કાનજી પટેલ
Kanji Patel
ખોડાકાકા કહે - અમે ચામઠા કોમ. ફરતા ફરતા અહીં આવી ઠર્યા. ગધેડાં હાંક્યાં, ભોંય ગોડી, સાગવાડિયા પથ્થરની ઘંટીઓ બનાવી. ઘંટીઓની કકરાશ ઓછી થાય ત્યારે ટાંકણાથી ઘંટીઓ ટાંકી મજૂરીના શેર બશેર દાણા રળી ખાધા છે. પુંવાડિયા, ઢોરખાણિયાં ઓલે ગામ પેલે ગામ વેચ્યાં. હવે ઊંટગાડીઓ લાવ્યા છીએ. લોકો અમારાં બૈરાંને, છોકરીઓને ડાકણાં ગણે. પુરુષ પણ ડાકણા કહેવાય. દસ વીસ વરસ પહેલાં ચામઠા-ચામઠીને જોઈ લોક ફટોફટ બારણાં વાસી દે. કમાડ પાછળ સંતાઈ રહે. ઝીણી આંખે બારણાંની તિરાડમાંથી માગણ ચામઠા-ચામઠીની હલચલ જોઈ રહે. ગુસપુસ વાતો કરે. છોકરાં પર પણ નજર ન પડવા દે. મૂઠી કણેક માટે એક વેળાએ તાકી રહે. થાકીને વાટ માપે. નટ વીચપડાં ય દોરડે, ભોંય પર ઠેકડા લે, ચાલે. ભીખ માગી ગુજારો કરે. એમ અમારામાંય બૈરાં છોકરાં ભીખ માગે. અમારામાં કોઈ મરે એને બાળે નહિ, બાળવાની બંધી, મડદાને દાટવાનું.
આ સામે દેખાય એ ગોંદિયું તળાવ અમારું થાનક. અમે સૌ પહેલાં ત્યાં આવી ઠરેલા એ જગા અમારી બાપીકી ગણીએ. સારા એણા ટાણે, પંચમાં, ઉજાણીમાં, મૂએ-માર્યે ત્યાં ભેગા થઈએ. મૂળ અમે ચાર જણ અહીં આવેલા. સાઇઠ વરસમાં ત્રણસો જેટલા થયા, વીસ પચીસ ગામોમાં પંખાયા છીએ. કોઈ એકલ દોકલને એક બે વીઘાં જમીન મળી. એ માર ખાઈનેય ઝાલી રાખી છે. મોટા ભાગના ગધેડાં ભેગા ગધેડા થઈને, ટંકે ટંકનો રોટલો પામે.
એમની વાતને ઘડવા, રંગવા ને સમજવા બેઠો છું.
ભટકતી ચામઠા કોમનો ઇતિહાસ રજવાડા અને અંગ્રેજ વખતનો. પૂર્વજોને રાજાનો આંકડો મળેલો. આંકડો એટલે દસ્તાવેજી લખણી. ભટકતી કોમને રાજા ગરાસ આપે? વસવા ઘરથાર આપે? આ તો થયેલું એવું. રાજાને ચામઠાના બારણે આવવું પડેલું. આ વાત છે સાંભળેલી. સાંભળીને સંભળાવેલી એટલે એમાંય ઘણું ઊડી ગયું ને ઘણું નવું ઉમેરાયું હશે. પોતાની કોમની વાત ખોડાભાઈ ચામઠાએ કહી એનો સાર ઝાલીને આજે વાત માંડી છે. ચમત્કાર ઉમેર્યો નથી. પણ છે ચમત્કાર જેવું જ. રંગ, લહેકા ઉમેર્યા છે. વાત છે એટલે ઘૂંટી છે. રસ ફૂંકાર્યો છે, બેનો ભાઈઓ.
કહેલું કહું છું.
અહીંનો રાજા. રાજાને એક કુંવર હતો. રાજના પાદરમાં તળાવ. એનું નામ ગોંદિયું તળાવ. એની પાળે ચામઠાનો તંબુ. એક દિવસનો સમો. એક ચામઠીનું તંબુ બહાર ઊભા રહેવું ને કુંવરનું ઘોડા પર ત્યાં આવી ચઢવું. પાળે ઊતરવું. છ હાથનો ગોરો કુંવર એવી જ ગોરી ચામઠી. કુંવરની મૂછનો દોરો પરસેવે રસાઈ ગયેલો. લખ લખ કપાળ, ચામઠીની આંખનો અંકોડો મહેલોમાંથી કુંવરી લાવ્યા હોય એવું રૂપ. કામઠી પરથી તીર વછૂટે. બેયમાંથી કોઈ એકેય નજર ખાંડી ન કરે. ધરતી ફાટતી હતી. સંધ્યા વેળાની ટીંટોડી બોલતી હતી. ઘોડો ઘોડાને ઠેકાણે, કુંવર કુંવર નહોતો. ચામઠી ચામઠી નહોતી. બધું આરોપાર. કુંવરના નોકર ફીકાફસ થઈ તાકી રહ્યા. કુંવરે શું માંડ્યું છે? ચામઠીની બુદ્ધિ ફરી ગઈ છે કે શું?
શિયાળાની સાંજની ધધરી વેળા. ચામઠી તંબુમાં ગઈ. કુંવરનાં ડગલાં તંબુ ભણી મંડ્યાં. તંબુમાં જવા કુંવર નીચો નમ્યો- આવું?
ચામઠી શું જવાબ આપે? એને રાજમહેલ દેખાવા લાગ્યો. મહેલવાળો આજે તંબુ પર આવ્યો. ઇતિહાસ લખાતો હતો. કુંવર નેવાંનાં પાણી મોભે ચઢાવતો હતો. ચામઠી પોતાના ઠામે, ન બોલે ન ચાલે.
કહેવત હતી કે ચામઠી સતી હતી.
કુંવરે માગ્યુંને સતી ચામઠીએ આપ્યું.
તંબુમાં કુંવર વટલાયો.
નોકરો મહેલમાં પહોંચ્યા હતા.
:રાજાજી, રાજાજી, કુંવર તો ગોંદિયા તળાવે વટલાયા. રાજા તો શ્વાસનો ભર્યો ગોંદિયે આવ્યો.
:કુંવર, કુંવર આ શું લીધું છે? તું ભમતા વાયરામાં ભરાયો? ચામઠીને છોડ કે રાજ છોડ.
કુંવર તો તળાવની પાળે ઠર્યો. દિવસો ગયા. એકનો એક કુંવર. શું થશે રાજનું?
રાજા કહેઃ ચામઠી, તું માગે એ આપું મારા કુંવરને તારા સાણસેથી છોડ.
ચામઠી કહેઃ એકમેકને ઝાલ્યાં છે. હું મારા ઠામે હતી. આ તંબુ ય કુંવરે જાતે ઠોક્યો. એ હેંડી ચાલીને વટલાયા છે.
રાજા કહેઃ ભૂંડી, ડહાપણ મેલ. એને છોડ. કહે તો રાજમાં ભાગ આલું. આ પાંચ ગામ તારાં.
ચામઠી બોલીઃ ભાગ નહીં લઉં. રાજ કરું.
આ કુંવર તમારો કે નહીં? એ આજે મારો થયો કે નહીં? પૂછો કુંવરને.
રાજાએ કુંવરને કહ્યું, ઉત્તર વાળ.
કુંવર બોલ્યો, જ્યાં એ ત્યાં હું.
એ જ રાજ કરે.
રાજા ભડકો થયો, સાત પેઢીમાં તું પહેલો પાક્યો આવો. આ તો નહીં બને.
ચામઠીએ ઉકેલ બતાવ્યો, રાજાજી, સવાસો હાથ કાચા સૂતરના તાંતણે બાંધું. એ તાંતણે રાજા, તું રમ કે હું રમું. જે રમે એ રાજ લે.
રાજા કહે, એમ કર. તાંતણા હું બંધાવી આપું.
એણે તાંતણા બંધાવ્યા.
લે, હવે રમ.
ચામઠી રમવા બેઠી, મુંડા હાથ, પગમાં તલવારો ને તાંતણો કાચો. ભાર ઝીલે? ખેલ ખરાખરીનો. તાંતણો તૂટે તો સરગ મળે. રમી કાઢે તો રાજ. ચામઠી રમે રમે તે કાંઈ ઓછું. રમતાં રમતાં એણે પૂંઠ ફેરવી. એ તકમાં રાજાએ બંદૂકનો ભડાકો કર્યો. એક ભડાકે તાંતણો તોડ્યો. ચામઠી ભોંય પડી.
તંબુમાંથી ચામઠા-ચામઠી ભેગાં થયાં. જોઈ રહ્યાં. ચામઠીને, કાચા સુતરના તાંતણાને, કુંવરને. રાજા, રાજા, રાજા, આ શું કર્યું? બધું ઉઘાડું હતું. રાજાએ તાંતણે ચઢાવી ચામઠીને પાડી, જીવ લીધો. બધો મેળો એકીટશ. બધાં હાથ જોડી રહ્યાં. આ તો રાજા હતો. ધૂળ માથે ચઢાવી રહ્યાં. કુંવર બેભાન થયો. નોકરો એને ઉપાડી ઘોડા પર નાખી મહેલે લઈ ગયા.
રાજાએ પ્રધાનને આદેશ કર્યો:
આ ભટકતી વસ્તીને જમીન લખી આપો, દસ્તાવેજી આંકડો આપો.
ચામઠા વસ્તી વધતી ગઈ. ગધેડે ધંધો કરતી રહી. ખેતી કંઈ આવડે? આદત ભટકવાની. આંકડે મળેલી જમીન પડતર રહી. આ ગામથી પેલા ગામ. ભટકતા એક ડોસાએ ઇડરમાં ચિત્રોડા ગામે કલાલ ગુરુને ત્યાં આંકડો થાપણ મૂક્યો. પછી રખડ્યા, ફર્યા મન મૂકીને. ગુરુને ત્યાં એક સમે ખાતર પડ્યું. ખાતરમાં આંકડોય ગયો. આવ્યા ફરતા ફરતા પાછા આ રાજમાં. ગોંદિયા તળાવે આવ્યા. પૂર્વજોનું તળાવ. હકનું તળાવ. એ ગાળામાં રાજાએ ગામમાં શંકરનું મંદિર બાંધવાનું આરંભ્યું. ચામઠાના ડેરે રાજાનો સંદેશો પહોંચ્યો, નદીની રેતી તમારે મંદિર બાંધવા લાવવાની. શિયાળો, નદી ભરેલી, વેળુ પાણીથી છવાયેલી. ગધેડાં કિનારે ઊભાં રાખી પાણીમાં બૂડી બૂડીને ચામઠા રેતી કાઢવા લાગ્યા. ઠંડી ફફડાવી નાખે. એક પછી એક ચામઠા માંદા પડવા માંડ્યા. ઘરનું ખાઈને રાજની વેઠ કરવાની. ખાવામાં તો ખાસડાં. ખાધા પીધા વગર શક્તિ શેની હોય? ચામઠા થાકયા. કાલથી રેતી વહેવી નથી - એમ વિચારીને બધા તંબુમાં બેઠા રહ્યા. આવતી રેતી બંધ થઈ. રાજાના મહેતા ડેરે પહોંચ્યા.
:એઈ ચામઠા મરી ગયા કે શું? ખાઈ ખાઈને વધ્યા છે. બહાર આવો. રાજનો આદેશ છે.
હેમા ડોસા તંબૂમાંથી ઊભા થયા. ખૂણામાં ચૂલાના ઢેકલા પર ખાલી હાંડલું હતું એ ઉઠાવીને હરફાટ્યું મહેતાજીના માથે. મહેતાનું ડાચું કાળું થઈ ગયું. હાંડલું ફૂટ્યું. હાંડલાનો ગોળ કાંઠો મહેતાના ગળે હારની પેઠે ગોઠવાઈ ગયો.
:અમારે ખાતાં, પેટ ભરાતાં વધેલું એ તારા પેટમાં ઓરવા આ હાંડલું લેતો જા.
આવા ઢંગમાં મહેતા પાછા રાજમાં જાય? ભૂખ ને ટાઢની વાત રાજાના કાને પહોંચી. રાજાએ ડેરે આવી પૂછ્યું, તમે કયા વંશના?
:ઘણી જૂની વાત છે. ચામઠી ને કુંવરની વાત હેમા ડોસાએ રાજાને સંભળાવી.
રાજા કહે, તમે તો અમારા વંશના કહેવાઓ. આ વેઠ આજથી બંધ કરો.
રાજાએ દાણા મોકલાવ્યા ને ચામઠાનો ઘરવેરો માફ કર્યો. નાનો ભૂલ કરે તો શ્રાવણ-ભાદરવો થઈ જાય. મોટો એના પર ઘોડો થઈ જાય. પણ મોટો ભૂલ કરે તો?
એક કાળે ચામઠી હતી. કુંવર હતો. કાચા સૂતરનો સવાસો હાથનો તાંતણો હતો. કુંવર ચામઠીમાં વટલાયો હતો. વેઠ હતી. રખડપટ્ટી હતી. ભૂખ ને ટાઢ હતાં.
ભોંય ન હતી. આજેય ભોંય નથી. કલાલ ગુરુ હતા. એક આંકડો ત્યારે હતો. પણ આજે નથી. રાજા ત્યારેય હતો આજેય છે. ભટકતાં તો આજેય ભટકે છે. ભટકતાંને ઠારવા, બાંધવા રાજનો આંકડો છે? હોય તો કોઈ બતાવો.
સ્રોત
- પુસ્તક : ડેરો (પૃષ્ઠ ક્રમાંક 14)
- સર્જક : કાનજી પટેલ
- પ્રકાશક : દર્શક ફાઉન્ડેશન
- વર્ષ : 2008
