ધર્મેન્દ્ર ત્રિવેદી
Dharmendra Trivedi
ડી.કે. સવારનો પોતાનો આગવો નિત્યક્રમ પતાવીને છાપું વાંચતાં વાંચતાં પત્નીની જીભના રિમોટના ઈશારે ઘરમાં એકથી બીજી જગ્યાઓ પર સ્થળાંતરિત થઈ રહ્યા હતા. આગવો નિત્યક્રમ એટલે ખરેખર જ આગવો... ધાર્મિકો સવારે પોતાની હથેળી જોઈને “કરાગ્રે વસતે લક્ષ્મી” એવું કરે... જુવાનિયાઓ પોતાના પ્રિય ફિલ્મ કલાકારોનાં દર્શન... જીવાતના મનુષ્યરૂપધારીઓ રૂટિન મુજબ પ્રથમ બ્રશ, પછી ચા, પછી ટૉઇલેટ ઈત્યાદિ... પણ ડી.કે...? ઊઠીને બે કામ કરવાનાં, પ્રથમ તો સિગારેટ શોધીને હોઠના જમણા ખૂણે લટકાવી, છાપું બગલમાં ભરાવીને ધીમે કદમે પોતે જેને મજાકના સૂરમાં “સીટ ઑફ પાવર” કહેતા તે ટૉઈલેટ તરફ પ્રયાણ કરતા અને શ્રીમતીના ટહુકા બૂમોમાં પરિવર્તિત ન થઈ જાય અને ભારતીય બેઠકમાં પગમાં ખાલી ચડી ના જાય ત્યાં સુધી તેઓ ટૉઈલેટમાં છાપું વાંચવાનું મંગલકાર્ય કરતા રહેતા. આજે આ બધાં જ નિત્યક્રમો અને મંગલકાર્યો આટોપીને બેઠેલા ડી.કે.ને છાપું વાંચતાં વાંચતાં કાને ઍરોપ્લેનનો અવાજ પડતાં તેમણે પોતાની લાડકી નાનકીને બૂમ પાડી, “નાનકી... એય નાનકી... આંયાં આય... તને રાવણનો પુષ્પક રથ દેખાડું.” શ્રીમતી શાકમાં કડછો ફેરવતાં ફેરવતાં બોલ્યાં, “એને બિચારીને પુષ્પકમાં શું ખબર પડે? સીધેસીધું કહોને કે, વિમાન દેખાડું.” અંદરના રૂમમાં રમકડે રમતી નાનકીને બાથમાં લઈને ડી.કે. લુંગી સંભાળતા સંભાળતા ફળિયામાં દોડી ગયા અને આકાશમાં મગતરા જેટલા દેખાતા વિમાન ભણી હાથ લાંબો કરી નાનકીને કહ્યું, “જો નાનકી, ઓલું જાય ને એને વિમાન કહેવાય! આપણે બેહવું છે ને એમાં?” નાનકી મનમાં આવે તેવા પ્રતિભાવ આપે અને ડી.કે. કાયમ નાનકી હા પાડે છે એવો અર્થ તારવીને ભવિષ્યમાં પ્લેનમાં બેસવાનાં સ્વપ્ન માત્રથી જ ખુશ થતા. આમ, જ્યારે પણ આકાશમાં વિમાન દેખાય ત્યારે ડી.કે.નો આ પણ એક નિત્યક્રમ જ હતો.
*
બાપુ પધારવાના છે એ સમાચાર મળતાં જ ડી.કે.ના ઘરનો માહોલ ભારેખમ થઈ ગયો. પત્ની તો ઠીક, પણ ભારાડી કહેવાતા ડી.કે. પણ ભરઉનાળે પાણીના અભાવે ચીમળાઈ ગયેલા છોડ જેવા થઈ ગયા. આખા ઘરમાં એકમાત્ર નાનકી જ આ સમાચારથી ખુશ દેખાતી હતી... એને તો બસ દાદા એટલે સફેદ દાઢીવાળા લેંઘા-ઝભ્ભાધારી આઈસક્રીમદૂત! નાનકીનો દાદાના આગમનનો આનંદ અને ઇંતેજારી જોઈને ડી.કે.ને કંઈક તો નાનકીની અને સાથોસાથ તેના બાળપણની પણ ઈર્ષા આવી.
*
ડી.કે.ના બાપુ શારીરિક રીતે બ્રાહ્મણ હતા અને જૂના વખતમાં ફર્સ્ટ ઈયર બી.એ. પાસ હતા, પરંતુ અંદરથી તો પોતાના વતનના ભરાડીઓને પણ શેઢે મૂકી આવે એવા જિદ્દી, તંતીલા અને દાધારંગા. એ જમાનામાં રેલવેમાં બુકિંગ ક્લાર્કની કાયમી નોકરી મળતાં જ કૉલેજ છોડીને નોકરીએ લાગી ગયેલા ડી.કે.ના બાપુને જિંદગીભર એ વાતનો ડંખ રહેલો કે, આર્થિક સંકડામણના કારણે અભ્યાસ પૂરો કરીને જે બનવા ધારેલું તે ન બની શક્યા. સાથોસાથ એ વાતનો ગર્વ પણ હતો કે, તેમના કર્મકાંડી વિદ્વાન પિતા, જે નાણાંના અભાવે તેમને ભણાવી શક્યા નહોતા, તેમણે બાપુ સાથે કરેલા તમામ અન્યાયોને બાપુએ સહી લીધા હતા અને તેઓ પણ ડી.કે. સાથે આવું જ કરી બેસે ત્યારે પોતે સહન કરેલા અન્યાયોનું વર્ણન કરીને ડી.કે.ના અંતરાત્માને ઈમોશનલ બ્લેકમેઈલ કરતા ત્યારે પોતે ગોખી રાખેલો “બાપુ તમારી સાથે જે થયું તે તમારાં સંતાનો સાથે ન જ થાય એ તમારે જોવું જોવે” એવો રેશનલ જવાબ આપવા મથતા, પરંતુ હોઠસ્થ કરી ન શકતા! ડી.કે. આ ડાઈલોગને પોતાની કલ્પનામાં જ જુદી જુદી અદામાં બાપુને સંભળાવી દેતા અને જાતને છેતરવાના વ્યર્થ પ્રયત્નો કરતા. ડી.કે. વિચારતા કે પોતાના બાપુ જે રીતે વર્ણન કરે છે તે રીતે તેમની સાથે આવા હળાહળ અન્યાય કરતા તેમના પિતાને તેઓ આટલો પ્રેમ કેવી રીતે કરી શકતા હશે? સાથે સાથે તેઓ મનમાં બાપુના દાદા પ્રત્યેના પ્રેમને પોતાનામાં આરોપિત કરવા સખત મથામણ કરતા, પરંતુ નિષ્ફળ થતા અને વિચારતા કે, “શક્ય જ નથી... એવું પણ હોય કે, ‘કહેવામાં શું જાય છે’ એ ન્યાયે બાપુ કદાચ ફેંકતા પણ હોય!”
*
દાદા ગયા એટલે કાલે આઈસક્રીમ નહીં મળે એ વાતની પ્રતીતિ થતાં નાનકી રડી રડીને સૂઈ ગઈ. બેડરૂમમાં વચ્ચે સૂતેલી નાનકીના વાળમાં હાથ ફેરવતા ડી.કે.ને પત્નીએ પૂછ્યું કે, તમે આટલો અન્યાય કાં સહન કરો છો? ત્યારે ડી.કે. થોડીવાર તો મૌન થઈ ગયા અને પછી બોલ્યા, “તને નહીં સમજાય. પહેલી વાત તો ઈ કે ઈ મારા બાપુ છે, અને મને ખબર છે કે, બાપુને મારા પર અનહદ લાગણી છે અને કદાચ મને ખોઈ બેસવાની બીકે જ મારી હારે પોતાના ભૂતકાળનું પુનરાવર્તન કરે છે. નો સમજાણું ને? ગાંડી, મનેય ઘણીવાર નથી સમજાતું! તને બીજી એક વાત કંવ? મારા બાપુ કોઈ સામે ઝૂકે એ વાત માન્યામાં આવે? નહીં ને? મેં મારા આ જ માથાભારે બાપુને મારા ભલા માટે પોતાનાં તમામ સ્વાભિમાન, જિદ્દ અને ખુદ્દારીને કોરાણે મૂકીને, જેમને એક અડબોથે પાડી દેવાની તાકાત હતી, તેમની સામે ઘૂંટણિયે પડતા જોયા છે. આ જ બાપુને આર્થિક સંકડામણના કારણે મને પુસ્તક અપાવી નહોતા શક્યા ત્યારે છાનાછાના રોતા પણ મેં જોયા છે. એ મને નહીં, પણ બાળપણમાં તેમની તકલીફોને સમજીને, બાળક હોવા છતાં આઈસક્રીમ, નવાં કપડાં નહીં માંગવાની અને પુસ્તકની દુકાન પાસેથી પસાર થતી વખતે મોઢું ફેરવી લેવાની મારી સમજણને પ્રેમ કરે છે. મારા બાપુ એક એવા બાપુ છે, જેમની નજરમાં ચાળીસીમાં પ્રવેશેલો તેમનો બચુડો હજુ પણ નાનકડો બચુડો જ છે અને તું તેમના ભોળાભટાક દીકરાને ભોળવીને ભરખી જનારી રાક્ષસી! આ કદાચ પ્રેમનો તેમને ગમતો અંતિમ છે. તું નહીં સમજે ગાંડી...!” પત્ની મૂંઝવણભરી નજરે ડી.કે.ના ભાવોને વાંચવા વ્યર્થ મથામણ કરતી રહી.
*
સવારે વહેલા ઊઠીને નાનકીને તૈયાર કરીને સ્કૂલબસમાં બેસાડીને ઘરે પરત આવેલી ડી.કે.ની પત્નીએ ડી.કે.ને ચા મૂકીને ઉઠાડ્યા. ડી.કે. નિત્યક્રમની માથાકૂટમાં ન પડે એટલે ડાઈનિંગ ટેબલ પર ડી.કે.ની સાથે બેસીને ચા પીતાં પીતાં ડી.કે.ને પૂછી બેઠી, “હેં બાપુની બીજી કોક વાતું કરોને...!” મોં પાસે લાવેલો ડી.કે.નો ચાનો મગ હોઠ સામે સ્થિર થઈ ગયો અને મગની ઉપર ધીમે ધીમે હવામાં અદૃશ્ય થઈ રહેલી વરાળની આરપાર જોઈ રહેલી ડી.કે.ની આંખમાં પણ ધુમ્મસ ફેલાઈ રહ્યું હતું. સાંભળ...
*
કૉલેજમાં ઍડ્મિશન મળ્યું એટલે બાપુ મને હોસ્ટેલમાં મૂકવા હારે આઈવા'તા. ઘરેથી ગાદલાનો વીંટો, કપડાં માટે જિદ કરીને ખરીદાવરાવેલી વી.આઈ.પી.ની મોંઘીદાટ બેગ અને બાપુના ખભે પ્લાસ્ટિકનો ચીલાચાલુ થેલો લઈને અમે ટ્રેનમાં રવાના થયા. બાપુ આખા રસ્તે પોતાના બાળપણની તકલીફોની અને તેમાંથી કેવી રીતે રસ્તો કરી આપબળે આગળ આવ્યા અને પોતાને કેવી રીતે શું બનવું હતું તેની વાતો કરી. મોડી રાતે મને રેલવેના પાટિયા પર શેતરંજી પાથરીને પોતે પાટિયા ઉપર જ સૂઈ ગયા. સવારે આણંદ ઊતરીને વલ્લભ વિદ્યાનગરની બસમાં બધું બાપુએ જાતે જ ચડાવ્યું અને વિદ્યાનગર આવ્યું ત્યારે ગાદલું પોતાના ખભે ચડાવી બીજા હાથમાં બેગ ઉપાડીને હોસ્ટેલ તરફ ચાલી નીકળ્યા. મેં વિવેક કર્યો કે, “લાવો, બાપુ હું ઉપાડી લવ” તો હસીને મને માથામાં પ્રેમથી ટપલી મારીને બોલ્યા, “તારા દીકરાને હોસ્ટેલમાં મૂકવા જા ત્યારે ઉપાડજે.” હોસ્ટેલના રૂમમાં ગાદલું નાખીને કહે, “લે, આ તારું નવું ઘર, ધ્યાનથી ભણજે.” અને પાણી પણ પીધા વગર જ કહે, “હું હવે જાઉં છું, રાત પડે ઈ પેલાં ઘીરે પોગવું છે” અને પરસેવો લૂછવાના બહાને નેપ્કિનથી આંસુ લૂછતાં લૂછતાં એકેય વાર પાછું જોયા વિના જ સડસડાટ હોસ્ટેલનાં પગથિયાં ઊતરી ગયા.
*
એકવાર હોસ્ટેલમાં સવારના પહોરમાં બાપુ પ્રગટ થયા. બંને હાથમાં કોટનના થેલા હતા. બાપુ નાહીધોઈને તૈયાર થયા એટલે ચા પીવા કીટલી પર ગયા. ત્યાં બેસીને બે કપ ચા પીતાં પીતાં બધા સમાચાર આપ્યા. કહે, “મારે આમ તો આવવું જ હતું, પણ કંઈક બહાનું તો જોઈએ ને? તારી માએ સાતમઆઠમની મીઠાઈ બનાવી એટલે મેં કીધું, હાલ થોડી દકુડાને દઈ આવું... એટલે આ બે ડબ્બામાં મગસ અને સેવ ગાંઠિયા લઈ આઈવો છું. તારી માએ કીધું છે કે, કબાટમાં તાળું મારીને રાખજે ને એકલો હો તંયે ખાજે... હેં... હેં... હેં... પણ મને ખબર છે કે, તું એકલો ખાવાનો નથી. આપણને પુરુષોને એકલાને ગળે ઊતરે જ નૈ ને... તું તારે દોસ્તારુ હારે જ ખાજે.” બપોરે જમીને બાપુને હોસ્ટેલ પર આરામ કરવા મૂકીને હું કૉલેજે ગયો. મલબારી મેડમ અંગ્રેજીનું છંદશાસ્ત્ર સમજાવતાં હતાં, પણ મને મનમાં ઉચાટ હતો. અચાનક મનમાં ઝબકારો થયો... લોચા થૈ ગ્યા... ‘ડેબોનિયર’ના અંક કબાટમાં ઉપર જ પડ્યા હતા...! ચાલુ ક્લાસે મેડમની “મેન વ્હેર આર યુ ગોઇંગ...”ની બૂમો પાડતાં મૂકીને હું હોસ્ટેલ તરફ દોડ્યો. રૂમનું બારણું ખોલતાં જ જેની બીક હતી એ જ થયું હતું. ‘ડેબોનિયર’ના બધા અંક ટેબલ પર વ્યવસ્થિત ગોઠવાયેલા પડ્યા હતા અને બાપુ રૂમમાં આંટા મારતા હતા. હું કાંઈ બોલ્યો નંઈ એટલે બાપુએ આગઝરતી આંખે શરૂ કર્યું, “આ સંસ્કાર દીધા છ મેં તને?” ઘડીક તો કાંઈ સૂઝકો નો પડ્યો કે, શું કેવું... પછી જીવનમાં પ્રથમવાર બાપુને જવાબ આપ્યો, “બાપુ, આપણે ભારતમાં રહીએ છીયે તો મને આ ઉંમરે ઊઠતા પ્રશ્નોના જવાબ માટે તમને તો કેમ પૂછવું? ફોટાબોટા તો ઠીક છે, પણ તેમાં છપાતા લેખ વાંચવા માટે આ ખરીદું છું.” મારી આંખો ફર્શ પર જડેલી હતી. મનમાં ફડક હતી કે, હમણાં બાપુ બે-ત્રણ અડબોથ મારી દેવાના ઈ નક્કી. ફર્શ પર જડેલી નજરના પરિઘમાં બાપુના ખુલ્લા પગ પ્રવેશ્યા... મર્યા... બોલ્યા, “હામું જો” આંસુની આરપાર ઊંચું જોયું તો મારા માથા પર હાથ ફેરવીને બોલ્યા, “આ બધાં મૅગેઝિન કબાટમાં મૂકી દે... મને તો હમજાણું... બધાને નો હમજાય... હાલ ચા પી આવીયે”. મગની ચામાંથી ઊઠતી વરાળની આરપાર ડી.કે.ની આંખો પત્નીના ચહેરા પર ફરી ફોકસ થઈ અને પોતાની સામે જોઈને સાંભળી રહેલી પત્નીને ડી.કે.એ પૂછ્યું, “નો સમજાણું ને?... મનેય નો'તુ સમજાયું ત્યારે... એક વાર છે ને...”
*
હું ને બાપુ મુંબઈ ગયા તા... લોકોના મોઢે સાંભળેલી વાતોના લીધે મુંબઈમાં રખડવા નીકળીએ ત્યારે મુંબઈના નઝારા જોવાને બદલે ખિસ્સા સંભાળવામાં જ અમારો સમય જાતો. જ્યારે જ્યારે ભીડમાં હોઈએ ત્યારે અમારા હાથ ખિસ્સા પર જ હોય...! ચર્ચગેટના સ્ટેશન બહાર અમે ચા પીવા ઊભા રહ્યા. એવામાં ગઠિયા જેવા બે માણસો પણ અમારી પાસે આવીને ચા પીવા ઊભા રહ્યા. અમને ખિસ્સા કપાવાની એવી તો બીક લાગી કે, ચા સારી હતી તો'ય ઝટપટ ચા પતાવી ને પૈસા ચૂકવીને ભાગ્યા. થોડે દૂર જઈને ઊભા રહી ગયા અને એકબીજાની સામે જોઈ રહ્યા અને પછી તો ખૂબ હસ્યા અને નક્કી કર્યું કે, ખાડામાં ગયું... પૈસા જવા હોય તો જાય... હવે ચિંતા વગર જ ફરીએ. ત્યાંથી ખરીદી પતાવીને અમદાવાદ આવ્યા. અરધો દિવસ બાકી હતો એટલે પુસ્તકોની બે-ચાર દુકાનોમાં સમય પસાર કર્યો, પુસ્તકો ખરીદ્યાં અને વધેલા પૈસામાંથી જમીને રાતે આઠ વાગે રેલવે-સ્ટેશન પહોંચી ગયા. ટ્રેન ટ્રેક પર મુકાઈ ગઈ એટલે જગ્યા રોકીને બાપુ ડબ્બામાં બેઠા અને હું બહાર પ્લેટફોર્મ ઉપર ઊભો ઊભો રેલવેની અલગ દુનિયાને માણતો હતો; ત્યાં જ એક સફેદ લેંઘોઝભ્ભો પહેરેલા આધેડ મારી પાસે આવ્યા. મને કે, “ભૈ, હું ઊંઝાનો તલનો વેપારી છું. અહીં અમદાવાદ ખરીદીમાં આવ્યો હતો ને મારું ખિસ્સું કપાઈ ગયું. ઘરે જાવાની ટિકિટ જેટલા પૈસા આલો તો ઘરે પહોંચીને તમને પાછા મોકલી આપીશ.” મને આ સજ્જન દેખાતા માણસની દયા આવી. મને ખબર હતી કે, બાપુના ખિસ્સામાં હવે ખાલી સવારે ચા પીવાય એટલા જ પૈસા જ બચ્યા છે તો'ય મેં બાપુની સામે પૈસા આપવાની મારી ઈચ્છા છે એવા ભાવથી જોયું. બાપુએ કંઈ બોલ્યા વગર પેલાને 20 રૂપિયાની નોટ આપી દીધી. પેલો તો એની ડાયરીમાં અમારું સરનામું લખીને નીકળી ગયો. હું બહુ ખુશ થયો. ટ્રેન ઊપડવાને હજુ વાર હતી એટલે બાપુને કહી ને છેલ્લા પ્લેટફોર્મ પરના બુકસ્ટોલ તરફ ઓવરબ્રિજ પર થઈને ગયો. બુકસ્ટોલ ઉપર અંગ્રેજી પુસ્તકો જોતો હતો ત્યાં કાને પાછળથી ચાલતો સંવાદ પડ્યો. “ભૈ, હું ઊંઝાનો તલનો વેપારી છું.” જોયું તો પેલા મહાશય બીજા બકરાનું ઈમોશનલ બ્લેકમેઈલ કરી રહ્યા હતા અને મારી ખોપરી છટકી... એની પાછળ જઈને ઊભો રહ્યો અને બધી લવારી શબ્દેશબ્દ સાંભળી. એની વાર્તા પૂરી થઈ એટલે પાછળથી જ કાનપટ્ટાની એક આપી તો સીધો પગમાં પડી ગયો... પોતાના પાકીટમાંના પૈસા દેખાડીને કે'કે બધા જોઈએ તો લૈ લો પણ મારશો નૈ... મને દુઃખ એ વાતનું હતું કે, એ માણસે મારી લાગણી સાથે રમત કરી હતી. મેં મારા બાપુએ આપેલી 20 ની નોટ લઈ લીધી અને દોડતો ગયો બાપુ પાસે અને આખી કહાણી સંભળાવી. બાપુ એકીટશે સાંભળી રહ્યા અને મારી વાર્તા પૂરી થઈ એટલે મને એમ કે હમણાં લેક્ચર દેશે, પણ ઊલટું બાપુ બોલ્યા, “દકુડા, મને તો ખબર જ હતી કે, એ ખોટાડો છે પણ તારી આંખમાં એક માનવતાનું કાર્ય કરવાનો ઉત્સાહ જોયો એટલે અને તારી લાગણી ન દુભાય એટલે જ હું કાંઈ નો બોઇલો ને આપી દીધા... દીકરા જે અનુભવમાંથી નીપજે એને જ જ્ઞાન કહેવાય બાકી બધું... હમજાણું?” રેલવેના જ સહકર્મી અને “આના ખિસ્સામાં વીંછી છે” એમ કહી રૂપિયા-રૂપિયાને વિચારીને વાપરનાર ડી.કે.ના બાપુની ઠેકડી ઉડાડનારા બાપુના મિત્રોના ચહેરા ડી.કે.ની સામે તરવરી ઊઠ્યા. ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગયેલા ડી.કે. પત્નીની સામે જોઈ બોલ્યા, કદાચ એવું છે કે, બાપુને તો બધુંય હમજાય છે... આપણને જ નથી હમજાતું... શું કે છ?
*
બાપુની તમામ અંતિમક્રિયાઓ પૂરી થઈ ગયા બાદ બા પાસે નાનકી સાથે રોકાયેલા ડી.કે.ને બા કહેતી હતી, “ક્યારના જિદ્દે ચડ્યા હતા કે, હવે બધી જવાબદારી પૂરી થઈ ગઈ છે અને મારે હવે દેશ આખામાં રખડવું છે... એકલા ભટકવું છે... જઈશ તો ટ્રેનમાં પણ જોજેને પાછો તો પ્લેનમાં જ આવીશ, એકવાર પ્લેનમાં તો બેસવું જ છે... એમના બધા ઓળખીતા ભાઈબંધો ના પાડતા હતા કે, “ગઈઢો થ્યો પણ બુદ્ધિ નો આવી... આ ઉંમરે આમ એકલા નો જવાય... કાંઈક થઈ જાય ને... તો આ બધાં દુઃખી થઈ જાય... પણ ઈ થોડા કોઈનું માને... જબરા છાતીવાળા હતા. માંગવાને બદલે પગ કાપીને બૂટ લઈ લે એવા કાળમુખાવના પ્રદેશમાં છાતી કાઢીને અગિયાર મહિના રહ્યાને? ભડ હતા ભડ! એમને જવાનું હતું ત્યારે સવારે ચાર વાગે ઊઠી ગ્યા ને ચા પીને થરથરતી ટાઇઢમાં ઘોર અંધારે બે થેલા લઈને નીકળી પડ્યા... હું છે ને પાળીએ અડધી લટકીને એમને જતા જોઈ રૈ'... તારા બાપુ અંધારામાં દેખાતા બંધ થયા ત્યાં સુધી હું પાળી પરથી એમને જાતા જોઈ રૈ'... ગ્યા ઈ ગ્યા. બુકિંગ ક્લાર્ક હતા ને આખા ગામના પાર્સલને મોકલતા ને આવેલા પાર્સલને પોંચતા કરતા પણ ભગવાનની કરામત તો જો, એમની ઇચ્છા પ્રમાણે પ્લેનમાં તો પાછા આઇવા, પણ પાર્સલ થઈને...!” પથારીમાં ચત્તા પડ્યા પડ્યા આકાશમાં ચમકતા તારલાઓ વચ્ચે પોતાના બાપુને શોધી રહેલા ડી.કે. ખુલ્લી આંખે, થરથરતી ઠંડીમાં બંને હાથમાં થેલા લઈને કાળામેશ અંધારામાં ધીમે ધીમે ઓગળી રહેલા બાપુને ભીની આંખે ગુમાવી રહ્યા.
*
સવારે બા ફળિયું વાળીને ચોખ્ખું કરવા મથતી પોતાની દિનચર્યા યથાવત્ રાખવાના પ્રયત્નો કરતી હતી. ડી.કે. પોતાના આગવા નિત્યક્રમો પતાવીને તડકો ખાતા હતા, ત્યાં જ બાને શું થયું તે નાનકીને તેડીને ફળિયાની વાડ પાસે લઈ ગઈ અને હાથ આકાશ તરફ કરીને દૂર ક્યાંક જઈ રહેલા વિમાનને દેખાડવા લાગી. “જો નાનકી વિમાન જાય...” બાએ નાનકીને પૂછ્યું, “બેહવું છે ને તારે વિમાનમાં?” ડી.કે.ની આંખ ફરી ગઈ... નાનકીને બાના હાથમાંથી લગભગ આંચકવા જેવું કરીને બોલ્યા, “નથી બેહાડવી એને વિમાનમાં...” ને જઈ રહેલા વિમાન તરફ ઝનૂનથી થૂંક્યા. બા ડી.કે.ના વિકૃત થઈ ગયેલા ચહેરા સામે પ્રશ્નાર્થભરી નજરે જોઈ રહી. ઓઝપાઈ ગયેલા ડી.કે. બોલ્યા, “નહીં સમજાય, બા તને નહીં સમજાય... મનેય ઘણી વાર નથી સમજાતું...”
જેટ ઍરવેઝનું કાર્ગોનું લગેજ ટેગ ફળિયામાં હવા સાથે આમથી તેમ ઊડાઊડ કરતું હતું.
સ્રોત
- પુસ્તક : પુષ્પક (પૃષ્ઠ ક્રમાંક 30)
- સર્જક : ધર્મેન્દ્ર ત્રિવેદી
- પ્રકાશક : સ્પર્શ પબ્લિકેશન
- વર્ષ : 2021
