સુરેશ જોષી
Suresh Joshi
પદ્મા, હું તને તિરસ્કારું છું. તારા મુખની રેખાએ રેખા મને યાદ છે. કારણ કે એને ભૂંસી નાખવાનો હું પ્રયત્ન કર્યા કરું છું. તારી આંખમાં આંસુ તો છે, પણ સારેલાં આંસુ બહુ હળવાં હોય છે. એ નથી સાર્યાં હોતા ત્યારે જ બહુ ભારે હોય છે. આથી હું તારી પાસે આંસુ પડાવવા નથી ઇચ્છતો. છો ને રહ્યો આંસુનો ભાર. તું હળવી થઈ જાય તો તે ઊડી જ જાય ને પદ્મા, હું તો ઇચ્છું કે તારે ડૂબી જવું જોઈએ - ખૂબ ઊંડાં જળમાં; પણ ડૂબવાને માટે ભાર જોઈએ.
જાણું છું કે અત્યારે તું નોકરચાકર અને સગાંવહાલાંથી ઘેરાઈને બેઠી છે. સાંજે છ વાગ્યે પેકાર્ડ હાજર. શૉપિંગ કે પછી જસ્ટ એ સ્ટ્રોલ. ઘણી વાર તું તારા સૌંદર્યની પ્રશંસા સાંભળીને મલકાતી હોય છે. પણ પદ્મા, એ બધી વાત ખોટી છે. તને એમાં રસ નથી તે હું જાણું છું. તારી વયની ધનિક કુટુમ્બની કન્યા જે કાંઈ કરે તે બધું તું ખંતપૂર્વક કરવા મથી રહી છે, જેથી તારી સાધારણતા જ તારું રક્ષાકવચ બને. પણ એ રક્ષાકવચને હું ભેદીશ. ને પદ્મા, અગ્નિ ભયંકર વસ્તુ છે, પૃથ્વી પણ કઠોર છે. જળ જ સારું. મારા હૃદય જેટલું એ કદાચ ઊંડું નહિ હોય, પણ એમાં નિશ્ચિતપણે ડૂબી શકાય. ડૂબીને તું તળિયે બેસી રહે એમ નથી ઇચ્છતો. તું તરતી તરતી વહ્યે જાય તે જ સારું.
ને દરિયો નહિ પદ્મા, નદી જ સારી. કાંઠે ઊંચી કરાડ નહીં. મને એ નથી ગમતી, નદીમાં વચ્ચે પથ્થરો હોય તે સારું. એ પથ્થરો તને ઘડીભર રોકે, તારો એકાદ હાથ ભેરવાઈ રહે, પગ ઘૂમરાતા પાણીમાં નાચવા લાગે, વાળની લટ પાણીમાં પ્રસરે ને એનો કાળો વેગીલો પ્રવાહ હું જોઈ રહું - પછી પાણીનો વેગ વધે, તને એક ધક્કો વાગે, ને મોડું થતું હોય તેમ તું બમણા વેગથી વહેવા લાગે. નદી જ સારી, પથરાળ નદી જ સારી.
કેવી આનન્દની વાત – આખોય વખત ચાલ્યા કરશે તારું ને જળનું કૂજન. કાન દઈને હું સાંભળ્યા કરીશ. એમાં કોઈનો સંદેશો નહિ. કોઈને સમ્બોધન નહીં, આગલીપાછલી વાતનું સાંધણ નહિ, અવિરત તે અસ્ખલિત કૂજન, જન્મોજન્મની અનિદ્રાનેય ઘેનથી પરવશ કરી નાખે એવું કૂજન. પદ્મા, તને પૃથ્વી પર બોલતાં જ નહોતું આવડ્યું. તારી એ ભાષા જ નહોતી. હવે બુદ્બુદના ઉદ્ગાર તું જલદી શીખી લઈ શકીશ. જળમાં બહુ પ્રશ્નો નથી હોતા, ને તનેય ક્યાં પ્રશ્નો ગમતા હતા? ચંદ્ર હોય કે નહીં હોય – એ કાંઈ મહત્વનું નથી, જળને તળીયે બેસવાને બધા જ મુહૂર્ત સરખાં છે. ના, જળમાં ઊતરતી વેળાએ બે હાથ જોડીશ નહિ, તારા ચરણ જળની હથેળીમાં ઊંચકાઈ જશે, જળની કાયા તને વીંટળાઈ વળરો, તું જળમાં પૂરી પ્રવેશી જશે, જળ આનન્દના બુદ્બુદ પ્રકટ કરશે – એક બુદ્બુદ એટલે એક વિશ્વ. જાણું છું. તારામાં ઘણાં વિશ્વ હતાં. એના ધ્રુવ સુધીની મને ખબર છે. ક્ષણે ક્ષણે તારા વિશ્વનું માપ કાઢતો હતો – મારામાં તારો પ્રલય થઈ શકે કે નહીં તો તેનો ક્યાસ કાઢતો હતો. ખરાબે ચઢેલા વહાણની જેમ નહિ, પણ અક્ષત અખણ્ડ તું મારામાં એકાકાર થઈ જાય... પણ પદ્મા, જળમાં કશો ભય નથી, ને તારે તળિયે બેસી રહેવાની જરૂર નથી, તું જળવિહાર કરતી રહેજે.
ના પદ્મા, હું ખોટું નથી બોલતો. જળને દાંત નથી, નહોર નથી, તું પૃથ્વીની ને પૃથ્વીના લોકોની વાત ભૂલી જા. જાણું છું કે ઘણાય દંતક્ષત ને નખક્ષત તારી ગુપ્ત કાયાના પર અંકાયા છે. પણ જળની આંગળીઓ ધીમે ધીમે એ બધું ભૂંસી નાખો. ફરી તારી કાયા બની જશે સાવ નિષ્કલંક, આ દંતક્ષત ને નખક્ષત જ તારું રહસ્ય છે એમ તું માનતી હતી. એ રહસ્ય જળને સોંપી દે. જળનું રહસ્ય પારદર્શી હોય છે. તારું રહસ્ય પણ પારદર્શી બની રહો પદ્મા, આ પૃથ્વી પર આપણું રહસ્ય જ આપણને રૂંધે છે કારણે કે એ રહસ્ય એકલાનું જ હોય છે. જળનું રહસ્ય સર્વવ્યાપી છે. તારામાં રહેલી પૃથ્વીને જળ ગમે તેટલી માંજી નાખે તોયે એ પારદર્શી તો નહિ બને, પણ જળ ધીમે ધીમે પૃથ્વીને ધસી નાખશે, પછી ત્વચાનો ઢાંકપિછોડો, શિરાઓનો ફાંસો રહેશે નહિ. બે આંખની સાંકડી ગલીનો અન્ત આવશે. પૃથ્વી હોય તો જ પગ, જળમાં પગની જરૂર શી? આમ તારો ધીમે ધીમે મોક્ષ થશે ને છતાં રહી જશે તારું કૂજન - કાંઠે કાંઠે કાન દઈને હું તારું એ અવરિત કૂજન સાંભળ્યા કરીશ.
આ સમુદ્ર નથી, એટલે અહીં વડવાગ્નિ નથી. તું નાની હતી ત્યારે તેં બાળકબુદ્ધિથી ધગધગતો સોનેરી અંગારો હાથમાં રમવા લીધો હતો. જિન્દગીભર તારી એ બાળકબુદ્ધિ ગઈ નહીં. ક્યાંક પણ છુપાયેલા અગ્નિને શોધવાની તને ટેવ છે. તારો એ અગ્નિસંચય (ને તેં બીજો શેનો સંચય કર્યો છે વારુ?) જળને સોંપી દેજે. વન્ય પશુઓથી બચવા વનવાસીઓ ગોળાકારે તાપણું કરે ને વચ્ચે રાતવેળા સૂઈ રહે. પણ અગ્નિ પોતે જ પશુ તેની તો તને ખબર નહિ. તારે હાથે અગ્નિની જિહ્વા પર તારું માંસ મૂકતી રહી. જે અગ્નિને અર્પી તે જળ નહિ સ્વીકારે એમ માનીશ નહિ. પણ અગ્નિ પોતે જ જળમાં લોપ પામશે, ને હવે કટકે કટકે અર્પણ નહિ, એકીસાથે સમસ્તનું નૈવેદ્ય. પદ્મા, જળની અંજલિ કોઈ પણ દાનથીય વિશાળ. તારો કશો રોષ નહિ રહે. જે વધે તેનો હિસાબ જે નિઃશેષ તેનો કોઈ આંકડો નહિ માંડે. પદ્મા, તું નિશ્ચિંત રહેજે.
ના પદ્મા, તારી રમત તું ભૂલી જઈશ નહિ, ક્રીડા કરવી ને કરાવવી એ તો જળનો સ્વભાવ જ છે. રાતે જળ તારાના પાંચીકા એકઠા કરે ત્યારે પાંચીકા ઉછાળીને રમજે; સૂરજ - ચાંદાના દડા ઉછાળજે; કૃષ્ણનો ખોવાઈ ગયેલો દડો હજી જડ્યો નથી. ખોટી છે કાલીયમર્દનની વાતો; કૃષ્ણ શોધે છે એ દડો. પણ પૃથ્વી પરથી જે જળમાં ગયું તે પૃથ્વી પર પાછું જાય નહિ. પૃથ્વી પરના સૌ ખોઈ બેસે છે કશુંક જળમાં - જો કશુંક ખોવું હોય તો જળમાં ખોઈ નાખવું. શેવાળ તારી આંખોને ઢાંકી દઈને સંતાકૂકડી રમાડશે; હજારો કાંકરાઓ રમતના સાથીદાર બનશે. પવનની લહરી, વૃક્ષોની છાયા, આકારાની નીલિમા - ગોઠિયાઓની ખોટ નથી. જીવવું એટલે જ ક્રીડા - એવું હોય છે જળનું જીવન, માટે તો કહું છું પદ્મા. જળ જ સારું.
પદ્મા, કોણ ઓળખવાનું હતું તારા મર્મને? જળનો મર્મ ને તારો મર્મ એક છે. જે મર્મ જેટલો પોતાનો વિસ્તાર કરે નહિ તે મર્મને શી રીતે પામે? આ તારો મર્મ જ પૃથ્વીનો શાપ. શાથી ઘડાયો છે એ મર્મ? કોઈની લોલુપ નજર, કોઈની આજીજી - પણ પદ્મા, એ બધું ઊભું પડે, ઘણું ઊણું - જળ જ પૂર્ણ. તારા મર્મને જળાકાર કરી નાખ. જળની વાત તું પૃથ્વીની જીભે બોલવા આવી માટે તો તારા પર મને રોષ છે. જળને કાળ નથી, ને તું કાળની ભીંસ વચ્ચે રહેંસાઈ જવા શા માટે આવી? તારી બે આંખોમાં બે પંખી એક દિવસનું, બીજું રાતનું. એ પિંજરમાં કેવો કરુણ એનો વિલાપ! માટે તો કહું છું, છોડી દે દિવસને, છોડી દે રાતને. સૂરજ કે ચાંદો ઊતરી ઊતરીને જળમાં કેટલેક ઊંડે ઊતરવાના હતા ને સમય તો ચાંદા સૂરજની પાવડી - એ તો જળ ઉતારી જ લે. પદ્મા, માટે તો કહું છું કે વ્યાપી જા જળમાં.
પદ્મા, પૃથ્વીને કશી સ્મૃતિ નથી, એ તો નક્કર છે, સ્મૃતિને સંઘરવા જેટલુ શૂન્ય એની પાસે ક્યાં છે? માટે તો પૃથ્વી અન્ધ છે. સૂરજચાંદાની ઉછીની આંખે એ કેટલું જોઈ શકે? પણ જળ તો સાક્ષાત્ નેત્ર. જળ જોયા જ કરે. જળ નિપ્પલક નેત્ર જળ જ આપશે આંખ તારી અંધ સ્મૃતિને, ને કેટલું બધું ખોઈ નાખ્યું હતું તે તારી સ્મૃતિમાં! એ બધું જ તને પાછું મળી જશે. પણ જળમાં કશો લોભ નહિ બધું જ જળનું, જળમય. પૃથક્ સ્મૃતિ કાંટો બની જાય છે, એની ધારા કેવળ લોહીની ધારા, અગ્નિના સ્ફુલિંગ. પણ જળાકાર સ્મૃતિ કશું કોરું રાખે નહિ, સ્મૃતિ વિના તું કેવી અધૂરી લાગતી હતી! ને જે આદિકાળમાં આપણે બે કેવળ જળના તરંગરૂપે સાથે હતાં તેની સ્મૃતિ પણ હજી ત્યાં એવી ને એવી અખણ્ડ છે. કોઈ કોઈને અખણ્ડરૂપે પામે જળમાં, કારણ કે જળ કદી ખણ્ડિત થાય નહિ, એ સદા વહે માટે તો કહું છું પદ્મા, કે તું વહ્યે જા, જળમાં જળ ખની વહ્યે જા પદ્મા, તું દ્વિધામાં રહીશ નહિ. જળને હોય છે કશી દ્વિધા? તેં ઘણા વિકલ્પોનો વિચાર કર્યો, વિકલ્પ આગળ તું અટકી ગઈ. દરેક વિકલ્પ તારું કશુંક હણી ગયો. આથી જ તો મેં જ્યારે તને જોઈ ત્યારે તું હતી કોઈ પ્રાચીન ખણ્ડિત શિલ્પના જેવી. દ્વિધા જ જીર્ણ કરે છે આપણને, એ તારાં અંગને છેદે એ તું શી રીતે સહન કરી શકી? માટે જ તો તારા પર મને રોષ છે. હું વિકલ્પ બનીને તારી સામે ઊભો રહેવા ઈચ્છતો નથી કારણ કે હું તને છેદવાનું સાધન માત્ર રહું તો કેવો ન્યૂન બની જાઉં! જળ વિકલ્પને ડુબાડી દઈને આગળ વધે છે, પણ તું વિકલ્પને સામે જોઈને ફંટાઈ જાય છે. કેટલી વેદના રહી જાય છે પાછળ, તને ખ્યાલ છે? બધી જ વેદના મેં સંઘરી રાખી છે. એથી તો હું તારી આગળ આવીને ઊભો રહ્યો નથી. તારી પાછળ રહી ગયેલી વેદના સંચિત કરવા હું સદા પાછળ રહ્યો છું. એથી જ તો તું મને ઓળખતી નથી. પણ જળ ભાર માગે છે, એ હોય તો જળ આપણને સ્વીકારે છે. તારે એ ભારની શોધમાં જવું નહિ પડે; ને એ મારું અર્પણ નથી, તારી જ વેદનાનો ભાર તને સોંપું છું. પદ્મા, જળ તારી પ્રતીક્ષા કરે છે. કશું જ છોડીને આવીશ નહિ. બાળપણમાં પહેલા દાંત આવ્યા ત્યારે કરડવાની ચળથી તે તારી આંગળીને બચકું ભર્યું હતું તેનું તારી આંગળી પરનું ચિહ્ન સુધ્ધાં લેતી આવજે. ઘરના સૂના મેડા પર ધૂંધળા ખંધા સંકુચિત પરિવેશની આડશે જીવનનું પ્રથમ ચુમ્બન તારા હોઠ પર જે દાંત બેસાડી ગયું તેના ધાને પણ સાથે રાખજે. છેતરામણી પ્રતીક્ષા, રસ્તાનો નિર્જન વળાંક, એની રેખાશૂન્યતા તારા ગાલ પર આંસુની જે રેખાઓ આંકી ગઈ તે પણ સાથે લાવજે, ચોરીછૂપીથી જે નામને મર્મસ્થાને રાખીને પોષ્યું ને આખરે એની કઠોરતાથી હૃદયના કોમળ મર્મને વીંધાવા દીધો તેના ધાને પણ સાથે લાવજે. વળી વધ્યાં હશે જે થોડાક ફૂલ, જે મૂર્તિ પરથી બાજુએ સરી પડ્યાં હશે - જળ એને ય સ્વીકારશે, માટે એની અવગતિ થવા દઈશ નહિ.
તો પદ્મા, આરમ્ભી દે તારો અન્તિમ અભિસાર. ના, ઘાટ નથી, પગથિયાં નથી, નથી કોઈનો ઇશારો અણસારો. ધીમે ધીમે ઊતરજે; કોઈની આંખોમાં ઊતરતી હોય, કોઈના હૃદયમાં ઊતરતી હોય તેમ નહિ - ભારે હોય છે એનો ઠાઠ પણ પદ્મા, હવે ઠાઠની જરૂર નથી. ઉતારી નાખ ઝાંઝર, ઉતારી નાખ વસ્ત્ર, ગળામાં હાર નહીં, હાથે વલય નહીં, કાને કર્ણફૂલ નહીં, ના, સૌભાગ્યનું ચિહ્ન સુધ્ધાં નહિ. જળ જ પરમ સૌભાગ્ય, જળની નગ્નતા ને તારી નગ્નતાનો સંગમ થવા દેજે. સૂરજથી સંતાવું ઘટે, ચન્દ્રથી સંતાવું ઘટે, પણ જળમાં નર્યો સ્પર્શ. એ અન્તરાય સહે નહિ. તારી નગ્રતા જ તારી કાયાના પ્રવાહની બંકિમ ગતિને પ્રગટ કરશે.
ના પદ્મા, જળમાં નથી એકાંત. પાંદડાં પરથી ઝાકળ સરીને વનની વાત કહેશે; વર્ષાની ધારા આકાશ ને સાગરની વાતો કહેશે; ઓગણપચાસ વાયુનો પ્રલાપ તારે કાને પડશે; દૂરથી મંદિરની ધજાનો તર્જનીસંકેત તું જોશે. સાંજે છેલ્લી શમી જતી પગલીઓ તારા કૂજનને તળિયે ડૂબી જશે, બધો સંસાર થાક્યોપાક્યો તારા ફૂજનને ખોળે ઢળવા આવશે. સ્મશાનની રાખ ઊડીને આવશે, એને ટાઢક વળે એવાં બે વેણ કહેજે; કાંઠાનાં વૃક્ષોની ઘટા ઝૂકીને તારું મુખ જુએ તો જોવા દેજે, તું બીજી જ ક્ષણે વહીને દૂર ચાલી જશે, માટે દ્વિધા રાખીશ નહીં. બધો ભાર ધીમે ધીમે ધોઈને જળના કણમાં વીખેરી દેજે, તું જળમાં લય પામશે એટલે હું ય હળવો થઈ જઈશ, પછી જ મારો મોક્ષ, માટે પદ્મા, તું હવે જળમાં ઊતરી જા. જો જળની હથેળી ઝીલી લે છે તારા ચરણ...
(ન તંત્ર સૂર્યો ભાતિ : પ્ર. આ. ડીસે. 1967)
સ્રોત
- પુસ્તક : નિરૂપણકેન્દ્રી ગુજરાતી વાર્તાસંચય (2) (પૃષ્ઠ ક્રમાંક 98)
- સંપાદક : જયેશ ભોગાયતા
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2005
