મનોહર ત્રિવેદી
Manohar Trivedi
તેને ઊંઘ ન આવી. તે જાગતો રહ્યો. આખરે ચૂંગી પણ કેટલી ઘડી ટેકો આપે? પોતે ય આ ચૂંગીની જેમ ધીમે ધીમે, નિસ્તેજ, થતો જતો હતો – દમ વગરનો. બજર હોય તો દમ મારી હકાયને? : તે બબડ્યો: આશા હતી કે ચૂંગીમાં બજર ભરીને ઘૂંટ ઉપર ઘૂંટ લેવરાવનારી મળશે. જાવા દ્યો ઈ વાતને. પદડીમાં યે બજર ખૂટી ગઈ છે. ચૂંગીમાં યે થઈ રહી છે. માત્ર એની રાખ બાકી છે. તેણે હોઠ ફફડાવ્યા: રાખ જ બાકી છે.
સુંદર સમય પસાર કરવા માગતો હતો. રાત તો હજી અરધોઅરધ બાકી હતી. તેણે આકાશ સામે જોયું. ભીતરના ડંખને ભૂલવા માટે, સમય પસાર કરવા માટે મનને બીજે ક્યાંક વાળી દેવું જોઈએ. એને યાદ આવ્યું: એની બા એ નાનો હતો ત્યારનો એક પ્રસંગ વારંવાર કે'તી-
એક વખત એને જામરો થયો'તો પગમાં. કાંટો વાગ્યો'તો અને એમાંથી પાકેલો. મંગળવારે કે દીતવારે જામરો નથાય. બાએ કહ્યું'તું: જો જે તો ખરો. સવારે તો ઘોડા વાળતો થૈ જાશઃ એણે તે રાતે જામરો ન નાથવા દેવા ઓછા ધમપછાડા કરેલા? ખૂબ જ ટાંટિયા ઊછાળેલા. બાના હાથમાં, ડાકણની જેમ ડારતી દોરો પરોવેલી સોય હતી. હજી તો બા, અમથું જરીક અડે ઈ પે'લા તો પોતે બૂમબરાડા શરૂ પણ કરી દીધેલા: દુખે છે, બઉ દુખ્ખે છે... મારે નથ નાથવો જામ્...
બાએ, મોટીબેન અને દાદાને સહારે પગ પકડયો'તો અને અંબોડામાં ભરાવેલી સોય કાઢતાં બોલી'તી. બાઃ બઉ દુ:ખેને, તંઈ છાપરાની આડી વળિયું ગણિયેંને, તો પીડા વગડા ભેળી થૈ જાય: અને તે પોતાની માના જાદુઈ શબ્દોથી ભોળવાઈને કેવો શ્-શ્-શ્ કરતો જોર જોરથી ઓલી વળિયું ગણતો'તો એક-બે-તણ્ય-શ્-શ-પાંચ-છો-શ્... : દાદા અને મોટીબેન અને આજુબાજુમાં ઊભેલાં સૌ હસતાં હતાં. બા સોતે.
તે એકલો એકલો મનોમન હસી રહ્યો. તેને લાગ્યું, બાની વાત આજે યે એટલી જ સાચી લાગી રહી છે. દુઃખને ભૂલવા ગણવાનું શરૂ કરવું જોંઈ. શું ગણવું જોઈં? શું ગણીએ તો આ માયલી પીડા ભૂલી હકાય? આજુબાજુનાં મકાનો? દીવાલો? વળિયું? નળિયાં? તારા? વીતેલા દિવસો? હા. વીતેલા દિવસો ગણવા જોઈએ. એને માના શબ્દો યાદ આવ્યા: ગણિયેં તો પીડાને ભૂલી જવાય?
ચૂંગી પીધા વિના ચાલે એમ નો'તું.
તે ઘરમાં ગયો. તેણે અંધારામાં ભાલિયો શોધી કાઢ્યો. થોડા ભભડાટ સાથે વૃદ્ધ માતા બોલી: અટાણે શું કરે છ, સુંદર?
:બજર:
મા ફરી પાછી સૂઈ ગઈઃ પણ અટાણેઃ? એમ કહીને. સુંદરે ભાલિયામાંથી બજર કાઢીને કપડાની પદડીમાં ભરી. ફરી પાછો ફળિયામાં ઢાળેલા પોતાના ખાટલામાં આવીને બેઠો. દાબી દાબીને ચૂંગીમાં બજર ભરી. સળગાવી, પીવા લાગ્યો. ગુંજામાં પદડી અને બાકસ મેલ્યાં. પછી લંબાવ્યું ને ધુમાડાના ગોટામાં વીતેલા દિવસોને ગણી રહ્યો.
ધૂળી નિશાળેથી આવતા ઈ અને કમુ નાનપણમાં ઝગડ્યાં હતાં. એટલે કાંઈ કારી ન ફાવતા એણે આવેશમાં ને આવેશમાં આમ... આંગળી એવી તો કરડી ખાધી હતી.. એ દિવસને યાદ કરતાં, અત્યારે પોતે પોતાની આંગળી કરડી લીધી છે, એનો ખ્યાલ આવતાં તે એકલો જ ખખડી પડયો.
સામેની ઓશરીમાંથી વૃદ્ધ માતાએ ખાંસી ખાધી. વિધવા ફઈ પોતાની ખાટલીમાંથી ઊઠીને પછવાડેના વાડામાં ગયાં, આવીને પાછાં સૂઈ ગયાં. સૂતાં સૂતાં બોલ્યાં: એલા, સુંદર. અટાણ હુધી જાગ સ કે બક સ? : જવાબની અપેક્ષા રાખ્યા વિના જ તેમણે પોતાના ખાટલામાં લંબાવ્યું. જુની સડી ગયેલી કાથીના ખાટલાએક ક્ ડ્ ડ્ –ક ડ્ ડ્ ડ -ના શબ્દો ઉચ્ચાર્યા. ફરી રાત્રિની અશબ્દ નીરવતામાં એ સ્વર તેના કાનમાં આવીને શમી ગયો. તરંગનું ઊઠેલું કુંડાળુ ફરી લોપાઈ ગયું.
ક ડ્ ડ્ – ક ડ્ ડ્ ડ જેવો, ન ગમે એવો કર્કશ લાગતો ધ્વનિ પણ આજે, અત્યારે એને ગમી ગયો.
રોંઢો થવાનો વખત હતો. પોતે બાજરાના લચી પડતા ખેતરમાં 'હઈ હઈ હૂર્ ર્ ર્'ના પડછંદા દશે દિશામાં પાડતો, ગોફણમાં ગોળ ગોળ પથ્થર મૂકીને, બેચાર વાર ઘુમાવીને એક પાંગરૂ છુટું કરીને ઘા કર્યે જતો'તો, પંખીને ઉડાડવા પોતે ઊભા કરેલ માંડવેથી. પંખી ઉડાડવાનું તો નર્યું બહાનું. એને બદલે ઓલું રેશમી પંખી ઊડીને પોતાને માંડવે આવે એ જ એના મનની ગોઠવણ હતી.
ને કમુ આવતી છાનીછપની. તેને ભાળીને ઈ આજુબાજુના મોલને ઓઢીને સૂઈ જતો, સંતાઈ જતો. કમુ આમતેમ જોયા કરતી. તે ક્યાંય દેખાતો નંઈ. કમુ બરાબરની ચિઢાતી. તે એના લાલાશભર્યાં ગુસ્સાળુ પરિવર્તનો જોયા કરતો. હસતો. અન્તે, જ્યારે એકાદ હળવી ગાળ ચોપડી દેતી ત્યારે જ પ્રગટ થતો. તે દિવસેય એવું થયેલું. કમુએ બૂમો પાડવા છતાંય એ ન આવ્યો. આખરે એકાદ-બે લચ્છાદાર સુણાવી અને સાથે સાથે ચાલ્યા જવાની ધમકી આપી ત્યારે જ તેણે માંડવેથી ઊતરી રહેલી કમુને પકડી લીધી હતી. : અરે જાતી'તી તે ક્યાં? નો ભાળી હોય મોટી જાવાવાળી, આજ ઠીક સાંપટ્યમાં આવી છ. આ પાગરાંથી એવી તો જકડી લૈશ કે મા'દૈવેય ભીલડીને.... : ને એના બેઉ હાથ કમુની કેડ્ય ફરતા વીંટાઈ વળ્યા'તા. કમુએ પ્રતિકાર કર્યો'તો. તેણે કોઈ કારી નો'તી ફાવવા દીધી. નાજુક માંડવો એ વખતે ‘કડ્..કડ્ ડ્ ડના અવાજ સાથે હિંચોળાતો બન્નેને હેઠાં લઈ આવેલો. એની સામે એ દશ્ય ફરી ફરીને ભજવાતું હતું. ઊંઘમાં ફઈએ પડખું ફેરવ્યું. કાથીના ખાટલાનો એ જ શબ્દ કડ્ ડ્ :
તેની વિચારતન્દ્રા તૂટી. દાદાએ એની પાસે આવીને હાંકલો ન કર્યો હોત તો, ગાય અને બળદોને લઈને પ્રહર ચારવા જવાનું છે એ તેને ન સાંભરત. તે ઊઠ્યો. ગમાણ ભણી વળ્યો. ઢોરની ડોકેથી સાંકળ છોડી. બડિયાથી ડેલા તરફ વાળતા બબડયો: બા કે'તી'તી તો ખરી, વળીયું ગણવાથી પીડા ભૂલી જવાય. એ વાત સાચી હશે, જામરા માટે. પણ આ વીતેલા દિવસોને ગણવાથી તો ભુલાવાને બદલે બમણી જ ઊતરતી જાય છે!
છેલ્લા પ્રહરની રાત્રિના આછા અંધારભર્યા રસ્તામાંય તે ગત દિવસો ગણવાની પ્રક્રિયામાંથી નહોતો છૂટી શક્યો. આડે કેડે જતી ગાયને ડચકારતાં બોલ્યો: મનને ના પાડ્યે રોકાતું હોત તો દુઃખ જ ક્યાં છે દુન્યામાં:
વળી વળીને કમુના જ વિચારો. એ વિચારો અને આ ઊઘડતી સવારને ગમગીન બનાવી રહ્યા.
એનું ય કંઈ ન ચાલ્યું, કમુનુંયે કંઈ ન ચાલ્યું. બીજે ઠેકાણે કમુ માટે માબાપે વેણ આપી દીધેલાં. વટ અને વે'વારને દીકરી શું સમજે?
એ બારતેરની ભોળી અણસમજુ બાલિકા હશે ત્યારે બીજી બેનપણીઓની સાથે વ્રતઊજવણી કરવા જતી નદીકાંઠે, પીપળા નીચે આવેલા શંભુને દેરે. ત્યારે એ ક્યાં જાણતી'તી કે સુંદર કલ્પનાઓ ને કરગઠિયાંની જેમ સુકાતી મેલી દેવી પડશે. રુદિયાની વાત ભોળા મા’દેવને કે'વી સરળ છે એટલી સરળ તા બીજે ક્યાં મળવાની? સુંદર મોટો હતો. સમજતો'તો. તેમ છતાં :ભૂલી જા : એમ એય ક્યાં કઈ શક્યો'તો?
ઢોરને નદીકાંઠે ચરવા મૂકી દીધાં એણે. ચારે પા એક અછડતી નજર કરીને એ શિવાલયને ભાંગલે ઓટલે આવીને બેઠો. પછી ચૂગીમાં બજર ભરી. સળગાવી. ઘૂંટ ઉપર ઘૂંટ લેતો રહ્યો, ટેવ વશ. મોંસુઝણું થવાને ઝાઝી વાર નો'તી. ઝાંખા અજવાસમાં એણે દૂરથી, પોતાની વાડી તરફથી ચાલ્યા આવતા ગાડાકેડાને એકીટશે નિરખતો રહ્યો.
તે દિવસોમાં પોતે ગાડું લઈને સાંઝકના ગામઢાળો આવી રહ્યો'તો. એણે જોયું તો કમુ ચાટિયાનો ભારો નીચે મૂકીને મંદિરના દ્વાર આગળ મહાદેવ સામે ખોળો પાથરીને બેઠી હતી. પોતે મજાકભર્યો ટૌકો કરીને કહેલું: કમુડી, સારા વરની માંગણી કરતી હો તો મા’દેવ કને મારું નામ મેકજે હો? : ને ઓલી એવી તપી ગયેલી કે વાત પૂછો મા! પોતાને મારવા માટે ભારામાંથી લીલોછમ સાંઠો ગોતી વાંહે ધોડી'તી. પેલ્લા તો એણે પોતાના મુંજડાઓને એક ડચકારે તો ક્યાંના ક્યાં પુગાડી દીધા'તા. ને એના મુંજડા ય ઠામુકા થઈને...: આ બધું સંભાર્ય સંભાર્ય કરવાનો શો અરથ? : તે બબડયો.
ઊઠીને ઊભો થયો તે.
ઢોરને વાંભ દીધી.
ઘેર જઈને ઢોરને ખીલે બાધ્યાં. ખાણ આપ્યું. ગાય પ્રાહવો મૂકે એટલા માટે વાછરુંને છોડી, એક પછી એક આંચળ એણે વાછરડાના મોંઢામાં મૂક્યાં. ‘બચું બચ્ચુ બચ્'ના બચકારા સાંભળી: ભવ ભવ માવડી: ના ઉદ્ગારો કાઢી એણે ગાયો દોહી. શિરામણ પતાવી, પાણી પીધું. હાથ-મોં લૂછયાં. ફાળિયું માથે વીંટતાં વીંટતાં એ ઓશરી ઊતરી ગયો. ગાડું જોડ્યું. બળદનાં પૂંછડાં આમળી, ‘હાલો ભાય’ના સંકેત સાથે ચાલવાનું સૂચવ્યું.
ઘેર ગમતું નથી.
પાછળથી એના દાદાએ સાદ કર્યો એટલે રાશ ખેંચી, બળદને અટકવાનું સૂચન કરવા તેણે બન્ને હોઠને ભીંસી ‘પ્પ્ભો – પ્પ્ભો’નો ધ્વનિ કર્યો.
એના દાદા કહેતા'તા-
: આજ બધા ક્યારાઓ ગોડાઈ જવા જોયેં. ક્યું ટાણાના એને ગોડયા'તા.
ધરાખના માંડવાવાળી ભોં તો નરી ડઠ્ઠર થઈ ગઈ છ. હું નીપજે પછી
એમાંલી? આજે તમામ ખતમ થઈ જાવું જોયે: દાદાએ એની એ વાત બીજી
રીતે દોહરાવી. પાછા ફરતા ઉમેર્યું: જો કે મેં રાઘવને કઈ તો મેલ્યું છે:
તેણે દર વખતની માફક આ વખતે પણ :ઠીક: કહીને ગાડું હંકારવા બળદનું પૂંછડું આમળ્યું.
ગાડાની ગતિ વેગીલી બનાવવા એણે રાશને હવામાં વીંઝી.
તે છેલ્લો દિવસ હતો.
દ્રાક્ષના માંડવા તરફ એણે ધોરિયાનું નાકું વાળ્યું'તું. રાઘવ કોસ હાંકતો'તો.
એકાદ–બે ખામણાં બાકી હતાં ત્યારે કમુ આવેલી. ઉદાસ ચહેરો. રુક્ષ-લુખ્ખા વાળ, સુકાયેલા હોઠ. એની આ ઉદાસીએ સાંજને તરત ઘેરી બનાવી દીધી છે, એમ તે દિવસે પોતાને લાગેલું. તે બોલી હતી: સુંદર, લાવ આજ છેલ્લવારુકું તારું કામ કરી દેતી જાવ. તેણે પાવડો હાથમાં લેતાં કહેલું: તું નિરાંતવા ઘડીક ચૂંગી પી. હું પાણી વાળું. બહારની ઘડીક શાન્તિ પછી તે ગુંગળાતે સ્વરે બોલ્યો'તો: ઠીક છે, કમુ. તું મારી નો થઈ હકી એનો શો હરખધોખો કરવો? અંજળની વાત છે. પણ, પણ તું આવી પીળી ફીત કાં થતી જા છ? જાણે તને...
: હા. મને એ જ કાં તો... રામ જાણે. જાવા દે ઈ વાત. તું ય મારી જેમ હવે કોકને પઅણી જાઝયે. નક્કામી મારી ઈયાદ નો રે’ :
સાંજ ઢળી ચૂકી હતી. કમુએ છેલ્લું ખામણું પાઈ દીધું. તે કાદવવાળા પગે બહાર આવી. એ જોઈને પોતે ફિક્કું હસેલો: કાંય નંઈ કમુ. તું નો મળી તો કાંય નંઈ. આ ખામણામાં તો તારી છાપ રેશેને? જો, એમાં તારાં નાનાં નાનાં પગલાં કેવાં ફાંકડાં લાગે છે? જુગોજુગ લગી હું એને સાચવી રાખીશ.
એ પછી એણે ત્યાં - ધરાખના માંડવામાં - કદી ગોડ નો'તો થાવા દીધો. રોજ સાંજે ઘેર જતાં પહેલાં એ પેલાં પગલાં જોઈ આવતો. ઘડી વાર બેસતો. અંધારુ ઘેરાતા એક દીર્ઘ નિઃશ્વાસ સાથે તે ઊઠતો.
અને તેણે અત્યારે આવીને જોયું તો રાઘવે એ ખામણાંઓને ક્યારનાયે ગોડી નાખ્યાં'તા. એમાં પેલી છેવટની યાદનાં પગલાં યે કમુની જેમ વિલય થઈ ગયાં હતાં.
સુંદર સૂની આંખે ભોંય ખોતરતો રહ્યો.
સ્રોત
- પુસ્તક : ગજવામાં ગામ (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : મનોહર ત્રિવેદી
- પ્રકાશક : કવિ શ્રી મનોહર ત્રિવેદી અભિવાદન સમિતિ
- વર્ષ : 1998
