રહી ગયેલો દોરો તૂટ્યો એ સાથે ભરત ખેંચાઈ ગયું. મોરલા સંકોચાઈ ગયા. રોમત અણગમાથી ભરતને જોઈ રહી.
ભૂંગાના બારણાં વચ્ચે બેઠેલી રોમતની નજર ઝાંપા બાજૂ ગઈ. થોડાં થોડાં અંતરે આવેલા ભૂંગા બાવળના ઝાડની પેઠે વાવડો ઝીલતા ઊભા હતા. ચડતા બપોરનો વાયરો ધખતી લૂને તાણી લાવ્યો હતો. રેતીના કણ બળૂકા વંટોળના વાંકે રોમતના ભૂંગાની દીવાલ સાથે અથડાઈને ભોંય પર એકઠા થતાં હતા. લીલો દોરો વાવડામાં ઊડી જવાનો હોય એમ રોમતે સોયને હોઠ વચ્ચે ભરાવીને ખેંચાઈ ગયેલા કપડાંને સરખું કર્યુ. સંકોચાઈ ગયેલી મોરકળા ફરી ખીલી ઊઠી. વાયરામાં આઘુંપાછું ઓઢણું સરખું કરતી રોમતની કાળીયાર જેવી નજરે સજાગતાથી ઝાંપો વટાવ્યો.
સાહેબ એમના ભૂંગામાં હશે કે હાલ્યા ગયા હશે? રોમતની આંખ સામે પેન્ટ-શર્ટ પહેરીને વાંઢમાં ફરતા એક જણની છબી તરવરી આવી. સવાર-સાંજ ગામમાં ફરતાં અને બપોરે ભૂંગામાં ભરાઈને વાંચ્યા કરતાં સાહેબને જોઈને વાંઢની ઘણીખરી બાયુંને નવાઈ લાગેલી. આથી પહેલાંય સાહેબો તો ઘણાંય આવી ગયા. બે-પાંચ દિ’ રહીને ચાલ્યા જાય. આ તો મહિનાથી ખમ્યો છે. મોંઘી કે’તી તી કે, ઈ તો હજુ રેવાનો છે. રણમાં આપણે કેમ રહીએ છીએ ઈ જોવા આવ્યો છે. પછી મોંઘી હસીને કે’તી, જેમ ઈ ર્યે એમ આપણે રહીએ. એમાં વળી શું જોવાનું હેં?
રોમતને થયેલું કે આપણે રહીએ ને ઈ રહે એમાં ફેર છે. પણ એનો દબાયેલો અવાજ હોઠ સુધી ન આવ્યો.
મોંઘી કહેતી, “સાહેબને રણની માયા લાગી ગઈ છે.”
“રણની કે પછી રણમાં રેનારાની....?”
રોમત એકાએક મોંઘીને પૂછી બેઠી. બધી બાયું હસી પડી. મલકાવાથી રોમતના બે દાંત વચ્ચે ફસાયેલું ઓઢણું હટી ગયું. રોમત આડું જોઈ ગઈ.
ધૂળિયો વંટોળ શાંત પડી ગયો હતો. રોમત અધૂરા મોરને ફરીથી ભરવા લાગી ગઈ. પીળાં કાપડ પર લીલા દોરાથી કાઢેલા પીંછા જાણે હમણાં કળા કરશે એવું લાગતું હતું. રોમતે જોયું તો ખોટા ટેભાં ભરાઈ ગયા હતા. અકળાઈ ગયેલી રોમતની નજર વારેવારે વાડાના ઝાંપાને ઠેકીને બહાર જઈ ચડતી અને ક્યાંક અટક્યાં વિના ફરી પાછી ભરતના મોરમાં અટકતી. ચઢતા પહોરનું માંડેલું ભરત હજુ પૂરું નહોતું થયું. છેલ્લો મોર ભરવાનો બાકી હતો. વારેવારે હાથ અટકી જતા હતા. રોમતની અંદર સૂસવાટા ભરાતા જતા હતા.
એક દિવસ સરપંચે બધાંને બોલાવીને કહ્યું કે, આ સાહેબ થોડા ડી ઈંયા રેશે. પાંજી રેણીકેણી નેરીધા.
અડધી પિવાયેલી બીડીનો ઊંડો કશ ખેંચતા સરપંચ આઘા ખસી ગયા. પછી સાહેબે આગળ વાત કરી. સ્ત્રીઓ ધ્યાનથી સાંભળતી રહી. પુરુષો ઘડીકમાં આઘાપાછા થઈ ગયા.
“અત્યારે હેન્ડીક્રાફ્ટની બહુ મોટી માર્કેટ છે. હું અહીં તમારું ભરતકામ, લીંપણકામ અને બીજું તમે જે કાંઈ કરો છો તેને આગળ સુધી લઈ જવા માગું છું. તેમાંય તમારા કામની તો વિદેશમાં બહુ ડિમાન્ડ છે. માગ્યા દામ મળે છે. અત્યારે હું સેમ્પલ ભેગાં કરીશ. પછી આગળ શું કરવાનું એ કહેતો રહીશ. તમે બધાં મને મદદ કરશો ને?”
સ્ત્રીઓએ એકી અવાજે હોંકારો ભણ્યો. બધી સ્ત્રીઓ જાણતી હતી કે આથી પહેલાં પણ ઘણાં લોકો આવીને વાતો કરી ગયા. પણ કોઈએ કાંઈ નથી કર્યુ. હજુ એ જ કાળાં ઓઢણાંમાં ભરત ભરાઈને ખડકામાં સંઘરાઈ જાય છે. કમખા શરીર ભેળા જ મસળાતા રહે છે. ધડકીઓ ખૂબ હેતથી ભરાય છે. પછી ખાટલા પર પડી પડી ઉતરડાઈ જાય છે. ભૂંગાની દીવાલ પરના લીંપણના ચિત્રો ઝાંખા પડી જાય છે.
રોમતને એ દિવસથી મનમાં થયા કરતું હતું કે, “ભલે આજ સુધી ન થ્યું પણ હવે કાંક થશે.”
સાહેબે બાયુંમાં નવો ઉત્સાહ આણી દીધો હતો. સવારે, ભરબપોરે અને મોડી સાંજ સુધી બાયું ભરત લઈને બેઠી રહેતી. ઓટલે, વાડામાં ને ટોળામાં બેઠી બેઠી નવા નવા ભરત ભર્યા કરતી. સાહેબ રસ્તેથી પસાર થતા તો બાયું ઓઢણું મોં સુધી ખેંચી લેતી. સાહેબ રસ્તેથી પસાર થતા તો બાયું ઓઢણું મોં સુધી ખેંચી લેતી. સાહેબ ચાલ્યા જતા પછી ખિખિયાટા કરતી. બાયુંમાં સાહેબ માનીતા થતા જતા હતા. અમુક અમુક બાયું તો છૂટથી વાતો પણ કરતી હતી.
એક ઢળતા બપોરે સાહેબ બાયુંના ટોળા પાસે ઊભા હતા. એમના હાથમાં ભરતનું કાપડ હતું. એ બાયુંની સામે જોઈને બોલી રહ્યા હતા. ત્યાં જ સન્નાટો છવાઈ ગયો. બધી બાયું ઝડપભેર ઊભી થઈને જતી રહી. એકલી મોંઘી એક પગ ઓટલાની કોરે રાખીને ઊભી હતી. સાહેબ મોંઘીને પૂછવા લાગ્યા.
“બધાં કેમ ચાલ્યા ગયાં? શું થયું?”
મોંઘીએ ઓઢણાની કોર લાંબી ખેંચી લીધી.
“ઈનો બાપ આયો છે. ભાગી જ જાય ને.”
સાહેબે પાછા વળીને જોયું. બરછટ ચહેરાવાળા એક કદાવર પુરુષનો પડછાયો તેના શરીર પર પડતો હતો.
“એય ઈંયા કેમ ઊભી છો? ચિત્તબેરી થઈ ગઈ છો? ભાગ ઈંયાથી જા.”
મોંઘી ધૂળ ઉડાડતી દોડી ગઈ.
“હું બધું સમજું છું. આઘો રે’જે હો. તારા કામથી કામ રાખજે. વેવલાઈ મ કરજે બાયુંથી. નકાં મજા નઈં આવે. થપાટ ભેરો પટમાં પડ્યો હોઈશ સમજ્યો?”
સાહેબ જવાબ આપ્યા વિના જ ઝડપભેર ત્યાંથી નીકળી ગયા.
*
મજીદ થોડા થોડા દિવસે ક્યાંક ચાલ્યો જતો. એ ક્યાં જતો એની રોમતને કશી ખબર નહોતી અને એનામાં પૂછવાની હિંમત પણ નહોતી. તે આવતો પછી થોડાં દિવસો સુધી બહુ રાજી રહેતો. રોમત પર ઓળઘોળ રહેતો. રાતે ફાનસના અજવાળામાં રોમતના વખાણ કર્યા કરતો. જાતજાતની ચીજો લાવી આપતો. રોમત ઘડીવારમાં ભૂલી જતી કે આ એ જ મજીદ છે જે વાતવાતમાં મોં તોડી લે છે કે મારી લે છે.
એક બપોરે રોમત નવા ભરેલા ભરતના કપડાંને લઈને મજીદના ખાટલા પાસે ઊભી રહી ગઈ. રોમતના ચહેરા પર રોમાંચ હતો. હાથ પાછળ હતા. મજીદ ડાબા હાથનું ઓશિકું કરીને પોતાની ધૂનમાં પડ્યો હતો.
“એય....” રોમતના અવાજમાં નરમાશ હતી.
“હ્મ્મ.. શું છે?” ભરબપોરના વાયરા જેવો હોંકારો સાંભળી રોમત છોભીલી પડી ગઈ.
“નેરો તો. મેં નવું ભરત ભર્યું છે.” રોમતે મજીદના ખભે હાથ રાખ્યો.
“આઘી હટ. મને સૂવા દે.”
“જોવો તો ખરા.”
“એમાં શું જોવાનું છે. ઈ જ મોરલા છે.” મજીદે સૂતા રહીને બંધ આંખે જ કહ્યું.
“કાલ રાતે તમે કે’તા કેતા તા ને કે તારું ભરત બહુ મસ્ત છે.”
“ઈ તો હવે.... મારું રત્ત ન પી. હાલ્ય ઈંયાથી. ઓલા તારા સાહેબને ડેખાળજે. આખો દિ’ બાયુંમાં ગરીને પડ્યો ર્યે છે તેં.” મજીદનું હાસ્ય ભૂંગામાં ઘૂમવા લાગ્યું.
“મું તો ખાલી ભરત...” રોમતના ઢીલા અવાજને કાપી નાખતો મજીદનો ડારો આવ્યો. “તને કીધું ને એકવાર. આઘી હટ. નકાં થપાટ હણી દઈશ.”
મજીદે રોમતના હાથમાંથી ભરતનું કાપડ આંચકીને તેનો ડૂચો વાળીને ઘા કરી દીધું. રોમત હાથ મસળતી ભૂંગાની બહાર નીકળી ગઈ.
***
બે દિવસ પછી સાહેબે સરપંચના વાડામાં બધી બાયુંને એકઠી કરી.
“આટલા દિવસમાં મેં બધાંનું ભરત જોયું. તમારા બધાં પાસે અલગ અલગ હુન્નર છે. રોમતબેન, મોંઘીબેન, જાનબાઈ અને રતનબાઈનું કામ મને બહુ પસંદ પડ્યું છે. મેં મારા ઉપરી માણસોને વાત કરી છે. જો બધું ગોઠવાઈ ગયું તો તમારા ગામને એક સ્વતંત્ર કેન્દ્ર મળશે. શહેરથી ટીમ અહીં આવશે. તમારું ભરતકામ કઈ રીતે શહેર પહોંચાડવું એ બધું શીખવશે. તમારા બધાંનું નામ થશે. અને દામ પણ મળશે. તમે તમારા કામથી પૈસા કમાશો.”
ટોળામાં રાજીપો છવાઈ ગયો. સરપંચે સાહેબનો આભાર માન્યો અને બધાં વિખેરાવા લાગ્યા. અમુક બાયું સાહેબ પાસે આવીને સવાલ કરતી હતી. રોમત પણ બધાં ભેગી ઊભી હતી. સાહેબ બધાંની વાત શાંતિથી સાંભળતા હતા. પછી મૃદુતાથી પોતાનો જવાબ આપતા. રોમત સાહેબને એકધારું જોઈ રહી. તેને નવાઈ લાગી. એ હિંમત કરીને પૂછી બેઠી,
“તમે બાયુંની જેમ કેમ બોલો છો?
સાહેબ હસી પડ્યા.
“તો કઈ રીતે વાત કરાય? રાડો પાડીને?”
“તમે વાંઢના મરદના અવાજ નથી સાંભળ્યા? મરદ તો ઝરખ જેમ બોલે!”
સાહેબ કાંઈ પણ બોલ્યા વિના રોમતને જોઈ રહ્યા.
“કોના પર હાકોટા પાડે છે?”
“બાયું ઉપર. બીજા કોના ઉપર પાડે?” રોમતનો અવાજ ઊંચો થઈને પછી દબાઈ ગયો.
“બાયુંમાંય જીવ તો હોય કે નઈ? અમથા કાંઈ ટેરવાં ચાલે ને મોર જીવતા થઈ જાય?”
રોમત પાસે કોઈ જવાબ ન હતો. સાહેબની વાત સાંભળી અંદર ક્યાંક ચચળાટ થતો હતો. એની અંદર મજીદના હાકોટા પડઘાતા હતા.
સાહેબ એકાએક ચાલતા થઈ ગયેલા. રોમત ક્યાંય સુધી એમને જતા જોઈ રહેલી. ધીમી ચાલ રોમતની આંખમાં અટવાતી હતી. તેને મજીદ યાદ આવી ગયો. એ સાથે જ તેની આંખો ઢળી પડી.
***
રોમતે દૂર ક્ષિતિજ બાજુ જોયું. તેને પાણીમાં તરતાં ખારાપાટ પરથી ચાલ્યો આવતો એક માણસ દેખાયો. સાંઢણી પર બેઠેલો, બુકાની બાંધીને, ઝડપથી એની તરફ આવી રહ્યો હતો. ધ્રાસકા સાથે રોમતની આંખો મીંચાઈ ગઈ. જાણે હમણાં ઝાંપો કૂદીને આવશે અને એને ઢસડીને ભૂંગામાં ખાટલે લઈ જશે. પછી મચી પડશે. રોમતે દૂર જોયે રાખ્યું. કોઈ નહોતું આવતું. ભૂંગામાંથી અવાજો આવતા હોય એમ એકકાન થઈને સાંભળવા મથી પણ બળૂકો વાયરો ભૂંગામાં આવ્યા વિના જ ખાલી કમાડ ખખડાવીને દૂર ચાલ્યો ગયો. રોમતની ભીતરમાં અજંપો ઠરી ગયો. ઝાંપો ખખડાવતો વાયરો વારંવાર ધ્યાન ખેંચતો હતો. ભૂંગાની બહારની દીવાલને જોઈને રોમતને થયું. કેટલાય વખતથી લીંપણ નથી કર્યું. ચિત્રો પણ ઝાંખા પડી ગયા છે. હમણાંથી થતું હતું કે નવું લીંપણ કરું પણ જૂના ચિત્રો ભૂંસાઈ જવાનો ડર લાગતો હતો.
ફરી એ વિચાર રેતાળ ભોંય પર સરકતો સરકતો પાસે આવી ગયો.
“આવો ભણેલો માણહ આવા સુકાભઠ્ઠ પટ પર શેનો આવ્યો હશે? એને વળી ભરત, ચીતર, ધડકી, કમખામાં શું રસ પડ્યો હશે?”
જાણે કપડાંમાંના મોરે પીંછા ફફડાવ્યા હોય એમ રોમતના ટેરવાંમાં થરકાટ આવ્યો. હોઠના ખૂણા કદાચ મલક્યા હશે પણ દોડાદોડી કરતાં વાયરાને પણ શરત ન રહે એટલા જ. આજે સાંજ સુધી તો બધું પુરું કરવાનું છે. સાહેબ લેવા આવશે. કે’તા તા કે તમારું ભરતકામ બહુ સરસ છે. રોમતના ચહેરા પર હરખના લીસોટા પડેલા. સાહેબે કહેલું કે સાંજે તમારાં ભૂંગે આવીશ મને બધું બતાવજો. ત્યાં જ રોમતને મજીદના શબ્દો યાદ આવ્યા અને એની છાતી બેસી ગઈ.
“ઈ હરામના પીલ્લા ઉપર મારી નજર છે. સંસ્થાનું નામ લઈને આવે, ને હોય સાલ્લા જાસૂસ. ગામલોકો પર નજર રાખવા આવ્યો હશે. બહારથી ભોળો દેખાય છે પણ છે નહીં. એને ખબર નહીં હોય કે આ પટ પર બધાં એના બાપ છે. જીવતો ભોંયમાં સમાઈ જશે.”
રોમત ફફડી ગઈ. એના હોઠ ભીડાઈ ગયા. આંખો ભૂંગાની અંદરની બારી પર જઈ અટકી. બારીની બહાર આકાશ હોય જ નહીં એમ જોવા લાગી. પણ અજંપાના કારણે આંખો પર ચશ્મા, માથે ટોપી અને ખભે થેલો લઈને રણમાં રખડતા સાહેબનું દશ્ય વારેવારે આંખ સામે આવી જતું હતું.
***
અડધો ઘૂંટડો પાણી ગળા નીચે ઊતારી રોમત ભૂંગામાંથી બહાર આવી. વાડામાં સાંઢણીની જગ્યાએ કાંઠો પડ્યા હતા. એ ઝાંપા પાસે ઊભી રહી. બે ભૂંગા વચ્ચે એટલું અંતર હતું કે વાવડો નાનો સરખો અવાજ પણ બીજા ભૂંગા સુધી ન પહોંચવા દેતો. રોમતે સરપંચના વાડા બાજુ જોયું. ઝાંપા પર ટેકવેલો હાથ વધુ સજ્જડ થયો. વાવડામાં ઝાંપો ખખડ્યો અને એને યાદ આવ્યું કે મજીદ બે દિવસ થયા ક્યાંક ચાલ્યો ગયો છે. એ પાછો આવશે ત્યારે એકાદ કોથળા જેટલો માલ લઈ આવશે. એકવાર રોમતે કોથળાની સિલાઈ ખોલવાની કોશિશ કરેલી. બદલામાં ખૂલ્લા બરડા પર એક લાત પડેલી. પછી તો એણે ક્યારેય કોથળા બાજૂ જોવાની હિંમત નહોતી કરી. જાણે બળબળતો દેવતા હોય એમ કોથળા જોઈને આપોઆપ નજર ઠરી જતી.
રોમતનું ભૂંગું છેવાડાનું હતું. પછી રણ શરુ થતું હતું. મજીદ ઘણીવાર પાછળના ઝાંપેથી આવતો. સાંઢણીને ઝાંપા બહાર બાંધીને અંદર ધસી આવતો. રોમત હવામાં તરતા રણને એકધારું જોઈ રહી. તેને એક સાંઢણી દોડતી દેખાય છે. એ સાંઢણી પાસે આવે છે કે દૂર જાય છે એ નક્કી નથી થતું. એના પર મજીદ બેઠો છે. ઘડીકમાં ઓઝલ થતી તો ઘડીકમાં સાવ પાસે આવતી સાંઢણીને જોઈને રોમતના શ્વાસ વધઘટ થાય છે. એની ઓઢણીમાં ભરાયેલો પવન અવાજ કરીને એને ડરાવે છે. હાથ ઓઢણું સાચવવાનું ભૂલી જાય છે અને માથા પરથી છેડો સરકી જાય છે. ઓઢણી પટમાં પડી જાય છે. ઊડતી ઊડતી ઝાંપાના આગળના ભાગમાં આવીને વાડમાં ભરાઈ જાય છે. જેમ તેમ કરીને ઓઢણી કાઢતી રોમતની નજર સામેથી આવતા સાહેબ પર પડે છે અને એના હાથ ધીમા પડી જાય છે. વાડમાં ભરાયેલી ઓઢણીને કાઢવાનો નિરર્થક પ્રયત્ન કરતા હાથ અટકી જાય છે. સાહેબ સાવ પાસે આવી જાય છે. ઉતાવળમાં ઝાટકાથી ઓઢણી ખેંચે છે તો છેડો ફાટીને લીરાં નીકળી જાય છે. જેમતેમ કરીને માથે ઓઢી લે છે. સાહેબ સામે ઊભા છે એ જોઈને રોમતને લાગે છે. જાણે એના પગ રેતીમાં સરતા જાય છે. બળ કરીને ઉપાડે છે તો વધુ ખૂંપતા જાય છે.
“તમારું ભરત બતાવશો?”
રોમત જાણે રેતીમાં જડાઈ ગઈ હોય એમ તેના પગ ત્યાં જ ખોડાઈ ગયા.
“ઈએ તો હજી બાકી છે.”
“ચાલશે, બીજું બતાવો.”
“અટાણે ક્યાં બતાવું, પછે વાત.” તે સંકોચભર્યા અવાજે બોલી.
“કેમ?”
રોમત પાસે કોઈ જવાબ ન હતો. તેણે ભૂંગાની વાટ પકડી. પાછળ ઝાંપો ખૂલવાનો અવાજ આવ્યો. રોમતને ખબર હતી કે આ ફેરે વાવડો નથી પણ સાહેબ છે. રોમતે ખડકામાંથી કાઢીને ભરત ભરેલી ઓઢણી, ચાકડા, ધડકી, કમખા કાઢીને ખાટલા પર પાથરી દીધા. સાહેબ હાથમાં લઈને જોવા લાગ્યા. ઘડીક બોલતા તો ઘડીક વિચારમાં પડી જતા. રોમત હોંકારો ભણીને અટકી જતી. ઓઢણીને બે દાંત વચ્ચે દાબીને એ ચોર નજરે સાહેબને જોઈ રહી હતી.હવામાં લહેરતા સાહેબના વાળ જોઈને રોમતની આંખ સામે મજીદની શેરા જેવી વધેલી દાઢી, બરછટ ચહેરો અને થોર જેવા હાથ તરવરી આવ્યા. એની દાઢીમાં હંમેશા રેતી ભરાયેલી પડી હોય. ક્યારેક મોટેથી હસે ત્યારે લાગે જાણે એના મોંમાંથી રેતી ખરી રહી છે.
રોમતે ભૂંગાની બારીમાંથી રણ તરફ જોયું. એની આંખમાં ઝાંઝવા ચકરાવા લેવા લાગ્યા. દૂરથી એક સાંઢણી આ તરફ આવતી દેખાતી હતી.
“તકડ કરજો. કોઈ દેખી જાશે તો ભૂંડુ થાશે.”
રોમતના શબ્દો સાહેબે સાંભળ્યા જ ન હોય એમ એ ભરત જોઈ રહ્યા હતા. રોમત ઉતાવળમાં બધું સંકેલીને ખડકામાં ભરવા લાગી. સાહેબને રોમતનું વર્તન સમજાતું ન હતું.
“શું થયું?”
રોમતે જવાબ ન વાળ્યો. સાહેબ હાથમાં રહેલો ચાકડાનો કટકો ક્યારે છોડે એની રાહ જોતી રોમત ઊભી હતી. સાહેબે એ ખાટલાની કોર પર રાખ્યો અને તરત રોમતે ઊપાડી લીધો. બધું ખડકામાં રાખીને ઊંધી ઊભી રહી ગઈ. જાણે સાહેબના જવાની રાહ જોતી હોય.
“તમે સારું ભરત ભરો છો.”
સાહેબના શબ્દો રોમતને અડક્યા વિના જ વાવડા ભેગા ભળી ગયા. રોમત ઝડપથી ભૂંગાની બહાર નીકળી ગઈ. ચળકતી રેતી પર અડવાણાં પગ પાડતાં ચચળાટ થયો પણ ભીતર બળતી લાહ્યના બદલામાં એ કાંઈ ન હતું. પાછળ ધીમા પગલે સાહેબ પણ બહાર આવ્યા.
“તમે કેમ આટલા બધાં ડરો છો. હું કાંય..”
“તમે ઈંયાના માણસોને ઓળખતા નથી.”
રોમતની જીભ ફફડતી હતી.
“અઈયા પાણી માટે લોહી વે છે. તમારા જેવા સીધા માડૂનું કામ નથી. ઝટ વાટ પકડજો. આજ રાતનો વિચાર થાય તો કાલ સવાર મ કરજો.”
રોમત ઝડપથી ભૂંગામાં ગઈ. સાહેબ બોલતા બોલતા અટકી ગયા. રોમત બહાર આવી. એના હાથમાં એક ધડકી હતી.
સાહેબનો હાથ અનાયાસે લંબાયો. પણ નજર તો રોમતના ચહેરાને વીંધી રહી હતી.
“મને સમજાતું નથી કે તમને એકાએક શું થઈ ગયું.”
મૌનની થોડી ઘડીઓ વીતી હશે. એકાએક રોમતે કહ્યું.
“મનેય નથી સમજાતું સાહેબ.”
સાહેબ અસમંજસમાં ત્યાં જ ઊભા રહ્યા.
રોમત ભૂંગામાં જતા બોલી.
“તમે જાસૂસ તો નથી ને...”
“હેં.. કોનો જાસૂસ.”
રોમતે ઝડપથી ભૂંગાના કમાડ અંદરથી બંધ કરી નાખ્યા. પાછળ સાહેબની નજર લઈને ક્યાંય સુધી વાયરો કમાડ ખખડાવતો હતો.
***
લબલબતો સૂરજ રણમાં ઢળી પડ્યો તે ટાણે રોમતે ભૂંગાના કમાડ ખોલ્યા. અજવાસ ઘટી ગયો હતો પણ વાવડો એજ ગતિએ દોડતો હતો. મહામહેનતે ઊપડેલી આંખો સરપંચના ભૂંગા તરફ ખેંચાઈ. જાણે સાહેબ ત્યાં જ ઊભા હોય એવું લાગ્યું. એ વિચાર આગળ ચાલે એ પહેલાં જ રોમત રાતના ખાવા માટે ચૂલો સળગાવવા લાગી. થોડીવારે ચૂલામાં જ્વાળા દેખાઈ. એ સાથે જ બપોરનું સપનુ આંખમાં ઝબૂકવા લાગ્યું. બપોરે સાહેબ ગયા પછી એ ખાટલામાં ઊંઘી પડી રહી હતી. ક્યારે ઊંઘ ચડી ગઈ એની ખબર ન રહી. સપનામાં વાડામાંનું બાવળનું ઝાડ જાણે પીલુંનું હોય એવું દેખાતું હતું. એના પર રતુંબડાં પીલું લટકતાં હતા. રોમતના હોઠના ખૂણે મલકાટ ભરાયો. આંખો ભોંય ભેગી થવા લાગી. અલપ-ઝલપ દશ્યો દેખાવા લાગ્યા. પીલુના ઝાડ નીચે એ અને સાહેબ ઊભાં છે. વરસવાની તૈયારી કરતું આકાશ ઘેરાઈને ઝળુંબી રહ્યું છે. રોમતની બંધ મુઠીમાં મોરચંગ છે. એ સાહેબને પૂછે છે કે તમને વગાડતા આવડે છે? સાહેબ હસી પડે છે. એ સાથે રોમત પણ હસી પડે છે. વીજળીનો કડાકો અને ધીમી ધારે ફોરાં પડવા લાગે છે. એક સાંઢણી પીલુના ઝાડ નીચેથી દોડીને ક્ષિતિજ તરફ જઈ રહી છે. એના પર બે જણ બેઠા છે. રોમતના હાથમાંથી મોરચંગ છટકીને રેતીમાં પડી જાય છે. પાછળ ઘેરાયેલું આકાશ વરસી પડે છે.
રોટલા ઘડતાં રોમતના હાથ અટકી ગયા. આગની લપટો જાણે હમણાં પાસે આવીને દઝાડશે. કાન ઝાંપા બાજુ મંડાયેલા હતા. રોટલા ઘડીને એ ભૂંગામાંથી બહાર આવી. ક્ષિતિજ પાસે સાંજનું અજવાળું એકઠું થયું હતું.
એકાએક ઝાંપા પાસે સાંઢણી ઊભી રહી. રોમતે એ બાજુ જોયું. ઠેક મારી મજીદ નીચે ઊતર્યો. એના ચહેરા પર કાળઝાળ તાપ હતો. તંગ ચહેરો અને છરી જેવી આંખે એણે રોમત સામે જોયું.
“એય, ઈંયા કેમ ઊભી છો. સાંઢણીને વાડામાં બાંધી દે. ને જા, એના હારું ખાવાનું બનાવ.”
રોમત ઝડપથી વાડામાં દોડી ગઈ. સાંઢણીને થપથપાવીને બાંધી દીધી. ટોપિયું લઈ આવી. એમાં ખાવાનું નાખીને સાંઢણીના મોં પાસે રાખ્યું, પછી આગળના ભાગમાં આવી. મજીદ ભૂંગામાંથી બહાર આવ્યો ત્યારે ખીંટીએ લટકતું ધારિયું એના હાથમાં હતું. રોમત ચચળતા જીવે ઝાંપા સુધી આવી. મજીદે ઝાંપો ખોલ્યો અને પાછળ વળીને રોમત સામે જોયું. એના ચહેરા પર પથરાયેલી ક્રૂરતા ઘટતા અજવાસમાં પણ ઓળખી શકાતી હતી. રોમતના હૈયામાં ધડાકો થયો.
“આટલી ખેપ કરી પણ કોઈ દી’નથી ચાતર્યો. આજે માંડ બચ્યો છું. નક્કી ઈ સાહેબે બાતમી દીધી છે. ભલે દીધી. પણ ઈ મજીદને નથી ઓળખતો. હવે એની બાતમી દેનારું કોઈ નહીં રે.”
મજીદ સરપંચના ભૂંગા બાજુ દોડ્યો. પાછળ રોમતની આંખો ભરાઈ આવી. હોઠ ભીડાઈ ગયા. છાતીમાં ડૂસકાં બાઝવા લાગ્યા પણ મોંમાંથી અવાજ નીકળતો ન હતો. એ ભૂંગામાં આવીને ખાટલા પાસે ભોંય પર ફસડાઈ પડી. આંખો મીંચાઈ ગઈ. ધડકીને બે હાથે મસળતી રોમતની છાતીમાંથી તૂટક તૂટક ડૂસકાં નીકળતા હતા. વાંઢમાં બધા મજીદને ઓળખતા હતા. કોઈ એની સામું નહીં થાય. થોડો ગોકીરો થશે પછી બધું શાંત થઈ જશે. પાણીનો રેલો હોય એમ રેતીમાં લાલ ધાબો શોષાઈ જશે. મેં સાહેબને પહેલાંય ચેતવ્યા હતા. પણ ઈ ન માન્યા. ખાલી ભણીગણીને મોટા ક્યાં થવાય છે.
ઝાટકાભેર ઝાંપો ખૂલવાનો અવાજ આવ્યો. રોમતે ખાટલાની ઈસ પર માથું ઢાળી દીધું. આંખો સજ્જડ મીંચાઈ ગઈ. આંખના ખૂણેથી રેલો વહી આવ્યો. તેને વાવડામાં હાલકડોલક થતું પીલુંનું ઝાડ દેખાયું. ક્યાંકથી તૂટક તૂટક મોરચંગનો અવાજ સંભળાતો હતો. રોમતને થયું તે ભૂંગાનો દરવાજો પછાડતી, ઝાંપો વટાવતી, બળબળતી રેતીમાં અડવાણા પગે ખારાપટમાં દોડી જાય છે ક્યાંક દૂર. ત્યાં જ એને લોહીથી ખરડાયેલું ધારિયું દેખાયું. તેનું ડૂસકું ભૂંગાની દીવાલો સાથે અથડાયું.
ભૂંગાના કમાડને ઝાટકાથી ખોલી મજીદ અંદર આવ્યો. તેના હાથમાં ધારિયું હતું. રોમત એ તરફ ન જોઈ શકી. મજીદ જોરજોરથી હસવા લાગ્યો. એના હાસ્યની રોમત પર કોઈ અસર ન થઈ. એ તો અચેતન બનીને પડી હતી. તેને જોઈને મજીદના ચહેરા પર ગુસ્સો તરી આવ્યો.
“સાંભરશ કે મરી ગઈ હેં?”
મજીદ રોમતની નજીક આવ્યો. ભૂંગાના દરવાજાની આગળ ઊભેલો મજીદ ઓળા જેવો દેખાતો હતો. રોમતને થયું આ મજીદ છે કે બીજું કોઈ.
મજીદ ખુલ્લા ધારિયા સાથે રોમતની પાસે આવતો હતો. રોમત ભોંય પર જ પાછળ ખસવા લાગી.
મજીદ સાવ પાસે આવી ગયો. રોમતની પીઠ ભૂંગાની દીવાલ સાથે ભટકાઈ. મજીદના ચહેરા પર કાળું સ્મિત આવ્યું. શિકાર કરવા આતૂર પશુની પેઠે રોમતના ચહેરાને જોઈ રહ્યો. મજીદે રોમતનું બાવડું પકડ્યું. એને ઢસડીને ભૂંગાની વચ્ચોવચ લઈ આવ્યો. ખાટલાને લાત મારીને દૂર કર્યો.
“શું વિચારશ હેં...? આ ધારિયું જોશ ને. ઈ જોરથી તારામાં હુલાવી દઈશ. પછી એવી મજા આવશે ને.” મજીદનું ભદુ હાસ્ય રોમતની આસપાસ ઘુમરાવા લાગ્યું. બાવડું પકડીને રોમતને ભોંય પર સૂવડાવી દીધી. મજીદ પશુની જેમ તેની માથે બેસી ગયો. તેની સાથળમાં જોરથી થપાટ મારી. રોમત ફફડી ગઈ. એનો ઘાઘરો ઉપર આવી ગયો. રોમત બે હાથ વીંઝવા લાગી. મજીદે રોમતના બન્ને હાથ ભોંય પર રાખીને તેને જકડી લીધી. તે છટકવા માટે ઝપાઝપી કરવા લાગી.
મજીદે એના કમખામાં હાથ નાખ્યો અને ફટાક દેતાની છાતી બહાર કાઢી લીધી. રોમતથી ઊંહકારો નીકળી ગયો. મજીદે એના ગાલ પર તમાચો ઝીંકી દીધો. હોઠ તમતમી આવ્યા. લીંપણ વાળી બરછટ ભોંય સાથે રોમતનો વાંસો છોલાવા લાગ્યો. મજીદની દાઢીમાંથી રેતી ખરી રહી હતી. ભુખ્યા ઝરખની જેમ મજીદ બચકાં ભરતો હતો. રોમત મસળાવા લાગી. ભીતરનો કણસાટ બંધ હોઠ વચ્ચે આવી જતા વારેવારે એના હોઠ ભીડાઈ જતા હતા. મજીદ હાંફતો હાંફતો અટકી ગયો. એકાએક જોરજોરથી હસવા લાગ્યો.
“ગાંડફટો ભાગી ગયો. નકાં આજ મજીદની મરદાનગી જોઈ લેત. જધનાના નસીબ ઉજળાં હશે.”
રોમતની બંધ આંખમાં ચમક આવી. નિર્જીવ પડેલા હાથ વડે એણે મજીદના ખારાપાટ જેવા ઉજ્જડ વાંસાને બાથમાં લીધો. ઝાટકાથી એવી ઉથલ મારી કે મજીદ ભોંય પર આવી ગયો. કમરે લટકતા કમખાનો ઘા કર્યો. મજીદના ખભા જોશભેર પકડ્યા. મજીદનું શરીર ઢીલું પડ્યું. પોતાના પર ઝૂકી પડેલી રોમતને જોઈને મજીદની આંખમાં અચરજ ડોકાયું. રોમતે મજીદના વાળની મુઠ્ઠી ભરીને તેને ઉપર ખેંચ્યો. મજીદ બેશુદ્ધ બનીને પીલુંની લૂમો ખાવા લાગ્યો. રોમતે ઝાટકાથી મજીદને નીચે પટક્યો. નીચે પડેલા મજીદની માથે બેઠેલી રોમત ભદ્દુ હસી પડી. મજીદને કાંઈ સમજાયું નહીં. શરીરમાં વાવડો ભરાયો હોય એમ રોમત વિજયી અદાથી ડોલવા લાગી. પરસેવે રેબઝેબ હાંફતી રોમતને થયું જાણે તે પીલુના ઝાડ નીચે ઊભી છે અને સાહેબ મોરચંગ વગાડી રહ્યા છે. ત્યાં જ ચિક્કાર ઘેરાયેલું આભ મુશળધાર વરસી પડે છે.
સ્રોત
- પુસ્તક : તળેટીનું અંધારું (પૃષ્ઠ ક્રમાંક 83)
- સર્જક : અજય સોની
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન
- વર્ષ : 2024
