Prtyaghat - Short Stories | RekhtaGujarati

પ્રત્યાઘાત

Prtyaghat

શાંતિભાઈ જાની શાંતિભાઈ જાની
પ્રત્યાઘાત
શાંતિભાઈ જાની

તંવરાઓના ગળામાંથી નીકળતા એકધારા અવાજ સિવાય બધું શાંત હતું. વૈશાખની કૃષ્ણપક્ષની રાત હૂંફાળી હતી, સૂસવતો પવન વૃક્ષોને ધૂણાવતો હતો. શેરડીના ખેતરમાંથી ઉઠતી શિયાળોની લારીઓથી પવનનો હૂહૂકાર વધુ બિહામણો થતો જતો હતો, દૂર દૂર ગામમાંથી કૂતરાના ભસવાનો અવાજ રાતને ડાકણ જેવી બનાવી રહ્યો હતો.

લોકો ચૂપચાપ ગરનાળા નીચે બેઠા હતા. સાવ અડોઅડ હોવા છતાં એકબીજાને જોઈ શકતા હતા.

ગરનાળા માથેથી ડામરની પાકી સડક પસાર થતી હતી. ક્યારેક કોઈ ટ્રક ઘણઘણાટ કરતી દોડી જતી; એની હેડલાઇટના પ્રકાશમાં થોડી ક્ષણો માટે સડક કાળી નાગણી જેવી દેખાતી, પણ પછી તુર્તજ કરંડિયામાં પુરાઈ જતી.

બીડી સળગાવવા મેરામણે દીવાસળી ઘસી અને પછી ઝડપથી હોલવી નાખી. પણ એટલી વારમાં એણે પોતાના સાથીદારને જોઈ લીધો. મુઠ્ઠીમાં બીડના પ્રકાશને જાળવી એણે દમ ખેંચ્યો.

‘બચુડા, અલ્યા તું હજુય ધ્રુજે’ છ?’

‘ભાઈસા’બ હું તમારે પગે પડું! મને ઘેર જાવા દો?’

અંધકારમાં મેરામણનો હાથ ક્યારે લંબાયો એની બચુને ખબર રહી, પણ ગાલ ઉપર તમાચો પડ્યો ત્યારે એનાથી ઊંહકારો નીકળી

ગયો.

‘હાળા ફાતડા! હાળા પાતીબાયા!’ સાપ ફુંફાડો મારે એમ મેરામણ ગર્જ્યો; ‘આ આખોય પલાન તો હાળા તેં બનાવ્યો’છ ને હવે ઘેર જઈ પછેડી ઓઢી સૂઈ જાવું’છ?’

‘હાઆક થૂ’ બચૂએ મોઢામાંથી કોગળો થૂંકી નાખ્યો.

‘શું થયું અલ્યા?’

‘દાંત!’ મારો દાંત નીકળી ગયો મેરામણભાઈ!’

‘હેં!’ મેરામણે ખિસ્સામાંથી ટોર્ચ કાઢી એના કાચ ઉપર રૂમાલ વિંટી બટન દબાવ્યું.

ઝાંખા પ્રકાશમાં એણે જોયું. બચુના મોઢામાંથી લોહીયાળ લાળ ટપકી રહી હતી, નીચે લાલ પ્રવાહી વચ્ચે સફેદ દાંત ચળકતો દેખાયો. એણે હવે બચુના ચહેરા ઉપર પ્રકાશ ફેંક્યો, સફેદ કોડા જેવી આંખમાંથી ભય વરસી રહ્યો હતો.

‘મારો હાથ જરાક ભાર્યે છે બચું! મેરામણે ટોર્ચ બંધ કરી. બંને વચ્ચે ફરીવાર અંધકારના મોજાંઓ ઉછળી રહ્યા.

‘મારો જોડીદાર પાણી વગરનો હોય મને જરાય પાલવે બચુ.’

‘મેરામભાઈ, હાલો ગામ ભેળા થઈ જઈએ, ચુલામાં પડે રાડં ને ઇવડો બાવો.

મેરામણ હસ્યો, ‘અલ્યા ભામણ, હવે તો વટનો સવાલ થઈ પડ્યો’છ. ઈવડા બાવાને મેં ચેતવ્યો કે બચુડાની વહુ ભેળો જ્યારે તને સૂતેલો જોઈશ ત્યારે ફૂંકી દઈશ, તો મને કહે કે આવજે તું તારે મેરામણા, જો મેરાણીને ધાવ્યો હોય તો આવજે કમુની હાર્યે સૂતો હોઉં ત્યારે ફૂંકી દેવા.’’

‘મારા નસીબ ફૂટેલા મેરામભાઈ, એક દબાયેલું ડૂસકું અંધકારની શીલાઓ માથે દદડતું દદડતું અલોપ થઈ ગયું.’

‘અલ્યા તું રડે’છ?’ મેરામણ ફરી ચમક્યો.

‘મેરામભાઈ, મને કંઈક થાપ છે ભૈશા’બ. મને જાવા દો. હુંતો તમનેય હાથ જોડું’છ, પગે લાગ્યં’છ’ આપણે બેઉ ઘેર...!’

‘રડવાનું બંધ કર હાળા હિજડા’ મેરામણના દાંતની કકડાટી સંભળાઈ; ‘હાળા, તારા હજાર રૂપિયા માથે તો હું ઉભો ઉભો મૂતરી નાખું સમજ્યો. અટાણે લોટમંગાનું ખૂન કરતા તારાં રૂપિયા માટે અયાં નથી ગુડાણો સમજ્યો એની માનો બાવો... જોટાળી લઈને ફરતાં મરદના દીકરા હાર્યે તો હવે મારે પણ વેર બંધાઈ ગયા છે.’

થોડીવાર શાંતી પથરાઈ ગઈ. થોડી થોડી વારે બચુના ગળામાંથી નીકળતા ઉના ઉના નિશ્વાસ, સાવ સુક્કાભઠ્ઠ વોંકળાના પથ્થરો માથે અફળાયા કર્યા.

રૂમાલ વીંટેલી ટોર્ચની ચાંપ દબાવી મેરામણે પોતાની કાંડાઘડિયાળમાં જોયું અને બબડ્યો, બરાબર એક વાગ્યો છે. હવે અરધા કલાકમાં બાવો આવવો જોઈએ. દીકરા મારાની જોટાળી તો ખભે પડ્યી વા ખાશે ને બાવાજી થઈ જાશે આહલ્લેક!’ એણે બાજુમાં પડેલું ધારિયું ઉપાડ્યું, પથ્થર સાથે લોખંડ અથડાયું. સ્તબ્ધ વાતાવરણમાં રણકાર ક્યાંય સુધી રણક્યા કર્યો.

‘અલ્યા ભામણ, કેમ કંઈ બાલતો નથી?’

જવાબમાં એણે બચુનો કણસાટ સંભળાયો. ગોઠણભેર થઈ એણે બત્તીની ચાંપ દબાવી :‘અલ્યા, કેમ કણસવા ઉપડ્યો’છ?’

ટુંટીયું વાળીને હાંફતા, ધ્રુજતા બચુને જોઈને મેરામણે પોતાનો પંજો એની છાતી ઉપર મૂક્યો.

‘અલ્યા તારું ડીલ તો ધગે’છ!’

બચુએ આંખો ખોલી.

‘કેટલા દી’થી તાવ આવે’છ? ‘લ્યા ફાટ્ય તો ખરો?’

બચુએ આંખો ખોલી. થૂંક ગળા નીચે ઉતાર્યું, ‘પાણી?’

મેરામણ હસ્યો : હટ્ય હાળા ખદડા! દીકરાની જાનમાં નથી નીકળ્યા કે પાણીની ભંભલી ભેળી હોય!’ પછી કોણ જાણે કેમ એને બાયલા આદમી ઉપર ચીડ ચડી આવી, ‘બચુડા, હાળા પાદણા, તારા માટે થઈને તો દાખડો કર્યો, બાવાને ધારિયાના એક ઘાએ એની ઘોડી સમેત વધેરી નાખવાનું મૂરત આવ્યું ને તુંને ઝાડા ગયા?’ એણે થૂંકી નાખ્યું, ‘ફટ્ય છે હાળા તારી જાતને!’

મારી ભૂલ થઈ ગઈ મેરામણભાઈ! એના કર્યા તો ભોગવશે. ઈવડો બાવો ને કમુડી બેઉ રૌ રૌ નરકમાં પડશે. મને ઝટ ઘેર પૂગાડો મેરામણભાઈ હું તમારી ગાય છું બાપલાં?’

મેરામણે પોતાના પગ ખેંચી લીધા.

‘તારા હાથ આઘા રાખ્યા હાળાં.’

‘મે...રા...મ...ભા...ઈ! બચુના શબ્દો ધ્રુજ્યા; ‘મને માફ કરી દો ભાઈ, મને ઘેર પૂગાડો, ઉભાઉભ તમને હજાર રૂપિયા ગણી દઉં હાંઉ?’

‘તારા હજારની તો એસી તેસી! એની જાતનો બાવો?’

અંધકારને લીધે બચુ મેરામણનો ચહેરો જોઈ શક્યો પણ અવાજ સાંભળી એની છાતી બેસવા માંડી.

‘કટકા કરીને જો તારી સામે ગરનાળા નીચે ધરબું તો મેરનો દીકરો નંઈ!’

‘મેરામભાઈ!’

‘ચૂપ! હાળા રાડ્યું શેનો નાખે’છ!’

‘હું નંઈ જોઈ શકું લોહીની ઉની ઉની શેડ્યો, જનોઈ વઢ ઝાટકા!’

‘મેરામબાઈ મારું ગજું નથી બાપલાં!’

‘તને તે કેવું શું?’ મેરામણનો હાથ ધારીયા ઉપર દબાયો.

‘તારી બાયડી ભેળો સૂતેલો એને જોઈ શકીશ, પણ એનું મોત નંઈ જોઈ શક એમને?’

ધણધણાટ કરતી એક ટ્રક નાળા માથેથી પસાર થઈ ગઈ.

મેરામણે બીડી સળગાવી. ઉતાવળે બેચાર દમ ખેંચી ઠૂંઠાંને બૂટની એડી નીચે કડચ્યું.’

‘લ્યા બચુ, તારી ભ્રામણી ક્યારની બાવા હાર્યે હળી ગઈ’છ, હેં?’

‘એને પિયર હતી ત્યારની.’

‘હઅમ્! કુંવારેથી અભડાઈ ગઈ’છ.’

‘મેરામભાઈ મને પેટમાં ચૂંથાય છે બાપુ?’

‘શું થાય છે?’ મેરામણ થૂંક્યો; ‘મૂતરી પડ્યો અલ્યા! કે પછી છેયણું થઈ ગયું!’

‘મારાં હાથપગ ટાઢાંબોળ થઈ ગયા છે.’

‘ભલે ઓગળી જાય.’ મેરામણે ચાંપ દાબી બત્તીનો પ્રકાશ બચુના ચહેરા ઉપર ફેંક્યો, ‘હવે તો દીકરા, નસીબ સવળાં હોય તો. બાવાને ગૂડીને તારી ભામણી ભેળો જલસો કરજે.’

બચે કંઈ જવાબ આપ્યો. એના ભારે નિશ્વાસો રાતના કાળારેડ નગારાં ઉપર દાંડીઓની જેમ અથડાયા કર્યા.

‘તું નકામો ફફડી મરે’છ.’ મેરામણે ધારિયાની ધાર ઉપર આંગળી ફેરવી; ‘મારા માટે તો બધાં ડાબા હાથના ખેલ છે. તું બેઠો છે ને બચુ,

બરાબર ત્યાં નીચે, હબીબ ખોજાના સત્તર કટકા મેં મારા હાથે દાટ્યા’છ!’

બચુના દાંતની કકડાટી બોલી ગઈ.

‘તેન ટાઢ્ય ચડી’છ કાં!’ મેરામણ થૂંક્યો, પેલવેલું એમ લાગે હો બચુડા, બે ચાર વખત આમ મારો સંગાથ કર્યને તો રીઢો થઈ જા.’

એક રાની બિલાડો દોડતો આવી બેઉની સામે ઊભો, થોડી વાર ઘૂરક્યો અને પછી છલાંગ ભરતો વોંકળામાં ઉતરી ગયો.

‘તારી વહુ તને ગાંઠતી નથ્ય અલ્યા? કાં, ગાંઠતી નથ્ય ને?’

મેરામણ જવાબની રાહ જોઈ રહ્યો, પણ ધમણની માફક હાંફતા બચુને મોઢેથી એને કંઈ સાંભળવા મળ્યું.

‘કંઈ વાંધો નંઈ, હું છિનાળને પણ સીધીદોર કરી દઈશ, પણ હાળા તું કંઈક બોલ તો ખરો?’

‘ઘે...ર...!’ બચુની જીભ પલળેલી ઢેફાંની જેમ ફસકી પડી.

મેરાણ બતી કરી ઘડિયાલ જોઈ, ધારિયાને એણે ડાબા હાથથી જમણામાં ફેરવ્યું અને પાંસે પડેલી કડિયાળી બચુ તરફ હડસેલી.

‘ટાણું ભરાઈ ગયું’છ. ઘડી બે ઘડીમાં બાવો આવી પૂગશે.’ એણે ઊભા થઈ આળસ મરડ્યું; ‘કડિયાળી ઝલી લે, જરૂર પડે ને હું અવાજ કરું તો તારે ત્રાટકવું ગમે એમ થા બાવો જીવતો જવો જોઈએ.’

‘મે...રા...મ...ભા...ઈ?’

‘શું છે?’ હોઠ બીડી મેરામણ ગર્જ્યો.

‘ઘે...ર!’

મેરામણના મગજમાં કડાકો બોલ્યો, એણે ધારિયું ઉચક્યું પણ બરાબર ત્યારે એણે કંઈક સાંભળ્યું. સચેત બની ગયો. કાન સરવા કરી એણે અવાજની દિશામાં નિરર્થક નજર લંબાવી.

જમીન સરસો લેટી ગયો. જમીન ઉપર કાન માંડી એણે અવાજ પકડ્યો પછી વિજળીની ઝડપે ઠેકડો મારી ઉઠ્યો, ‘બાવો આવે’ છ. ઘોડાના દાબડા ચોખ્ખા સંભળાય છે. ઉઠ હાળા, કડિયાળી સંભાળ, હું ઉપર જોતો આવું.’

છલાંગ દઈ ગરનાળા માથે ચડી ગયો. દિશા નિશ્ચિત હતી. ઘોડું ઝડપભેર દોડ્યું આવતું હતું. એણે અંધકારમાં પણ ફરી એકવાર પોતાની છુપાવાની જગ્યા જોઈ લીધી. સડકની માથે ઝંળુંબતું એક આંબલીનું ઝાડ હતું. બાવો આવે, પસાર થવા જાય ક્ષણે દિપડાની જેમ તૂટી પડવું. એને પોતાના ધારિયાં ઉપર વિશ્વાસ હતો. ઘોડી અને અસવાર બંને એક ઘાએ વેતરાઈ જવાજોઈએ એવી એની ગણતરી હતી.

ફાળભરી પાછો નીચે આવ્યો. એના પગમાં કડિયાળી અથડાઈ. ‘તું હજું નિરાંતે બેઠો’છ! ઓલ્યા તારો બાપ ગરનાળા માથે પૂગવા આવ્યો’છ!’

જવાબમાં મેરામણે એક ઉબકો સાંભળ્યો, પછી બીજો અને ત્રીજો હિબોડો સંભળાયો.

‘બચુડા!’ એણે દબાયેલી ચીસ પાડી.

ઘોડાના દાબડાઓ હવે રાતના સ્તબ્ધ વાતાવરણમાં સ્પષ્ટ ગાજી ઉઠ્યા, એણે પોતાના ધારિયા ઉપર આંગળા ભીડ્યા; ‘બ ચુ ડા?’ ‘’ખળળળ...ળ!’

ધોરિયામાં પાણી દોડે એવો ઊલટીનો અવાજ એણે સાંભળ્યો. બરાબર ત્યારે એના પગ બચુના શરીરને અડ્યાં. એણે દાંત ભીસી, બાવડું ઝાલી દૂબળા-પાતળા જણને ખેંચ્યો, ઊભો કર્યો અને કડિયાળી ઉપાડવા ફરી નીચે નમ્યો, પણ નમ્યો ત્યાં બચુ લથડ્યો, પથરાળ જમીન ઉપર એક ધૂબાકો સંભળાયો.

દોડતા આવતા ઘોડાને મેરામણ ભૂલી ગયો, પોતાની હંમેશની ચપળતા ભૂલી ગયો, સમોવડિયા દુશ્મનને ભૂલી ગયો.

ગોઠણભેર થઈ બચુ માથે ઝૂક્યો, પછી બત્તીની ચાંપ દાબી.

બચુની આંખો ફાટી ગઈ હતી, ધમણની માફક ફૂંફાતી એની છાતી સાવ શાંત થઈ ગઈ હતી.

‘કોણ છે ત્યાં અલ્યા?’

મેરામણે ગરનાળા ઉપરથી અવાજ સાંભળ્યો અને વીજળીની ઝડપે ઉઠ્યો, ગરદન ફેરવી.

ગરનાળા ઉપરથી બત્તીમાંથી પ્રકાશનો ધોરિયો છૂટ્યો. મેરામણે ગરનાળાની રેલીંગ ઉપર એક પગ ટેકવી ઊભેલા બાવાને જોયો, એની બંદૂક ને બત્તી બંને લંબાયેલા હતા.

ધારિયું ઉંચકી મેરામણ વાઘની જેમ કૂદ્યો.

રાતના કાળારેડ મહાસાગરને ડહોળી મૂકતો પ્રચંડ ધડાકો થયો, અને હવામાં ઉછળેલો મેરામણ એટલો પ્રત્યાઘાત પામી બચુના નિર્જીવ શરીર માથે પછડાયો.

(‘દોટ’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 442)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999