ઉમાશંકર જોશી
Umashankar Joshi
શાંતારામને જિંદગીમાં કશું અણમાણ્યું રહ્યું ન હતું. કરકરિયાવર બાપદાદાના વટ પ્રમાણે કર્યા હતા ને ઘરબારણું ઊજળું રાખ્યું હતું. પાંચ પુછાતા માણસમાં એમના બોલનું હંમેશાં વજન પડતું. સિંહસ્થ વરસમાં, રહી ગયેલી તે, બદરીકેદારની યાત્રા પણ પતાવી લીધી હતી. છતાં કોઈએ એમને ‘હવે તો ભગવાન મોત મોકલે તો સારું’ એમ બોલતા કદી સાંભળ્યા ન હતા. એમના હૃદયમાં કોઈ પ્રબળ ઇચ્છા પ્રવર્તી રહી હતી, જે મોતને ઉંબરો ઓળંગીને અંદર આવવા દેતી ન હતી.
પોતાની પાંચે દીકરીઓને એમણે સારે ઠેકાણે ‘નાખી’ હતી. પછવાડિયો, સૌથી નાનો, પાંચ બહેનો વચ્ચે ખોટનો એકનો એક ભાઈ કિસન, એય સારા ઘરની વહુ પામ્યો હતો. કિસનની લીલી વાડી જોઈ આંખ ઠારવાની આશાએ શાંતારામ ડોસા બુઢાપાનો ઢસરડો કરતા હતા. શાંતારામને પૂરાં પાંસઠ થઈ ગયાં પણ એમને દાદા કહી મૂછી ખેંચતો, કાલુંકાલું બોલતો, લાકડી પડાવી લઈને ઘોડો કરી દોડી જતો, પૌત્ર દેખવા ન મળ્યો.
પૌત્રીઓ બે હતી. બહુ જ મીઠી હતી. શાંતારામને પણ શરૂઆતમાં એવી લાગતી. પણ પાછળથી એમને કોણ જાણે કશો રસ ન રહ્યો. ત્રીજું બાળક પણ પહેલાં બેની જ જાતનું જોઈને તો એમને કિસનનાં બાળકો માટે રીતસર કંટાળો જ આવવા માંડ્યો. સુખમાં ગયેલી આખી જિંદગી પર શોકની છારી ફરી વળવા લાગી. શાંતારામની દીકરીઓ – જે જીવતી હતી તે – ને કે કિસનને પોતાને કુળદીપકની તાલાવેલી ન હતી એટલી ડોસાને હતી. ઊલટું એ લોકો અધીરપ નહોતાં બતાવતાં એથી ડોસાને ચીડ ચડતી. ધીમેધીમે ડોસાનો જીવનઉલ્લાસ સાવ ઓસરી ગયો, ઉમંગભેર ચાર માણસ વચ્ચે વાતોના તડાકા ચલાવતા એય બંધ થઈ ગયું; ને મૃત્યુ માટે બીજી બધી તૈયારી પૂરી થઈ જવા છતાં પૌત્ર જોવાની તીવ્ર વાસનાને લીધે મૃત્યુ કડવુંવખ થઈ પડ્યું.
ડોસાની ઉંમર વધતી ગઈ તેમ નિરાશા પણ વધતી ચાલી. ચોથું ને પાંચમું બાળક પણ અણગમતું જ હતું. ચોથીવારની દીકરી નસીબદાર તે કળજગનું પાણી સુધ્ધાં બોટ્યા વગર ચાલતી થઈ. હવેનું બાળક તે દીકરો હશે એમ શાંતારામને શ્રદ્ધ હતી. ‘અમારા વંશમાં એમ જ બનતું આવ્યું છે!’ કહીને તે વંશાવળી ઉખેડતા. ખરી વાત તો એ હતી કે માત્ર એમને ત્યાં જ પાંચ દીકરી કેડે કિસન અવતર્યો હતો. બાકી એમના વંશાવળીના જ્ઞાન પ્રમાણે પણ પહેલાં ચાર પેઢી ઉપર અને બીજું સાત પેઢી ઉપર એ પ્રમાણે બન્યું હતું. છતાં આશા અમર છે કહીને કોઈ ડોસાની વાતમાં અવિશ્વાસ બતાવતું નહિ.
શાંતારામને કોઈ કોઈ વાર થઈ આવતું કે પોતે ભરસુખમાં હતા ત્યારે જિંદગીનો અંત આવ્યો હોત તો કેવું સારું? અત્યારે આમ ભવિષ્યની મૂંઝવણથી પીડાવાનું તો ન રહેત. અત્યારે તો જાણે આખી ઉંમરની ઊઠવેઠ એળે ગઈ એમ એમને લાગતું હતું. છોડીઓ છે તે તો કાલ ઊઠીને પારકાંનાં ઘર સંભાળશે. આ ઘરબાર ને સાહ્યબીનું તો કિસન પછી કોઈ જ નહિ ને?
પડોશીને ત્યાં લીલાલહેર હતી. પડોશીએ કદી શાંતારામની છૂપી ગ્લાનિથી હરખાઈને ડોસાને ગુસ્સાનું કારણ આપ્યું ન હતું. પણ મારી લાચારીથી એ રાજી થાય છે એમ માની લઈને શાંતારામ ઘણી વાર ધૂંધવાઈ જતા ને ન બોલવાનું બોલી પણ બેસતા : ‘મારી પૂંજી તમારે ખાવી છે, તમારે!’ અને બહુ કોપાયમાન થઈ જાય ત્યારે કહેતા, ‘મારા કિસનને કહીશ કે તારી પછવાડે ઘરમાં તણખો મૂકતો આવજે, પછવાડે!’ પોતાના બોલવામાંથી એકાદ શબ્દને ભારપૂર્વક છેવાડે લાવીને દાંતના કચકચાટ સાથે વાક્ય પૂરું કરવાની આખરના દિવસોમાં એમને ટેવ પડી ગઈ હતી. ન હોય ત્યાંથી દુઃખી થવાનું કારણ એમને મળી આવતું. એમાં પડોશીના છોકરાની પાંચ દીકરા વચ્ચે ખોટની, ‘જોઈતી’ એવું લાડકું નામ પામેલી, દીકરી કોક વાર નમતા બપોરે અજબ મધુરા કંઠે ગાઈ બેસતી કે —
લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું
પગલીનો પાડનાર દ્યો ને...
ત્યારે ડોસા એકદમ ખિજાઈ જતા અને રડી પણ પડતા. જોઈતી એની મેળે ગાયે જતી :
ધોયોધફોયો મારો સાળુલો
ખોળાનો ખૂંદનાર દ્યો ને...
શાંતારામ એક વાર તો એટલા ધૂંવાપૂંવાં થઈ ગયા કે એમણે અડધું ગામ સાંભળે એવી બૂમ પાડી : ‘જો, આ ધોયકાણું દેખ્યું છે, ધોયકાણું?’ પણ જોઈતી એનું નિર્દોષ ગાણું ઓછું બંધ કરવાની હતી? કંટાળીને શાંતારામ એમના ખાટલા પર પરસાળમાં બેઠાબેઠા મનશું ગણગણતા : ‘શું સમજે છે એ કાળમુખી? કાંઈ મારા કિસનને વાંઝિયામેણું ઓછું છે? દીકરીએ દીવો રહેશે, દીકરીએ!’
કિસનની વહુને બાળક અવતર્યું ત્યારે રાત પડી ગઈ હતી. કોઈએ પાડોશમાંથી થાળી વગાડી ને આખા ફળિયામાં વધાઈ ફેલાઈ ગઈ કે શાંતારામને ત્યાં દીકરો આવ્યો. ‘લે બાપ, જોઈતી!’ કહીને ડોસા દોડી આવતી જોઈતીને, તાકડે પોતાના હાથમાં હતી તે, સોનાની સાંકળીમાં ગૂંથેલી, રુદ્રાક્ષની માળા આપવા જતા હતા, તેવામાં અંદરથી એમની મોટી દીકરી ગોમતી બહાર આવી અને ખિજાઈને બરાડી ઊઠી : ‘કેઈ રાંડે થાળી પીટી એ?’... અને પછીનાં એનાં લાખલાખનાં એકેકાં વેણ તે તો ન સંભાર્યાં જ સારાં. શાંતારામનો હાથ થંભી ગયો. હૃદય પણ થંભી ગયું કે શું, એવી ક્ષણભર ભ્રાંતિ થઈ. જોઈતી ડઘાઈ જઈને દોટ મૂકીને નાઠી.
ત્યાર પછી શાંતારામની સ્થિતિ વધુ કથળી. વિધાતાએ ડોસાનું મોત બગાડવાની જ પેરવી કરી હોય એમ લાગતું હતું. હવે તો ડોસાના બોલવામાં પણ ધડો રહેતો નહિ. કિસનની વહુને સીધેસીધું સુણાવતા : ‘કભારજા, વંઠ્યાં તારાં વેતર!’ રસ્તે જતું કોઈ સાંભળતું તો કાનમાં આંગળી નાખી દેતું. કોઈ ડોસાને કદી છેડે કે ‘કાકા, વંશવેલાનો અમરપટો લખાવવો એ તે ઓછી આપણ માણસના હાથની વાત છે?’ તો શાંતારામ એને સામેથી ચોંપતા : ‘હા, હા. હું બધુંય જાણું છું. મેં કંઈ ઓછા શિયાળાઉનાળા જોયા નથી! પેલા ગોરધનને ત્યાં છછ છોકરીઓ પછી દીકરો ક્યાંથી ઊતરી આવ્યો? ભૂરી ઠાકરડીની સાથે અદલાબદલી કરી હતી એ જ કે બીજો? મારી પાસે તે શીદને બધું બોલાવો છો? એના ડિલનો રંગ જુઓ, કાળો શાહી જેવો, અને મોઢાની મોકળાશ જુઓ! ગોરધનનું એક્કે એંધાણ છે? ક્યાં બધું અત્યારે મારી કને ઉખેળાવો છો? અમારે એવું નથી કરવું એટલે જ તમારા જેવાને અમારી નાનમ ભણી આંગળી ચીંધવાનું મન થાય છે ને? થાય ભાઈ, થાય!’
ડોસાની તબિયત લથડતી ગઈ. ઉંમર પણ હવે ઓછી થઈ ન હતી. પણ એ તો કહેતા કે : ‘અમારામાં કાચાં મરણ થયાં જ નથી’ અને દવાદારૂ લેવાને બદલે ‘અમારે અમારી જૂની ઘૈડિયાશાહી દવા ભલી!’ કહી ભૂવાજતિને બોલાવતા. અને પોતાની બીમારીને બહાને કિસનની વહુને દીકરો અવતરે એ માટે ભૂવાઓને અને જતિઓને કાકલૂદીપૂર્વક વિનવણી કરતા.
ધીમેધીમે શાંતારામના જીવનનો અંત પાસે ને પાસે આવવા લાગ્યો. કોઈ ભલી લાગણીનો ભૂવો કે જતિ એમને માટે કંઈ કરવા જતો તો એ બોલી ઊઠતા : ‘મને તો શું થયું છે? હું એમ કાંઈ ઓછો મરવાનો છું. મારા કિસનનું રૂડું જોયા વિના? એની વહુની કાંઈ કરો, વહુનું!’
પણ ધીમેધીમે શાંતારામને પણ મનમાં વસી ગયું કે પોતાને ખરેખર કુળદીપકનું મોં જોયા વગર જ ચાલ્યા જવું પડશે. અને આંખો મીંચાઈ જાય એવાં સર્વનાશનાં ચિત્રો એમની દૃષ્ટિ સમક્ષ તરવરવા લાગ્યાં. કિસનની પછી આ બધું પરંપરાનું ઘરબાર, પાઈપૈસો વગેરે ફનાફતિયા થઈ જશે, અને એ એવું થઈ જશે એનું ચિત્ર જોવા પોતાને જીવવું પડશે, એ વિચારે એમના મોતની બધી મજા બગાડી દીધી. એના કરતાં તો કિસને ન હોત, હુંય ન હોત, બાપદાદાય ન હોત તો સારું એવા વિચારો એમના મનમાં ઘોળાયા કરતા. ભૂતકાળ સાથે સંકળાયેલાને પોતાની જોડે સારું ભવિષ્ય ગંઠાય એવી વૃત્તિ જાગે છે એનો શાંતારામનું મન પુરાવો બની રહ્યું.
નાથુ ભૂવો ડોસાના કાનમાં એના જાડા હોઠ વચ્ચેથી ગણગણતો : ‘જીવી જાઓ, રામજી, ને કનૈયાકુંવરનું મોઢું ભાળીને કળજગનાં સો પૂરાં કરો! નાથુની ફૂંક હજી લગણ તો માતમજી મારી માએ પાછી ઠેલી નથી.’
પણ શાંતારામની મનોદશા બધી બાજુથી પિલાતી હતી. હવે જો કોઈ આવીને કહેશે કે કિસનને દીકરી આવી તો ગાંડા થઈ જવાશે એમ એમને – અર્ધા ગાંડા હતા એ સ્થિતિમાં પણ – દહેશત લાગતી હતી. એમના મનમાં જેટલી તીવ્ર વેદના હતી તેટલી બીજા કોઈનામાં ન હતી એટલું જ નહિ, પણ એમની વેદના સમજવા પૂરતી પણ ઓછામાં સૂઝ હશે. પણ એમ તો દુનિયામાં કેટલાયે માણસોની કેટલીયે વેદનાઓ અણબૂજી ને અણપંપાળી શમી જાય છે.
નાથુ ભૂવાએ એક દિવસે ડોસાના કાનમાં મજાનો ફફડાટ રેડ્યો : ‘આઠમો જાય છે, રામજી! મહિનો જીવી જાઓ તો તમારું મોત સુધરશે, બીજું શું? માજીએ મને શમણું દીધું કે મારી ડાંગ તમારા કનૈયાએ સંતાડી દીધી?’
શાંતારામ અરધું સંભળાય, અરધું ન સંભળાય એમ લવ્યા : ‘એ કનૈયો સ્તો! ક્યાં જસોદાના પેટનો જણ્યો હતો? દુનિયા તો કે દા’ડાની સૌની આંખોમાં ધૂળ નાખતી આવી છે.’ નાથુ ભૂવાએ એક પયગંબરને છાજે એમ ભવાં ઊંચાં કરીને પોતાના મનમાં જ કહ્યું : ‘એવું હતું તો ડોસા, પહેલેથી બોલતાં શું થતું હતું? અત્યાર પહેલાં તો ત્રણ વાર જોગવી દીધું હોત તો!’ અને આ ટાંકણે બાજી હવે હાથમાં ન હોય એમ હથેળી વડે એણે કપાળ લૂછ્યું.
કિસનની વહુને દિવસ પૂરા થતા આવતા હતા ને બીજી બાજુ ડોસાની તબિયત સાવ બગડતી જતી હતી. ખબર જોવા આવનારું ડોસાની સુખભરી જુવાની ને જિંદગીભરની સાહ્યબી વિશે વાતો કરી, ‘એક કિસનનું સારું જોવા ન મળ્યું’ એટલો અમથો આડઇશારો કરતું. બીજાને શું ખબર પડે કે શાંતારામના મનમાં છૂપી શી વેદના હતી? પોતાની અંદરથી ઉદ્ભવેલો પ્રાણપ્રવાહ થોડેક જઈને થંભી જતો જોવો એ મરતી વખતે કેવું વ્યથાકર છે એ સ્વાનુભવ વગર બીજાંને શી રીતે સમજાય?
ડોસાને ભોંય પર ઉતારે એવી સ્થિતિ હતી. સૌ સ્તબ્ધ થઈને બેઠાં હતાં. ત્યાં અંદરના ઓરડામાંથી કોઈ આવીને ટોળામાંથી ચાર અનુભવી બાઈઓને અંદર બોલાવી ગયું. કોઈક ગણગણ્યું : ‘કેમ, કિસનની વહુને ઠીક નથી?’
શાંતારામના હાથની નાડી ઝાલીને વૈદ્ય બેઠા હતા. ‘ખસી!’ એમ નાડીપારખુ બોલે છે ત્યાં એક બાઈએ આવીને વધાઈ આપી : ‘રામજી, કિસનની વહુને દીકરો આવ્યો!’
કોઈ કહે છે કે એ વખતે નાડી પળવાર છટકીને ઠેકાણે આવી અને શાંતારામના હોઠમાં અર્ધસ્ફુટ શબ્દો આવ્યા કે ‘શીદને મારી, મરતી વખતે, દુખિયારાની મશ્કરી કરો છો?’
પણ અર્ધશોક અને અર્ધઉલ્લાસના એ વાતાવરણમાં નીચેની ટીકાઓ તો ઘણાંએ સાંભળી હશે :
‘લો, આ આટલું સુખ કમી હતું તેય ડોસા પામીને મૂઆ!’ કોકનો અવાજ આવ્યો. બીજું કોઈ બોલ્યું : ‘ડોસાએ ખોળિયું બદલ્યું, મારા ભાઈ! આગલા ખંડમાંથી અંદરના ખંડમાં ગયા, એટલું!’
સ્રોત
- પુસ્તક : શ્રાવણી મેળો (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2019
- આવૃત્તિ : પાંચમી આવૃત્તિ
