Picho - Short Stories | RekhtaGujarati

દીપકને લાગતું હતું કે સતત કોઈક તેનો પીછો...

રાત્રિના જાદુના ખેલનો બીજો શો છૂટ્યાની જબ્બર ભીડ... ચોતરફ માણસો... માણસો... મોટરો-રિક્ષાની રમઝટમાં ઓગળતો પેટ્રોલનો ધુમાડો... આંખોના ડોળાને બહાર ખેંચી કાઢતી વાહનોની લાઇટો... કાનના પડદાને ચીરી નાખતી ચીસો... ભીડમાંથી પસાર થતાં, દીપકને લાગ્યું કે કોઈએ તેના પગમાં જાણે બેડીઓ પહેરાવી દીધી છે. પોતે જાદુના ખેલ જોવા ગયો હોત તો? વિચારતાં ગિરદીમાંથી એકદમ રસ્તો પસાર કરવા તેણે ઘરનો રસ્તો પકડ્યો. આગળ-પાછળ, આજુ-બાજુ તેણે પોતાની દૃષ્ટિ દોડાવી. થિયેટર તરફ જોયું તો, તોફાને ચડેલા ચાર-પાંચ માણસોને પકડી, પોલીસો જીપમાં બેસાડી રહ્યા હતા અને તે બધાને જોવા માણસોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસે ટોળાને વિખેરવા આડેધડ લાઠીઓ વીંઝતાં, ચારે તરફ નાસભાગ થઈ રહી હતી. કંઈક મોટું દંગલ મચી ગયું હોય, તેમ તેણે પોતાના પગની ગતિ વધારી. પણ થોડે દૂર જતાં તેને રસ્તા ઉપર ખોડાઈ રહેવું પડ્યું. સિગ્નલ આપતી લાલ બત્તીનો ડોળો જાદુગરની જેમ જાણે હિપ્નોટાઈઝ તેને કરી રહ્યો હોય તેમ તેને લાગ્યું. છતાં તેણે આગળ વધવા કોશિશ કરી. ટ્રાફિક પોલીસે એકદમ વ્હિસલ મારી, હાથના સંકેતથી તેને પાતાની પાસે બોલાવી રહ્યો હોય તેમ તેને લાગ્યું. એટલે તે એક બાજુ ભીડમાં અદૃશ્ય થઈ ગયો. ત્યાં તો લાલ લાઇટ થતાં તે આગળ નીકળી ગયો.

થોડીવાર પછી પાછળ જોયું તો પોલીસની એક જીપ વ્હિસલ મારતી, ઝડપથી થિયેટર તરફ દોડી રહી હતી. તેની પાછળ-પાછળ એક પોલીસની, બીજી એક-બે ગાડીઓ... તેને થયું કે નક્કી થિયેટર પાસે કંઈક... આગળ વધતાં તેને રસ્તામાં સહેજ અંધકાર ફેલાયેલો લાગ્યો. અંધારી રાત્રિ જાણે કાળો બુરખો પેહેરેલી કોઈક સ્ત્રી જેવી તેને લાગી રહી હતી. અંધારામાંથી પસાર થવા તેણે ફરી પોતાની ઝડપ વધારી. અચાનક તેણે પાછળ નજર કરી તો, તેને લાગ્યું કે કોઈ ચોક્કસ તેનો પીછો કરી રહ્યું છે. તેની છાતી ધડકવા લાગી. ઝડપથી ચાલતાં તે થાકી ગયો હતો. છતાંય ઝડપથી એક પછી એક રસ્તા પસાર કરવા લાગ્યો. તેને થયું કે પોતે તો માત્ર ઝડપથી ચાલી રહ્યો છે, પણ તેનો પીછો કરનાર તો ઘોડાની જેમ જ... તે હવે છલાંગો મારતો આગળ વધી રહ્યો હતો. ને ઘર નજીક આવી જતાં તેને કંઈક હાશ વળી. એકદમ દોડીને ઘરનો દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખૂલતાં તે ઘરમાં પ્રવેશે તે પહેલાં બહાર તેણે ફરી નજર દોડાવી. ટ્યૂબલાઇટના પ્રકાશમાં બહાર વિસ્તારતા જતા પોતાના પડછાયાને તે ઘડી-બે-ઘડી જોઈ રહ્યો. પછી ઝડપથી બારણું બંધ કરી દીધું. પડછાયાની જેમ તેની પાછળ પાછળ આવતું કોઈક હવે બહાર જ...

ખિસ્સામાંથી રૂમાલ કાઢી તે પરસેવો લૂછી રહ્યો.

ઘરમાં પગ મૂકતાં પત્ની બોલી ઊઠી : ‘જાદુના ખેલ જોઈ આવ્યા? કેવા લાગ્યા?’

પણ તે થાકી ગયો હોય તેમ માત્ર ઊભો રહી ગયો હતો. તેને આમ ઊભેલો જોતાં પત્ની બોલી : ‘કેમ ઉદાસ થઈ ગયો છો? ગામમાં કાંઈ તોફાન-બોફાન તો નથી ને?’

તેને કંઈ પણ વાતચીત કરવાની ઈચ્છા તો નહોતી, છતાં જવાબ આપતાં કહ્યું : ‘ના... ના... એવું કાંઈ નહોતું.’ ને તેણે પાણીથી હાથ-મોં ધોયા. ટુવાલથી મોં લૂછતાં તે જમવા બેઠો. હવે તેના ચહેરાની રેખાઓ કંઈક હળવી પડી ગઈ હતી. જમતાં જમતાં તેણે પત્નીને પૂછ્યું : ‘તમે બધાએ તો જમી લીધું છે ને?

‘ક્યાંથી જમું? તમે બહારથી મોડા આવો, એટલે હંમેશાં મને ચિંતા થાય.’

‘એમાં ચિંતા કરવા જેવું શું છે?’ ને કોળિયો મોંમાં મૂકતાં, તે ફરી પાછો કશાક વિચારમાં ખોવાઈ ગયો.

તેને વિચારમાં ડૂબેલો જોતાં પત્ની બોલી : ‘પહેલાં શાંતિથી જમી લો. પછી વિચાર કરજો.’

તે અચાનક ઝબકી ગયો. તેણે મોં પર સ્મિત લાવવા પ્રયત્ન કર્યો, પ્રયત્ન કરવા છતાંય ને હસી શક્યો. તેનું સ્મિત તો હંમેશાં તેના હોઠની ડાબલીમાં પુરાઈ ગયું હતું.

થોડીવાર રહી પાછી પોતાની હૈયાવરાળ ઠાલવતાં પત્ની બોલી : ‘કોણ જાણે હમણાં તમને શું થઈ ગયું છે કે વાત વાતમાં ક્યાંક ખોવાઈ જાવ છો. બહુ વિચારવું સારું નહીં. ક્યાંક વિચારવાયુ થઈ જશે તો...’

તેને પત્ની ઉપર ગુસ્સો ચઢી આવ્યો : ‘હવે તું તારું ભાષણ બંધ કર ને? નિરાંતે જમવા તો દે...’

‘પણ હમણાં હમણાં તમે નિરાંતે જમતા નથી, એટલે તો કહેવું પડે છે.’

‘તઈં હું જમતો નથી, તે વળી બીજું કોણ જમે છે?’

‘મને તો તમારા વતી, કોઈક બીજું જમતું હોય તેમ લાગે છે.’

‘’કોઈક બીજું જ’ શબ્દો સાંભળતાં, તેના ચહેરા ઉપર કાળાશ ફરી વળી. શું કોઈક બીજું હરપળે તેને લક્કડખોદની જેમ છોલી રહ્યું હશે? કંઈક અસ્વસ્થ બની તે એકદમ ઊભો થઈ ગયો.

પુસ્તક હાથમાં પકડી ટેબલ લેમ્પ ‘સ્વિચ ઓન’ કરી, તેણે પથારીમાં લંબાવ્યું. ઊંઘ આવતાં, પુસ્તકનાં પાનાં ફેરવવા લાગ્યો. ને છત ઉપર ઘૂમતા ફેન તરફ એક દૃષ્ટિ કરી. પંખાની જેમ જાણે એનીઅંદર કંઈક ઘૂમી રહ્યું હોય તેમ તેને લાગી રહ્યું હતું.

ઘરનાં બધાં સૂઈ ગયા હતાં. વાતાવરણ નિસ્તબ્ધ હતું. તેણે વાંચવામાં ચિત્ત પરોવ્યું કઈક ઊંઘ આવી જાય માટે જ. પણ વાંચવામાં ચિત્ત ચોંટ્યું નહીં. આથી ટેબલ લેમ્પ બુઝાવી, સૂવાની તૈયારી કરવા લાગ્યો. પથારીમાં લંબાવ્યું, પણ ઊંઘ નહોતી આવતી. પથારીમાં પડ્યા પડ્યા તે ઓરડાના અંધકારને, પોતાની આંખોમાં વાગોળતો પડ્યો રહ્યો. અંધકાર તેને વિશાળ નાટ્યમંચ જેવો લાગ્યો. એમાંથી ક્યારે કયું દૃશ્ય પ્રગટે, કાંઈ કહી શકાય. આમ ને આમ બેના ટકોરા પડ્યા. તેના કાન તીવ્ર ગતિથી સળવળ્યા. રૂમના બારણાને કોઈ ધક્કો મારતું હોય તેમ તેને લાગ્યું. તે પથારીમાં એકદમ બેઠો થઈ ગયો. બારણા પાસે આવી ઊભો રહ્યો. હવે તેને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ હતી કે નક્કી કોઈક બારણાને ધક્કો મારે છે. એટલે તેણે રૂમની લાઇટ કરી પત્નીને જગાડી બોલ્યો, ‘બારણું કોઈક ધકેલતું હોય તેમ લાગે છે.’

‘એ તો પવનમાં એમ થતું હશે. સૂઈ જાવ, કાંઈ નથી.’

‘જરા ખોલીને જોઈ તો લઈએ.’

‘ભારે વેમીલા છે.’ કંટાળીને પથારીમાંથી ઊઠીને પત્નીએ બારણું ખોલ્યું, ને પત્ની સાથે બહાર આવ્યો. પત્ની કંઈક ચિડાતી બોલી, ‘હવે બરાબર જોઈ લો. કોઈ નથી ને?’

તેણે ટોર્ચ લાઇટથી બહાર ફળિયામાં બધે નજર કરી, પણ કશું દેખાયું નહીં. ત્યાં પત્ની બોલી : ‘અરે, જુઓ સામે શું દેખાય છે?’

તેણે લાઇટ કરી, બરાબર જોયું તો બિલાડીનું એક બચોળિયું લપાઈને ખૂણામાં બેઠું હતું.

‘આવી રીતે કોઈની ઊંઘ બગાડતા હો તો...’ પત્ની પાછી પથારીમાં પડી. તેણે રૂમનું બારણું બંધ કર્યું. પથારીમાં ફરી લંબાવ્યું. હવે આંખો તેને ઘેરાતી લાગી...

તે બિલાડીના બચ્ચાને પોતાના હાથમાં પકડી તેના ઉપર હાથ ફેરવતો તેને રમાડી રહ્યો છે, ત્યાં તે બિલાડીના બચ્ચાને પોતાના હાથમાં પંપાળતાં પંપાળતાં અચાનક બચ્ચામાંથી એક વાઘ થઈ જાય છે. વાઘને જોઈ તે દૂર ઊભેલા જાદુગર પાસે આવી કરગરે છે : ‘મને બચાવો. ક્યાંક વાઘ મને જ... માટે તમે તેને ફરી બિલાડીનું બચ્ચું બનાવી દો.’

જાદુગર કહે, ‘એ મારાથી નઈં થઈ શકે. તમારા હાથના સ્પર્શથી વાઘ થઈ ગયો છે. એટલે ફરી તમારા હાથના સ્પર્શથી પાછું બિલાડીનું બચ્ચું પણ થઈ શકે.’

‘એ કેવી રીતે?’

‘હું તમને રસ્તો બતાવું છું. તમે તમારા હાથથી વાઘની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવશો તો, તે તરત ફરી બિલાડીનું બચ્ચું થઈ જશે.’

‘પણ મને તેની પીઠ ઉપર હાથ ફેરવવાનો ડર લાગે છે.’

‘ડરવાની જરૂર નથી. હું તમારી સામે ઊભો છું ને...’

ને તે ડરતો ડરતો ધીમે ધીમે પીઠ ઉપર હાથ ફેરવવા આગળ વધે છે. ત્યાં વાઘ ત્રાડ નાખે છે. તે ગભરાઈને જાદુગર તરફ દોડે છે. ને જાદુગર ખડખડાટ હસી પડે છે... ત્યાં તેની ઊંઘ ઊડી ગઈ. જુએ છે તો પત્ની, પાસે ટૂથપેસ્ટ મૂકી, કોગળા કરવાનું કહી રહી હતી.

તેનું ચિત્ત આજે ઠેકાણે નહોતું. રાત્રિનું સપનું તેના ચિત્તમાં નવા નવા સંદર્ભો ઊભા કરતું ઘૂંટાઈ રહ્યું હતું. આવું વિચિત્ર સપનું કેમ આવ્યું હશે? તેને પત્નીને વાત કરવાની ઇચ્છા થઈ. પણ તો પોતાની વાતને સાવ ઉડાવી દેશે, એમ માની તે ચૂપ રહ્યો. લાઇબ્રેરીએ પુસ્તક બદલાવવા બહાર નીકળ્યો. લાઇબ્રેરીએ આવી ‘અદૃશ્ય માનવ’ નામનું પુસ્તક પસંદ કરી, એક પછી એક છાપાં વાંચવામાં પડી ગયો. અચાનક એક છાપા ઉપર નજર કરી તો, ગઈ રાત્રિના થિયેટર ઉપર થયેલ હંગામાના સમાચાર વાંચ્યા. જાદુના ખેલની ટિકિટના કાળાબજાર કરતા ત્રણ-ચાર દાદાઓ વચ્ચે થયેલાં તોફાનોની વિગતો તેણે વાંચી. ને છેલ્લે એક નોંધ પણ વાંચી ટિકિટના કાળાબજાર કરનાર ને કાળાબજારની ટિકિટ ખરીદનાર બંને સરખા ગુનેગાર છે. એટલે હવે પછી આવી ટિકિટ ખરીદનારને પણ...

ને અચાનક તેને સાંભરી આવ્યું પોતે પણ કાળાબજારની ટિકિટ લીધી હતી ને? પોલીસને ખબર પડી જાય તો...? વિચારોમાં ગૂંગળાતો તે બહાર આવ્યો. ઘડિયાળમાં જોયું. દસ ને વીસ. ગિરદીમાં આગળ વધતો તે મેઈન રોડ ઉપર આવ્યો. ત્યાં પાછળથી તેના નામની બૂમ સંભળાઈ. તેણે પાછળ જોયું. પણ ભીડમાં કોઈ જાણીતો ચહેરો દેખાયો. કોણ બોલાવતું હશે? શું કામ હશે? ફરી તેણે પાછળ નજર દોડાવી. કોઈ નહોતું. તેણે પગની ગતિ વધારી. બહાર ઠંડો પવન ફૂંકાતો હતો. તોય તેને પરસેવો વળી રહ્યો હતો. પાછળના ધસમસતા આવતા માણસોનાં પગલાંમાં, તે ફરી પોતાના નામનો અવાજ સાંભળવા કંઈક મથી રહ્યો, તો તેને પોતાની પાછળ-પાછળ કોઈક દોડી રહ્યું હોય તેમ લાગ્યું. તેને પ્રશ્ન થયો કે પેલા જાદુગરનું ‘હિપ્નોટીઝમ’ તો મારા ઉપર કામ નહીં કરતું હોય ને?...

‘સાહેબ તમને બોલાવે છે.’

ઑફિસમાં ખુરશી ઉપર બેસી, ફાઇલો ખોલી હજુ કામની શરૂઆત કરે, પહેલાં પટાવાળાએ તેની પાસે આવી કહ્યું.

સાહેબને મારું વળી શું કામ હશે? કોઈ કાગળ તો પેન્ડિંગ નહીં રહી ગયો હોય ને? તેણે કાગળોની બરાબર ચકાસણી કરી. બધા કાગળોના સમયસર જવાબ પણ અપાઈ ગયા હતા. કશું પેન્ડિંગ નહોતું છતાં સાહેબ...

તે કંઈક દ્વિધા અનુભવતો ખુરશી ઉપરથી ઊભો થયો. સાહેબની ચેમ્બરમાં દાખલ થયો. સાહેબે કાગળો ઉથલાવતાં કહ્યું : ‘કોઈએ તમારા નામની નનામી અરજી કરી છે.’

‘મારી વિરુદ્ધ...?’

‘હા, નોકરી માટેની અરજીઓનું સિનિયોરિટી લિસ્ટ તમે બરાબર જાળવતા નથી. કોઈની અરજી આગળ કરી દો છો, તો કોઈની પાછળ...’

‘ના... ના... એવું તો મેં કાંઈ કર્યું નથી...’

‘એની તો મને પણ ખબર છે. પણ પેલા ઉમેદવારે તો ઉપવાસ-આંદોલનની પણ ધમકી આપી છે. માટે બાબતમાં જરા ચોકસાઈ રાખશો.’

‘હા, જી...’ કહી તે બહાર આવ્યો. નનામી અરજી કોણે કરી હશે? શા માટે કરી હશે? ને તે પાણી પીવા લોબીમાં આવ્યો ત્યાં સામે બીજો કલાર્ક મળી ગયો. પૂછ્યું : ‘સાહેબે કેમ બોલાવ્યા હતા?’

તેણે બધી વાત કરી. પેલાએ ચેતવતાં કહ્યું : ‘હમણાં ખટપટ બહુ વધી ગઈ છે. માટે જરા સંભાળીને કામ કરવું. નાહક કોઈ પાછળથી જ...’

કંઈક ખિન્ન બની ઑફિસમાં તેણે ચારે તરફ નજર દોડાવી. ઑફિસની લોબીમાં તે ઊભો રહ્યો, છતાં પગ ગોળ ગોળ ઘૂમી રહ્યા હોય તેમ તેને લાગ્યું. નક્કી કોઈક પાછળ...

સાંજે ઑફિસમાંથી છૂટી તે બહાર આવ્યો. દૂર નજર કરી તો અજાણ્યા ત્રણ-ચાર માણસો તેના તરફ જોતાં કંઈક ગુસપુસ કરી રહ્યા હતા. તેને આશ્ચર્ય થયું. બધા શા માટે મારા તરફ જોતા હશે? શું આમાંથી તો કોઈએ નનામી અરજી નહીં કરી હોય ને?

ત્યાં માણસોમાંથી એકે તેને પોતાની પાસે બોલાવી પૂછ્યું : ‘તમારું નામ શું?’

‘કેમ, કોનું કામ છે?’ તેણે સામો પ્રશ્ન કર્યો.

‘ના... ના... કામ તો કાંઈ નથી... મારા એક મિત્રનો ચહેરો બરાબર તમારા જેવો જ... એટલે શંકા જતાં પૂછેલું.’

પેલા માણસો કાંઈ વિશેષ વાતચીત કરે પહેલાં તો તે ત્યાંથી ચાલતો થઈ ગયો. તેને થયું લોકોને મારા ઉપર કેમ શંકા ગઈ હશે? શું હું બરાબર તેના મિત્ર જેવો લાગતો હોઈશ? માણસો પણ કેવા છે! ને તેણે પાછળ નજર કરી તો, પેલા હજી તો સામે જોઈ રહ્યા હતા ને તે વધુ ને વધુ...

હમણાં હમણાં તેને ઊંઘ આવતાં, તે કંઈક મૂંઝાયેલો રહેતો. તેમાં એક દિવસ સહેજ તાવ આવતાં પત્નીના આગ્રહથી તે તેની સાથે ડૉક્ટર પાસે આવ્યો. પત્નીને પણ હમણાં તેની વધારે ચિંતા રહેતી હતી. એટલે ડૉક્ટરને તેના સ્વભાવ વિશે થોડી વાતચીત કરી પૂછ્યું : ‘તેમને કોઈ માનસિક રોગ કે ડિપ્રેશન જેવું તો નથી ને?’

દીપકને તેની પત્ની પર ગુસ્સો ચડી આવ્યો. તેની સામે ડોળા કાઢતાં, તે જાણે કહી રહ્યો હતો ડૉક્ટરને આવા પ્રશ્નો પૂછવાનું તને કોણે કહ્યું?

પત્નીની વાત સાંભળી ડૉક્ટરે કહ્યું : ‘ના... ના... એવં કશું નથી. માત્ર થોડા ભયભીત...’

ડૉક્ટરની વાત સાંભળી તેને કંઈક રાહત થઈ. હવે પત્ની ડૉક્ટર પાસે બીજું કંઈ બાફી નાખે તો સારું. વિચારતાં તેણે તેની સામે જોયું. પણ તેની દૃષ્ટિ તો ડૉક્ટર ઉપર હતી. તે ડૉક્ટર પાસે વિશેષ સ્પષ્ટતા કરતાં બોલી : ‘તેમને હમણાં એમ કેમ લાગ્યા કરતું હશે કે સતત કોઈક તેમની પાછળ... પાછળ...’

વચ્ચે તે બોલી ઊઠયો : ના, સાહેબ, એવું કાંઈ નથી.’ ને સહેજ લૂખું સ્મિત કરતાં ઉમેર્યું : ‘મારી પત્નિ મારી પાછળ..પાછળ..’

ડૉક્ટર હસી પડ્યા. બોલ્યા : ‘અને કદાચ એવું હોય તોપણ શું થઈ ગયું?’ ને દીપક સામે જોતાં ઉમેર્યું : ‘જુઓ ને, મારો કેસ તમારાથી સાવ ઊલટો છે. મને, તો બસ એમ લાગે છે કે હું જાણે બીજાનો પીછો...’ ને તેઓ ખડખડાટ હસી પડ્યા, ને તેને થોડી દવા લખી આપી.

ડૉક્ટરનું હાસ્ય તેને પેલા જાદુગરના હાસ્ય જેવું લાગ્યું.....

શિવરાત્રિનો મેળો...

મનને કંઈક આનંદ મળે માટે તેણે શિવરાત્રિના મેળામાં જવાની પત્નીને વાત કરી. પત્નીએ પહેલાં તો ના પાડી. પણ પછી તેના જવાબની દરકાર કર્યા વગર તે મેળામાં જવા તૈયાર થઈ ગયો. એટલે પત્નિએ થોડી શિખામણ આપતાં તેને કહ્યું : ‘મિત્રો સાથે જરા સંભાળીને જજો ને સાંજના પાછા સંભાળીને આવી જજો. મને તમારી ચિંતા...’

તેને થયું : મારા જેટલું સંભાળીને ઘરેથી બીજું કોણ નીકળે છે?

મેળામાં ઘૂમતાં તે મિત્રો સાથે આનંદ-ઉત્સાહ અનુભવી રહ્યો હતો. ઘડીક તેને થયું : રોજ રોજ મેળો આવે તો... બસ, પછી કાંઈ ચિંતા નહીં. મેળામાં મિત્રો સાથે હસતાં હસતાં ફોટા પણ પડાવ્યા. પોતાનો ફોટો તૈયાર થઈને તેણે જોયો તો, ફોટામાં તેનો ચહેરો કંઈક રોતલ આવી ગયો હતો. તેને આશ્ચર્ય થયું. પોતે તો હસતાં હસતાં ફોટો પડાવ્યો હતો છતાં... ફરી તે કંઈક ઉદાસ બની ગયો. ચારેબાજુ નજર દોડાવતો તે મિત્રો સાથે આગળ વધ્યો. ત્યાં અચાનક મેળાની ભીડમાં તે મિત્રોથી છૂટો પડી ગયો. તેને થયું : હવે આટલી ભીડમાં મિત્રો ફરી પાછા ક્યાંથી મળી શકે?

મેળામાં એક પછી એક ટેન્ટ વટાવતાં તે આગળ વધ્યો. મિત્રોને શોધવા ચારે તરફ દૃષ્ટિ પણ દોડાવી. ત્યાં તેની દૃષ્ટિ જોરજોરથી ઘૂમતા ચકડોળ ઉપર પડી. તેને ચકડોળમાં બેસવાનું મન થયું આવ્યું. પછી ચકડોળ સામે ઊભા ઊભા જાણે ચકડોળમાં ઘૂમી રહ્યો હોય તેમ લાગતાં, તેણે ચકડોળમાં બેસવાનું માંડી વાળ્યું. તે મેળાનો તમાશો જોતો જોતો આગળ વધ્યો.

‘મોતના કૂવા’માં ઝડપથી મોટર સાઇકલ દોડાવતા એક માણસને જોઈને તો તેની ચાર આંખો થઈ ગઈ. ઘડીક તો તેને થયું કે ક્યાંક માણસ કૂવામાં મરી જશે તો!

સહેજ દૂર જતાં તેની દૃષ્ટિ એક ફજેતફાળકા ઉપર મંડાઈ. ફજેતફાળકામાં બેઠેલા ત્રણ માણસો તેના તરફ ધારી ધારીને જોઈ રહ્યા હતા. તેને કંઈક આશ્ચર્ય થયું. શું બધા પોતાને ઓળખતા હશે? પણ ત્યાં તો ત્રણે ફજેતફાળકા ઉપરથી નીચે ઉતરી, પોતાના તરફ આવતા દેખાયા. પણ તે ઝડપથી મોં ફેરવી આગળ વધ્યો. ત્યાં પેલા ત્રણમાંથી એક જણ તેની પાસે આવતાં બોલ્યો : ‘ઓળખો છો?’

‘ના, ખાસ યાદ આવતું નથી.’

‘બસ, એટલી વારમાં ભૂલી પણ ગયા? અરે થોડા દિવસ પહેલાં તમારી ઑફિસ પાસે મળ્યો હતો.’

તેને એકદમ યાદ આવી ગયું : ‘હા... હા... બરાબર છે. પણ અત્યારે મારું શું કામ છે?’

ત્યાં તેની સાથે ઊભેલો બીજો એક માણસ બોલ્યો : ‘ભાઈ, મારું એક કામ કરશો? મારા એક સંબંધીએ તમારા ખાતામાં નોકરીની અરજી કરી છે. ગરીબ માણસ છે. તમે કંઈક મદદ કરી શકો તો...’

ઑફિસમાં કોઈએ તેની વિરુદ્ધ નનામી અરજી કરી હતી, તે તેને એકદમ યાદ આવી ગયું. બોલ્યો : ‘ભાઈ, એમાં મારાથી કંઈ પણ થઈ શકે.’

‘પણ થોડું ધ્યાન આપો તો... કંઈક થાય...’

‘એ મારા હાથની વાત નથી. નહીંતર ગરીબ માણસને મદદ કરવામાં મને શો વાંધો હોય?’ ને તે આગળ વધવા જતો હતો, ત્યાં એક બોલ્યો : ‘ખેર, આપનું નામ જણાવો તો, ઑફિસમાં ક્યારેક મળી શકાય.’

દીપકને તેના ઉપર ચીડ ચઢી. કંઈ ઓળખાણ નહીં ને નામ કેમ માગતો હશે? ને તેણે કંઈક ખિન્ન સ્વરે પોતાનું નામ જણાવ્યું. પેલાએ તેની ડાયરીમાં નામ ટપકાવ્યું. અને તેને ચા-પાણી માટે આગ્રહ કર્યો. પણ તે તો વિશેષ કાંઈ સાંભળતાં આગળ નીકળી ગયો. પછી એકાએક તેને વિચાર આવ્યો કે મેં એને મારું નામ શા માટે આપ્યું? કદાચ મારા નામનો દુરુપયોગ કરશે તો?

આગળ વધતાં, પોલીસની એક જીપ તેની પાસેથી ધૂળ ઉડાડતી, લાઉડ સ્પિકરનો ઘોંઘાટ કરતી પસાર થઈ ગઈ. લાઉડ સ્પિકરમાં બોલાયેલા શબ્દો તેના કાનમાં પડઘા પાડી ઊઠ્યા : ‘દીપક નામનો દસેક વર્ષનો છોકરો મેળામાં ગુમ થયો છે. કોઈને ભાળ મળે તો...’

‘છોકરાનું નામ પણ દીપક, બરાબર મારું નામ... દીપકને કોણ ઉપાડી ગયું હશે? હવે પાછો મળી શકશે? બિચારો તેનાં મા-બાપ...’ વિચારતાં તેને પત્નીની ‘સંભાળીને આવજો’ શિખામણ યાદ આવી ગઈ. તેણે બસ પકડવા સ્ટેન્ડ તરફ પોતાના પગની ગતિ વધારી. હજી પણ દીપકના નામના પડઘા તેના કાનમાં અથડાઈ રહ્યા હતા. પોતાના નામના કોઈ પડઘા પાડી રહ્યું હોય તેમ તેને લાગી રહ્યું હતું. કંઈક અકળામણ થઈ આવતી હતી, તેને શરીરે પરસેવો વળવા લાગ્યો. ને બસ સ્ટેન્ડે પહોંચતાં તેને કંઈક હાશ વળી. મેળામાં ઘૂમતા માણસો તરફ નજર કરી, ઝડપથી તે બસમાં ચડી ગયો. બસમાં બેઠેલા પેસેન્જરો તરફ નજર દોડાવતાં તેને થયું; પેલો દીપક નામનો છોકરો કદાચ ભૂલથી બસમાં ચડી ગયો હશે તો?

સાંજના સાતેક વાગ્યા સુધીમાં તો બસ ગામમાં આવી પહોંચી. સ્ટેન્ડ ઉપર બસ ઊભી રહેતાં જ, તેમાંથી એક પછી એક પેસેન્જરો નીચે ઊતરવા લાગ્યાં. ત્યાં તેણે બહાર જોયું તો, બસમાંથી ઊતરતા શંકાસ્પદ દરેકે દરેક માણસનાં ખીસાં પોલીસ તપાસી રહી હતી. કોઈકને પૂછપરછ કરતાં તેને ખબર પડી કે મેળામાં કોઈનું ખીસું કપાયં હતું, ને ખીસાકાતરુ બસમાં ચડી બેઠો હતો. તે કંઈક ગભરાઈ ગયો. જેવો તે નીચે ઊતર્યો કે પોલીસે તેનાં ખીસાં તપાસવા તેને ઊભો રાખ્યો. તેને એકદમ ભયભીત બનેલો જોઈ, પોલીસને કંઈક તેના ઉપર શંકા પડી. તેણે પોતાની ઓળખાણ આપી. ખીસામાંથી પોતાની ઑફિસનું ‘ઓળખપત્ર’ કાઢવા માટે તેણે ખીસામાં હાથ નાખ્યો. બીજાં ખીસાં ફંફોસ્યાં. ને તેને ધ્રાસકો પડ્યો. કાર્ડ તો ખીસામાં નથી. શું મેળામાં પડી ગયું હશે? હવે શું થશે? પોલીસને કેવી રીતે ખાતરી કરાવવી? ને તેના પગ વધુ ને વધુ ઢીલા પડવા લાગ્યા. એટલામાં પોતાને ઓળખતા એક પ્રતિષ્ઠિત વેપારીએ વચ્ચે પડી તેની ઓળખ આપી, તેને પોલીસના હાથમાંથી છોડાવ્યો.

અંધારું થઈ ગયું હતું. તેણે ઘર તરફનો રસ્તો પકડવા ઝડપ વધારી. હજુ પણ તેના શ્વાસોચ્છ્વાસમાં મેળાનો ઘોંઘાટ આળોટી રહ્યો હતો. રસ્તા ઉપર પણ માણસોની, વાહનોની ગજબની ભીડ હતી. ત્યાં પાછળથી ભીડને ચીરતી, તેના નામની બૂમ સંભળાઈ. તેણે ઝડપથી પાછળ જોયું. ભીડમાં કંઈ દેખાયું નહીં. તેને થયું : કોણ બોલાવતું હશે?

તેને ચક્કર આવતાં હોય તેમ લાગ્યું. જ્યાં થોડે દૂર પહોંચ્યો, ત્યાં ફરી પોતાના નામનો અવાજ તેના કાને અથડાયો. સહેજ ગભરાઈને પાછળ જુએ છે તો પડોશના રમણભાઈ!

રમણભાઈ તેની નજીક આવતાં બોલ્યા : ‘શું બેરા થઈ ગયો છો? થોડા દિવસ પહેલાં પણ મેં તમને રસ્તામાં અવાજ દીધો હતો, પણ તમે તો...’

પણ તેણે તો રમણભાઈ સામે જોયું, જોયું ને પગની ઝડપ વધારી. મેળામાં ખોવાઈ ગયેલા ‘ઓળખપત્ર’થી તે વધુ ને વધુ ચિંતિત થઈ રહ્યો હતો. કાર્ડ કોઈના હાથમાં ચડી જશે તો? તેમાં મારું નામ... સરનામું... તેને લાગ્યું કે મેળામાં તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું અને એક નહીં, બે નહીં, પણ મેળાનું આખું ટોળું જાણે તેનો પીછો...

(‘પીછો’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 544)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999