મણિલાલ હ. પટેલ
Manilal H. Patel
‘અવે તો માશીની બુનને પઈણે તાણે... એક એટલું જ ઠેકાણું બાચી સે.’ સગા દીકરા કાંતિ માટે જગોભાઈ આવું બોલે એ માન્યામાં નહોતું આવતું. કાંતિ મારો દોસ્તાર.
અમે હાર્યે ભણેલા, રમેલા અને રખડેલા.
કાંતિ ભણવામાં ઘણો કાચો. પણ એના કાકા દાસભાઈ બી.એસસી., બી.એડ. થઈને હાઈસ્કૂલમાં માસ્તર થયેલા. મૅટ્રિકની પરીક્ષામાં બહારથી પેપર લખાવીને, ચોરી કરાવીને અને પૈસા પાથરી માર્ક્સ ઉમેરાવીને એમણે કાંતિનું ભાવિ પલટી નાખેલું.
સિત્તેર ટકે પાસ થયેલા કાંતિને પટ કરતું પી.ટી.સી.માં એડમિશન મળી ગયેલું. આજે ચારેક વર્ષથી કાંતિ પાસેના ગામની પ્રાથમિક શાળામાં માસ્તર છે. કાંતિને બિચારાને એકેય વિષય ના ફાવે. એને ભણવામાં હતો એથી બારગણો કંટાળો ભણાવવામાં. એનો જીવ ઘરખેતરમાં વધારે. પણ ગામ અને સમાજ ‘માસ્તર’ જેવું મોભાદાર માન આપે એનો વટ પડે એવા વિચારે આખું ઘર રાજીના રેડ રહેતું.
સવાર-સાંજ કાંતિ ખેતરનું કામ કરે. બપોરે નોકરી માટે નિશાળે જાય અને ત્યાં આરામ કરે, કાંતિના આદેશ મુજબ, વર્ગમાં પહેલો નંબર હોય એ છોકરો લેશન જુએ તથા ભણાવેય ખરો. આથી કાંતિને નિરાંત રહેતી. બધાં હવે એને ‘માસ્તર’ કહીને બોલાવતાં એનો આનંદ પણ ખરો. તોય પોતાની સગાઈ અને પરણવા બાબતે થયેલા ફતેજા વિશેની ચિંતાઓ કાંતિને જંપવા દેતી નથી.
‘હાળું! હગો બાપ ઊઠીને ક્યે કે’ માશીની બુનને પઈણો તાણે આ તો હદ કહેવાય. આ વેઠાય ચ્યમનું!’ કાંતિ સમસમી ઊઠ્યો. પણ એનાથી બાપ આગળ બોલાતું નથી ને ધૂળી બાપાને ગાંઠતી નથી.
બાઈ ધૂળી જગાભાઈની બીજવારકી બાયડી.
ભારે કાફ્ફર!
જગોભાઈ ઝાઝું બોલવા જાય તો કોઢિયામાં બળદોની પાગોળે બાંધીને ખહલું ખાવા નાખતી. કાંતિ મૂળથી હેબતાઈ ગયેલો.
આગલા ધણીને ‘બાયલો સે આ તો, આને રઈને ઉં હું કરું?’ એમ કહીને ધૂળીએ ફારગતી લીધેલી. ભર્યા પંચમાં ધૂળી આદમી જેવી બોલેલી ત્યારથી મલક આખાને એની ઓળખાણ. જગાભાઈને ગ્રહદશા બેઠેલી તે એ ગાળામાં જ ઘરભંગ થયા. પહેલી વહુને વગડે સાપ કરડ્યો. ‘ભાથી-ખતરી વા’રે ના આવ્યા.’ તે બાઈ ગુજરી ગયેલી. એટલે જગાભાઈ અને ધૂળીનું નાતરું થયેલું. ધૂળીનો વાન ઊજળો, ડિલે પોસાતી, દેખાવ માફકસર. જગોભાઈ લાડ લડાવે એ વયસહજ ગણાય. ધૂળી સ્વભાવ પ્રમાણે આને છૂટ ગણીને વર્તતી. છેવટે ઘરમાં ધૂળીનું રાજકાજ થયેલું. કાંતિના જનમ પછી તો ધૂળીનો સોટો ચાલતો. જગાભાઈનો વાંકબાંક નીકળે તો બિચારા મીંદડી મ્યાઉં ના કરે. લોક કહેતું:
‘રાંડ, જગાભાઈ પર ઘોડો નથી કરતી એટલું જ. બાચી નબળી સે. આબરુદાર કણબીને ટકાનો કરી નાંશ્યો. ધણીને ધાકમાં રાખીને કપાતર કુન્જાણે હુંય કરતી અશે? એનો વેલો જ થડથી વગોવાયેલો...’
પણ આજે તો જગોભાઈ વીફરેલ હતા.
‘હાહરી કુવેચની જાત. આઈ તન્ધાડાની વળજી સે, ફોલીને ખઈ જઈ, હખ્ખે બહેવા દેવાની વોત તો આઘઈ રઈ, પેટપાંણી પડવા દેતી નથી... બળ્યો આ અવતાર.’
બાઝવા આવતા ડૂમાને થૂંકી કાઢી પાછો જગોભાઈ બોલતા હતાઃ
‘આ છાંણમાં કીડા જેવો એક સોરો સે એને એક વહુ જોઈએ એ જ ને? મીં એક કે'તાં એકાવનની વાતો આણી. પણ ના, આ રાંણીને તો પી.ટી.સી. થયેલી જોઈએ. મ્હેરાણીં! પૂછી આવો જેના ઘરમાં બે-બે ચોટલાવાળીઓ સે એમની હું વલે થાય સે.’
ધૂળી ખેતરે ગઈ હશે એટલે જગોભાઈ બોલાવે ચડ્યા હશે? તો પછી આ કકડાટ જગોભાઈ કોને, જાતને સંભળાવતા હતા! ફળિયામાં ભેંકાર તડકો છે. ડાગળીચૂક હોય એવું એમનું ઘર ફળિયાથી જરા અળગું-અતડું ઊભું છે.
મારી જેમ કોઈ રડ્યુંખડ્યું મનેખ જગાભાઈનો આ વલવલાટ સાંભળતું હોય તો હોય. રોજ કાખલી કૂટનાર અને ટીખણીઓ કરી દાંત કાઢનારાંનો તોટો ના પડે. આજે સૌ વગડે વહી ગયાં છે. ઘઉંચણાના ખેતરોમાં દાતરડાં ફરે છે.
ઢોરાંને ખહલું સંકોરી આલતાં જગાભાઈ બોલતા હતા –
‘આ નેહાળ્યો પર પૂળો પડી જ્યો ઓતને તો હખ્ખે રેવાંત... પી.ટી.સી., પી.ટી.સી. કુન્જાણે હું બલા સે મારી હાળી પી.ટી.સી.! આ તો જે ઊઠ્યો એ પી.ટી.સી.ને પઈણવા રઘવાયો. મફતના મા’દેવને તલાવનું પાંણી. કમાતી મળે તે હૌને વાલી લાગે, પણ પી.ટી.સી.ઓ એમ કાંય ઝાડે લટકી રઈઓ સે તે તોડી લવાંય? આ તો આંગણીને ગૂનાં શમણાં વાળી વાત...'
જગાભાઈની વાત સાચી હતી. એમના કઢાપાને કારણો હતાં. કાંતિના જન્મના ઓગણીસમા દા'ડે જ એની સગાઈ થઈ ગયેલી. પણ ધૂળીને એ વેવાણ હાર્યે વાંકુ પડ્યું, એ કહેતી: ‘મને એ ટેસવાળી વેવાણ્ય ઘડીવાર નીં જોઈએ. એનું અભેમાંન એની પાંહે રાખો.’
જગોભાઈ કાંતિ માટે બીજી કન્યા શોધી લાવેલા. ઘર આબરૂદાર, ખાધેપીધે સુખી ગણાય.
કુંવારે માંડવે વિવાહ ફોક કરવાનું તો આ બાવન ગોળના પાટીદારોમાં રમત વાત ગણાતી. કંકુ સાટે કન્યા મળતી એટલે ‘હા’ ‘ના’ કરતાં વાર નહીં.
કાંતિ મોટો થયો.
કાંતિને વહુ જોવાના કોડ જાગેલા, એક વાર મને એની સાસરીમાં સાથે લઈ ગયેલો. વાટમાં મને કહી રાખેલું કે ‘રતિલાલ, તારે પૂનીને બોલાવીને પૂછવાનું કે કાંતિની યાદ આવે છે કે નહીં?’ પછી શરમાઈ ગયેલો.
તે દિવસે વર આયો જાણીને પૂની તો લાજની મારી પતાળમાં ઊતરી પડેલી. આખો દા'ડો ઘરમાં દેખાયેલી નહીં. ઘાઘરીપોલકાળી છોરીઓ ડોકિયાં કરીકરીને ખીખી હસતીકને ખોવાઈ જતી. કાંતિ સૂનો પડી જતો હતો. પાછા વળતાં એનું મોઢું પડી ગયેલું. મને પણ અઘરું લાગેલું.
ઘેર આવતાંવેત ધૂળીએ કાંતિને પૂછેલું:
‘તારી હાહુએ હું ખાવાનું કરેલું?’
‘લાડવો, કઢી અને ભાત.’
આ સાંભળતાં સાથે ધૂળી ભડકો થઈ ઊઠેલી:
‘મારો હાત નવઈનો સોરો પેલ્લીવાર એણે ઘેર જ્યો ને એ શંખણીએ એના ભાંણામાં કઢી મેલી? બાપ રે બાપ! નઈ શાક નઈ પાપડ. ભૂંડી! આબરુદાર ઑય તો મેમાંનને – એમાંય આ તો પેટના ડીચરાથીય અદકો જમઈ આયો'તો – કઢી મેલતાં તારો જીવ ચ્યમનો સાલ્યો? કાહર દાળ કરવાનો તને વચારેય નીં આયો? તરસટ નબળઈ આ તો...'
ખેતરમાંથી થાક્યાપાક્યા આવેલા જગોભાઈ ક્યાંય કશું જાણે સમજે એ પહેલાં તો ધૂળીએ માથે પસ્તાળ પાડેલી, ‘લ્યો, આબરૂને બચકાં ભરો. ઉં તો કઈ-કઈને થાચી, મોટા એટલા ખોટા. મારે તો મારા હરખા હગું જોઈએ. આવું અટકોળ પંચ્યાં દોઢહો મને નીં પાલવે, આ ક્યું તમને...’
છેવટે આ સગાઈ પણ નીકળી ગયેલી.
મધવાસના મેળામાં કાંતિએ પૂનીને જોઈ ત્યારથી એના મનમાં એ ગોરી એકવડી વહુ વસી ગયેલી. એને એનાં શમણાંય આવેલાં. કઢીવાળી વાત કરવાથી બા આટલી હદે બગડશે અને વિવાહ તૂટી જશે એવી તો બિચારા કાંતિને ખબર નહીં!
એ ઉનાળે કાંતિ પરણવામાંથી રઝળી ગયેલો. સરખેસરખા ગોઠિયા પરણતા હતા. ફુલેકાં ફળિયે ફરતાં હતાં. કાંતિ મને મહેમાન આવેલી છોકરીઓ બતાવતો અને ઉદાસ થઈ જતો હતો. ત્યારે એ પી.ટી. સી.ના પહેલા વરસમાં ભણતો હતો.
બસ, આ ગાળામાં ધૂળીના મનમાં કોઈએ પલીતો ચાંપેલો; અવે તો પી.ટી.સી. થયેલી વહુ મળે તો જ કાંતિડાને પઈણાવજે. ઘરમાં જોડું ઓય, બંને કમાતાં ઓય, પસે તારે નિરાંત. ગામમાં, સમાજમાં ઉપરથી વટ પડે એ છોગામાં...
શરૂમાં તો જગોભાઈ પણ આ વાતથી પલળી ગયેલા. અને કાંતિ? અજાણ્યું જીવડું કરડતાં ધીમું ધીમું ઝેર ચડે એવું એને પી.ટી.સી. થયેલી વહુ પરણવાનું પૈણ ચડેલું:
‘સાઈકલ કે લૂના પર ડબલ સવારી, માથે ઓઢેલું ગામ બહાર્ય જઈને વઉ કાઢી નાખે. હાર્ય મેળો ને લુણાવાડાનું બજાર. શનિવારે શાળાએથી સીધાં સિનેમામાં. અંધારામાં ગલીપચી. ગરમગરમ સેવઉસળ...’
ક્યારેક સંકોચાતો કાંતિ મને કહતો:
‘રતિલાલ, તું તો મોટી કૉલેજ કરે સે, તે તને તો પી.ટી.સી. એક કહેતાં એકવીસ મળી જાય, ના મળે? તને મન નથી થતું પઈણવાનું?’
‘મારે તો હજી વાર છે, કાંતિ. પી.ટી.સી. કે બી.એ, એમ.એ. કે બી.એડ. છોડ બધી વાતો. આપણે તો અભણ વહુ મળે તોય એને કેળવી લેવાની. માણસને ઘડીને તૈયાર કરે એનું નામ કેળવણી! સમજ્યો?’
મારો જવાબ સાંભળી કાંતિ મૂંઝવણમાં મુકાઈ જતો. પણ ઘેર જતો એટલે ધૂળી-જગાભાઈની રોજની પી.ટી.સી.ની વાતોમાં મનોમન ગળાડૂબ થઈ જતો.
‘સોરો પી.ટી.સી. કૉલેસ કરે તે, ચેટલો ખરચો આવે એ તો અમને જાણીએ કે અમારું મન જાણે. મૅટ્રિકમાં એના ભારોભાર રૂપિયા વેર્યા, સિત્તેર ટકા કાંય વાટમાં નથી પડ્યા. જાત ભાંગીને મજૂરી કરીએ તો સોરાના હખ્ખ હારું. સોરો પી.ટી.સી. ઓય તો વઉ પણ પી.ટી.સી. જોઈએ કનીં? લેણ મળવી જોઈએ લેણ.... નઈ તો જીબ્બામાં હકાળ ત્યાંથી આવે?’ ધૂળી વાટેવગડે સૌને કહ્યા કરતી. પી.ટી.સી. થયેલી વહુ આવી ગઈ હોય એવાં શમણાં આવતાં, ક્યારેક તો એ પોતે જ પી.ટી.સી. ભણી આવી હોય એવું થઈ આવતું હતું.
જગોભાઈ બસમાં, કોઈના લૂના, સ્કૂટરે, ટ્રેક્ટરે – જે મળ્યું તે વાહને ચઢીને બાવન ગોળના ચોર્યાશી ગામો ઘમરોળતા હતા. ક્યારેક રાત માથે લેવી પડતી, વખતે કોઈક સગાંનો સાથ લેવો પડતો, કયા ગામમાં કેટલી છોકરીઓ પી.ટી.સી.માં છે. કેટલીની સગાઈ બાકી છે; કોની સગાઈ ફોક કરવાની છે. આ બધીય વિગતો મેળવવાની અને પછી પોતાના કાંતિ માટે સપાડું કરવાનું વેણ નાખવાનું.
જગાભાઈએ નબળાસબળા સૌ જોઈ નાખેલાં, ઝાઝાં ઠેકાણાં હવે બચ્યાં નહોતાં. ક્યાંક હોય તો એ લોક જગાભાઈની વહુ ધૂળીના સ્વભાવની વાત જાણીને પાછા પડતા'તા. લોકો ઝીણામાં ઝીણી વિગતોનો તાગ મેળવતા થઈ ગયા હતા. ધૂળી વિશે ગામમાં આગળપાછળ કહેવાતું એ બહાર પહોંચેલું:
‘એનો શભાવ ટકટક કરવાનો, હારું એની બીં હંખાઈ નઈ, ધણીને ઊઠબેસ કરાવે એ સોરા-વઉને ચ્યમની જંપવા દેવાની? ચીંકણી તો ગુંદર જેવી. પાડોહી કપ ચા પી જાય તો મનમાં માંડી રાખે એવી. મેમાંન તોએ એકલપેટીને ઘેર ચ્યાણેય પોહાંયો નથી. ભઈ, ઘહાયા વના તો ઊજળા ચ્યમનું થવાય!’
જગાભાઈને કાનેય આવી ઊડતી વાતો આવતી. એ તળેઉપર થઈને શમી જતા. ક્યારેક કાંતિ પર ચીડ ઠાલવતાં ઠાલવી જતાં, તો ધૂળી એમને મણના છશેર કરી મેલતી. ઘરખૂણે બાપ-બેટા બેયને ગોધાટતી ધૂળીએ જગાભાઈનું આબરુદાર થવાનું શમણું નંદવી મેલેલું. ક્યારેક જગોભાઈ મારા બાપને કહેતા:
‘ધનાકાકા, કરમમાં ડોળિયા લશ્યાં ઑય તો જીયાં ચ્યાંથી ખાવાના અતા? આ તો કાઠાવાજ્યા કરીને અવતાર ખેંચવાનો. ઉંતો જાણતો ઓત તો આ બૈરાની માયામાં પડાંત જ નઈ... પણ –‘
‘આ તો જગા! પેલા એના વાળી વાત સે કે પઈણે એ પસ્તાય અને ન પઈણેયે ઈ બમણો પસ્તાય. રાતાં લૂગડાં અને સોરાંના મૂતરવાળી લીલી ગોદડીઓ વના પાટીદારનો અવતાર એળે જાય. લોકો લાકડાંનીય કન્યા હું કામ હોધતા ઑય સે? માયાનો ખેલ સે બધો...’ બાપા કહેતા.
ધૂળીની જીદે છેવટે કાંતિ સારું તાલુકાની કહેવાય એવી પણ પી.ટી.સી. કન્યા મેળવવામાં જગોભાઈ સફળ થયેલા. સાત સપાડે કામ થયેલું. ધૂળીનો હરખ ચાના પ્યાલાઓમાંથી છલકાવા લાગેલો. કાંતિને મનમાં ઘણુંય હતું કે પોતે આવનારી વહુને એક વાર જોઈ લ્યે. પણ વીંછણ જેવી બા પાસે બોલાતું નથી, ને બાપા આગળ શરમ આવે એ સામાન્ય ગણાય. આમેય નાતરિયા ન્યાતમાં માબાપ કરે તે સત્તર આની! છોકરો-છોકરી વધારે ભણ્યાં હોય અને એકબીજાને જોવાની જિદ્દ કરે તો લોક વાતો કરી ખાતું:
‘જેણે મેલી લાજ એનું નાનું હરખું રાજ. જાહ રે જાહ હ! હું કળજગ આયો સે!’
કાંતિ પોરસાતો બેઠો ત્યારે માંડવામાં ખાસ્સી મોટી કન્યા ભાળીને ધૂળી આભી બની ગયેલી. જગાભાઈએ તો વિશ્વાસે વહાણ હાંકેલું. હવે થાય શું?
કાંતિના પઈણ્યા પર પાણી ફરી વળેલું. કન્યા શામળી અને દેખાવે દાધારંગી. ધૂંઆપૂંઆ થયેલી ધૂળી ઘેર આવીને જગાભાઈ પર વીફરેલી:
‘તમારી આંશ્યો ફૂટેલી અતી? નક્કી કરવા જ્યા તાંણે બાપ-બેટા બેય સરખા અક્કરમી! એકેમાં વેતા ના મળે. ઉં તો અવાડામાંથી નેકળીને કૂવામાં પડી, તે કઉં કોને?’
‘અને ટિટિયારો મેલ્ય. કાળાંય ઓય સે તો મનેખ કનીં? કાંનજી ભગવાંને કાળા ન’તા? અમથી પપડાટો કરે –‘
જગાભાઈને અધવચ્ચે બોલતા અટકાવીને ધૂળી સામે ચડેલી:
‘બેહાં અને, ભગવાન તો રૂપાળા અતા. તમારા જેવા હુડહુડ ન'તા. આ તો બાવળીઓમાં ભૂલી પડે તો જડે નઈ એવી સે. એના આથે આલેલું બોરુંય કુણ ખાય! ના, ના. મારે આઠે અંગે આ વઉ નઈ જોઈએ...’
કાંતિ બિચારો! ખાતાં દાઝ્યો તે કોને કહે?
વહુ ગઈ તે ગઈ. ધૂળીએ પહેલું આણું જ ના કરાવ્યું. જગોભાઈ ઘણુંય તરફડ્યા. આજીજીઓ કરી. પણ ધૂળી એક વેઢેથી બીજે વેઢે ના આવી તે ના જ આવી!
‘ઉં બાર વહરની બેઠી સું. ઉં કાંતિડાને ફેર પઈણાવે – અસ્સલ રૂપાળી પી.ટી.સી. થેલી મેતરાણી આર્યે પઈણાવે. તમતમારે એક વાર આ ફંદામાંથી મારા સોરાને છૂટો કરી આલો. ને એય તમારી બતીં ના બણે એણ ઑય તો ઉં કરે. કમઈને રૂપિયાનો ઢગલો કરે, પણ કાંતિને બે ચોટલાવાળી મ્હેતી પઈણાવે તાણે જ મારી આંતરડી ઠરવાની. હા, મનેખનો અવતાર કાંય વાટમાં નથી પડેલો તે વારેઘડીએ મળી હકવાનો.’
જગોભાઈ ઝાંખા પડી ગયેલાં. થોડા દા'ડા પછી ધૂળી પણ ઓલવાયેલા અંગારા જેવી થઈ રહેલી.
આ બન્યું તે દિવસથી જગોભાઈ પી.ટી.સી.ને મણ-મણની ચોપડાવતા થઈ ગયેલા. ભણવાની વાત નીકળે ને જગોભાઈ ભડકતા. કાંતિનેય સંભળાવતા: ‘અલ્યો, ફાડ્યાઓ! તમારી મા-ઓ ચ્યાં પી.ટી. સી. થઈ'તી? ધોળી ભાળીને ઊરાયા થશો ને ગજા વનાની ઉફત કરશો તો ફૂલે કાતાં ઘાલીને મરશાં...’
કોઈ વાટે જતું અમથું હસતું તોય ધૂળી બળી જતી. બધે એને પોતાની નગોદાઈ ગવાતી લાગતી. નવી વહુવારુઓને જોતી ને છાતીમાં ભઠ્ઠી ભડકતી. જગોભાઈ પણ રાખ વળેલા અંગારા પર ફૂંક મારવાથી ડરતા હતા.
ત્રણ-ત્રણ વરસ ભાંજગડમાં ગયાં. ટોપી ઉતારી, નાત્ય આગળ નાકલીટી તાણી. પંચ ભેગા કર્યાં, બબ્બે મણના લાડવા ખવડાવ્યા. ખાંધ્યાઓનાં ગજવાં ભર્યા. ઉપરથી પાંત્રીસ હજાર રૂપિયા વહુએ જીવકના માગ્યા અને ઘરેણાં લઈ ગઈ તે તો નફામાં. એ તોય જગોભાઈના ગ્રહો પાધરા તે પાંત્રીસે પત્યું. બાકી ગામમાં બાસઠ હજાર લઈને છૂટકો કરનારય હતા. પહેલાં છૂટાછેડા આટલા મોંઘા નહોતા. આ તો ભણતર વધ્યું એમ ગણતર વધ્યું. જગોભાઈ તો સૌને કહેતા કે, ‘ગાય દોઈને કૂતરીને પાવાનો ધંધો સે આ...’
કાંતિના છૂટાછેડાને વરસ થવા આવ્યું છે, તોય સગાઈ નક્કી થતી નથી. જગોભાઈ રઘવાયા રહે છે અને કાચી કેરીનો સૂડો કરકોલે એમ ધૂળીને ચિંતા ફોલી ખાય છે. કાંતિ મને કહે છે:
‘આંનાથી તો બાવા થઈ જવું હારું. ઉં તો કઈ-કઈને થાચ્ઓ; મારે તો પી.ટી.સી. કાંય જોઈતી નથી, અવે તો લાકડામાંથી ઘડેલી કન્યા અશે તોય ચાલશે.’
હું બોલ્યા વિના સાંભળી રહું છું.
હગી મા વેરવણ થઈને બેઠી સૅ. મારે તો ધોળીય નથી જોઈતી ને ફૂમતાવાળીય નથી જોઈતી. આપડા જેવી નઈ ઑય તોય ચાલશે. હાચું કઉં સું, રતિલાલ! આ ડોહાડોહીનો વલોપાત નથી વેઠાતો.’ કાંતિ છેવટે બબડે છે ‘જોવનાઈ પસૅ તો બધુંય હરખું...’
બપોરે જગાભાઈનો રઘવાટ થોડો હેઠો બેઠેલો. ઓટલી પર બેઠા-બેઠા એ જોઈ રહ્યા છે, સીમમાં આંબાઓ મ્હોરથી છળકાઈ રહ્યા છે. વસંતપંચમી હમણાં વીતી હતી. ન્યાતના કાયદા ઘડવા મળતી બાવન પાટીદારોની મીટિંગ મળી ચૂકી હતી. છૂટાછેડા લેવા પર મુકાયેલ દંડથી ઊહાપોહ થયેલો તે હજી તાજો જ હતો. હોળી પાસે આવતાં હવે વિવા તોડવા-ફોડવાની ઋતુ પહેલા વરસાદે ખેડૂત જેમ હળોતરું કરે એમ, બેસી ગઈ હતી.
શિયાળો ઊતરીને બપોરી વેળામાં ઉનાળો પેસતો હતો. ઘર પાસેનો શીમળા રાતાંગલ ફળોથી ખળભળી ઊઠ્યો હતો. જગાભાઈની નજર એના પર ઠરેલી. ધૂળીને પટાવવી કેમ કરીને એની આજે એમને ભારે મૂંઝવણ હતી. કાંતિ માટે એમણે કન્યા શોધી કાઢી હતી, પી.ટી.સી. થયેલી નહીં, આર્ટ્સ કૉલેજમાં ભણતી. જગાભાઈને શીમળાનાં ફૂલો ઠેઠ ફળિયામાં વેરાયેલાં દેખાતાં હતાં.
ચાંલ્લો રૂપિયો ઘરમાં આવી ગયેલો. જગાભાઈના કુટુંબીઓએ કહેલું કે, ‘સોમવારે ગોળધાણા વહેંચી દેવાના છે, તારી વહુને કઈ દેજે ટટકારો ના કરે.’ જગોભાઈ ના પાડે તો નાક કપાય અને ધૂળી હા પાડે તો હોઠ કપાય. જગોભાઈ કડક થવા મથતા હતા.
છેક રવિવારની સાંજે જગોભાઈ ધૂળીને વાત કરી શક્યા. સગાઈની વાત જાણીને એણે ભારે ઘમસાણ મચાવ્યું. માથાં ફૂટ્યાં, છાતી કૂટી: ‘પી.ટી.સી. તારું નખ્ખોદ જજો. રાંડો પી.ટી.સી. થઈ-થઈને ધણીને મેલીને પારકાને રાખતી થઈઓ સે. મારે એવી પી.ટી.સી.ના જોઈએ. રાંડ પી.ટી.સી. તારું નખ્ખોદ જજો.’
ધૂળીનું કલ્પાંત જોઈ જગોભાઈ અંદરથી હલી ગયેલા. કાંતિ તો સાવ ડઘાઈ ગયેલો.
સોમવારે સવારે જગોભાઈ ગામમાં ગોળ ખાવાનું નોતરું દેવા ઉત્સાહભર્યા નીકળ્યા તારે ઝંખવાણી લાગતી ધૂળી પડોશણને કહી રહી હતી:
‘બુન, આ તો પી.ટી.સી.થીય આગળનું હઘરું ભણતર કહેવાય. વઉ અંગરેચી નેંહાળમાં મ્હેતી થવાની. મારા કાંતિનું નસીબ હારું તે આવું ઠેકાણું અને ઊજળી કન્યા મળ્યાં... કેનારે અમથું નથી કયું કે ભગવાન તો હૌનો સે.’
હું ગોળધાળા ખાવા પહોંચ્યો ત્યારે ચોપાડમાં ઊભેલી ધૂળી મને આવકારવાને બદલે ઓયડામાં સરી ગઈ. મેં જોયું તો ચોપાડમાં અનેક ખાલી ખાટલાઓ પથરાયેલા પડ્યા હતા. જ્યારે કાંતિ એક ખાટલાના ઓશીકે રકાબીમાં મૂકેલા કંકુચોખા અને રોકડા રૂપિયાની આ૨પાર એકીટસે તાકી રહ્યો હતો....
સ્રોત
- પુસ્તક : માટી મલક ને મોલ (પૃષ્ઠ ક્રમાંક 254)
- સંપાદક : કિશોરસિંહ સોલંકી, હસિત મહેતા, અજયસિંહ ચૌહાણ, કુમારજૈમિની શાસ્ત્રી, કનુ પટેલ, યોગેશ જોશી
- પ્રકાશક : લજ્જા પબ્લિકેશન
- વર્ષ : 2025
