Rankukadi - Short Stories | RekhtaGujarati

રોજની જેમ આજે સવારે પણ મહોલ્લાએ હો-હા કરી મૂકી કોઈકોઈ ઘરમાં ભગવાન જાગી જતાં ઝીણા-તીણા-ખોખરા અવાજની ઘંટડીઓ વાગી ઊઠી. રસોડામાં વાસણોની લે-મૂક, પડવા-ઘસવાની ને નહાતી વખતે ખાલી થતી જતી ડોલના તળિયે અથડાઈને ઘસાતા ટમ્બલરના અવાજો એકમેક સાથે હરીફાઈમાં ઊતર્યા હતા. સાંકડી શેરીમાં શાકભાજી વેચનારાની ‘લીલી લીલી’ બૂમો આંટાફેરા કરતી હતી. કોઈક આંગણે કાટ ચઢી ગયેલાં તબડકાંમાંનાં તાજાં ફળો જોખાઈ ગયાં પછી એક પલ્લાના ખોળામાં બીજા પલ્લાને બેસાડી સંકેલાતું ત્રાજવું એકાદ ચીસ પાડી મૂંગું થઈ ગયું હતું. ક્યાંક સાસુપુરાણ ચાલતું હતું તો ક્યાંક વહુપુરાણ.... સિવાય પણ જાતજાતનાં પુરાણો ધીમા મોટા અવાજે વણથંભ્યાં સંભળાતાં હતાં. ક્યાંક કપડાંની ધબાધબી તો ક્યાંક કજિયાળાં છોકરાઓની પીઠ પર ટપાટપી થતી હતી. ‘દૂધ’, ‘દૂધ’ની બૂમોને બદલે હવે ઢક્... ઢક્... કરતું આવતું ફટફટિયું પહેલા ઘેર ઊભું રહી ગયું ને વાસણ ભેગી ‘ક્યાર્ડ' લઈ નીકળી પડેલી સ્ત્રીઓ કીડીઓની જેમ ટોળે વળી ગઈ. સામે ઓટલે શાક કાપતાં કાપતાં, પોતાની કુટેવ મુજબ લોકોને છેક ઉપરથી નીચે લગી માપતી રહેતી હીરીની નજર આવતી-જતી કેટલીક આંખો સાથે મૂંગી મૂંગી ઝઘડી રહી હતી.

ધાની, ઉપરના ઓરડાની લાકડાની બારી ખોલી જોઈ રહી હતી. મહોલ્લાના એક છોરથી બીજા છોર સુધી ટેવવશ ડોકિયું કરી લીધું. થોડી વાર સુધી અવાજો જંપી જવાની રાહ જોઈને પછી લાગ જોઈને ખભે પર્સ ભેરવી સડસડાટ દાદર ઊતરી પડી.

નીચે ઊતરી ત્યાં સુધીમાં તો બે-ત્રણ જણાં બહાર આવી ગયાં હતાં. ધાનીએ ઉતાવળે ચાલવા માંડ્યું. એણે પાછળ જોયું; ઊભેલાંની આંખો ચોંટી પડી હતી પોતાને!

પરસેવો વળવા લાગ્યો. સવારના સૂર્યનો તડકો કૂણો હતો તોય માથે કોઈ જલદ જ્વાળામુખી ઊંચકીને ચાલતી હોય એવું લાગતું હતું. બાફ થયો હતો. શ્વાસ લેવાનો નહોતો જાણે. મોં ઘડીએ ઘડીએ ઊઘડી જતું હતું. હવાની એકાદ લહેરખી માટે વલખાં મારતી ધાનીએ છેવટે ખુલ્લા મોંએ શ્વાસ લેવા માંડ્યો તેથી એના હોઠ પાસેનો બુરખાનો ભાગ ભીનો ભીનો થઈ ગયો. અંદર થોડું ઠંડું ઠંડું લાગ્યું, પણ એને ગમ્યું.

સાંકડી શેરીમાં સડસડાટ ચાલી જતી ધાનીના પગ સલવાર ભીતર થરથર કાંપતા હતા અને છેવટે જે અવાજથી ફફડતી હતી આટલી તે અવાજ કૂતરાંની જેમ પાછળ પાછળ આવ્યો ‘રા'ણકૂકડી... રા’ણકૂકડી... રા'ણકૂકડી...’

ધાનીએ પાછળ વળીને જોયું. તોફાની મુનિયાની ગેંગ હતી, જે રોજ ગમે ત્યાંથી પોતાને જોઈ લેતી. આજે તે પગમાં સ્લીપર વિના નીકળી પડ્યા હતા. છોટુના એક હાથમાં સાઇકલનું ટાયર અને બીજા હાથમાં લાકડાની ઠંડી હતી. ધાનીને જોઈને બધાં એકીસાથે હસી પડ્યાં. ધાની બરાડી ઊઠી : ‘તમારી માના... ઊભા રહો. આવું છું, ગધેડીનાઓ... કહું છું તમારી માઓને... ઊભા રહો...’

કોઈ ઉપર ધાનીના શબ્દોની કંઈ અસર થઈ. ઊલટું, લલિયાએ તો અંગૂઠો બતાડતાં કહ્યું : ‘હેં...! જા... અબ્બી કે'... મા કહે છે તને. એ... કૂકડી ચાલી... રા'ણકૂકડી નીકળી...'

ધાનીનું હ્રદય થડકારો ચૂકી ગયું જાણે પણ તરત સંભાળવાનો ડોળ કરતી બરાડી : ‘આ સંસ્કાર તમારી માયુના... પછી ફાટી નીકળે ને સાલાંઓ...! કૂવામાં હોય તે હવાડે આવે ને... પણ આજ તો ઊભા રે'જો. ઝાલું તમને...'

છેલ્લા શબ્દો સાંભળતાં ‘મુનિયા ભાગ, ભાગ લાલિયા... ભાગો... ભાગો...’ કહેતાં છોકરાઓએ મહોલ્લા ભણી દોટ મૂકી તોય જતાં જતાં પણ એક બદમાશે ‘રા'ણ કૂકડી' કહીને ચીઢવી લીધી.

- સાલા...! ચાલ્યા ગયા બધા. રોજ જોઈને નીકળું છું કે વાંદરસેના છે નંઈને નીચે. નીકળું છું ત્યારે તો બીકણ બિલાડા ક્યાંક સંતાઈ જાય છે ને પછી છેક નાકે પહોંચવા આવું છું ત્યારે ક્યાંકથી ફૂટી નીકળે છે નાલાયકો! - ધાની બબડી.

વધુ ઝડપથી નાકે પહોંચવા લાગી. એને એક એક ખૂણેથી એક બૂમ સંભળાવા લાગી ‘કૂકડી... કૂકડી... રા'ણકૂકડી... અંદર ગભરાટનું એન્જિન ભભૂકી ઊઠ્યું. અવાજના અંગારા ધખધખતા હતા. અપશબ્દોની સીટીઓ કાનના પડદાને ચીરી નાખતી હતી. તેનું આખું શરીર ગરમ લાય થઈ ગયું.

આખો મહોલ્લો વળોટીને છેક નાકે પહોંચી ગઈ ત્યારે તેનો એકપણ રેખા વિનાનો સપાટ ચહેરો થોડો શાંત થઈ ગયો. એણે બાજુના ખૂણે એક દુકાન ભણી દૃષ્ટિ નાખી.

બે ઘડી થંભી ગઈ.

થોડી વારે ધાનીએ શટલરિક્ષાના સ્ટેન્ડ તરફ જવા માંડ્યું. લાલબજાર જતી એક શટલ ત્રણ પેસેન્જરોને બેસાડીને ચોથાની રાહ જોતી ઊભી રહી. ‘લાલબજાર' કહેતી ધાની સંકડામણમાં પોતાને ગોઠવીને બેસી ગઈ. સંકડામણમાં ગોઠવાઈ જવું એના માટે અઘરું નહોતું જ. નિમ્ન મધ્યમ વર્ગની છોકરીઓ રીતે કેળવાઈ જતી હોય છે. ધાનીએ એક હાથે મોં પરનો બુરખો ચસોચસ પકડી રાખ્યો. બાજુમાં બહાર નીકળીને બેઠેલો યુવાન જાણીજોઈને પોતાના તરફ સરતો હોય એવું લાગ્યું તોયે ધાની ચૂપ રહી. આખા બુરખામાંથી ખાલી એની કથ્થાઈ રંગની આંખો દેખાતી હતી. રિક્ષાવાળાની નફ્ફટ આંખો ઘડીએ ઘડીએ પાછું વળીને જોઈ લેતી હતી. આંખોનો ચેપ જાણે એના હાથનેય ચોંટી પડ્યો. ને તેણે ધાની દેખાય તેમ અરીસો ગોઠવી દીધો. પછી એવી હલકટાઈ દાખવતો, સીટી મારતો આઇટમ ગીત ગણગણવા લાગ્યો. જમણે ખૂણે બેઠેલો પ્રૌઢ એના ચાળા જોઈને ધીમેધીમે હસી રહ્યો હતો.

થોડો ઊબડખાબડ રસ્તો શરૂ થયો ને ધાનીનો હાથ બુરખા પરથી ખસીને નીચે આવી ગયો. પવનના ઝપાટે અડધો ચહેરો ઉઘાડો થઈ ગયો. રિક્ષાવાળાએ જોયું ને અરીસાનું ફોક્સ હતું તેમનું તેમ થઈ ગયું, અવળચંડા હોઠ ગણગણતા અટકી ગયા.

ધાની લાલબજારના બ્યૂટીકેર પાર્લર પાસે ઊતરી પડી. બારણાનો પડદો ખસેડીને સીધી અંદર ચાલી ગઈ. એને જોઈને એક છોકરીએ એપ્રોન પહેરી લીધું. સહેજ પણ ભીડ નહોતી, કોઈ નહોતું. ધાનીને થયું કે પોતે ખૂબ વહેલી આવી ગઈ છે. એપ્રોન પહેરેલી છોકરી નરમાશ દાખવતી બોલી : ‘શું કરાવવાનું છે તમારે ?’

ધાની ધીમેથી બોલી: ‘કંઈ કરાવવાનું નથી. બસ, મળવાનું છે.'

નાનકડા સોફા પર બેસી ગઈ. બાજુની ટિપોય પર જૂનાં છાપાંની પૂર્તિઓ પડી હતી. તેમાંથી એકાદ લઈને ધાની પાનાં ફેરવવા લાગી. અંદરના ઓરડાનો અવાજ છેક બહાર સુધી ચોખ્ખો સંભળાતો હતો. - દક્ષી, કેટલું ક્લિન્ઝિલ્ક મિલ્ક વાપરે છે તું? ડબ્બો ઊંધો વાળી દે છે કે શું મોં પર? પચીસ વખત કહ્યું છે કે જરી અમથું હાથમાં લઈને પાણીનો ભાગ વધારે ઉમેરવાનો. પડ્યા પડ્યા ને બંધ આંખે ક્યાં કોઈને કંઈ દેખાવાનું છે કે તું શું ચોપડે છે ને કેટલું ચોપડે છે? ને હંસલી, તુંય ઓછી નથી. હસ હસ શેની કરે છે? રૂ તું ખઈ જાય છે કે શું? નવી છોકરીને લઈ આવી છે, પણ મંઈ કંઈ ભલીવાર નથી. ધ્યાન એનું ગીતોમાં રહે છે ને હાથ ઠેરના ઠેર!

ને અવાજ અંદરનો ઓરડો ઓળંગીને બહાર ધાનીના ઓરડામાં આવી ગયો. પાર્લરવાળીના સુંદર ચહેરા પર ધાનીની કથ્થાઈ આંખો હારી ગઈ એને જોઈને ધાની ઊભી થઈ ગઈ.

‘શું કરવાનું છે તમારે?’

એપ્રોન પહેરેલી છોકરીએ જવાબ વાળ્યોઃ ‘પહેલાં એને પૂછી જોયું મેં. કંઈ નહીં. ખાલી તમને મળવા માગે છે.'

પાર્લરવાળી ધાની સાથે સોફા પર બેસી ગઈઃ ‘શું કામ હતું?’

ધાનીની જીભ થોથવાઈ ગઈ : ‘એમ હતું કે... અમારા મહોલ્લાની શાલુ... નંઈ, તમારે ત્યાં આવતી'તી પહેલાં, એણે કહ્યું કે તમારે ત્યાં જરૂર છે હેલ્પરની. આમ તો અમારા જેવા સારાં ઘરોની છોકરીઓને તો આવા કામે આવવા પણ દે... કોર્સ પણ કેટલી જીદે કરેલો. ઘરમાંથી તો એમ કહે - ગમે તેવું, પણ કહેવાય તો સુધરેલા હજામ ને? પણ હવે તો કશુંય નથી રહ્યું આવું... બધાં કામ બધાં કરી શકે... મને થયું કે જઈને... ઘેરથી પણ કંઈ નંઈ કહે...’

‘હમણાં તો નવી છોકરીઓને લેવાની નથી આમ તો. એકને તો હંસા લઈ આવી છે, પણ ભઠિયો નથી કંઈ. તારું કામ ગમે તો રાખું પણ ખરી. શું નામ તારું?’

‘ધાની.’

‘હિન્દુ છે તું?’

‘હા.’

‘તો કાળો બુરખો શું કામ ઓઢ્યો છે?’

વચ્ચેથી એપ્રોનવાળી છોકરીએ હસતાં હસતાં કહ્યું : ‘પિચ્ચરોમાં નહીં બતાવતા? એવું. હીરોય પહેરે છે ને ક્યારેક ક્યારેક તો!’

‘તું ચૂપ મર. હું ધાની સાથે વાત કરું છું ને? હા, તો ધાની, શિક્કલ- બિક્કલ દેખું તો તારી?’

‘એમ જ...’

‘લેડીઝ છે બધ્ધી.... આવી રીતે કામ કરીશ તું? શરમાય છે કેમ?’

ધાનીએ કાંપતા હાથે બુરખો ઊંચો કર્યો : ‘બરાબર છે... પણ કામ તો હાથથી કરવાનું છે ને! કોઈ ફરિયાદ નંઈ આવે.’

ધાનીનું વાક્ય પૂરું થાય પહેલાં પાર્લરવાળી ચીસ પાડતી ઊભી થઈ ગઈ.

‘છીછીઈ... બળેલી છે તો આખા મોંએ... બાપ!'

અંદરના ઓરડાની છોકરીઓ પણ શું થયું? શું થયું?' કરતી બહાર ધસી આવી.

‘એકલી આંખો છે આને... ચહેરો નથી આને તો! કમકમાં આવી ગયાં જોઈને જ. તું શું કરવાની હતી ઘરાકોને... પાર્લર ચલાવવાનું છે મારે. શું જોઈને આવી હશે અહીં?’

કથ્થાઈ રંગની આંખો છલકાઈ ઊઠી.

ઘેર જતી વખતે આખા રસ્તે ચહેરા પર ઍસિડ ઢોળાતું રહું. બળતરા શમતી નહોતી. સજા મળી હતી ‘હા' પાડવાની. ધાનીને થયું કે અબઘડી તેજાબ નાખનારના ચહેરા પર રેડીને એને કહે કે ચેહેરો હોવાની પીડા કોને કહેવાય? કચરો જોઈને લોકો થૂંકી પણ નાખે. તો થૂંકવાને લાયક પણ કહેવાય! બળતરાના અંધકારનો રંગ કાળા રંગથીયે બદતર!

બળી ગયેલી સાંજે લોકોના બોલાયેલા શબ્દો પડઘાવા લાગ્યા.

એના ખુદના મોં પર કે મા-બોનના મોં પર કોઈ આવી રીતે છાંટી ગયું હોત તો ભાન પડત. આંખ ફોડી લેવાય મૂઆની. આંખના બદલે આંખ, મોંના બદલે મોં.. કોરટે છૂટ આલવી જોયે... કહું છું, એની જોડે પઈણાવીને સજા અલાય. જિંદગી આખી ઉતરડાયેલ ચામડી સંગાથે કાઢવી પડે તા’રે પસ્તાવો થાત...

પોતાના પક્ષે બોલાયેલા શબ્દો માટે આજેય ધાનીને ડૂમો ભરાઈ આવ્યો - જાણે હું તૈયાર થઈ જાત! ચામડી ઉતારનારને આયખું આપું, કેમ? આટલી સજા ઓછી ના પડી લોકને તે.. ને આવું બોલતી વખતે એમની બહેન-દીકરીઓ નંઈ દેખાતી હોય લોકને?

ગલીના નાકે પહોંચી.

‘રા’ણકૂકડી’ના અવાજોના આવનારા વંટોળથી તે કાંપવા લાગી. એની ઉદાસ નજરો ખૂણાની એક દુકાનને તાકી રહી. એની કથ્થાઈ રંગની આંખો અંદર ઊભેલા ઈવાનને તાકી રહી : પગ તરફ વળી ગયા.

ઈવાને નરમાશથી પૂછ્યું : ‘શું આપું તમને?’

ધાની નિરુત્તર રહી. ફરીને ફરીને અવાજ આવ્યો : ‘શું આપું તમને?’

ધાનીએ એકાએક ચહેરા પરથી બુરખો હટાવી લીધો. એણે જોયું કે ઇવાનનો ચહેરો સળવળ્યો નહીં. ધાનીએ કહ્યું : ‘ઓળખી તો લીધી હશે. હું... હું... રા'ણ...'

વચ્ચેથી ઈવાને કહ્યું : ‘હા... ધાની ને? બોલ, શું જોઈએ છે તમને?’

ધાનીનું અંતર ભરાઈ આવ્યું: ‘હવે કંઈ નહીં...’ કહીને તેણે ઘર તરફ ચાલવા માંડ્યું.

પોતાના ઓરડામાં જઈને એણે અંદરથી સાંકળ વાસી દીધી. ઘરના લોકોએ ખૂબ બારણું ખખડાવ્યું તોયે તેણે ખોલ્યું, પણ બારણાની ફાટમાંથી આવતા નાનીના અવાજે તે ઊભી થઈ ગઈ અને બારણું ખોલી નાખ્યું.

ઘરડી નાની રઘવાઈ રઘવાઈ ઊભી હતી. પેલા તોફાની છોકરાઓ કરતાં વધારે ગુસ્સો તો ધાનીને સામે ઊભેલી નાની પર આવી ગયો. હતી જે પોતાને જોઈ જોઈને નિઃસાસા નાખતી રહેતી. વહાલ કરતી હતી, હવે વધારે કરે છે... ને આખો દિવસ માતાજીના ફોટા સામું જોઈ જોઈ બોલ્યા કરતી હતી તેવું એણે ઓટલા પર ને તેય બધા વચ્ચે કહી નાખ્યું : હાય મા! લીલી લીલી દરાખ જેવી મારી છોડી... કેવી રા'ણકૂકડી મરી મેલી રે, મા અંબે! ને ત્યારથી લોકો એને નામે બોલાવતા હતા. માટે તો મહિનાદા'ડા સુધી એની સાથે બોલી પણ નહોતી, પણ તોય ગમે તેમ પોતાની વહાલી નાની હતી. એની સાથે બોલ્યા વગર ચાલે એમ ક્યાં હતું?

નાની અંદર આવી કે તરત ધાનીએ એમના ખોળામાં માથું નાખી દીધું. ક્યાંય સુધી રડતી રહી. કરચલીવાળો, કંપતો એક હાથ ધાનીના માથા પર ફરી રહ્યો હતોઃ ‘શું કામ નાની, મારી સાથે બનવાનું હતું? શું બગાડ્યું હતું કોઈનું મેં? ને નાની, લલાટે લખ્યું હોત તો ઉપરવાળાએ કોઈ ધનવાનને ઘેર જનમ આલવાની રહેમ પણ કરી હોત તો...’

ધાની ક્યાંય સુધી રડતી રહી, પણ એકાએક તેને ઈવાનનો ચહેરો યાદ આવ્યો. ઈવાન, ખૂબ ગમતો ઈવાન. એક તે પણ હતો, જેણે ચહેરા વિનાના ચહેરાનો જોયા પછીય નાકનું ટેરવું નહોતું ચઢાવ્યું કે ઊબકા જેવું કશુંય નહોતું આવ્યું. બાકી દુનિયા જખ મારે!

એક ક્ષણમાં એણે પોતાનો ચહેરો મેળવી લીધો જાણે. રાત જંપી ગઈ હતી.

બીજી સવારે ઉઘાડા મોંએ ઓટલે ઊભી રહી. ફળવાળો બે ઘર દૂર હતો. તેણે બૂમ મારી. ફળવાળાની સાથે લારીએ ઊભેલો લલિયો પણ દોડી આવ્યો. ધાનીને જોઈને ક્ષણ હેબતાઈ ગયો. એનું મોં કંઈક કહેવા ઊઘડ્યું, પણ તે કંઈ બોલે તે પહેલાં તો ધાનીએ ફળવાળાને મોટા અવાજે કહ્યું :

- દ્રાક્ષ આપોને, લીલી, પાંચસો ગ્રામ!'

(‘મમતા’ માર્ચ, 2012)

સ્રોત

  • પુસ્તક : પન્ના ત્રિવેદીનું વાર્તાવિશ્વ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ભરત ઠાકોર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2023