કાનજી પટેલ
Kanji Patel
માથે કાળા લાંબા વાંકડિયા વાળ. એવી જ કાળી ચામડીએ મઢેલો એ. ટાયરની કાવળીમાંથી બનાવેલાં સલેપાટ પગમાં. કુહાડોય કાળો. ખભે રૂમાલ. વધારેલા વાળથી એ ભગત જેવો દેખાય. વહેલો પરોઢિયાનો નીકળી ગમજી નાયક ટેકરીઓ, કોતેડાં ને ઝાડવાં વીંધી બે ચાર લાંબડા મારી લાવે. આઠ દસ ગાઉના ઘેરાવામાં ઉજળિયાત લોકમાં જઈ પહોંચે. નાનીમોટી મજૂરી શોધી લે. ડુંગરોમાં એની વસ્તી રમજીની નાળથી ઓળખાય. ભાલોડી કામઠી રાખે. વજનદાર કુહાડાથી કોઈના ખેતરે શેઢેથી ઝાડ કાપી આપે. થોડા રૂપિયા ફૂટી લાવે ને એનું નભે.
એના છાપરે સમી સાંજે સંદેશો આવ્યો કે કાલે ઝાડ વગે કરવા સખીદાસને ત્યાં જવાનું છે. બીજા દિવસે સવારે દહાડો ઊગતાં ઊગતાંમાં એ સખીદાસના બારણે જઈ ઊભો. ત્યાં હજુ દાતણ પાણી ચાલતાં હતાં. ચૂલે ચા તબડતી હતી. સખીદાસ આગલા ઉંબરે આવ્યા ને ગમજીને જોયો.
‘આઈ જ્યો, ગમજી?'
ખાખરાના પડીયામાં ચા પીને ગમજીએ કાકમે ખાંડેલી તમાકુની ગોળ લખોટી માટીની ચૂંગીમાં મૂકી ચૂલામાંથી રાતો ચોળ અંગારો ગોઠવી, આંગળથી ઠપકારી, ફોડીને ગોઠવ્યો. તમાકુ સળગતાં અધવચ ગમજી બોલ્યો,
‘કેટલુંક કાંમ સે? વેળાનું કે અડધી વેળાનું?'
‘અડધી વેળાનું. કરેણીવાળા હેતરમાં નાળિયા પણીં એક હર સે. એ પાડવાનો સે. ગાલ્લાની ઊંધ્યોનો વેત કરવાનો. શંઘટિયાં, ઢોળિયાં કે જે નેહરે એના પરમાંણે વેતરવાનું સે. એના પસીં પેલો ગોળિયો આંબો.'
સખીદાસે પીત્તળની રકાબીમાં ચા રેડીને પીધી. ગમજીને મૂંગી પીતો જોઈ એમણે હોકો ભરી સડસડ ખેંચી કહ્યું, ‘તમારા વડવા ચ્યાંથી આયા એની ખબર ખરી તનીં?'
ગમજી કહે, ‘આખી મલકના ડુંગરે ફરતા ફરતા જ્યાં ઠર્યા તાં ફર્યા, કાંથી નેહર્યા એનું ભાંન મને કે મારા ડોહાને નીં મળે. કેટલી પેડીઓ આ ડુંગરે નેકળી કુંણ જાંણે.’
સખીદાસના બૈરાએ રસોડાના શીકામાં દૂધ આખરતાં કહ્યું, 'પેલો રાંધમાં લેંબડો સે એ યે ટસકાઈ આલજે ભઈ. ચકલાં, હુડા એના પર બેહીનીં શેર દાંણો પાકવા દેતાં નથી.'
‘આ બેવમાં તેર આખો દાહડો જહે.'
સખીદાસ ને ગમજી કરેણીવાળામાં પહોંચ્યા. ‘આ લેંબડો ને આ હર બોલ્ય, ચેટલા લેવા તારે?'
‘પાંસ વીહો પૂરા લેવાના'
‘પાંચ વીહો તો નીં, તેંણ વીહો આલું'
‘નીં બણે શેઠ, મશકીરી કે હું કરો તમે?’
‘ત્રણ વીહું કેયા કે મશકીરી સે?'
આઘાપાછી કરતાં ચાર વીસું કહેતાં એંશીમાં ગમજી હરને કુહાડો ઝીંકી રહ્યો.
કુહાડાનો હાથો ઝાલી, દાંત ભીડી, કુહાડો અડાડી ડાગળા પાડવા લાગ્યો. હર તો ઝટ પડ્યો. પછી વારો આંબાનો. આંબો માંયથી પોલો હતો કે શું પણ એમાં ઘોયરો ભરાયેલો. ટચકા પડે એમ ઘોયરો પોલાણમાં આઘો ખસતો ગયો. પોલામાં ગમજીએ ત્રાંસી નજર કરી જોયું કાંઈ દેખાતું નહિ પણ પેલો ઘોયરો ઊછળીને બહાર આવી એના ટાંટિયે વળગ્યો. સખીદાસે ભૂવાને બૂમો પાડી, ગામમાંથી બેચારને બોલાવ્યા. ગમજી તો આડો સાથરો. લોર વાગ્યું હતું. ગાડે ઘાલી એને દવાખાને પહોંચાડ્યો. કમાણી ને કુહાડો શેઢે રઝળતાં રહ્યાં ને દવાખાને ઝેરના મારણનું ઇંજેકશન, ખાટલો બધું થઈને ખર્ચ બમણો થઈ જાય એવું હતું. બૈરી ઘેર ટકવા દે એમ ગમજીને લાગતું નહોતું.
વેળાસર દવા થઈ એટલે ગમજી ઊગરી ગયો. જીવ્યા ભેગો ભળ્યો. ઘેર બૈરીને બે છોકરાંને ખબરેય એ બીજા દહાડે સાજો થઈને પાછો ગયો ત્યારે પડી. બૈરી કહે, ‘ઘરના રીપિયા મેલવાના થવાના. પાંસ વીહુ લેવાના ને દહ વીહુ અવળા મેલવાના. આ કવાડાનું કામ રેવા દે તેર ગમજી, ઘરમાં ઝેર ખાવા દુકડો નીં મળે. તારી મજૂરી ફૂટીને ઉં તો મરી જવાની.'
ચાર દહાડા પછી મજૂરીથી ગમજી પાછો આવ્યો. સંધ્યાકાળ થયો હતો. છાપરામાં છોકરાં રડે. ઘીરકીને ના ભાળી એટલે એણે છોકરાંને પૂછ્યું, ‘કાં ગઈ તમારી મા? કારની નીં મળે?'
મોટું છોકરું ખૂણેથી રોતું ઊભું થઈ બાપ તરફ આવ્યું : એક જણ આવેલો. આજ બપોરની. કે કે ઉં આવું સું ઘડીમાં.
ગમજીને થયું પાકું : ‘બાયડીને કોઈ લઈ ગયો.'
‘કેવોક હતો એ?’
‘ખાખી તંગડુ ને ખમીસ. ઘોઘળામાં રાતો રૂમાલ ને પાંગોમેં જોડા'
બીજી સવારે છોકરાં લઈ ગમજી સખીદાસને ત્યાં આવ્યો. એની ઊઠક-બેઠક ત્યાં બંધાઈ ગયેલ. એણે એમને બધી પેટ છૂટી વાત કરી. છોકરાંને એક એક રોટલો ને ગમજીને બબે રોટલા ખવડાવી સખીદાસની ઘરવાળી કહે, ‘અમારા હેતરમાં ખોયલે આ સોરાંને તું રે'જો. ગામમાં કાંમ કરજો ને ખાજો.'
ગમજી કહે, ‘અડધા દહાડા કામ મલે તો ય રે'વાનું પોહાય. મારે શીયાંની માને ય હોધી તો કાડવી પડે કે?'
‘એ જઈ તાંથી આઘડી. બે શીયાં મેલીને જઈ. એનો જીવ ચેટલો કાઠો?' છોકરાંને એમની માસીના છાપરે મૂકી ગમજી બૈરીની ભાળમાં નીકળ્યો. ફરતાં ફરતાં સાતંકૂડે આવ્યો. માંહ્યના ફાડામાં ગામ. પગેરું મળ્યું ખરું.
:પેલા ટેકરે, સાપરામાં હુરજીને તાં બે દા'ડેથી નવી બાયડી ભળાય સે'
ગમજી હુરજીના છાપરે પહોંચ્યો. બહાર ઢેકલા પર ગમજીએ ઘીરીને રોટલા ટીપતી જોઈ.
‘એંમ, તું હુરજીને પેઠી? હું તને મારતેલો? ભૂખી રાખતેલો? લૂગડે ઉઘાડી મેલતેલો? તું નાઠી કેમ?'
ઘીરકીએ ઢેકલા તળે લાકડાં સંકોર્યા. કલેડું તપ્યું. રોટલો કલેડાથી છૂટો પડ્યો ને પાસું ફેરવી ઘીરકી ફાટ્યા ડોળે ગમજીને જોઈ રહી. ગમજી દાંત ભીડીને ઠેઠ ઘીરકી પાસે આવી ગયો.
‘લુગડા પેર લુગડું નીં મલે. ખાવામાં કોયલા. બે શિયાંને હું ખવાડું? તું આલે તેર ખવાડું કે? તું પાલવજે તારાં શીયાં.'
‘હાળી, તું નેંનપણથી હુરજી હાથે હેંડતેલી. પે'લે સંભળાયું ઓત તો મારા રૂપિયા તો ખોટા નીં થાત કે?
‘તું આયો એ વાટે હેંડતો થા. ન કે આંય નો આંય તું હમણાં ઢગલો વળી જવાનો. હરજી વગડેથી આવી રયો હમજ'
‘તું બીવાડે એમ? આ ગમજી મારે પર માર નીં ખાય'
‘તું અઈ મરવા જ આયો.’
ગમજીએ ઘીરકીને ઝાલી. ઘીરકીએ કાછડાભેર ઊછળી ગમજીનો હાથ છોડાવ્યો ને મકાઈનો ગૂંદેલો લોટ ગમજી તરફ ફેંક્યો.
એટલામાં સામેથી હુરજ આવતો ભળાયો. હુરજીએ આ નવા આદમીને જોઈ રાડ પાડી, ‘કુણ? આ બાયડીને કેમ હેરાન કરે?’
આ બાયડી મારી સે. મારો દાવો આલ્યો નથી. દાવો આલે તેર તારી કે’વાય. તું કિયા માગલેણામેં મારી બાયડી નહાડી લાવ્યો?
‘પૂશ્ય ઘીરકીને, જબરાઈ કરી? મંતર માર્યા? શેતરી?’
ગમજીને ઘા કાળજે લાગ્યો. થયું.: ઘોયરો કરડ્યો ત્યારે જીવ નીકળી ગયો હોત તો સારું.
‘એક મેર ઘોયરો સોંટતેલો ને બીજી મેર તું નાઠી. શીયાંને જીવાડું કે મારું? આજે માહીને ઘેર શીયાં મેલીને આયો. હૅડ મોરે થા.’
હુરજી કહે, ‘આવતી ઓય તો લેઈ જા. જોર કર્યું તો આ ભાલોડી ભાળી? સરકાવી દે.’
‘હું રમજીની નાળનો નાયેક સું. મને ભાલોડી નીં ભળાવતો' કહેતાં એણે ‘લે લેતો જા.’ ને એક ભાલોડી છોડી. સામે એ જ પળે હુરજીએ છોડી. ગમજીનો ટાંટિયો ને હુરજીનું બાવળું ચરરર લોહી વહાવી રહ્યું.’
બેય વકર્યા. તીર ખેંચી ફેંક્યાં. ગમજીએ ઘીરકી સામે તાક્યું. ઘીરકી કાંપીને છાપરામાં સંતાઈ ગઈ.
‘ઉં નેની સોરી સું? ઉ કેંડી સાલીને આ આદમીને પેહતેલી. ગમલા, તું જીવતો જતો રે’. તારેને મારે કાંઈ નીં.’ સાંભળી ચાર ગમજીના હાથમાંથી કામઠું ને તીર સરી પડ્યાં.
રાંધીને ખવાડે કુણ?
જતાં જતાં ગમજી બોલતો હતો, ‘તારી તે આઇને સરકાવું'
હરજી સાંભળી ગયો, ‘તું મારી આઇને સરકાવે એમ?’ થોડીવાર પછી ઝીણી આંખો કરી કચકચાવી કામઠી પરથી ભાલોડી છોડતાં બોલ્યો, ‘તારી આઈને સરકાવું મારો.’
પડતો-આખડતો ગમજી છોકરાંને માસીને ત્યાંથી લઈ સખીદાસના ખેતરે કરેલા ઓડામાં રહેવા માંડયો. આઠેક દિવસની દા'ડી મજૂરી કરી. છોકરાંને બાજુના ગામમાં ઢોર ચારવા વળગાડવાં એમ વિચારી ઝાંઝરીમાં ગયો. રોટલા સાટે છોકરાં ઢોરા ચારશે ને રહેવા પંચાયતનો ઓરડો મળશે. એક એક જોડી લૂગડાં મળશે, બેઉને બાર મહિને એક ફેરો. છોકરાંને ત્યાં ગોઠવી છૂટા થવાય તો કાંઈ બે પૈસા કમાવા જવાય.
ગમજીને બૈરું કરાવવાની લાલચ આપવા ને દારૂ પીવા બે નાયક આવ્યા. એક વખત છાક કર્યો એટલે વારે આંતરે આવવા પેંધ્યા. ફેરે ફેરે બે વીસુ રૂપિયાનો વટુકાર થઈ જ જાય. આ બધું સખીદાસના ઓડે ખેતરમાં ચાલે.
ઝાંઝરીમાં છોકરાંને કહેવડાવ્યું કે હું તમારી માસીના હાહરાના કાયટામાં જાઉં છું. ફિકર ના કરતા. વાટમાં જતાં વિચાર ફર્યો. રસ્તે જ પેલા બાયડી કરાવનાર ભાંજઘડિયા નાયકોનાં, બેયનાં છાપરાં હતાં, ત્યાં પેસતો જાઉં ને વાત કેટલે આવી એ જાણતો જાઉં. ભાંજઘડિયો ભૂરજી ને મંગો બોરડી તળે બેઠેલા. ગમજીને જોઈ ‘રામ રામ' કરતા ઊભા થયા.
‘નવા જૂની કાંઈ?’ ભૂરજી કહે.
‘તમે હંભળાવો’ ગમજી બોલ્યો.
‘સૂરજીની સોરીનું તમારા વેરે નક્કીનું ગમજી, કેમનો વિચાર સે?' ભૂરજીએ પૂછ્યું.
‘જો નક્કીનું ઓય તો આજે મારા પેશ્યે સાકવાનું આપડે.'
‘મંગાવો તાણી કે લીં આવું ઉં?' મંગો જાગ્યો.
એક વીસુ રૂપિયા લઈને મંગો કોતેડા પર મહૂડાનાં વાસણ ચઢેલાં ત્યાં બે શીશા લઈને ઊપડ્યો. બે શીશાનો શો હિસાબ એકે એક બબ્બે ઠોકી જાય એમાંની આ રકમો હતી.
પીને ગબડ્યા તે સવારે ઊઠ્યા ત્યારે બોરડી તળે સૂરજ એમના પર આવી બેઠો હતો. ઊઠીને ગમજીએ હેંડવા માંડ્યું. અઠવાડિયા કેડ ફરી ગમજીને ‘બાયડી આજે કરાવીએ. કાલે કરાવીએ.’ એવા સમાચાર મળ્યે જતા હતા. પણ છેવટે ભાંજઘડિયાએ હાથ અધ્ધર કરી દીધા.
ગમજી નાયકની વાજાંટોળીમાં પેઠો. અઠવાડિયાના રોટલા ને બે વીહુ રૂપિયા હાથમાં આવ્યા. છોકરાનેય ઢોરાં ચારવાનું મેલીને વાજાં વગાડવામાં ખોસતો રહ્યો. વાજું કાંઈ બારે માસ વગાડવા મળે? દા'ડી મજૂરી મળે પણ ઝાઝી નહિ.
ઝાંઝરીમાં ઢોરાં ચારતાં બે છોકરાંમાંથી મોટો ગલજી. એને ભણવું હતું. પણ કોણ નિશાળે જવા એને છૂટો રાખે. માસ્તરે એને નિશાળમાં નામ ઘાલવા કહ્યું. પણ ગલજી કહે, બાપો ફરતો ફરે છે, ઢોરાં ચારવાનું છોડાય નહિ. છોકરાં પીહા વગાડવામાં, ગાવામાં એક્કા. ઢોલ, દગુડી, થાળી, એમના બાપનાં : આંખો મીંચી ઊંધું ઘાલી એ વગાડે તો ભલભલા રમનારાના ટાંટિયા રમી રમીને થાકી જાય પણ એ ન થાકે. બાપા ગમજીને ઢોલ વગાડતાં, જાનૈયાની બંધ મુઠ્ઠીનો સિક્કો ઢોલી રમતાં ગોળ ઊછળતા કૂદતાં, પડાવી લેતાં પરસેવો પાડતો, ગલજી જોતો હતો.
એ સિક્કો ધૂળમાં દાટી દે તો ફૂંકતા જઈ, ઢોલ વગાડતા રહી નમીને ધૂળમાંથી કાઢી જીભે ચઢાવી લેવાનું ને પેટિયું કાઢવાનું કાઠું હતું. એની ખબર ગલજી ને એના નાના ભાઈને પડી ગઈ હતી.
મા ઘીરકી દાતણ વેચવા શહેરમાં જતી હતી. મધ કાઢી વેચતી હતી, ચોમાસાના પહેલા મહિનામાં ટેકરીઓ પર ફૂટતી કલ્લીની ભાજી વેચવા જતી. ગમજી લોકોના ઘરનાં નળિયાં ચાળવાનું કામ ઉનાળામાં કરી આપતો. આ બધામાં માંડ રોટલા નીકળે. ચોમાસાના ચાર મહિના ખેડૂતોને ત્યાં ભાગિયા રહે તો બસો-ત્રણસો રૂપિયા અને રોટલા મળે. હવે તો મા ય બીજા ઘેર ગઈ.
ગમજીને જીવવા આગોતરી મજૂરી લેવાનું વારે-ઘડીએ થાય. વચમાં ગમે તે ડખો આવે. આ વખતે તો ડખો પૂરો હતો. બૈરી વગર નોધારો, બે છોકરાં ફેરવીને થાક્યો હતો. ક્યાં ગાળવો થાક? જંગલમાં? ગામમાં? કાળી મજૂરીમાં?
ડુંગરમાં જંગલખાતાવાળા વિતાડે. ખરેલાં લાકડાંના ભારા બાંધી વેચે તોય ઝાલે.
ઘર કરવા કે પેટ ભરવા ઝાડ કાપવાનું નહિ. આ ઉનાળામાં છાપરે એકલો હતો. એ આખા બે મહિના કોઈ દાડી મજૂરી ન મળી. એટલે એણે સાગડાનાં ઠૂંઠાં કાપી, ખાડામાં બાળી, દડથી ઢાંકી કોલસા પાડીને કોથળે ભરી શહેરમાં વેચવાનું કર્યું.
કૂકડો બોલતાંની વેળા કોલસાની ગૂણ માથે મૂકી, મોટી મોટી ફાળો ભરતો ગમજી સાત આઠ રૂપિયા તો સહેજે ય મળશે એવી આશાએ નીકળ્યો. જંગલ ખાતાના બીટ ગાર્ડ શહેરની ભાગોળે સંતાઈને, આવા કોલસા લઈને આવી વેચતા લોકોને પકડવા, તાકીને બેઠા હતા.
અંધારામાં દબાતા પગલે ગમજી ચાલતો હતો ત્યાં બીટ ગાર્ડે એને બૂમ મારી, ‘ઊભો રે, ચાલ ઓફિસમાં.'
ગુણ ફેંકી ગમજી નાસવા માંડ્યો પણ થોડે આગળથી બીજો બીટ ગાર્ડ સામો આવ્યો. એણે ગમજીને બાવડે ઝાલ્યો. મુદ્દામાલ સાથે કેસ કર્યો. પોલીસે ફટકાર્યો. ચાર દહાડા કસ્ટડીમાં રહ્યો. પાંચમા દિવસે કોર્ટમાં રજૂ થયો. મહામુસીબતે સખીદાસને સંદેશો મોકલી, બોલાવી એમની જામીનગીરીથી છૂટ્યો.
કેસ હજુ ઝૂલતો હતો.
પાછો છાપરે ગયેલો ગમજી એક ગોદડીનો ગાભો, માટલી, છવડો, કલેડું, કુહાડો, એક કોથળામાં ભરી માથે મૂકી જાંબુઘોડા બાજુ ચાલી નીકળ્યો.
અહીં પણ એના જેવા જ ચામડીવાળા, વેશવાળા, છાપરાંવાળા નાયક. જંગલમાં રહે તોય જંગલમાં કોઈ લાગભાગ નહિ.
ભોંય હોય શેની? ઝાડને અડ્યા તો મર્યા, ભોંય ખેડી તો ખેર નથી. જંગલમાં મજૂરી નથી. ગામે-શહેરે પોસાતું નથી. ભણતર ઊકલ્યું નથી. ડુંગરામાં છાપરું હતું. એમાં બૈરીય ન મળે. રાંધવા લોટ નહિ. છોકરાં રોટલા સાટે, એક જોડ લૂગડાં સાટે બાર મહિના ઢોર ચારે.
ક્યાં જવું? કયા પથરે માથું કૂટવું? કોને કહેવું? માણસો, પણ કયા? કાળાને કોઈ ઓળખવા માગતું નથી. કેટલાં કામકાજ કર્યાં. કાળાં ડિલ. એમાં રાતા રાતા લાળા. એક દારૂમાં ટઢવાય તો પણ ચઢેલો દારૂ ય ઊતરી જાય છે. ભૂખ વળી વળીને લાગે છે.
છાનાંછપનાં જીવડાં મારી અંગારે શેકી ખવાય પણ ધાન વગર ચાલે? ઘણું ભમ્યો. હવે ભમવું નથી.
ગમજીમાં ઘમસાણ મચ્યું હતું. નથી વસતિમાં જવું. નથી શહેરમાં જવું. આ જંગલ સંઘરે તો ઠીક છે. જૂની જળી ગયેલી પોતડી પર ખાખી ખમીસને ધોયે ચારેક મહિના થયા હશે.
છોકરાં, બૈરાંને સંભારીને શું?
ના ડુંગરે સખ્ખે રહેવા મળે ન ગામમાં. જીવવું તો પડે કે? ગમજીના માથામાં તીર છૂટતાં હતાં, ‘આ ડુંગરો અમારા હતા એક જમાનામાં. અમારે હાથ લાંબો કરવાના દિવસો આવ્યાં, ક્યાં ગયાં રાજ? આ ભૂખ ને ભીખ મારી ઊભી કરેલી નથી. મારા ડુંગરાને બાથ ભિડાતી નથી.'
ગમજી ચાલતો હતો. માથે કોથળો હતો.
એક દહાડો આ નવા ડુંગરો વચ્ચેથી નીકળેલી રેલના પાટા જોયા. એણે જોઈને દાંત ભીડયા. આ પાટે પાટે રાજ આવ્યું. આ પાટે પાટે રાજ ગયું. આ પાટા તોડી નાખું.
કોથળો નીચે ઉતારી, ખોલીને એમાંથી કુહાડો કાઢી વીંઝતો ગયો. લોઢાને વીંધતા ટચકા પાટા પર પડવા લાગ્યા. કુહાડાના ઉપરાછાપરી ઝીંકથી પાટો વેગળો કરી દીધો, હવે રેલવે આવશે કેમની? દોડતો જઈ ગમજી ટેકરે ચઢયો. મોટા સપાટ પથ્થર પર આડો પડ્યો. આ ડુંગર મારે તો કોટે મારવા નથી. પણ એમાં મારું કશું નથી. ગમજીના માથામાં તારામંડળ જેમ ઊછળતાં ફૂલો ઊડતાં હતાં.
‘હવે બંધ થઈ વાટ રેલ પાટાની.' સપાટ પહાણા પર એ આડો પડ્યો ત્યારે રાત ભાંગતી થઈ હતી. લૂસ કાયા હળવે હળવે આકાશના દરિયે તરતી હતી. પથ્થર પર આડા પડેલા ખોળિયામાંની આંખો તારા ગણતી હતી, આડા થયેલા પાટા પર ફરી એક વાર નજર માંડી.
પથ્થર પર બેઠા થઈ, ફરી પાટા, પાટાની પેલી પાર જોઈને ગમજી બોલ્યો, ‘આવો તમારી... એકે એકને ટચકાવું.'
સ્રોત
- પુસ્તક : ડેરો (પૃષ્ઠ ક્રમાંક 37)
- સર્જક : કાનજી પટેલ
- પ્રકાશક : દર્શક ફાઉન્ડેશન
- વર્ષ : 2008
