Pin Kushan - Short Stories | RekhtaGujarati

પિન-કુશન

Pin Kushan

સુરેશ દલાલ સુરેશ દલાલ
પિન-કુશન
સુરેશ દલાલ

એની આંખ વહેલી ઊઘડી ગઈ. હજી તો સવારને બહુ વાર છે!

ઊંઘ આવે એટલા માટે એણે રજાઈને માથે ઓઢી લીધી, પણ રજાઈ ઓઢ્યા પછી એની આંખો રજાઈના અંધકારને ઓળખતી હોય એમ જાણે વાતે વળગી.

અને ઊંઘ તો નહીં મળેલા સુખની જેમ રજાઈની બહાર જ રહી ગઈ.

ગઈ કાલે રાતે સૂતો ત્યારે તો નક્કી કર્યું હતું કે આવતી કાલે મોડા જ ઊઠવું. સૂતી વખતે એણે પત્નીને કહ્યું પણ હતું કે, તારી આંખ વહેલી ખૂલી જાય તોપણ મને નિરાંતે સૂવા દેજે.

ત્રીસ વર્ષની ઉંમરે તો એણે લગ્ન કર્યાં. લગ્ન વહેલાં કર્યાં હોત તો સારું થાત. વૃદ્ધ થાય ત્યાં સુધીમાં દીકરાઓ કમાતા તો થઈ જાત. ક્યારેક એમ પણ થાય છે કે એ મોડો જન્મ્યો. પૈસા બનાવવાનો જમાનો તો ચાલ્યો ગયો. જીવનમાં બધે જ મોડો પડેલો એ આમ જાગવામાં શું કામ વહેલો પડ્યો હશે!! આ આશ્ચર્ય એને એકાદ ઉતારુ ઊતરે એટલી વાર થોભતી બસ જેટલું રહ્યું. એ આછું હસ્યો. રેશમી રજાઈની ધોળી ખોળ જાણે કે અરીસો હોય એમ એને લાગ્યું. નહીં તો, પોતાનું સ્મિત એ કઈ રીતે જોઈ શકે?

કોઈ બીજું તો આ જોઈ શકે એમ નથી. પોતાની પત્ની...

એ તો બાજુમાં જ છે.

જરાક પડખું ફરે એટલી વાર.

ઠંડી તો ખૂબ જ હતી. ટૂંટિયું વાળી એ પડ્યો હતો.

ચત્તાપાટ થઈ એણે પગ લાંબા કર્યા. જમણા પગનો અંગૂઠો ભોંય પડેલા ચણને ચણતા પારેવાની ડોક જેમ હાલતો રહ્યો, – રજાઈના અંધકારની ઉપમાને જાણે તાલ ન આપતો હોય –

તાલ જ ક્યાં છે?

આખો દિવસ દોડધામ...

સપનાં પણ ક્યાં સારાં આવે છે? સપનાંમાં પણ બસની પાછળ ક્યારેક એ દોડતો હોય છે. ઑફિસને કામે બહાર નીકળે છે. લિફ્ટ બગડેલી જ હોય છે. દાદરા.... પગથિયાં.... થાક.... થાક....

સપનાંમાં થાક... સપનાંનો થાક....

થોડોક થાક લાગે તો પછીથી મળતા આરામને એ વધુ માણી શકે. પણ થાકનો અતિરેક ક્યારેક જ મળતા આરામને બુઠ્ઠો કરી નાખે છે. અઠવાડિયાના બધા જ દિવસો પોસ્ટમૅનના યુનિફોર્મ જેવા એને સરખા લાગે છે. ટ્રાફિકની વચ્ચે અટવાતા માણસોની જેમ એના મનમાં જાતજાતના વિચારો આથડ્યા કરે છે.

ઓચિંતું જ એને પગમાં કળતર થયું હોય એમ લાગ્યું. કહે તો પત્ની પગ દાબી આપે એવી છે, પણ એની વહેતી વાતમાં ડૂબવાનો જીવ નથી.

બાજુવાળા ગીતાબહેનનો અદેખો સ્વભાવ... સામેની સુષમાની ખરીદી... અનુપમાની મોટાઈ.... એના ભાઈને ત્યાં આવેલું પડદાનું મોંઘું કાપડ... અને પોતાના ઘરની તૂટેલી ક્રોકરી –

ચા પીવાનું મન થયું આવ્યું. પણ એ વિચાર એણે માંડી વાળ્યો. માથા પરથી રજાઈ ખસેડી નાખી. પડખું ફર્યો.

ટેબલ પર પડેલી ઑફિસની ફાઈલ લેતો હોય એમ એણે પત્નીને પાસે ખેંચી લીધી. પત્ની પાસે ખેંચાઇ આવી. બંધ આંખે પણ કદાચ

જાગતી હોય.

‘રૂપા....’

એનો શબ્દ નાનકડા બેડરૂમના કબાટ સાથે અથડાઈને પાછો ફર્યો.‘’

‘એઈ... સાંભળે છે કે?’

‘...અં...’

‘રુપા...’

‘સૂવા દો ને, આજે તો રવિવાર છે.’ આટલું કહી એ પડખું ફરી ગઈ.

ત્યાં તો મોનાનો અવાજ સંભળાયો : ‘મમ્મી! બાથરૂમમાં જવું છે. લઈ જા ને.’

રૂપા ઊભી થઈ. બંધ આંખે જ એણે મોનાને ઊંચકી. થોડીક વારમાં એ પાછી આવી. મોનાને મૂકી –

અને પછી તરત જ રૂપાએ આંખ મીંચી દીધી.

કાગળ છૂટા કર્યા પછી ઓચિંતી ભોંકાઈ જતી ટાંકણીનો એને અનુભવ થયો. એક નહીં પણ બધી જ ટાંકણીઓ છેવટે પોતાને જ ભોંકાતી હોય એવી લાગણી થઈ. એને થયું કે હું જ પિન-કુશન છેં.

એ ઊઠ્યો.

બાથરૂમ ગયો.

પાછો પથારી માં પડ્યો.

માથા સુધી રજાઈ ઓઢી. અંધકાર એને વળગી પડ્યો.

કદાચ, કબરમાં આવો જ અંધકાર હશે!

(‘પિન કુશન’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 391)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999