જિતેન્દ્ર પટેલ
Jitendra Patel
ખાડાં-ટેકરાળ ભોંય ને આસપાસ ગાંડા બાળવનાં ઝુંડ. મંઈથી નીકળતી એક વાંકી-ચૂકી કેડી. એનાથી લગભગ વીસેક હાથ છેડે ડામર પાથરેલી કાળમીંઢ પથ્થરની સડક.
આડો દી’ હોત તો કાયમની માફક એ સડક મહાણના રસ્તાની જેમ સૂનમૂન પડી હોત. પણ આજ તો ‘હર હર મા’દેવ’ના નારા સાથે ‘ખટાક’ ‘ખટાક’ ચાલતાં, ખીચોખીચ ભરેલા ખડખડીઆં પૈડાંવાળા ગાડાને કારણે દી’ ઊગ્યા પહેલાંની એ ધમધમવા માંડી હતી.
છતાં એ ત્રણ બાયું સડક છોડીને લોકોની નજર ચૂકવતી કાંટાળી કેડી પર, એકબીજીની વાતમાં હોંકારો દેતી, ઉતાવળે પગે ચાલી રહી હતી. એમાં એક બા હતાં. જેમના પગમાં ભાભુ ને માસી કરતાં ઝાઝેરું જોમ હતું. વાંહે એમનો જ દીકરો હું, કૂતરી વાંહે ગલૂડિયું ગલોટિયાં ખાતું આવે એમ ખેંચાઈ રહ્યો હતો. પણ બાને એની પડી હોય એવું લાગતું નહોતું. ક્યાંયથી ઠેસ વાગતી ને મારાથી ઊભું રહી જવાતું કે બા સીધાં મારો હાથ ઝાલીને આગળ કરી દેતાં: ‘હાલ મારા દીકરા. હવે ક્યાં છેટું છે? એ ઓલી દેખાય એ મા’દેવની ધજા.’ મારાથી કહેવું કહેવું થઈ જવાય: ‘ઊંઠા શું ભણાવો છો? હજી તો ભરાળી વાડી નથી વટ્યાં. અટાણમાં ધૂળમાંથી ધજા દેખાવવાની હતી?’ તોયે હું ગણગણતો આગળ હાલું. ખાડો આવે કે દોડીને ઠેકી જાઉં. બળ્યાં ભેગાં પગરખાંય નહિ! કાંટા કૈં થોડા આપણાં સગાં થાય?
ઘડીઘડીએ થાવા માંડે, ‘લાવને બાને કીધા વિના સડક ઉપર વયો જાઉં. કોઈના ખટારાના ઠાઠે ટીંગાઈ જાઉં.’
પણ તો તો બા રાળભેળ કરી મૂકે: ‘હરામણીના હલાતું નો’તું તો શું લેવાને ભેગો ગુડાણો? ત્યાં શું તારા બાપનો ગરાહ લુંટાઈ જતો’તો?’
મન મનાવું તો યે થયા કરે: ‘એક તો કૈં લઈ દેવું નહિ ને માથે જાતાં વેણેવેણે તતડાવ્યે રાખવું. આપણે નાના રયા એટલે જ ને! બીજું શું?’
ગળે ડચૂરો વળવા માંડ્યો. શું થાય? દાઢે ચોંટેલ ફોતરાની જેમ જીવ વારેવારે ત્યાં વયો જતો હતો. ભોપલો અટાણે પોં’ચી ગ્યો હોવો જોઈએ. જો બાપુ કુંડમાં નાવા નહિ રોકાણા હોય ને સીધા બજારમાં ગ્યા હશે તો એણે સૌથી પહેલું કામ પાવો લેવડાવવાનું જ કર્યું હશે.
‘બા... બાડી, નથી હલાતું, અંગૂઠો દુઃખે છે.’ પાણો વાગ્યો હતો. મારગ વચ્ચે હું બેસી ગયો.
‘લે... હવે ક્યાં આઘું છે? આટલું તો મારો દીકરો દોડીને વાડીએ ભાત દઈ આવે છે.’
‘આ ટાંગા દુ:ખવા માંડ્યા એનું કૈં નહિ?’
‘મારો દીકરો એવો ક્યાં ઢીલો છે? ઊભો થા બટા, જો ઓલ્યું ફજર દેખાય.’
‘કૈં નથી દેખાતું. ખોટું શું બોલો છો?’
‘તેડી લેને સમજુ, હવે ક્યાં છેટું છે?’
‘તમેય શું બોન? એક તો મારે આજ પાંચમનો અપવાસ ને માથે જાતા આનો દોઢમણ ભાર...’
‘તો પછી એનેય મોટાની જેમ એના બાપ હાર્યે મોકલી દેવો તો. છોકરું છે. એને ય બચાડાને થાક તો લાગે ને.’
‘શેનો થાક? કાચંડા જેવો ઢોંગી છે. ત્યાં ઠેઠ શિવલાની વાડીએ ખાટી આંબલી ખાવા જાવું હોય તારે થાક નથી લાગતો? મરને બેઠો, હાલો બોન - ભાભી તમતમારે.’
‘રે રે સમજુ, તું ય શું છોકરાની વાદે...’ ભાભુ ને માસી આગળ હાલ્યાં નહિ એટલે બા પાછાં પડ્યાં.
‘ઊભો થા જોઈ. મારો દીકરો નથી? મેળામાં જઈને તને અસલ મજાનો પાવો લઈ દઈશ.’
‘આવું તો ગ્યા વરહેય કે’તાં તાં, કોઈ દી’ લઈ તો દેતાં નથી.’
‘લે આ રૂપિયો. તારી મેળે લઈ લેજે તું તારે, બસ.’ બાએ સાડલાના છેડેથી રૂપિયો કાઢીને મારા ગૂંજામાં મૂકી દીધો. મેં રૂપિયો ન પડી જાય એમ ગૂંજા આડે હાથ દઈને બા ને ભાભુ - માસી કરતાં આગળ હાલવા માંડ્યું. મનમાં થાય ઝટ મેળો આવે તો સારું.
રહી રહીને હાથ રૂપિયા ઉપર વયો જાય. છાતી કેમેય કરીને ઝાલ્યામાં ન રહે. ‘હવે જોઈ લેજે ને ભોપલીના, તું... આપણા પાવા આગળ તારા પાવાને પિપૂડી નો બનાવી દઉં તો...’
દર વખતે એવું થાય. બાપુ ભેગું મેળે જવાનો વારો જ ન આવે. બા જ સંધાય ભાગ પાડી દે. ‘ભોપલો ભલે તમારા ભેગો આવે. હલકો મારા ભેગો રે’શે.’
આ ખેલે તો સારીપટનો કજિયો કર્યો હતો : ‘જો બાપુ ભેગું મેળે ના જવા દ્યો તો પા’ણો મારી પાણિયારેથી ગોળો ફોડી નાખું.’
પણ બા તો સામાં ચોંટ્યાં: ‘હાથ તો અડાડી જો. એમ તારા મૂતરે દીવો બળશે હેં?’ એ તો સારું થયું કે બાપુ વચ્ચે પડ્યા. નહિંતર હું એકેય કોરનો ન રહેત. થોડાક એ બાનેય વઢ્યા: ‘છોકરાને રોવડાવતી શું હશો? માગે ઈ લઈ દેતી હો તો.’ પછી મારા સામે જોઈને કહે : ‘જા તું તારે. આજ કૈં નો લઈ દે તો સાંજે આવી મને કે’જે.’
ભોપલો મારી સામું જોઈને ટચલી આંગળી વાંકી કરી, ’ઈ... ઈ... ઈ...’ કરવા માંડ્યો. હું એના માથે થૂંકવા ગયો. પણ ત્યાં તો એ દોડીને બાપુ વાંહે સાઇકલ પર બેસી ગયો.
આપણે તો બા ભેગા ટાંટિયા તોડતા ઠેઠ તડકો થયે પહોંચવાનું. પછી શેનો હરખ રહે. આમેય બાને તો કુંડમાં નાહવા સુધીની સગાઈ. બહુ તો ભરવાડ હૂડો લેતા હોય ત્યાં લઈ જાય. પહોંચતા પહેલાં જ કહી દે, ‘મેળો તો જોવાનો હોય, મંઈથી કૈં લેવાનું નો હોય.’
તોયે મારો જીવ ન રહે એટલે પરાણે, હાથ ઝાલીને રમકડાંની દુકાન પાસે લઈ જાઉં. પણ સામેવાળો ઘટીઘટી ને ઠેઠ તળિયે વયો જાય. તોયે બાને એ વસ્તુ મુદ્દલે મોંઘી લાગે. કહે: ‘મેળાનું તો મૂતરે ય મોંઘું. આ બધાંય આંય લૂંટવા જ ભેગા થ્યા છે ને!’ પછી હું માણસો વચ્ચે રોવા ન માંડું એટલે મારા વાંહે હાથ મૂકીને કહે: ‘આ વખતે વાંકાનેર હટાણું કરવા જઈશ ત્યારે ભૂલ્યા વગર પાવો લેતી આવીશ, હાં કે?’
અને ખાવામાંય વળી શું? ભેગાં લાવેલાં થેપલાં ને મરચાંનું અથાણું, ભૂંગળાવાળી આઈસ્ક્રીમ ને પાણીપૂરી કેટલા વરસ પહેલાં ખાધી હશે એ તો ગધનું યાદે ય નથી આવતું. ગઈ વખતે એક ધોળી ચામડીના કેમેરાવાળાએ મારો ગાડામાં બેઠેલો ફોટો પાડેલો. માથે જાતાં મને બિસ્કુટનું એક પડીકું આપેલું તે બાએ તો આખો મેળો એમાં જ રોળવી દીધો: ‘લે હાલ, આટલું તો ઘણું, હવે સાંજ સુધી ખાવાનું નામ નો લેતો.’
‘જો જોઈ, મૂઈ સમજુ, રૂપિયો આપ્યો કે કેવો રાજી થઈ ગ્યો? છોકરું કેને કે’? મને દોડાદોડ ટેકરો ચડતો જોઈને ભાભુ બાને કહી રહ્યાં.
‘ઓહોહો! માણહ છે કૈં?’ ટેકરા પર પહોંચ્યા કે માસી બોલી ઊઠ્યાં.
‘લાગે છે બોન, દુકાળ જેવું કૈં?’
‘બઈ, વરહ તો હવે કાયમ આવાં જ આવવાનાં. માણહને ક્યેંક તો મોજશોખ જોય કે નહિ?’
મેળામાં પહોંચ્યાં કે ભાભુ ને માસી સાંભળે નહિ એમ બા મને ધીમેકથી કહે: ‘લાવ, ઓલો રૂપિયો હું સાચવું. આટલા માણહમાં તારી પાહે ક્યાંય ખોવાઈ જાશે.’ પણ હું ‘ઊહુંક’ કરતો ભાભુ ને માસી કોર ખસી ગયો.
રસ્તે હાલતાં હું પાવાવાળાને ગોત્યાં કરું. સાળીના એકેય નજરે જ નો ચડે ને! મને થયું, ’સારું તારે મા’દેવનાં દર્શન કરી લીધા પછી બજારમાં જવાનું જ છે ને!’
ભાભુ ને માસી તો બાનેય સારાં કહેવડાવે એવાં નીકળ્યાં. કુંડમાં નવાઈ ગયું ને મા’દેવનાં દર્શન કરી લીધાં એટલે કહે: ‘જા સમજુ તારે ક્યાંય આંટો મારવો હોય તો મારી આવ. અમે તો આંય કીર્તન સાંભળતાં બેઠાં છીએ.’ તે બા કહે, ‘મને બોન એવાં ક્યાં રખડવાનાં અભરખાં છે! બેઠી છું તમારા ભેગી, એવું હશે તો રોંઢા ટાણે બજારમાં જઈ આવશું.’
મને કૈંક કૈંક થાય. કોઈના હાથમાં પાવો જોઉં ને મારો હાથ ગુંજામાંના રૂપિયા ઉપર વયો જાય. બા મારી સામે કતરાતી આંખે જોયા કરે.
એ તો સારું થયું કે ભાભુને બજરની ડાબલી લેવાનું યાદ આવ્યું ને એ ઊભાં થયાં. પછી તો બા કહે: ‘એમ તો મેળ ખાય તો મારેય ઈંઢોળી લેવી છે.’ મને જીવમાં જીવ આવ્યો.
રસ્તામાં બે પાવાવાળા મળ્યાય ખરાં. હું બાનો સાડલો ખેંચીને એની પાસે લઈ ગયો. એકે દોઢ રૂપિયો કીધો, બીજે સવા રૂપિયો. પણ બા રૂપિયે આવીને ઊભાં. હું ઓલા, સવા રૂપિયાવાળાને રૂપિયો બતાવીને કહું, ’લ્યો ને ભાઈ, મારી પાહે આ એક રૂપિયો જ છે. આપી દ્યો ને.’ પણ એ કહે: ‘તારી બા પાંહેથી પાવલી લઈ લે ને!’ હું ઘડીક બા સામે, ઘડીક પાવાવાળા સામે જોયા કરું, બેમાંથી એકેય હલે નહિ. ‘હાલ તારે પછી, એના પાવા ઉપર ક્યાં છાપ મારી છે?’ બાએ મને હડસેલો મારીને વે’તો કર્યો. હું વળી વળીને જોતો જાઉં, ક્યાંય પાવાવાળો પાછો બોલાવે છે? માસી મને ધરપત દેતાં જાય: ‘આથમણી પા વિરમગામના વેચવાવાળા બેસે છે. એ લોક સોઘું હોય છે.’
બન્યું ય એવું. આથમણી પા આવ્યા કે એકી સાથે લાગઠ સાત પાવાવાળા લાઈનમાં બેઠેલા. હું બા સામે જોઈને કૈં કહું એ પહેલાં તો એ માસીને કહે: ‘બોન તમે ને ભાભી આંય લીંબડા હેઠે બેહોને થોડીવાર. આ ક્યારનો મારો જીવ ખાય છે તે પાવો લેવડાવતી આવું.’
એમાંના એક પાસે વધારે ભીડ હતી. હું ને બા એની કોર આવ્યાં. અમે જોયું એના એક હાથમાં પૈસા ને બીજા હાથમાં પાવા હતા.
‘શું ભાવ રાખ્યો?’ બાએ ઢગલામાંથી એક પાવો લીધો.
‘રૂપિયો.’
‘આંહે ય! ઓલ્યે તો સવા રૂપિયો કીધો’તો. આ તો રૂપિયામાં આપે છે. લઈ લ્યો, બા લઈ લ્યો.’ મારાથી જોરથી બોલાઈ ગયું. ગૂંજામાંથી રૂપિયો કાઢીને મેં એ ભાઈ સામે ધરી દીધો.
બાએ કોઈ દેખે નહિ એમ લોહીનું ટાશિયું ફૂટી નીકળે એવો ચૂંટિયો મારા વાંહે ભર્યો. હડપ કરતો મારા હાથમાંથી રૂપિયો ઝૂંટવી લીધો, ‘લાવ તારી પાંહે ઇ નહિ સચવાય.’
એ તો સારું થયું કે એ પાવાવાળો બીજા ઘરાક હાર્યે લપમાં હતો તે અમારી કોર એનું ધ્યાન નહોતું પડ્યું. બાએ એના હાથમાંનો પાવો પાછો મૂકી દીધો. ‘બોલો, બોન કેટલા આપું? કેમ મૂકી દીધો?’ એ નવરો પડ્યો કે અમારી સામે જોયું.
‘કૈંક વાજબી રાખો.’
‘વાજબી જ છે, બોન, હમણાં આ છોરો નો બોલ્યો કે બીજે ઠેકાણે તો સવા રૂપિયો છે.’
‘ઇ તો છોકરું છે. એને શું ખબર, ઈ પાવો તો આના કરતાં મોટો હતો.’
‘હોય કૈં? રૂપિયામાં આથી મોટો પાવો મેળામાં જો કોઈ આપે તો તમે ક્યો એટલા પાવા મફતમાં આપી દઉં.’
બાર આના રાખો. અમારું ય રે ને તમારું ય રે.’
‘ના બોન. એક ચીજના બે ભાવ નહિ કરું.’
એને હવે અમારામાં રસ નહિ હોય તે બીજા હાર્યે ધંધે વળગી ગયો. મને પગે કીડીયું ચૂંટિયા ભરવા માંડી. આ તો બેય કોરથી લટકી પડ્યા. રૂપિયોય ગ્યો ને પાવામાંથીયે ર્યા. ત્રીજે ઠેકાણે કોક બાર આના કહેશે તો બા આઠાને જઈને ઊભાં રહેશે. મને અટાણે ભોપલો યાદ આવવા માંડ્યો. સાંજે એ પાવો લાવશે. મારા કાન પાહે રાખીને જોરજોરથી વગાડશે. મારાથી નહિ સંભળાય એટલે બારો વયો જઈશ. બહુ થાશે એટલે એના હાથમાંથી પડાવીને ભાંગી નાખીશ. પછી બાપુ મારશે...
પાવાવાળો હવે બીજા ઘરાક હાર્યે માથાકૂટમાં હતો. બા એના ભાવ ઊતારવાની રાહ જોતાં ઊભાં હતાં. મેં એની, બાની કે બાજુવાળા કોઈની નજર ન પડે એમ ધીમેકથી એક પાવો બઠાવી લીધો. ઉતાવળે ચડ્ડીનું નાડું ઢીલું કરીને મંઈ ભરાવી દીધો. બાકી રહેલા પાવા ઉપર બુસકોટ ઢાંકી દીધો.
‘એટલામાં તો નહિ મેળ ખાય, બોન.’ અમે હવે ગિરદી કરતાં આઘા હટીએ એ સારુ એણે બા સામે જોઈને ધીમેકથી કહી નાખ્યું. બાએ મને વે’તો કર્યો. થોડેક આઘે જઈને મારા વાંહે ધબ્બો માર્યો: મૂંગો નથી મરી રે’તો, એ સણીજો તારી ગરજ પારખી ગ્યો. નહિતર વાંકો રહીને બાર આનામાં માની જાત.’
રોંઢા ટાણે સૌ ભાથું ખાવા બેઠાં. મને સહેજ કળ વળી. થેલી નવરી થાય તો મંઈ પાવો નાખી દઉં. આ તો સારો પેડુમાં વાગ્યા કરે છે.
ખવાઈ રહ્યું એટલે મેં બાને કીધું: ‘લાવો બા હું થેલી સાચવું.’ તે પછી ઠેઠ સુધી મેં એને વાંદરીના બચુળિયાની જેમ ગળે વળગાડી રાખી. વચમાં બા કૈંક મૂકવા માગે ને મારો જીવ તાળવે ચોંટી જાય.
સાંજે પાછા વળતાં હરજીમામાની વાડી પાસે એમનું ગાડું મળી ગયું. ગાડામાં બેઠો હું ‘પાવો કેમ બારો કાઢવો’ એની પળોજણમાં મગજ દોડાવતો રહ્યો. એક વિચાર આવ્યો કે એમ કહેવું કે મેળામાંથી મળ્યો છે. પણ તો તો બા સીધાં પૂછે, ક્યાંથી મળ્યો? ઠેઠથી હું ભેગી છું. એના કરતાં તો ‘મારા ભાઈબંધ ગેલાએ આપ્યો’ એમ કહેવું સારું. પણ એમ કરતાં બા ગેલાની બાને પૂછી આવે તો?
એકેય કોરથી મેળ ન ખાધો. અંતે નક્કી કર્યું કે અટાણે પાવો ક્યાંક સારી જગ્યાએ સંતાડી દેવો. થોડાક દી’ પછી ઘામાં ન આવે એવું બહાનું મળે તયે જ બારો કાઢવો.
ઘેર પહોંચ્યા એટલે બા તો સીધાં ચોકડીમાં હાથપગ ધોવા ગયાં. હું ઉતાવળે ઓરડામાં ગરી ગયો. બાજરીની કોઠી ખોલીને મંઈ ભી દઈને પાવો ભરાવી દીધો.
ભોપલો ને બાપુ તો ક્યારના પહોંચી ગયા હતા. ભોપલો મારી રાહ જોતો કેડીના છીંડા પાસે બેઠો હશે તે કો’કે એને કીધું કે તારી બા ને ભૈ હરજીમામાના ગાડામાં આવ્યાં તે દોડાદોડ ઘરે આવ્યો. ખીંટીએ ટીંગાતી અમારી થેલીમાં ખાંખાંખોળા કરતાં કહે: ‘શું શું લાયો?’
‘શું લાવે? જોઈ લે ને મંઈ.’
તોય એની બળતરા ન મટી એટલે એ બા પાસે ગયો: ‘બા, હકલાને શું લઈ લીધું?’
‘એમાં લઈ શું દેવાનું હોય? તેં તારા બાપને કેટલા ખર્ચાવ્યા?’
હવે એના કોઠે ટાઢક વળી. હરખાતો હરખાતો મારી પાસે આવ્યો. આંખ મીંચકારીને કહે : ‘હાલ, તને આપણો પાવો બતાવું.’
‘નથી જોવો જાને.’
‘રૂડી ને રંગીલી રે વા’લા મારી વાંસડી રે લોલ!’ ગાતો એ મેડીના પગથિયાં ચડી ગયો. બારી પાસે આવીને મને દાઝે બાળવા જોરજોરથી પાવો વગાડવા માંડ્યો.
હું નીચે મુંડો કરીને ઓસરીની ધારે બેઠો રહ્યો. મનમાં ખીજ ચડે, આંયથી એક છૂટો ગડદો એના મોં પર માર્યો હોય તો? ઘડીક થાય, લાવ ને એના હાથમાંથી પાવો પડાવીને ભુક્કા બોલાવી દઉં. પણ ગયા વરસે આના સારુ જ બાપુના હાથનો મેથીપાક ચાખવો પડ્યો હતો.
ન રહેવાયું એટલે હું અંદર આવતો રહ્યો. પણ કાન થોડા કીધામાં રહે? ને એય કૈં પાવો વગાડતો હતો! તોયે ધરવ ન થયો એટલે ભેગાભેગું ગાવા માંડ્યું. ‘પાવો રે પાવો, પાવાવાળાનો ભૈ બાવો.’
‘આ ભોપલીનું મને બાવો કહી જાય?’
મારું રૂંવાડે રૂંવાડું બળવા માંડ્યું. ક્યાંય સખ ન પડે. મેં બા સામે જોયું. એ તો ઊંધું ઘાલીને રોટલા ટીપે. ઓલો ય હવે મને એનું મોં દેખાય એમ પગથિયાં પાસે આવીને નોખા લહેકાથી પાવો વગાડવા માંડયો.
ભીંતને પાટું મારતો હું ઓરડામાં આવ્યો. કોઠી મંઈથી પાવો કાઢી દોડાદોડ પગથિયાં ચડી ગયો.
‘હાલ તારે, આવી જા સામો.’
મારા હાથમાં પાવો જોઈને ઘડીક તો એ થાપ ખાઈ ગયો. પણ મેં પાવો વગાડવામાં માંડ્યો એટલે એણે ય સામો વગાડવા માંડ્યો. સામસામી આવતી ગાડીની વ્હિસલ ન વાગતી હોય! ઘડીક હું એના કાન પાસે પાવો રાખું, ઘડીક એ માંરા કાન પાસે. હું લાંબો શ્વાસ ખેંચીને ફૂંક મારું. એય મારી વાદે એમ કરે.
સણીજું એનું પેટ ધમણની જેમ ઊંચુંનીચું થવા માંડ્યું.
‘કાં? થાકી ગ્યો ને!’
‘ઇ... ઈ... ઈં... એણે ટચલી આંગળી વાંકી કરીને પાછો વગાડવા માંડ્યો.
મેં હવે મદારીની જેમ ગલોફાં ફુલાવીને ફૂંક મારવા માંડી. એણેય હતું એટલે જોર કરવા માંડ્યું. ભેગું ભેગું મોંમાંથી થૂંક ઊડતું જાય. પેટ વાંકું વળી જાય એટલું ઊંચુંનીચું થતું રહે.
મેં ઘડીક પાવો બંધ કરી દીધો. જોયું તો એના પાવામાંથી અવાજ જ ન નીકળે.
‘કાં? કેમ બંધ થઈ ગયો? વગાડને તારી પિપૂડી’ મેં એના પાવા ઉપર મારો પાવો માર્યો.
પણ એ તો કૈં હલે કે ચલે! ખાર ખાઈ ગયેલી મીંદડીની જેમ મારી સામે એકધારો તાકી રહ્યો. મને થયું આ ઓચિંતો તરાપ મારશે કે શું?
એકાએક પાવાનો ઘા કરતો એ મેડીના પગથિયાં ઊતરી ગયો. નીચે જઈને કહે : ‘બા, બા, હકલાને પાવો કોણે લઈ દીધો?’
‘કોઈએ નથી લઈ દીધો.’
‘એ ર્યો એની પાંહે’ એ બાને મારી પાસે લઈ આવ્યો.
‘લે... રોયા, તારી પાહે આ પાવો ક્યાંથી?’
હું મૂંઝાણો: ‘મને ઓલા ભાઈએ મફતમાં આપ્યો છે.’
‘કોણે? ઓલા પાવાવાળે? ઈ તારો સગો થાય છે?’
બાએ મારો કાન મરોડ્યો: ‘સાચું કે?’
‘કીધું તો ખરું.’
‘ક્યારે આપ્યો’તો?’ બાએ ફરીને બૂટ મરડી.
તમે પાણી પીવા ગ્યાં’તાં ત્યારે.’
‘તું મને દુ બનાવ’શ? એમ નહિ માન. તારો બાપ આવે એટલી વાર છે. ને, માદરબખત ચોરી કરતાં શીખી ગ્યો છે તે.’
રાતે બાપુ આવ્યા કે ભોપલો સામો દોડ્યો: ‘બાપુ બાપુ હકલો મેળામાંથી પાવો બઠાવી લાયો છે.’
‘કેમનો બઠાવ્યો હશે? વેચવાવાળો ઊંઘી ગ્યો હશે હેં?’ બાપુ દાંત કાઢવા માંડ્યા.
‘ખીં... ખીં... શું કરો છો?’ બા લોટવાળા હાથે હાલી આવ્યાં: ‘ગગે કૈં સારું કામ નથી કર્યું.’
‘સાચુકલો બઠાવી લાયો છે, બાપુ.’
‘એવું તો બને નહિ, ઇ આપણા લોહીમાં નહિ.’
મેં તો એને પાવો લઈ નથી દીધો. વેચવાવાળો એનો કાકો થતો હશે તે એમનામ આપી દે. તો હમણાં કહું એણે આપ્યો હશે, પાવો? ક્યાં નાખ્યો એલા?’
ભોપલો દોડીને પાવો લઈ આવ્યો : ‘જો આ ર્યો ઈ પાવો, બાપુ.’
બાપુ પાવો લઈને મારી પાસે આવ્યા. હું તો ઢીંચણ ઉપર માથું ટેકવીને ગોખલામાં બેઠો હતો.
ભોપલો બધો તાલ જોવા મેડી ઉપર ચડી ગયો.
‘તાવ આવે છે, બટા?’
‘ઉભુંક’ ગળે ડચૂરો વળવા માંડ્યો હતો. બોલી ન શકાયું.
‘આ પાવો તું ચોરીને લાયો છે?’
મેં ખભા ઊંચા કરીને ડચકારો કર્યો.
‘સાચું કહી દે. મારીશ નહિ.’
મને થયું, સાચું કહી દેવા દેને: બાપુ તો ટાઢાબોળ છે. ખબર પડશે એટલે ઊલટાના એ બાને વઢશે કે તું કંઈ લઈ નથી દેતી એટલે એણે હાથ ફેરો કર્યો છે. જવાબમાં ધીમેકથી માથું હલાવ્યું.
‘ચોરી કરી?’ આજ દી’ લગણ ક્યારેય સાંભળી નહોતી એવી રાડ બાપુએ પાડી. મારી તો ચડ્ડી પલળી ગઈ. બાએ ફફડી ગયાં. જોઉં તો બાપુની આંખો ઉબાડિયા જેવી લાલચોળ. ઝટિયાં વેરવિખેર.
‘બોલ, કાં ચોરી કરી?’ મારા વાંહે ધડાધડ ધાબા પડવા માંડ્યા.
‘મારી સાત પેઢીમાં કોઈ આવું નથી થ્યું ને તું કજાત આવો ક્યાંથી પાક્યો?’ બાએ માંડ એમને રોક્યા. મેં હીબકાં ભરવા માંડ્યા.
‘ખબરદાર એને ખાવાનું આપ્યું છે તો?’
બા કહે : ‘મૂંગો મરી રે’ ભૂંડો લાગે છે. નથી સારું કમાણો.’
હું સાંભળું તો ઓલો ઝેરીલો ઉપર પાવો વગાડે. યાદ આયું ને મેં માં આડો હાથ દઈ દીધો. મારો રોવાનો અવાજ એના પાવા આગળ પિપૂડી જેવો બની જાતો હતો. તોજ ‘કાં રોવે કહેતાં રોજ છાનો રાખવા દોડી આવતા ભાનુ ને માસી આ વખતે નહિ આવ્યાં હોય ને!
સ્રોત
- પુસ્તક : મનગમતી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : જિતેન્દ્ર પટેલ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2005
