રમેશ ત્રિવેદી
Ramesh Trivedi
શેઠ હરિલાલે છેલ્લા કાગળિયામાં સહી કરીને ફાઇલ બંધ કરી ત્યારે ઑફિસના ઘડિયાળમાં બરાબર છ ને દશ મિનિટ થઈ હતી. પેન બંધ કરી, ખીસામાં મૂકી. અને એ ટેબલ પર પડેલા એક કવર સામે નિબિડભાવે તાકી રહ્યા. હાથ લંબાવીને એમણે કવર ઉઠાવ્યું. અને થોડોક સમય પહેલાં ફોડેલા કવરમાંથી પત્ર બહાર કાઢ્યો. પત્રમાંના વાંકાચૂકા, પરિચિત અક્ષરો પર એમનો ચહેરો ઝળૂંબી રહ્યો. તૃષિત આંખોએ એક જ ઘૂંટડામાં આખો પત્ર ગટગટાવી દીધો. મ્યાન ફિક્કો ચહેરો હસી ઊઠ્યો. ચહેરા પર પરિતોષની આછી, કૂણીકૂણી રેખાઓ અંકુરિત થઈ ઊઠી. એકાદ ક્ષણ તો એમને થયું કે પાસે પડેલા ફોનનું રિસીવર ઉઠાવીને સત્વરે પત્રમાંની વાત જણાવી દે પત્નીને. પણ બીજી જ ક્ષણે એ વિચાર માંડી વાળ્યો એમણે. અને છત પર ગોળ ચક્કર ઘૂમતા પંખાનાં પાંખિયાં સામે તાકતા ચૂપચાપ બેસી રહ્યા એ. થોડીક વારે પત્ર સામે જોયું. ઊભા થયા. અને બારી પાસે ખસ્યા. બારીના ચોકઠા પાસે જઈને એમણે બહાર નજર કરી. સામે ઊભેલાં બહુમાળી મકાનોની હારમાળામાંથી દેખાતો આકાશનો ધૂંધળો થતો જતો ટુકડો આવીને એમની સ્નિગ્ધ આંખોમાં પુરાઈ ગયો. આસ્ફાલ્ટ સડક પરથી રઘવાયાં બનેલાં માનવપ્રેતો, વાહનો--પૂરપાટ ગતિએ વહી રહ્યાં હતાં. સૌમાં ગતિ હતી. યંત્રની, પ્રેતની.
હરિલાલે ભૂખરાભૂખરા આકાશ સામે જોયું. એકીટશે જોઈ રહ્યા અને ધીરે ધીરે વડલાની ડાળે હળુહળુ હીંચોળા લેતું એક નાનુંસરખું ગામ આવીને પુરાઈ ગયું -- એમની રિક્ત આંખોમાં. એ ગામ કે જેને બચપણમાં જ એમની માએ આંખોમાં આંજી દીધું હતું. પ્રેમાળ બાપે ઉમળકાભેર એમના રતુંબડા ગાલે ચોઢી દીધું હતું. અને ગૌરીએ કોઈક વાત કહેતી વેળાએ હળવે રહીને કાનમાં વહેતું કરી દીધું હતું...
હરિલાલને ગામ વીંટળાઈ વળ્યું. એમનાથી પ્રગાઢ નિશ્વાસ નંખાઈ ગયો. હાથમાંના પત્રને ગડી વાળીને એમણે કવરમાં મૂક્યો. કવર ઝભ્ભાના ખીસામાં મૂક્યું. અને નીચે રસ્તા સામે નજર કરી. હંમેશની જેમ આજે પણ એમને વહી જતી ચહેરાઓની ભીડમાંથી નાસી છૂટવાનું મન થઈ ગયું. એક નિશ્વાસ નાંખીને એ ટેબલ પાસે ખસ્યા. ખુરશી પર બેસી પડ્યા. અને કૉલબેલનું બટન પુશ કર્યું. ફ્લશડોરમાંથી ફિક્કા ચહેરાવાળો પટાવાળો અંદર ઘૂસી આવ્યો. અને શો-કેસમાંના કોઈ સ્ટેચ્યુની જેમ સલામ ભરીને ઊભો રહ્યો. એમણે એની સામે જોયું. “દત્તુ, લવકર પાણી આન...”
દત્તુ યંત્રની ગતિએ ખસ્યો અને હાજર થઈ ગયો પાણી લઈને. હરિલાલે ઝડપથી પાણી પી નાખ્યું. અને સ્ટિક લઈને ઊભા થયા. વૉલક્લોક સામે નજર કરી. અને ફ્લેશડોરમાંથી બહાર નીકળ્યા. રોજની જેમ કેબિનની બહારના ખંડમાં નજર કરી લીધી ચાલતાં ચાલતાં. ખુરશીઓ પર, ટેબલો પર, ફાઇલો પર, ટાઇપમશીનો પર અપાર્થિવ શાંતિ આળોટી રહી હતી. અને થોડાક સમય પહેલાં નાસી છૂટેલા માણસોનો ઉષ્મ ઉચ્છ્વાસ મૌન ઊભેલી દીવાલો વચ્ચે ગૂંગળાઈ રહ્યો હતો. ગંધાઈ રહ્યો હતો -- સડી ગયેલી લાશ જેવો.
હરિલાલ ઝડપથી લિફ્ટ પાસે પહોંચી ગયા. પાંજરામાં પુરાઈ ગયા અને અંધકારમાં ઓગળતા ઓગળતા એ છેવટે નીચેના મજલે પહોંચી ગયા. પાંજરામાંથી બહાર નીકળીને જોયું તો પોર્ચમાં કાર પડી હતી. અને શોફર કારનું બારણું ખુલ્લું રાખીને રોજની જેમ એમની સામે તાકતો ઊભો હતો. શોફર સામે જોઈ એ ફિક્કું હસ્યા. આજે એમને શોફરમાં દત્તુ, શો-કેસમાં ઊભેલું પૂતળું દેખાયું. યંત્રની ગતિએ ચાલીને એ કારમાં ગોઠવાઈ ગયા. કાર સ્ટાર્ટ થઈ અને ધીરે ધીરે મહાનગરના ખુલ્લા મોંવાળા જળચર જેવા લાગતા રસ્તા પર ઓગળવા લાગી. નિયોન લાઇટના અજવાળામાં વહી જતા થોકબંધ ચહેરાઓ, દુકાનો, વાહનોને નિર્લેપ ભાવે તાકી રહ્યા હરિલાલ. એમની રિક્ત આંખોમાં થાક હતો. ઓશિયાળાપણું હતું. ઝભ્ભાના ખીસામાં હાથ નાખ્યો. અને માંદલા ચહેરા પર એકાએક ખુશી મહોરી ઊઠી, કવર પર આંગળીઓ ફરવા લાગી, આંખો મીંચાઈ ગઈ. અને ઘડીકમાં તો ખોવાઈ ગયા એ વિચારોની ગલીગૂંચીઓમાં. પુનઃ નજર સમક્ષ ઊપસી આવ્યું, ભાગોળે ઊડતી ગોધૂલિમાં સ્નાન કરતાં છોકરાંઓ જેવું રમતિયાળ ગામ. સરવા કાને એ મંદિરમાં બજી ઊઠતા મંજુલ ઘંટાધ્વનિને સાંભળી રહ્યા. વાડામાં પુરાઈને ઊભેલી ગાયોના આંચળમાંથી નીકળતી દૂધની સેરોનો કર્ણમધુર રણકાર સંભળાયો. ચૂલો ફૂંકતી બાની આંખોમાંથી રેલાતી પાણીની ધારમાં હાલકડોલક થતું ગામ દેખાયું. અને એ છાણાં વીણીને પાછી ફરેલી ગૌરીના ચહેરા પર વેરાયેલી વાળની લટો નીચે સંતાયેલા નાનકડા છૂંદણા સામે તાકી રહ્યા -- બાળક જેવા કુતૂહલથી...
હરિલાલથી ભારેખમ નિશ્વાસ નંખાઈ ગયો. ગૌરીની યાદ આવતાં જ એમને થયું કે માત્ર પોતાનું ગામ જ નથી ગુમાવ્યું. પણ... પણ... અને પુનઃ પ્રલંબ નિશ્વાસ.
વિશાળ બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશેલી કાર ઊભી રહી ગઈ. હરિલાલ ખીસામાંથી હાથ બહાર કાઢીને કારમાંથી નીચે ઊતર્યાં. થોડુંક ચાલ્યા. બંગલાના પગથિયા પર પગ મૂકતાં જ મસ્તિષ્કમાં બેઠેલું ગામ ધીરે રહીને વેરાઈ ગયું. ખીસામાં હાથ નાખીને ફરી એકવાર કવરને, ગામને એકાદ હળવો ફૂલ જેવો સ્પર્શ કરી લેવાનું મન થઈ ગયું એમને. વિચારોમાં અટવાતા વમળાતા એ આગળ વધ્યા. દીવાનખંડના બારણા પાસે પહોંચતાં જ પગ થંભી ગયા. ચુપકીદીથી ખંડમાં નજર કરી લીધી એમણે. સોફા પર બેઠેલી એમની પત્ની, એની બાજુમાં બેઠેલા હિંસ્ર આંખોવાળા આલ્સેશિયન કૂતરાની રુવાંટી પર હાથ પસવારતી હતી. પત્ની સામે જોતાં જ એમના ચહેરા પર રેલાતી ખુશી ટપ દેતી ખરી પડી. એ એકદમ ગંભીર બની ગયા. અને હાથમાંની સ્ટિકની પકડ મજબૂત કરીને એમણે ખંડમાં પ્રવેશ કર્યો. ~~~ કેમ આજે કંઈ બહુ મોડું થયું!?...
હા,... જરા મોડું થયું!... પત્ની સામે નજર કર્યા સિવાય જ હરિલાલે ટૂંકો જવાબ આપ્યો. અને એ સોફા નજીકની ખુરશી પર બેસી પડ્યા. ખીસામાંથી રુમાલ કાઢી મોં લૂછતાં ઉમેર્યું એમણે. —ચાલો, તમારે કેટલી વાર છે!?...
——મેં તો ક્યારનુંય જમી લીધું...!... શેઠાણીના ભરાવદાર ચહેરાની રેખાઓ સહેજ તંગ બની ગઈ. —બહુ સારું કર્યું તમે. ચાલો, હું પણ જમી લઉં હવે!... કહી હરિલાલે આયાસપૂર્વક હસી લીધું. ઢીંચણ પર હાથ મૂકી, કૂતરાની બે હિંસ્ર આંખો સામે જોતા એ ઊભા થયા. અને અનાયાસ જ હાથ ખીસામાં પહોંચી ગયો. કવરને સ્પર્શ થઈ ગયો. ચહેરો પ્રસન્ન થઈ ઊઠ્યો. એમણે પત્ની સામે જોયું. હોઠ કંપ્યા. અને શબ્દો કણ કણ બનીને ઓગળી ગયા. —ચાલો ત્યારે જાઉં, ને કપડાં બદલી નાખું..!
પત્ની પરથી નજર ખસેડીને હસી લીધું એમણે, અને ઝડપથી પોતાના ખંડ તરફ વળ્યા. ખંડમાં પ્રવેશીને સ્વિચ ઑન કરી. બારણું આડું કર્યું, અને ઝભ્ભો ઉતારીને ખીંટીએ ટીંગાડ્યો. એમને થયું કે હાશ! હવે આજનો દિવસ શરીર પરથી ઊતરીને અહીં - ખીંટીએ ટીંગાઈ ગયો. એ ફિક્કું હસ્યા. અને ઝભ્ભાના ખીસામાંથી કવર બહાર કાઢ્યું. કવરમાંથી પત્ર ખેંચી કાઢ્યો. અને પત્ર સામે અનિમેષ નજરે તાકી રહ્યા, ક્ષણ બે ક્ષણ. અને મન-પંખીએ અતીતાકાશમાં ઉડ્ડયન શરૂ કર્યું –
...વરસો પહેલાં શરણાઈમાંથી રેલાતા સૂર વાતાવરણમાં પૂરા ઓગળ્યા પણ નહોતા. અને લગ્નની પહેલી જ રાતે ભગ્નહ્રદયે એમણે શયનકક્ષમાં પગ મૂક્યો હતો. પલંગ પર બેઠેલી નવવધૂમાં એમને જોવું હતું -- ગૌરીનું નમણું રૂપ. અને એ આગળ વધ્યા. પલંગ પાસે ગયા. અને ઘરેણાંથી મઢેલી એક કાળી પડછંદ કાયાએ એમની સામે જોયું, ને ત્યારે તો રુંવેરૂંવે કોઈક અજ્ઞાત ભય ડંખી ગયો. હૃદયમાં ભારે ઊથલપાથલ મચી ગઈ. એક જ પળમાં સમજાઈ ગયું કે છોકરીના ધનિક બાપે ફેંકેલી જાળમાં એમનો ગરીબ, દેવાદાર બાપ બિચ્ચારો આબાદ ઝડપાઈ ગયો છે... શું કરો છો ક્યારના ઊભા ઊભા ?...
હરિલાલે બારણા સામે જોયું.
બારણામાં બે હિંસ્ત્ર આંખો તગતગી રહી હતી. એ ચોંક્યા. ઝડપથી હાથમાંનો પત્ર ઝભ્ભાના ખીસામાં સરકાવી દીધો. અને આયાસપૂર્વક હસીને સકંપ સ્વરે કહ્યું :
--ગામથી પત્ર આવ્યો છે. જોતો હતો જરા...
–અને એમણે જોયું તો એમના શબ્દોનો કોઈ પણ જાતનો પ્રતિભાવ આપ્યા સિવાય જ એમની પત્ની બારણામાંથી ચાલી ગઈ હતી. ઊંડો શ્વાસ ખેંચીને એમણે ઝભ્ભામાંથી પત્ર બહાર કાઢ્યો, અને પત્ર સામે તાકી રહ્યા. થોડીક વારે નજર ઊંચકીને દીવાલ પર ઢાંગેલી એક નાનકડી છબી સામે જોઈ લીધું. છબી સામે જોતાં જ એમનો ખિન્ન-કુશ ચહેરો પ્રફુલ્લિત થઈ ઊઠ્યો. આંખો હસી ઊઠી, છબી સામે જોતાં એમને કહેવું હતું કે, “જોયું પિતાજી, હવે તો તમે દાદા બન્યા. હા, દાદા દાદાજી...
હરિલાલે ઊંડો સુખભર્યો શ્વાસ લીધો. આંખો મીંચી દીધી. અને બંધ આંખો સમક્ષ ગૌરીનો ચહેરો ઊપસી આવ્યો. એમનાથી બેએક વરસે નાનાભાઈનો ચહેરો ઊપસી આવ્યો. ગૌરી અને નાનાભાઈની પ્રતિકૃતિ સમાન એક નાનકડા ફૂલનો ચહેરો ઊપસી આવ્યો. સહેજ ભીની આંખો ખોલીને પત્ર સામું જોયું એમણે. અને હળવે રહીને હાથમાંના પત્રને ચૂમી લીધો.
(‘વાર્તાલોચન'માંથી)
સ્રોત
- પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 173)
- સંપાદક : રઘુવીર ચૌધરી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999
