ચંદ્રકાંત બક્ષી
Chandrakant Bakshi
સ્ક્વૉડ્રન લીડર જિતેન્દ્ર તિલકે આદમપુર એરપોર્ટના અંધારા રન-વે પર મિસ્ટીઅર ઊભું રાખ્યું, કૅનપી ખસેડી અને ઊતર્યો. બ્લેકઆઉટમાં એરપોર્ટની જરૂરી ઝાંખી બત્તીઓ સિવાય બધું ગાયબ હતું. મસ્ક ખોલીને, બગલમાં દબાવતો એ ટર્મિનલમાં ચાલ્યો ગયો.
ટર્મિનલમાં થઈને એ મેસમાં આવ્યો, પછી બારમાં વેટર સન્યાલ એને જોઈને પાસે આવ્યો. તિલક સન્યાલને વ્યક્તિગત ઓળખતો હતો.
‘સા’બ, લડાઈ બંધ હો ગઈ!’
બારમાં બહુ જ ઝાંખું અજવાળું હતું. તિલકે પોતાની ઘડિયાળમાં જોયું, ત્રેવીસમી તારીખ બદલાઈ ગઈ હતી, પણ દીવાલ પર હજી બાવીસમી હતી. સવારે કોઈ આવીને તારીખ ફાડશે ત્યારે....
‘”હા, સન્યાલ, સીઝ-ફાયર થઈ ગયો છે. શું પાઈશ, બોલ?”
“ફરમાવો એ.” સન્યાલ હસ્યો.
“એક ગિમલેટ જ લાવ.” પછી એ ટેલિફોન પાસે ગયો, ઉપાડીને તેણે એક્સ્ટેન્શન માગ્યું. ટેલિફોન પરની છોકરીએ જવાબ આપ્યો:
“સ્ક્વૉડ્રન લીડર તિલક કૉલિંગ. પ્લીઝ ગેટ મી... હલવારા સિક્સ્ટી ટુ... યસ... વિંગ કમાન્ડર મર્ચન્ટ.”
ટેલિફોન મૂકીને એ ટેબલ પાસે આવ્યો. બેઠો. સન્યાલ ગિમલેટ મૂકીને ઊભો રહ્યો: “ઔર કંઈ. સા’બ?”
“બસ, હું બેસીશ. હલવારાથી મારો કૉલ આવશે. આવે એટલે બોલાવજે અને સૂઈ ગયો હોઉં તો જગાડજે.”
સન્યાલ ચાલ્યો ગયો. ગિમલેટ પીતાં સ્ક્વૉડ્રન લીડર તિલક બારમૅનની પીઠ તરફ જોઈ રહ્યો, પછી ખાલી ખુરશીઓ તરફ –
લડાઈ ખતમ ગઈ?
રેડર કન્ટ્રોલર તરફથી અવાજ આવ્યો: “અટેન્શન! એનિમી એરક્રાફ્ટ સાઇટેડ. અલ્ટિટ્યૂડ.”
મિનિટમાં હવાઈ જહાજ ઊડવાના ફૂંકાતા અવાજમાં બ્લેકઆઉટની શાંતિ ખળભળી ગઈ. અવાજોથી પરથી તિલકે વિચાર કર્યો: નેટ્સ જઈ રહ્યાં છે ઇન્ટરસેપ્ટ કરવા, સીઝફાયર પછી પણ.
એ ઊભો થયો.
*
‘ઑલ ક્લિઅર’ મળી ગયું. પાક જહાજો ચાલ્યા ગયાં હતાં અથવા બીજા વિસ્તાર પર પસાર થઈ ગયાં હતાં.
ટેલિફોન વાગ્યો. સતર્ક થયેલા સન્યાલને આંખથી ઇશારો કરીને તિલક ટેલિફોન તરફ ગયો. રિસીવર ઉપાડ્યું: “સ્ક્વૉડ્રન લીડર તિલક હિઅર.”
ફોન હલવારાથી હતો, વિંગ કમાન્ડર મર્ચન્ટનો.
મર્ચન્ટે પૂછ્યું, તિલકે કહ્યું: “ફ્લાઈંગ ઑફિસર બોઝ મઝુમદાર વિશે હું જાણવા માગું છું.”
“બોઝ મઝુમદાર? તમારા સ્ક્વૉડ્રનનો?”
“હા.” તિલકને વધારે ન કહેવું પડ્યું.
“એને પાલમ લઈ ગયા છે. ન્યૂ દિલ્હીમાં ઑપરેશન કરશે.” મર્ચન્ટે કહ્યું.
લાઇનમાં શાંતિ છવાઈ ગઈ.
મર્ચન્ટે ફરી કહ્યું: “ટ્રાય પાલમ. એ લોકો કહી શકશે, કઈ હૉસ્પિટલમાં લઈ ગયા છે. મિલિટરી હૉસ્પિટલમાં જ હશે.”
એક મિનિટની શાંતિ પછી તિલક બોલ્યો: “ઓ.કે. હું પાલમ ટ્રાય કરું છું, થેંક્સ.”
ફોન મૂકીને તિલકે પાલમ માગ્યું અને ફરી ટેબલ પાસે આવીને બેસી ગયો. પછી એક ઘૂંટડે વોડકા પીતો હોય એમ ગિમલેટ પી ગયો. સન્યાલ દોડતો આવ્યો: “સા’બ!”
“સન્યાલ!” તિલકે સખ્તાઈથી જોયું, “વિસ્કી અને સોડા લઈ આવ.” પછી આંગળી અને અંગૂઠાથી સાઇઝ બતાવીને સૂચવ્યું: “બડો પેગ!”
અને...
જુલાઈના અંતમાં એર-ઑફિસર-કમાન્ડિંગે કહ્યું હતું કે વેસ્ટર્ન કમાન્ડની નીચે એક નાનું, બહુ જ ઝડપી સ્ક્વૉડ્રન બનાવવાનું છે. એમાં ફાઇટર્સ અને બૉમ્બર્સ બંને રહેશે અને એમાં જુદાજુદા કમાન્ડના પાઇલટો લેવાના છે. સ્ક્વૉડ્રન લીડર તિલકને એ સ્ક્વૉડ્રન બનાવવાનું છે.
બે દિવસ પછી આદમપુર એરપોર્ટના ઑપરેશન્સ રૂમમાં એની બધાની સાથે મુલાકાત થઈ. જામનગરથી ફ્લાઈટ લેફ્ટનન્ટ અધિકારી, જોધપુરથી ફ્લાઈટ લેફ્ટનન્ટ કોઠારી, બૅરેકપુરથી ફ્લાઈંગ ઑફિસર બોઝ-મઝુમદાર, પાલમથી ફ્લાઈંગ ઑફિસર ગુપ્તા અને ફ્લાઈટ લેફ્ટનન્ટ સક્સેના. છઠ્ઠો એર-સ્ક્વૉડ્રન લીડર જિતેન્દ્ર તિલક.
“આપણા સ્ક્વૉડ્રનનો કેટલામો નંબર આપીશું?” તિલકે પૂછ્યું.
ગુપ્તાએ કહ્યું: “બાવન.”
બધા હસ્યા: “કેમ બાવન?”
“આજે મારા ફાધરનો બાવનમો જન્મદિવસ છે.”
“સ્ક્વૉડ્રન ફિફ્ટી ટુ, વેસ્ટર્ન કમાન્ડ, લેટ્સ ડ્રિંક ટોસ્ટ ટુ.”
પછી બ્રીફિંગ રૂમમાં, મેસમાં, ટર્મિનલમાં ઘણી વાતો થઈ. બહુ જ મજાનું જવાન ગ્રૂપ હતું. બધા જ ત્રીસની અંદરના હતા.
એક દિવસ મેસમાં સક્સેનાએ પૂછ્યું: “લીડર! તમને ખબર છે : બીજા વિશ્વયુદ્ધમાં એક જર્મન પાઇલટ હતો. એણે એક યુદ્ધજહાજ ડુબાડ્યું હતું અને પાંચસો ટૅન્કો ઉડાવી હતી અને બે હજાર ‘સોર્ટ્રીઝ’ કરી હતી. અગિયાર વખત એને સાઇટેશન મળ્યાં હતાં અને છેલ્લે હિટલરે પોતે એને ઊડવાની ના પાડી હતી, સાંભળ્યું છે?”
“આર ઉપર કંઈક નામ હતું - રેન્ડલ કે એવું કંઈક.” તિલકે કહ્યું.
“આર.એ.એફ.માં પણ એવા બહાદુર પાઇલટો હતા. ગાય ગિબ્સન, ચેશાયર, સેઇલર મલાન.” અધિકારીએ કહ્યું.
“હું મુંબઈના એક છોકરાને ઓળખતો હતો. એણે બૅટલ ઑફ બ્રિટનમાં ભાગ લીધેલો. એ ગાય ગિબ્સન અને ચેશાયરને પર્સનલી ઓળખતો હતો.” તિલકે કહ્યું.
“ગિબ્સન બહુ જલદી મરી ગયો, છવ્વીસ જ વર્ષે.” કોઈ બોલ્યું.
“પાઇલટો જલદી મરે છે.”
“નહીં, ખરી વાત એ છે કે એ લોકો બહુ ઝડપથી જીવી નાખે છે!”
બધાએ હસી નાખ્યું.
બ્રીફિંગ રૂમમાં તિલકે કહ્યું: “આપણા સ્ક્વૉડ્રનમાં અધિકારી અને સક્સેના બૉમ્બરો-કેનબેરા સંભાળશે. કોઠારી બોઝ-મઝુમદાર, ગુપ્તા અને હું ફાઇટરો-મિસ્ટીઅર્સ કન્ટ્રોલ કરીશું. ધિસ વિલ બી અ હાઇલી મૉબાઇલ સ્ક્વૉડ્રન...”
*
પહેલી સપ્ટેમ્બરની રાતે મેસમાં તિલકે કહ્યું: “બૉય્ઝ! એક વાત મારે તમને કરવાની છે.”
બધાનાં મોઢાં લીડર તરફ ફર્યાં. બોઝ-મઝુમદારે સિગરેટનો કશ લઈને સિગરેટ હોલવી નાખી.
“આજે પાકિસ્તાનની ઇન્ફન્ટ્રી અને આર્મરે...” તિલક અટક્યો, ખોંખારો ખાધો, પછી શરૂ કર્યું: “ઇન્ટરનૅશનલ બૉર્ડર ઓળંગીને હુમલો કર્યો છે. વેસ્ટર્ન કમાન્ડના એરફૉર્સ અને પી.એ.એફ. વચ્ચે એક મુકાબલામાં આપણાં બે વેમ્પાયર જેટ્સ ખલાસ થયાં છે. એમના આર્મરને આપણે રોક્યું છે - તમે જાણો છો. મને લાગે છે, આપણે બહુ ઝડપથી લડાઈ તરફ જઈ રહ્યા છીએ. આપણા સ્ક્વૉડ્રનને પણ ‘ઑપરેશનલ રેડિનેસ’માં રહેવાનું છે.’
“બૉમ્બર્સને કહો, લીડર, અમે ફાઇટર્સ તો રેડી છીએ જ.” કોઠારીએ કહ્યું, પછી સક્સેના અને અધિકારી તરફ જોઈને કહ્યું: “આ બધું તમારા માટે છે!”
અધિકારી હસ્યો: “હા, જોઈશું. મને તો... બૉર્ડર ક્રૉસ કરવાનો ઑર્ડર મળે એની રાહ જોઉં છું.”
“ત્યારે તો મારે સાથે આવવું પડશે ને!” કોઠારી હસ્યો. સાથે બધા હસ્યા.
“એની વે,” તિલકે કહ્યું: “લડાઈ આવી ગઈ છે અને આપણા સ્ક્વૉડ્રનને પણ બહુ જ જલદી ઑપ્સ રૂમ અને મેસની બહાર નીકળવું પડશે.”
“મને લાગે છે આ નાની લડાઈ છે. સીઝ-ફાયર લાઇન જરા સીધી-આડી થશે અને ‘ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ જેવું થઈ જશે.” કોઠારીએ કહ્યું.
“એટલા આરામથી લેવા જેવું નથી. લડવાનો ચાન્સ મળ્યો છે. અને... લેટલી, ધીઝ પાકીઝ બીન એસ્કિંગ ફૉર ટ્રબલ.” સક્સેનાએ બોલીને ખુરશી ખસેડી. પછી એ પોતાનો ટ્રાન્ઝિસ્ટર લાવીને, ટેબલ પર મૂકીને બોલ્યો: “જોઈએ, દિલ્હી શું કહે છે?”
ન્યૂઝ શરૂ થયા. લડાઈ રંગ પકડતી હતી અને કલાકોમાં, ફૂટી ચૂકેલી રિકૉઇલલેસ ગનની બેરલની જેમ કૉફી ગરમ થઈ ગઈ હતી.
*
લડાઈ વધી ગઈ. ઇલેક્ટ્રિક વાયર પર દોડતી આગની જેમ અખનૂરની લડાઈ વાઘા અને ખેમકરણ અને બારમેર સુધી ફેલાઈ ગઈ. વેસ્ટર્ન કમાન્ડનાં લડાકુ અને બૉમ્બર જહાજો પેશાવર અને કોહાટ સુધી આગ વરસાવી આવ્યાં. હલવારા અને આદમપુર અને પઠાનકોટ અને અમૃતસર પર રાતના આકાશમાંથી સેબરજેટ આવી ગયાં. સક્સેનાએ કહ્યું હતું એમ લડવાનો ચાન્સ મળી ગયો - એક પેઢીમાં એક જ વાર દિલ ફાડીને લડી નાખવાનો મળે એવો ચાન્સ...
સ્ક્વૉડ્રન બાવનનું કામ જમીનની ફોજોને ‘એર-કવર’ આપવાનું હતું. સક્સેના એક વાર ગુજરાનવાલા પાસે ફૌજી પ્લેન ઉડાવી આવ્યો હતો અને પાછો આવીને તિલકને કહેતો હતો: “લીડર! મારા રેડિએટરમાં એક પાક બી-ફિફ્ટી સેવનની ત્રણ વીસ એમ.એમ.ની ગોળીઓ પણ લઈ આવ્યો છું.”
ડી-બ્રીફિંગ થઈ ગયા પછી બધા સાથે જમ્યા. પછી તિલકે કહેવું શરૂ કર્યું: “કાલે આપણે એક ખાસ મિશન પર જવાનું છે. આખું સ્ક્વૉડ્રન જશે.”
“ક્યાં?”
“આજે ડૉ. ગિલ પાસેથી એક સ્લીપિંગ પિલ લઈને સૂઈ જાઓ. પૂરા આરામની જરૂર છે. કાલે બપોરે લંચ પછી તમારે બધાએ મને બ્રીફિંગ રૂમમાં મળવાનું છે.”
બોઝ-મઝુમદાર હસ્યો: “તમે ખરેખર ગંભીર લાગો છો.”
“હા અને રાતે ગર્લફ્રેન્ડ્સ પકડીને નાઇટ-શો મારી આવજો. પછી સ્લીપિંગ પિલ્સ લેવાની છે. કાલે રાતે આપણે ‘સોર્ટ્રીસ’ પર જવાનું છે.”
બધા છૂટા પડતા ગયા.
અધિકારીએ કહ્યું: “મારે નાઇટ-શો કરવો નથી. કાઉન્ટ મી આઉટ. અને... મારી બહેનને બાબો આવ્યો છે અને કાગળ લખવાનો છે.”
“કેટલી બહેન છે તારે?” ગુપ્તાએ પૂછ્યું.
“ત્રણ. આ સૌથી નાની બહેન છે. પહેલો બાબો આવ્યો છે.”
“હું પણ મારા ફાધરનો ત્રીજો છોકરો છું, પણ...” એણે હસીને કહ્યું: “ત્રીજા છોકરાઓ માટે બાપા બહુ ફિકર નથી કરતા.”
“કારણ કે ત્રીજા છોકરાઓ હંમેશાં તકદીરવાળા હોય છે એમ કહેવાય છે.”
“એ તો ખબર નથી.” ગુપ્તાએ કોટનાં બટન ખોલતાં કહ્યું: “પણ હું ત્રીજો છોકરો હતો, એટલે જ મને એરફૉર્સમાં જોડાવાની રજા આપેલી.” પછી પોતાના ખિસ્સા તરફ જોઈ એણે અધિકારીને કહ્યું: “અધિકારી! મૅન, તું કાગળ લખી લે પછી તારી પેન મને આપજે. પડી-બડી ગઈ લાગે છે મારી.”
“તું કાગળ લખે છે?” અધિકારીએ સિગરેટ સળગાવતાં પૂછ્યું.
“આજે ડૅડીને લખવા દે. ઓલ્ડ મૅન વિલ ફીલ ફાઇન.”
*
બપોરે, લંચ પછી બધા ઑપ્સ રૂમમાં ભેગા થયાં: સ્ક્વૉડ્રન બાવનના પાંચ વિમાનીઓ અને લીડર જિતેન્દ્ર તિલક અને બે કેનબેરા બૉમ્બરોના નેવિગેટરો - નાયક અને ફર્નાન્ડિઝ.
“ગુડ આફ્ટરનૂન, સર!”
“ગુડ આફ્ટરનૂન...”
થોડી વાતો થઈ ઔપચારિક, પછી બધા બ્રીફિંગ રૂમમાં.
બ્રીફિંગ રૂમમાં બોર્ડ પર પશ્ચિમ પાકિસ્તાનનો એક વિશાળ નકશો લટકાવેલો હતો. બેન્ચો પર બેઠાંબેઠાં આંતરરાષ્ટ્રીય સીમા, રેલવેલાઇનો, રસ્તાઓ, એર ટર્મિનલો, શહેરો દેખાઈ રહ્યાં હતાં. બોર્ડની પાસે ખુરશીઓ પર હવાઈ દળના બે અફસરો યુનિફૉર્મમાં બેઠા હતા. એક માણસ નેવી બ્લૂ પુલઓવર અને સફેદ પૅન્ટમાં હતો. આસપાસ દીવાલો પર નકશાઓ અને એર ડિફેન્સના વિજ્ઞાપનો લટકતાં હતાં.
“જેન્ટલમેન,”
યુનિફૉર્મવાળા એક અફસરે શરૂ કર્યું: “સ્ક્વૉડ્રન બાવનને એક ખાસ મિશન પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માટે તમને ‘બ્રીફ’ કરવા અહીં બોલાવવામાં આવ્યા છે. અહીં થયેલી વાત જો દરવાજાઓની બહાર જશે તો તમારામાંથી એક પણ અફસર બીજી ‘સોર્ટ્રી’ માટે પાછો નહીં ફરે એ કહેવાની મારે જરૂર નથી, પણ તમારી જવાબદારીનો ખ્યાલ રહે એ માટે મેં ઉલ્લેખ કર્યો છે.”
યુનિફૉર્મવાળા અફસરે એક લાંબી લાકડી લઈને નકશા પર ધરી, પછી સાફ અવાજે કહ્યું: “રાત્રે ઝીરો પ્લસ વન સમયે સ્ક્વૉડ્રન બાવન પાકિસ્તાનના એક મહત્ત્વના કેન્દ્ર પર હુમલો કરવા - એ વિશે વધુ સ્પષ્ટતા તમને ગ્રૂપ કૅપ્ટન ગોખલે આપશે. આઈ હૅન્ડ ઓવર ટુ ગ્રૂપ કૅપ્ટન ગોખલે.”
ગ્રૂપ કૅપ્ટન ગોખલે નામનો માણસ ઊભો થયો અને એણે ઝીણી આંખોથી આખા સ્ક્વૉડ્રનને જોઈ લીધા પછી શરૂ કર્યું: “આજે રાત્રે તમારે રિસાલવાલા પર અટૅક કરવાનો છે.” લાકડીથી રિસાલવાલા બતાવતાં એણે સ્ક્વૉડ્રન તરફ ફરીને કહેવા માંડ્યું: “તમારે ફિરોઝપુરની દક્ષિણમાંથી સીમા ઓળંગવાની છે, સતલજ પાર કરીને, સુલેમંકી હેડવર્ક્સ દક્ષિણમાં છોડીને રિસાલવાલા તરફ નૈઋત્યમાં જવાનું છે. રસ્તામાં પહેલી કસુર તરફની રેલવેલાઇન છે અને ઇછોગિલ કૅનલ છે. મોન્ટગોમરી-લાહોર રોડ આવશે અને એની સમાંતર જતી બીજી રેલવેલાઇન. એ પછી રાવી નદી અને ત્રીજી રેલવેલાઇન. ચાક ઝૂમરા અને સુલેમંકી હેડવર્ક્સથી દૂર રહેવાનું છે, આટલું નેવિગેટર્સ નાયક અને ફર્નાન્ડિઝ માટે. પછી તમે રિસાલવાલા આવો છો. ક્લિઅર સો ફાર?”
“યેસ, સર! પણ એક સવાલ છે.” સક્સેનાએ પૂછ્યું: “આ વિસ્તારની પાક ઍન્ટિ-એરક્રાફ્ટ વિશે કંઈ ખ્યાલ છે?”
“હા.” ગ્રૂપ કૅપ્ટન ગોખલેએ કહ્યું: “સુલેમંકી, ચાક ઝૂમરા અને મોન્ટગોમરીમાં છે. રિસાલવાલા પર પણ સારી જમાવટ છે.”
એક ચુપકીદીભરેલી શાંતિ છવાઈ ગઈ.
“રિસાલવાલા પાસે જેટ ફ્યુઅલનો એક મોટો અન્ડરગ્રાઉન્ડ ડેપો છે એવી ઇન્ટેલિજન્સની ખબર છે. પાકિસ્તાન પાસે જેટ ફ્યુઅલ ત્રણ અઠવાડિયાંની લડાઈ પૂરતું પણ નથી એમ આપણી ઇન્ટેલિજન્સ કહે છે. આ ડેપો એમનો સૌથી મોટો ડેપો છે અને ત્યાંથી બધે ફ્યુઅલ મોકલાય છે. લડાઈ જે ઝડપથી વધી ગઈ છે એ જોતાં લાગે છે કે જો આ ડેપો ઉડાવવામાં આવે તો વેસ્ટર્ન કમાન્ડ પાકિસ્તાની આકાશનો એક અઠવાડિયા માટે પૂરેપૂરો કબજો લઈ શકે અને તો હવાઈ લડાઈની પૂરી રૂખ બદલાઈ જાય એ સ્વાભાવિક છે. ઇટ્સ અપ ટુ યુ, બૉય્ઝ.” ગ્રૂપ કૅપ્ટન ગોખલેએ પહેલી વાર હસીને કહ્યું: “યૂ હેવ ટુ ચેન્જ ધીઝ સેબર્સ ઇનટુ સિટિંગ ડક્સ!”
“હવે,” ગ્રૂપ કૅપ્ટન ગોખલેએ કહ્યું: “બાજુના રૂમમાં આવો.”
બધા ચૂપચાપ બાજુના રૂમમાં આવ્યા. નેવી બ્લૂ પુલઓવર અને સફેદ પૅન્ટવાળા માણસને ગ્રૂપ કૅપ્ટને આંખથી ઇશારો કર્યો. એણે એક ટેબલ પર ઢાંકેલા ડેસ્ક-કવરને ખસેડ્યું. એક નાનું મૉડલ પડ્યું હતું. અફસરો ટેબલની આસપાસ ઘેરાઈ ગયા.
સફેદ પૅન્ટવાળાએ કહેવા માંડ્યું: “આપણા ઇન્ટેલિજન્સની ખબરો પ્રમાણે આ મૉડલ મેં બનાવ્યું છે. આ રિસાલવાલા કૅન્ટોનમેન્ટ. આ દિશામાં લાયલપુર તરફનો રસ્તો જાય છે. રસ્તાની ડાબી તરફ ત્રણ માઇલના વિસ્તારમાં આ ડેપો પથરાયેલો છે. આની ચારે તરફ એક-એક ગન્સ ગોઠવાયેલી છે. આખો વિસ્તાર સિક્યોરિટી વિસ્તાર છે.”
થોડી વાર બધા ચૂપ રહ્યા.
“કોઈ સવાલ?” યુનિફૉર્મવાળા અફસરે પૂછ્યું.
બધાના ચહેરા સખ્ત હતા. તિલકે શાંતિ તોડતાં કહ્યું: “સૌથી મોટી અને મુશ્કેલ વાત છે આ વિસ્તાર શોધવો, જંગલના કિનારે, બ્લૅકઆઉટમાં...”
“આ મૉડલ પણ એક અંદાજ છે.” સફેદ પૅન્ટવાળાએ કહ્યું: “આપણા ‘ઇન્ટેલિજન્સ’ના રિપોર્ટ પરથી મેં બનાવ્યું છે અને બહુ જ જલદી બનાવ્યું છે અને બહુ જ જલદી બનાવવું પડ્યું છે. એટલે બે-ત્રણ કિલોમીટરનો ફરક હોઈ પણ શકે.”
બધા વિચારમાં પડી ગયા.
ગ્રૂપ કૅપ્ટન ગોખલેએ દરેકના ચહેરા પર નજર ફેરવી, પછી કહ્યું: “વેલ, સ્ક્વૉડ્રન લીડર! શો વિચાર કરો છો?”
“દિવસે અટૅક કરો તો?”
“ના, રાત્રે જ થઈ શકે એમ છે. દિવસની તકલીફો તમે સમજી શકો છો.”
“હા.” તિલક વધારે બોલ્યો નહીં.
“અચ્છા.” કોઠારીએ પૂછ્યું: “આખા વિસ્તારમાં ઍન્ટિ-એરક્રાફ્ટની શી સ્થિતિ છે?”
“આપણા રિપોર્ટ પ્રમાણે આખા વિસ્તારને ઘેરીને ગોળાકારમાં પોઝિશનો બનાવવામાં આવી છે.” યુનિફૉર્મવાળા અફસરે કહ્યું.
“વેલ, સર! હું સીધો વિચાર કરવામાં માનું છું. જો આ વિસ્તારમાં બીજે ક્યાંય એક-એક ગન્સ ન હોય તો આ જગ્યા શોધવી વસ્તુતઃ સહેલી પડી જશે. અમારામાંથી કોઈ પણ એક ક્રાફ્ટ ‘ફ્લેર’ નાખે અને એરક્રાફ્ટ ફાયર પોતાની તરફ ખેંચી લે. ફ્લેરના અજવાળા તરફ શૅડો છૂટે એટલે વિસ્તારની ખબર પડી જશે. ‘પિનપૉઇન્ટ’ કરતાં બહુ વાર નહીં લાગે.” કોઠારીએ કહ્યું અને પછી એ બધાની સામે જોઈ રહ્યો.
‘ફ્લૅક’ વિશે વિચાર કર્યો? જે ફ્લેર નાખશે એ પાકિસ્તાનની ફ્લૅકમાં પહેલો ખલાસ થઈ જવાનો. આ તો લગભગ આપઘાત કરવા જેવું થઈ જશે.” ગુપ્તાએ કહ્યું.
“જાપાનીઝ કામીકાઝેની જેમ.” અધિકારી હસ્યો.
“ખેર, જો તમને બધાને આ પ્લાન ગમતો હોય તો હું ફ્લેર નાખીશ.” કોઠારી શાંતિથી બોલ્યો.
“સવાલ એ છે કે...” તિલકે વજનથી કહ્યું: “આ પ્લાન કેટલી હદ સુધી બરાબર છે એ વિશે વિચાર કરવાનો છે. પાક એરક્રાફ્ટ હજી સુધી રાતના બૉમ્બિંગમાં ફ્લેર વાપરતું નથી એ હકીકત બહાર ન જવી જોઈએ.”
ગ્રૂપ કૅપ્ટન ગોખલેએ ધીરેથી કહ્યું: “બૉમ્બરોને પૂછીએ. અધિકારી અને સક્સેના, તમે શું કહો છો?”
સક્સેનાએ કહ્યું: “મને કોઠારીનો વિચાર બરાબર લાગે છે.”
“અધિકારી?” ગ્રૂપ કૅપ્ટન ગોખલેએ અધિકારી તરફ જોયું.
“વેલ, આઈ એમ રેડીંગ ફૉર ઝીરો પ્લસ વન.”
*
બ્રીફિંગ રૂમની બહાર નીકળીને બધા બારમાં આવ્યા. સૌએ પેગ-અડધો પેગ મગાવ્યો. ચૂપચાપ પી લીધો. બીજાં વિચારો-વાતોમાં ધ્યાન પરોવ્યું. બપોરની ટપાલમાં બોઝ-મઝુમદારનો કાગળ હતો. એણે કાગળ વાંચવા માંડ્યો.
“કોનો કાગળ છે - ફિયાન્સીનો?” ગુપ્તાએ પૂછ્યું.
“ના, મારી માનો છે.”
“શું લખે છે?”
“લખવાનું શું? મા શું લખે? નવી વાતમાં એટલું લખ્યું છે કે ઑક્ટોબરમાં બનારસ જવાનો વિચાર છે.”
પછી બોઝ-મઝુમદારે ઉમેર્યું: “બનારસમાં મારા મામા રહે છે. મામા માને ઘણા દિવસથી બોલાવે છે, પણ મા લખ્યા કરે છે કે નીકળાતું નથી.”
“તું પરણી નાખ.” ગુપ્તા હસ્યો: “પછી મા વગર બોલાવ્યે આવી જશે.”
“ના, આ વખતે લડાઈ પતી જાય એટલે માને બોલાવવી છે.” બોઝ-મઝુમદારે ધીરેથી કહ્યું.
સાંજ પડી. ફરી બધા ઑપ્સ રૂમમાં ભેગા થયા. તિલકે પૂરા સ્ક્વૉડ્રનને સમજાવવા માંડ્યું:
“ઝીરો પ્લસ વને આપણે ઊપડીએ છીએ. હું ‘લાઇન-અપ’ તમને સમજાવી દઉં. આપણે બે ‘વેવ્ઝ’માં જઈશું. પહેલાં સક્સેના, ગુપ્તા અને બોઝ-મઝુમદાર. સાત મિનિટ પછી બીજું ‘વેવ’ અધિકારી, કોઠારી અને હું. નાયક સક્સેનાનો નેવિગેટર અને ફર્નાન્ડિઝ અધિકારીનો. ક્લિઅર?”
“આ ઑપરેશનનું નામ શું રાખ્યું છે?” અધિકારીએ પૂછ્યું.
“સૂચવો.”
“ચાલો, હું સૂચવું.” કોઠારી બોલ્યો: “કૉલ ઇટ ‘ઑપરેશન ભુટ્ટો.’
‘યૂ સેડ ઇટ, મૅન!’ બધા ખડખડાટ હસ્યા.
સાંજ ઢળવા માંડી. બૉમ્બરો લોડ થતાં ગયાં. મિસ્ટિઅર્સનાં ફ્યૂઝલાઝની નીચે ગોઠવાયેલાં ચકચકાં રૉકેટો જોઈને તિલક ખુશ થયો. ગ્રાઉન્ડ ક્રૂની સાથે એણે કૉફી પીતાં મજાકો કરવા માંડી: “આમાંથી કેટલાં પાછાં લાવવાનાં?” એણે રૉકેટો ફિટ કરનારા ક્રૂને પૂછ્યું: “આટલાં રૉકેટ ઓછાં પડશે તમને - સેબરોનો મુકાબલો થશે તો.” ક્રૂએ કહ્યું, પછી તિલક હસ્યો. ક્રૂને ખબર ન હતી, ક્યાં જવાની તૈયારી થઈ રહી હતી. તેણે હસતાં કહ્યું: “અમે સારગોધા, ચકલાલા... એકાદ જગ્યાએ જવાના છીએ. હવામાં હોઈશું ત્યારે ઑર્ડર મળશે...”
ક્રુ જાણીતું હતું કે સૉર્ટ્રી પર જનારા સ્ક્વૉડ્રન લીડરો સાચું બોલતા નથી અથવા એમને ખુદને જ તેઓ હવામાં હોય ત્યારે જ સૂચના મળે છે અથવા 62ના ચીની આક્રમણ વખતે હતું એમ પાઇલટ કૉકપિટમાં આવે ત્યારે સીટ પર ચિઠ્ઠી પડેલી જુએ, જેમાં એનું લક્ષ્યસ્થાન લખેલું હોય.
રાત પડી. રાત્રે હલકા નાસ્તા વખતે કોઈ બોલ્યું નહીં. લગભગ બધાના હોઠ બંધ હતા અને અંધારી હવામાં વજન હતું. ફક્ત સિગરેટો ઝડપથી પીતા જતી હતી અને માણસો પ્રયત્ન કરીને છોકરીઓની વાતો કરતા હતા અને બિડાઈ જતા હતા. ધીરેધીરે બધા ઊભા થયા, ડૉર્મિટરીમાં ખોવાતા ગયા. ફ્લાઇંગ કિટ પહેરીને સ્ક્વૉડ્રન ફિફ્ટી ટુના પાઇલટો અને નેવિગેટરો એક પછી એક બ્લેકઆઉટના અંધકારમાં ઊભેલા કેનબેરા અને મિસ્ટિઅર્સમાં ચડતા ગયા. સક્સેના અને ગુપ્તા અને બોઝ-મઝુમદાર અને નેવિગેટર નાયક. બગલમાં દબાયેલાં માસ્ક પહેરાયાં. ગોગલ્સ અને ઇઅર-ફોન્સ અને સીટો પાસે લટકતા સ્ટ્રેપ બંધ થયા. ફ્યુએલ અને બૉમ્બ અને રૉકેટોથી વજનદાર થઈ ગયેલાં લડાકુ જહાજોનાં મશીનો ગરમ થતાં ગયાં. પૈડાંઓ પાસે મૂકાયેલા લાકડાના ચોક ખેંચાયા. જમણી-ડાબી તરફ ‘થમ્સ અપ’નાં અંગૂઠાનાં નિશાનો અને પાકિસ્તાનનો નકશો અને રેડર-સ્ક્રીન અને કંપાસ અને ઑલ્ટિમીટર અને મશીનોમાં ચકરાતાં રોટરો અને પાઇલટોએ ખેંચીને બંધ કરેલી કેનપીઓ અને ટાર્મેક પર સરકવું શરૂ થયેલું સ્ક્વૉડ્રન બાવનનું પહેલું ફૉર્મેશન...
ઝીરો પ્લસ વન.... ઑપરેશન ભુટ્ટો...
ગુડ લક, બૉય્ઝ!
ફઝિલ્કાની ઉત્તરમાંથી સ્ક્વૉડ્રન ફિફ્ટી ટુનાં બંને ફૉર્મેશનોએ સમયના થોડા થોડા અંતરે પાકિસ્તાનની સીમા ઓળંગી. નીચે પાકિસ્તાનની ઇન્ફન્ટ્રી અને ટ્રકો અને આર્મરની, કેમોફ્લાઝ હોવા છતાં, જમાવટ દેખાઈ રહી હતી. કસુર જતી રેલવેલાઇનનો અણસારો આવતાં તિલકે રેડિયો-ટેલિફોન પર પૂછ્યું: “હેલો, પી-પેશાવર, પી-પેશાવર...” રેડિયો-ટેલિફોન પર નેવિગેટર નાયકનો અવાજ સંભળાયો: “કસુર રેલવેલાઇન, લીડર!”
સક્સેનાના કેનબેરાનું કોડ-નામ ‘પી-પેશાવર’ હતું.
બંને ફૉર્મેશન લગભગ સાથે થયાં. અંધકારમાં જેટની ઝડપે રેલવેલાઇન અને ઇછોગિલ કેનલ ઓળંગાયાં. પછી થોડી વારે મોન્ટગોમરી-લાહોર રોડ દેખાયો. આસપાસના અંધકારમાં ઊભેલાં શેરડી અને જુવારનાં ખેતરો અને સમાંતર દોડતા રેલવે ટ્રેક અને આર-સી પર નાયકનો અવાજ: “હવે રાવી આવશે, લીડર!”
આર-ટી પર શાંતિ હતી - લક્ષ્યસ્થાન પાસે આવી રહ્યાની થડકારભરેલી શાંતિ, કિનારાઓ પર સુકાઈ ગયેલી રાવીની ચમકતી માટીની શાંતિ. આ સપ્ટેમ્બરમાં વરસાદ થયો ન હતો અને હિન્દુસ્તાનની આર્ટિલરીના ટૅન્ક કમાન્ડરો દિવસે આકાશ સામે જોતા હતા. વરસાદ પડે અને કાદવ થઈ જાય તો નાળાંઓ અને નહેરોને કિનારે ટૅન્કો ખૂંચી જવાની હતી - પાકિસ્તાનની અને હિન્દુસ્તાનની બંનેની અને...
“રાવી, લીડર!”
બધા ઇયર-ફોન્સ પર ‘રાવી, લીડર!’ના પડઘા પડ્યા. હવે એક જ અને છેલ્લી રેલવેલાઇન હતી. રેલવેલાઇનની પાર સપાટ ભૂમિ હતી, પછી રિસાલવાલા અને રિસાલવાલા-લાયલપુર રોડને કિનારે, ડાબી તરફ, ત્રણ માઇલના વિસ્તારમાં, ઍન્ટિએરક્રાફ્ટ ગનોથી ઘેરાયેલો જેટ ફ્યુએલનો ડેપો –
દૂરથી રિસાલવાલા કૅન્ટોનમેન્ટ દેખાવા માંડ્યું અને જહાજો મોટા વર્તુળમાં છૂટાં પડી ગયાં.
કૅન્ટોનમેન્ટ શરૂ થયું ત્યારે જમીનમાંથી ફાટી હોય તેમ સાઇરનો વાગી ઊઠી અને એકાએક બત્તીઓ બંધ થઈ ગઈ.
લાયલપુર રોડ આવતાં તિલકે આર-ટી પર પૂછ્યું: “હેલો, કે-કરાંચી, આર યુ રેડી?”
“ઓ.કે., લીડર! ગોઇંગ ઇન વિથ ફ્લેર.”
કે-કરાંચી કોઠારીના મિસ્ટિઅરનું કોડ-નામ હતું. બત્તીઓ બંધ થતાં પહેલાં તિલકે જોયું: ઉત્તર-પૂર્વ પર ટ્રેનની લાઇનો હતી અને પાટાઓ પર લાલ રંગેલી ફ્યુએલની ટૅન્કર ટ્રેનો ઊભી હતી. તિલકે કહ્યું: “ડી-ડેકા, બૉમ્બ ટૅન્કર્સ.”
ડી-ડેકા અધિકારીના કેનબેરાનું કોડ-નામ હતું. આર-ટી પર ફર્નાન્ડિઝનો અવાજ આવ્યો: “ગોઇંગ ઇન, લીડર!”
લગભગ એકસાથે જ હવામાં ફ્લેર ફેંકાઈ અને પ્રકાશ થયો. ઍન્ટિએરક્રાફ્ટ ગનો ભડકી ઊઠી. ફ્લેરની દિશામાં ઍન્ટિએરક્રાફ્ટ ગનોનો ‘ફ્લેશ’ ફેલાઈ ગયો. આકાશમાં લિસોટા થઈ ગયા. ટૅન્કરો પર બૉમ્બ વરસી ગયા. હવા પસાર થઈને દોડી હોય એમ આગ ફેલાઈ અને ધુમાડાઓમાં ઢંકાઈ ગઈ. અંધારામાં ધુમાડાના ગોટાઓ, ફ્લૅકના લિસોટા અને ધણધણાટી, ખેંચાતી ચીસો જેવી સાઇરનો, બૉમ્બિંગ-રન પર ચકરાતાં કેનબેરા...
ફ્લેરના અજવાળામાં કેમોફ્લાઝ કરેલા એક પાવરહાઉસ જેવું દેખાયું. ભડભડતાં ટૅન્કરો પરથી ધુમાડો ખસીને ખેતરો પર સૂતેલી કાળાશ પર છવાઈ રહ્યો હતો. એકાએક ફ્લૅકમાં એક જહાજ હિટ થયું. તિલકે જોયું.
“આઇ ઍમ હિટ! કૉકપિટમાં ધુમાડો આવી ગયો છે - દેખાતું નથી!” આર-ટી પર અવાજ આવ્યો.
પછી એક મિસ્ટિઅર ઝૂક્યું, ઊંચાઈ ખોતું નમ્યું અને ઝાડોની સપાટીને લગભગ બચાવતું, પાવરહાઉસના કૅબલોમાં ફસાયું., પોર્ટ-સાઇડ પર ગબડ્યું, જમીન પર એક ધડાકો થયો અને સળગી ગયું.
“કે-કરાંચી! કે-કરાંચી!”
જવાબ વિનાનો તિલકનો સવાલ ઇયરફોન્સ સુધી જઈને અટકી ગયો.
કોઈ બોલ્યું: “પુઅર કોઠારી!”
શેલો છૂટતી હતી, ઍન્ટિએરક્રાફ્ટ ગન્સનું ફ્લૅક ચારે દિશામાં ફાટી રહ્યું હતું. અધિકારી અને સક્સેનાનાં કેનબેરા ફ્લૅકમાંથી બચતાં, ઊંચાં ચક્કરો લેતાં, આગ વરસાવતાં હતાં. તિલકે જોયું: પશ્ચિમ તરફ એક સપાટ મેદાન જેવું હતું. ઉપર ઘાસ ઊગ્યું હોય એવું લાગતું હતું. એણે તરત આર-ટી પર ઘાસ પર હજાર પાઉન્ડનો ઇન્સેન્ડિયરી બૉમ્બ ફેંકવાની સૂચના આપી. સક્સેનાએ બૉમ્બ-રિલીઝ બટન દબાવ્યું. મિનિટ પછી જમીન ફાટી, ઉગાડેલા ઘાસના કેમોફ્લાઝની નીચે ફ્યુએલનો જથ્થો એક જબરદસ્ત ધડાકા સાથે સળગ્યો. દૂરથી બે પાકિસ્તાની સેબર ઊડતાં આવેલાં દેખાયાં. એક ભારતીય જહાજ હિટ થયું.
આર-ટી પર એક ફાટેલો અવાજ બોલ્યો: “સક્સેના હૅઝ ડિચ્ડ!”
પી-પેશાવર સીધું, જાપાનીઝ કામીકાઝીની જેમ, કેમોફ્લાઝ ઘાસના મેદાન પર પડ્યું અને કાચી જમીનમાં ખૂંચી ગયું અને સળગ્યું. એક ધડાકા સાથે જલતા ફ્યુએલની આગ ફેલાઈ - ફેલાઈ ગઈ.
અન્ડરગ્રાઉન્ડ ડેપો મળી ગયો હતો. તિલક આર-ટી પર ચિલ્લાયો: “હેલો, ડી-ડેકા, હિટ ધ ડમ્પ... ફાઇટર્સ, ટેક સેબર્સ... અવૉઇડ ફ્લૅક...”
ફ્લૅક બચાવતા તિલક અને ગુપ્તા એક સેબરની પાછળ થઈ ગયા અને બે ઝડપી બર્સ્ટમાં સેબરને નમાવી દીધું, બીજું જમીન પરથી ફેંકાતા ફ્લૅકમાં ફસાઈ ગયું.
નીચે ડમ્પમાં આગ ભયાનક વેગથી ફેલાતી ગઈ અને બીજા નાના-નાના ડમ્પમાં પણ ફૂંકાતી આગમાં સળગતા ગયા.
તિલકે જોયું: ગુપ્તાના મિસ્ટિઅરના ફ્યૂઝલાઝમાં શેલનાં ગાબડાં પડી ગયાં હતાં. પછી સ્ટારબોર્ડ સાઇડ પર આગ ફેલાતી ગઈ. થરથરતું, ઊંચાઈ ખોતું મિસ્ટિઅર જરા સ્થિર થયું, ફરી નમ્યું અને આર-ટી પર ગુપ્તાનો અવાજ સંભળાયો: “આઇ ઍમ ઇજેક્ટિંગ, લીડર!”
અને તિલકના ઇયર-ફોનમાં ફરી શાંતિ છવાઈ ગઈ.
સળગતી જમીનમાંથી ઊઠતા ભડકા સામે જોઈને તિલકે આર-ટી પર કહ્યું: “સ્ક્વૉડ્રન ફિફ્ટી ટુ, ઑપરેશન ભુટ્ટો ઇઝ ઓવર! લેટ્સ ગો હોમ!”
પાછા ફરતાં રાવી ઓળંગીને એણે પૂછ્યું: “ડી-ડેકા?”
ફક્ત એક જ મિસ્ટિઅર દેખાતું હતું - બોઝ-મઝુમદારનું. અધિકારીનું ‘ડી-ડેકા’ ગાયબ હતું.
બોઝ-મઝુમદારે થાકતા અવાજે કહ્યું: “મારી સ્ટારબોર્ડ સાઇડ પર સ્ટ્રેફિંગનાં કાણાં થઈ ગયાં છે. મેસ પર નહીં પહોંચી શકાય, લીડર! મારા શરીરમાં બે બુલેટો આવી ગઈ છે.”
હલવારા પહોંચીને તિલકે ગ્રાઉન્ડનો કૉન્ટેક્ટ કર્યો. બોઝ-મઝુમદારનું મિસ્ટિઅર માંડમાંડ ઊતર્યું. ઍમ્બ્યુલન્સ અને ડૉક્ટરો દોડતાં આવ્યાં. કૅનપી ફાડીને, સ્ટ્રેપ ખોલીને એને બહાર કાઢ્યો. હૉસ્પિટલ તરફ જતાં રસ્તામાં જ ઍમ્બ્યુલન્સમાં ખૂબ બ્લીડિંગ થઈ જવાથી એ બેહોશ થઈ ગયો.
ડી-બ્રીફિંગ વખતે સ્ક્વૉડ્રન લીડર જિતેન્દ્ર તિલકે આદમપુરથી હલવારા આવેલા ગ્રૂપ કૅપ્ટન ગોખલેને સ્વસ્થતાથી કહ્યું: “ઑપરેશન ભુટ્ટો ઇઝ કૅરિડ થ્રૂ આઉટ, સર!” પછી એને યાદ આવ્યું હોય એમ બેહોશીમાં કહ્યું: “સ્ક્વૉડ્રન ફિફ્ટી ટુ બૅક, સર.”
*
“તમારો ફોન, સા’બ!” સન્યાલે આવીને તિલકને જગાડ્યો. એ લગભગ તંદ્રામાં હતો અને અર્ધસ્વપ્નાવસ્થામાં એ જોઈ રહ્યો હતો અને પાછળ આકાશ હતું અને સ્ક્વૉડ્રન ફિફ્ટી ટુના જહાજીઓ “લેટ્સ ડ્રિન્ક ટોસ્ટ ટુ...” કહીને કૉકટેલના ગ્લાસ મોઢે લગાવતા હતા.
એણે આંખો ખોલી. સામે સન્યાલ ઊભો હતો.
“સા’બ, પાલમથી ફોન છે.”
તિલક ઊભો થયો. ફોન પાસે ગયો.
“સ્ક્વૉડ્રન લીડર જિતેન્દ્ર તિલક ફ્રોમ સ્ક્વૉડ્રન ફિફ્ટી ટુ સ્પીકિંગ.”
“અમારા સ્ક્વૉડ્રનના ફ્લાઇંગ ઑફિસર બોઝ-મઝુમદાર સાર્ટી પરથી ઘાયલ અવસ્થામાં પાછા આવ્યા પછી એમને પાલમ ખસેડવામાં આવ્યા છે. હું એમના વિશે જાણવા માગું છું.”
“પ્લીઝ હોલ્ડ ઑન, સર! હું તપાસ કરીને તરત જ કહું છું.”
થોડી વારની શાંતિ પછી –
“ન્યૂ દિલ્હીની મિલિટરી હૉસ્પિટલમાં કાલે રાત્રે એમને બીજું ઑપરેશન કરવું પડ્યું.”
તિલક ચૂપ થઈ ગયો, પછી બોલ્યો: “કેટલા વાગ્યે?”
“રાત્રે સાડાનવ વાગ્યે. આજે સવારે કલકત્તાથી એમની મા અને બનારસથી એમના મામા ડાકોટામાં એમનું શરીર લઈ જવા આવશે.”
વધુ વાત થઈ નહીં. આભાર માનીને એણે ફોન મૂકી દીધો.
અને ટર્મિનલમાં જઈને પત્રો લખવા શરૂ કર્યા - બોઝ-મઝુમદારની માને અને ગુપ્તાના પિતાને અને અધિકારીની બહેનને અને...
*
...અને પરોઢિયાના પહેલા અર્ધપ્રકાશમાં સાત પત્રો સન્યાલને પોસ્ટ કરવા આપીને સિગરેટ સળગાવીને સ્ક્વૉડ્રન લીડર જિતેન્દ્ર તિલક પોતાના ક્વાર્ટર્સ તરફ ચાલી નીકળ્યો.
સ્રોત
- પુસ્તક : ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 108)
- સર્જક : ચંદ્રકાંત બક્ષી
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2018
