post office - Short Stories | RekhtaGujarati

પોસ્ટ ઑફિસ

post office

ધૂમકેતુ ધૂમકેતુ
પોસ્ટ ઑફિસ
ધૂમકેતુ

પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, સ્ત્રીઓના તીણા સ્વર સાથે આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર : સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા. અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ને વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી, કાતિલ હથિયારની માફક પોતાનો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગમગ ચાલતો, શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી સડક પર આવી પહોંચ્યો, ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો.

સડકની એક બાજુ ઝાડોની હાર હતી, ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી, ને રાત્રિ વધારે ‘શીમણી’ બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો; ને શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ, પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું, ને તેની બંધ બારી તથા બારણાંમાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો.

ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા : ‘પોસ્ટ ઑફિસ.’

ડોસો ઑફિસની બહાર પડથાળ પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો હતો. પણ બેચાર જણા કામમાં હોય તેમ વ્યાવહારિક ‘ગુસપુસ’ થતી હતી.

‘પોલીસ સુપરિન્ટેન્ડન્ટ!’ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો. પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યાં હતાં.

અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળનાં સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો.

કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દીવાનસાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંક્યે જતો હતો.

એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવ્યો : ‘કોચમીન અલી ડોસા!’

વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું, ને આગળ વધ્યો, ને બારણા પર હાથ મૂક્યો.

‘ગોકળભાઈ!’

‘કોણ?’

‘કોચમીન અલી ડોસાનો કાગળ કીધો ના?... હું આવ્યો છું!’

જવાબમાં નિષ્ઠુર મજાકભરેલું હાસ્ય આવ્યું.

‘સાહેબ! એક ગાંડો ડોસો છે. હંમેશાં પોતાનો કાગળ લેવા પોસ્ટ ઑફિસે ધક્કો ખાય છે.’

કારકુને શબ્દો પોસ્ટ માસ્તરને કહ્યા, ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર પાછો બેસી ગયો હતો. પાંચ વર્ષ થયાં જગ્યાએ બેસવાનો એને અભ્યાસ હતો.

અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશાં જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચીતરા તેતર પર અલીની દૃષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી પડ્યું હોય! એની તીક્ષ્ણ દૃષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા, પીળા ‘કાગડા’ના કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો પાડી શકતાં આગળ વધી જતા ને સસલું બચી જતું; પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દૃષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી પળે તે રહેતું નહિ. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો.

પણ જ્યારે જીવનસંધ્યા પહોંચતી લાગી ત્યારે શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી; અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લાં પાંચ વર્ષ થયાં કાંઈ સમાચાર હતા નહિ. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો તેતરનાં બચ્ચાંને આકુળવ્યાકુળ દોડતાં જોઈ હસતો. એનો... શિકારનો આનંદ હતો.

શિકારનો રસ એની નસેનસમાં ઊતરી ગયો હતો; પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જીંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતાં શિકાર ભૂલી સ્થિર દૃષ્ટિથી અનાજનાં ભરચક લીલાં ખેતર તરફ જોઈ રહેતો! એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ છે! પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશાં સવારમાં ચાર બજ્યે ઊઠીને પોસ્ટ ઑફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહિ; પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશાં સૌથી પહેલો પોસ્ટ ઑફિસે આવી બેસતો.

પોસ્ટ ઑફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન એનું ધર્મક્ષેત્ર, તીર્થસ્થાન બન્યું. એક જગ્યાએ ને એક ખૂણે તે હંમેશાં બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતાં. પોસ્ટમેન મશ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ લઈ, એને જગ્યા પરથી પોસ્ટ ઑફિસના બારણા સુધી, કાગળ હોય છતાં, ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા ને અનંત ધૈર્ય હોય તેમ હંમેશાં આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો.

અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઑફિસોના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે; એટલે આખા શહેરના દરેકેદરેક ઑફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો!

કોઈના માથા પર સાફો, તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવાં બૂટ - એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખૂલ્યું. દીવાના અજવાળામાં, સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્તર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથનો ‘વિલેજ સ્કૂલમાસ્તર’, સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર હોય છે!

અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહિ.

‘પોલીસ કમિશનર!’ કારકુને બૂમ પાડી. એક થનથનાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો.

‘સુપરિન્ટેન્ડન્ટ!’

બીજો એક પટાવાળો આગળ આવ્યો. અને આમ ને આમ સહસ્રનામાવલિ વિષ્ણુભક્તની જેમ કારકુન હંમેશાં પઢી જતો.

અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઊઠ્યો. પોસ્ટ ઑફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો! અરે! સૈકા પહેલાંનો ગામડિયો!

‘આ માણસ ગાંડો છે?’ પોસ્ટ માસ્તરે પૂછ્યું.

‘હા, - કોણ? અલી ના? હા. સાહેબ; પાંચ વરસ થયાં ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. એનો કાગળ ભાગ્યે હોય છે!’ કારકુને જવાબ આપ્યો.

‘કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય?’

‘અરે! સાહેબ, પણ એનું મગજ ચસકી ગયું છે! તે પહેલાં બહુ પાપ કરતો; એમાં કોઈક સ્થાનકમાં દોષ કર્યો! ભાઈ, કર્યાં ભોગવવાં છે!’ પોસ્ટમેને ટેકો આપ્યો.

‘ગાંડા બહુ વિચિત્ર હોય છે.’

‘હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો, તે આખો દિવસ ધૂળના ઢગલા કરતો : બસ, બીજું કાંઈ નહિ. એક ગાંડાને હંમેશાં નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી!’

‘અરે, એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા કરે! બીજો એક કવિતા ગાયા કરતો! એક જણ પોતાને ગાલે લપાટો માર્યા કરતો, ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો!’

આજે પોસ્ટ ઑફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશાં આવું એકાદ પ્રકરણ છેડી એના પર બેચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા નોકરવર્ગમાં દારૂની ટેવ જેમ પેસી ગઈ છે. પોસ્ટ માસ્તર છેવટે ઊઠ્યા ને જતાં જતાં કહ્યું :

‘સાળું, ગાંડાની પણ દુનિયા લાગે છે! ગાંડા આપણને ગાંડા માનતા હશે, અને કદાચ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે!’

છેલ્લા શબ્દ બોલતાં પોસ્ટ માસ્તર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળ્યે જરા ગાંડાંઘેલાં જોડી કાઢતો, ને એને સૌ ખીજવતા. પોસ્ટ માસ્તરે પણ છેલ્લું વાક્ય એટલા માટે હસતાં હસતાં એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઑફિસ હતી તેવી શાંત બની રહી.

એક વખત અલી બેત્રણ દિવસ સુધી આવ્યો નહિ. પોસ્ટ ઑફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દૃષ્ટિ કોઈનામાં હતી. પણ કેમ આવ્યો, એવી કૌતુકબુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો. પણ તે દિવસે હાંફતો હતો, ને એના ચહેરા પર જીવનસંધ્યાનાં સ્પષ્ટ ચિહ્ન હતાં.

આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્તરને પૂછ્યું : ‘માસ્તર સાહેબ, મારી મરિયમનો કાગળ છે?’

પોસ્ટ માસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા, ને તેનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત હતું.

‘ભાઈ, તમે કેવા છો?’

‘મારું નામ અલી!’ અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો.

‘હા, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે?’

‘નોંધી રાખોને, ભાઈ! વખત છે ને કાગળ આવે, ને હું હોઉં તો તમને ખપ આવે!’ પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે!

પોસ્ટ માસ્તર તપી ગયા : ‘ગાંડો છે કે શું? જા, જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહિ જાય!’

પોસ્ટ માસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા ને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતાં નીકળતાં એક વખત ફરીને પોસ્ટ ઑફિસ તરફ જોઈ લીધું! આજે એની આંખમાં અનાથતાનાં આંસુની છાલક હતી; અશ્રદ્ધા હતી, પણ ધૈર્યનો અંત આવ્યો હતો! અરે! હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે?

એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો : ‘ભાઈ!’

કારકુન ચમક્યો; પણ તે સારો હતો.

‘કેમ?’

‘જુઓ, મારી પાસે છે.’ એમ કહી પોતાની પાસે એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી. કારકુન ભડક્યો.

‘ભડકશો નહિ. તમારે ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો?’

‘શું?’

‘આ ઉપર શું દેખાય છે?’ અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી.

‘આકાશ.’

‘ઉપર અલ્લા છે. તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો.’

કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો : ‘ક્યાં? ક્યાં પહોંચાડવો?’

‘મારી કબર ઉપર!’

‘હેં?’

‘સાચું કહું છું. આજ હવે છેલ્લો દિવસ છે! અરેરે છેલ્લો! મરિયમ મળી — કાગળ મળ્યો.’ અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખીસામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું!

પછી અલી કોઈ દિવસ દેખાયો નહિ. અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી નહિ. એક દિવસ પોસ્ટ માસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂરદેશાવર માંદી હતી, ને તેના સમાચારની રાહ જોતા શોકમાં બેઠા હતા.

ટપાલ આવી ને કાગળોનો થોક પડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્તરે ઝપાટાબંધ એક કવર ઊંચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું : ‘કોચમીન અલી ડોસા!’

વીજળીનો આંચકો આવ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું! દિલગીરી અને ચિંતાની થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવસ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભર્યું કે પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું.

‘લક્ષ્મીદાસ!’ એમણે એકદમ બૂમ પાડી.

લક્ષ્મીદાસ તે માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા.

‘કેમ સાહેબ?’

‘આ તમારા કોચમીન અલી ડોસા… આજે હવે ક્યાં છે એ?’

‘તપાસ કરશું.’

તે દિવસે પોસ્ટ માસ્તરના સમાચાર આવ્યા. આખી રાત્રિ શંકામાં વીતાવી. બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઑફિસમાં બેઠા હતા : ચાર વાગે ને અલી ડોસા આવે કે, હું પોતે તેને કવર આપું; એવી આજ એમની ઇચ્છા હતી.

વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. પાંચપાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલવહેલું લાગણીથી ઊછળી રહ્યું હતું. બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા હતા; પણ ટકોરો અલીનો હતો, એમ લાગ્યું. પોસ્ટ માસ્તર ઊઠ્યા. પિતાનું હૃદય પિતાના હૃદયને પિછાને તેમ આજે તે દોડ્યા, બારણું ખોલ્યું.

‘આવો અલીભાઈ! તમારો કાગળ!’ બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો : છેલ્લાં આંસુની ધાર હજી એના ગાલ પર તાજી હતી, ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી.

તેણે પોસ્ટ માસ્તર સામે જોયું. ને પોસ્ટ માસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ હતું!

‘કોણ સાહેબ? અલી ડોસા…?’ લક્ષ્મીદાસ એક બાજુ તરફથી સરીને બારણા પાસે આવ્યો.

પોસ્ટ માસ્તરે તે તરફ લક્ષ આપતાં બારણા તરફ જોયા કર્યું. પણ ત્યાં કોઈ લાગ્યું. પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ! બારણામાં હવે કોઈ હતું નહિ, શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા.

‘હા, અલી ડોસા કોણ? તમે છો ના?’

‘જી, અલી ડોસો મરી ગયેલ છે! પણ એનો કાગળ લાવો મારી પાસે!’

‘હેં? કે દી’? લક્ષ્મીદાસ!’

‘જી, એને તો ત્રણેક મહિના થઈ ગયા!’ સામેથી એક પોસ્ટમેન આવતો હતો તેણે બીજો અરધો જવાબ વાળ્યો.

પોસ્ટ માસ્તર દિગ્મૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ બારણામાં પડ્યો હતો! અલીની મૂર્તિ એમની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટ માસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડાં થયાં. એમનું મન ભ્રમમાં પડ્યું : મેં અલીને જોયો, કે માત્ર શંકા હતી, કે લક્ષ્મીદાસ હતો!

પાછી રોજનીશી ચાલી : ‘પોલીસ કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન-’ કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો.

પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્તર આજે એકીનજરે તરફ જોઈ રહ્યા છે! કવર એટલે એક આનો, ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા દૃષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી, કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટ માસ્તર વધારે ને વધારે ઊંડા ઊતરે છે.

મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.

તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટ માસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા.

મરિયમનો કાગળ સાથે હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા.

‘લક્ષ્મીદાસ! આજે સવારે તમે સૌથી વહેલા આવ્યા, કાં?’

‘જી, હા.’

‘-અને તમે કીધું, અલી ડોસા…’

‘જી હા.’

‘પણ ત્યારે… ત્યારે, સમજાયું નહિ કે…’

‘શું?’

‘હાં, ઠીક... કાંઈ નહિ!’ પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ ઑફિસનું આંગણું આવતાં પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને સમજવા માટે ડંખતું હતું; ને આજે હજી પોતાની દીકરીના સમાચાર હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાત્તાપના ત્રિવિધ તાપથી તપતા પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસે કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો.

સ્રોત

  • પુસ્તક : ધૂમકેતુની વારતાઓ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1973