Ramanlal nu sapnu - Short Stories | RekhtaGujarati

રમણલાલનું સપનું

Ramanlal nu sapnu

જિગ્નેશ બ્રહ્મભટ્ટ જિગ્નેશ બ્રહ્મભટ્ટ
રમણલાલનું સપનું
જિગ્નેશ બ્રહ્મભટ્ટ

બફારો હતો બરાબરનો. વરસાદ બે દિવસથી પડું પડું થઈ રહ્યો હતો પણ પડતો નહોતો. રમણલાલ અર્ધી રાત સુધી તો પડખાં ઘસતા રહેલા. સવારે એમને સપનું આવેલું; જાણે, જ્યોતિ રડી રહી છે, બહાર, વરંડામાં ઊભી ઊભી. ખબર નહીં કેમ, પણ ધ્રુસકે ધ્રુસકે રડે છે. પોતે એને સાંત્વન આપવા પાસે જાય છે. જ્યોતિ આગળ આવીને એકદમ વળગી પડે છે. પોતે તેના માથે હાથ ફેરવવા લાગ્યા તો, છાતી પર મોં ઘસતી વધુ જોરથી રડવા લાગી. પોતાનો હાથ જ્યોતિના વાળમાં સરકતો પીઠ પર જઈ ફરવા લાગ્યો તો રમણલાલને લાગ્યું કે, જાણે એની પીઠ ઉઘાડી છે. પોતાનાં આંગળાં એની પીઠની લીસી ચામડી પર લસરી રહ્યાં છે. જ્યોતિ બંને હાથ વડે પોતાને જકડતી નહોર ભરતી ભીંસી રહી છે. પીઠ પરથી નીચે સરકતા પોતાના હાથને એના શરીરના આરોહ-અવરોહ અને ચામડીની સુંવાળપનો અનુભવ થઈ રહ્યો છે. જ્યોતિ હીબકાં ભરતી પોતાની સામે જોતી બહારની તરફ આંગળી ચીંધે છે. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સામે શેડનાં પતરાં પરથી પાણીની ધારાઓ દદડી રહી છે. નીચેની અન્ડર-ગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ઉઘાડું છે. અને ટાંકીમાં એક માથું તરી રહ્યું છે. પોતે જ્યોતિનાં આંસુ લૂછતાં એની સામે જુએ છે. એના ગાલ, નાક, હોઠ લાલ લાલ થઈ ગયાં છે. ‘કાજલ... કાજલ...’ ટાંકી તરફ જોતી, ફાટેલા અવાજે બોલે છે. એના ભીના હોઠ પર આંગળાં ફેરવતા પોતે કહી રહ્યા છે, ‘પણ વરસાદ તો જો.’ ‘વરસાદ જરા ધીમો પડવા દો.’ જ્યોતિ બોલે છે. પણ રમણલાલને થયું, એના હોઠ તો હાલતા નથી. બહાર જોયું. વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. ‘હું તો તૈયાર છું.’ સાંભળીને એમણે જ્યોતિ સામું જોયું પણ પછી થયું, તો પદ્માનો અવાજ.

આંખ ઊઘડી ગઈ રમણલાલની. એમનાં વાઇફ પદ્માબેન સોફામાં બેસી બારી બહાર જોતાં કોઈને ફોન જોડી રહ્યાં હતાં. રમણલાલ પથારીમાં બેઠા થયા. ઘડિયાળ પર નજર ગઈ. મોડું થઈ ગયું હતું. યાદ આવ્યું, પદ્માબેન એમના મહિલા મંડળ સાથે ચાર-પાંચ દિવસ માટે જાત્રાએ જવાનાં હતાં. હમણાં જોયેલું સ્વપ્ન હજી રમણલાલની આંખ સામેથી ખસતું નહોતું. વરસાદ, જ્યોતિનો ચહેરો અને ટાંકીમાં તરતું માથું. આંગળીઓ પર હજી સ્પર્શો રમી રહ્યા હતા. માથું ઝાટકી રમણલાલ ચોરસો સંકેલવા લાગ્યા. ‘કંઈ ફોન નથી કરવો મમ્મી, હું તને ઉતારીને નીકળી જઈશ.’ રૂમમાં પ્રવેશતાં પંકજે પદ્માબેનને કહ્યું. પછી રમણલાલની પાછળ આવી ઊભી રહેલી એની વાઇફ જ્યોતિ સામે જોઈ બોલ્યો, ‘રાતે મોડું થશે. કદાચ બહારગામ જવાનું થાય.’ પથારીમાંથી ઊભા થતા રમણલાલે પાછળ ઊભેલી જ્યોતિ સામું જોયું. ‘તમને બંનેને વરસાદ હેરાન કરે તો સારું.’ કહી રહી હતી. નાહીને આવી હતી. વાળની લટોમાંથી પાણી ટપકી રહ્યું હતું. ગોદડું વાળતા રમણલાલ ઊભા થયા. ‘લઈ લઉં છું પપ્પા’ કહેતી જ્યોતિ ગોદડું ઉપાડવા ઝૂકી. ભીના વાળ સરકીને ઝૂલી રહ્યા. પાણીનું ઠંડું ટીપું રમણલાલના પગ પર પડ્યું. શૅમ્પૂની સુગંધ એમને ઘેરી વળી. કંઈ બોલ્યા વિના રમણલાલ અંદરની તરફ ચાલવા લાગ્યા.

બે બેડ હૉલ કીચનનું ટૅનામૅન્ટ હતું પણ રમણલાલ છેલ્લા ઘણા સમયથી ડ્રૉઇંગ-રૂમમાં ઊંઘતા, પથારી કરીને. છેલ્લે માંદા પડ્યા ત્યારથી એમનાથી પંખો બિલકુલ સહન થતો નહોતો ને પદ્માબેનને ફુલ પંખા વિના ચાલે નહીં. તે રમણલાલ બાપડા કહે, ‘આમે શું ફરક પડે છે, મારી પથારી બહાર કરી દેજો..’ ‘હા, બળ્યું કેવું લાગે, હવે તો ઘરમાં વહુ આવી ને કાલે એનાં છોકરાં થશે.’ કહીને પદ્માબેને સહર્ષ સ્વીકૃતિ આપેલી. રમણલાલને કહેવાનું મન તો થઈ આવેલું કે માંદગી ને વહુ ને છોકરાં બધું ઠીક છે, બાકી છેલ્લાં દસ વરસથી હું તો બહાર જેવો છું ને! પણ સમસમીને બેસી રહેલા. જાણી ગયેલા, આઠ-દસ વરસમાં કે એવું કશું કહેવાથી કશું વળવાનું નથી.

રમણલાલે બ્રશ હાથમાં લઈ પાછળનો દરવાજો ખોલ્યો. વરસાદ ચાલુ હતો. બહાર વૉશ-બેઝિન આગળ ઊભા રહેવાય એમ નહોતું. પાછળના બાથરૂમ સુધી જવામાં પલળી જવાની ને ખાસ તો લપસી જવાની બીક લાગી એટલે, બારણું બંધ કરી પાછા આવ્યા. સામાન્ય રીતે રમણલાલ બહારના ટૉઇલેટ-બાથરૂમનો ઉપયોગ કરતા. અંદર તો ટૉઇલેટ-બાથરૂમ ભેગું, એટલે ચીતરી ચઢે અને ટૉઇલેટ પાછું વેસ્ટર્ન. પદ્માબેનને ઘૂંટણનો દુખાવો એટલે વેસ્ટર્ન થઈ ગયેલાં પણ રમણલાલને ફાવે. દરવાજો ખોલતાં પાછું યાદ આવ્યું તે રમણલાલે કબાટમાંથી ટૉવેલ અને કપડાં લઈ લીધાં. બાથરૂમમાં ઘૂસી બારણું બંધ કર્યું. જરા જોરથી પછાડી ફરી બંધ કર્યું. થયું એટલે ખોલી, બૂમ મારી, ‘નહાવા જઉં છું.’ ચોમાસામાં ભેજથી ફૂલેલા બારણાને સ્ટૉપર મારી શકાતી નહીં એટલે બૂમ પાડવાની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. ઑર જોરથી બારણું પછાડી રમણલાલે હળવો ધક્કો મારી જોયો. ખૂલ્યું એટલે બ્રશ કરવા લાગ્યા.

બાથરૂમમાં સાબુ અને શૅમ્પૂની સુગંધ ભળેલો બફારો હતો. અરીસા પર ભેજને કારણે પાણી વળી ગયું હતું. રમણલાલને એમાં પોતાનું વાંકું-ચૂકું પ્રતિબિંબ દેખાયું. એમણે આખા અરીસા પર ઘસીને હથેળી ફેરવી. તો પ્રતિબિંબ સાવ સ્પષ્ટ તો દેખાયું. એમણે જોર કરીને બે-ત્રણ વાર આંખો ખોલ-બંધ કરી. રિટાયર્ડ થયા પછી આમે રમણલાલનું બહાર જવાનું ઓછું થઈ ગયેલું. ને પછી તો બીમારી ને રહી જતું હોય એમ આંખોની તકલીફ આવીને ઊભી રહી. સ્કૂટર ચલાવવાનું ને બહાર નીકળવાનું સાવ બંધ થયું. આંખો પર પાણીની છાલકો મારી મારીને એમણે મોઢું ધોયું.

ડોલ ભરવા નળ ચાલુ કર્યો ત્યારે એમની નજર ખૂણામાં પડેલાં ભીનાં કપડાંના ઢગલા પર પડી. જ્યોતિનો નાઇટ ડ્રેસ. એની નીચેથી બહાર નીકળી આવેલી બ્રાની સફેદ પટ્ટી. રમણલાલે બારણા તરફ નજર કરી. પછી સાચવીને પટ્ટી ખેંચી કાઢી. બારણા પર પીઠ દાબીને ઊભા રહી ઘડીક હાથમાંના વસ્ત્રને ફેરવી ફેરવીને જોતા રહ્યા. એના મુલાયમ કપડા પર રમણલાલની આંગળીઓ ફરવા લાગી. એમનો શ્વાસ તેજ થઈ ગયો. હાથની મુઠ્ઠીઓમાં કપડું ચૂંથાવા લાગ્યું. રમણલાલની છાતી જોરથી ધબકવા લાગી. બે હાથ વડે બે અર્ધગોળ કપડાંને પોતાના ચહેરા પર, નાક પર, હોઠ પર આવેગપૂર્વક રગડવા લાગ્યા.

‘નીકળું છું. જેશી ક્રસ્ન.’ પદ્માબેન બારણા પાસે આવી મોટેથી બોલ્યાં. રમણલાલ ભયંકર રીતે ભડકી ગયા. હાથમાંનું કપડું ક્યાંય ખૂણામાં ફેંકી દેવાયું. જવાબ આપવાનું ભાન રહ્યું. ફરી પદ્માબેને જેશી ક્રસ્ન કર્યું ત્યારે ‘અ.. હા.. જેશી ક્રસ્ન’ એટલું માંડ બોલી શકેલા.

રમણલાલ બહાર આવ્યા ત્યારે પદ્માબેન અને પંકજ નીકળી ગયા હતા. જ્યોતિ છાપું વાંચતી સોફામાં બેઠી હતી. રમણલાલને જોઈ, ‘ચા મૂકું પપ્પા’ એમ કહેતી, છાપું મૂકી રસોડામાં ગઈ. રમણલાલ છાપું લઈ બહાર વરંડામાં જઈ ઊભા રહ્યા. વરસાદ ફરી અટકી ગયો હતો. વહેલી સવારના ઝાપટાને કારણે થોડી ઠંડક થઈ હતી. પણ આકાશ ગોરંભાયેલું હતું. ધીમો ધીમો ગડગડાટ સતત સંભળાતો હતો. વીજળી ચમકી જતી હતી. ખુરશીમાં બેસી રમણલાલે છાપું ઉઘાડ્યું. થોડીવાર આંખો ઝીણી કરી વાંચવા મથ્યા પણ આછા પ્રકાશમાં વાંચવાનું તો બાજુ પર રહ્યું, ફોટા જોવામાં તકલીફ પડી; એટલે છાપું બાજુ પર મૂકી સામેના લીમડાની ઘટામાં તાકી રહ્યા.

ઘરની સામે રોડ પરનો લીમડો રમણલાલને કાયમ એવો ને એવો લાગતો. શારદાબેન સાથે લગ્ન કરી ઘરમાં રહેવા આવ્યા ત્યારે જાણે આવડો ને આવડો હતો. પદ્માબેન તો બીજીવારનાં; રમણલાલનાં પહેલાં વાઇફ શારદાબેન. દીકરી હતી એક-કાજલ. શારદાબેને આપઘાત કરેલો. કાજલ ત્યારે ત્રણ વર્ષની. જાણી ગયેલાં પદ્મા સાથેના રમણલાલના સંબંધો વિશે. ઑફિસ જતાં બસમાં સંગાથ થઈ જતો. ને પછી નજીક આવતાં ગયેલાં પદ્માબેન ને રમણલાલ. શારદાબેને નાના-મોટા ઝગડા કરેલા બાબતે. તે એકાદ-બે વાર. બહુ તો ચાર કે પાંચ વાર. પણ રમણલાલને કલ્પના નહીં કે છેક આવું પગલું ભરશે. ડઘાઈ ગયેલા. જોકે, પદ્માબેન હતાં એટલે બહુ વાંધો આવ્યો. ધીરે ધીરે બધું સૅટ થતું ગયું ને દોઢેક વરસમાં તો પદ્માબેન સાથે પરણી ગયા.

‘પપ્પા, ચા મૂકી છે.’ કહી જ્યોતિ એમની બાજુમાં ચાનો કપ મૂકી ગઈ. રમણલાલે જોયું કે સામે, લીમડા નીચે બે કૂતરા લડી રહ્યા હતા. એમની બાજુમાં એક કૂતરી હાંફતી ઊભી હતી. રમણલાલે નજર ફેરવી આકાશ સામે જોયું. કાળાં ભમ્મર વાદળો ધીમે ધીમે સરકી રહ્યાં હતાં. આવો દિવસ હતો. વરસાદ ધોધમાર વરસતો હતો. ઑફિસથી પોતે પલળીને આવ્યા હતા. કાજલ કંપાઉંડના ગેટ પાસે રમતી - પલળતી હતી. પોતાને જોતાં આનંદથી ઊછળી પડેલી. હાથ પકડી ખેંચી જવા કરતી હતી. પણ પોતે એને બહાર રમતી મૂકી ઘરમાં ઘૂસી ગયેલા. પદ્મા હજી નવી નવી હતી. એકાદ વર્ષ માંડ થયું હશે લગ્નને. પહેલું ચોમાસુ ભરપૂર માણવાનું નક્કી કર્યું હતું. કલાકેક રહીને રમણલાલ ઘરમાંથી બહાર આવ્યા. ધોધમાર વરસતા વરસાદમાં કાજલને શોધવા આમતેમ નજર કરી તો વાંકું થઈ ખસી ગયેલું અન્ડર-ગ્રાઉન્ડ ટાંકીનું પતરું દેખાયેલું. દોડીને ટાંકીમાં તરતા કાજલના નાનકડા શરીરને ખેંચી તો કાઢ્યું પણ ઘણું મોડું થઈ ગયું હતું.

‘હજી ચા પીધી નથી પપ્પા? સાવ ઠરી ગઈ હશે.’ કહેતી જ્યોતિ આવીને બાજુમાં ઊભી રહી. ‘ગરમ કરી દઉં?’ પૂછવા લાગી. રમણલાલે, ‘ના ના, ચાલશે’, કહેતાં કપ ઉપાડી ઝડપથી ચા પી લીધી. ‘લાવો ડ્રૉપ્સ પણ નાખી દઉં’ કહેતી જ્યોતિ રૂમની બારીમાંથી નાની બૉટલ લઈ આવી. રમણલાલ આંખો પહોળી કરી છતને તાકતા બેસી ગયા. જ્યોતિએ પાસે આવી, ઝૂકીને પોતાની બે આંગળીઓ વડે એમની આંખોનાં પોપચાં પહોળાં કર્યાં. રમણલાલ પોતાની ઉપર ઝળૂંબી રહેલી જ્યોતિનો ચહેરો, એના હોઠ જોઈ રહ્યા ને આંખમાં ટીપું આવી પડ્યું - પછી બીજું-ત્રીજું ને બીજી આંખ. જ્યોતિ જરા વધારે ઝૂકી. ખુરશીના હાથા પર પડેલા રમણલાલના હાથને એના ઝૂલતા દુપટ્ટાનો સ્પર્શ થયો અને એમણે હાથ હટાવી જોરથી આંખો ભીડી દીધી.

રમણલાલ જમીને બહાર આવ્યા ત્યારે પાંચ-સાત કૂતરાં લાળ પાડતાં, ભસતાં, દોડાદોડી કરી રહ્યાં હતાં. રમણલાલને એમના અવાજો અસહ્ય થઈ પડ્યા. એક-બે હાકોટા કરી જોયા પણ એની કંઈ અસર થઈ એટલે રમણલાલ દરવાજા પાસે જઈ કૂતરાઓને દૂર તગેડી આવ્યા. બફારો વધતો જતો હતો. રમણલાલ થોડીવાર કંપાઉંડ-વૉલ આગળ જઈ ઊભા રહ્યા પછી વરંડામાં આમથી તેમ આંટા મારવા લાગ્યા. કલાકેક પછી જ્યોતિ, કંઈ કામ તો નથી ને, એમ પૂછી સૂવા ગઈ અને રમણલાલ ખુરશીમાં બેસી ઝોકે ચઢ્યા.

રિટાયર્ડ થયા પછી સમય પસાર કરવાનો મોટો પ્રશ્ન ઊભો થયેલો. ઑફિસ તો ગઈ તે ગઈ પણ આંખોની તકલીફને કારણે સ્કૂટર ચલાવવાનું બંધ થયું ત્યારથી તો સાવ જાણે જેલમાં પુરાઈ ગયા. આઘાપાછા થઈ વરંડામાં બેસવાનું, પેપર ફેંદવાનું ને પછી ઝોકે ચઢવાનું એમનો નિત્યક્રમ. ઑફિસમાં તો શું કે કંઈ ને કંઈ ચાલ્યા કરતું હોય. સમય ક્યાં પસાર થાય છે એની ખબર પડે. આમે રમણલાલ મળતાવડા. ઉંમરમાં આખા સ્ટાફ કરતાં મોટા પણ સ્વભાવે રંગીલા, એટલે જુવાનિયાઓ સાથે એમને ફાવે. નવા છોકરાઓ કમ્પ્યુટરના કીડા. ઇન્ટરનેટ પર જાત જાતના ફોટા ને વિડિયો બતાવે એટલે રમણલાલ ગેલમાં આવી જાય. ઘણીવાર એમની મશ્કરીઓ થાય પણ રમણલાલ જોયું-ન જોયું કરે. બીજું કરે શું બાપડા! પદ્માબેને નોકરીમાંથી વીસ વર્ષે વી.આર.એસ. લીધેલું પણ રોમાન્સમાંથી તો લગ્નનાં દસ-બાર વર્ષમાં રિટાયરમૅન્ટ માગવા લાગેલાં. રમણલાલની આંખોને અને આત્માને ઑફિસના વાતાવરણમાં પૉર્ન સાઇટ્સ અને નૉનવેજ જોક્સથી ટાઢક મળતી.

જરાક ઠંડા પવનની લહેરખી આવી ને રમણલાલની આંખો મીંચાઈ ગઈ. ઘડીક વારમાં તો નસકોરાં બોલાવતા સપનામાં ખોવાઈ ગયા. એમને લાગ્યું કે જાણે પોતે ખુરશીમાં બેઠાં બેઠાં ઊંઘી ગયા છે અને કોઈ બૂમો પાડીને બોલાવી રહ્યું છે. આંખો ખોલીને પોતે આસપાસ જુએ છે. સામેની અન્ડર-ગ્રાઉન્ડ ટાંકીમાંથી એક હાથ લંબાયો છે. ઊભા થઈ પોતે ત્યાં દોડી જાય છે. વાળથી ઢંકાયેલો જ્યોતિનો ચહેરો ઓળખાય છે. મદદ માટે ચીખતી હાથ લંબાવી રહી છે. પોતે ઝડપથી હાથ પકડી એને બહાર ખેંચી કાઢે છે. ગભરાટમાં ધ્રૂજતી જ્યોતિના શરીર પર એકેય કપડું નથી. બહાર નીકળતાં પોતાને વળગી પડે છે. છાતીના નીચેના ભાગ પર ભીના-પોચા સ્પર્શો અનુભવાય છે. જ્યોતિના ભીના વાળમાંથી ટપકી પીઠ પર થઈ નિતંબો વચ્ચે સરકી જતા પાણીના રેલા સાથે પોતાની નજર અને આંગળીઓ પણ લસરી રહી છે. જ્યોતિના ખભા પરથી જરા ઝૂકીને જોયું તો રમણલાલને લાગ્યું જાણે એના ભારેખમ નિતંબો આછું આછું સ્મિત કરી રહ્યા છે અને કમર પર એનાં ખંજન પડ્યાં છે. જ્યોતિને જરા અળગી કરી, નીચે બેસી, બાળકના ગાલ પર મારતા હોય એવી ધીમી ટપલી મારી તો સ્મિત કરતા એના નિતંબો જાણે બોખું-બોખું હસી પડ્યા.

ઝબકીને જાગ્યા ત્યારે રમણલાલ પરસેવાથી ભીંજાઈ ગયેલા. ઊભા થઈ ઘડિયાળમાં જોયું. ચાનો સમય થઈ ગયો હતો. એક-બે આંટા માર્યા પછી જ્યોતિના બેડરૂમ આગળ જઈ ઊભા રહ્યા. બારણું આડું કરેલું હતું પણ ચાર-છ ઇંચ જેટલું ખૂલી ગયું હતું. રમણલાલે ધીમે રહી અંદર નજર કરી. જ્યોતિ બારણા તરફ પીઠ કરીને ઊંઘતી હતી. બારણું ખખડાવીને કે બૂમ મારીને જગાડવાનું મન થયું. પણ એમ કરવાને બદલે રમણલાલ જ્યોતિના શરીરના વળાંકોને જોતા રહ્યા.

જ્યોતિ પડખું ફરીને બેઠી થઈ ત્યારે રમણલાલ અચાનક ભાનમાં આવ્યા. આવ્યા એવા ભોંઠા પડીને દબાતે પગલે પોતાની જગ્યાએ જઈ બેસી પડ્યા. આંખો બંધ કરીને ઊંઘવાનો ડહોળ કરવા લાગ્યા. થોડી વારમાં જ્યોતિ બાજુમાં આવી ઊભી રહી. નક્કી કરી શક્યા રમણલાલ કે પોતાને બારણા આગળ જોઈ ગઈ હશે કે ખાલી ચાનું પૂછવા આવી હશે. ગભરાટના માર્યા હાલ્યાચાલ્યા વિના બેસી રહ્યા. પગરવ પરથી જ્યોતિ જરા આઘી ગઈ હોય એમ લાગ્યું ત્યારે ઝીણી આંખે જોઈ લીધું. જ્યોતિ તાર પરથી ટૉવેલ લઈને અંદર ચાલી ગઈ. રમણલાલના જીવમાં જીવ આવ્યો. એમણે આંખો ખોલી દીધી. કૂતરા બરાબર એમના દરવાજા પાસે આવી જોર જોરથી ભસી રહ્યા હતા. વરસાદના છાંટા પડવા શરૂ થયા હતા. હમણાં સપનામાં જોયેલું જ્યોતિનું શરીર રમણલાલની આંખોમાં અને એનો ભીનો સ્પર્શ એમની આંગળીઓ પર સળવળી ઊઠ્યાં. ઊભા થઈને પરવશ જેવા રમણલાલ બાથરૂમ આગળ પહોંચી ગયા.

શાવરનો અવાજ સંભળાતો હતો. જ્યોતિ અંદર નહાઈ રહી હતી. રમણલાલ બરાબર બારણા પાસે ઊભા હતા. એમના ધબકારા તેજ થઈ ગયા. બસ એક ધક્કો અને... રમણલાલના શ્વાસ ઊંડા થતા જતા હતા. જરા વધુ પાસે જઈ બારણાની ફાટમાંથી જોવા જેવું કર્યું. પગ ધ્રૂજતા હતા. શાવરનો અવાજ બંધ થયો. સાબુની આછી સુગંધ આવી. ફાટમાંથી કંઈ દેખાયું નહીં. ધ્રૂજતો હાથ ઉઠાવી બારણાને અડવા જાય ત્યાં ‘પપ્પા..’ જ્યોતિએ જોરથી બૂમ પાડી. હચમચી ગયા રમણલાલ. બે ડગલાં પાછળ ફેંકાઈ ગયા. ‘પપ્પા પાણી બંધ થઈ ગયું છે. મોટર ચાલુ કરોને.’ જ્યોતિએ વધુ જોરથી બૂમ પાડી. રમણલાલ સડસડાટ બહાર નીકળી આવ્યા. ‘હા હા, કરું.’ ડ્રૉઇંગ-રૂમના બારણા પાસે જઈ જોરથી બોલ્યા. બહાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. વરંડામાંથી શેડ સુધી ઝડપથી દોડી ગયા રમણલાલ. ઉતાવળે જતાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીના ઢાંકણની જમણા પગે ઠોકર વાગી ને માંડ પડતા બચ્યા. પગના અંગૂઠાના નખ પાસેની ચામડી ઊખડી ગઈ. રમણલાલે ઢાંકણા સામે જોતાં મોટરની સ્વિચ પાડી. પછી પલળવાની ચિંતા કર્યા વિના ધીમાં ડગલે વરંડામાં અને પછી ઘરમાં જઈ ડાઇનિંગ-ટેબલની ખુરશી પર બેઠા.

જમણા પગના અંગૂઠામાં કળતર થતી હતી. ડાબા પગના ઘૂંટણ પર જમણો પગ ચડાવ્યો. અંગૂઠાનો નખ જરા ઊખડી ગયો હતો. અંદરથી લોહીની ટશર ફૂટી આવી હતી. રમણલાલ નખને દબાવી થોડી વાર બેસી રહ્યા. પછી ઊભા થઈ, પાસેના કબાટનું ડ્રોઅર ખોલી, એક જૂનું આલ્બમ કાઢ્યું. એનાં પાનાં ઉથલાવવા લાગ્યા. પીળો પડી ગયેલો કાજલનો ફોટો કાઢી જોઈ રહ્યા. સાવ નાનકડી દેખાય છે. બે નાનીનાની ચોટલી અને ગોળમટોળ ચહેરો. પોતાના કદ કરતાં મોટી છત્રી હાથમાં ઉપાડીને હસતી ઊભી છે. રમણલાલનાં આંગળાં ફોટા પર સરકતાં રહ્યાં. પાછળથી જ્યોતિએ આવી એમના ખભે હાથ મૂક્યો. રમણલાલ જરા ભડકી ગયા. પછી અવળા ફરી જ્યોતિ સામે વિવશતાથી જોઈ રહ્યા.

સ્રોત

  • પુસ્તક : કંઈ પણ બની શકે (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : જીગ્નેશ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : ફ્લેમિંગો પ્રકાશન
  • વર્ષ : 2019