Rani Bilado - Short Stories | RekhtaGujarati

રાની બિલાડો

Rani Bilado

મોના પાત્રાવાલા મોના પાત્રાવાલા
રાની બિલાડો
મોના પાત્રાવાલા

વાંસદાથી દક્ષિણે ઊંડાણમાં સાવ નાનકડા એવા ખાંભલા ગામમાં સાંજ રાનીપગલે ઊતરી આવી હતી. મહુડા, વાંસ, ખેર અને સાગ વચ્ચે પરાળ નાખી ગારમાટીનાં લીંપેલાં-ગૂંથેલાં એકલદોકલ ઝૂંપડાં ઊભાં હતાં. કાંટાળા થોરિયાની વાડોથી ખેતરો બંધાયેલાં હતાં. ઝૂંપડાંનાં ટોળાંથી દૂર મોટા ઝૂંપડા જેવું ધનીનું ઘર હતું. ફરતે કાંટાળા ભૂંગરા થોરિયાની વાડ ને વાડો પહોળો, લાંબો હતો. એમાં મરઘાં, કૂકડાં ને બતકાં એની માવજત તળે મોટા મોટા ઝીલામાં પુરાતાં-ચરતાં રહેતાં. ઘરને અડી વાસનું મોટું અડાબીડ ઝુંડ, આંગણે મહુડાનું તોતિંગ ઝાડ, એની છાયામાં ધનીનું ઘર ખોવાઈ ગયા જેવું હતું. કરાને અડી ધનીની પાંચેક વીઘાં જેવી ખાડા-ટેકરી જમીન હતી. એમાં શાકભાજીના ક્યારા. ઘર પાછળ રેતાળ પટવાળી ઝાંખરી નદી વહેતી. આડત્રીસ-ચાળીસની ધની ભારે કામણગારી હતી. મરઘાં-બતકાંને સ્વજન જેવાં ગણી જીવતી હતી. એના ઘર આગળ ગામના નાકે, પારસી શેઠ પેસ્તનજી તાંગરીવાલાનું પહોળું મકાન હતું. પેસ્તનજીને પચાસ વીઘાંની વાડી અને પચાસ એકર જમીન હતી. મન થાય ત્યારે ધની કામે જતી. ઘેર રહી દાંતને તપખીર ઘસતી : હોબ કામ કયરું બાઈ : કહી એના માંસલ, કાળા પગ લંબાવી હતું-હસું થતી આંખે બેસી રહેતી. આજે પેસ્તનજીને ત્યાં જવાનું હતું. એનો પાઠરા મરઘા જેવો દીકરો દેવુ, વાંસદા ગયો હતો. સાગનો સોટો, સત્તર-અઢારની ઉંમર. દેવુ ભારે ખીજણિયો. બીજી કોઈ વાતે નહીં તોય પેસ્તનજીના દીકરા શાવકશાની વાતે ધગી ઊઠતો. શાવકશા એને દીઠો ગમતો હતો. એની વાડીમાં તાડ-નીરો ઉતારવાનું કામ દેવુ પતાવતો.

સવારથી ધની બબડતી. વારેઘડી વાડામાં આંટાફેરા માર્યા કરતી. મરઘાંના ટોપલા જોઈ મનોમન બબડી પાછી ફરતી. કારતકની સાંજ થતાં સાગ-વાંસના જંગલમાંથી શિયાળિયાં અને રાની બિલાડા ઝૂંપડાંની વસાહત તરફ નીકળી પડતાં. ટાઢની રાતો ભારે ચુપકીદીથી વીતતી. મધરાત પછી અચાનક સન્નાટો ભેદી કૂકડાં--મરઘાંનો કકળાટ નિર્જનતા ભેદી જતો. રાતે અચૂક કોઈકના ને કોઈના ઝૂંપડામાંથી મરઘાં-બતકાં ઊપડી જતાં.

સાંજ પડી ગઈ હતી. દેવુ હજી નહોતો આવ્યો. ધની વારેઘડી વાંસદાના રસ્તે આછા અંધારામાં તાકતી હતી. રસોડે મોટી વાટવાળો દીવો ભડભડતો હતો. ચૂલે તેતરનું શાક ચડાવેલું હતું. ઘણી રાહ જોઈ ધની લાલ જુવારના રોટલા ટીપવા બેઠી. દેવુ અઠવાડિયા પહેલાં થોરિયાની વાડમાંથી તેતર પકડી લાવ્યો હતો. એને રાંધવાને બદલે ધનીએ મરઘાં-બતકાં સાથે બાંધી મૂક્યું હતું. એનું શાક દેવુ આજ બને કાલ બને એની રાહ જોતો હતો. ધની તેતર મરઘાં-બતકાં સાથે હળીભળી જાય એની રાહ જોતી હતી. આખરે દેવુએ ખીજમાં ને ખીજમાં તેતર હલાલ કરી નાખ્યું. ધનીએ કકળાટ કરી મૂક્યો. રાત-મધરાતે રાની બિલોડો મરઘું-બતકું ઉપાડી જાય ત્યારે કકડાટ કરતી એમ જ.

ધની શાવકશાના વિચારોમાં ગોથાં ખાતી રોટલા ઘડ્યે જતી હતી. શાવકશા રૂઢિગાંડા બાપનો વંઠેલ દીકરો હતો. મૅટ્રિકમાં નાપાસ થતાં પેસ્તનજીએ તેને જંગલ વચ્ચે પોતાના ખેતરે મોકલી દીધો. પેસ્તનજી વકીલને માટે નૉન-મૅટ્રિક દીકરો શરમજનક હતો. ઉજ્જડ પડી રહેલાં ખેતર સાચવનારો જોઈતો હતો તે પેસ્તનજીને શાવકશા મળી ગયો. પહેલા દિવસે એને ગારમાટીવાળા ઘરમાં માથે હાથ મૂકી રડવાનું મન થયું હતું. સુરતના વિશાળ નકશીદાર મકાનમાં રહેવા ટેવાયેલો શાવકશા બાપ સામે ધીંગાણે ચડી ગયો હોય એમ ખેતર ને વાડી એમ પડ્યાં રહેવા દઈ ડાંગર, તાડી અને નીરા પર ખેતરની કમાણી કરી જીવવા માંડ્યો. ઘરનાં બધાં કામની મુખ્ય બાઈ ધની હતી. શાવકશાથી સાત-આઠ વર્ષ મોટી. શાવકશાને પોતીકી લાગતી, ધની દેવુની ખીજ સમજી શકતી નહોતી. ખભે ટોપલો ઉપાડી દેવુ ઘરે આવ્યો. રસ્તામાં શાવકશા ભેટી ગયો હતો. દેવુ ધૂંધવાયેલો હતો.

શાવકશા જમી પરવારી કાળામેશ પલંગ પર ડોળા ઘુમાવતો સૂવાની વેતરણમાં હતો. પિત્તળનું ફાનસ ધીમી વાટથી સળગતું હતું. શાવકશા દેવુના ખ્યાલોમાં માર ખાઈ ગયો હોય એમ તગતગતી આંખે ફાનસને તાકતો હતો. એને થતું હતું કે એનાં લગ્ન ભરૂચ કરો કે વલસાડ કંઈ ફેર પડવાનો નથી. બાળપણથી પેસ્તનજીએ ધાર્યા મુજબ શાવકશાને જીવવા મજબૂર કર્યો હતો. પરણવાનું પણ એમની ઇચ્છા મુજબ થાય. ધની એની સારસંભાળ જતનથી કરતી, એટલે પતેતીના દિવસે પણ શાવકશા વાંસદા જવા તૈયાર નહોતો. ધની એની સલાહ-સૂચન મુજબ મોળાં દાળ-ચાવલથી માંડી ધાનશાક - બધું બનાવતી.

બે-એક દિવસથી નીરો ઉતારવાનો હતો, પણ દેવુએ દર્શન દીધાં નહિ એટલે પલંગ પર સૂતો-સૂતો શાવકશા દેવુંને મનોમન ભાંડી રહ્યો. ઓછું હોય એમ જૂનો રખેવાળ જેવો નોકર નારણ મહુડાનો દારૂ બનાવતો હતો એય હમણાં જાણે શાવકશાથી થાક્યો હોય એમ શાવકાશાને જોતાં આડો કતરાઈ જતો. શાવકશાને થતું, અહીં તો ચારેકોર દુશ્મનો છે. નારણની દાનત પહેલેથી ધની પર હતી. આજે આખો દિવસ દેવુ કે નારણ બેમાંથી એકેય ખેતર પર ડોકાયા એટલે શાવકશા ધૂંધવાઈ ઊઠ્યો. એને અપમાન થતું લાગ્યું. બસ, અચાનક ઊભો થઈ બાર બોરની બંદૂક અને સીસમની લાકડી કાઢી વાડાના બારણેથી ઝડપભેર રવાના થયો.

વાંસનાં ઝુંડ ને કાંટાળા થોરિયાની વાડ વચ્ચે શાવકશા રાની બિલાડા જેવો ઝૂંપડાં વચ્ચે આવી ઊભો. છૂટાં-છવાયાં ઝૂંપડાં નીરવતામાં ગુપચુપ ઊભાં હતાં. એણે નારણનું ઝૂંપડું શોધ્યું. નારણ મહુડો ઢીંચી નિરાંતે ધનીનાં સપનાં જોતો ઝોળી થઈ ગયેલી ખાટલીમાં પડ્યો હતો. અચાનક સીસમની લાકડીના સપાટા ઢગરા અને સાથળ પર ઝીંકાવા લાગતાં નારણ ચમકીને ઊભો થઈ ગયો. શાવકશાનો હાથ પકડવા ગયો કે બીજા હાથની બંદૂકથી શાવકશાએ વાંસના ઝૂંડ તરફ ધડાકો કર્યો. ધડાકાથી ગભરાઈ ગયેલો નારણ શાવકશાના પગે આળોટી પડ્યો : માફ કરો, કાલથી કામ પર આવા, હેઠ... કહેતોક લગભગ રડી ઊઠ્યો. દોડી ઝૂંપડામાં ગત કરી ગયો. શાવકશાએ દિશા ગજાવતી ત્રાડ નાખી : કાલે બેનચોડ સવારની પો'રમાં કામ પર મરજે ની ટો જાનથી મારી નાંખશ. : સીસમની લાકડી ખાટલાની ઈસ પર પછાડી એના ઘેર રવાના થયો. માંડ જંપેલી ધની કોલાહલ સાંભળી જાગી ઊઠી. થયું કોઈકના વાડામાં રાની બિલાડો આવ્યો હશે કૂકડાં-મરઘાં પકડવા. એટલે બંદૂકનો અવાજ ગણકાર્યા વગર સુઈ રહી.

લેંઘો ઊંચે ચડાવી શાવકશા સીસમના ઢોલિયા પર પડ્યો હતો. વાડાનું બારણું ઉઘાડું હતું. ત્યાંથી ક્યારેક ધની, મહુડાના દારૂની અસર વધારે થઈ હોય ત્યારે, રાતે ખીલી ઊઠતી ને ત્યાં આવી જતી.

દિવસોથી દેવુ ખેતરે અનિયમિત આવતો હતો. શાવકશા નારણથી કામ નિભાવી લેતો હતો. દેવુ દીઠોય ગમતો હતો. શરૂમાં અહીં આવ્યો ત્યારે ધની કામવાળી હતી ત્યારે દેવુ પર ઝેર હતું. જ્યારથી ધની રખાત બની ત્યારથી વાત વણસી ગઈ. દેવુ છેલ્લા પાંચેક દિવસથી કામ પર આવ્યો હતો. શાવકશા ધૂંધવાઈ ઊઠ્યો હતો : મારો ઢંઢો બંઢ કરી દેવાનો કે સું? તારી-નીરો કોન મારો બાપ ઉટારવા આવસે કે? એક વાર માણસની ખોટમાં શાવકશા નાની ખજૂરી પર નીરો ઉતારવા ચડ્યો હતો ત્યારે બેય સાથળ લોહીઝાણ કરી ઊતરેલો. દિવસ પછી એણે ક્યારેય ફરી જોખમ ખેડવાની હામ કરી નહીં. અત્યારે યાદ આવતાં સવારમાં શાવકશા સીસમના પલંગ પરથી ઊતરી બહાર ચોકમાં બેઠો. ભરભાંખળું થવા હજી વાર હતી. દેવુ અને નારણ દોરડાં અને માટલાં લઈ ખેતરમાં તાડિયા ને ખજૂરી પર ચડવાની મથામણમાં હતા : કાલે રાતનો તે બેનચોડ હેઠ મારવા આવેલો જો. સાતી પર ચડી બેહતે કે ની તો : ખી ખી કરતો નારણ નહોર ભેરવી સડસડાટ ઊંચે ખજૂરી પર ચડી ગયો. દેવુ તાડફળ પાડવા માંગતો હતો એટલે રેંટિયાકૂવા પાસે ઊંચા તાડિયા પર ચઢ્યો : એય દેવલા, પેલ્લા ખજૂરી પર ચડ ની. : હેઠ જોઈ ગીયો કે ની તો માયરા વગર મૂકહે ની. નારણ દેવુને તાડિયા પર ચઢેલો જોઈ બોલ્યો : ઉં તો ગેદલી ખાવાનો સે. હેઠ આવે તે પેલ્લા પાડી લેમ કે ની, કહી દેવુ સડસડાટ ઊંચે ચડી ગયો.

પો ફાટી ત્યારે શાવકશા લેંઘા ને સદરા પર --- કાંટાળા ભૂંગરાની વાડમાં રોન મારવા નીકળ્યો હોય તેમ લાગતું હતું. એની બાજનજર સસલાં, તેતર પર હતી. નારણે દૂરથી શાવકશાને એર-ગન લઈ આવતો જોયો. ધબકારા વધી ગયા. ઊંચા તાડ પરથી તાડફળ ઉતારી નીચે ઊતરતા દેવુએ શાવકશાને રેંટિયાકૂવા પાસે એર - ગન લઈને ઊભેલો જોયો, એનોય જીવ ઊડી ગયો. હાથ-પગ થથરવા લાગ્યા. સમતુલા જાળવે પહેલાં પગ છૂટી ગયા. શાવકશાએ રામતારડિયા પાસે પીળા-કેસરી થઈ ગયેલાં તાડફળ નીચે પડેલાં જોયાં. કંઈ સમજે પહેલાં રેંટના ઘડુ પર પછડાઈને દેવુ બેભાન થઈ સીધો કૂવાની અંદર. શાવકશા મહુડાના નશામાં હતો, પણ કૂવામાં અચાનક ધબાકાથી એનો નશો ક્ષણમાં ઊતરી ગયો. ગાંડાની જેમ રાડો પાડવા માંડ્યો, ના..ર...ન. કાં મરી ગીયો... જલદી આવ... અંઈયા આવ...જોટો, આંય સું ઠીયું... ખોડાયજી... આંય સું ઠીયું... : શાવકશા લગભગ રડી પડ્યો. શાવકોની ચીસથી નારણે સડસડાટ ખજૂરી પરથી ઊતરી આવ્યો. તેનાં સાથળો, હાથ અને છાતી છોલાઈ જતાં લોહની ટશરો ફૂટી નીકળી. કાંઈ પણ વિચાર્યા વગર સીધો કૂવાનાં પગથિયાં ઊતરી ગયો. શાવકશા કૂવામાં ડોકિયું કરી રહ્યો. દેવુના માથા પાછળ સખત વાગ્યું હતું. પડતાં સાથે પ્રાણ ઊડી ગયા હતા.

*

જેઠનો આકરો તાપ. અગનવર્ષા થતી હતી. બપોરે રાતી ધૂળ ઊડતી રહેતી. તડકામાં ઝૂંપડાં ઘેનઘેરાં પડી રહેલાં લાગતાં હતાં. ભરબપોરે વગડો સન્નાટી ગયો હતો. શાવકશા ખાખી ચડ્ડી--બાંડિયા ગંજીમાં ઓસરીમાં પડેલ ખાટલે દારૂના નશામાં સૂતો હતો. ધની અંદરના ઓરડે ગારમાટીમાં ભરચક દેહ પાથરી આળોટતી હતી. ગારમાટીમાં ટાઢક લાગતી હતી. દેવુના મોત પછી શાવકશાએ ધનીને એના ઘરે રહેવા ખૂબ સમજાવ્યું. ધની મરઘાં-બતકાંનો વાડો મૂકવા તૈયાર હતી. આખરે કંટાળી એક દિવસ શાવકશા ધનીના ઘરે ચાલી આવ્યો. વાંસદાથી પેસ્તનજી અને બીજા કેટલાક સગા શાવકશાને સમજાવવા આવ્યા. બાપને જોઈને ભુરાંટો થઈ ગયેલો શાવકશા બરાડી ઊઠ્યો, : મૅટ્રિકમાં ફેલ ઠેયલો ટારે ટમે ગાન પર લાટ મારી ખદેરી મૂકેલો ને? ટો જાવ અવેઠી ઉં અંઇયા રેવસ. નીકલી જાવ બઢ્ઢ઼ા...: પેસ્તનજી પછી ઘણી વખત દીકરાને સમજાવવા આવતા. ધીમે ધીમે દીકરાને પારસીમાંથી રાની થતો જોઈ પેસ્તનજીને એની ભૂલ સમજાઈ ગઈ. ધૂંધવાઈને એમણે વાડી અને ખેતર એમ બધું શાવકશા પાસેથી ઝૂંટવી લીધું. જૂના નોકર નારણને બધો કારભાર સોંપી પેસ્તનજી દીકરાથી પરવારી ચાલી ગયા. હવે ક્યારેક નારણ દારૂના નશામાં સીસમના ઢોલિયા પર પોતાને શાવકશા સમજી ચઢી જતો. પણ પછી સીસમના પલંગ પર સૂતાં બધો નશો ઊતરી જતો. વીલા મોંએ પલંગથી ઊતરી પાછલા ઓરડા પાછળ ગારમાટીની ઝૂંપડીમાં જઈ લાંબો થઈ જતો.

છએક મહિને ધનીને દીકરાનો શોક ઓસર્યો. દેવુના દા'ડાને દિવસે લોટની વિધિ કરી. એમાં કૂકડાની યોનિમાં ગયો હતો એવાં પગલાં સવારે જોવા મળ્યાં. તપખીરવાળા કાળા દાંત બતાવતી, હંઅઅ સુખી જીવ સે, કહી મોઢું ભરી ખુશ થઈ. વાડાની ઓસરીના ભાગે ઝીલામાં, એનો કાળો ડોકું કાપેલો મરઘો, પેટનો પોટો નીકળું નીકળું થતાં, ગારમાટીમાં લોહીઝાણ પડેલો હતો. રાતે રાની બિલાડો વાડામાં ઘૂસ્યો હતો. બે કૂકડામાંથી, કાળો કૂકડો રાની બિલાડાની ઝપટમાં ચઢી ગયો. મરઘાં-બતકાંના કકળાટે ધની અને શાવકશા ઊઠી ગયાં. શાવકશાએ નશામાં રાની બિલાડાને મારવાને બદલે એક મરઘાને ઢાળી દીધો.

ચોપાસ ગાઢ અંધકારથી વીંટળાયેલા ઘરમાં ખૂબ ધીમી વાટે ફાનસ ટમટમતું હતું. બહાર અંધારામાં શાવકશા બીડી સળગાવી : સાલું ખોટું ઠેઈ ગીયું, બબડતો વાંસડાના ઝુંડમાં તાકતો બેઠો. ધનીના મન પર દેવુની ધૂંધળી છબી ઊપસી આવી. તોતિંગ ઊંચા રાવણતાડિયા પરથી તે ગબડી પડ્યો ત્યારે તેનાં સાથળ અને છાતી છોલાઈને લાલચોળ થઈ ગયેલાં. રેંટિયાકૂવાનાં ઘડુ સાથે પટકાઈને તેની ખોપરી ફાટી ગયેલી. કમકમાટી ઉપજાવતો લોહીઝાણ દેહ ઘડુ પર ટાંગા ઘસતો પડેલો એની આંખ આગળ ઊપસી આવ્યો. ધનીએ ઊઠીને ફાનસની વાટ વધારી ને વાડામાં ગઈ. ઓસરીમાં ડોકું કાપેલો તોતિંગ કૂકડો ટાંગા ઘસતો દયામણી આંખે ધની સામે તાકી રહ્યો. લોહીના ખાબોચિયામાં તરફડતા કૂકડા પર ચાંગળું પાણી છાંટી ધની કૂકડાની પડખે ઉભડક બેઠી. પણ હાલત જોઈ શકતાં લથડતાં પગલે ઘરમાં આવી ફસડાઈ પડી. દારુણ વલોપાતે તેની આંખોમાંથી રગેડા ઊતરવા માંડ્યા. દેવુના કમોત વખતે તેનો દેહ જોયેલો તે મનપટ પર ઊભરાતાં ધની આઘાતથી બહેરી બની ગઈ. ઓસરીમાં ગારમાટીમાં પડેલા દેહને હૈયાફાટ રુદન કરતી તે વળગી પડી હતી. દેવુની ફાટેલી આંખો ધનીને તાકતી હતી. ધનીની આંખ આગળ મરેલા દેવુની આંખો ને તરફડતા કૂકડાની આંખો તરવરી રહી... ને સંઘરેલી વેદના પાળ તોડી વહી આવી. ધનીનો ઠૂઠવો ભેંકાર રાતે વધારે કમકમાટી ઉપજાવતો હતો. બહાર બેઠેલો શાવકશા દારુણ દુઃખના ઠૂઠવાથી થથરી ગયો.

ઓસરીમાં શાવકશા બપોરનું ખાધા-પીધા વગર દારૂ પી પડ્યો હતો. ભૂલથી મરઘો મરાઈ જતાં ધનીએ એને ખાવાનું આપ્યું હતું. શાવકશા પણ મરઘો મારી પસ્તાઈ રહ્યો હતો : અરે પન અહીં ટો ઊંઘમાં ઉટો. સાલુ મને એમ કે વાઘ-દીપડો ઘૂસી આયો કે સું? પન મરે રે નસીબ ફૂતેલા. તે ભોંકિયોબિલારો નિકલ્યો. કકલાટ સમજીને એમ બી ઠીયું કે મરગાં ઉપારવા વાઘ-બાઘ આવેલો ઓસે. ની ટે પછી ટને ઉપારી જવા વાસ્ટે ચોર-લૂંતારા આવેલા ઓસે. પન લોકો તને લઈ જઈને કરે બી સું? મૂંઆ ટને લેય ગીયા ઓય કે ની ટો ધોરા-ગધેરા ખઈ ફૂટરાને હરકવા ઉપરે એમ લોકોને બી હરકવા થઈ જટે : શાવકશાની આવી ગમ્મત ધનીથી સહન થઈ નહિ. ગાળો વરસાવતી શાવકશાને મારવા દોડી. સવારના પહોરમાં બન્ને વચ્ચે જોરદાર ઝઘડો જામ્યો. શાવકશાએ હજાર વાર ભૂલ કબૂલ કરી, પણ ધની માનવા તૈયાર નહોતી.

ધની પાસે પાંચ મરઘાં હતાં. એક કાળો, અત્યારે ઘાયલ હતો. બીજો તગડો ને ખૂંખાર, લાલ રંગનો કૂકડો હતો. બીજા ત્રણ સાધારણ રાખોડી રંગના કૂકડા હતા. બધાને જીવની જેમ સાચવતી. દેવુના મોત પછી ધની લાલ કૂકડાની વધારે કાળજી કરતી. લાલ કૂકડો જાણે દેવુનો અવતાર હતો. ગમે ત્યારે એને ખોળે બેસાડી લાડ લડાવતી. શાવકશા જોઈ ચાળા પાડતોય ખરો, : મરેરે, અંઈયા ટો અમારા કરટાં મરઘાં-બટકાંનાં નસીબ સોજ્જાં. ઢનકી, આંય મરઘાંને શું બચુ બચુ કરેય? ખોરામાં એનાં કરટાં અમુને બેસારની. શાવકશાએ : આંખ મીંચકારી. ધની બરાડી ઊઠી : સિન્નાળ, જા તું તંઈ મર તું કોમડો સે, ભડવા? ભોંકિયો બિલાડો સે તું તો, લાંબા હાથ કરી ભાંડવા લાગી. શાવકશા ખાખી ચડ્ડી પહેરી ભોંકિયાબિલાડા જેવો ઘૂરકી રહ્યો.

વાડામાં નરાદમ શાંતિ હતી. એકાદ-બે ખુરક મરઘી વચ્ચે વચ્ચે વાંસનાં ઝુંડ બાજુ કકળાટ કરતી. ધની ગારમાટીમાં નિરાંતે પડી હતી. એનો જીવ ઉચાટમાં હતો. મિજાજ વીફરેલો હોય એવો આકરો તડકો વરસી પડ્યો હતો. કાલે મરઘાંનાં ઇંડાં લઈ વાંસદા જવાનું હતું. પાંચ-સાત દિવસનાં ઇંડાં ભેગાં કરી વાંસદા પારસીની દુકાને આપી આવતી હતી. ગઈ કાલે શાવકશાએ ભૂલથી મરઘાને મારી નાખ્યો એટલે વાંસદા જવા અચકાતી હતી. આકળવિકળ ધનીને કંઈ સમજ નહોતી પડતી. થોડાક દિવસથી નારણ અવારનવાર બેસવા આવતો હતો. નારણના ચાળા સમજી ગઈ હતી, પણ

ગણકારતી નહોતી. ગઈ કાલે એણે જે કહ્યું એનાથી એનું મગજ ચકરાવે ચડી ગયું હતું. પીળાપચ દાંતે હસતો નારણ ઠાવકા ચહેરે બોલ્યો હતો. દેવને કૂવામાં શાવકશા નાખી દે વાત ધ્રુજાવી જતી હતી. રાત-મધરાત રાનીપશુ મરઘા તફડાવવા આવે અને ફડક સાથે જાગી જતી, એવી શાવકશાથી છળી ઊઠી હતી. તડકાથી ચળકતા આભમાં રાનવગડાની ભૂખરી સમડી ચકરાવે ચડી હતી. એનો પડછાયો જમીન પર ઊડતો જોવા મળતાં મરઘાં ત્રાંસું ડોકું કરી ઊંચે જોવા મથતાં. સમડી નીચે ઊતરવાને બદલે વાડા પાછળ તોતિંગ સાદડનાં ઝાડ ટોચે બેસતી બેસતી ઊડી જતી, ફરી ચકરાવે ચઢતી.

સાંજના ચારેક વાગ્યે શાવકા ઘરેથી નીકળી પેસ્તનજીએ ઝૂંટવી લીધેલા ખેતરે રખડતો-રખડતો પહોંચ્યો. રેંટિયાકૂવાની પાળે નારણ તાડીનો પડિયો લઈ ઉભડક બેઠો હતો. શાવકશાને જોઈ, તે આવો હેઠ, કહેવા ગયો, પણ પછી તરત અટકી ગયો. વીલા મોંએ પણ ખીજમાં એમ બેસી રહ્યો : સોજ્જી તારી મલસે કે? :

શાવકશા નારણ તરફ આવતાં બોલ્યો : સોજ્જી તારી તો સે પણ સોજ્જા ફદિયા સે કે? : નારણે શાવકશાનો ચાળો પાડ્યો : ફડિયા-ફડિયા સું કરેચ? કોઈ દિવસ જોયાચ કે ની? લે આંય ફડિયા...: કહી નારણ તરફ શાવકશાએ ચાર આના ફેંક્યા. નારણે ખી ખી હસી, ચીલઝડપે ચાર આના ઊંચકી લીધા, તમે હો હું હેઠ, લે લે : એણે તાડીનું પડિયું ધરી દીધું. પડિયું મોઢે માંડી શાવકશા એકશ્વાસે તાડી ગટગટાવી ગયો. પેટ પર હાથ ફેરવતાં બોલ્યો, ભૂખ બવ લાગીચ નારન...

: જાવની હેઠ એકાદ કોમડું લીયાવોની હેકી કાઢીએ.:

: મરેરે ઉં કાં કોમરું લેવા જાઉં. શાવકશાએ ચડીના ખીસામાંથી બીડી-બાકસ કાઢ્યાં. પારસીશાઈ ટોપી અને લેંઘો-સદરો ભૂલી હવે ખાખી ચડ્ડી ને બાંડિયા ગંજી પહેરતો થઈ ગયેલો. -- ઉં કોમડું ગમે તાં’થી લીયામ ને હેકી હો કાઢું, પણ મને રૂપિયા આપ્પા પડહે... કહી નારણ ગંદા વાળમાં આંગળાં ફેરવી રહ્યો.

જા લઈ આવ જોઉં. ઉં અંઈયા બેસુંચ... જા જલડી મર, શાવકશા ખીજમાં બરાડ્યો કે નારણ ધ્રૂજી ઊઠ્યો. ગભરાટમાં લાંબા ડગ ભરતો ઝડપથી અદૃશ્ય થઈ ગયો.

સાંજ ઊતરવા આવી હતી. નારણ થોરિયાની વાડ પાછળ લપાઈને બેઠો હતો. ધનીનાં કેટલાંક મરઘાં ચરતાં હતાં. નારણ તરાપ મારવા ઝઝૂમતો હતો. આખરે કથ્થઈ રંગનું પાઠરું મરવું ઝપટમાં આવી ગયું. એને બગલમાં દબાવી નાઠો. મરઘાના કકળાટથી ધની બહાર દોડી આવી. કોઈ દેખાયું નહીં, મરી ગ્યો ભોંકિયો બિલાડો બબડી તપખીર થૂંકી.

સાંજના ઓળા ઊતરવા માંડ્યા હતા. અડાબીડ વાંસનાં ઝુંડથી વહેલું અંધારું થઈ ગયું હોય એમ લાગતું હતું. થોરિયા વાડમાંથી તેતરનો પકલી લે... પકલી લે... અવાજ દિશા ગજવતો હતો. શાવકશા કૂવા પાસે હતો. નારણના પાડિયાની તાડી ઢીંચીને ઘરે જવા નીકળી ગયો. નારણ હાંફળો-ફાંફળો ચારે તરફ જોતો ઊભો હતો. વાડમાંથી તેતરના અવાજ સિવાય કશું સંભળાતું હતું.

અંધારું રાની પગલે ઊતરી આવ્યું. બફારાની જગ્યાએ સહેજ ઠંડક વળી હતી. ઝૂંપડાંમાં દીવા ટમટમી ઊઠ્યા હતા. નિશાચર નીકળી પડ્યાં હતાં. તોતિંગ વૃક્ષોથી અંધારું ઘેરું લાગતું હતું. ધની બહાર ઓસરીમાં થાંભલીને અઢેલી અંધારામાં તાકતી બેઠી-બેઠી દારૂ પીતી હતી. દેવુના કમોત પાછળ શાવકશાની વાત નારણ પાસેથી સાંભળી ત્યારથી ભડકી ઊઠી હતી. આંખોમાં રતાશ ફરી વળી. ખીજ ઘૂંટાતી હતી. ઘાયલ કરેલો કૂકડો આજે મરી ગયો હતો. વાડામાં ખાડો ખોદી એને દાટી દીધો હતો. દેવુના મોત પછી એને દરેક કૂકડો દેવુ લાગતો. એમાંય લાલ કૂકડાનું વધારે જતન કરતી.

નારણ મહુડાના વધારે પડતા તોરમાં મરઘો શેકી ખાઈ ગયો. ચિક્કાર નશામાં ઘરમાં બરાડા પાડતો ઘૂમતો હતો. પેસ્તનજીના ઘરની ચાવી એની પાસે હતી. શાવકશા સૂતો હતો મોટા સીસમના પલંગ પર ચઢી જતો. : અમે કોન?.. સાવ હેઠની લવારીમાં પલંગ પર લાંબો થઈ જતો.

ખાઈ-પી ઢાંકોઢુંબો કરી ધની બારણે આગળો ચડાવી ઘરમાં સૂતી હતી. એણે શાવકશાને ધક્કા મારી સાવ બહાર ખાટલીમાં નાખ્યો હતો. દૂબળો પડતો જતો શાવકશા : પન ઢનકી, કાંય ટું ઢક્કા મારેચ? મરઘાં-બતકાંને ખોરામાં બેસારેય. મને કાંય ઢક્કા મારેચ? : બબડતો ખાટલીમાં ટૂંટિયું વાળી સૂઈ ગયો. શાવકશા સાથે લાવેલ તે તાડીનું પડિયું હજી ત્યાં પડ્યું હતું. ધનીએ સીધું શાવકશા પર ઘા કર્યું, : મરી ગ્યા પારહા, આવતો ની તું મારી પાંહે... : કહી ધડામ કરતુંક બારણું વાસી દીધું. પડિયું શાવકશાના ઘૂંટણમાં લાગ્યું. તેને કળ વળી ગઈ. રડમસ ખાટલીમાં પડી રહ્યો.

તંદ્રામાં નારણને સપનું આવતું હતું. એક મોટા કૂકડા જેવો. ધની મોટીમસ મરઘી. એની પાછળ પાંખો ઊંચી કરી. ગળું ફુલાવી કડાક ક્ક કડાક ક્ ક્ કરી દોડતો હતો. ધની મરઘીવેશે આગળ ને આગળ ભાગતી હતી ત્યાં એની સામે ભોંકિયાબિલાડો આવી ગયો. એણે નારણ પર છલાંગ મારી. નારણ પલંગમાંથી ઊછળી નીચે ગબડી પડ્યો. બધો નશો ઊતરી ગયો. પરસેવે રેબઝેબ ઝૂંપડીમાં જઈ ગારમાટીમાં આળોટી પડ્યો.

પો ફાટ્યે ધની કામકાજથી પરવારી ઈંડાંનો ટોપલો ભરી વાંસદા જવા નીકળી પડી. એણે ઝૂંપડીનાં આગળ-પાછળનાં બેય બારણે સાંકળ ચડાવી તાળું મારી દીધું. સવારથી શાવકશા દેખાતો હતો. નારણ પાસે મહુડો ઢીંચવા નીકળી ગયો હતો. ધની વાંસદાના ધૂળિયા રસ્તે ઝડપભેર જતી હતી. બપોર પહેલાં પાછા વળવા વિચારતી હતી. શાવકશા પર હવે જરાય ભરોસો હતો. આંતરે દિવસે એકાદ મરઘું ઓછું થઈ ગયેલું હોય. કાં તો રાની બિલાડો ઉપાડી ગયો હોય, કાં નારણ ચોરી ગયો હોય. ધનીને શંકા તો શાવકશા પર આવતી. નારણ થોડા દિવસ અગાઉ કહી ગયો હતો કે શાવકશા એનાં મરઘાં વેચી દારૂ-તાડીના પૈસા છૂટા કરી લે છે.

અષાઢનો વરસાદ આવું આવું થતો હતો. બફારો ને ઉકળાટ વધી પડ્યા હતા. મહુડો ઢીંચી શાવકશા નિરાંતે બીડી ફૂંકતો બેઠો હતો. વળ ખાઈને ભૂખ લાગી હતી.

ધની સાથે વળી ઝઘડો થઈ ગયો હતો. સવારે વાંસદા ઈંડાં વેચવા જતાં બારણે તાળું લગાવી ગઈ હતી. અવે શું કરસ? બબડતો શાવકશા આડા-અવળા વિચારોમાં અટવાતો હતો. એટલામાં નારણ આવતો દેખાયો. પીળા દાંત દેખાડતો ખી ખી હસ્યો, કેમ સો સાવક હેઠ, કહી થાંભલીને અઢેલી બેઠો. : કાંય નારન? ભૂખ બવ લાગીચ ને આંય કોન જાને કાં બાન્ના બંઢ કરી ચાલી ગઈચ. : ભૂખ લાગી એમાં હું? ટોપલામાંથી કોમડો ખેંચી કાઢો-ની. પસી આપણે તાં : ભૂખ્યાડાંસ શાવકશાની એની આંખો રાની બિલાડા જેમ ચમકી ઊઠી. : તું રોટલા બનાવસે કે? લાલ મરઘો કા’રી લેઉં. ખોરામાં બેસારીને બો બચ બચ કરેચ ટે? : શાવકશા વાડા પાછળ ગયો. : ઉં તાં ઊભો રે'તો સું, : કહી નારણ નીકળી ગયો. વાડામાં કાંટાળા થોરિયાની વાડમાંથી શાવકશા માંડ-માંડ વાડામાં પેઠો. થોરિયાની છાયામાં ખુરક મરઘીઓના ખાડામાં રાતોચોળ, ઊંચો, તગડો ધનીનો વહાલસોયો મરઘો બેય પાંખે ધૂળ ઉડાડતો બેઠો હતો. શાવકશાએ તરાપ મારી એને પકડી લીધો. બગલમાં દબાવી નારણની દિશામાં નીકળી પડ્યો.

બપોરે બેએક વાગ્યે કાળાં ઢગલાબંધ વાદળાં નૈઋત્યમાંથી ઊંચે ચડતાં હતાં. ખરા બપોરે સાંજ હતી. વાંસદાથી ઝડપભેર નીકળેલી ધનીને નારણે ખેતર પાસે આંતરી. પેસ્તનજીના ખેતરના શેઢેથી કાંટાળા થોરિયાની વાડમાંથી ધૂળિયો રસ્તો વાંસદા તરફ નીકળી જતો હતો. : હોબ હટવાડામાં ફરી આયવી કે?: કહીને નારણે ધની સાથે ચાલવા માંડ્યું. ધની થાકેલી હતી. નારણની ઝૂંપડીએ થાક ખાવા બેઠી. નારણે મરઘાની ચોરીની વાત ધનીને કરી. થોડી વાર પછી લાલ મરઘાનાં પીંછાં પણ લઈ આવ્યો. ધનીને પીંછાં બતાવ્યાં, : મેં તો હત્તરવાર કીધું પણ પારહો માયનો ની તે. મારા ખેતરમાં કોમડું હેયકુ હો. : ધનીના મોઢા પર કાલિમા પથરાઈ ગઈ. લાલ મરઘાનાં પીંછાં ઓળખી કાઢ્યાં. એની આંખો ગોરંભાયા વાદળા જેવી કાદવિયા થઈ ગઈ. દીકરા જેવો કૂકડો શાવકશાએ કાપી કાઢ્યો! પીંછાં એની આંખ આગળ તરતાં હતાં. અચાનક ગાંડાની જેમ ઘર તરફ ઊપડી.

ભરપેટ મરઘાનું શાક અને જુવારના રોટલા દબાવી શાવકશા ઝોળી વળેલી ખાટલીમાં મહુડાના નશામાં ઝોકે ચઢી ગયો હતો. નારણે બેયના ભાગનું રાતનું પણ રાખી મૂક્યું હતું. શાવકશાની ઘેરાતી આંખો ઘડીક ખૂલી જતી, ફરી તંદ્રામાં સરી જતી. એકાએક એને કાળી ચીસ જેવી ગાળ સાંભળવા મળી. ઊઠે પહેલાં તો ધની તાજા વાંસના સોટાથી શાવકશા પર તૂટી પડી. : મરી ગ્યો, સિન્નાળ પારહો ભોંકિયોબિલાડો મારો કોમડો ખાઈ ગ્યો, મારો કોમડો કાપી કાયઢો, : બેફામ ગાળો વરસાવતી શાવકશાને ઝૂડવા લાગી. ઢોરમારથી શાવકશા ખાટલીમાંથી ઊઠી ના શક્યો. માય રે બાપા રે -- ઉં શું કરું - બચાવો રે ખોડાયજી, બચાવો રે : બરાડા પાડી શાવકશાનું ગળું બેસી ગયું. ખાટલીમાંથી ઊઠી શક્યો નહિ. મહુડાની અસરમાં ભાંગી ગયો. આખરે જોર કરીને ઊઠવા જતાં ખાટલીની ઈસ ભાંગી પડી, છલાંગ મારી લોહીલુહાણ ભાગી છૂટ્યો. રાંટા પગમાં ભયનું ઝનૂન હતું. ઝૂંપડાંના વસાહતી એકઠા થઈ ગયા હતા. કોઈકે પકડવા પ્રયાસ કર્યો, પણ શાવકશા એને ગબડાવી હડી કાઢી ગયો.

રોંઢાટાણા સુધી ધની ગળું ફાડી શાવકાને ગાળો ભાંડતી હતી. આખરે થાકી હતી. લાલ પીંછાં વાડાની ઓસરીમાં નારણ મૂકી ગયો હતો. ધનીથી ડરેલો નારણ ચુપચાપ આવી ગયો, છેવટે ધનીએ ઠૂઠવો મૂક્યો. એને થયું આજે એણે ખરેખર દીકરો ખોયો છે. વરસાદ મન મૂકીને વરસતો હતો. પરાળ છાજેલા ઢાળિયા તળે મરઘાંનાં ઝીલાં ગોઠવી વરસાદ વધારે આવે ત્યાં મૂક્યાં. રડતી રડતી ભડકું બનાવવા બેઠી. મનમાં દેવુ વીજળી જેવો ઝબકી જતો હતો. એને ખાતરી થઈ ચૂકી હતી, દેવુને મારનાર શાવકશા હતો. નારણની વાત ખોટી નહોતી. શાવકશા હજી ઘરે આવ્યો હતો, પણ આવે તો ભીંસી મારી નાખે એવી વીફરી ઊઠી હતી.

કડાકા-ભડાકા, બારેમેઘ ખાંગા હતા. અંધારું ટોળાં વળીને ઊતરી આવ્યું. અટવાતો શાવકશા ગામથી દૂર, અઘોર રાનમાં મહુડાની બખોલમાં લપાઈ, ટૂંટિયું વાળી બેઠો હતો. ઘરે જવાની હિંમત નહોતી. માથે લાગેલા અછડતા ઘાથી નીકળેલું લોહી માંડ બંધ થયું હતું. દોડતાં પગ મચકોડાઈ ગયો હતો. કળતરથી શરીર ભાંગતું જતું હતું. વરસાદ અટકવાનું નામ લેતો નહોતો. રડી પડ્યો. બાપ પેસ્તનજી યાદ આવી ગયો. એના પર અપાર ખીજ અને અણગમો ઊભરાઈ આવ્યો. એની મા સુનાંમાય ક્યારનીય ગુજરી ગઈ હતી. સુનાંમાય પર હેત આવ્યું. મહુડાના બખોલ જેવા થડમાંથી કંથારો નીકળી વહેતા પાણીમાં ઢસડાતો જતો હતો. શાવકશા ઊઠી ઘેર રવાના થયો કે પગમાં કાંટો ખૂંચ્યો હોય એમ બેસી પડ્યો. અચાનક એના મચકોડાયેલા પગમાં સુસવાતો ડંખ પડ્યો. મરે રે કાંતામાં ઘૂસી ગ્યો કે શું? બબડતો કાદવમાં રાંટા ટાંગા રવડતો આગળ વધ્યો.

ખાઈ-પી ધની વાંસનાં ખપાટિયાંની બારી પર ગૂણપાટ ઢાંકી બારણે આગળો ચડાવી, ડાંગ બાજુમાં લઈ સૂતી હતી. કદાચ રાની બિલાડો મરઘા પકડવા આવે તો. વરસતા વરસાદ સિવાય કશું સંભળાતું નહોતું. ક્યારેક વરસાદે વીફરેલાં નિશાચરોની ત્રાડ વાદળના ગડગડાટમાં ભળીને વહી આવતી હતી. નારણે ખૂબ રાહ જોઈ, પણ શાવકશા જોવા મળ્યો. દારૂ ઢીંચી જુવારના રોટલા ટીપવા બેઠો. આજે ભારે મજા પડી હોય એમ લાગતું હતું. ધની એના આભમાં વીજળી જેવા ચમકારા મારતી ઝબકતી હતી. રોટલાની ગંધ વરસાદની ભીની વાસમાં ભળી ગઈ હતી. નારણની ભૂખ પશુ જેમ મોં ફાડી જાગી ગઈ.

ધોધમાર વરસાદમાં લથડતાં પગલે શાવકશા એના ઘરે આવી, દૂર વાંસનાં ઝુંડ પાસેના ધનીના ઘરને તાકતો ઊભો હતો. સખત રડીને થાકી ગયો હતો. આંખોમાં ઘેન ચડી આવ્યું. કાળોતરાના ડંખનું ઝેર ઢોરમારથી દુઃખતા દેહમાં રાહત આપી રહ્યું. ઘણી વાર સુધી તાકીને ધનીના ઘર તરફ જોયા કર્યું. છેવટે આંખોમાં ઘેનનો ભાર વધી પડતાં લથડતો કુટાતો ઓસરીમાં આવ્યો. તૂટેલી ખાટલીમાં લાંબો થઈ ગયો. નેવાં ધોધમાર વરસતાં હતાં.

મોડી રાતે પરવારી નિરાંતે ઝૂંપડામાં સૂવાના બદલે નારણ પેસ્તનજીના ઘરમાં ઘૂસ્યો. રાગડા તાણતો તે બરાડતો હતો. ઉં કોન? સાવક હેઠ... કહેતો સીસમના મોટા પલંગ પર લંબાવી ગયો. ઘોર સન્નાટામાં વરસાદનો છમ છમ અવાજ એકધારો વહ્યો જતો હતો. માંડ પેલો નારણ સફાળો જાગી ગયો. તાઉદાન જેવા મકાનનો પાછળનો ભાગ વરસાદમાં પલળીને જોરદાર કડાકા સાથે ભાંગી પડ્યો. બીકથી નારણનો નશો ઊતરી ગયો. રડમસ ચહેરે એની ઝૂંપડીમાં ચાલી ગયો.

*

ત્રીજા દિવસેય વરસાદ અટકયો નહિ. રાત-દિવસ એકધારો પડતો વરસાદ આગલા કોઈક ભવને યાદ કરીને રડતો હતો. શાવકશા ગુજરી ગયાને આજે ત્રીજો દિવસ હતો. કાળોતરાના ડંખથી એનું ગોરું શરીર લીલું કાચ જેવું બની ગયું હતું. એના શરીરે ગાંઠા ઊપસી આવ્યા હતા. રાતે ભાંગેલી ખાટલીમાં એણે છેલ્લી ઊંઘ લઈ લીધી હતી. ધનીનું રડવું બંધ થતું નહોતું. રાનેરી કોના માટે રડતી હતી? દેવુ, રાતો કૂકડો કે શાવકશા? નારણ ધનીને રડતી જોઈ ખિજાઈ ગયો.

કાળી રાતનું આવરણ વનને વીંટળાઈ વળ્યું હતું. એકધારા વરસાદનો નાદ બધું રહસ્યમય બનાવતો હતો. ધનીએ ચોકાની જગ્યાએ ગોળાકારમાં લોટ પાથરી દીધો. એના પર ટોપલો ઢાંકી દીધો. બાજુમાં તેલનો દીવો માટીના કોડિયામાં મૂક્યો. શાવકશા જે યોનિમાં જવાનો હતો એનાં પગલાં લોટમાં પડી જવાનાં હતાં.

અંદર ઓરડે નારણ ને ધની આખા દિવસનાં થાકેલાં ઢીંચતાં બેઠાં હતાં. ખાંભલાની મોટા ભાગની વસાહત એના ઘરે દા'ડાનું જમણ જમવા આવી હતી. નારણ ઘરનો વડીલ હોય એમ બધાં કામ નિપટાવતો હતો. એક પછી એક આઘાત ઝીલતી ધની બેવડ વળી ગઈ હતી. રાત્રે દિવસભરની વાતો વાગોળતાં ધની અને નારણ બેઠાં હતાં. અઘોર પ્રહર. દારૂ પીને બંનેએ લંબાવી દીધું. ધની ખૂણે તાડિયાનાં પાનની ગૂંથેલી સાદડી પર માંસલ દેહ પાથરી સૂતી. ખૂણે નારણ પડખું ફરી ધનીના દેહને તાકી રહ્યો. પલળતી રાતે રાની બિલાડો ઓસરીમાં લપાઈ ગયો. એની આંખો સળગતી હતી. ચોકા પર ઢાંકેલા ટોપલામાં એને કશુંક ખાવાનું હોવાની શંકા જાગી. દેહ નમાવી ટોપલામાં ઘૂસ્યો. અંદર માત્ર લોટ પાથરેલો પડેલો હતો. કશું ખાવાનું મળ્યું. ટોપલામાંથી બહાર નીકળવા ગયો. પાથરેલા લોટ પર એનો પંજો પડી ગયો. પવનના ઝોકામાં દીવો તો ક્યારનો હોલવાઈ ગયો હતો. નારણ તગતગતી આંખે ધની તરફ વધતો ગયો.

રાત આખી ધોધમાર વરસાદ પડતો રહ્યો. પો ફાટતાં નારણ ઝટપટ ખાખી ચડ્ડી ચડાવી વાડાના બારણેથી એને ઝૂંપડે સરકી ગયો. ધની ઝટપટ ઊઠી ઓસરીમાં ગઈ. લોટ પર ઢાંકેલો ટોપલો ખસી ગયો હતો. એની આંખો ભયથી ફાટી પડી. વાડામાં ઘૂસતા રાની બિલાડાની ફડક હતી એવી ફડક ઘેરી વળી. લોટમાં રાની બિલાડાનો પંજો પડેલો હતો.

(‘1996 ની શ્રેષ્ઠ વાર્તાઓ'માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 561)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999