Ren - Short Stories | RekhtaGujarati

મારા બાપા આવતા લાગે છે. દૂર પેલી લાકડાની વખાર આગળથી બેઠી દડીનું કોઈ નથી દેખાતું? અરધે ઉઘાડે ડીલે, માથે કાળી ટોપી નાખીને, હા જ. સવારથી ક્યાંક રખડવા ગ્યા’તા, દુકાન રેઢી મૂકીને. ઓર્ડર છોડતા ગયા કે દુકાન સંભાળજો... આમ ને આમ કરે પછી કોણ ભૂતોભાઈ દુકાનને પગથિયે ચઢે? મોટે ભાગે તો ગયા હશે ઇસ્માઇલને ત્યાં, બેઠા બેઠા ચલમ ચૂસતા હશે. બા કહે છે: ‘આ ગોતીગોતીને ભાઈબંધ ગોત્યો તો કે ‘ઇસ્લમાઇલ. હજી હમણાં તો જેલમાંથી છૂટ્યો. બેઉ જણા કોણ જાણે હુંય આખો દહાડો ગાંજો અફીણ પીધા કરે છે કે પછી પત્તાં ટીચ્યા કરે છે.’

બસ મોંકાણ. બાબાપુજીને જરાય બનતું નથી. કેટલાં વરસનું મનદુઃખ હશે ખબર નથી. પણ હું જ્યારથી સમજણો થતો આવ્યો છું ત્યારથી લોકોને મેં હંમેશાં લડતાં બાખડતાં જોયાં છે, મોટે ભાગે બાપા બોરડી ઝૂડતા હોય એમ મારી માને મારતા. મારી મા રડતી જાય, કકળતી જાય ને ગાળો દેતી જાય. ગાળો દે એટલે વધુ માર પડે. હું મારી માનો પક્ષ લેતો. ખુલ્લેઆમ નહીં, પણ છાનાંમાનાં. આમ તો હું બહુ નાનો. બાંધે પણ નબળો. ત્યારે મારા બાપા રાખ્ખસ જેવા પડછંદ, એક પાટુ મારે તો ભીંત પણ તોડી નાખે એવા. એટલે મને એમની બહુ બીક લાગતી. મોટે ભાગે તો હું ચુપચુપ બેસી રહેતો, કંઈ બોલતો નહીં. મોટો થતો ગયો એમ મારો પણ વારો આવતો ગયો. કંઈક વાંકમાં આવું એટલે બેસુમાર માર પડતો.

બાપાની કરિયાણાની દુકાન. આગળ દુકાન અને પાછળ ઘર. અમારી બાજુ ગામડામાં ઘર બહુ લાંબાં લાંબાં, ઢંગધડા વિનાનાં. લગભગ સાતથી આઠ ઓરડા અને તે પણ સીધી લીટીમાં. આંગણે ગલ્લા પાસે બેઠા હો તો તમને બહાર દુકાનમાં અનાજની અરધી ખુલ્લી ગુણો, તગારામાં ગોળ, ઉપર બણબણતી માખો, ખજૂરનું વાડિયું, એક બાજુ નમી ગયેલી દાંડીવાળું ત્રાજવું, એમાં મૂકેલા મણિકા અને બીજાં કાટલાં દેખાય, પછી પરસાળનો હીંચકો, વચલા ઓરડાનો ખાટલો, છાયાચિત્ર જેવી રસોડામાં બેઠેલી મારી મા, વાડામાં ઊગેલો, લાકડાના ખપાટિયા પર ચડેલો, વાલોળનો વેલો અને એની બાજુમાં નાવાધોવા માટે બાંધેલું વાંસનું કબલું દેખાય. એમાં વારેવારે પેશાબ કરવા જતા મારા બાપા પણ ફરરર ફરરર કરીને માળામાં વારેવારે જતી ચકલીની જેમ જતાઆવતા દેખાય.

મારી બા કહેતી એમ : તારા બાપાને બે કટેવ : પા પા કલાકે ધગધગતી ચા પીએ અને પા પા કલાકે ધગધગતો પેશાબ કરે.

બસ, મારી બાની ટેવ ખોટી, એક વાર એની જીભ છુટ્ટી થઈ કે પછી બેફામ ગમે તેમ બોલ્યા કરે અને તે પણ મારા બાપાની હાજરીમાં. માર પડે તો રડતી રડતીય ગાળો દેતી જાય.

પાછા ક્યાં જતા રહ્યા મારા બાપા? હમણાં તો મેં જોયા’તા નન્નુ પાનવાળાની દુકાન આગળથી આવતાં. હાથમાં ધોતિયાનો છેડો પકડ્યો’તો, હાથીની જેમ ડોલતા ડોલતા આવતા’તા, પાનની પીચકારી મારતાં મેં જોયા ને! ગયા હશે ક્યાંક આજુબાજુ. ભલું હશે તો પેલા રમણિયાની દુકાનમાં ઘૂસ્યા હશે, ચા પીવા. આવશે એવા કંઈક બહાનું ગોતશે અને માંડશે કંકાશ કરવા.

સૌ કહેતા આમનું ઘર બહુ કંકાસિયું. જ્યારે જુઓ ત્યારે ધમાચકડી ચાલતી હોય. પછી એવાને ઘેર લક્ષ્મી ક્યાંથી દેખા દે? બસ, બધો ઝઘડો લક્ષ્મીના નામનો. મારી બા બહુ પૈસાદાર બાપની દીકરી. હજી ઘોડિયામાં હતી ને વિવાહ કર્યો, લગન લીધાં. ત્યારે મારા બાપા પણ બહુ પૈસાદાર. પછી એમની પડતી શરૂ થઈ. ગામમાં પાંચ ઘર હતાં તે વેચી દેવાં પડ્યાં. સાંભળ્યું છે કે સોના ચાંદીની મોખરાની દુકાન હતી તે કાઢી નાખી. પછી તો ઘણાય ધંધા એમણે કર્યા, પણ એકમાં જોગ ખાધો નહીં. કોઈ જોશી કહે કે તમે લાલ વસ્તુનો ધંધો કરો એમાં બરકત થશે એટલે સૂકાં મરચાં વેચવાનું લીધું. પણ ઘરમાં બધાંની છાતીમાં બળતરા શરૂ થઈ સિવાય બીજો કંઈ લાભો થયો નહીં. વળી એક જોશીએ કહ્યું કે પ્રવાહી વસ્તુના ધંધામાં સોનાનાં નળિયાં થાય એમ છે એટલે તેલ-ઘી ડોળિયાનો વેપાર કર્યો. પણ હતા ત્યાં ને ત્યાં. ધીમે ધીમે મૂડી ઘસાતી ગઈ. છેવટે ખાવાનાં વાખાં થયાં ત્યારે વળી અનાજનો ધંધો માંડ્યો. છેવટે કંઈ નહીં તો ભૂખમાંથી તો બચ્યાં. અનાજ વેચાય તો ખાઈ નાખવું હિસાબે...

પણ ધંધામાં પૈસાદાર દીકરીના ઓરતા પૂરવાના બાજુએ રહ્યા પણ એનાં ઘરેણાં અને પલ્લું પણ ખવાઈ ગયાં. એણે રડારોળ કરી મૂકી. પણ બીજો ઉપાય નહોતો. લગભગ રોજ મારી બા એનાં ઘરેણાં ને પલ્લાને રડતી. કહેતી : ‘આ ઇસ્માઇલની સોબત ને ચાના ગરેડા, બે મૂકી દે તારા બાપા તો ઘરમાં લક્ષ્મી દેખા દે ને કંઈક કૌવત આવે.’

મારા બાપા ગાંગરતા : ‘મૂકે છે મારી બલા રાત. તારાં પગલાં રાશી છે તેમાં હું શું કરું? તું આવી ત્યારથી ઠરીઠામ થયો નથી. ઊચક મન લઈને હડકાયા કૂતરાની જેમ દોડ્યા કરું છું, પણ ક્યાંય ઠામઠેકાણું પડતું નથી.’

માને વ્યસન તરફ જબરી સૂગ. નાનપણથી દીવેલને કોડિયે એણે ચંદ્રકાન્તના ચાર ભાગ વાંચેલા અને યોગિનીકુમારી તો સાસુની ગાળો ખાઈખાઈને પૂરી કરી હતી. વાંચવાનો એને જબરો શોખ. રામાયણ મહાભારત તો એને મોઢે. અરે, બીજું કંઈ વાંચવાનું ના મળે તો પડીકાં બાંધવાનો કાગળ પણ છોડીને વાંચે.

બસ, મારા બાપાને ગમે. રાડ પાડીને કહે, ‘મોટી ભણેશ્રી ના જોઈ હોય તો! આખો દહાડો વાંચવાંચ... તે તારે નિહાળ ચલાય ને!’ કહીને જોરથી વાંસામાં એક ગુંબો મારતા.

‘હા, એય ચલાવત. તમારાં છોકરાં જણ્યાં હોત ને તો!’ બા પછી બહુ કડવી બની જતી. એનું વાંચન, એનાં સંસ્કાર, એની સાલસતા બધુંય બાપા સાથેના સંસારમાં ઓગળી ગયું હતું.

અને માણસ કડવું થાય તો કરેય શું? એણે કેટકેટલું વેઠ્યું! ચાર ચાર તો કસુવાવડ થઈ. પહેલી વારનો દીકરો રાક્ષસ જન્મ્યો’તો, ત્રણ આંખો ને બે માથાં ને એવો. વખતે તો મા મરતાં મરતાં બચી’તી. સરકારી દાક્તરે તો આશાયે છોડી દીધી’તી. પણ પછી જીવી ગઈ. ઘણી વાર માટે પાછળથી વસવસો કરતી.

મોટો દીકરો થયો, બહુ શાંત અને સમજુ હતો. જ્યાં મૂક્યો હોય ત્યાં સૂનમૂન બેસી રહેતો. ગમે તેટલી મારપીટ થતી હોય કે ઘાંટાગલોચ થતાં હોય તો એની ઝીણી ઝીણી આંખોથી જોઈ રહેતો. ના રડતો કે ના મોંમાંથી હરફ કાઢતો. એકીટસે તાકી રહેતો, બહુ બહુ તો મોં ફેરવી લેતો. મારી મા કહે છે તેમ ખોળામાં બેઠો હોય ત્યારે એના મોંમાં ગોળની કાંકરી મૂકી દઉં ત્યારે કેવો ખુશ થઈ જાય! ધીમે ધીમે મારા મોંએ હાથ ફેરવતો જાય, એવું હેત કરે... જાણે બધું સમજતો હોય! નાનો હતો ત્યારે એણેય ઘણો માર ખાધો. પણ મોટો થયો ત્યારે એનાથી બધું સહન ના થયું. તેર ચૌદ વર્ષનો હતો ને ઘરમાંથી ભાગી ગયો. ગામેગામ શોધ કરાવી, પોલીસમાં ખબર આપી, સગાંવહાલાંને દોડાવ્યાં. પણ હજી સુધી એનો કંઈ પત્તો નથી. મૂળ તો મારા બાપાનો માર એનાથી સહન ના થયો.

બા કહેતી : ‘અલ્યા, બહુ હુંવાળી ચામડીનો. થોડોક વખત રહી ગયો હોત તો તારા બાપાને મારે એવડો થઈ જાત. આમે હતો જરા લાંબો ને બળુકો, તે મને થોડો સધિયારો રહેત.’

મારી બા પળેપળે એને યાદ કરતી. સારોનરસો પ્રસંગ હોય કે કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય કે તરત એનાથી બોલાઈ જતું, ‘મોટો હોત ને તો...’ અને એની આંખો ભીની થઈ જતી.

ઘણી વાર મને લાગતું કે મોટો મારી બાજુમાં બેઠો છે. મારી સાથે વાત કરે છે. એની ઝીણી ઝીણી આંખો મટમટાવ્યા વિના મારી સામે તાકી રહે છે. મારે મોંએ હાથ ફેરવે છે. હું એને કહું છું : ‘અલ્યા, શું કામ ભાગી ગયો? આપણે બે હોત ને તો બાને બચાવી લેત. બાપાને ઠમઠોરીને સીધા દોર કરી દેત.’ ઘણી વાર રડમસ મોઢું કરીને ઊભો રહેતો. ઘણી વાર ડોકું ધુણાવી ના પાડતો અથવા હાથ ઊંચો કરી મને થોભી જવાનું કહેતો.

હું માને કહેતો, ‘અમસ્તી તું ચિંતા કરે છે, હું છું ને! જરા મને મોટો થવા દે, કમાવા દે. પછી જો તને કેવી રીતે રાખું છું તે. જરાય દુ:ખ પડવા નહીં દઉં.’

મારી મા મને ભેટી પડતી. કહેતી : દીકરા તારા પર બધો આધાર છે મારો તે.

અને ખરું પૂછો તો એને માટે બાપાનો જુલમ સહું છું. નહીં તો ક્યારનોય મોટા ભેગો ભળી ગયો હોત. ક્યારેક કંટાળેલી હોય ત્યારે માથી બોલાઈ જતું, ‘મને બહાર કાઢજે દોઝખમાંથી. હવે તો સહન નથી થતું.’

પણ દોઝખ તો કળણ જેવું છે. એમાંથી નીકળવા જતાં અંદર વધારે ખૂંપાય અને મારું જોરે કેટલું? ઘણી વાર મને મારી નબળાઈ પર ખૂબ ગુસ્સો આવે છે. મોટાની જેમ ચૂપચાપ જોઈ રહેવાનું બની શકતું નથી. એમ થાય છે કે એક વાર તો ઉખેડી નાખું મારા બાપાને. પાંચશેરી ઊંચકીને માથું ફોડી નાખું પણ છાતી ચાલતી નથી. મારું શરીર જોઈને અટકી જાઉં છું.

લ્યો, લોટ દળવાના સંચા પાસેથી મારા બાપા આવતા લાગે છે. એમની ચાલ પરથી લાગે છે કે એમનો મિજાજ બરોબર નથી. મેં આજુબાજુ જોયું. કોઈ વાંકમાં આવ્યો તો ધબેડી નાખશે. અનાજનુંય એવું છે કે ખરરર ખરરર કરતું ગગડી જાય. મેં નીચા વળી તરત અનાજ હાંકવવા માંડ્યું. પણ ત્યાં તો મારા બાપા દુકાનમાં પગથિયાં ચઢતાં ચઢતાં મને જોઈ ગયા. ઘાંટા પાડી બરાડી ઊઠ્યા : ‘સાલ્લા, ઊઠ થડા પરથી, કર્યો ધંધો’ એમ કહીને એમણે મારો હાથ પકડ્યો અને ધક્કો માર્યો.

બા બોલી ઊઠી, ‘લો, દુનિયા જીતી આવ્યા છે તે! રુઆબ જુઓ તો જાણે સિકંદર!’

લાલ આંખ કરી બાપા મારી બા તરફ કૂદ્યા. ગળચીથી પકડી એને બેચાર બરડામાં મુક્કા માર્યા. મારામાં કોણ જાણે ક્યાંથી જોર ઊભરાઈ આવ્યું. મને બહુ ગુસ્સો ચઢ્યો. મગજ ઉપરનું સમતોલપણું મેં ગુમાવી દીધું. એક ગુણને આડી પાડી અનાજ ઉપર મેં કૂદવા માંડ્યું. ફાટેલા સાદે ચીસ પાડી મેં કહ્યું : ‘શું કામ મારો છો? છોડી દો મારી માને, છોડી દો!’

મારા બાપાએ મને અનાજ ખૂંદતાં જોયો અને તેમણે મારી માને છોડી દીધી. હાંફતા હાંફતા તે ઊભા રહ્યા. પછી એના ડોળા ચકરવકર ચકરવકર ફરવા માંડ્યા. મારો કાન પકડી એણે જોરથી આમળ્યો. હું એમનો હાથ પકડવા ગયો એમ કરતાં અમે બેઉ જણ અનાજ ઉપર ગબડ્યા. હાથ છોડાવી, બેઠા થઈ, બાપાએ માથામાં એક ઝટકો માર્યો. આંખે અંધારા આવ્યાં પછી ધમ્મ કરતી એક લાત આવી કેડ ઉપર. બેવડ વળી ગયો. ચીસ પાડવી હતી જોરથી. આખી દુનિયા સાંભળે એવી રીતે રડવું હતું પણ અવાજ નીકળતો નહોતો. કેટલીય વારે જાણે કળ વળી. જોયું તો બાપા ધીમે ધીમે ચાલતા અંદરના ઓરડામાં જતા હતા. હું એમ પડી રહ્યો. સહેજ માથું ઊંચું કરીને જોયું તો બાપા એક પછી એક અંધારા ઓરડા વટાવતા જઈ રહ્યા છે. હીંચકા આગળથી પસાર થાય છે, એક હાથે માથું ખંજવાળે છે, રસોડામાં જઈ પત્નીને કહે છે : ‘ચા લાય,’ પછી ઊભડક બેસી જાય છે. રકાબીમાં ચા ઠારીને પીએ છે. પીતે પીતે ચસસસ ચસસસ અવાજ કરે છે. કોણ જાણે કેમ પણ અવાજથી મારું મન ઉશ્કેરાઈ ગયું. મને ખૂબ ગુસ્સો ચઢ્યો, મારા બાપા ઉપર, એમનાં ઘાંટાગલોચ પર, એમના ધંધા પર, ઊભડક બેસીને ચા પીવાની ટેવ પર, મૂતરવા જતા વાંસના કબલા પર. મારું માથું ફાટફાટ થતું હતું. કેડમાં અને વાંસામાં સખત દુખતું હતું. મને થયું કે દોઝખમાંથી બચી શકાય એમ નથી. ત્યાં બાપા ઊભા થયા, ધોતિયાનો છેડો ઊંચો લઈને વાડામાં ગયા. પેશાબ કરવા કબલામાં પેઠા.

ઓચિંતાં મેં જોયું કે મારી બાજુમાં મોટો કોણ જાણે ક્યારનો આવીને ગોઠવાઈ ગયો હતો. મેં એને કહ્યું : ‘જોને બાપા કેવો ઢોરમાર મારે છે. જોયું ને તેં? હમણાં ધગધગતી ચા પીધી, હવે ધગધગતો પેશાબ કરશે.’

મોટો તો સાંભળી ઝીણીઝીણી આંખોથી કંઈ હસે, કંઈ હસે. હું તો જોઈ રહ્યો. મને અહીં આખે શરીરે સોળ ઊઠ્યા છે. બળતરા ઊપડી છે ને આને હસવું આવે છે. મોટો જાણે મારી મૂંઝવણ સમજ્યો હોય એમ કહે : ‘અલ્યા, બાપાને એકી કરવાની જગ્યાએ રેણ કર્યું હોય તો!’

વાત ઉપર અમે બંને હસી હસી બેવડ વળી ગયા. મેં કહ્યું : ‘ઓહો તો તો એવા કૂદકા મારે! એવા કૂદકા મારે! ભારે મઝા આવે.’

અને ફરી અમે બંને હસવા માંડ્યા. હસતાં હસતાં પહોળા થયેલા હોઠના ખૂણેથી એક ખારું આંસુ મારી જીભ ઉપર સરી આવ્યું. પછી તેનો ખારો સ્વાદ હું મમળાવવા લાગ્યો.

સ્રોત

  • પુસ્તક : વાતમેળો (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : ઘનશ્યામ દેસાઈ
  • પ્રકાશક : અશોક પ્રકાશન મંદિર
  • વર્ષ : 2018