બકુલ દવે
Bakul Dave
હું બજારમાં જતો હોઉં ત્યારે રસ્તામાં નંદલાલની દુકાન આવે. એ દુકાનમાં નંદલાલ દરજીકામ કરે. ઓન્લી ફોર જેન્ટ્સ. લગભગ દસ બાય આઠની દુકાનમાં બે નાનાં ટેબલ અને બે સ્યુઈન્ગ મશીન ખાસ્સી જગ્યા રોકી લે. પછી જે જગ્યા બાકી રહે એમાં એક ખૂણામાં પાણીનું માટલું. બીજા ખૂણામાં દીવાલ પર અરીસો. અરીસાવાળી દીવાલ પર જ ભગવાનની છબી. સીવાઈને તૈયાર થઈ ગયેલાં કપડાં હેંગર પર ઝૂલતાં હોય. અરીસાની સામે દીવાલ પર ભગવાનની છબી. ત્યાં ધૂપસળીની રાખ પડી હોય. છત પર નાનકડો સિલીંગ ફેન. દુકાનના મથાળે પાટિયું છે- “નોબેલ ટેલરિંગ”. પાટિયાની નીચે લખ્યું છે: “એ મેન ઈઝ નોન બાય ક્લોથ્સ હી વેર્સ” એટલે કે માણસ જેવાં વસ્ત્રો પહેરે છે એનાથી એ ઓળખાય છે.
ઈશ્વરે આ વિશ્વમાં અગણિત મનુષ્યોનું સર્જન કર્યું છે-કરતો રહે છે. એની પાસે કેટલાં બીબાં છે, કોને ખબર? એટલું જ નહિ, પણ દરેક મનુષ્યનો ચહેરો અને ફિંગરપ્રિન્ટ સરખાં હોતા નથી એમ દરેકનો સ્વભાવ પણ ભિન્ન. તુલસીએ કહ્યું છે: “तुलसी इस संसार मे भात भात के लोग.” માણસનો સ્વભાવ એનું જીવન ઘડી આપતો હોય છે એમ કહીએ તો દરેકનું જીવન પણ એની જીવવાની રીત અને પ્રકૃતિ પ્રમાણે અલગઅલગ હોય છે. ને આ જ તો ઉપરવાળાની ખૂબી નથી? શરીરનું માળખું સૌને એકસરખું આપ્યું પણ પ્રકૃતિ જુદીજુદી.
નંદલાલ પણ સાવ નોખી માટીના માણસ ને એ ઘણી બધી રીતે અનોખા પણ ખરા. નામથી જ નહિ, પણ એ બીજી અનેક રીતે પોતાનામાં સમાયેલાં કૃષ્ણત્વને અનાયાસે જ પ્રગટ કરતા રહે છે એની એમને પોતાને પણ ખબર નથી હોતી. કોઈ બીમાર હોય તો એ એમના સાતેય કામ પડતા મૂકી પહોંચી જાય. કોઈ મનથી સંતપ્ત હોય તો એ સીવવાનું અટકાવી એ વ્યક્તિને શીળા શબ્દોનો લેપ કરી આશ્વસ્ત કરે. કેટલાક માણસો એવા હોય છે કે પોતાના કરતા બીજાને માટે જીવવાનું એમને વધુ ગમતું હોય છે. નંદલાલ પણ એ સૌમાંના જ એક.
મેં એકવાર નંદલાલને કહ્યું: “નંદલાલ, તમે બધાનો પ્રેમ બહુ મેળવ્યો છે...”
“એ તો ભાઈગની વાત છે, સાહેબ.”
“ના, એવું નથી.”
“તો?”
“ગોકુળમાં હતો તે નંદલાલ વાંસળી વગાડી સૌને ભેગા કરતો. દરેકને એવું લાગતું કે એ પોતાના માટે વાંસળી વગાડે છે. તમારું પણ એવું જ છે. તમારા હૃદયની નીરવ વાંસળી સાંભળી દરેકને તમે પોતાના લાગો છો. મને પણ તમને મળું ત્યારે તમારા હૃદયમાં મારા માટે જે આત્મીયતા છે તેનો સ્પર્શ થયા કરે છે. સૌની જેમ તમે મને પણ મારા પોતાના લાગો છો.”
નંદલાલ કહે, “હું છું અભણ માણહા. તમે આ બધું બોલો છો એમાં મને પૈસાભાર હમજ નો પડે...” પણ વાત કરતા એ ખીલે ત્યારે એ મને અભણ ન લાગે. એમની વાતોમાં અને વિચારોમાં અનાયાસે જ જીવનની ફિલસૂફી પ્રગટ થતી રહે. ઘણીવાર મને એમાં લાઓસ્તે, એરીસ્ટૉટલ કે રજનીશનો પડઘો પડતો જણાય! નંદલાલ સાથે વાતોનો દૌર ચાલતો રહે. ગમતાનો ગુલાલ ઊડ્યા કરે ને એમાં અમે રંગાઈ જઈએ. છૂટા પડ્યા પછી પણ નંદલાલે છેડેલી અદૃશ્ય વાંસળીના સૂર લાંબા સમય સુધી સંભળાતા રહે.
નંદલાલની ઉંમર પચાસની આસપાસ. પણ ઉંમર કરતાં એ વધુ યુવાન લાગે. શારીરિક રીતે ચુસ્ત. પહેરવેશમાં શર્ટ અને પેન્ટ. તે ઈસ્ત્રી કરેલાં હોવાં જોઈએ એવો આગ્રહ પણ નહિ. માથાના વાળ ઊભા ઓળે એમાં ક્યાંક સફેદી દેખાય. ક્લીનશેવ ચહેરા પર સદાય સ્મિત રમતું હોય. આંખો આત્મીયતા અને આવકાર વગરની ક્યારેય ન હોય. દરજીકામ કરે પણ વ્યસન એકેય નહિ. એમની દુકાન પાસેથી મારો કાયમ જવા-આવવવાનો રસ્તો. હું ત્યાંથી પસાર થાઉં ત્યારે એ મને આગ્રહપૂર્વક સાદ પાડે: “સા..હેબ, થોડીવાર આવો ને..”
એમનાં સંતાનોને મેં અંગ્રેજી ભણાવ્યું હતું એટલે એ મને “સાહેબ” કહી સંબોધન કરે પણ એનાથી ઊલટું મને એમનામાં જ કબીરે કહ્યો છે એ “સાહેબ”ના દર્શન થતા રહે.
હું દુકાનમાં પ્રવેશું ને દીવાલ પર હેન્ગરમાં લટકતાં શર્ટ-પેન્ટની જોડીઓ જોઈ હસતાં હસતાં કહું: “હમણાં ધંધો સારો ચાલતો હોય એવું લાગે છે.”
નંદલાલ પણ હસે ને જણાવે: “તમે ભૂલ કરો છો”
“કેમ?”
“આંખથી જે દેખાય ઈ બધું સાચું હોતું નથી.”
“એટલે?”
“એટલે એમ કે દુકાનમાં સીવેલા કપડાં વધુ દેખાય ત્યારે ઊલટું સમજવું કે મારે કામ ઓછું રહે છે.”
“એ કેવી રીતે?”
“વધુ કપડાં ત્યારે હોય જ્યારે મારે ગ્રાહકને એ ઝટ પહોંચાડી દઈ નવાં સીવેલાં કપડાં માટે જગ્યા કરવાની ઉતાવળ ન હોય.” નંદલાલ સ્મિત વેરતા જણાવે.
નિરંતર હસતા રહેતા નંદલાલના જીવનમાં એ હસી શકે એવું ઘણું થોડું હતું. છેક બાળપણથી એમણે સંઘર્ષ કર્યો હતો. એમનું કુટુંબ બહોળું. મોટી ચાર બહેનો અને પછી ચાર ભાઈઓ. ભાઈઓમાં નંદલાલ ઉંમરમાં સૌથી મોટા. એ ઘણીવાર મને વાત કરે કે વર્ષો પહેલા એ વઢવાણમાં બાપીકા ઘરમાં રહેતા. હજી મૂછનો દોરો ફૂટ્યો ન હતો ત્યારે પિતાનું અવસાન થયું ને તે સાથે કુટુંબની જાહોજલાલી પર પણ પૂર્ણવિરામ મુકાયું. કુટુંબની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે નંદલાલને શાળા છોડવી પડી. પંદર વર્ષનો કિશોર રમવા-ભણવાની જગ્યાએ કામ શોધવા નીકળ્યો.
સંબંધી વિનુભાઈએ સ્નેહથી હાથ પકડ્યો: “મારી દુકાનમાં આવી જા. ગાજ-બટન કરજે.”
વિનુભાઈને સુરેન્દ્રનગરમાં પોતાની દરજીકામની દુકાન. નંદલાલને ઊભા રહેવાની જગ્યા મળી ગઈ. પોતાને સોંપાયેલું કામ એ નિષ્ઠાપૂર્વક કરવા લાગ્યા. વહેલી સવારે એ વઢવાણથી સુરેન્દ્રનગર આવી જાય ને રાત્રે નવ વાગ્યે ઘેર પહોંચે. આખો દિવસ કામમાં ડૂબેલા રહે.
વિનુભાઈનું કામ ઘણું. એમની દુકાનમાં અનેક કારીગર કામ કરે. એકવાર નંદલાલે વિનુભાઈને કહ્યું: “મને સિલાઈ કરવાનું કામ આપી શકો?”
વિનુભાઈ નંદલાલ સામે જોઈ રહ્યા. નાનકડા છોકરાના અવાજમાં આત્મવિશ્વાસ હતો. એમણે એને સિલાઈકામ કરતા શીખવ્યું. વિનુભાઈ બુશર્ટ અને પેન્ટ વેતરે અને બીજા અનેક કારીગરો જેમ નંદલાલ પણ એની સિલાઈ કરવા લાગ્યા. થોડા સમયમાં સિલાઈકામ પર નંદલાલનો હાથ બેસી ગયો. એ શક્ય એટલું વધુ કામ કરવા લાગ્યા જેથી વધુ પૈસા મળી શકે આર્થિક ભીંસ ઓછી થાય. ઘેર પહોંચતા રાત્રે અગિયાર-બાર થઈ જાય.
તે સમયે રાત્રે અગિયાર પછી સુરેન્દ્રનગરથી વઢવાણ જવા વાહન મેળવવું મુશ્કેલ. લગભગ ન મળે. નંદલાલ દોડીને ખાનગી વાહન પર લટકી જાય ને ઘેર પહોંચે. એમ કરવામાં ભાડાના પૈસા પણ બચે. ઘેર જઈને ખાય ને ઊંઘી જાય. ફરી સવારે જાગી સુરેન્દ્રનગર આવવા માટે નીકળી પડે. પછી વ્યસ્તતા એટલી વધી કે ઘેર જવા-આવવાનું બંધ કર્યું ને રાતદિવસ એ દુકાનમાં જ રહેવા લાગ્યા. મિત્રના ટીફિનમાંથી ખાઈ લે અને ત્યાં જ સૂઈ જાય. કામ.. કામ.. અને કામ. કામ કરતા રહેવું એ જ એમના માટે જીવનનો મંત્ર બની ગયો.
ગીતામાં કહ્યું છે: “कर्म वाधिकारस्ते मा फलेषु कदाचन... એટલે કે કર્મ કર પણ ફળની ઈચ્છા રાખીશ નહિ. એમ કરવાથી કર્મ ઈચ્છાથી લેપાઈ જતું હોય છે. એ સાત્વિક રહેતું નથી. પણ ગીતામાં એમ પણ કહ્યું છે કે કોઈ કર્મ કર્યા પછી કોઈ ફળની ઈચ્છા રાખે કે ન રાખે પણ કરેલું કર્મ ફળ આપતું જ હોય છે. પસાર થતા સમયે નંદલાલને નિષ્ઠાથી કરેલાં કામનો બદલો આપ્યો. લગ્ન થયાં, સંતાનો થયાં અને દુકાન ભાડે રાખી સ્વતંત્ર રીતે કામ કરવાનું એમણે શરૂ કર્યું. મિલનસાર અને પરગજુ હોવાનો લાભ એમને ધંધામાં પણ થવા લાગ્યો.
નંદલાલનો પુત્ર પ્રતીક મારી પાસે ભણવા આવે. હું એને અંગ્રેજી શીખવું. એ બારમાં ધોરણમાં સરસ રીતે પાસ થઈ ગયો પછી નંદલાલે મારી સલાહ માંગી: “સાહેબ, એને કયો કોર્સ કરાવવો?”
“પ્રતીકની શું ઈચ્છા છે?”
“એને કોમ્પ્યુટર સાયન્સ કરવું છે ને તે માટે એ હૈદરાબાદ જવા ઈચ્છે છે...”
“બરાબર છે પણ..” હું અટકી ગયો.
“પણ શું?” નંદલાલે આશંકાથી મારી સામે જોયું, “પ્રતીકને ભણવાનું અઘરું પડશે?”
“બિલકુલ નહિ.”
“તો?”
“ભણવાનો અને ત્યાં રહેવા-ખાવાનો ખર્ચ ઘણો આવશે. તમને આર્થિક રીતે મુશ્કેલ નહિ પડે?”
નંદલાલ બાળક જેવું હસી પડ્યા: “સાહેબ, વાંદરો એક ડાળ પરથી બીજી ડાળ પર ઠેકે ત્યારે એ શું કરે ખબર છે?”
“ના.”
“વાંદરો એક ડાળ પરથી બીજી ડાળ પર ઠેકે ત્યારે એ હેઠે ન જુએ કે એ કેટલી ઊંચાઈ પર છે એ પણ ન વિચારે. જો હેઠે જુએ તો પડવાનો ડર લાગે ને ઠેકવાનું માંડી વાળે.” પછી હસીને ઉમેર્યું, “મારી જિંદગીમાં મેં વાંદરાની ઘોડ્યે હેઠું જોયા વગર છલાંગ મારી છે. દીકરાને ભણાવવો છે તો એમાંયે વાંદરો છલાંગ મારવામાં હેઠું નઈ જુએ..”
એમના શબ્દોથી મને રમૂજ થઈ પણ એમાં તીવ્ર ઈચ્છાશક્તિનાં દર્શન પણ થયાં. નંદલાલ પાસે તાત્કાલિક હાથ પર એટલી મૂડી ન હતી પણ એમને જાતમાં ભારે શ્રદ્ધા. નંદલાલે મારી સલાહ માનીને મોકલી દીધો પ્રતીકને હૈદરાબાદ ભણવા. મને વિવેકાનંદનું સ્મરણ થયું. એમણે અમેરિકામાં એક જગાએ પ્રવચન આપતા કહ્યું હતું કે જે વ્યક્તિને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. આસ્તિક હોવાની પહેલી શરત છે પોતાની જાતમાં ભરોસો હોવો. એ રીતે નંદલાલ પૂર્ણ આસ્તિક ન કહેવાય?
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં વહેતા પાણી જેમ સમય પસાર થતો રહ્યો. એમાં કેટલાય દિવસો અને મહિનાઓ તણાઈ ગયાં. પ્રતીકે ક્યારે ભણવાનું પૂરું કર્યું એની ખબર જ ન પડી. ભગવાને કહ્યું છે કે મારો જે કર્મયોગ કરે છે ને મારો ભક્ત છે એના યોગક્ષેમની ચિંતા હું કરું છું. નંદલાલની બાબતમાં મને આ એકદમ સાચું ઠર્યું છે.
નંદલાલની કુટુંબભાવનાથી પણ હું પ્રભાવિત. એમના ત્રણેય ભાઈઓ માટે એમના હ્રદયમાં સ્નેહનું ઝરણું બારેમાસ વહ્યા કરે. કુટુંબ માટે કશું કરી છૂટવા એ હંમેશાં તત્પર રહે. જે કરે એ કશી સભાનતા વગર કરે.
એકવાર મેં કહ્યું, “નંદલાલ, તમે આ બધું કેવી રીતે મેનેજ કરો છો?”
“મને સમજાયું નહિ, સાહેબ..”
મેં સ્પષ્ટતા કરી: “તમે ચાર ભાઈમાં સૌથી મોટા છો. તમારે પોતાનું કુટુંબ છે ને તમે ધંધામાં પણ ખૂબ વ્યસ્ત રહો છો તો પણ નાના ભાઈઓની નાની-મોટી મુશ્કેલીમાં એમની પડખે જઈ ઊભા રહો છો તે કાબિલે દાદ છે. હેટ્સ ઓફ ટૂ યૂ.”
“એટલે?” નંદલાલ હસીને કહે, “ગુજરાતીમાં બોલો. હું અભણ છું...”
“હેટ્સ ઓફ ટૂ યૂ એટલે તમારી કુટુંબભાવના માટે તમને સલામ.”
“લે હાલ્ય, એમાં સલામ ક્યાં આવી? મારા કુટુંબ માટે હું કશું કરું એમાં મેં સલામ મારવા જેવું શું કર્યું છે. એવું તો બધાં કરે.”
હું નંદલાલ સામે જોઈ રહું. પોતાની જાતને અભણ કહેતો માણસ આ બોલે છે? મેં એવા ઘણા ‘ભણેલા’ઓને જોયા છે, જેઓ કુટુંબે પોતાના પર કરેલા ઉપકારને ભૂલી જતા હોય છે. લોહીનાં સંબંધોની ઉપેક્ષા કરી હૂતો-હૂતી અને એમનાં સંતાનોથી બનેલા પોતાના નાનકડા કુટુંબના કોચલામાં લપાઈને બેસી જતા હોય છે. એમને ભણેલાં શી રીતે કહેવા? ને નંદલાલને અભણ પણ કેવી રીતે કહેવા? નંદલાલની પ્રકૃતિ જ એવી કે મુશ્કેલીમાં એ પાસે આવી ઊભા રહે ત્યારે કડકડતી ઠંડીમાં નજીકમાં જ કોઈએ તાપણું કર્યું હોય એવી હૂંફ અનુભવાય.
એકવાર હું લાયબ્રેરી તરફ જતો હતો ત્યારે નંદલાલે મને સાદ પાડ્યો.
મેં કહ્યું: “હું પાછા ફરતા આવું છું..”
“ના, અત્યારે પાંચ મિનિટ આવી જાવ..”
મેં જોયું કે અસામાન્ય રીતે નંદલાલનો ચહેરો ગંભીર છે. મેં પૂછ્યું: “શું વાત છે?”
“સાહેબ, ડોક્ટરે નિદાન કર્યું છે કે રાજુને મોઢાનું કેન્સર છે.”
રાજુ એટલે નંદલાલનો સહોદર ભાઈ. મારે શું કહેવું એ મને સૂઝ્યું નહિ. હું આશ્વાસનના શબ્દો શોધું એ પહેલા તો એ સ્વસ્થ થઈ ગયા. કહ્યું: “પરિણામ હું જાણું છું. પણ લડી લેવું છે, સાહેબ. મૃત્યુ સામે હાર માની ભાઈને રેઢો નથી મુકવો.”
ને નંદલાલે ભાઈ માટે યમરાજ સામે યુદ્ધ આદર્યું. વારંવાર સારવાર માટે અમદાવાદ જવાનો સિલસિલો શરૂ થયો. જાતજાતના શારીરિક પરીક્ષણો અને મોંઘીદાટ દવાઓ. દુકાનમાં ધ્યાન ઓછું થઈ ગયું. સારવાર પાછળ રોજ પાણીની જેમ પૈસા વપરાય. પોતે કેટલી ઊંચાઈ પર છે તે જોયા વગર વાંદરાએ છલાંગ મારવાનું શરૂ કર્યું. મનમાં સાત્વિક જીદ હતી કે ભાઈને માટે જે થાય તે બધું કરી છૂટવું છે.
એક વહેલી સવારે આ યુદ્ધનો અંત આવ્યો. નંદલાલની આંખ સામે રાજુએ હંમેશ માટે આંખો મીંચી દીધી. ઋણાનુબંધ પૂરો થયો. નંદલાલે ભાઈના મૃત્યુને હંફાવ્યું હતું. મૃત્યુ જીતીને હારી ગયું ને નંદલાલ હારીને પણ જીતી ગયા.
નંદલાલને દુકાનમાંથી ઘેર જવાના સમયે ક્યારેક હું એમને મિત્રો સાથે બેસી નાસ્તો કરતા જોઉં. એ મને કહે, “હાલો, મજા આવશે..”
સમોસાં, ગાંઠિયા અથવા તો ભજિયાં જોઈ હું હસું; “ના, ભાઈ. અત્યારે સાંજની વેળાએ આ ખાઉં તો મને પિત્ત થાય ને હું રાત્રે ઊંઘી ન શકું. તમને કંઈ ન થાય? આ ખાધા પછી તમે ઘેર જઈ જમશો?”
“હા, રોજ ખાઉં છું એટલું ને એટલું જ. નાસ્તો કર્યો છે એની કોઈને ખબર પણ નહિ પડે.”
“ઊંઘ આવશે?”
“જમીને દસ મિનિટ પછી પથારીમાં પડીશ ને દસ સુધી ગણીએ એટલીવારમાં મને ઊંઘ આવી જશે.”
હવે હું એમને નાસ્તો કરતા જોઉં ત્યારે ગમ્મતમાં પૂછું: “હવે ઘેર જઈ જમવાનું?”
નંદલાલ હસીને કહે: “એટલું ને એટલું જ. ઈમાં કોઈ ફેર નો પડે.”
“તમે સુખી છો. આ ઉંમરે ખોરાક સરસ રીતે પચી જાય અને રાત્રે પથારીમાં સૂતા વેંત ઊંઘ આવી જાય એનાથી મોટું સુખ બીજું કયું હોઈ શકે?”
ને નંદલાલ મારી સામે જોઈ રહે: “ઈમ સાહેબ?”
નંદલાલના બંને સંતાનો પરણી ગયાં. પ્રતીક કોલેજમાં લેક્ચરર તરીકે નોકરીમાં જોડાયો પછી મેં એમને કહ્યું: “હવે તમારે નિરાંતનો સમય આવ્યો..”
“ના, એવું નથી. વાંદરાએ હજી ઠેકવાનું બાકી છે.” શર્ટને ઈસ્ત્રી કરતા નંદલાલે મારી સામે સ્મિત કર્યું, “મારી જવાબદારી પૂરી થઈ નથી. હજી રાજુનાં સંતાનોને ભણાવવાનાં છે ને એમનાં લગન કરવાનાં છે.”
હું નંદલાલ સામે જોઈ રહ્યો. આ માણસ છે કે સંત? પેન્ટ-શર્ટ પહેરેલા એ સંતની સામે હું નતમસ્તક થઈ ગયો. કશું વાંચ્યું ન હતું પણ જે ધર્મગ્રંથોમાં હતું એ એમના વ્યવહારમાં અને ભાષામાં હું જોઈ શકતો હતો. “ભગવદ ગીતા” વાંચ્યા વગર એ ગીતાને આત્મસાત કરી શક્યા હતા ને એટલે જ એ આટલા જીવંત હતા. આવા જીવંત-લાઈવવાયર જેવા માણસો કેટલા? ઘણા જીવે છે પણ જીવંત નથી હોતા. ઘણા જિંદગીની એકએક ક્ષણને એના સુખદુઃખ સહિત માણે છે ને ઘણાને જીવનનો થાક લાગે છે.
નંદલાલનું વ્યક્તિત્વ એવું કે એની ટોચ પર પહોંચવું મુશ્કેલ પણ એના જુદાજુદા પડાવ પર થઈ એમના ઉદ્દાત ચરિત્રની ઉજળી બાજુઓની ભાળ અનાયાસે જ મળતી જાય. બે વર્ષ અગાઉ એક ઘટના બની ને મને એમના અંતરમનમાં પ્રવેશવાની એક વધુ તક મળી. એક દિવસ નંદલાલે મને એમની દીકરીની સગાઈ થયાના શુભ સમાચાર આપ્યા. મને ખુશી થઈ. મેં કહ્યું: “સારું થયું. દીકરી સુખી થાય..”
“ના, એમ નહિ, સાહેબ..”
“તો કેમ?”
“દીકરીની સગાઈની વિધિ આપણે ધામધૂમથી કરવી છે ને ત્યારે તમારે ત્યાં આવી દીકરીને આશીર્વાદ આપવાના છે.”
“એટલે ફરી એકવાર...”
“હા, ફરી એકવાર વાંદરો છલાંગ લગાવવાનો છે.” નંદલાલ હસી પડ્યા, “કૂદવું એ એના સ્વભાવમાં છે..”
નંદલાલના મિત્રોએ એમની સાથે રહી પ્રસંગને રૂડો કરી જાણ્યો. પ્રસંગ આટોપાઈ ગયો તેના થોડા દિવસ પછી હું નંદલાલને મળ્યો ત્યારે એ નિષ્ક્રિય બેઠા હતા. મને આશ્ચર્ય થયું. કામ કર્યા વગર નંદલાલને કીડીઓ ચડે. તો પછી એ આમ નિષ્ક્રિય કેમ બેઠા છે? ચહેરા પર એમના સ્વભાવથી વિપરીત એવી થોડી ઉદાસીની ઝાંય પણ હું જોઈ શક્યો.
“હજી થાક નથી ઊતર્યો?” મેં પૂછ્યું.
“સાહેબ, એક માઠા સમાચાર છે.”
હું એમની સામે જોઈ રહ્યો. થોડી ક્ષણો એમ જ પસાર થઈ ગઈ. થોડીવાર પહેલા સળગાવેલી ધૂપસળીમાંથી બહાર આવતી ધૂમ્રસેરને એ અમથું જ જોઈ રહ્યા ને પછી ધીમેથી બોલ્યા: “સાહેબ, આપણે દીકરીની સગાઈ કરી હતી તે છોકરો હાર્ટએટેકથી ગુજરી ગયો..”
હું સ્તબ્ધ. શું બોલવું? શબ્દો મને હાથતાળી આપી છટકી જવા લાગ્યા.
છેવટે માંડમાંડ મારાથી એટલું કહી શકાયું: “નંદલાલ, જે બની ગયું એનું આપણને દુઃખ થાય પણ બીજો એક વિચાર એ પણ આવે છે ઉપરવાળાની એટલી કૃપા કે શૂળીનું દરદ સોયથી સર્યું. ધારો કે દીકરીના લગ્ન થયા પછી આવું કૈંક બન્યું હોત તો? એના કરતાં..”
મને વચ્ચે જ અટકાવી નંદલાલે કહ્યું: “સાહેબ, મને વધુ દુઃખ તો બીજી એક વાતનું છે..”
“કઈ?”
“આપણે તો આ રીતે મન વાળી શકીએ છીએ પણ જેણે યુવાન દીકરો ગુમાવ્યો એની શું હાલત હશે? એનું દુઃખ કેવું હશે?”
નંદલાલ આવું વિચારતા હશે એવું તો મેં કલ્પ્યું પણ ન હતું. “શ્રીમદ્ ભાગવત”માં ભગવાને કહ્યું છે કે જે પોતાના દુઃખોને નહિ પણ બીજાના મનને જોઈ, અન્યના દુઃખે દુઃખી થાય છે તે મારો પરમ ભક્ત છે. નંદલાલમાં મને એવા ભગવદ્ ભક્તના દર્શન થયા.
એ સમયે ફોટોગ્રાફર ભાઈ સગાઈના ફોટાનું આલ્બમ લઈને આવ્યો. એણે ઉત્સાહથી કહ્યું: “નંદલાલ, ફોટા સરસ આવ્યા છે. લો, આ આલ્બમ.”
બીજો એક મિત્ર ત્યાં હાજર હતો. એણે ફોટોગ્રાફરને જે બન્યું હતું એ કહ્યું. ફોટોગ્રાફરના ચહેરા પરથી નૂર ઊડી ગયું.
“કેટલા પૈસા થયા?” નંદલાલે એને બીજી વાતે વાળવા પૂછ્યું.
“હવે મારે આ આલ્બમના પૈસા લેવાના નથી..”
પણ નંદલાલે એને અનુમાને જે રકમ થતી હતી એટલા પૈસા પરાણે એના ખિસ્સામાં મૂકી દીધા; “ભલા માણસ, તારી મહેનતના પૈસા તો લેવા જ પડે ને..”
એકાદ વર્ષ વીતી ગયું પછી દીકરીની અન્ય જગ્યાએ સગાઈ થઈ. ધામધૂમથી લગ્ન પણ થઈ ગયા.
ઘણીવાર મને થાય કે નંદલાલ કઈ માટીના બનેલા છે. બાળવાર્તામાં આવતા “આનંદી કાગડા”ની જેમ એ ગમે તે સ્થિતિમાં સહજ રીતે જીવી શકે છે. વાતવાતમાં એ કહે છે, “જીવનમાં બધું આવે, સાહેબ પણ બધું ગાંઠે ન બંધાય. ખંખેરવા જેવું ખંખેરી નાંખવાનું. તો જ જીવાય..”
પણ ખંખેરતા આવડવું એ નાનીસૂની વાત છે?
એકવાર મેં કહ્યું: “તમારી દુકાનના નામ ‘નોબેલ ટેલરિંગ” નીચે લખ્યું છે: “એ મેન ઈઝ નોન બાય ક્લોથ્સ હી વેર્સ” તે વાક્ય થોડું બદલી મને તમારા માટે કહેવાનું મન થાય છે: “એ મેન ઈઝ નોન બાય હીઝ લાઈફ હી લીવ્ઝ.”
“એટલે?” નંદલાલે સિલાઈ કરતાં અટકી જઈ એમણે પૂછ્યું.
મેં એનું ભાષાંતર કર્યું ને એ હસી પડ્યા, વાતને ખંખેરી નાંખતા હોય તેમ.
સ્રોત
- પુસ્તક : લેખક તરફથી મળેલ કૃતિ
