Poshni Raat - Short Stories | RekhtaGujarati

પોષની રાત

Poshni Raat

પ્રેમચંદ પ્રેમચંદ
પોષની રાત
પ્રેમચંદ

હલ્કૂએ આવીને બૈરીને કહ્યું, “સહના આવ્યો છે. પેલા સાચવેલા રૂપિયા લાવ. એને આપી દઉં. કોઈ પ્રકારે ગળું તો છૂટે!”

મુન્ની ઝાડુ કાઢી રહી હતી. એ પાછળ ફરીને બોલી, “ત્રણ રૂપિયા તો છે. એ આપી દેશો તો કાંબળો ક્યાંથી આવશે ? માઘ-પોષની રાત ખેતરોમાં કેમ વીતાવશો ? એને કહી દો, પાક થશે એટલે રૂપિયા આપી દઈશું. અત્યારે તો નહીં જ.”

એક ક્ષણ સુધી હલ્કૂ અનિશ્ચિત દશામાં ઊભો રહ્યો. પોષ મહિનો તો માથા પર ગાજી રહ્યો હતો. કાંબળા વગર એ રાત્રે ખેતરોમાં કોઈ પ્રકારે સૂઈ શકશે નહીં. પરંતુ સહના માનશે નહીં. ધમકીઓ આપશે. ગાળો દેશે. જે થવાનું હોય તે થાય. ટાઢથી મરી જઈશું પણ માથા પરથી આ બલા તો ટળી જશે ને ! આમ વિચારતો વિચારતો એ એનું ભારે ભરકમ શરીર લઈને (જે એના હલ્કૂ નામને જૂઠું ધરાવતું હતું) એની બૈરીની નજીક ગયો. અને એની ખુશામત કરતાં બોલ્યો, “લાવને રૂપિયા આપી દઉં, કોઈ પ્રકારે ગળું તો છૂટે, કાંબળા માટે બીજો કોઈ ઉપાય વિચારીશ.”

મુન્ની એની પાસેથી જરાક દૂર હટીને આંખો કાઢતી કાઢતી કહેવા લાગી, “કરી રહ્યા બીજો ઉપાય ? જરા સંભળાવો તો ખરા, કયો ઉપાય કરશો ? શું કોઈ, કાંબળો ખેરાતમાં આપશે ? ખબર નથી પડતી કેટલા રૂપિયા બાકી રહ્યા છે, જે કોઈ પ્રકારે ચૂકવાતા જ નથી ? હું કહું છું કે તમે ખેતી કેમ છોડી દેતા નથી ? મરી મરીને કામ કરો, ઊપજ થાય તો બાકી રૂપિયા ચૂકતે કરો. ચાલો, પછી છૂટકો થયો, બાકી રૂપિયા ચૂકવવા તો અમારો જન્મ થયો છે. પેટના માટે મજૂરી કરો. આવી ખેતીથી તો હું ત્રાસી ગઈ. હું રૂપિયા આપીશ જ નહીં. કદાપિ નહીં આપું.”

હલ્કૂ ઉદાસ થઈને બોલ્યો, “તો શું ગાળો ખાઉં ?”

મુન્ની ઊછળીને બોલી, “ગાળો શું કામ આપે, શું એનું રાજ ચાલે છે ?”

પરંતુ એમ કહેવાની સાથે જ એની ખેંચાયેલી ભ્રમરો ઢીલી થઈ ગઈ. હલ્કૂના વાક્યમાં જે કઠોર સત્ય હતું. એ જાણે એક ભયંકર જન્તુની માફક એને ડરાવી રહ્યું હતું.

એણે જઈને ગોખલામાંથી રૂપિયા કાઢ્યા અને લાવીને હલ્કૂના હાથમાં મૂકી દીધા. પછી એ બોલી, “હવે તમે ખેતી છોડી દો. મજૂરીમાં સુખેથી રોટલો તો ખાવા મળશે. કોઈની દમ-દાટી તો સાંભળવી નહીં પડે. કેવી ઉત્તમ ખેતી છે! મજૂરી કરીને લાવો, એ પણ એમાં હોમી દો. અને એમાંયે ઉપરથી દમ-દાટી !!”

હલ્કૂએ રૂપિયા લીધા અને એવી રીતે બહાર નીકળ્યો કે જાણે એ એનું હૃદય કાઢીને આપી દેતો ન હોય! એણે મજૂરી કરીને એક એક પૈસો બચાવીને, કાંબળા માટે ત્રણ રૂપિયા ભેગા કર્યા હતા. એ પણ આજે કાઢી નાખવા પડે છે. ડગલે ડગલે એનું મસ્તક દીનતાના ભારથી દબાઈ રહ્યું છે.

(2)

પોષની એ અંધારી રાત! આકાશમાં તારાઓ પણ થરથર કાંપતા નજરે પડતા હતા. હલ્કૂ એના ખેતરના શેઢે શેરડીના પાનાંની છાપરીમાં વાંસના ખાટલા પર, એની જૂની જાડી ચાદર ઓઢીને પડ્યો હતો અને કાંપી રહ્યો હતો. ખાટલાના નીચે એનો સાથી કૂતરો ‘જબરો’ પેટમાં મોઢું ઘાલીને ઠંડીથી કૂં-કૂં કરી રહ્યો હતો. બંનેમાંથી એકનેય ઊંઘ આવતી ન હતી.

હલ્કૂએ ઘૂંટણીઓને ગરદન સાથે ચપકાવતાં ચપકાવતાં કહ્યું. “કેમ જબરા, ઠંડી લાગે છેને? હું તો કહેતો હતો કે ઘરમાં પરાળ પર સૂઈ રહે. અહીં શું લેવા આવ્યો હતો ? હવે ઠંડી ખાઓ. હું શું કરું! એમ માનતા હતા કે હું અહીં હલવા પૂરી ખાવા આવ્યો છું અને દોડી દોડીને આગળ આવી ગયા. હવે તમારી નાનીના નામની પોક મૂકો.”

જબરાએ પડ્યાં પડ્યાં પૂંછડી હલાવી અને એના કૂં... કૂં અવાજને લંબાવીને એક બગાસું ખાઈને એ ચૂપ થઈ ગયો. એની શ્વાન-બુદ્ધિએ કદાચ સમજી લીધું હશે કે મારા કૂં... કૂં અવાજથી એના માલિકને ઊંઘ નથી આવતી.

હલ્કૂએ હાથ કાઢીને જબરાની પીઠ પંપાળતાં-પંપાળતાં કહ્યું, “કાલથી મારી સાથે આવતો નહીં. નહીં તો ઠંડો થઈ જઈશ. આ રાંડ પોષની ઠંડી કોણ જાણે ક્યાંથી બરફ લઈને આવી છે. ઊઠવા દે, ફરી એક ચલમ ભરું. કોઈ રીતે રાત તો પસાર થાય. એક ચલમ તો પી લીધી. આ જ ખેતીની મજા છે. અને એક એક ભાગ્યવાન તો એવા પડ્યા છે કે એમની પાસે ઠંડી જાય તો એ ગરમીથી ગભરાઈને ભાગવા માંડે. જાડાં જાડાં ગાદલાં, રજાઈઓ, કાંબળા-ઠંડીની શી મજાલ છે કે એ ત્યાં પહોંચી જાય. તકદીરની એ જ ખૂબી છે. મજૂરી અમે કરીએ, અને મજા બીજા લૂંટે.”

હલ્કૂ ઊઠ્યો અને ખાડામાંથી થોડોક દેવતા કાઢી ચલમ ભરી. જબરો પણ ઊઠીને ત્યાં બેઠો.

હલ્કૂએ ચલમ પીતાં પીતાં કહ્યું, “થોડીક ચલમ પીશ, એનાથી ઠંડી તો થોડીક જશે ? પરંતુ જરાક મન મોકળું થશે.”

જબરાએ એના મોંઢા તરફ પ્રેમથી છલકાતી આંખોથી જોયું. હલ્કૂ બોલ્યો, “આજ વધારે ઠંડી ખાઈ લે. કાલથી હું અહીં પરાળ પાથરી દઈશ એમાં ભરાઈને બેસજે, પછી તને ઠંડી નહીં લાગે.”

જબરાએ એના આગળના પંજા એની ઘૂંટણીઓ પર મૂક્યા. અને એના મોઢા પાસે પોતાનું મોઢું લઈ ગયો. હલ્કૂને એના ગરમ શ્વાસનો અનુભવ થયો.

ચલમ પીને હલ્કૂ ફરીથી સૂઈ ગયો. એ એવો નિશ્ચય કરીને સૂઈ ગયો કે ગમે તે થાય, હવે તો હું સૂઈ જઈશ. પરંતુ એક પળમાં જ એનું હૃદય કંપવા માંડયું. ક્યારેક આ પડખે સૂતો તો ક્યારેક બીજા પડખે સૂતો; પરંતુ ઠંડી તો કોઈ ડાકણની માફક એની છાતીને દબાવી રહી હતી.

હવે, જ્યારે કોઈ રીતે રહેવાયું નહી, ત્યારે એણે ધીરેથી જબરાને ઉઠાડ્યો અને એના માથાને થપથપાવીને એને પોતાના ખોળામાં સુવડાવી દીધો. કૂતરાના શરીરમાંથી કોણ જાણે કેવી દુર્ગંધ આવી રહી હતી, પરંતુ હલ્કૂ એને એના ખોળામાં ચિપકાવીને એવા સુખનો અનુભવ કરી રહ્યો હતો, જે એને અહીં મહિનાઓથી મળ્યું ન હતું. જબરો પણ કદાચ એમ સમજતો હતો કે આજ સ્વર્ગ છે અને હલ્કૂના પવિત્ર આત્મામાં તો કૂતરા તરફની ઘૃણાની ગંધ સુધ્ધાં પણ ન હતી. એ એના આત્મીય મિત્ર અથવા ભાઈને પણ આટલી તત્પરતાથી ભેટતો ન હતો. એ એની દીનતાથી પીડિત હતો, જેણે એને આ સ્થિતિમાં પહોંચાડી દીધો હતો. ના, એમ નહોતું, ખરેખર તો આ અનોખી મૈત્રીએ જ એના આત્માનાં સઘળાં દ્વાર ખોલી નાખ્યા હતાં. અને એનું એક એક અણું પ્રકાશથી ચમકી રહ્યું હતું.

ત્યાં જબરાએ ઓચિંતો કોઈ જાનવરનો પગરવ સાંભળ્યો. આ વિશેષ આત્મીયતાએ એનામાં એક નવી સ્ફૂર્તિ પેદા કરી હતી, જે હવાના ઠંડા પ્રહારોને તુચ્છ સમજતી હતી. એ છલાંગ મારીને ઊભો થયો અને છાપરાની બહાર નીકળીને ભસવા લાગ્યો. હલ્કૂએ એને કેટલીયે વાર વહાલ કરતાં કરતાં બોલાવ્યો. પણ એ એની પાસે આવ્યો નહીં. ખેતરમાં ચારે બાજુ દોડતાં દોડતાં એ ભસવા માંડ્યો. એક ક્ષણ માટે ત્યાં આવી જતો, તોપણ એ તુરત જ ફરીથી દોડતો. એના હૃદયમાં કર્તવ્ય, અરમાનની માફક ઊછળી રહ્યું હતું.

(3)

આમ એક કલાક વધારાનો પસાર થઈ ગયો. રાત્રિએ એની ઠંડી હવાથી થથરાવવાનું શરૂ કરી દીધું. હલ્કૂ ઊઠ્યો અને બેસીને એના બંને ઘૂંટણોને છાતી સરસા રાખીને એમાં એનું માથું છુપાવી દીધું. છતાં ઠંડી તો ઓછી ન થઈ. એવું લાગતું હતું કે સઘળું લોહી જામી ગયું છે, શિરાઓમાં લોહીની જગ્યાએ હિમ વહી રહ્યું છે. એણે નમીને આકાશ તરફ જોયું. હવે કેટલી રાત બાકી છે ? હજુ આકાશમાં સપ્તર્ષિ અડધા પણ ચઢ્યા નથી. તેઓ જ્યારે ઉપર જશે ત્યારે જ સવાર થશે. હજુ તો એક પહેર ઉપર રાત બાકી છે.

હલ્કૂના ખેતરથી લગભગ એક ફર્લોંગ દૂર આંબવાડિયું હતું. પાનખર શરૂ થઈ ગઈ હતી. આંબાવાડિયામાં પાંદડાંના ઢગલા થઈ ગયા હતા. હલ્કૂએ વિચાર્યું, “ત્યાં જઈને પાંદડાં એકઠાં કરું અને એમને સળગાવીને તાપું. રાતના મને કોઈ પાંદડાં એકઠાં કરતાં જુએ તો સમજે કે ભૂત છે. કોણ જાણે અહીં કોઈ જાનવર છુપાઈને બેઠું પણ હોય, પરંતુ હવે તો બેઠું રહેવાતું નથી.”

એણે પાસેના તુવેરના ખેતરમાંથી કેટલીયે સાંઠીઓ ઉપાડી લીધી અને એમનું એક ઝાડું બનાવ્યું. પછી હાથમાં સળગતા છાણાનો ટુકડો લઈ ને એ આંબાવાડિયા તરફ ગયો. જબરાએ એને જતો જોયો એટલે એની પાસે આવ્યો અને પૂંછડી હલાવવા લાગ્યો.

હલ્કૂએ કહ્યું, “હવે તો રહેવાતું નથી, જબરુ ! ચાલ, આંબાવાડિયામાં પાંદડાં ભેગાં કરીને તાપીએ. ટાઢ ઊડી જશે એટલે પાછા આવીને સૂઈ જઈશુ. હજુ તો રાત ઘણી છે.”

જબરાએ કૂં... કૂં કરીને સંમતિ આપી. અને આગળ આગળ આંબાવાડિયા તરફ ચાલ્યો.

આંબાવાડિયામાં ગાઢ અંધકાર છવાયેલો હતો. અને એવા અંધારામાં નિર્દય પવન પાંદડાંઓને કચડતો કચડતો વાઈ રહ્યો હતો. વૃક્ષો ઉપરથી ઝાકળનાં બિન્દુ ટપ-ટપ નીચે ટપકી રહ્યાં હતાં.

એકાએક હવાની એક લહેરી મહેંદીના ફૂલોની સુગંધ લઈ ને આવી.

હલ્કૂએ કહ્યું, “કેવી સરસ મહેક આવી જબરું ! તારા નાકમાં પણ કોઈ સુગંધ આવે છે કે નહીં ?” જબરાને ક્યાંકથી જમીન પર પડેલું હાડકું મળ્યું હતું. એને એ ચાટી રહ્યો હતો.

હલ્કૂએ દેવતા જમીન પર મૂક્યો અને પાંદડાં એકઠાં કરવા માંડ્યો. થોડીવારમાં તો પાંદડાંનો એક ઢગલો થઈ ગયો. હાથ ધ્રૂજી રહ્યા હતા. ખુલ્લા પગ ગળી રહ્યા હતા. અને એ પાંદડાંનો પહાડ ખડો કરી રહ્યો હતો. એ આ તાપણામાં ઠંડીને સળગાવીને ભસ્મ કરી દેશે.

થોડી વારમાં જ તાપણું સળગી ઊઠયું. એની જ્વાલાઓ ઉપરના વૃક્ષનાં પાંદડાંઓને સ્પર્શ કરવા લાગી. એ અસ્થિર પ્રકાશમાં આંબાવાડિયાનાં વિશાલ વૃક્ષો એવાં લાગતાં હતાં કે જાણે તેઓ એ અગાધ અંધકારને એમના માથાઓ ઉપર સાચવી ન રહ્યાં હોય ! અંધકારના એ અનંત સાગરમાં એ પ્રકાશ નૌકાની માફક હાલતો, ડોલતો હોય એમ લાગતો હતો.

હલ્કૂ તાપણાની સામે બેસીને તાપી રહ્યો હતો. એક ક્ષણમાં જ એણે બે પડવાળી ચાદર ઉતારીને બાજુમાં દાબી દીધી અને બંને પગ પસારી દીધા. જાણે કે એ ઠંડીને લલકારી ન રહ્યો હોય કે, “તારા મનમાં આવે તે કર.” ઠંડીની અસીમ શક્તિ પર વિજય પ્રાપ્ત કરીને, એ વિજય ગર્વને એના હૃદયમાં છુપાવી શકતો ન હતો.

એણે જબરાને કહ્યું, “કેમ જબ્બર, હવે તો ઠંડી લાગતી નથી ને ?”

જબરાએ કૂં-કૂં કરીને જાણે કે કહ્યું, “હવે તો શાની ઠંડી લાગે ?”

“પહેલાંથી આ ઉપાય ન સૂઝયો, નહીં તો આટલી ઠંડી શું કામ ખાત ?”

જબ્બરે પૂંછડી હલાવી.

“ભલે, ચાલ હવે આ તાપણું કૂદી જઈએ, જોઈએ એને કોણ કૂદી જાય છે. જો બચ્ચા તું દાઝી જઈશ તો હું દવા નહીં કરાવું.”

જબરાએ એ અગ્નિ રાશિ તરફ ભયગ્રસ્ત આંખોથી જોયું.

“કાલે, મુન્નીને કહી દેતો નહીં, નહીં તો એ કજિયો કરશે.”

એમ કહેતાં કહેતાં હલ્કૂએ કૂદકો માર્યો અને તાપણા ઉપરથી સલામત રીતે કૂદી ગયો. પગમાં થોડી આગની આંચ લાગી, પરંતુ એ કોઈ મોટી વાત ન હતી. જબરો તાપણાની આજુ બાજુ ફરીને હલ્કૂની પાસે જઈને ઊભો રહ્યો.

હલ્કૂએ કહ્યું, “ચાલ ચાલ, આવું ન ચાલે, ઉપરથી કૂદીને આવ.”

હલ્કૂ ફરીથી કૂદ્યો અને તાપણાની આ બાજુ આવી ગયો.

(4)

પાંદડાં બળી ગયાં હતાં. આંબાવાડિયામાં પાછું અંધારું છવાઈ ગયું. રાખના નીચે થોડા અંગારા હતા, એટલે જ્યારે હવાનો સપાટો આવતો ત્યારે એ ઝબૂકી ઊઠતા. પરંતુ એક ક્ષણમાં જ એ ઓલવાઈ જતા.

હલ્કૂએ ફરીથી ચાદર ઓઢી લીધી અને ગરમ રાખની પાસે બેસીને એ ગીત ગણગણવા માંડયો. એના શરીરમાં ગરમી આવી ગઈ હતી, પરંતુ જેમ જેમ ઠંડી વધતી જતી હતી, તેમ તેમ એ આળસથી ઘેરાતો જતો હતો.

જબરો જોરથી ભસતો ભસતો ખેતરની તરફ ભાગ્યો. હલ્કૂને એમ લાગ્યું કે જાનવરોનું એક ઝૂંડ એના ખેતરમાં આવ્યું છે. કદાચ એ નીલગાયોનું ઝૂંડ હતું. એમના દોડવાના, કૂદવાના સ્પષ્ટ અવાજ એના કાને અથડાતો હતો. પછી એને એમ લાગ્યું કે નીલગાયો એના ખેતરમાં ચરી રહી છે, એમનો ચર-ચર, ચાવવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

એણે મનમાં કહ્યું, “ના, જબરો જ્યાં સુધી ત્યાં હોય, ત્યાં સુધી કોઈ જાનવર ખેતરમાં આવી શકે નહીં. એ એને ચૂંથી નાખે - મને ભ્રમ થઈ રહ્યો છે. હવે તો કંઈ સંભળાતું નથી. હું પણ કેવો છેતરાણો ?”

એણે જોરથી બૂમ પાડી, “જબરા, જબરા.”

જબરો ભસતો રહ્યો એની પાસે આવ્યો નહીં. ફરી, ખેતરમાં કોઈ ચરી રહ્યું હોય, એવો અવાજ આવ્યો. હવે એ એની જાતને છેતરી ના શક્યો, એને એની જગાએથી હલવું ઝેર જેવું લાગતું હતું. કેવો દબાઈને હૂંફમાં એ બેઠો હતો. આ ઠંડીમાં ખેતરમાં જવું અને જાનવરોની પાછળ દોડવું એ એને અણસમજ જેવું લાગતું હતું. એ એની જગાએથી હઠ્યો નહીં.

એણે જોરથી અવાજ કર્યો, “લિહા-લિહા! લિહો !”

જબરો ભસવા માંડયો. જાનવર ખેતરમાં ચરી રહ્યાં હતાં, પાક તૈયાર છે. કેવી સરસ ખેતી છે, પરંતુ આ દુષ્ટ જાનવર એનો સર્વનાશ કરી રહ્યાં છે.

હલ્કૂ પાકો નિર્ણય કરીને ઊઠ્યો અને એણે બે-ત્રણ ડગલાં ભર્યા પણ ખરાં. પરંતુ હવાનો એકાએક એવો ઠંડો, વીંધી નાખે એવો, વીંછીના ડંખ જેવો સપાટો આવ્યો કે એ ફરીથી ઠંડો થઈ જતા તાપણા પાસે આવ્યો, અને બેસીને દેવતાને ખોતરી ખોતરીને કાઢવા માંડ્ યો અને એના ઠંડા શરીરને ગરમ કરવા માંડ્યો.

જબરો એનું ગળું ફાડીને ભસી રહ્યો હતો. નીલગાયો ખેતરને સફાચટ કરી રહી હતી અને હલ્કૂ ગરમ રાખની પાસે શાંત બેસી રહ્યો હતો. અકર્મણ્યતાએ એને દોરડાની જેમ ચારેબાજુથી જકડી રાખ્યો હતો.

એ જ રાખની પાસે ગરમ જમીન પર એ ચાદર ઓઢીને સૂઈ ગયો.

સવારના જ્યારે એની ઊંઘ ઊડી ગઈ ત્યારે તડકો ફેલાઈ ગયો હતો. અને મુન્ની આવીને કહી રહી હતી, “શું આજે સૂતા જ રહેશો ? તમે તો અહીં આવીને ઢબુરાઈ ગયા અને ત્યાં તો સઘળું ખેતર ચૌપટ-સફાચટ થઈ ગયું.”

હલ્કૂએ ઊઠીને કહ્યું, “શું તું ખેતરમાં થઈને આવી રહી છે?”

મુન્ની બોલી, “હા, સઘળા ખેતરનું સત્યાનાશ વળી ગયું.

ભલા ! આવું તો કોઈ સૂતું હશે ! તમે અહીં છાપરી નાખીને રહ્યા પરંતુ શું થયું?”

હલ્કૂએ બહાનું બતાવતાં કહ્યું, “હું તો મરતાંમરતાં બચ્યો, તને તારા ખેતરની પડી છે. પેટમાં એવું દરદ થયું, એવું દરદ થયું કે એ તો હું જ જાણું છું.”

પછી બંને ખેતરના શેઢા પર આવ્યા. જોયું તો સઘળું ખેતર ચગદાઈને પડ્યું છે અને જબરો છાપરી નીચે લાંબો થઈને પડ્યો છે, જાણે પ્રાણ જ ન હોય.

બંને ખેતરની દશા જોઈ રહ્યાં હતાં. મુન્નીના મોઢા પર ઉદાસીનતા છવાઈ ગઈ હતી, પરંતુ હલ્કૂ પ્રસન્ન હતો.

મુન્નીએ ચિંતા કરતાં કહ્યું, “હવે મજૂરી કરીને, જમીનનો વેરો ભરવો પડશે.”

હલ્કૂએ પ્રસન્ન મુખથી કહ્યું, “રાત્રિની ઠંડીમાં અહીં સૂવું તો નહીં પડે ને.”

(અનુ. પ્રો. શૈલેન્દ્ર ઠાકુર)

સ્રોત

  • પુસ્તક : માનસરોવર ભાગ - 1 (પૃષ્ઠ ક્રમાંક 200)
  • સંપાદક : પ્રો. શૈલેન્દ્ર ઠાકુર
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1988