Rajnigandha - Short Stories | RekhtaGujarati

રજનીગન્ધા

Rajnigandha

શિવકુમાર જોષી શિવકુમાર જોષી
રજનીગન્ધા
શિવકુમાર જોષી

તે દિવસે રવિવાર હતો. રાત્રે સાડા આઠ વાગ્યે ન્યુ એમ્પાયરનું પિક્ચર જોઈને હું ને સુશીતલ નીકળ્યા. મુંબઈથી મારી બદલી કલકત્તા ખાતે થઈ તે દિવસોમાં હું વિશાળ વિસ્તારવાળા શહેરથી સાવ અજાણ્યો હતો. વળી શરૂઆતના દિવસોમાં મુંબઈની આધુનિક રહેણીકરણી, એના સાફસુંદર રાજમાર્ગો અને ત્યાંના રહેવાસીઓની શિસ્તબદ્ધતા ખૂબ યાદ આવતાં. બધી ગણતરીએ કલકત્તા પાંચ દશકા પાછળ લાગતું, પણ વખત જતાં મને ત્યાં ગોઠવા લાગ્યું.

સુશીતલ પણ ‘સ્ટેટ્સ’માં મારી સાથે હતો. એક વર્ષે અમે બંને વિસ્કોન્સીસ યૂનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ પાસ કરીને એક અમેરિકન કંપનીની હિંદની શાખાઓમાં સ્ટેટ્સમાંથી નિયુક્ત થઈને દેશ પાછા ફર્યા. ફેર માત્ર એટલો પડ્યો કે મારે કંપનીની મુંબઈની સેલ્સ ઑફિસમાં જોડાવાનું થયું, જ્યારે સુશીતલ કંપનીની કલકત્તા ખાતેની ફેક્ટરીમાં જોડાયો. બે વર્ષ પછી મારે પણ ફેક્ટરીના કામકાજનો અનુભવ લેવા કલકત્તા આવવું પડ્યું. અમેરિકાના વસવાટ દરમ્યાન જામેલી મૈત્રી હવે વધુ ગાઢ બની. અમારી વચ્ચે ખૂબ બેસતું આવી ગયું.

મુંબઈની સરખામણીમાં હું ઘણીવાર કલકત્તાને સારી રીતે વગોવતો સુશીતલને કઠતું. કહેતો : ‘તમારા મુંબઈના લોકોમાં હૃદય ક્યાં છે? ત્યાંની માયા તો ઉપર ઉપરની છે. કલકત્તા તો ખૂબ લાગણીપ્રધાન પ્રજાનું સદા ધબકતું હૈયું છે, આવી બધી એની માન્યતાઓ પુરવાર કરવા પણ મથતો. એની જાણપિછાનવાળાં સંસ્કારી બંગાળી કુટુંબોમાં એણે મારી ઓળખાણ કરાવવા માંડી. એમની સંસ્કારપ્રવૃત્તિઓમાં મને એણે ભાગ લેતો કર્યો. મુંબઈની આધુનિક સુઘડતા આવી કોઈ કોઈ જગ્યાએ ડોકિયાં કરી જતી પણ એથી વિશેષ અહીં માર્દવતા હતી. કાંઈ જુદી જાતનું માધુર્ય હતું જે મુંબઈના હિસાબી જીવનમાં ભાગ્યે નજરે પડતું... અને ધીરે ધીરે મને શહેર ગમવા માંડ્યું.

તે દિવસે રવિવાર હતો એટલે સાંજના અમારી ક્લબ બંધ હતી. ઘર તો રીતસર વસાવ્યું હતું. ક્લબના બે ઓરડા સારું ભાંડું આપીને બીજો કોઈ સારો બ્લોક મળે તેટલા વખત પૂરતા કામચલાઉ રાખી લીધા હતા. સુશીતલ પણ ભૂખ્યો થયો હતો. કેટલાયે દિવસથી કલકત્તાના જીવનની બીજી એક બાજુ બતાવવા આતુર હતો એટલે ‘ગ્રાન્ડ’, ‘ફિર્પો’, ‘કોન્ટીનેન્ટલ’ જેવી મોટી હોટલો પણ મૂકીને ચલાવતો ચલાવતો મને ચૌરંઘીના વિશાળ માર્ગે થઈને પાર્કસ્ટ્રીટમાં તાણી ગયો. આગળ જતાં પાર્કસ્ટ્રીટ અને વેલેસ્લીના ક્રોસિંગ પાસેની એક ગલીને નાકે આવેલા બહારથી સાવ સામાન્ય લાગતા એક રેસ્ટોરાંમાં મને લઈ ગયો. એનું નામ હતું ‘હોટલ રેઇનબો’.

બહારથી સાવ સામાન્ય લાગતું રેસ્ટોરાં અંદર કલાત્મક સાદાઈથી સજાવેલું હતું. બંને બાજુની ભીંતો ઉપર ઉપસાવેલી ડાળીઓ અને પાંખડીઓ તથા પાતળી વેલોને આધારે રંગબેરંગી પંખી બેસાડ્યાં હતાં. આછા લીલા રંગની ભીંત ઉપર ઘેરા બદામી રંગની ડાળખીએ, તે ઉપર કોઈ કોઈ જગ્યાએ ઘેરા લીલા કે પીળા કે જાંબુડા રંગનાં પાંદડાંના ગુચ્છ; અને ભીંતના નીચેના ભાગ પાસે સાંકડી નીકમાં અદૃશ્ય રહેલા જુદા જુદા આછા રંગના બલ્બથી ભીંતો ઉપર અજબ જાતનું સપ્તરંગી પ્રકાશ-આયોજન થયું હતું. સુંવાળી મખમલની ગાદીવાળી અવકાશવાળી ખુરશીઓ બેઠા ઘાટનાં ગોળ ટેબલોની આજુબાજુ હું અને સુશીતલ ગોઠવાયા. અમે બેઠા હતા તેની તદ્દન સામેના ખૂણે એક નાના તખ્તા ઉપર એક વિદેશી વાજિંત્રોના સાજ ઓરકેસ્ટ્રાની સજાવટ હતી.

‘માઇક’ની સામે ઊભો રહીને એક જણ ખૂબ હળવે હાથે વાયોલિન વગાડી રહ્યો હતો. વિદેશી સંગીતની વિગતોમાં મને સમજ પડતી હતી, પણ અમેરિકાના મારા વસવાટ દરમ્યાન સંગીત કર્ણપ્રિય બનવા માંડ્યું હતું. ખાસ કરીને તેની ક્લાસિકલ શાખાનું સંગીત મને ખરેખર ખૂબ રુચતું. આજનું વાયોલિન બજાવનાર પણ કોઈ સિદ્ધહસ્ત હશે એમ એણે નાનકડી હોટલમાં છાઈ દીધો હતો તે ઉપરથી તરત કળાતું હતું. અડધી મીચેલી આંખે હું સંગીત માણવા લાગ્યો.

સુશીતલે ક્યારે વેઇટરને બોલાવીને સૂપ કટલેટ્સ વગેરેનો ઑર્ડર આપ્યો તેનો પણ મને ખ્યાલ રહ્યો.

‘કેમ? કેમ લાગે છે?’ એણે જરા મગરૂરીથી પૂછ્યું.

‘શું?’ હું હજી તંદ્રામાં હતો.

‘પૂછું છું કે જગ્યા કેવી લાગી?’

‘હા, હા, સરસ છે વળી; કેમ?’

‘તો તો ઠીક, તું તો વળી કહેશે કે અમારી મુંબઈમાં –’ પણ મેં એને આગળ બોલવા દીધો. ‘મુંબઈમાં આથી પણ સારી જગ્યાઓ છે, પણ શહેરના મધ્યભાગમાં આમ ખૂણે બેસીને સાંજનું ભોજન આટલી શાંતિથી માણી શકાય એવું મુંબઈમાં ભાગ્યે બને. ત્યાંની ધમાલથી તો તોબા –’ સુશીતલનું મુખ મલકી ઊઠ્યું. આખરે એના કલકત્તા તરફ એણે મને કદરદાનીથી જોતો કર્યો.

ગરમ ગરમ ટોમેટોસૂપ પીરસાયો. એમાંથી નીકળતી આછી આછી વરાળ, હવામાં રેલાતું સંગીત વાતાવરણની સ્વપ્નભરી શાંતિમાં ભૂખ એકદમ જાગી ઉઠી. હાથ ખંખેરી મેં નેપકીન ખોળામાં પાથર્યો, નીમક અને કાળાં મરી ભભરાવી પહેલો ચમચો ભરીને જ્યાં ઘૂંટડો ઉતારવા જાઉં છું ત્યાં માઇક ઉપર એકદમ ઊંચા સાદે લગભગ ચીસ પાડીને કોઈ અંગ્રેજી ગીત શરૂ થતું સંભળાયું. મારો હાથ થંભી ગયો. ખૂબ દિવ્યસંગીત સાંભળવા મળ્યું તેથી નહિ, પણ વાયોલિને જમાવેલી શાંત હવાની સરખામણીમાં આવું નહિ કલ્પેલું વેગીલું સંગીત શરૂ થયું તેથી. કુદરતી રીતે મારી નજર સ્ટેજ તરફ વળી. માઇકની પાસે 20-22 વર્ષની યુવતી અદાથી ઊભી હતી. એણે બંને હાથ કેડ ઉપર ટેકવ્યા હતા અને એના વહેતા વાળના જથ્થાને કોઈ અજબ છટાથી ઝુલાવ્યે જતી હતી. હડપચી સહેજ ઊંચી રાખીને હસતે મુખે ગીત ગાઈ રહી હતી. નહિ બહુ ઊંચી નહિ નીચી પણ સપ્રમાણ. કોઈ એંગ્લોઇન્ડિયન યુવતી હશે એમ લાગ્યું. અમે બેઠા હતા એટલે દૂરથી સુંદર છે કે કેમ તે કળવું મુશ્કેલ હતું, પણ એટલે દૂરથી પણ એની છાંટ તરી આવતી હતી.

એણે ગીત શરૂ કર્યું અને રેસ્ટોરાંના બીજા ગ્રાહકો જાણે લોહચુંબકથી ખેંચાતા હોય તેમ તેના તરફ ફર્યા. સમજ્યે વગર સમજ્યે અમુક અમુક અંતરે એના ગીતને લોકો હર્ષથી વધાવી લેતા હતા. મેં બહુ વખતે સામે બેઠેલા સુશીતલ સામે જોયું. મારી ચંચળતા જોઈને હસ્યો.

‘સ્ટેટ્સમાં તેં બધું શું નથી જોયું તે તું આમ બાઘાની માફક તરફ જોઈ રહ્યો છે? મને લાગે છે કે તમારા મુંબઈમાં –’

મુંબઈનું નામ સાંભળીને મને ફાળ પડી કે વળી પાછી કાંઈ અજુગતી ટીકા કરી બેસશે એટલે તુરત મેં મારી વર્તણૂકના બચાવમાં કહ્યું : ‘પેલું વાયોલિન કેવું સરસ વાગતું હતું! તેને બદલે જો ને ચીસો પાડે છે! કાંઈ ખમાય એવું છે?’

‘પણ તું એની ચીસો તરફ શું કામ ધ્યાન આપે છે? કાન બંધ કરીને માત્ર એના સામું જોઈ રહીશ તો કદાચ કંટાળો નહિ આવે.’ એણે કરેલી મશ્કરી જાણે સમજ્યો હોઉં એમ મેં બચાવ આગળ લંબાવ્યો.

‘ના, ના એટલું નહિ. મને તો બીજા લોકોની વર્તણૂક જોઈને કંટાળો આવે છે, જાણે કોઈ દિવસ કોઈ યુવાન સ્ત્રીને જોઈ હોય તે રીતે. કેવી વિચિત્ર મુખભંગીથી એના તરફ જોઈ રહ્યા છે? મોઢું પહોળું કરીને જાણે –’

‘ઝુઓલૉજીકલ ગાર્ડનમાં કોઈ નવું પ્રાણી જોતાં હોય જાણે, કેમ?’ સુશીતલે ટાપસી પૂરી.

પણ મને સાચોસાચ ચીઢ ચઢી હતી. યુવતીએ ઢીંચણથી સહેજ નીચું, કેડ પાસે ખૂબ નાની નાની સળો પાડેલું ભભકદાર રંગોના લસરકાવાળું ‘સ્કર્ટ’ પહેર્યું હતું, અને એમાં ઘાટીલા વક્ષસ્થળને વધુ વળાંક આપતું ભીચોભીચ લાલ ટપકાંવાળું અને ખભાથી કાંડા સુધીની પહોળી બાંયવાળું ખુલ્લા ગળાનું સફેદ રેશમ બ્લાઉઝ પહેર્યું હતું. મનમાં ને મનમાં યુવતી પ્રત્યે પણ ગુસ્સો આવ્ચો. શા માટે આવા હલકા અસંસ્કારી લોકોની વચમાં પોતાનું ગળું વહેતું મૂકતી હશે? લોકો શું એનું ગીત સાંભળતા હતા?

એટલામાં તો ગળે વીંટાળેલો રંગબેરંગી રૂમાલ એણે પોતાના વહેતા વાળનાં જુલફાંની આજુબાજુ અજબ સિફતથી બાંધી દીધો અને ભ્રમરો ચઢાવી ઊંચે છત તરફ નજર કરીને સંગીતનો લય ખૂબ વિલંબિત બનાવી અવાજને ખૂબ નીચે ઉતારી એકધારો ખરજ સપ્તક ઉપર રમાડવા માંડ્યો. ખરેખર તે વખતે મને લાગ્યું કે એનું ગળું સારી રીતે કેળવાયેલું છે અને અવાજમાં માધુર્ય પણ છે.

પણ તેથી તો મારી સૂગ વધી. આવા એક સામાન્ય રેસ્ટોરાંમાં આટલી મોડી રાત સુધી લોકોના મનોરંજન માટે? અને તે લોકો એવા કે જેઓ આંખ અને હોઠના અનેક જાતના વળાંકો યોજી એની કળાની કઢંગી રીતે કદર (?) કરતા! માત્ર સિનેમામાં પ્રેમપ્રસંગ જેવી સિસોટીઓ સંભળાય છે એવી સિસોટીઓ મારવાની લોકોએ બાકી રાખી હતી, મારું લોહી તપી આવ્યું.

‘કેમ રે? ખાવાનું પૂરું કર ને, ભાવ્યું કે શું?’ સુશીતલે પૂછ્યું.

‘ના, ના. ખાવાનું તો સરસ છે. પણ... મને રુચિ નથી.’

‘કેમ? અહીંનું વાતાવરણ ગમ્યું? પણ કલકત્તા શહેરની રંગભરી દુનિયાનો એક ભાગ છે.’ એણે હસતાં હસતાં ઉમેર્યું.

‘ના, ના વાતાવરણ તો સારું છે.’

‘તો પછી આમ કંટાળેલી કેમ લાગે છે?’ એણે ફરીથી પ્રશ્ન કર્યો. મારે જવાબ આપવો પડ્યો.

‘મને એમ થાય છે કે આવા લોકો વચ્ચે આટલી મોડી રાત સુધી ભટકવા દેવાનું જોખમ એનાં માબાપ શા માટે વહોરતાં હશે?’

‘માબાપ! હો હો હો.’ સુશીતમ મોટેથી હસી પડ્યો. મારા મુખ ઉપરનો આશ્ચર્યભાવ કળી જઈને બોલ્યો :

‘તું તો હજી એવો ને એવો રહ્યો. ચાલ, હવે ખાવાનું પૂરું કર એટલે અહીંથી ઊઠીએ. તને જરા મેદાનની હવામાં ફેરવીને તારી ક્લબ ભેગો કરું.’

જમવાનું પૂરું કર્યું ત્યાં સુધીમાં પેલા વાયોલિનિસ્ટે કોઈ નવો સૂર આબાદ રીતે છેડ્યો. અમે ઊઠ્યા તો ખરા પણ એની સૂરાવલીમાં એણે જાણે મને ફરીથી આમંત્રણ આપ્યું. ‘જાય છે તો ભલે જા, પરદેશી! પણ ફરી અહીં કોઈ કોઈ વાર આવવાનું ભૂલીશ નહિ’ એવા ભણકારા કાનમાં વાગતા હતા અને સાડાદસ અગિયારે હું ક્લબમાં પહોંચ્યો.

થોડા દિવસ પછી કોઈ મોટા બેરિસ્ટરની પુત્રી સાથે સુશીતલનાં ઠીક ઠીક ઠાઠમાઠથી લગ્ન થયાં અને તે દિવસથી નવરાશની વેળાના મારા એકમાત્ર સાથી તરીકેની એની કારકિર્દીનો અંત આવ્યો.

શનિવારની અડધી અને રવિવારની પૂરી રજા મોટે ભાગે મારે એકલા ગાળવી પડતી. શનિવારે નિયમ તરીકે મેદાનમાં હું ફૂટબોલ મેચ જોવા જવા લાગ્યો, અને રવિવારની સાંજ વિક્ટોરિયા મેમોરિયલ બગીચામાં પગ થાકે ત્યાં સુધી લટાર મારવામાં કે કોઈ સારું અંગ્રેજી ચિત્ર જોવામાં ગાળતો. એવામાં ચોમાસાના દિવસો આવ્યા. કોણ જાણે વરસાદ પણ બરાબર શનિ-રવિ જોઈને ક્યાંયથી ને ક્યાંયથી ઘેરાઈ આવતો અને મારી શનિ-રવિની સાંજ બગાડી જતો.

તે દિવસે શનિવાર હતો. બપોરથી વાદળ ઘેરાવા માંડ્યાં હતાં અને સાંજ સુધીમાં ફૂટબોલની મેચ શરૂ થાય તે પહેલાં તો આકાશ ઘનઘોર બની ગયું. એટલે મેચ જોવાને બદલે હું

‘લાઇટહાઉસ’માં પેસી ગયો, પણ ‘પિક્ચર’માં કાંઈ ભલીવાર નહોતો. બહાર નીકળ્યો ત્યારે વરસાદ જરા થંભ્યો હોય તેમ લાગ્યું, એટલે મનમાં જામી પડેલી કંટાળાની વૃત્તિને હાંકી કાઢવા ચૌરંઘીને રસ્તે થઈ ક્લબ તરફ ચાલવા માંડ્યું.

પાર્કસ્ટ્રીટ સુધી પહોંચ્યો ત્યાં તો મોટાં મોટાં ફોરાં પડવાં શરૂ થઈ ગયાં અને કોણ જાણે કશાથી દોરાયો ‘હોટલ રેઇનબો’ તરફ પગલાં માંડ્યાં. અંદર જવું કે જવું તેનો વિચાર કરતો, વરસાદથી બચવા કહો કે પછી પેલા વાયોલિનનાં આમંત્રણે કહો, પણ વધુ આનાકાની સિવાય હું રેસ્ટોરાંમાં પેસી ગયો.

છૂટાછવાયા ચાર-પાંચ ગ્રાહકો સિવાય જગ્યા તદ્દન ખાલી હતી. હું પ્રવેશદ્વાર પાસેના ખૂણે બેસી ગયો. બેસવાનું ભાડું ચૂકવતો હોઉં તેમ વિના ઇચ્છાએ ભાઈ ગરમ કૉફી અને સેન્ડવીચીઝનો ઑર્ડર આપ્યો. આછા ધીરા સૂરોમાં વાયોલિન વહ્યે જતું હતું. ખુરશીને અઢેલીને હું નિરાંતે બેઠો. તે દિવસ કરતાં પણ આજે વધુ શાંતિ લાગી.

થોડી વાર પછી વાયોલિન વધુ ધીરું પડ્યું અને સાથે પિયાનોના સૂર સંભળાવા લાગ્યા. થોડી વાર પછી ઘૂઘરા જેવો અવાજ મારે કાને પડ્યો ને મારી નજર સ્ટેજ તરફ વળી. સફેદ જ્યોર્જેટની સાડી અને લીલી ચોળીમાં સુઘડ રીતે સજ્જ થઈને પેલી એંગ્લોઇન્ડિયન યુવતી બે હાથમાં સફેદ મોટા ઘૂઘરાથી હાવભાવ સાથે મુખતાલ આપ્યે જતી હતી. હોઠ એણે સજ્જડ રીતે ભીડ્યા હતા; બે હાથમાં ઘૂઘરા ઘુમાવતી સમ ઉપર બરાબર તાલ આપતાં ખભે અથડાતા કેશકલાપને એક સરસ ઝોક આપી થોડું હસી લેતી. બાળા આજે મને કાંઈક જુદા સ્વરૂપે દેખાઈ. કાંઈક અંશે જાણે મારી પોતાની ધરતીની હોય તેવો અનુભવ થયો.

વરસાદ તે દિવસે લાંબો ચાલ્યો હોત તોપણ હું તુરત ઊઠીને ચાલ્યો જવાનો હતો જ. સાડા દસ-અગિયાર સુધી ખુરશીમાં બેઠાં બેઠાં મેં કૉફીનું વધુ એક ‘પોર્ટ’ આછે ઘૂંટડે ખાલી કર્યું. ત્યાંના સંગીતમય વાતાવરણમાં મનને ખરેખર શાંતિ મળી હોય તેમ જણાયું.

આવી રીતે કેટલીયે વાર જ્યારે મન કંટાળતું ત્યારે સ્વસ્થ થવા માટે મોડે સુધી હું ત્યાં બેસતો. ખૂણાના ટેબલ પાસે એજ મુલાયમ ખુરશીમાં રીતે કૉફીનું એકાદ ‘પૉર્ટ’ ખાલી કરતો. કોઈક વાર ‘સેન્ડવીચીઝ’ કે ‘કટલેટ્સ’ ખાઈ લેતો અને સંગીતથી મન છલોછલ ભરાય એટલે એક પણ શબ્દ બોલ્યા સિવાય બિલ ચૂકવી વેઇટરને ચાર આના વધુ બક્ષિસ આપીને રેસ્ટોરાંની બહાર નીકળી જતો. નીકળતાં નીકળતાં ટેવ તરીકે મારી નજર એક ક્ષણ માટે પેલા નાનકડા સ્ટેજ ઉપર પડી જતી. પેલી અજાણી યુવતીના પહેરવેશમાં પહેલાં તો ત્રણ-ચાર પ્રકારના પહેરવેશની વિવિધતા જોવામાં આવતી, પણ મોટે ભાગે પેલી લીલી ચોળી અને સફેદ જ્યોર્જેટની સાડી વધુ દિવસ પહેરતી એમ મને જણાયું.

... દિવસે વરસાદ પણ હતો. શનિ ને રવિવારની રજા પણ હતી. સુદ નવમીનો ચંદ્ર આકાશમાં પ્રકાશ્યો હતો. ક્લબમાં જમીને જરા લટાર મારવા હું મેમોરિયલ તરફ ઊપડ્યો. શનિ-રવિ સિવાય મોડી રાતે ત્યાં ભાગ્યે કોઈ દેખાતું. આજે તો આઠ વાગ્યામાં બે-ત્રણ મોટરગાડી સિવાય આખોયે રસ્તો સરિયામ ખાલી હતો. ચાંદની ચારેબાજુ ફેલાઈ હતી પણ હવામાં ગરમી હજુ શમી હતી. વિનાકારણે મન ઉદાસ થઈ ગયું. ક્લબની ગરમીમાંથી છૂટવા મેદાનમાં આવ્યો તો ત્યાં પણ વાતાવરણ ઊના નિઃશ્વાસ લેતું ભાળ્યું. પાર્કસ્ટ્રીટ સામેનું જનરલ આઉટ્ટામનું ઘોડેસવાર પૂતળું દૂરથી દેખાતું હતું. ધીરે ધીરે પગ તરફ ઊપડ્યા અને વિચારમાં ને વિચારમાં ‘રેઇનબો’માં આવીને ક્યારે ગોઠવાઈ ગયો તેનો પણ ખ્યાલ રહ્યો.

રોજ કરતાં આજે હું કાંઈક વહેલો હતો. સંગીત હજી શરૂ થયું હતું. સ્ટેજ ઉપર હજી કોઈ ગોઠવાયું હતું. એટલામાં રેસ્ટોરાંનું કાચનું બારણું ઊઘડ્યું ને પેલી યુવતીએ પ્રવેશ કર્યો. એકબીજાને કેટલાયે વખતથી ઓળખતાં હોઈએ તે રીતે વિના કારણે સામસામી દ્રષ્ટિ પડતાં બંનેથી આછું સ્મિત થઈ ગયું. એણે જઈને સ્ટેજ ઉપર પોતાની રોજની બેઠક લીધી ને મેં રાબેતા મુજબ સંગીત સાંભળવા મારા કાન સરવા કર્યા.

પણ આજે વાયોલિન બરાબર જામ્યું નહિ ગમે તેમ પણ મને તો એવો ભાસ થયો જ. પેલી યુવતીએ બે-એક અંગ્રેજી ગીતો ગાયાં પણ પ્રેક્ષકોને બહુ મઝા આવી હોય તેમ લાગ્યું. એટલામાં એક ટેબલ સામે અડોઅડ ગોઠવાયેલ એક પંજાબી યુગલ તરફ મારી નજર પડી. સ્ત્રીએ ખૂબ લાડથી પુરુષને કહ્યું : ‘ઉસકો બોલોના, ‘પતલી કમર હૈ સૂના દે’’ અને જાણે બાઈની ફરમાયશ ઉપાડી લેતી હોય તેમ પેલીએ હસીને ગળું થોડું સાફ કરીને અજબ હલકથી ગીત ઉપાડ્યું. ઓરકેસ્ટ્રાએ અર્ધદેશી અર્ધવિદેશી ગીતનો સૂર ઝણકાર્યો ‘પતલી કમર હૈ, તીરછી નજર હૈ’ અદાકારી સાથે યુવતીએ ગીત વિસ્તાર્યું. એમ તો ગીત કેટલીયે વાર કાને અથડાયું હશે પણ કોઈ દિવસ એને માટે આકર્ષણ થયું હતું. પણ આજે કોણ જાણે કેમ ગીત મને ગમ્યું. યૌવનનો તરવરાટ મસ્તી ભરીભરીને એમાં વ્યક્ત કર્યો હતો. એના લયમાં, એના આરોહઅવરોહમાં બધે નિર્બંધ તોફાન હતું.

ગીત પૂરું થતાં પેલા પંજાબી યુગલે ખૂબ હર્ષથી એને વધાવી લીધું. થોડી છૂટીછવાઈ તાળીઓ પડી પણ યુવતીના મુખ ઉપરથી ગીત પૂરું થતાં બનાવટી હાવભાવ ક્યાંયે સરી ગયા હતા. તેની જગ્યાએ આછી પાતળી પણ વિષાદની છાયા પથરાયેલી જણાતી હતી. ધીરે પગલે સ્ટેજ ઉપરથી ઊતરીને રેસ્ટોરાંના મૅનેજર પાસે પહોંચી. ધીરે અવાજે કંઈક વાતચીત કરીને રેસ્ટોરાંની બહાર જવા મારા ટેબલ પાસેથી પસાર થઈ. એની ચાલમાં મને આજે થાક વર્તાયો. મેં સહેજ નજર ઊંચી કરી એની તરફ જોયું. એક ક્ષણ માટે ખમચાઈ અને નજરથી દોરી જતી હોય તેમ એણે જાણે મને સાથે બહાર નીકળવાનું આમંત્રણ આપ્યું.

બિલ ચૂકવીને હું બહાર નીકળ્યો ને મેં જોયું તો રસ્તાની ધાર ઉપર ઊભી હતી. વાત કરવાનો અમારે સંબંધ હતો. એકબીજાને અમે બિલકુલ ઓળખતાં પણ હતાં. એની પાસેથી હું પસાર થવા વિચાર કરું છું ત્યાં એણે મારી તરફ કહ્યું : ‘મને થતું હતું કે તમે ચોક્કસ આવશો.’ ‘એમ શા ઉપરથી ધારી લીધું? એવો બેહુદો પ્રશ્ન પૂછવાની મને જરૂર લાગી.

નવમીનો ચંદ્ર ઠીક ઠીક ઊંચે ચઢ્યો હતો. એણે મને ચૂપ રહેલો જોઈને વળી પ્રશ્ન પૂછ્યો : ‘Feeling lonely?’ આપોઆપ મારાથી જવાબ અપાઈ ગયો : ‘No but I feel sad.’

ઝડપથી મારી સામે આવીને ઊભી અને બે ક્ષણ મારી સામે ટગરટગર જોઈને વળી એણે કહ્યું : ‘મને લાગ્યું હતું કે તમે વાતાવરણના પ્રાણી નથી, પણ હું માનતી હતી કે એકલું એકલું લાગે છે તેથી જગ્યાએ દોડ્યા આવો છો.’

‘તમને એમ શા ઉપરથી લાગ્યું?’ હસતાં હસતાં વાત ઉડાવતો હોઉં તે રીતે મેં પ્રશ્ન કર્યો.

‘ઘણીયે વાર વાયોલિન વાગતું હોય ત્યારે નિષ્ક્રિય રીતે હાથ ઉપર નીચું માથું ટેકવીને પેલા તમારા ‘સ્પેશિયલ’ ટેબલ પાસે તમને બેઠેલા જોઉં છું ત્યારે મને માનવાનું મન થાય છે કે કોઈ એકલવાયો જીવ જાણી સૃષ્ટિમાં ભૂલો પડ્યો છે. બાકી આવી જગ્યામાં...?’ એણે વાક્ય અધૂરું રહેવા દીધું.

ફિક્કું હસીને મેં પણ વાત આગળ વધારવામાં પ્રોત્સાહન આપ્યું. એકબીજાને આમંત્રણ આપ્યા વિના મેદાનના રસ્તા તરફ અમે સાથે પગલાં માંડવા લાગ્યાં. થોડું ચાલ્યાં ને એણે મૌન તોડ્યું.

‘એક વાત પૂછું? તમે એમ શાથી કહ્યુ કે... શાથી કહ્યું કે?’ વાક્ય સંકોચથી પૂરું કરી શકી પણ શું પૂછવા જતી હતી તે હું સમજી ગયો. એક નિસાસો મારાથી નંખાઈ ગયો.

‘હું દિલગીરી શાથી અનુભવું છું જાણવું છે ને?’

‘હા હા’ એણે હકારમાં ડોકું ધુણાવ્યું.

‘તમને જોઈને.’

‘મને જોઈને? મને જોઈને તમને દિલગીરી ઉત્પન્ન થાય છે? શાથી?’ એણે ઉપરાઉપરી પ્રશ્નો પૂછી નાખ્યા.

‘તમને રીતે જોઈને સ્તો.’ વળી મેં ઉમેર્યું : ‘શા માટે? જ્યાં માત્ર ઉપરની ખોટી કદરદાની છે, તમારા સંગીતને તમારી કળાને કોઈ સમજતું નથી છતાં શા માટે એને આછકલી બનાવીને આવા અધકચરા અસંસ્કારી વર્ગ સમક્ષ વિના સંકોચ વહેતી મૂકો છો?’ ના જવાબની રાહ જોતો હું આગળ ચાલ્યો જતો હતો પણ મારી સાથે એનાં પગલાં આવતાં અટકી ગયાં છે. જોઈને પાછું વળીને જોયું તો એટલા આછા પ્રકાશમાં પણ એની આંખોમાં નવું તેજ દેખાયું. એણે પૂછ્યું : ‘તમે શું ઇચ્છો છો? મારે ધંધો છોડી દેવો એમ? મારી કલાને, મારા શરીરના હાવભાવને બજારુ થતાં અટકાવવા તમે એમ કહો છો. ખરું?.... પણ તો પછી?’

‘તો પછી શું?’ મારાથી પૂછાઈ ગયું.

‘ના, ના. કાંઈ નહિ, બધું તમે સમજો સારું છે... અને હું જે કાંઈ કરી રહી છું તેમાં મારે શરમાવા જેવું પણ શું છે?’

‘તમારામાં કુદરતી બક્ષિસ છે, કંઠ મધુર છે, નૃત્યને અનુરૂપ દેહછટા છે. તમારી કળાને વધુ સંસ્કારી બનાવીને વધુ સંયમી અને સાચી કદર કરે એવા સમાજમાં પ્રગટ કરો તો તમને નામના મળે, પ્રતિષ્ઠા પણ મળે.’ મેં એક નાનકડું ભાષણ આપી દીધું.

‘નામના? પ્રતિષ્ઠા?’ ખૂબ મોટેથી હસી પડી. હું ઝંખવાણો પડી ગયો. મને લાગ્યું કે મેં ભૂલ કરી હતી. એક સામાન્ય સ્ત્રી સાથે રીતે ચર્ચામાં ઊતરવાનો મને વાંધો હતો. મારે બીવાની કાંઈ જરૂર પણ હતી ઉપરાંત મને એની કળામાં ખરેખર ઊંચું તત્ત્વ વરતાયું હતું અને પૂરતો રસ પણ હતો. પણ મારા સહાનુભૂતિભર્યા શબ્દોને એણે આમ ઉપહાસમાં ઉડાવી દીધા. ત્યારે મને એમાં સ્વચ્છંદતાનો રણકો સંભળાયો અને સાથે સાથે સુશીતલના શબ્દો યાદ આવી ગયો : ‘માબાપ! હો હો હો’ મેં ઝડપથી આગળ પગલાં ઉપાડ્યાં ત્યાં એણે ખૂબ કુમાશભર્યા સ્વરે કહ્યું :

‘અપમાન લાગ્યું, ખરું? પણ મારું હસવું તે હસવું હતું હોં... પણ હું પૂછું છું એનો જવાબ આપો પછી તમને નહિ રોકું. મારે પણ તમારું વિશેષ કામ નથી.’

એના અવાજમાં કાંઈ ગૂઢ દર્દ ટપકતું હતું. હું થંભી ગયો. પાછા વળી તેની સામે જોયું, આવી મસ્ત ને સ્વચ્છંદી જણાતી યુગતીની પાંપણો ભીંજાઈ હતી. એના અવાજમાં આર્દ્રતા તરી આવતી હતી.

‘સંસ્કારી સમાજમાં જઈને નામના અને પ્રતિષ્ઠા મેળવવા તમે કહો છો પણ એને શું કરું? મારે માટે તો ખૂબ મોંઘી પડી જાય તેમ છે ”– a Coastly luxury it would be” મને એની વાત સમજાઈ.

થોડે સુધી કાંઈ પણ બોલ્યા સિવાય અમે સાથે સાથે ચાલ્યાં. પછી ધીરે રહીને બોલી : ‘તમે મારે માટે શુંયે ધારી બેઠા હશો, પ્રમાણે ધારવાનું મન થાય તેવું તમારી પાસે કારણ પણ હશે. બીજા કોઈને તો આવી વાતો કહેવા હું ટેવાયેલી પણ નથી, પણ તમને તો કહું એમ થાય છે, એમ શાથી તે કોણ જાણે.’

હું પણ એનું કારણ શોધવામાં પડ્યો. મેં એમ પણ પૂછ્યું કે તું શાથી બધી વાતો મને કહે છે. મને ચૂપ જોઈને કાંઈ નિષ્પ્રભ થઈને બોલી : ‘જવા દો, મારે ને તમારે શું, આજ સુધી કોઈની પાસે દીનતા બતાવી નથી. હવે પછી પણ બતાવવા માગતી નથી.’

એની આવી ખુમારી મને ગમી.

વિક્ટોરિયા મેમોરિયલ તરફ વળવાનો ફાંટો આવ્યો એટલે અટકી. મેં એને પૂછ્યું : ‘કેમ કંઈ કહેવું છે?’

મારે ક્લબમાં કાંઈ પણ કામ હતું. યુવતીની મારા જેવા અજાણ માણસ સાથે આટલે સુધી આવવાની હિંમત ઉપર હું ખરેખર ખુશ હતો. વધુમાં વાતચીત દરમ્યાન એના અવાજમાં તરી આવતી દૃઢતા, એની આત્મશ્રદ્ધા, એનું મીઠું વ્યક્તિત્વ મને આકર્ષી રહ્યું હતું. મેં એને પૂછ્યું :

‘તમને વાંધો હોય તો થોડે સુધી મૂકી જાઉં. મોડું પણ ખૂબ થયું છે ને?’

‘તમે? તમે મારી સાથે આવશો? મારા ઘર સુધી આવવાની તમારી હિંમત ચાલશે?’

‘શા માટે નહિ?’

એણે ખુશ થતાં કહ્યું : ‘તો તો ચાલો, તમારા પૂછેલા અને વણપૂછેલા કેટલાયે પ્રશ્નોના જવાબ હું તમને આપી શકીશ.’

અંતરમાં મને નિરાંત જણાતી હતી. કાંઈ અવનવું સાહસ કરી રહ્યો છું એવો ઉચાટ જરાયે હતો. અને ખરું પૂછો તો મને અજાણી યુવતીમાં રસ પાડવા માંડ્યો હતો. એના વ્યક્તિત્વમાં એવી કાંઈક મધુરપ હતી કે તેને લઈને મને એની સાથે જવું ગમતું હતું.

થોડા વખતમાં ગલીકૂંચીઓને માર્ગે મને એક ત્રણ માળના મકાન પાસે લઈ આવી. ઝાંખા બળતા ગૅસના દીવાને અજવાળે, મેં જોયું તો મકાન સાવ જીર્ણ અવસ્થામાં હતું. સીડી ચઢીને અમે ત્રીજે મજલે પહોંચ્યાં. એની ચાલમાં ઉત્સાહ હતો અને કાંઈ નવા અનુભવની આશાએ હું એની પાછળ ખેંચાયે જતો હતો. વરંડામાં પડતું બારણું એણે કઈ રીતે ખોલ્યું મને સમજાયું. જરા પણ અવાજ કર્યા વિના ધીરે પગલે અંદર પેઠી. એની પાછળ પ્રવેશતાં આછા અજવાળામાં મેં જોયું તો આગલા ઓરડામાં એક ખૂણામાં નાનો પલંગ પડ્યો હતો. તેના ઉપર એક સૂકી પાતળી બાઈ જાગતી સૂતી હતી. એની પાસે જઈને થોડું હસીને યુવતીએ એના માથે મમતાથી હાથ ફેરવ્યો. વૃદ્ધાએ મારા તરફ માત્ર દૃષ્ટિ કરી ઇશારાથી પૂછી લીધું કે નવાગંતુક કોણ છે? યુવતીએ મીઠા હાસ્ય સાથે જણાવ્યું : ‘મારા મિત્ર છે. નામ તો હું જાણતી નથી, પણ મારગમાં સામા મળ્યા અને મેમાનગીરી કરવા લઈ આવી છું.’ એમ બોલતાં મારા સામું જોઈને થોડું સંદર્ભમાં હસી લીધું અને મને ઓળખાણ કરાવતાં કહ્યું : ‘આ મારી મમ્મી છે.’ હસ્તધૂનન કરવા માટે મેં હાથ લંબાવ્યો ત્યારે ખબર પડી કે એમનું આખું જમણું અંગ લકવાથી નિષ્ક્રિય બની ગયું હતું.

ઘરમાં ગરીબાઈ હતી એમ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. રાચરચીલું બહુ જૂજ હતું પણ તે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું તો હતું જ. અંદરના ઓરડામાં અંધારું હતું. બિલ્લીપગે અંદર પેસતાં એણે મને તરફ આવવા સૂચવ્યું. અંદર શુંયે હશે? એના વૃદ્ધ પિતા કે બીજા કોઈ વડીલજન હોવાનો તો સંભવ હતો, કારણ કે બહારની ચીજવસ્તુઓમાં પુરુષને ખપ લાગે તેવી એક પણ વસ્તુ મન જણાઈ હતી. આશંકાએ હું ખમચાયો. મારું માનસ સમજી ગઈ હોય તેમ એણે આછું સ્મિત કરીને હાથ લંબાવીને કહ્યું : ‘ડરશો નહિ, આમ આવો, કાંઈક બતાવું. મારે તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે ને?’ મનમાં ને મનમાં હું લાજી મર્યો. અરેરે, યુવતીને માટે હું શા માટે આવા સંદિગ્ધ ખ્યાલો સેવતો હોઈશ?

અંદર પ્રવેશીને એણે એક ખૂબ ઝીણી બત્તી સળગાવી. ત્યાં બીજા એક પલંગ ઉપર બે બાળકો સૂતાં હતાં એક આઠેક વર્ષનો છોકરો અને બે અઢી વર્ષની એક બાળકી હું કાંઈ પૂછવા જતો હતો ત્યાં મને અટકાવીને અવાજ દબાવીને કાનમાં કહ્યું : ‘ના, ના, કાંઈ બોલતા નહિ, જાગી જશે –’

‘પણ –’

‘હં તમને બધી વાત કરું છું, તમે ત્યાં વરંડામાં બેસો. હું અબઘડી આવી.’ હું બહાર નીકળ્યો. વૃદ્ધાએ ફરી એક વાર મારી સામે જોયું, એની ભૂરી ભૂરી આંખોની આજુબાજુ અકાલવાર્ધક્યસૂચક કરચલીઓ પડી ગઈ હતી. અને રૂપેરી વાળમાં હોઠ અને સહેજ ઢળતા કપાળમાં તીક્ષ્ણપણે ઊપસી આવતી રેખાઓ ઉપરથી સમજાતું હતું કે ઊંડે ઊંડે કોઈ ગજબની નિરાશા અને યાતનામાં બાઈ સબડતી હશે.

હું બહાર જઈને બેઠો. એક ટ્રેમાં થોડાં બિસ્કિટ અને બે ગ્લાસમાં પાણી લઈને યુવતી બહાર આવી પહોંચી. મારો આભાર માનતાં એણે કહ્યું :

‘મારે ઘેર આવ્યા તે મને ખૂબ ગમ્યું. મારી માને પણ સારું લાગ્યું. અમે લોકો ગરીબ છીએ દેખાઈએ છે તે કરતાં પણ વધુ ગરીબ છીએ... મારા બાપ મને નાનકડી મૂકીને ચાલ્યા ગયા પછી દેખાયા નથી. માની સાથે, પણે ચર્ચી શકીએ એવાં કારણોસર ઝઘડો કરીને, અમને બંનેને રડતાં મૂકીને ચાલ્યા ગયા. આજે વર્ષો વીતી ગયાં એમનો પત્તો નથી.’

પિતાના ગયા પછી અનેક આક્રમણો અને પ્રલોભનોનો સામનો કરતાં કરતાં માએ દીકરીને મોટી કરી. ભણાવી અને સંગીત તથા નૃત્યની તાલીમ આપી, આશાએ કે એના દેખાવ ઉપરાંત એની કલા જોઈને કોઈ સારો પુરુષ એને પત્ની તરીકે અપનાવી લેશે. વાત કહેતાં કહેતાં તો હસી પડી.

‘કેમ?’ હસો છો કેમ? માની વાત શું ખોટી હતી?’

‘ખોટી નહિ તો? જુઓ ને હજી સુધી હું કુંવારી છું ને?’ પણ એની મશ્કરી તરફ મારું ધ્યાન હતું. મારી નજર અંદરના ઓરડા તરફ વળતી જોઈને કાંઈક ગંભીર થઈને એણે મારા તરફ દૃષ્ટિ સ્થિર કરી :

‘મેરી અને જોસેફ મારી પિતરાઈ બેનનાં બાળકો છે. બે વરસ પહેલાં વિધવા બેનનું ક્ષયરોગમાં મૃત્યુ થયું. બાળકોનું કોઈ નહોતું તેથી મા એમને અમારે ત્યાં લઈ આવી. ઘર નિભાવવાનું ખર્ચ, મારો અભ્યાસ અને બાળકોના ઉછેરનું વધારાનું ખર્ચ મા એકલે હાથે પૂરું કરતી. કામના બોજા નીચે એનું શરીર ઘસાયે જતું હતું તેનું એને ભાન રહ્યું. મારો અભ્યાસ હજી અધૂરો હતો અને માને દોઢ વર્ષ પહેલાં દર્દ લાગુ પડ્યું ત્યારથી આમ ને આમ પથારીવશ છે.’

મારાથી પુછાઈ ગયું : ‘એટલે અત્યારે આખા કુટુંબનો ભાર તમારે માથે છે?’

‘એમાં ભાર શેનો? મારી માએ હું ટલી સરખી હતી ત્યારથી માંડીને અત્યાર સુધી મારી બધી ઇચ્છાઓ પૂરી કરી છે, મને કેળવણી આપી છે, સંસ્કાર આપ્યા છે. બેનનાં છોકરાંને હું પણ રીતે મોટાં કરીશ, ભણાવી ગણાવીશ અને લાયક નાગરિકો બનાવીશ.’

‘પણ તમે ભણ્યાંગણ્યાં છો તો પછી આવી હલકી મનોરંજનની નોકરી છોડીને કોઈ સારી ઑફિસમાં સેક્રેટરી તરીકે કે –’ મારી વાત હું પૂરી કરું તે પહેલાં વળી હસી પડી.

‘સારી ઑફિસમાં સેક્રેટરી થવામાં ને જાતની નોકરી કરવામાં મને તાત્ત્વિક રીતે ભેદ દેખાતો નથી. બંનેનાં ભયસ્થાનો સરખા છે. ખેર, પણ આપણે ચર્ચામાં નહિ ઊતરીએ, આખો દિવસ મારે ઘરનું કામ અને મા તથા બાળકોની સંભાળ લેવાની હોય છે. રાત્રે સૌને સુવાડી કરીને પછી ઘરની બહાર મારાથી નીકળી શકાય અને એટલા માટે મને નોકરી માફક આવે તેમ છે.’

પૂછતાં તો પૂછી લીધું પણ તેનો પ્રત્યાઘાત જોઈને મને મારી ભૂલ સમજાઈ. જવાબ આપે તો સારું એમ મેં ઇચ્છ્યું છતાં એણે જવાબ તો આપ્યો જ. જે હું આજ સુધી ભૂલ્યો નથી.

‘લગ્ન? લગ્ન મારે માટે નથી. પાંગળી માની દીકરી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર થાય. અને બે નમાયાં બાળકોની મા બની છું. પછી મારે લગ્નની શી જરૂર? લગ્ન મને મારી ફરજમાંથી ભોળવીને એમનાથી દૂર દૂર લઈ જાય. મન સ્વાર્થી બનાવે. લગ્ન તો મારે ટાળવું છે.’ શરૂઆતમાં એના અવાજમાં કંપ હતો પણ પાછળના બોલાયેલા શબ્દો એની વયના પ્રમાણે ઠરેલપણે અને સ્થિરતાથી બોલાયા.

(‘શિવકુમાર જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999