Ramat - Short Stories | RekhtaGujarati

- હેમતાજી બરાબરનો હાંફી ગયો હતો.

લથડિયાં ખાતો ખીજડાના થડ પાસે ઊભા પગે બેસી પડ્યો. છાતીમાં સખત બળતરા થવા લાગી. શ્વાસનળીમાં માટીનું મોટું ઢેફૂં ભરાઈ ગયું હોય એમ શ્વાસની આવનજાવન અટકી ગઈ. ગળું દુકાળમાં સુકાઈ જતી ભાઠાંની ભોંય જેમ સુક્કુંભઠ થઈ ગયું. ખાખરાના સૂકા પત્તા જેવા હોઠ પર એણે જીભ ફેરવી. પછી માથે વીંટાળેલો રૂમાલ છોડી એના છેડા વડે મોઢે વળી આવેલો પરસેવો લૂછ્યો. પરાણે પરાણે થૂંક ખેંચીને ગળું ભીનું કરવાની મથામણ આદરી ત્યાં ખાંસી ઊપડી. છાતીનું આખું છત્તર ખખડવા માંડ્યું. નસો ખેંચાઈને તંગ થવા લાગી. ખાસ્સી વાર લગી ખોં-ખોં કરતો રહ્યો. પછી ‘હાક્... થૂ...’ કરીને રક્તમિશ્રિત ગળફો કાઢ્યો.

હાંફ થોડી હેઠી બેઠી.

જમણા હાથનું નેજવું કરીને એણે ખુલ્લા વગડા સામું જોયું. આવળ-બાવળ-બોરડી-કંથેરનાં અસંખ્ય જાળાં-ઝાંખરાં બાપ આગળ ઊભેલાં ન-માયાં છોકરાંની જેમ વૈશાખના કાળઝાળ તડકામાં સૂનમૂન ઊભાં હતાં. પેલા પાંચેય જણ લાંબી લાંબી ડાંફો ભરતા દોડ્યે જતા હતા. દોડતા ક્યાં હતા? ભાઠાંની ગરમલાહ્ય રેતમાંથી ઊઠતી વરાળમાં તરતા હતા જાણે! હેમતાજીને મનમાં થયું : મારો બેટ્ટો! એકેય જણ પૂંઠ્ય વાળીનં જુવઅ સર્? પાછળ મારું હું થહઅ ઇની તો દિયોરોંનં જાંણી પડી નહઅં, તે...

પણ વળતી પળે એને જાત પર હસવું આવ્યું:

તમાંનં વળી શીયો ભોજ્યો ભૈ નૂતરું મેલવા આયો’તો તે ખરા બપોરે આંય હૂના વગડઅ ટળ્યા સોં? ડોગલું ભરીનં અઘવા જવાના તો હાંહા પડઅં સં નં, બેટીતલાક! મોટા બળિયા બા’દૂરના ભાળ્યા વૉય તે હાહલે રમ્બા નેંહરી પડ્યા સં?

અલબત્ત, એનું પોતાની જાત વિશેનું મૂલ્યાંકન સો ટકા સાચું હતું. કેટલાય વખતથી શરીર સાવ લેવાઈ ગયું હતું. એકાદ ગાઉનો પંથ કાપતાંય હાંફ ચડી આવતી ત્યાં બહાર નીકળીને વળી દોડવાની તો વાત કેવી?

વડનગરના સરકારી દવાખાને બતાવ્યું તો દાક્તર કે’:

‘બેય ફેફસાં ખવાઈ ગયાં છે, કાકા! હવે કોઈ દવા પણ અસર કરે એમ નથી લાગતું. એટલે આરામ કરો અને લેવાય ત્યાં સુધી ભગવાનનું નામ લ્યો!’

હેમતાજીને દાક્તરની દયા આવેલી:

‘ભગવાનનું નાંમ? અમારાઅ ઠાકોરભૈનં વળી ભગવાંન શેવા નં વાત શેવી? આખા અવતારમં કોઈ દન નામ નહીં લીધું નં અમં પાછલી ઉમ્મરે બશારાનં ખોટો દશી કરવાનો કોઈ અરથ ખરો?’

દાક્તરની સલાહને પ્લાસ્ટિકના ગ્લાસમાં પહેલી ધારના દારૂમાં ઘોળીને પી ગયો હતો. એણે પીવાનુંય ચાલુ રાખેલું. રાખે તો જીવેય કઈ રીતે? દા’ડો કેમ કરી કાઢવો? ને દા’ડાનું તો જાણે ઠીક, મારા ભૈ! પણ રાત...? સવારે ઊઠતો ત્યારથી છાતીમાં સખત બળતરા થતી. માંયલી કોર કોઈએ તાપણું સળગાવ્યું હોય એમ શરીર આખામાં લાહ્ય લાગતી. ભીખલા કલાલને ત્યાંથી એકાદ ગ્લાસ ટટકાવી, ગામ આખાનો આંટો મારી ઘેર આવતો ત્યારે પેટમાં જરાક ટાઢક વળતી. બપોરે વાસ વચ્ચેના ખખડધજ લીમડા નીચે ખાટલી ઢાળી, પોતિયાભેર ટૂંટિયું મારીને પડી રહેતો ને દા’ડો આથમ્યે ફરી પાછો...

હવે તો ગામનો કોઈ કણબીય એને ‘સાથી’ તરીકે રાખવા તૈયાર નહોતો હૌ હાળાં હવારથનાં હગાં. હેમતાજીને થતું - એક વખત અતો કઅ ગાંમના કણબી ઍમતાભૈ-ઍમતાભૈ કરતા અડધા હૂકઈ જતા. મન માજ્યા પૈશા નં અનાજ આલતા નં અમઅ ટાંટિયા જરા ઢીલા થૈ જ્યા ઇમં મારાં હાળાં બૂહલાં...

કણબીઓની વાત તો બાજુ પર રાખો. વાસનાં નાનાં નાનાં નઈડાંય હવે તો હેમતાજીને ગણતરીમાં નહોતાં રાખતાં. મારીને એના પર વળગેલી ધૂળ ખંખેરી. ગાભાથી સાફ કરીને દાંત કચકચાવતો સૌની આગળ ચાલતો થયો.

એક ઊંડો શ્વાસ ખેંચીને હેમતાજીએ આકાશ ભણી જોયું. એકાર્ધ પળ આંખો અંજાઈને મીંચાઈ ગઈ. સૂરજ માથા પરથી થોડો આથમણી કોર સરક્યો હતો. દૂર, ગામની ભાગોળ પર, દસ-બાર સમડીઓનું ટોળું ચકરાવા લેતું હતું. ફૂલદેવીમાના મંદિરની લાલઘૂમ ધજા સ્થિર થઈને ઢળી પડી હતી. એકબીજાંને અડીને ઊભેલાં ઝાડ તડકામાં તપતાં હતાં.

હેમતાજીએ કાન પર ભેરવેલી બીડી કાઢીને સળગાવી. ઊંડા ઊંડા કશ ખેંચવા લાગ્યો. ગળામાં થોડી ટાઢક છવાઈ વળી. અચાનક એના માથા પર કશુંક પડ્યું. એણે માથા પર હાથ ફેરવ્યો. ભીનું ભીનું લાગ્યું. હોઠ ભીડીને ઉપર જોયું તો ખીજડાની ટોચની ડાળી પર એક કાગડો બેઠો હતો ને માળામાં ત્રણ ચાર બચ્ચાં મોઢું ફાડીને કરાંજતાં હતાં.

હેમતાજીને એકાએક મા સાંભરી આવી.

કેટલાં વરસથી એણે પોતાની ભાળ નથી લીધી? જીવતીય હશે કે પછી...? છેલ્લી વારકી અહીં આવેલી ત્યારે હેમતાજી બબા પટેલને ત્યાં સાથી હતો. એના હોઠ પર ઊગી આવેલી કાળી-સોનેરી રુવાંટી પર હાથ પસવારીને એની માએ કહેલું:

‘તું તો બઉ જલ્દી મોટો થૈ જ્યો, ઍમતા! ને ખડખડાટ હસી પડી હતી. પણ હેમતાજીનું મન જાણતું હતું કે કઈ રીતે મોટો થયો હતો. પાંચેક વરસનો હતો ત્યારે એનો બાપ શેં ધૂળેટીના દા’ડે કશીક તકરારમાં વઢાઈ ગયેલો ને એની મા સવા મહિના પછી એને લબડતો મેલી એના સગા બનેવી સાથે ભાગી ગયેલી. હેમતાજીને પાછળથી જાણ થયેલી કે એણે નાતરું કરી લીધું હતું. પછી એના નવા ધણી સાથે વરસે દા’ડે એકાદ ફેરા આવતી. હેમતાજી સારું નવાંનક્કોર લૂગડાં લાવતી. બે ત્રણ દા’ડા રહેતી અને—

માથા પર ચોંટેલી હગાર રૂમાલ વડે સાફ કરીને હેમતાજીએ પગ પાસે પડેલું ઢેફૂં લીધું. ઉપર તરફ રમરમાવ્યું. એનો હાથ ઊંચકાયો સાથે કાગડો ઊડી ગયો. એણે બીજી બીડી સળગાવી. પછી સળગતી બીડીના લાલઘૂમ ટોપકા સામું તાકી રહ્યો. વનરાવનના, આઠમના મેળામાં, પડદા બાંધીને તૈયાર કરેલા ઝટપટિયા સ્ટુડિયોમાં પડાવેલો પેલો ફોટો એની આંખ આગળ આવી ઊભો.

તેલ પાયેલા વાંકડિયા વાળ... પટણી મરચાં જેવી આંખો... ગામપાડાની ખાલ જેવી લાંબી લાંબી મૂછો... સસલાના લોહી નીતરતા કાળજા જેવા ગાલ... ને પદમપાડા જેવો વેળાનો દેહ...

આજકાલના જવાનિયા ભલે માને કે માને, બાકી હેમતાજી જવાનજી ઠાકોરનોય એક જમાનો હતો. ભલભલાને ભૂ પીતા કરી દે એવી જવાની હતી હેમતાજીની. ફક્ત એક હાથભરીની કાતોર લઈને નીકળી પડેલો હેમતાજી એકલા હાથે સાંજ પડ્યે બેત્રણ સસલાં પકડી લાવે તો હેમતાજી ઠાકોર નહીં! નીચલા ઠાકોરવાસના જવાનિયા એને પોતાની ટોળકીમાં ભેળવવા ઘણુંય મથેલા. એમને મન હેમતાજી એક અચંબારૂપ હતો, પણ હેમતાજીને એવા માયકાંગલાઓની ટોળકીમાં સામેલ થવાની કોઈ જરૂર નહોતી લાગતી.

આખોય દા’ડો જાળાં-ઝાંખરાં ખૂંદીને ખાલી હાથે પાછા ફરેલા પેલા જવાનિયા અડધિયું લગાવીને સાંજ પડ્યે હેમતાજીના ઘર આગળ આંટા લગાવ્યા કરતા. એમને મનમાં એમ કે હમણાં થોડું શાક વધશે ને હેમતાજી પોતાને બોલાવશે, પણ સામા પક્ષે તો વાસી વધેય નહીં ને કુત્તા ખાય પણ નહીં જેવો ઘાટ હતો. પેલા બિચારા ‘કરંટ’ ઓછો થઈ જાય પહેલાં વાતાવરણમાંથી સસલાના શાકની માદક ગંધ, નાક ફુલાવીને સૂંઘતા સૂંઘતા ઘેર નાસી જતા.

ને હેમતાજીય આવી સાહ્યબી કાંઈ અમસ્તો નહોતો ભોગવતો. સસલા-રમતનો અજબ-ગજબનો કસબ કોણ જાણે કયા મલકમાંથી શીખી લાવેલો કે એની નકલેય કોઈ કરી શકતું નહોતું. સસલાના દર પાસે મૂંગોમંતર બની બેસી રહેતો. ઘણી વાર તો શ્વાસ લેવાનુંય વીસરી જતો. બફારાથી બચવા સસલું બહાર આવ્યું નથી કે હેમતાજીનો લોખંડી પંજો એની ગરદન પર પડ્યો નથી. કાતોર વાપરવાની તો નોબત આવતી.

*

હેમતાજીને મનમાં થયું:

લોક તો હાળું કે’સઅ કઅ હાહલાનું શાક ખૈયેં તો શ્વાસ ના સડઅ. એટલું નૈં ભલભલાં દરદેય મટી જાંય કીં સં ચપટી વગાડતામં, પણ મીં તો આખાય અવતારમં ઈના વગર કાંય ખાધું નહીં. અરઅ! હાહલાનું કાણું નં કાસું લોઈયે શ્યાં નહીં પીધું નં તોય...

તો ઉંમરનો પરતાપ?

ના, ના. ઉંમરનો પરતાપ તો નહીં જ. તો પસં લંકાવઉનો શાપ? બધાં કાંમના લીધઅ જ...

- વાતની તો હેમતાજીય ના પાડી શકે એમ નથી કે પેલાં ગોઝારાં કર્મોનું પરિણામ છે આ. સત્તર-અઢારની ઉંમરથી માંડીને તે...

હેમતાજીની આજુબાજુ શિયાળાની પેલી મદહોશ મધરાત આંટાફેરા મારવા માંડી.

દા’ડે બબો પટેલ બા’રગામ ગયેલો. રાત્રે એરંડામાં પાણી વળવાનું હતું. મોડી રાત્રે પાવડો ખભે કરીને બબાને ત્યાં ફાનસ લેવા ગયેલો. કાચી ઊંઘમાંથી ઊઠીને કમુ પટલાણીએ ફાનસ સળગાવી આપેલું. ફાનસની વાટ સરખી કરતાં કરતાં આછા ઉજાસમાં કબજા ચણિયાભેર ઊભેલી કમુના તાજી ખૂંદેલી ચીકણી માટીના લોંદા જેવી કાયાને ટગર ટગર તાકી રહેલો. એની જીભ અનાયાસે હોઠ પર ફરી ગયેલી. ગળામાં શોષ પડ્યો હતો ને કમુની ઘેનલ આંખોય એને તાકી રહેલી. આગળ કશુંય વિચારે પહેલાં તો પટલાણીએ એને કચકચાવીને ઝાલ્યો હતો. છૂટવા માટે એણે ઘણાંય વળખાં મારેલાં. હાથમાંથી ફાનસ છટકીને ચીમળાઈ ગયેલી ધરોના ઢગલા પર પડેલું. થોડીક વાર ભફભફ થતું રહ્યું. પછી કેરોસીન ખલાસ થતાં હોલવાઈ ગયેલું.

એનો પહેલો અનુભવ.

પછી તો એવા અનુભવોની એક આગવી પરંપરા ઊભી થઈ ગઈ હતી ને પરંપરામાં કોણ જાણે કેટલાંય પાત્રો આવી આવીને અળગાં થઈ ગયાં ને લોક ગમે તે કહેતું, પણ વેળાએ તો હેમતાજીને મન પુણ્યકર્મ હતું. તરસ્યાને પાણી પાવું એનાથી મોટું પુણ્યકર્મ બીજું કયું વળી?

પણ આજની તારીખે હેમતાજીને સમજાઈ ગયું કે બધાં તો ગોઝારાં કામ હતાં.

*

હેમતાજીએ ઝીણી આંખે આથમણી પા જોયું.

પેલા લોકો બાવળના એક ઠૂંઠા નીચે ઊભા રહી બીડીઓ ફૂંકતા હતા. હેમતાજીએ કશ ખેંચવા માટે બીડી મોઢામાં ઘાલી, પણ બીડી હોલવાઈ ગઈ હતી. ઠૂંઠું ફેંકવા જતાં એની નજર પોતાના કાળાભેંશ હાથ પર પડી. ધૂળ બાઝી ગયેલી કાતોર જેવા હાથ પર ચોમાસામાં વરસાદ પડતાં નીકળી આવતાં અળસિયાં જેવી અસંખ્ય નસો ઊપસી આવી હતી ને આંગળીઓ તે આંગળીઓ હતી કે પછી ભોંયબાવળીની સુક્કી નાની ડાળીઓ?

એણે ઠૂંઠું સળગાવ્યું.

હવે ગળામાં તો ટાઢક વળી ગઈ હતી, પણ પગ હજુય તૂટતા હતા. કોઈએ બેઠો માર માર્યો હોય એમ ગોટલા બાઝી ગયા હતા. એણે ઊભા થવાની કોશિશ કરી, પણ અડબડિયું આવી ગયું. જમીન પર હાથ ટેકવી મનમાં ને મનમાં વિચાર્યું:

હાહલું પેહી જ્યું પોત્યામં! અમં તો આંયકણ લાંબી ખેંચી લઊં! દા’ડો આથમ્યમઅ હાંહતઅ-હાંહતઅ ઘેર જવાશેં. આંમઅય અમં આપડા હાથમં તો હાંહલાં આઈ ર્યાં. બશારાં છોકરાં ભલઅ રમતાં. ભલાં અશીં તો વળી એકાદું બોટું...

રૂમાલનું મોચેલું વાળીને એણે ખીજડાના થડમાં ઠેરવ્યું. એના પર માથું ટેકવી પગ લાંબા કર્યા. આંખો મીંચી દીધી. ત્યાં બાજુના કંથેરના જાળામાં કશોક ખખડાટ વર્તાયો. એના કાન એકદમ સરવા થઈ ગયા. બેઠો થઈ ગયો. આંખો ખેંચીને જોયું ને એની આંખોમાં ગજબની ચમક છવાઈ વળી. બેઠાં બેઠાં ચોરપગલે જાળાના મૂળ લગી પહોંચ્યો. શ્વાસ રૂંધીને બેઠો. બીજી પળે દરમાંથી એક નાનકડું, રાતું-ભૂરું સસલું ડોકાયું. મૂછો ફરકાવી, કાન ટટ્ટાર કરીને આજુબાજુ જોયું, પાછું દરમાં પેસવા જાય પહેલાં તો હેમતાજીનો હાથ વીજળીવેગે તરફ લંબાયો. એની ડોક પર પડ્યો. એની તીણી ચીસ ગળામાં અટવાઈ પડી. હેમતાજીએ જાળવીને હાથ પાછો ખેંચ્યો તોય હાથ પર અસંખ્ય કાંટા ભોંકાયા. બે ત્રણ જગ્યાએ ઊઝરડા થયા ને એમાંથી લોહીની ટશરો ફૂટવા લાગી. ખુશખુશાલ આંખે એણે સસલાને પોતાની બેય હથેળીઓ વચ્ચે કેદ કર્યું ને એની ભૂરી ભૂરી આંખોમાં લીંપાઈ ગયેલો ભય હેમતાજીને ગમ્યો ગમ્યો ત્યાં તો એની આંખોમાં લીંપાઈ ગયેલો ભય હેમતાજઈને ગમ્યો ગમ્યો ત્યાં તો એની આંખો ફાટી ગઈ.

- અરે! ભીની ને ભૂરી આંખો તે સસલાની છે કે લંકાવહુની? હેમતાજીની છાતીમાં સણકો ઊપડ્યો.

નાક ઢંકાય ત્યાં સુધીની લાજ ખેંચી પતંગિયાની પેઠે હરફરતી લંકાવહુ હેમતાજીની સામે આવી ઊભી રહી ગઈ. એની હેમતાજીને ખૂબ ગમતી પેલી ભૂરી ભૂરી આંખો ફિટકાર વરસાવવા લાગી.

હેમતાજીએ જોરથી માથું ધુણાવ્યું.

આંખો ભલેને આજે અંગારા વરસાવતી હોય, પણ એક વેળા હેમતાજીને તો અતિ પ્રિય હતી ને માત્ર હેમતાજીને કેમ? લંકાવહુનાં વખાણ કરતાં તો ગામની વહુવારુઓય ક્યાં થાકતી હતી? લોક કે’તું’તું: ‘કો’ક લંકાનગરીમં જાય તાણં હોનું ભાળઅ. નં ગલબોજી તો ઘેર બેઠ્યઅ- બેઠ્યઅ માલામાલ થૈ જ્યા...!’

સાચું પૂછો તો લોકવાણી છેક ખોટીય નહોતી.

ગલબાજીના ખાનદાનમાં ક્યાં દમ હતો કે એને લંકાવહુ જેવી જોરુ મળે? એમ તો ખુદ ગલબાજીમાંય ક્યાં વેતા બળ્યા હતા? બાવળની બંધી જેવી કાયા ને લટકામાં પગની પાનીથી માંડીને આંખની પાંપણ લગી બબ્બે આંગળ લાંબા કાળાભેંશ વાળ. જીવતું-જાગતું રીંછ જોઈ લ્યો જાણે! નાનું છોકરું એને ઉઘાડો ભાળે તો છળી મરે!

હેમતાજીને ઘણી વાર ગલબાજીની ઈર્ષ્યા થતી. એને થતું કે ગલબોજી ઘેંશમાં ગોળ ખાઈ ગયો છે. બાકી લંકાવહુ જેવી જાજરમાન જોરુ જો પોતાની પડખે ઊભી હોય તો જોડી કેવી જામી ઊઠે! એણે લંકાવહુને પક્કડમાં લેવાનો એકાદ પ્રયાસ કરી જોયેલો, પણ નામક્કર ગયેલી ને વરસોના અનુભવે હેમતાજી શીખ્યો હતો કે ગમે તેમ તોય તો અસ્તરી જાત! હાંમેથી ઝાલવા જઈએં તો આઘી નં આઘી નાહઅ. પણ લબડતી મેલીએં તો આફૂડી પાહણ્ય આવઅ...!

પણ લંકાવહુ તો સાવ નોખી માટીની નીકળી.

ગલબાનું પડખું સેવતાં સેવતાં હેમતાજીનું પેલું અનુભવગણિત ખોટું ઠેરવતી રહી. હેમતાજીની કાયમ કસોટી થતી રહી, પણ કસોટી કરવામાં ગલબાજી ઝાઝો સાથ આપી શક્યો નહીં. એક વાર ભરઉનાળે એને ઝાડા-ઊલટી થઈ ગયાં. સતત બે દા’ડા લગી ડોગલાં ભરી ભરીને ઊકરડે દોડતો રહ્યો ને ત્રીજા દહાડે દવાખાનું ભાળે પહેલાં તો ગયો ઉપડી, જંતર વગાડતો!

હેમતાજીને તો દોડવું હતું ને ઢાળ મળી ગયો.

એકાદ મહિના પછી પાછો લંકાવહુને લાગમાં લેવાના ઘાટ ઘડવા માંડ્યો.

એને પેલી શ્રાવણી સાંજ તો આજેય રોકડી યાદ છે:

- એક કોર સાંબેલાધાર મે વરસતો હતો ને બીજી કોર લંકાવહુની ભૂરી ભૂરી આંખોમાંથી આંસુના રેલા. હેમતાજીએ એને સમી સાંજે ઊંડા નેળિયે આંતરી હતી ને ઓશિયાળી આંખે કાલાવાલા કરતી હતી:

‘તમે કાંય કરોં તો તમાંનું રાંમાપીરના હમ સં! કઉં સું જવા દ્યો, મનં. તમારી ગાવડી સું. તમાંનું ખબેર્ય નહીં, લોક જાંણસેં તો મારું નાક વઢઈ જહઅ. નં મારઅ શ્યાંક...’

એની આંખમાં આંખ પરોવી હોઠ કરડતાં હેમતાજીએ એને બેય બાવડેથી મજબૂત ઝાલી હતી. કબજાની કોર તોડીને બહાર નીકળું નીકળું કરતા એના ભૂરાભટ્ટ વક્ષવિસ્તાર સામું લાલચભરી નજરે તાકીને બોલ્યો હતો:

‘આખા ગાંમની બાયડીઓ મારા પર મરઅં સં. નં તમે મનં લબડાવોં સોં? નં તમે શ્યાં ઘડી ઘડી હાથમં આવોં ઇમ સોં, લંકારાંણી? બશ્ય, એક ફેરા તમારી માંજરી આંશ્યાંમં મને ડુબાડી ઘો... પસં તમારા હાંમું જોઉં કઅ મૂઢું બતાવું તો કે’જો.’

ને વરસાદમાં પલળેલી લંકાવહુની કંચનવર્ણી કાયામાંથી આવતી માદક ગંધે એને માતેલો બનાવી મૂક્યો હતો.

બરાબરનાં રગદોળાયેલાં લૂગડાં પરથી માટી ખંખેરતાં લંકાવહુએ રીતસરનો ઠૂઠવો મેલ્યો’તો ને ડગુમગુ ચાલે ઊભા નેળિયે ભાગતાં કાળજાફાટ ગાળો બોલતી ગયેલી તો નફામાં : ‘પીટ્યા રંડવા! બીજી કોઈ ના મળી તે એક રાંડીરાંડ પર દાંનત બગાડી? તારું નખ્ખોદ જાય... તનં કૉગળિયું આવર્... મરતમ્ - મરતમ્ ચીડા ના પડઅં તો મનેં હંભારજે...!’

*

હેમતાજી એક ઝાટકા સાથે ઊભો થઈ ગયો.

એણે સસલાને ચત્તું કર્યું. ગરદન પર હાથ મૂક્યો. દબાવવા ગયો ત્યાં ચોંકી ઊઠ્યો: અરે! તો સસલી હતી ને તેય પાછી બેજીવી! એનો અનુભવી હાથ સસલીના પોચા પોચા પેટ પર ફરતો રહ્યો ને સપાટ ચહેરે એના ઉપસેલા ઉંદરને તાકી રહ્યો.

-બીજે દિવસે સવારે વીરાંવાળા કૂવામાંથી લંકાવહુની લાશ બહાર કાઢી ત્યારે કૂવાના થાળા પાસે હેમતાજીની નજર સૌથી પહેલા એના ઉપસેલા ગોરા-ગોરા પેડુ પર પડી હતી. સ્ત્રીસમુદાયમાં ચાલતી લંકાવહુની સગર્ભાવસ્થા વિશેની વાતો એના કાનમાં બાવળની શૂળ જેમ ભોંકાંતી રહેલી.

- બશારી બેજીવી હતી નં કુણ જાંણી રાંડનં હું હુંઝ્યું તે કૂવો ગોઝારો કર્યો. ગલબાજીનું તો નખ્ખોદ કાઢ્યું...

-શાંદીનં ગલબોજી તો શ્યાં ગમતા જ'તા? કો’ક બીજા માંટી જેંભણા કર્યા અહઅં, એકઅ...

ને હેમતાજી ત્યાંથી ઉંઘું ઘાલી મુઠ્ઠીઓ વાળીને સીધો ભીખલા કલાકના પીઠે પહોંચી ગયેલા.

*

હેમતાજીએ સામે જોયું.

પેલા પાંચેય જણ હાંફતા હાંફતા તરફ આવતા ભળાયા. એક જણની નજર હેમતાજીના હાથમાં સળવળતા શિકાર પર પડી. એણે બીજાઓને સનકારો કરી બતાવ્યું ને બધાંયની ચાલમાં ઝડપ આવી ગઈ.

‘વાહ, એંમતાભા! ઘઈડા ગાલ્લા વાળઅ વાત હાશી, હોં! દોડી દોડીનં અમારા ટાંટિયા તૂટી જ્યાં તોય ધોયેલાં મૂળા જેવા રયા નં તમે...’ એક જણે કહ્યું.

ગાભાજીએ એના અભિપ્રાય પર સંમતિનો સિક્કો માર્યો:

‘હાવ હાશી વાત, એમતાજી! તમે તો વગર કાતોરે નં લગીરેય દોડ્યા વગર શિકાર પાડ્યો. કે’વું પડઅ હોં!’ પછી પેલા જવાનિયા સામું જોઈને કહ્યું: ‘જો હાસો શિકારી તે આનું નાંમ! ઇમ છોકરે છાશ્યો ના પીવાંય, હમજ્યો અમં?’

પણ હેમતાજીને તો કોણ ભા સાંભળતું હતું?

એના મનમાં તો કશીક જુદી જળોજથા જામી હતી: ત્રમઝાટ વરસતો મે ઊંડું નેળિયું લંકાવહુની માંજરી આંખો વીરાંવાળો કૂવો ગોરું ગોરું પેડું અને...

હેમતાજી હળવેથી ઊભા પગે બેસી પડ્યો.

સસલીના સુંવાળા પેટ પર ફરતો એનો હાથ છેક ગરદન પર જઈને અટક્યો. એની આંખો રાતીચોળ થઈ ગઈ. પેલા બધાય ફાટી આંખે હેમતાજીની રમતને નિહાળી રહ્યા: અમણં બશારૂ અ’તું-ન-તું થઈ જવાનું. એમતાજીનો હાથ દબાંણો નહીં કઅ...

હેમતાજીએ આંગળી વતી સસલીની આંખમાં વળી આવેલાં પાણી લૂછી નાખ્યાં. પછી એને જાળવીને જમીન પર મૂકી, એક હળવી ટપલી મારી.

બધા દઘાઈને જોતાં રહ્યા.

- ને હેમતાજી જાળાં-ઝાંખરાંમાં, ઠેકડા ભરતી દોડતી સસલીને તાકી રહ્યો. પછી ઊભો થઈ બેય હાથ હવામાં ફેલાવી જોરજોરથી હસવા લાગ્યો.

સ્રોત

  • પુસ્તક : પારખું (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : દશરથ પરમાર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2001