મણિલાલ હ. પટેલ
Manilal H. Patel
વાડામાં વાલી સૂનમૂન બેઠી છે, વાલીના સૂકા હોઠ અને કોરા ગાલ પર ઝણઝણાટી ઊઠતી હતી. અંદરથી તળે ઉપર થઈ જતી વાલી ખાસ્સી ઉદાસ દેખાતી રહી, શાંતા સમજી નહીં કે વાલીની આંખ આજે વળી વળીને પલળી કેમ જતી હતી? પાંચ વર્ષના લાડકા દીકરા રાકેશને લઈ બપોરે એ બાને મળવા પિયરમાં આવી છે. હળવી ફૂલ વાલીના શ્વાસ શાંતાને ઉના નિસાસા જેવા વર્તાયા હતા.
જમાઈ હાર્યે કંઈ બોલાચાલી થઈ હશે? શાંતાના મનમાં આવેલો વિચાર ટક્યો નહીં. જમાઈ શંકરને વાલી જીતી ગઈ હતી. જમીનનો પાર ન હતો. સાસુ વગરનું ઘર. સસરો ન્યાતનો આગેવાન. સમૃદ્ધ ખેતી. ઘી દૂધનો તોટો ન મળે. પૈસા વાપરતાં ઘાંઘાં થવાય. કામ કરનારાં એક કહેતાં એકવીસ દોડે. આબરુ આધારે વાલીને ઘણાં માનપાન મળે.
વાલીએ રાકેશને બચીઓથી ગુંગળાવી દીધો. સાડીના છેડાએ આંખો લૂછી. નાક નીંસકતા હોઠ ગરમ લ્હાય વરતાયા. શાંતા ચોપાડમાંથી બધું જોતી હતી. છાણામાં ભારેલો દેવતા ધૂમાડે ચડ્યો હતો.
વાલી ખાલીખમ વાડાને મોટી આંખોથી કશાય ભાવ વિના જોઈ રહી હતી. પિયર પહેલીવાર પરાયા ગામ જેવું કેમ લાગે છે? વાલી ગોઠવાતી નહોતી. ચારે તરફ થોરની વાડો એને પાસે ને પાસે આવતી લાગતી હતી. આટલે વરસે શાંતાને આ ઘર ખાલી લાગવા માંડ્યું છે. ક્યારેક તો ખાવા દોડે છે. રોજ ખાણ કાઢી ભેંસ સામે મૂકતી, દૂધ દોતી શાંતા. આજે એને વરતાયું કે એ હવે આધેડ થઈ ચૂકી છે. એ માલીપા ફફડી ઊઠી. વિચારોને એણે પાછા ખદેડ્યા.
વાલીને આજે સોરવાતું નથી એમ પામી ગયેલી શાંતાને ફડક પેઠી. એ ચૂપચાપ કામે વળગી રહેવા મથતી હતી. આથમતાં સૂરજનાં રાતાં રાતાં અજવાળાં બારણે બારીએ થઈને ડુંગરા એવડા ઘરમાં ફરી વળ્યાં હતાં. શાંતાને જોવનાઈના છલકતા દંન સાંભર્યા. નાથાને પરણીને આ ઘર માંડયું'તું. નાથાનો વરણાગી સ્વભાવ. કશીક છાલકો વાગી રહી. ગોઝારો ભગવાન એનેય સુખની ઇર્ષ્યા થઈ હશે. એણે રાકેશને દૂધ પાવા વાલીને સાદ કર્યો. ઢળતી સાંજમાં એ અવાજ માદીકરી બેઉને વધારે રણકતો લાગ્યો. હાથમાંથી વાસણ છૂટી જાય ને થાય એમ થયું. આંખોમાં ઘર વ્યાપી વળ્યું. બહાર અજવાળું કજળાવા લાગ્યું હતું.
થૉરની વાડને પેલે પાર જડાઈ ગયેલા રમણના ઘરમાં વાલીની નિરાશ નજર જઈ ઊભી. કોઈ નવી વહુવારુ વાડામાં વાસણ લઈ આવવા ઉંબરો ઓળંગતી હતી. નવીસવી વીજળીનો ધોળોધબ પ્રકાશ એ ઘરમાં પથરાયેલો દેખાયો. ઘરમાં વળતી વાલીને ઉંબરની ઠેસ લાગી.
વાડામાં ઘાસની કાળી પડતી ગંજીઓ વાલીની આંખોમાં ઉભરાઈ આવી. બાએ સ્વીચ પાડી. પીળું અજવાળું ઘરમાં લીંપાઈ ગયું. રાકેશને પવાલું દૂધ આપતી વાલીએ પૂછ્યું: ‘બા, શું રાંધે છે?” શાંતાને હાશ થયું. પણ વાલી વળી વાડા તરફ જતી ભળાતાં એનો જીવ દીવાની ટોચ જેવો આઘોપાછો થવા લાગ્યો.
વાલીનો એકનો એક ભાઈ મનુ હજી ખેતરેથી આવ્યો ન્હોતો. હળ હાંકતો, ગાડું જોતરતો ચૌદ વરસનો મનુ ચિંતા થઈને શાંતાની આવી લાગ્યો. પતિ પાછો થયો ત્યારે મનુ એક વર્ષનો. વાલી દશબારની હશે. શાંતાના નાકનકશ લઈને આવેલી વાલી બાપનો સ્વભાવ પણ લઈ આવેલી.
શાંતાએ વાડાના બારણેથી જોયું તો વાલી ભેંકાર ઑગલાઓમાં ઊભી હતી. ઝાંખા અંધારામાંય એનો ચહેરો સોના જેવો કળાતો હતો. કવખતે ઑગલાઓમાં ઊભેલી વાલી શાંતાથી સમજાઈ નહીં. પતિ વગરની અધમધરાતો એનામાં ઊગી આવી. બારણું ખખડતું. વાલી-મનુને ઊંઘતા ઢબુરી એ પાછલું બારણું ખોલતી, કોક એને આ પરાળની ઑગલીઓ લગી ખેંચી લાવતું. એ ખેંચાઈ આવતી. ઘઉંની કણેક જેવી કાયા લઈ એ પાછી વળતી. આગલે બારણે સૂતા વાઘજીના ખોંખારા સંભળાતા. શાંતાના મોઢા પર અંધારું લીંપાઈ જતું. નાથાને સંભારી સંભારી એ ગાલે તમાચા મારતી. જાગી જતી વાલી મધરાતે રડતી બાને જોઈ રહેતી. પછી વણસમજ્યે ઊંઘી જતી. વાલીનો વલોપાત ખાટલો થઈ જતો.
આગલે બારણે બારબાર વરસથી સૂતો વાઘજી બે દંનથી ઘેર ગયેલો. બબ્બે દાયકાથી રહેતો એ ખતરી ખેડૂ નહીં પણ ઘરનો રખેવાળ હતો. એની ઓથ હતી તો શાંતાએ નાનમ મોટી કરવાની હામ ભીડેલી. વાઘજીનેય વય થવા આવી છે. મનુ ગાડું લઈને આવ્યો છે. શાંતાને વાઘજીના ખોંખારા સંભળાતા હતા. વાલી ઑગલીઓમાં ઑગલી ગઈ હતી કે શું? શાંતાને કંઈ કળાયું નહીં.
પરાળની ઑગલીઓ અંધારાના ડુંગરા થઈ થઈ વાલીને ઘેરતી હતી. અહીં રમણે એને બચીઓથી પ્હેલવ્હેલી નવરાવી દીધી હતી. વાલીનો હાથ એ દિવસે, ચોખ્ખો નહોતો. દેહની કંપારી, એ ઉના ઉના શ્વાસ, ગરમ ગરમ સ્પર્શોને હોઠ પર ચંપાતા અંગારા. વાલીને એ બધું રંજાડી રહ્યું. ટાઢાબોળ ડિલમા ગરમ કસક ઊઠતી હતી.
બળદ બાંધતા ભાઈનો અવાજ સંભળાતાં વાલી ભાનમાં આવી. બા ખાવાનું કરતી હશે એમ થયું. ઘરમાં જવા એણે પગ ઉપાડ્યો. ખેતરોનું અંધારું ઘરના વાડા સુધી આવી ગયું હતું. વાડો પર શોભી રહેતા વેલાઓ સૂકાઈ ગયા હતા. થોરની વાડમાં મોટા મોટા છીંડાં પડી ગયાં હતાં. એમાંથી રમણનું ઘર વધારે ઉઘાડું પડી ગયેલું ભળાતું હતું. વાડ પરના વેલાઓને કોઈએ દાતરડાંથી વાઢી નાખ્યા હોય એવો ચચરાટ લઈ વાલી ઘરમાં વળી ગઈ.
ખીચડી થઈ ગઈ હતી. બીજે ચૂલે કઢી તબડતી હતી. શાંતા નર્યા ઘીનો શીરો શેકતી હતી. રાકેશ સાથે મનુમામો આંગણાના ઓટલે ગમ્મતે ચઢ્યો હતો. આખા ઘરમાં શેકાતા શીરાની તાજા તાજા ઘીની વાસ ફરી વળેલી. નાથાને આવા શીરા ખવડાવી ખવડાવીને ગલગોટા જેવો કરેલો. મનુમાં એ નાથો આખેઆખો ઉતરી આવ્યો હતો. શાંતા મનુને જોતી ને ખળભળી ઊઠતી. એ આધાર હતો અને જીરવવો વસમો હતો. મોટો થતો મનુ પીડા બની શાંતાને ત્રફડાવતો રહેલો. ચોમાસાની રાતોમાં શાંતા મનુના ચ્હેરે હાથ ફેરવ્યા કરતી. વાલી બાનું એ હેત જોયા કરતી.
ખાતાં ખાતાં પણ વાલી ખોવાયેલી રહી. પાકટ શાંતા એની ઉદાસી પામી ગઈ, પણ પૂછવા માટે હોઠ સુધી આવી આવીને એ ઓલવાઈ જતી હતી. બાને એક રાત મળવા આવેલી વાલી શાંતાને અંદરથી ખોદતી રહી.
અડીએ તો ડિલે ડાઘ પડે એવી કાયા. વાલીને જોનારાં કહેતાં. ‘વાણિયા- બામણને ઘેર મોકલવા દૈવે એને ઘડી હશે. પણ નાથાભાઈને ઘેર ભૂલી જઇ.’ નાથો હોત તો શાંતાની ઇચ્છા હતી વાલીને ભણાવીગણાવીને નિશાળમાં મહેતી કરવાની.
પણ દેવને ઘેર દવ પડ્યો. નાથાએ વાલીની સગાઈ કરી મૂકેલી. પૈસાદાર આબરુદાર ઘર. જમાઈ તો શ્યામ, જરાય ઘાટીલો નહીં. શાંતા પતિનું વેણ ઉથામવા માગતી નહોતી. વળી એવું ઘર હોય તો વિધવા શાંતાએ દીકરીને નામે ક્યારેય ચિંતા કરવી નહીં પડે એવી લોકોની સલાહ. કાચી વયે વાલીનાં લગન લેવાયેલાં.
રૂપાળી વાલીને આણે વળાવવાનાં વરસો માદીકરી બેઉ જમાઈને જોઈ જોઈને ઠેલતાં ગયેલાં. વાલી કાયામાયાને પરખતી થઈ. મનમાં ચીરાડો થયેલો, પણ નબાપી એ બધું ગળી ગઈ. સસરો-જમાઈ વાલીને ગૂમાવવા કરતાં વાટ જોવાનું રાખતા. ન્યાતમાં વાલી જેવી કન્યાઓ કાંઈ વાડના વેલેવેલે પાકતી ન્હોતી.
જમાઈનું અણઘડપણું. કામ ફૂટવા આગળ વાલીને વીસરી જવાનું શાંતા જાણતી હતી. ખાવાપીવાનું કે પ્હેરવા ઓઢવાનું દુઃખ એ દુઃખ ના કહેવાય. અદકું દુઃખ મનનું. કાયાનો દીવો એમ ઓલવાઈ જતો નથી. એના ઝબકારા જાણતી શાંતા આજે પારાવાર પસ્તાતી હતી. ખાઈ પરવારી વાલી પાછલા ઘરે બેસવા ગઈ. રમણ મોસાળે ગયો હતો. એની નવી વહુ જોઈ. રમણને જોયે પાંચ પાંચ વરસો વીતી ગયાં, ને રાકેશ... વાલીનું કાળજું ધડકતું હતું.
સમય પાણીના રેલાની જેમ ગયો. ઘોડાના ડાબલા દડબડાવતો ગયો. રમણ શહેરમાં ભણ્યો. હવે ત્યાં જ પાછી નોકરી. વહુ પણ ભણેલી. જો કે વાલીને એ કશી વાતે રૂપાળી ના લાગી. રમણ પોતાને ભૂલી ગયો હશે? ન્યાતની રીતે એના લગનનું નોતરું મળેલું પણ પોતાના ગામમાં આવેલો રમણ એને કંકોતરી આપવા જરૂર આવશે એવી વાલીની આશા ફળી ન્હોતી. ત્યારથી એ રમણને જોવા મળવા અને રાકેશને બતાવવા વ્યાકુળ થયેલી. ખાતરી ખોટી ઠરી.
પાછા વળતાં વાલીનો પગ સાયકલની ટાયર-ટ્યૂબ પર પડતાં એ છળી ગઈ હતી. શરીરમાં કંપારી વછૂટી ગયેલી. એ ઘરમાં ભરાઈ ગઈ. શાંતા જાગતી હતી.
વાલીએ વાતો કરવાને બદલે ઊંઘવા લંબાવ્યું. ઊંઘ આવતી ન્હોતી. જળ જંપી ગયાં હતાં. વાલી પેશાબ કરવા વાડામાં નીકળી. રાત સમ સમ વહી જતી હતી. કંસારીઓના કાળા અવાજોમાં જીવન ઓલવાઈ ગયેલું. વાડાની ઑગલીઓ ઓરી આવી ગઈ, કેટલી બધી બચીઓ! ગાલે, હોઠે, માથે, છાતીએ! પડખાં ઘસતી વાલી, રેશમી રૂમાલ, અત્તરનાં પૂમડાં. ક્યારીમાં હવડ વાવને પગથિયે રમણ પાસે એ બેઠી હતી. સાવ અડીને, અડોઅડ. લીલ બાઝેલા પાણીમાં સાપ જોઈને બેઉ બહાર આવ્યાં ત્યારે સામેના આંબા નીચે કોક બાઈ પોદળા વીણીને પાછી વળતી હતી.
શાંતા પાણી પીવા ઊઠી. વાલી ઊંઘી ગયાનો ભાવ ઓઢી જંપી રહી. એને યાદ આવ્યું - વાઘજી ભેંસને પાડે દોરી જતો. નાનો મનુ ભેંસ હાંકવા જતો. રખડી રખડી એ સાંજે પાછા બંધાઈ રહેતી, રેંક્યા કરતી. થાકેલો વાઘજી ઊંઘી જતો. માદીકરી છાનાંછપનાં પડખાં ઘસતાં. ભેંસ ઊંડે ઊંડે રેંક્યા કરતી સંભળાતી.
આંબે મ્હોર આવતો. મરવા થતાં કેરીઓ મોટી થતી. આંબલીઓ કાતરે ઊભરાતી. વાડાને ઓટલે બેસી રમણ દાતણ કરતો. ખાટલો ઢાળી વાડવેલાને છાંયે વાંચ્યા કરતો. વાલી કામ કાઢી વાડામાં રહેતી. શાંતા ખેતરોમાં ખોવાઈ જતી. સમાજ વ્યવહારોમાં વહી જતા દિવસો. હૂડભૂડ પતિ શંકર સાંભરતાં આણાની ચિંતાએ વાલી વલોવાઈ જતી. પહેલીવાર છેટે બેઠી ત્યારે રણ એને રૂપાળો લાગ્યો'તો. એ રમણની હસતી આંખો સમજી હતી. દર વચ્ચે ભેંસ વેતર આવતી. રેંકતી. ઉજાગરા કરાવતી. આણું ઠેલાયા કરતું.
તે સાંજે બા ગામમાં બેસવા ગઈ હતી. વાઘજી ખેતરે સૂવા સારુ. શહેરથી આવેલો રમણ વાલી માટે કંઈ કંઈ લાવેલો. બંને છેક ઓગલીઓ સુધી ખેંચાઈ ગયેલાં. વાવમાં સાપ છેક પહેલે પગથિયે આવી ગયો હતો. અંધારું ગરમ લ્હાય વીંટળાઈ વળ્યું હતું.
રમણ થોડાક દિવસોમાં ચાલી ગયો હતો. વાલીને નાવણ ના આવ્યું. શાંતાને એણે લૂગડાં ચડી ગયાની વાત કરી. ઘરમાં ખોંખારા વગરનો સન્નાટો છવાઈ ગયો. રાહ જોયા વિના માંદા રહેતાં સાસુની ખબર કાઢવા સાસરે ગઈ. શાંતાએ સાંજે રાહ જોઈ હતી. પણ વાલી બે રાત રોકાઈને આવી. શંકરને વાલી વ્હાલી લાગી હતી.
અચાનક આણું લેવાયું. ગાલે ખાડા પડે એવું હસતી વાલીએ ઘર બાંધ્યું. સીમંત પહેલા સાસુ ગુજરી ગયાં. દીકરો લૈ આવેલીએ સહુનાં મન જીતી લીધેલાં.
વાલી થાકી ગઈ હતી. ખાવાપીવામાં, પ્હેરવા ઓઢવામાં એનો જીવ ન્હોતો લાગતો. મન વાળવા પિયર આવી હતી.
સવારે ઊઠી. વાડામાં દાતણ ચીરતાં ચીરતાં વાલી જોઈ રહી. વાડનાં છીંડા ચારેબાજુ હતાં. કરામાંની આંબલી કપાઈ ગઈ હતી. આખો વાડો ઉજ્જડ વેરાન લાગતો હતો. વાલી ખાધાપીધા વિના ટાઢે પહોરે ઘેર જવા નીકળી.
‘તારી દેઈની કાંઈની કાંય ખાતરી પડતી નથી. વાલી, તું હાંસેટ નંખઈ ગઈ લાગે સે.’ બા છેવટે બોલી ખરી. એક રાતમાં વાલી બા સમોવડી થઈ ગઈ હોય એવી લાગતી હતી.
‘ના રે બા, શાની ખાતરી ને શી વાત?” વાલી વાત ટાળી ગઈ.
‘ભોંયથી ભૂખ ભાગે થોડી?’ ઓઠે આવેલું વાક્ય એ ગળી ગઈ.
રાકેશને ઊંચકીને શાંતાએ બચીઓથી ગૂંગળાવી દીધો. વાલીના ગાલ હોઠ પર ગરમ ચચરાટ ઊઠ્યો. ઓગલીઓની આડે તો ડુંગરા એવડું ઘર ઊભું હતું. વાલી એ વાડા ભણી જોઈ ના શકી.
વાલીએ પગ ઉપાડવા મથવું પડ્યું. ના, હવે અહીં રહેવું નહોતું. તો ક્યાંય કશે જવાની ઇચ્છા પણ ન્હોતી. દદડતી આંખે વાલીએ બા સામે જોયું. ક્ષણવારમાં તો શાંતાની આંખોમાં દીવા જેવા આંસુડાં સળગી ઊઠ્યાં. વાલી જોઈ ના શકી. પીઠ ફેરવી આંસુ લૂછતી આગળ વધી. ક્યાંય ના લઈ જતું નેળિયું વાલીને ગળી ગયું.
સ્રોત
- પુસ્તક : મણિલાલ હ. પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : કુમાર જૈમિની શાસ્ત્રી
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 2025
