ભારતી દલાલ
Bharti Dalal
સ્ટેશને ઊતરીને જોયું તો રહેમાનચાચાની ઘોડાગાડી હતી. રહેમાનચાચાએ મને તરત જ ઓળખી કાઢી. કહ્યું, ‘બેબી, કેટલે વર્ષે આવી? વેલાત ગઈ હતી કે શું ?’ મેં કહ્યું, ‘ના. કેમ ચાચા મજામાં ને?’ એ પ્રશ્ન સાંભળીને રહેમાનચાચા ઊંડા વિચારમાં પડી ગયા. ચાચામાં ને એમના ટાયડામાં કશો ફેર લાગતો નહોતો. ચાચા એના ઘોડાને ઉદ્દેશીને બોલવા લાગ્યા, ‘કમબખત, તને ને મને મોત નથી આવતું. જીવતરનો બોજો હજી આપણે વેઢાર્યે જ જઈ એ છીએ.’ ચાચાના મુખ પરની કરચલીએ વેદનાની નદીઓની જેમ વહેતી હતી. આંખો નિસ્તેજ થઈ ગઈ હતી.
અમે ગામમાંથી પસાર થવા લાગ્યા. હવે તે ગામમાં એક કૉલેજ પણ થઈ હતી. જ્યાં અમારી સરકારી કન્યાશાળા હતી ત્યાં મોટું થિયેટર થઈ ગયું હતું. નિશાળ પાસેનો વડ અદૃશ્ય થઈ ગયો હતો. ગામ શહેર થવાના કરુણ પ્રયત્નો કરતું દેખાયું. મારે હોઠે કેટલાંયનાં નામ આવ્યાં પણ હું કશું બોલી નહિ.
ઘોડાગાડી મારા ઘર આગળ આવીને ઊભી રહી. બહાર બારણાં પર મારાં ભાઈભાભી પરણીને આવ્યા ત્યારના કંકુના થાપાની આછી છાપ હજી હતી. રવેશમાં બાપુજી બેઠા હોય, કયાં તો આરામખુરશીમાં બેઠા બેઠા શાક શમારતા હોય. ક્યાં તો છાપું વાંચતાં હોય. એમને ગયાને તો જોતજોતામાં દસ વરસ થઈ ગયાં ! રવેશ ખાલી હતી. બારણા પાસે એક કૂતરું બેઠું હતું તે મને જોઈ ને ભસવા લાગ્યું. મેં બંધ બારણું ખટખટાવ્યું. અંદરથી કશો અવાજ આવ્યો નહિ. મે જોરથી બૂમ પાડી, ‘બા, બા...’ રહેમાનચાચાએ કહ્યું, ‘હવે તારી માને બરાબર સંભળાતું નથી.’ હું બંધ બારણાની મહાર, એમ ને એમ, જડવત્ ઊભી રહી ગઈ. ઘોડાગાડી જતી રહી. ફરી ‘બા’ બોલવા ગઈ ને અવાજ નીકળ્યો જ નહિ. બારણું ફરીથી ખટખટાવ્યું. થોડી વારે મા બહાર આવી. અંદરથી હાથની છાજલી કરીને જોયું. આંખે મોતિયો આવ્યા પછીના ચશ્મા પહેર્યાં હતા. એની એક દાંડી તૂટી ગઈ હતી. અને સ્થાને દોરી બાંધી હતી. એની આંખમાં પરિચયનો અણસાર નહોતો. મેં છેક બારણા ખાસે મોઢું લઈ જઈ ને કહ્યું, ‘બા, એ તો હું, - પછી અટકી ગઈ. બાના મોઢા પર કેવળ ઉદાસીનતાનો ભાવ હતા. ‘આ કોણ હશે ?’ એવું વિસ્મય પણ નહોતું. કદાચ એણે મને ઓળખી કાઢી હશે અને તેથી જ –
પછી એણે બારણું ખોલ્યું ને એ કશું બોલ્યા વિના અંદર જતી રહી. હું ઉંબરા આગળ સહેજ થમ્ભી ગઈ. ઘરની અંદર નજર નાખી. ખૂણામાં બાપુનો રેંટિયો મૂંગો પડ્યો હતો. એની આજુબાજુ કરોળિયાઓએ જાળાં કાંત્યાં હતાં, પરસાળમાં હિંચકો દેખાતો નહોતો. બેઠકના ઓરડાની દીવાલ પરના ફોટા ઊંધા કરી નાંખ્યા હતા. ક્યાંક ચકલીએ બાંધેલા માળામાંથી ઘાસ લટકતું હતું. ઘરમાંનો પ્રકાશ કોઈ બીજા જ યુગનો લાગતો હતો.
મેં સામાન રવેશમાં મૂક્યો. વાડામાં જઈને હાથ મોં ધોયાં ને બા રસોડામાં હતી ત્યાં જઈ ને એને પગે લાગી. એના આશીર્વાદ આપતા હાથ હમણાં વાંસા પર ફરશે એની આશાએ હું ક્યાં સુધી ઝૂકી જ રહી, પણ એવું તો બન્યું નહિ. ઊભા થઈ ને જોયું તો ચશ્મા પાછળની બાની આંખમાં આંસુની ઝાંય હોય એવો ભાસ થયો. કદાચ એ મારી કલ્પના પણ હોય.
બા એવી જ જાજરમાન લાગતી હતી. એ સહેજે ય વાંકીવળી ગઈ નહોતી. વર્ષોના એકાન્તથી ય એના ખભા ઝૂક્યા નહોતા. પણ ચશ્મા પાછળની આંખ એકદમ ઓળખી શકાતી નહોતી. એ એક શબ્દ બોલે તો જાણે બંધ બારણું ખૂલી જાય. પણ એ તો એના રાબેતા મુજબના સવારના કામમાં ગરકાવ થઈ ગઈ હતી. એ આંગળી વચ્ચે રૂને રાખીને એ ઘીના દીવા માટેનાં પૂમડાં કરતી હતી, એના હોઠ કદીક આછું ફરકતા હોય એમ લાગતું હતું.
મેં ફરી ઘરની અંદર એક નજર ફેરવી લીધી. વર્ષોથી ઘૂંટાતી વેદનાને કારણે જાણે એને એક નવો રંગ ચઢ્યો હતો. ઘરમાંની વસ્તુઓ કશુક લાંબા વખત સુધી સહ્યાના ભારથી દબાઈ ગયેલી લાગતી હતી. દીવાલ પરથી ક્યાંક ઊખડી ગયેલું. પ્લાસ્ટર, એકાદ ખસી ગયેલી ઈંટ, દાદર પરનું ભાંગી ગયેલ પગથિયું આ મારી ગેરહાજરીમાં વીતી ગયેલા સમયના સકેંત બની ગયાં હતાં. આ બધાં વચ્ચે અને મારી બા વચ્ચે એક મેળ હતો તેનો તાર જાણે મારા એકાએક આવી ચઢવાથી તૂટી ગયો હતો. પણ હું ય અહીં થોડા તૂટેલા તાર સાંધવા આવી હતી !
ઘડીભર તો મને લાગ્યું કે હું જાણે સદેહે પિતૃલોકમાં પ્રવેશી હતી. ઘરમાં અહીંથી તહીં ફરતી બા અને સદ્ગત પિતૃઓ વચ્ચે કશો ફેર નહોતો. પણ મારામાંથી સાત વર્ષની બાળા અને ચૌદ વર્ષની કિશોરી કૂદી પડીને ધાંધલ મચાવવા ઉત્સુક બની રહ્યાં હતાં. બાના શરીરની એ હૂંફ, એના ઉચ્છ્વવાસમાંની એ સુગન્ધ, એના બરછટ થઈ ગયેલા હાથનો સ્પર્શ - આ બધું ઝંખતી હું બીજા જ લોકના ઉમ્મરે આવીને અટકી ગઈ હતી. જેણે મને બોલતાં. શીખવ્યું હતું તેની સાથે શી રીતે બોલવું તેની મૂંઝવણમાં હું પડી ગઈ.
ઘરના ઓરડેઓરડામાં ફરીને મારે સંસ્મરણો તાજા કરવા નહોતાં. આ ઘરમાંથી જે જે ગયાં તે એવાં સ્મરણોનો - ઘણીવાર તો કટુ સ્મરણોનો બોજો બા પર લાદતાં ગયાં. તે હું જાણું છું. મેં પણ એવો ભાર બાના પર લાદ્યો છે તે પણ હું જાણું છું. એ બધા ભારથી વર્તમાન છતાં ભૂતમાં અર્ધી ડૂબી ગયેલી બાને મારે ફરી બહાર લાવવી હતી. પણ એમ કરવાથી કદાચ એ વધારે બેબાકળી બની જાય તો ?
હું બહારના ઓરડામાં હતી ત્યારે અંદરથી કશોક અવાજ આવ્યો. હું અરવ પગલે રસોડા તરફ વળી બારણાં આગળ ઊભા રહીને જોયું તો બા કશુંક ગણગણતી હતી. એમાંનું કશું સ્પષ્ટ સંભળાતું નહોતું, છતાં એના બોલવાના લય પરથી હું લાગણીનું અનુમાન કરવા મથી. એમાં ક્રોધ તો નહોતો જ, વેદનાનો કમ્પ પણ નહોતો. પહેલાં એના જવાબમાં એ કશુંક ગણગણી, પણ તે મને સમજાયું નહિ, મેં થોડીવાર રાહ જોઈ પછી જમવાનું શરૂ કર્યું, અમારા ઘરમાં બાની રસોઈ વખણાતી. પણ આજે તો કશો હકાર નહોતો. દાળમાં મીઠું ભૂલી ગઈ હતી. મને થયું : દરરોજ બા આમ લુસલુસ કોળિયા ભરતી હશે. હવે એને કશો સ્વાદ રહ્યો જ નહિ હોય !
બા ઢાંકો ઢૂમો કરતી હતી ને જ બહારથી બિલાડી આવી. બાએ એને ખાવાનું આપ્યું. એ કૃતજ્ઞતાસૂચક અવાજ કરતી ખાવાનું લિજ્જતથી ખાવા લાગી. પછી બાના પગને ઘસાઈને ફરવા લાગી. માએ એને પંપાળી ત્યારે એમના મોંઢાનો ભાવ બદલાયો, ચહેરો થોડો કૂણો બન્યો, આંખમાં થોડી ચમક આવી. હું ત્યાં આગંતુક જેવી લાગી.
મને લાગ્યું કે આ અભેદ્ય કિલ્લાની પાછળ સરી ગઈ છે, એ કિલ્લા ઘર છોડી જનારાં અમે સહુએ જ એની આજુબાજુ રચી દીધો છે. નથી અમે એની અંદર જઈ શકતાં કે નથી એ બહાર આવી શકતી. ભાષાના, લાગણીના, બધા સંકેતો બદલાઈ ગયા છે. બા હવે મરણ સિવાય બીજા કશાની રાહ પણ નહિ જોતી હાય. એ મરણ કદાચ વાડામાં આવીને બેઠું પણ હશે.
હજી કદાચ આ ઘરની વળીઓના અંધકારમાં મેં કરેલો ‘બા’નો ટહુકો સચવાઈ રહ્યો હશે. ત્યારે ઘૂંટેલી બારાખડીના અક્ષરોને અહીં જ વિખેરી દઈને હું ચાલી ગઈ હતી. આજે હું ભૂતકાળના એ સ્થાને પાછી આવીં હતી. પણ એ સ્થાન હવે રહ્યું જ નહોતું. મને ભાન થયું કે સમયના સમુદ્રમાં ડૂબકી મારીને ફરી ભૂતકાળને વવર્તમાન જેવો બનાવી લઈ શકાતો નથી,
હું બારસાખે હાથ ટેકવીને ઊભી ઊભી ખેતી જ રહી. બા વાડામાંથી બારમાસીનાં થોડાં ફૂલ ચૂંટી લાવી. દીવો કર્યો. એ દીવાનાં અજવાળામાં મેં બાનો ચહેરો ફરીથી જુદે જ રૂપે જોયા. એની હડપચીના હાડકાને જાણે તીણી ધાર નીકળી હતી. નાક વધારે અણીદાર બન્યું હતું. હોઠમાં સખતાઈ હતી. આંખોમાં કશીક અપાર્થિવ ચમક હતી. હું એ દીવાના તેજવર્તુળની બહાર રહી ગઈ હતી. આને કારણે મને, બા અનુભવતી હશે તેથી જુદા જ પ્રકારની, એકલતા ઘેરી વળી, હું તો અહીથી જઈને પરિચિતોના સમૂહમાં પાછી ભળી જઈશ, નવા પરિચયો પણ હજી કેળવાશે. છતાં એ બધું જાણે આ એકલતાના પડને વીંધી નહિ શકે એવું મને લાગ્યું. અજાણી નદીમાં છીછરાં પાણીમાં ચાલતાં હાઈ એ અને એકાએક ઊંડો ધરો આવે ને આપણે ઊંડે ઊતરી જઈએ એવું મને લાગ્યું. હું તો અહીં આવી હતી થોડા હાસ્ય માટે, થોડી ઉષ્મા માટે.
મારાં બા-બાપુજીનાં લગ્નની છબિ એકાએક મારી સામે તરવરી ઊઠી. એકના જતાં બીજાનું સત્ય પણ જતું રહ્યું; આપણાં મરણનો પ્રારમ્ભ ક્યાંથી થાય છે એની આપણને ક્યાં ખબર હોય છે! આ બધું વિચારતી ઊંઘવાનો ઢોંગ કરીને હું પડી રહી. બાને માટે ભાગવત લાવી હતી, દાંત ખોતરવાની ચાંદીની સળી લાવી હતી - એ કશું મેં બહાર સુદ્ધાં કાઢવું નહિ. ધીમે ધીમે સાંજ ઢળી. સાંજના પડછાયાઓની ઓથે બા તો જાણે સાવ અદૃશ્ય થઈ ગઈ. ઘરમાં દીવો ન પ્રકટ્યો. હું બારી પાસે અંધકારને જોતી ઊભી રહી. થોડીવાર પછી ચુપકીદીથી ઘરની બહાર નીકળી ગઈ. દીવાથી અજવાળાયેલા બાના ચહેરાની છબિ મારી સાથે હતી.
સ્રોત
- પુસ્તક : એક નામે સુજાતા (પૃષ્ઠ ક્રમાંક 194)
- સર્જક : ભારતી દલાલ
- પ્રકાશક : સમન્વય
- વર્ષ : 1984
