Navchandi - Short Stories | RekhtaGujarati

નવચંડી

Navchandi

અનિલ વ્યાસ અનિલ વ્યાસ
નવચંડી
અનિલ વ્યાસ

પાછો પ્રહલાદ ગોર આવ્યો. બાપાની સરાવવાની વિધિ પછી વચ્ચે નિકુંજના લગ્ન વખતે જોયેલો.

એવે રસોડાની ધમાલમાં હાથ જોડીને ‘જેજે’ કહેવાનુંય રહી ગયેલું યાદ આવતાં એનાથી હાથ જોડાઈ ગયા. જાડી થેલીમાંથી થાપન કાઢતા પ્રહલાદ ગોર અચકાયા. હાથમાંનું લાલ થાપન છોડી ઝટ હાથ જોડતા બોલ્યા: “જેજે ભાણાભઈ, જે... જે.” પછી જાડી ભમરો ઊંચી કરતાં પાછું થાપન ઉપાડ્યું. ગડી ઉકેલી, હવામાં ઝાટકતા બોલ્યા: “બહેનની ઇચ્છા પૂરી થઈ, પયણીને આયાં તારના નવચંડી નવચંડી કરતાં ’તાં.” પછી બાજોઠ પર થાપન પાથરતા કહ્યું: “બવ દુઃખ વેઠ્યું સુભદ્રાએ, નઈ?” કશો જવાબ મળતાં ચૂપચાપ ચોખાની તપેલી થાપન પર ઊંધી વાળી, અધૂકડા થઈ બીજી-ત્રીજી આંગળી અને અંગૂઠાથી ચોખા પહોળા કરવા માંડ્યા. પથરાયેલા ચોખા સહેજ થેપી, ફરી એમનો પંજો સટસટ કરતો હતો. બે ખુલ્લી આંગળી ઊંચી-નીચી થતી હતી. નિકુંજનો દીકરો અચ્યુત એકધારું જોઈ રહ્યો હતો. એનાથી રહેવાયું, બોલ્યો: “જો બા, સસલું ઘાસ ચરે.” પ્રહલાદ ગોરે મુદ્રા એની તરફ લંબાવતાં બીડેલી આંગળીઓ સહેજ ખોલ-બંધ કરી કહ્યું: “હવે સસલું.” જોઈ સુભદ્રાએ અચ્યુતને નજીક ખેંચ્યો. “એવું ના બોલીએ બટા.” ને પરાણે ખોળામાં બેસાડવા કર્યું એટલે અચ્યુત અમળાઈને ઊભો થઈ ગયો. સુભદ્રા સહેજ ઓઝપાઈ આજુબાજુ જોઈ માથે ઓઢેલો છેડો સરખો ગોઠવી, સામે પડેલી દીવી ખેસવી, વાટ સંકોરવા માંડી.

ગોર થાપનમાં કમળ દોરતા હતા. પછી ઘઉં, જુદાં જુદાં ધાન્ય. સુભદ્રા એકધારા ગોઠવાતા અસબાબ સામે તાકી રહી હતી. મોટીબા કાયમ કહેતાં: “મૂઈ બાળોતિયાની બળેલી સે. આયેલીય ઊંધી! કંચી તે દન જાજરામાં ભરાયેલી તે હટ નેકળે નઈ. મું તો બેઠી બેઠી વચાર કરું. રોંડ કરસ સું? ચાર લેંડાં પાડતો આટલી વાર? તોં તોં રાડ પડેલી, મું હોંમ ઢોયણીની પોંગત ખેંચતી’તી. હડી મેલી. મહી રઈ રઈ કંચી બોકાહોં નોંશ. અલી બાયણા ઉઘાડ, કવ સું પે’લી હોંકેળ ખોલ. પણ કુણ હોંભળ? મન્યો સેટો રયો રયો મોઈ સોલે. ઇન બોલાયો: ‘ભઈ જાળિયામેં હાથ નોંશ બાપલા, ખોલી આલ હેંડ.’ હટ કર લ્યા. રોયો હોંકેળ ઉઘાડી ઊભો રયો, એવું સોંસીયું કર્યું. ભઈનો દિયોર જાય નાઠો. મંઈ જોયું તો કંચી ફહડઈન પડેલી. વચોવચ સોડીના ટોંટિયા લબડે. રોંડ ઊંધી. વાડામાં જાજરાં બનાવ્યાં તોંણ મું ના પાડતી’તી. રેવા દ્યો. વગડા હારા. પણ પશોભૈએ... નબદી દોડતી જઈ પસેડી લાઈ. જીવકોરે હટ ખાટલા આડા કર્યાં. તોંણ સુભદરાએ પરથવી પાવન કરી. નાયડોય હરીપોલો! ગળે ચપોચપ ચોંટી જયેલો. નબદીથી ના જોવાણું: ‘ખહો મણિબા,’ કરતી વળગી. મું ના પાડતી’તી, રેવા દે રોંડ કલ્લો. ગળું ચેપઈ જયું સ. પણ ધાયણ રે? મારી સોડી મરી જશ, કહેતી રઈ ક... તીજા કલ્લે તો માથું બા’ર મેલી મંઈ ચેપઈ જયેલી, ને તૂટેલો નાયડો ફકફક દદડે. હૂતળી બોંધી તાણ લોઈ બંધ થ્યું. પંડયા દાક્તરને તેડયો મેલી પાડવા, પણ પેડું દબાવકતાંક લોહીનો ધધૂડો..તરત મૂઓ સૂટી પડયો. કે’ ‘અબીહાલ લઈ જાવ મોટી સિવિલે. કેસ ફેઇલ થઈ જશ નકર.’ બસ ગઈ ગઈ. સોડીએ ના ધાવણ ભાર્યું, ના માનું મૂંઢું. એવા અમારાં સુભદરા, ધનુષવંતા!” કહી ફૂઉક દઈ હસી પડે. સ્ટીલની ચપટી ડબલી ખોલી છીંકણીમાં દાતણનો કૂચો ડબોળે ને જાળવીને પેઢેં ભરાવતા બોલે: “કંચીને ધનુષ વાપી જયેલું. રગેરગ ચોંટી જયેલી, હમજી? .” બોલી, દાતણનો ડોકો ઘસરઘસર ઘસે.”

સુભદ્રા બાર વર્ષની થઈ ત્યારે મણિબા પાછાં થયાં. છેલ્લે છેલ્લે એને તાકી રહેલાં. ઘોઘરામાં કફ ભરાઈ ગયેલો. છાતી ઘરડઘરડ બોલે. તોય સળેકડાં જેવી આંગળીઓ લંબાવી સુભદ્રાને બોલાવેલી. ભાભુએ કહ્યું: “ગંગાજળ સુભી મેલે બા?” આંખો વતે હા પાડેલી. આચમની રેડી રેડી ને જીવ ગતે થઈ ગયેલો. મણિબા ગૌરીપ્રસાદના પ્રેમશંકર જોડે સુભદ્રાના વિવા નક્કી કરતાં ગયેલાં.

સુભી ઘઉંની કણેક જેવી ઊજળી ને જોગીની જટા જેવા વાળ. એના જનમ પછી ગમે એમ પણ મોટા ભાઈની માઠી દશા બેઠી. કેટલાય ધંધા કર્યા લાટી ખોલી, ઘંટી કરી, ખટારો લાવ્યા, છેવટે આંબાય રાખી જોયા, પણ ગાલ્લાં નેળે ચડ્યાં તે ચડ્યાં. ઘાઘરિયો વસ્તાર પેટે પડેલો, ઉબેટોય કેટલી મૂકે? નબદીભાભુ સુભીને ઊભી મૂકે. વાતે વાતે જોગણી ને મંશા કંચનને સિવિલમાં આંચકી ચાલુ થઈ ગયેલી. નાડીએ નાડી તણાય ને ઠસકાં નાખે. મોં ખૂલે નહીં ને નબદીથી રિબામણી જોઈ જાય. માજણી બુન હતી, કોંય પારકી વાત કરતાં ડળકડળક આંખો ચૂઈ પડતી. જો એવામાં સુભદ્રા નજરે પડી તો ખલાસ: “ઓંણઅ ભર્યું ખપ્પર. મારી ફૂલ જેવી બુન...” કહેતાં સ્થિર ડોળે સુભદ્રાને તાકી રહે. સુભદ્રા ટેવાઈ ગયેલી. ભાભુ મારે, વઢે, ઢગલો કામ બઝાડે, કોઈક વાર રડી પડે એમ ખાવા માટે ટગાવે. મોટા ભાઈને જોતાં સુભદ્રા વાંસોવાંસ દોડે. ભઈ ઊંચકી લે: “રોવા બેઠી માતા? રોએ નઈ બટા. અહતો હાડો રોતી, નાર ઈના કોંમમાં ના ભલીવાર, હમજી? છોંની રે હેંડ,” કહેતાં ગળે વળગાડે. ભાભુ છાંછિયું કરે: “ફટવો તમતમાર!” પણ હસી કાઢે: “કેમ બવ ખદડો છો મારી છોડીને હાળી?” બોલતાં નજીક આવે. ભાભુ અકળાય: “બળ્યું આવું શું બોલતા હશો?” કહેતાં સહેજ આઘું ઓઢી મલકાય, “હેઠાં મેલો હવે માતાને,” કહી ચૂલા તરફ વળે.

ઘરમાં ચાર મોટી બેનો, ત્રણ તો પરણાવેલી ને એકનો એક ભાઈ. ‘ભાઈ... ભાઈ’ કહેતાં સહુનાં મોં ભરાય. ભાઈને મન સુભી દુશ્મન. મોટા ભાઈ ભાગ પાડે ને સુભીને વધારે મળે એનાથી જોયું જાય: “નાની હોય તો હઈ, અંઈ ચેટલા ટકા?” કહેતો ભાગ ઝૂંટવી જાય. એક દહાડો ‘ખપ્પરજોગણી માને ભરખી ગઈ.’ બોલ્યો ને મોટા ભાઈ સાંભળી ગયા. હાથમાં જેડિયો હતો. ફરી વળ્યા. “હાં... હાં...” કહેતાં મોટા બાપા વચ્ચે પડ્યા. એક જેડિયો એમણે ખાધો. “હાળો કપાતર, સોડી દીઠી મેલતો નહીં. ઠોડુજી થૈ જ્યા દિયોર. આય આઘો આય. થોર ફૂટશે હાળા થોર!” દિવસથી ભાઈએ સુભીને બોલાવવાનું બંધ કરેલું. સુભદ્રાને ભાભુ છણકાટે, બહેનો રમાડે નહીં, ભાઈ ભગાડી મૂકે. રડી રડીને અડધી થઈ જાય: “મા... મા...” કરે. મોટા ભાઈ પાસે રોજ મા માગે. કંટાળ્યા. ફોટો બતાવી કહ્યું: “જો ખોડિયાર મા છે ને, તારી મા. એને બધું કહેવાનું. મા બધાંને મારશે હોં.”

બાર વરસની થઈ ત્યાં સુભદ્રાએ સેવા ઉપાડી લીધી. ભાભુ, “ખોડી બલાડી મોભારે ચઢી,” કહી લાંઠી કરે, પણ તો દૂધમાં આંગળી બોળી ચીવટથી દિવેટ વણતી જાય ને ‘વીજળીને ચમકારે મોતી રે પરોવું’ ગણગણતી જાય. મોટા ભાઈ કડબ કાપતા હોય, કાકડીનો હિસાબ ગણતા હોય કે નિરાંતે બીડી ખેંચતા હોય તો થોભી જાય, “ગાવ બટા, રુદિયામોં રે સે મારો રામ, ઉપાડો!” કહેતાં સામે આવીને ગોઠવાય. સુભદ્રા નીચું જોઈ જાય, એટલે હસી પડે. “લાજીએ નહીં બટા, ઓંપણ લાજીએ એંકન ભગવોંનય લાજ!” ગામમાં કોઈને ઘેર રાંદલ તેડ્યાં હોય, તિથિનાં ભજન રાખ્યાં હોય કે જવારા, સુભદ્રા પહેલી. એને ઉતાવળે ખાતી જુએ ને ભાભુ સમજી જાય: “ઘોડો ખૂંદવામાં ખટકો રાખજે પાશી.” હમચ હમચ મંડોસો પણ…”

નવરાત્રિના નવે દિવસ સુભદ્રા આગેવાન. અછો વાનાં થાય. આઠમે નવચંડી, ગામ હિલ્લોળે ચડે. આખો માંડવો ઘી અને હવિથી મહેક મહેક. ધુમાડાથી આંખો બળતી હોય, ઊભું નહીં રહેવાય એવું લાગે ત્યાં નાડાછડીનો દડો ફરતો હોય, પાંચ-સાત જોડાં નાડા-છડી પકડી વેદી સામે અધગોળ ઊભાં રહો. વરના હાથમાં શ્રીફળ હોય ને શંભુ મહારાજનો અવાજ ગાજે: “શક્રાદયા સુરગુણા... નિહતેતિ વીર્યે.. .” વરુણો, બીજી લીટી જોરથી ઉપાડી લે: “તસ્મિન દુરાત્મિન સુરારી બલીચ દૈવ્યાં, તાં તુંષ્ટુંવાં...” અને સ્વાહા... સ્વાહા... થી વાતાવરણ ગાજી ઊઠે. સુભદ્રા આંખો લૂછતી, નાક નીસકતી લોટના કોડિયામાં ઝગઝગ દીવડા તાકી રહે: “શૂલેન પાહિનો દેવી...” એવા લયથી ઉપાડે કે ટોળે વળેલું લોક સુભદ્રાને જોતાં ઊંચું ઊભું થઈ જાય.

એક દિવસ ભાભુને કહ્યું: “હું આવતી સાલ હવનમાં બેહવાની.” ભાભુએ તવામાં જોરથી રોટલો પછાડ્યો: “ચ્યમ નઈ. ઘરમોં ખપ્પર ભરાય ઓછોં પડતો હશ નઈ?” સુભદ્રા કાળી ઘેઘૂર આંખે ટગરટગર જોઈ રહી. ભાભુએ નજર ફેરવી લીધી. કંપતા હાથે ફૂંકણી લઈ લાકડું ચૂલામાં ખોસ્યું ને જોરથી ફૂંક મારી. લાકડાં બરાબર દુણાયાં. આખો ઓરડો ધૂણી... ધૂણી... ને ત્રીજી ફૂંકે ઝગઝગતા અંગારા ભડકો થઈ ઊઠ્યા. એના અજવાળામાં સુભદ્રાનું રાતુંચોળ મોં જોવામાં આંસુ લૂછવાનુંય ભૂલી ગયાં. થોડી વારે છેડાથી મોં લૂછતાં તાડૂક્યાં: “ટીકી ટીકીને મારું મૂઢું જોવા બેહાડીસે ઓંય? હાથ ચલાય હેંડ, તેર જણાંનાં રેદોં ભરવાનાં સ. થાક્યી મું તો તમારી તાવડીથી! બાચી હતું તે ઘરમોં ભક્તોંણી!” સુભદ્રા ચૂપચાપ થાળમાં પાણી રેડી લોટ ગૂંદવા વળગી. જોરથી પોંચો ઘસતી હતી. લોટ ઘસાઈને થાળમાં ચોંટતો હતો. વધુ એક લસરકો કરવા ગઈ ત્યાં છાતી વચ્ચે કશુંક અમળાતું હોય, કોઈ પગ લાંબો કરી છેક પેટમાં ઊંડે ઊંડે ધબ ધબ... ઊભી થઈ ગઈ. ભાભુ પાછળ બૂમો પાડતાં હતાં: “ઓ રોંણી, ચ્યમ્ ઓંમ?” પણ સુભદ્રા ઉંબરો ઓળંગી ગઈ.

તે દા’ડે અડધી રાતે કમર ફાટફાટ ને પેડું તડમતડા! બે દિવસથી કસર તો લાગતી હતી, પણ પછી તો કોઈ ઢીંકે ઢીંકે ફરી વળ્યું હોય એમ દુઃખતું હતું. પેડું વલોવાતું, નિચોવાઈ ખુલ્લું થતું હોય ને મોં નર્યું મોળમોળ! ઊભા થઈ પાણી પીધું, પણ કશો સ્વાદ નહીં. પરોઢ સુધી ટૂંટિયું વળીને પડી રહી. ભાભુ ઊઠીને ગમાણમાં દાતણ ચાવતાં હતાં. એને આમ પડેલી જોઈ પાસે આવ્યાં. “સુભી, ઊઠ લી હેંડ, દાડો ચડશે હમણોં.” ભાભુએ એના વાંસે હાથ મૂક્યો એવી ફરી: “નહીં રેવાતું ભાભુ, મન પેટમાં વાઢ.. મારી કેડયો...” ભાભુએ એને છાતીએ વળગાડી: “થાય તો, પેલી વાર સે ને. હેંડ થોડો કાઢો કરી આલું. ને અડે નઈ ચ્યોંય અમઅ, હમજી?”

બે દિવસ હલાય ચલાય. એવી હાલત કે જોતાંવેંત દયા આવે. એની જળજળ આંખો, ભિડાયેલા હોઠ, પીડાથી રહેંસાયેલો ચહેરો અને ધનુષની જેમ વળેલું શરીર. ટાટની ગોદડીમાં ઢગલો થઈને પડી રહેતી. અંગેઅંગ નીતરી જતું. તાવ... તાવ અને કોઈએ ધબેડી નાખી હોય એવી કચ્ચર. મોટા ભાઈ બે વખત પૂછી ગયા: “સુભી ઓલે કોંય દવા –” ભાભુએ વચડકું ભરવું બાકી રાખેલું: “ઓ હો... હો... કોંય પે’લી સોડી સ? છોનાં- મોંના કૂવે જવ ને લેમડી હેઠ બેહી કટંબીઓનાં નોંમ ઇયાદ કરાં. ભોંન તો બળ્યું નહીં પઈનુંય પાસા દવા લાબ્બા નેકળ્યા.” રડતી’તી ત્યારે બીજી વાર ના’વું પડે તોય ભાભુએ પાસમાં લીધેલી: “રડે નઈ. અમ. અસ્ત્રીનો અવતાર આવો. મટી જશ તો બધુંય. શે’રમોં લઈ જઈશું એકંન. ઓંમ ચપટી ભેગું –” પણ સુભદ્રાને બીજી પીડા હતી. દેયનું દરદ તો સહન કરી લઈએ મૂઉં, તો પણ પોંચ દા’ડા સેવા પડી. મોટા ભાઈ માતાજીને લફરલફર નવરાવે ને પાસા ચંદનના ચોંલ્લા ચોઢે. શંભુ ગોરે નમઃ શિવાય કરી હાજિયા પૂરતો ફરે. ચેવું આકરું લાગઅ? મોત આવ કબૂલ, પણ આમ માની સેવામાં આડી

*

પ્રેમશંકર તરત ડૉક્ટર પાસે લઈ ગયેલા. સુભદ્રાને દવા જોતાં ઊબકા આવતા ડેબા ડેબા ગોળાં ગળવાનાં. એય બેરે બેરે ગળીએ, પણ લાલ-પીળાં પોંણી નરું દારૃ ગોડી બાહે. ને એવા શીશિયું લઈને આગળ-પાછળ દવા પીલે, ચાલ તો, દવા... કોઠો અભડાઈ માળા કરવા બેહવાનું? “અરે હાંજે મોંડ માળા કરવા બેશીએ ને ઑફિસથી આવે એવા સુભદ્રા?” સુભદ્રા કોકડું વળી જાય: “નોંમ દઈ દઈને બોલાવસઅ. લાજતા નહીં.” “પાસા કેછ વાતો કરીએ, બેસ.” “શી વાતો કરવાની? નવરઈ ઓય તો ભગવોંનનું નામ દઈએ. તો કે: તું બવ બેટેકુલ છે, પણ ભાષા સુધાર, બોલી નહીં કે પોત પરખાયું નહીં. તે રયું અમારું પોત. તમ સુધરેલા ને મલમલનાં ઘડેલા.” પ્રેમશંકર હસતાં. સુભદ્રા હાથ ઉગામવા જેવું કરતીને વળતી પળે આખી ઓગળી જતી હોય એમ આઘી-પાછી થઈ જતી.

છેડાછેડી છોડવા અંબાજી ગયા ત્યારનો ઝઘડો... આખે રસ્તે ઇંગ્રેજી ચોપડિયું વોંચ, મું હું કરું? બાર જોવું તો નરા પથરા. રાતે પાસા કે’ “મને નામ દઈને બોલાય.” હું કેવાનું? “પ્રેમ. ચેવી શરમ આવઅ? જોયા પ્રેમ. છે કશી લાજ?” તયણ ઘડી નામ બોલાબ્બામોં કાઢી. માતાજીના ધોંમમાંય કે, હેંડ. ઓંમ પરેમ પરેમ કરી દેય અભડાવા આવઅ, ચેમ ખમાય? ના મોંની એંકન રિહાયા. અવળું ફરી હૂઈ જ્યા. પાસા કે “હનકલચડ સે.” પણ માતાજીનાં દર્શન વખતે રડતી જોઈ ગભરાઈ ગયેલા: “શું થયું સુભી? મારાથી કંઈ? ચેવા ભોળિયા સે? શંકર કહીએ તો ના. શંકર તો અમે તયણ સીએ મણિશંકર, હરિશંકર ને હું પ્રેમશંકર. બોલ, તયણને પયણી સે? હાય બાપ ચેવું લાગઅ? પરેમ...”

મણિશંકર સહુથી મોટા. એમણે જુવારું કરેલું. આખેઆખો ઉપલો મેડો એમનો. નીચે હરિશંકર ને પ્રેમશંકરનું રસોડું ભેગું. હરિશંકરના બંને છોકરાં સુભદ્રા સાથે બરાબર હળી ગયેલાં. આખો દિવસ એમની પાછળ પસાર થઈ જતો. ભાભીને ગામમાં પિયર, એટલે બપોર થયાં નથી કે... સાંજે એવા આવે, પમપમ કરતાં. મોટર નવીનક્કોર. બાયણાં ઊઘડે ને નજર કરીએ તો હાથી ઊભો ઊભો કાન હલાવે! સુભદ્રા દોડતી બહાર આવતી. “આઈ જયા.” “ભાષા સુધાર. પોતે મારી ઘોડે ચેવા નહીં નહીં થઈ જયા અમન...” ચાર મહિના તો ઘર સાંભર્યું ભાભુ. સાંજે કુટુંબ ભેગું થાય. અલક-ચલકની વાતો ચાલે ને રજા આવી કે ગાડી તૈયાર: “ચાલો ફરવા.”

વખતે ના કમર દુઃખી, કે ના કંઈ. મહિનો ઊતરી રહ્યો તોય માની સેવા ના પડી ને લાગટ બીજોય અધવાર્યો. મોંમાંથી મોળ વછૂટે, પેટ ચૂંથાય. પાણી પીવે. એય પાછું વળે. એવી ચળ ઊપડે કે બધુ વતેડી નાખવાનું મન થાય. આખો દિવસ ખાઉં ને પેલું ખાઉં. પણ મોંએ અડાડ્યાભેગો જીવ રઘવાટે ફરી વળે. આફરો ચડવા જેવું થાય. બધુ બહાર નિકળ્યે છૂટકો! સવારે ઊઠવાનું મન થતું નહીં, સુભદ્રા બરાબર મૂંઝાય: “માં, મારી ખોડિયાર, તું તો હાજરાહજૂર છે માડી. મને આમ તારી સેવા વચ્ચે આવા ઊબકા, જમની હાચુ કે’તી ’તી –” કાં તો મારે નક્કી માની સેવા ફળી.... સુભદ્રાને નાચવાનું, દોડવાનું, ઊડવાનું મન થતું હતું. રમાભાભીને વળગીને ફેરફુદરડી પણ તો બિલાડી જેવાં! એમને સે’જ અછડતું કહ્યું ત્યાં તો ઊપડ્યા દિયરજી પોસે! “સુભીની જમણી કૂખ ભારે છે, છોકરો આવશે જો જો ભઈ.” સુભદ્રાને છુટ્ટી સાણસી ઠોકવાની ઇચ્છા થતી હતી. “આ જોને મોટી દઇયણ...

એવા એય ઓછા છે?” આઘા-પાછા થાય: “બાને કહેડાવવું પડશે, ગામડેથી આવી જાય.” અને રમાભાભીને કહે, “જો જો પાણી ના ભરે, બને તો એકાદ માણસ રાખી લો.” રમાભાભી કાળઝાળ! “જજો અહીંથી બહાર. માણસ રાખી લો. પાણી ના ભરે. હો હો... તો ડૂંટીએ ઘાલીને ફેરવો તમારી વહુને, રહેશે અધ્ધર ને અધ્ધર.”

પ્રેમશંકર સડસડાટ મેડો ચડી જતા.

ગોરજથી બાને તેડી લાવ્યાં. આવતાંવેંત હુકમાહુકમ! “આમ કરો, તેમ કરો.” જીવ સાવ જંપ વિનાનો. માળા કરતાંય નજર ચારેકોર. તપેલી પર તપેલી ચડાવી દાળ-ભાત મૂક્યાં હોય. શાક સમારાતું હોય, લોટ બંધાતો જુએ તોય... “થઈ ગ્યું ખાવા?” પેલી માળા તો હાથમાં જ. મણકો ફરતો જાય ને “ભૂર્ભવઃ સ્વઃ” સાથે “વહુ નીકલો બારીએ ચડયો.” “યોગલો ક્યાં મરી ગ્યો?” “હવારના પહોરમાં રમાગૌરી ચ્યાં ગુડાણાં?” “હરિભઈ આયા, ભાણું પીરસો.” વળી, પાછાં એકધ્યાન! પંદર મણકાય ફેરવે ને “સુભી વહુ બેટા..” સુભદ્રા કંટાળે. એટલું ઓછું હતું કે સેવા પડાવી લીધી, સવારે માળા કરવા બેઠી હોય ને તાડૂકે: “આ કેમ ભક્તાણી થઈ ગ્યાં છે? જવાનજોધ વહુવારુ તો હરેફરે કે માળા ફેરવે? મૂક માળા હેંડ... આંધણ મેલવાનું સે.”

આમાં સુખ એક એમનું. તે સાંજે આખું ઘર હસી હસીને બેવડ વળી ગયેલું. ઑફિસેથી આવતાં લાળિયું લેતા આવેલા: “એમાં હસે છે શું. સહુથી પહેલી જરૂર આની પડવાની. ઇમ્પૉર્ટેડ છે. જો કેવું પોચું છે?” “હોવ. ગાડા પે’લી હમોલ બાંધા.” હસી પડ્યા: “એમાં હમોલ શાંની? જોયું તો લીધું. જો બા, છે ને સુંવાળું તારી વહુ જેવું?” શું કહેવું આમને? બાએ ધજાગરો કરી મેલ્યો: “અલ્યા, સુંવાળીનું લાળિયું જોવો?” પણ તો પ્રેમભર્યું તાકી રહેલા. સહુ હસે. બસ હવે. રાત્રે કહ્યું: “આ આવી જાય. ભગવાન જે આપે એ. તારી બહુ ઇચ્છા છે ને, તે આપણે નવચંડી કરાવીશું.” આખા શરીરે દીવા પ્રજળી ઊઠેલા. કંઠ ભરાઈ આવે, હૈયું બંધ છોડી દે પહેલાં એમણે પાસમાં લીધેલી. બહુ મથી, બહુ મથી પણ: “તારી ઇચ્છા હું નથી જાણતો? આમ રડવાનું?”

*

ખોળો ભરવાની વાતે ભઈઓ ભેગા થયેલા. હરિભાઈ કે, પણ પ્રથમ રેવાફોઈને મનાવવાં પડે. આટલા ધામધૂમ કરીએ ને એમની ગેરહાજરી બાએ વાત ઉપાડી લીધી: “બરોબર છે ભઈ, પરસંગ આયો છે તે મનઈ જશે.” રેવાફઈને રમાભાભીના જિયાણા વખતે વાંધો પડી ગયેલો: “મને આવો મહોતો જેવો હાલ્લો પધરાયો તારાં પિયરાયાંએ! પચા રુપિયાય ના મલ્યા સારું પોત લાવવાના?” આટલી વાતે બરાબર જામી ગયેલી. એવી વડઝડ કે ફઈએ ઘરનું પાણી અગરાજ કરેલું. છેવટે બે ભાઈઓ, ભાભી ને બા જઈ આવે એવું નક્કી થયું. રવિવારે ઊપડ્યાં. નિકુંજ આડો થયેલો. રાડારાડ કરે. દૂધ આપ્યું તો ગ્લાસ ફેંક્યો સમી દીવાલે. રમાભાભીએ બે વળગાડી દીધી. છોકરાં રડતાં રહ્યાં ને સહુ નીકળ્યાં.

સાંજે નાહીને માળા કરવા બેઠી, હજી અડધા બેરખાય નો’તો પત્યા ને બારણું ખખડ્યું. ઊભી થઈ. ધડ... ધડ... બારણું ખખડતું હતું. “કોઈ નથી ઘરમાં?” ની બૂમ.. ત્યાં કોણ દોડ્યું? બાજુવાળા જગુભાઈ. ચંદુદાદા, સુનિલભાઈ ખબર નહીં શું થયું? આમ બધાં બારોબાર બહાર નીકળવા ગઈ તો લક્ષ્મીમાસી ખભે હાથ મૂકી એને રોકી, ને વંટોળિયા સરખું સહુ મને કઈંક મારે મોટર ફર... ર... ર... દઈને ઊપડી, પાછળ ગોટગોટ ધુમાડો...

*

પ્રહલાદ ગોરે લોટમાં ચપટી હળદર ભભરાવી, બરાબર ટૂંપ્યો. પિંડો ખેંચી બે વખત મસળતાં નાનો લૂઓ તોડ્યો. હથેળીમાં દબાવી ગોળ ફેરવી, બીજા હાથે પકડી વચ્ચોવચ અંગુઠો ગોઠવી ફરતી ધાર રચી. સહેજ ખૂણો ખેંચ્યો ને દીવી તૈયાર. અચાનક ધ્યાન ગયું. રેવાકુઈ સીંદરીનો છેડો આમળતા બેઠાં હતાં. એમની તરફ પિંડો લંબાવી: “વાળો દીવીઓ,” કહેતાં સમિધની ભારી લેવા વરુણી તરફ હાથ લંબાવ્યો. વેદીમાં પેલી દીવી ગોઠવી, તેમાં ઘીવાળી દિવેટ પૂરી આજુબાજુ ડાભડો, સમિધ, છાણાં ગોઠવી ઘી રેડ્યું. પોલાણમાંથી દિવેટ પ્રજળાવી ને થોડી વારમાં ચારેકોર ગોટ... ગોટ, ધુમાડો...

*

બાપા થરથરતા, કશુંય સમજાતું હોય એમ ઓરડામાં હારબંધ ગોઠવેલાં ચારેય શબ સામે ફાટેલા ડોળે તાકી રહ્યા હતા. વારે વારે હવામાં હથેળી ઘુમાવતા, કપાળે પછાડતા એકધારું: “ઓ દીકરા, ભઈ,” બબડતા હતા. ચારેકોર ગુંજતી ચીસો, લાંબા સાદે ગવાતાં મરસિયાં ને બહાર ભેગા થયેલા ભાઈઓની ધીમી ગણગણ? બધું વાતાવરણને ભરતું...

*

હવે અગ્નિ બરાબર પ્રગટ્યો હતો. પ્રહલાદ ગોર થોડી વારે સમિધ કે છાણું ગોઠવી એને સંકોરતા. એના પર ઘી હોમતાં પ્રગટતી ઝાળ અને ધુમાડાથી ત્રાસતો નિકુંજ ઘડી ઘડી મોં લૂછતો હતો. અચ્યુત આંખો ચોળતો રડવે ચડ્યો, પણ ત્યાંથી ખસ્યો નહીં. ફોઈ લોટના પિંડની નાની નાની વાટકીઓ બનાવી એમાં ઘીવાળી દિવેટો પૂરતાં હતાં. સુભદ્રા હજી ધ્યાનમાં બેઠી હોય એમ આંખો મીંચીને બેઠી હતી. લક્ષ્મીમાસીએ આવી એને ખભેથી ઝઝકોરતાં કહ્યું: “સુભી, ભારે ભક્તિ તારી તો બઈ. છોકરો રડવે ચડ્યો છે એને તો લે.” સુભદ્રા એમની સામું હસવા મથી, પણ હોઠ સાવ ગઠ્ઠો થઈ ગયા હોય એમ અચ્યુતને તેડવા હાથ લંબાવ્યા, એને બોલાવ્યો, પણ શ્રુતિની સોડમાં લપાયો. ફરી સહેજ નમી ને ભોંઠી પડેલી નજર ફેરવી લીધી. ગોરે મંત્રોચ્ચાર ઉપાડ્યા. અચ્યુતના રડવાનો અવાજ સ્વરને કાપતો... ત્યાં ગોરે જોરથી હોમાત્મક ઋચા ગાઈ, એનો ક્રમશઃ વધતો જતો અવાજ ગણગણાટભર્યા વાતાવરણને ભરતો ઊંચો ને ઊંચો...

સરવણી પછી બાપા ઘેર તેડી લાવ્યા ત્યારે બેય છોકરાં રડી-કકળીને પાછળ થયેલાં. યોગેશ ઘડી ઘડી સુભદ્રાને માથે હાથ ફેરવી જતો: “કાકી ટોલો... કાકી ટોલો!” માથે ઓઢી લેતી: “હા બેટા, ટોલો.” કહેતાં ગળે વળગાડી દેતી. હૈયું ભરાઈ આવતું. “મા... મા, તેં આવું દુઃખ આલવા ધાર્યું? મેં તો કોઈ દા’ડો... કયા પાપની સજા આલવા બેઠી છો મા?” પણ અવાજ નીકળતો નહોતો. યોગેશ ક્યારે ચાલ્યો ગયો એય સરત રહી નહોતી. ગમાણમાં ગાય ભાંભરડા નાખતી હતી. મનુ એને પસવારતો, કડબ નીરતો હતો, પણ ગાય માથું ઉલાળતી, ખરીઓ ખખડાવતી હતી. “આ ગાય...” અંદરથી ભાભુ બૂમ મારતાં હતાં: “શું થયું છે વાછડીને લ્યા? ગમાણમાં ક્યાંક સાપ-બાપ!... તો જો તો ખરી બઈ –” ત્યાં બાપા “સૂતક ઊતર્યાં, હવે સેવા ઉપાડી લો બટા.” “હા બાપા સેવા!” એનાથી પૂરું બોલાયું સુધ્ધાં નહીં.

મૂર્તિ. એણે મૂર્તિ સામે જોયું. કેટલાં વરસોથી એકધારી સેવા કરી? કેટલાં વરસ? ગોરે પૂછ્યું: “કેટલી માળા હોમવાની છે?” “એકવીસ.” કોણે જવાબ આપ્યો? ભાભીએ? ભાભીએ, શોકનો સાલ્લો બદલ્યા પછી બાપા ઘેર મૂકવા આવ્યા ત્યારે: “આણે તો આંટો વાળી દીધો છપ્પરપગી! ના, અપશુકનીનો ટાંટિયો મારા ઘરમાં નહીં. ગમે ત્યાં જાય. મારી લીલી વાડી ભરખી ગઈ ડાકણ. લઈ જાવ પાછી,” કહી દીધેલું. બાપાએ ઘણીય મનવર કરી, પણ કમાડ ભિડાઈ ગયાં તે ભિડાઈ ગયાં.

મનુ રયજીદાદા જેવા ગરમ સ્વભાવનો. “વાઢી નાખું સાલીના ટાંટિયા. બે’નનો હક છે ઘરમાં. બધીય મિલકત એને રાંડને એકલીને ખાવાની છે? ને પેલો જનુભાઈ ક્યાં મરી ગયેલો? એનેય બે શબ્દો ના મળ્યા કહેવાના? પાવલીછાપ તો કોરટમાં દોડતો આવીને પગમાં પડશે જોજો!” પણ બાપાએ વારેલું: “નથી કરવા ટંટા. બે દીકરા છે ને ભગવાન કાલે સામું જોશે તો પંડનોય આલશે શું?”

અઠવાડિયા પછી સુભદ્રાએ ગોરજ રહેવા જવાનો નિર્ણય કહ્યો ત્યારે ભાભુ રડી પડેલાં. “આવડું મોટું ઘર છે. શા દુઃખે ગોરજ રહેવાનું? પગ ઘર બહાર કાઢે તો મારું મરતું મોં ભાળે. તને બવ દૂભવી બટા, હવ તો હખ પોંમો. કાલે હમો વળી જાશ્ય. ખોળાનો તો વચાર કર. નથી જવું ગોરજ!” તે ભફલાના જનમ પછી મહિને ગોરજ જોયું.

ભફલો અઢી વરસનો થયો તોય ચાલતા શીખેલો નહીં. ઊભો થાય ને ગબડી પડે. ભીના ભદળક લાળિયા પર માખો બણબણતી હોય. ઝૂલ ફાટીને લીંપણમાં રગદોળાય. ઘૂંટણિયાં ભરતો ઢળી પડે, રડે ને માટીવાળી ઝૂલ મોંમાં મૂકે. યોગેશ ક્યાંકથી આવી ચડે તો વળી, ધ્યાન પડે “ભફલો માટી ખાય.” સુભદ્રા પતરાળી કરવાનું એક બાજુ મૂકી દોટ કાઢે. એને મારવા હાથ ઉગામે, પણ એવું મલકે કે...

“ક્યાં ગયો એ?” સવારે અબોટિયું પહેરવા જીદે ચઢેલો: “નિકુંજભઈ પેરે તે મને.” “મારી નવચંડીમાં બેસવું છે.” સુભદ્રાએ જવાબ નહોતો વાળ્યો. બેત્રણ વાર બોલ્યો એટલે છણકો થઈ ગયેલો: “ના પાડી ને હમણાં સુધી તો પેલા વરુણી જોડે બેઠો બેઠો ક્યાંક તે દિવસની જેમ?” ગોર એકીશ્વાસે મંત્ર બોલતા ઉભડક થઈ ગયેલા. આજુબાજુ ખુરશીઓમાં નજર કરી, ઊભી થવા ગઈ ત્યાં મનુ નજરે ચડ્યો: “જો ને ભઈ ભફ... દર્શન ક્યાંક –” મનુ ફર્યો. પહેલવેલું શિવા માસ્તરે કીધેલું: “સુભીબેન દર્શનની કંઈક દવા કરાવો.” બાપા બેઠેલા “શેની દવા લ્યા? ગલગોટા જેવો તો છે.” શિવાભાઈ સહેજ ગંભીર થઈ બોલેલા: “મને મંદબુદ્ધિનો હોય એવું લાગે છે.” “એ તારું બેટ જાય માસ્તર! તીં તો...” અટકીને એકીટશે ભફલા સામું જોઈ રહેલા. ભફલો આ... આ... કરતો દોડ્યો. વચ્ચે મંકોડો જોઈ અટકાયો. હાથની ઝાપટથી મંકોડો હડસેલી આગળ વધ્યો. જોઈ બાપા ખીલી ઊઠ્યા: “જુવાં માસ્તર, છે ચ્યોંય મંદબુદ્ધિ?” શિવાભાઈ ઊઠ્યા પછી ભફલાને ખોળામાં લીધો. કશુંક ખોળતા હોય એમ એને આમતેમ ફેરવ્યો. એની આંખમાં સીધું તાકતા બોલ્યા: “બુન ઓન અંદાદ લેતી આય. ઓંપણ બતાઈ દઈએ દાક્તર પોંહ. દિયોર માસ્તર વે‘મ ઘાલતો જ્યો.”

કેટલી માનતાઓ માનેલી: “મારા છોકરાને સાજો કરી દેજે મા ખોડિયાર. હું આળોટતી આળોટતી તારા પાયે આઈશ. દુખિયાની બેલી, જગતજનની, મારી સા’ય કરજે મા.” પણ કકળતી આંતરડીની બળતરાયે માએ કાને ધરી તે ધરી. બીજું તો ઠીક, પાંચ વરસનો થયો તોય એને ઝાડા-પેશાબનીય હાન આઈ. “આવી આકરી કસોટી મા? આવી આકરી?” ચૂલો ફૂંકતાં, રાતી આંખે વરસો નીતરતાં ગયાં. સુભદ્રા એકલી પડે એટલે ભારીઓ બાંધે, ભફલો ખાખરામાં આળોટઆળોટ કરતો હોય, આખો દિવસ “કાકી... કાકી...” બોલ્યા કરે. સાંજે યોગેશને ભારીઓ છાપરે સૂકવવા મૂકવા કરગરતી હોય ને ચંચળ ડોશી લોટો લઈને જીવ ખાવા આવે “લે સુભી ડોબું દૌયું?” એવે ભફલો ભેંસ સામે આવીને ઊભો રહી જાય, ગયે વરસે ભેંસને નીરેલા ગોતાનું તબડકું રમતો’તો, એને ટોકે પહેલાં ગોતાના તબડકામાંથી મુઠ્ઠી ભરી સીધી મોંમાં. બોઘરણું મૂકીને “અરે... અરે...” કહેતી આગળ ફરે ત્યાં ભેંસની લાતથી બોઘરણું આડું ને આખી ગમાણ દૂધ દૂધ!

દાક્તરે નામ પૂછ્યું ને બાપા બોલેલા “ભફલો” ત્યારે સુભીએ: “ના, લખો: દર્શન પ્રેમશંકર પંડયા,” કહી નામ સુધરાવેલું. તપાસ લાંબી ચાલેલી. મગજના ફોટાય પાડેલા. કીધેલું: “મટી જશે એવી આશા છે. બુદ્ધિનો વિકાસ ઓછો છે.” પણ આશાનોય વિકાસ થયો. ઊલટું દર્શન તો: સુકાયેલી ગાંસડીઓ છોડી, પાણી છાંટી ખાખરાનાં પાન હવામાં થવા મૂક્યાં હોય, ઉપર ગોદડીઓ ઢાંકી દાબો કર્યો હોય ત્યારે એના પર બેસી જતો. ત્યાં ને ત્યાં ઝાડો-પેશાબ! રસોડામાં વાસ આવે ને સુભદ્રા ઊભી થાય. કાં યોગેશ કે નિકુંજ આવી એને કહે. “નખ્ખોદિયા મારી ગોદડી ભરી મેલી!” કહેતી ભફલાનું બાવડું પકડી લબડતો ને લબડતો ઊંચકી જાય. આખા ખરડાયેલા પગ ઘસી ઘસીને ધૂએ. નાગા ફૂલે એક ફટકારે. ભફલો વીલું મોં કરી ટગરટગર તાકી રહે. પછી ધીમે રહી રડવાનું શરૂ કરે. હૈયું ચિરાય. છાતીએ વળગાડી, પાલવથી પગ લૂછતી અંદર આવે. એને મૂકી ગોદડી ઉપાડે.

યોગેશને ભણવાનું શૂર. નિશાળેથી આવતાંવેંત દફતર ઉઘાડીને બેસી જાય. ગમે એટલું વઢીએ ગંઠો ઉતારવા ઊઠે તે ઊઠે. નિકુંજ થોડો સમજુ. મોડી રાત સુધી કાકી-ભત્રીજો કલ્લો કરતાં રહે. ખાખરાનાં હવાયેલાં પાંદડાં ફટોફટ આંગળીઓ નીચે દબાતાં જાય. એક ઉપર એક પાન ગોઠવાય ને કલ્લો ડૂંટી સરસો આવે એટલે જાંઘ નીચે ને જાંઘો ભરાઈ જાય, પછી ઘંટીના પડ નીચે કલ્લા દબાવી સૂવા ઊઠે. આખી બપોર જોડિયા પાનની ફરતે પાન સિવાતાં જાય. લીમડાની સળીઓ પાંદડાની ચપટીઓમાં દબાવી તૈયાર થતા પડિયા... ભફલો તૈયાર કરેલો પડિયો લઈ મોંમાં ચાવે. આખો પડિયો ને ભોંય લાળ લાળ કરી મૂકે. સુભદ્રા ભજન ગણગણતી પડિયો ખૂંચવી લે. ત્યાં બીજો પડિયો લેતાં એકલા પડિયા નહીં, બટાકાની કાતરી વખતે અર્ધા બાફેલાં બટાકા, કાચાં બટાકાં ચાવચાવ કરે. ગોળનો ડબો નીચે રહી જાય કે ઉઘાડીને બેસી જાય. રોટલાની ઝીણી કરચ આખા ઘરમાં વેરે. હાથમાં કાંસકો, નાનકડી સોટી, લીમડાની સળી જે હોય લઈને બીજા હાથમાં ટીચટીચ કરે. નિશાળમાં ચડ્ડી પલાળે. કોઈના દફતરમાં રેતી ભરે. લેંઘો પહેરાવીએ તો નાડું લોલકની જેમ હલાવ્યા કરે, ને ચડ્ડી પહેરાવી હોય તો પાયચાની પટ્ટી ગોળ ગોળ વાળ્યા કરે.

શરૂ શરૂમાં થતું: “આ મારો દીકરો? આવો?” પણ પછી જીવનો આધાર બની ગયો. છાતી ફાટી જતી હોય એમ ચિરાડો પડી જતો, પણ ભફલો: “ખાવું મારે, કાકી,” કહેતો આવે એટલે કોઈ જાણે ઠંડો મલમ ભરીને પટ્ટી દબાવે એવું થતું. માતાજીની મૂર્તિ સામે બેસી જતી. રડતી, કાલાવાલા કરતી. “ગમે તેમ મારા દીકરાને સાજો કરી દો મા!” પણ પછી તે ફૂટેલા પીપળાનાં પાન આખી રાત ખખડ્યાં કરતાં. વળતી પળે થતું, મારી ભક્તિથી મા ચોક્કસ રીઝશે, ચોક્કસ. એક દાડો દર્શન આપશે ને કહેશે: “માગ, માગ સુભદ્રા માગ.” પછી ફરી પેલાં પાન સરર સરર ફર્યફર્યાં કરતાં. યોગેશ ડૉક્ટર થયો દિવસે થયેલું મારો દીકરો ભફલા માટે ડૉક્ટરીનું ભણ્યો છે મારો યોગેશ. એને થયું નથી કરવું કશુંય યાદ. ને છેય ક્યાં અહીં? છેક અમેરિકા. ને એની બહુ જક કરતો ’તો. “કાકીમા, તમે ચાલો અમેરિકા; ભફલાની જરાય ચિંતા નહીં કરવાની. નેન્સીના કઝીન સાથે વાત થઈ ગઈ છે. એક સંસ્થામાં એને ગોઠવી દઈશું.” એકધારું એની સામે તાકી રહેલી: “મેન્ટલમાં મૂકવો છે મારા દીકરાને તારે?” પણ કહેલું તો એટલું જ: “તમે જઈ આવો ભઈ. હું –” અટકી જવાયેલું. ખરેરી બાઝી ગઈ હોય એમ બે વખત ગળું ખોંખાર્યું, પણ. “તમે જાવ ભઈ, મારાથી –” આગળ કશું બોલાયું નહોતું.

નિકુંજે અમદાવાદમાં ફૅક્ટરી ખોલી. પછી ભફલાને સાચવે એવું કોઈ રહ્યું સિવાય ને મા ખોડિયાર! ગોરજમાં પ્લાસ્ટિકની ગરણીઓ બનતી. કારખાનામાં જૂની ડોલો, પ્લાસ્ટિકનાં વાસણોના ટુકડાને પતરીથી ઘસી ઘસીને સાફ કરવાના. ભફલાને શિવાભાઈની ભલામણથી ત્યાં નોકરીએ મૂક્યો. કંઈ કરતાં પણ ત્યાં તો મૂઆ હેંડતા ઢોરને પરોણાઘોંચ કરે એવા ભેગા થયેલા. એનું ટિફિન ખાઈ જાય ને ચીડવે. લગન કરવાની લાલચો આપે. ગંદી વાતો શિખવાડે. એમાં તો ઘરમાં ખુલ્લેઆમ એક દિવસ... નથી કરવું કશુંય યાદ…

નિકુંજ વાતે અપડાઉન બંધ કરી અમદાવાદ જતો રહેલો. શ્રુતિ નાહીને કપડાં બદલતી હતીને એક વાર ભફલો... માળાના મણકા છાતી પર રેંટની જેમ ફરતા હોય એવી શારી નાખતી પીડા કોને કહેવી? યાદ કરીને ય? પેટે ઘસરકા સિવાય ના. નથી સંભારવી વાતો.

કોઈએ વાત કરેલી ખેરાલુમાં એક બાપુ છે. ફૂંક મારીને દરદ મટાડી આપે છે. ખાલી પાણીની શીશી ભરીને જવાનું. દર્દીને જોડે લઈ જવું પડે. ગયેલાં. આખું મેદાન ચિક્કાર હતું. નાખી નજર પહોંચે એટલું માણસ, શીશા ઊંચા કરીને ફૂંક ઝીલવા ઊભેલું. બાપુ માઇકમાંથી ફૂંક મારતા હતા. તો આંખો મીંચી ફૂંક ઝીલવા, શીશીમાં ઉતારવા મા ખોડિયારને જપતી હતી, ને ભફલો આટલા માણસમાં ક્યાં ગોતવો? માઇકમાં જાહેરાત કરાવી. ખેરાલુની ગલીએ ગલી ફેંદી વળી. પોલીસમાં ફરિયાદ લખાવી. ચારેબાજુથી લોકો વીંટળાઈ વળેલા. નર્યો બણબણાટ ને ગણગણાટ. પણ ભફલો હવામાં ઓગળી ગયો હોય એમ. દોડતાં ચંપલની પટ્ટી તૂટી ગઈ. ને અડવાણે પગે છેક સાંજે કોઈ ખબર લાવ્યું કે કોક જાડિયો છોકરો વસઈના પાટિયે– હાંફતી છાતીએ જોયું તો ગરનાળા પાસે ઢાળમાં ચારેકોર પડેલા, કઢી ઉસેટાયાના લિસોટાવાળા ખાલી પડિયા, હાથ લૂછેલા છાપાના ડૂચા અને નાસ્તાનાં કાગળિયાં વચ્ચે આંસુના ઓઘરાળા મોઢે ભફલો બેઠો હતો.

પ્રહલાદ ગોરે શ્રીફળ હોમવાની તૈયારીની જાહેરાત કરી. ફોઈએ બનાવેલી દીવીઓ વેદીની આજુબાજુ, સ્થાન પાસે, વરુણીઓની નજીક ચારોકોર ગોઠવી પ્રગટાવી. એવો રૂપકડો ચોક રચાયો કે નજર હટાવવાનું મન થાય, પણ ભફલો ક્યાં? મનુ ક્યારનો ગયો છે, ક્યાં જતો રે’ છે આમ? ઊભી થઈ. માતાજીની મૂર્તિ સામે હાથ જોડી દદડતે હૈયે પગ ઉપાડતાં ત્યાં મનુ એને ખભેથી ઝાલીને આવતો દેખાયો. મારી હાજરાહજૂર મા! એણે ઝળઝળ ચોકનાં દર્શન કર્યાં. “મારાં દર્શન ઉજાળજે મા, મને ચાંગળુંક સુખ તો આલ. એક વાર તો પરચો પૂર. મા... મા...” કહેતાં નમી. ઊભી થઈ. પ્રસાદ ગોરે શક્રાદય પાઠ શરૂ કર્યો: “શક્રાદયા સુરગુણા નિહતેતી વીર્યે.. તસ્મિન દુરાત્મની સુરારી બલે દિવ્યા...” સામેથી ઝિલાયું: “તાં તુંષ્ટુવાં પ્રણતી નમ્ર શિરોધરાંસાં...” ક્ષણે, ઝળહળતા દીવડાઓની હારમાળા વચ્ચે ચળકતી મૂર્તિ મા. એકીટશે એને જોઈ રહી હોય એવું અનુભવાયું. નિકુંજનો પુષ્ટ દેહ, આછા રંગનું પીતાંબર, જનોઈ, ઉન્નત લલાટ, તે પર ચમકતાં કુમકુમ, અક્ષત. જોઈ થયું જાણે દર્શન ઊભો છે. બાજુમાં એની પત્ની, એનો પાછળ વળેલો છેડો પકડીને ઊભેલો પૌત્ર.

ભફલો આંખો મીંચીને માની સેવામાં તન્મય થઈને નવચંડી કરે છે. અગ્નિનો ધુમાડો સુભદ્રાની આંખો ભીની કરી દે છે. ક્ષણવારમાં બધું ધૂંધળું અને ક્ષણવારમાં બહુ ઝળાંઝળાં! એને થાય છે... મારા પેટનો જણ્યો... આજે મારી તમામ અબળખા મારી માના ચરણે અર્પણ કરું છું. ખરી મારી મા... એણે મારા ભવની લાજ રાખી, બસ હવે એક વાર, મા એક વાર તારી અમીષ્ટિ મારા જગ્યા ઉપર નાખ, મા! એક વાર મારી ખોડિયાર...

ત્યાં જ: “જગ્યા કરો, અલ્યા, ખસો.” જગાના પોકારો ઊઠ્યા. સહુ ડોકાં તાણતાં આછું-પાછું થયું. પ્રસાદ ગોરે બધું શું થાય છે જોવા આંખ માંડી ક્ષણભર! પણ શ્લોક અટક્યો નહીં. એમણે હાથ ઊંચો કરી મેદનીને શાંત રહેવા ઇશારો કર્યો. આગળ ઊભેલાં વેદી સામે પૂંઠ ફેરવીને ઊંચી ડોકે થરથર ધ્રૂજતા, મોંમાંથી સુસવાટા કાઢતા ભફલાને જોઈ રહ્યા. આગળ-પાછળ થયા. કોઈકે ભફલાને આગળ કર્યો. ઘડી વારમાં જગા થઈ ગઈ. એક તરફ સહુ વરુણીઓ અને પ્રસાદ ગોરનો ઊંચો થતો અવાજ શક્રાદયની અંતિમ પંક્તિઓની ગતિને વચ્ચે ધૂણતો ભફલો!

પહેલાં તો સુભદ્રાને કંઈ સમજ પડી. ભફલાને શું થયું અચાનક? ગાંડપણનો હુમલો આવ્યો કે શું? પણ ના, આવું તો કોઈ દિવસ થયું નથી. રીતસર એનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં છે. આંખો તો જાણે સાક્ષાત મા ખોડિયાર! આખો દેહ ધમણની માફક ઊંચો-નીચો થાય છે. એના મોંમાંથી કશાક અવાજો સાથે સુસવાટા... સુભદ્રાએ ભલા સામે નજર માંડી માંડીને શું? અષ્ટભુજા ને સર્વ આયુધો સાથ મા! એની આંખમાંથી સરસર ધારા વહેવા લાગી. “ખરી, મારી મા! તેં મારી ભવની ભાવઠ ભાંગી!” કહેતાં એણે ભફલાને નવા રૂપે ઓળખ્યો જાણે! સારી એવી વાર ભફલા સામે જોઈ પ્રસાદ ગોરે નિકુંજને શ્રીફળ હોમવા કહ્યું.

વેદીમાં ઝળહળ અગ્નિશિખા મંડપ બહાર નીકળી જવા મથતી ઊછળતી હતી. ભફલો ધીમે ધીમે શાંત થયો ને સુભદ્રા એની નજીક આવવા ગઈ ત્યાં શેતરંજીનો છેડો પગમાં આવ્યો. ગડથોલું આવ્યું. પડી જાત સીધી ભફલાના પગમાં, પણ નિકુંજે ઝૂકીને હાથ લંબાવ્યો. એમાં શ્રીફળ એના હાથમાંથી દડીને આપોઆપ વેદીમાં પધરાવાઈ ગયું. નિકુંજને ઉવેખતા ટટ્ટાર થઈ ને જોરથી જે બોલાવી “બોલો ખોડિયાર માત કી. જે.”

નિકુંજ, શ્રુતિ, મનુ અને અચ્યુત એના ઊંચા થયેલા હાથને તાકી રહ્યા.

શ્રીફળ હોમાવાને કારણે અગ્નિ ધૂંધવાયો ને ધુમાડાના ગોટેગોટ છૂટ્યા. ગોટમાં માતાજીની મૂર્તિ, દીવડાઓનો ઝળહળાટ સઘળું સાવ ઝાંખું... ઝાંખું... ઝાંખું...

('ગદ્યપર્વ', જાન્યુઆરી, ૨૦૦૧)

સ્રોત

  • પુસ્તક : અમારું માણસ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સર્જક : અનિલ વ્યાસ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2009