બકુલ દવે
Bakul Dave
બે હજાર પચાસના વર્ષની એક સાંજ છે.
નેહાના આવવાની રાહ જોતો હું બેઠો છું. સામે છેક ક્ષિતિજ સુધી વિસ્તરેલો નદીનો પટ છે. સાંભળ્યું છે કે બે-ત્રણ દાયકા પહેલાં સાંજની વેળાએ અહીં માણસોની ઘણી ભીડ રહેતી. સાઈસ બાળકોને ઘોડા પર સવારી કરાવતા હોય, ખાણીપીણીના ખુમચાઓની આસપાસ માણસો માખી જેમ બણબણતા હોય, જ્યાંત્યાં ફેંકી દીધેલાં પડીકાંના કાગળો ઊડતા હોય ને કોઈએ છોડી દીધેલાં બલૂન આકાશમાં ઊંચે ને ઊંચે જતાં હોય એવાં દૃશ્યો હવે નથી રહ્યાં. જીવદયા, સ્વચ્છતા અને પ્રદૂષણ અંગેના કડક કાયદાઓએ આ દૃશ્યો પર પડદો પાડી દીધો છે.
હમણા જ ચોમાસું ગયું છે. નદીનું વહેણ એકધારું છે. ખળખળ વહેતાં પાણી જોઈ મને નેહા યાદ આવી ગઈ. એકવાર એણે કહ્યું હતું: “પરીક્ષિત, આ પાણીનાં વહેણ હું એકધ્યાન જોયા કરું છું ત્યારે થાય છે કે જાણે હું સ્વયં નદી બની ગઈ છું, દરિયામાં ભળી જવા ઉત્સુક. થાય છે, જાણે મને કોઈ દૂર દૂરથી સાદ પાડી રહ્યું છે..”
“મને કેમ એ સાદ નથી સંભળાતો?” મેં કાન પર હાથ રાખી સંભળાવાનો અભિનય કરતાં હસીને પૂછ્યું હતું.
“એ માટે પોતાની જાતથી અલગ થવું પડે. નદી જેવી ફિલિંગ અનુભવવી પડે.” નેહાએ રીસથી કહ્યું હતું; “તું વૈજ્ઞાનિક છે તેથી શું? બુદ્ધિથી આગળ અને ઈન્દ્રિયોથી ન પામી શકાય એવું પણ ઘણું છે આ વિશ્વમાં. ને છેવટે તો બધું અલગ લાગતું હોવા છતાય હું-તું-નદી-દરિયો બધું એક જ નથી?”
“જેમ ઈશ્વર છે તેમ?” મેં મજાકમાં પૂછ્યું હતું.
“હા.”
મારા ખભા પર ધીમો આકસ્મિક સ્પર્શ થયો. મેં ઊંચું જોયું. નેહા હતી. ગુલાબી રંગની સાડી અને એવા જ રંગનું બ્લાઉઝ. બ્લાઉઝ ફુગ્ગા બાંયનું, કસોવાળું. સો વર્ષ પહેલાંની ફુગ્ગા બાંયની ફેશન રીવાઈવ થઈ છે. પીઠ પર કસોની ગાંઠ બાંધી છે. વસ્ત્રોમાંથી પ્રસરતી મોસમના પહેલા વરસાદ જેવી મહેક મારા શ્વાસોમાં ઊતરવા લાગી. કેટલાક સમયથી ખુશ્બુ ફેલાવતાં હોય તે પ્રકારનાં વસ્ત્રો બજારમાં નવાંસવાં આવ્યાં છે. પરફ્યુમની જરૂર જ નહિ. શોલ્ડરકટ વાળની નેહાએ પોની બાંધી છે. એના ઓવલ શેપ ચહેરાની ઘઉંવર્ણી ત્વચા પર આથમતા સૂરજનું અજવાળું ઝિલાઈ રહ્યું છે. દેખાવમાં કોઈ એને એવરેજ કહી શકે પણ એ મને હંમેશાં સુંદર લાગે છે.
અમારી દૃષ્ટિ એક થઈ. એના અસ્તિત્વના હિસ્સા જેવું સ્મિત એના ચહેરા પર પતંગિયાની જેમ હળવેકથી બેસી ગયું. સ્મિત કરે ત્યારે મને એ વધુ પરિચિત અને આત્મીય જણાય છે. એ મારી નજીક બેસી ગઈ ને સીધું જ પૂછ્યું: “તેં કહ્યું હતું તું મને કોઈ ખાસ વાત કરવા માગે છે.”
“હા.”
“શું?”
“તું સાંભળી શકીશ?”
“એ માટે તો આવી છું..”
“નેહા, હું તને પરણી શકીશ નહિ...”
નદીનો ખળખળાટ તત્ક્ષણ નેપથ્યમાં ચાલ્યો ગયો ને અમારી વચ્ચે ઊભું રહ્યું મૌન, નિશ્ચલ ખડક જેવું. મને હતું કે નેહા પૂછશે: કેમ? પણ એણે કશું ન પૂછ્યું. દૂર ક્ષિતિજ તરફ એ જોઈ રહી. મેં એને ઢંઢોળી, “તેં મને કશું પૂછ્યું નહિ..”
“શું પૂછું?” એણે મારી સામે જોયું, “તારે જણાવવું હતું એ તો તેં જણાવી દીધું. હવે કારણ જાણીને શું?”
પણ મારે ઘણું કહેવાનું હતું. ખુલાસા રૂપે નહિ, પણ હવે પછીના મારા અભિયાન વિશે. પણ શરૂઆત ક્યાંથી કરવી? એક પક્ષી નદીમાંથી માછલી જેવું કશું પકડી ઊડી ગયું.
વાતનો તંતુ સાધતા મેં કહ્યું, “નેહા, હજી મારે તને કંઈક કહેવાનું છે.”
“કહે..” નેહાનો મૂડ જતો રહ્યો હતો.
“વાત ખાનગી છે. ફૂલ પ્રૂફ કોન્ફીડેન્શીયલ.” મેં કહ્યું ને સહેજ અટકી ઉમેર્યું, “નેહા, પૃથ્વીથી બાર પ્રકાશવર્ષ દૂર એક તારો છે. એનું નામ છે: “મિરેકલ”. એને એક પ્રૌઢ સૂર્ય ગરમી આપી રહ્યો છે. એની ગરમી અસહ્ય નથી.”
“મેં એના વિશે વાંચ્યું છે.”
“ઈસરો દ્વારા “મિરેકલ” પર સ્પેસક્રાફ્ટ મોકલાવાનું અભિયાન હાથ ધરાયું છે.”
“સરસ. આ તો દેશ માટે ગર્વની વાત કહેવાય.”
“સ્પેસક્રાફ્ટ અંતરિક્ષમાં પ્રકાશની ગતિએ મુસાફરી કરશે ને બાર વર્ષે એના મુકામ પર પહોંચશે. આ અભિયાનના કારણે હું તને નહિ પરણી શકું.”
“પણ એને આપણાં પરણવા-ન પરણવા સાથે શું નિસબત?”
“નિસબત છે. ઈન ફેક્ટ, આ અભિયાન માટે હું અવકાશયાત્રી તરીકે પસંદ થયો છું ને હું પાછો ન ફરું એવી પૂરી શક્યતા છે..”
“તેં મને આ વિશે અગાઉ વાત કેમ ન કરી?”
“મારે તને જણાવવું જોઈતું હતું પણ મારી પસંદગી થાય એ વિશે મને શંકા હતી. કશું બન્યા પહેલાં શું કહેવું?”
નેહા કશું ન બોલી. તર્જનીથી એણે રેતીમાં વર્તુળ બનાવ્યું ને ઘૂંટવા લાગી.
“નેહા, હું રોમાંચ અનુભવું છું પણ પડખે ઉદાસી પણ છે. આ પૃથ્વી મને અતિ વહાલી છે ને એટલી જ પ્રિય મને તું પણ છે. છોડીને જવાનું મને ગમતું નથી પણ..”
“તેં બીજા કોઈને આ વાત કરી?”
“કોને કરું? મારું કહેવાય એવું કોણ છે, તારા સિવાય. અનાથાશ્રમમાંથી મને લઈ ગયાં હતાં એ મારાં પ્રેમાળ માતાપિતા પણ હવે રહ્યાં નથી...”
“એક વાત કહું?”
“શું?”
“તું ન જાય તો? સુખથી જીવવા માટે તારી પાસે અહીં શું નથી?”
નેહા મારી પરીક્ષા કરે છે? હું એની સામે જોઈ રહ્યો ને કહ્યું, “ના, હું ન જાઉં એ હવે શક્ય નથી. હા, દુન્યવી દૃષ્ટિએ સુખી થવા માટે જરૂરી કહેવાય એવું બધું જ મારી પાસે છે. બધી જ સગવડો છે ને સંપતિ પણ છે. ઈસરોમાં વૈજ્ઞાનિક છું. ને સુખની બાજીમાં હુકમના પાના જેવી તું પણ છે છતાંય મને લાગ્યા કરે છે કે કશુંક ખૂટે છે, ખાલી છે એને મારે ભરવું છે. પણ મને તારી ચિંતા છે.”
“ચિંતા ન કરીશ. હું તારી રાહ જોઈશ.”
“ના, એમ નહિ..”
“તો કેમ?” નેહાના ઉદાસ ચહેરા પર સ્મિત રેલાયું.
“એક વચન આપ..”
“શું?”
“તું લગ્ન કરી લઈશ.”
એ કશું બોલી નહિ. મારી સામે અપલક જોઈ રહી. એની ભીની તગતગતી આંખોમાં અનેક પ્રશ્નો છે. એનો હાથ મેં મારા હાથમાં લીધો. એમાં મારી વિનંતી સ્વીકારવા અનુનય હતો.
**
ટેન.. નાઈન.. એઈટ.. સેવન.. સિક્સ.. ફાઈવ.. ફોર.. થ્રી.. ટૂ.. વન.. એન્ડ...
શ્રીહરિકોટાથી અમારું એરક્રાફ્ટ ઊડ્યું. મારી સાથે બીજા બે જણ છે. એક છે એરફોર્સનો પંજાબી જવાન ગોવિંદસિંહ ને બીજો એન્થોની ગોન્ઝાલ્વીસ. ગોવિંદસિંહ ભારતીય એરફોર્સમાં હતો. એને બે હજાર કિલોમીટરની ગતિએ વિમાન ઉડાડવાનો અનુભવ છે. એન્થોનીના નામ સાથે પર્વતો પરથી સફળતાપૂર્વક ડાઈવિંગના અનેક પરાક્રમો જોડાયેલાં છે.
મેં બહાર જોયું. વાદળી રંગનો પૃથ્વીનો ગોળો વધુ ને વધુ દૂર જઈ રહ્યો છે. પૃથ્વીને હું માનવજંતુઓએ કોતરી ખાધેલા સડેલા સફરજન જેવી કહેતો હતો એવી એ ક્યાં છે? ઊલટું, એનું રૂપ અગણિત તારા નક્ષત્રો અને નિહારિકાઓની વચ્ચે યૌવનમાં પ્રવેશતી ષોડશી જેમ સોળે કળાએ ખીલી ઊઠયું છે. મને ગર્વ થયો. પેલી દેખાય છે તે છે મારી પૃથ્વી. પણ એમાં ક્યાં છે મારો દેશ ભારત? ક્યાં છે મારું શહેર? ક્યાં છે મારું ઘર અને મારી નેહા?
સ્પેસક્રાફ્ટની ગતિ સાથે હું સામાન્ય માનવી વિશ્વમાનવ બની રહ્યો હતો. વિશ્વમાનવને કશું “મારું” ન હોય. મને પૃથ્વી પણ અનેક દેશોની બનેલી નહિ પણ એક અને અખંડ દેખાવા લાગી. માણસે ચીતરેલી સરહદો નદારદ હતી ને એ જ તો સત્ય હતું. એ સત્ય અખિલ બ્રહ્માંડમાં વિલસી રહ્યું હતું. જોતજોતામાં મારી આંખ સામે પૃથ્વી સાવ રજકણ જેવી થઈ ઓગળી ગઈ અદૃશ્યમાં. મને થયું, અપરિમેય એવા અદૃશ્યમાં ઈન્દ્રિયાતીત એવું કેટકેટલું ઓગળેલું હશે? આ જ “નામરૂપ જુજવાં ને અંતે બધું હેમનું હેમ” છે?
કોને ખબર કેમ, પણ એક ક્ષણ માટે મને પૃથ્વી પર પાછા ફરવાની ઈચ્છા થઈ આવી. પણ એ ક્યાં શક્ય હતું? હવે તો આ સ્પેસક્રાફ્ટ જ મારું ઘર હતું. મારા મનને બીજી દિશામાં વાળવા સ્પેસક્રાફ્ટની અંદર જોયું. ગોવિંદસિંહે ચોકલેટ બ્રેડને એક ઉપકરણમાં લઈ પ્રવાહી ઉમેર્યું. ઉપકરણને નીપલ ચડાવી એ ચૂસવા લાગ્યો. મને રમૂજ થઈ. એન્થોની હવામાં તરતો પાર્ટીશનની પેલી તરફ જતો રહ્યો. એનાથી પાણી ઢોળાયું. ટીપાં ખાલીપામાં તરવા લાગ્યાં.
ગોવિંદસિંહે માઈક્રોફોન દ્વારા મને પૂછ્યું: “ચોકલેટબ્રેડ ખાઈશ?”
મેં ના કહી.
અન્થોનીને ઊલટી થઈ જશે એવું લાગ્યા કરતું હતું. નવા વાતાવરણમાં એનું શરીર ગોઠવાઈ શકતું ન હતું. પગનો ઝાઝો ઉપયોગ થઈ શકતો ન હતો. એણે ફરિયાદ કરી કે પગ ચીંથરા જેવા શિથિલ થઈ ગયા છે.
મેં ઘડિયાળમાં જોયું. યાત્રાના કલાકોને સેકન્ડ ફેરવી પ્રકાશની ગતિથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવતી હતી તે વિચારતા માથું ચકરાઈ ગયું. અમે ખૂબ.. ખૂબ.. દૂર નીકળી ગયા હતા. સમય પસાર થયે જતો હતો. પણ પ્રશ્ન થયો: સમય પણ ક્યાં પસાર થતો હોય છે? તો? ભર્તુહરિનું સ્મરણ થઈ આવ્યું. એમણે કહ્યું છે; 'કાલો ન યાતા વયમેવ યાતા’. વાસ્તવમાં, સમય નહિ, પણ આપણે પસાર થઈ રહ્યા હોઈએ છીએ. પ્રકાશની ગતિએ ઊડતું યાન જાણે શૂન્યમાં સ્થિર થઈ ગયું હતું. ગતિ અને સ્થિતિ એક થઈ ગયાં હતાં. ખૂબ ઝડપથી ફરતો ભમરડો સ્થિર જણાય તેમ.
**
અભિયાનની એ વિરલ ક્ષણ આવી પહોંચી.
અમે “મિરેકલ” પર ઉતરાણ કર્યું. એન્થોની સ્પેસક્રાફ્ટમાં જ રહ્યો. મેં અને ગોવિંદસિંહે “મિરેકલ”ની ભૂમિ પર પગ મૂક્યો. રોમાંચથી અમારા રૂંવાડાં ઊભાં થઇ ગયાં. મેં ઊંચું જોયું. કોઈ જગ્યાએ ક્યાંય કશું જ ન હતું. ચોમેર વેરાન હતું. ખાલીપો હતો-ડર લાગે તેવો. છતાંય એકવિધતા તૂટવાનો આનંદ હતો ને અનિર્વચનીય રોમાંચ પણ. થયું, આ બધું કોણે બનાવ્યું હશે? વેરાન અને ખાલીપણામાં પણ ક્યાંક કોઈ છે? કોણ છે એ? મેં માથું ખંખેર્યું ને માટી અને ખડકના નમૂના એકઠા કર્યા. ગોવિંદસિંહે તિરંગો રોપ્યો. પૃથ્વી પર વસતા માનવીની ઉપલબ્ધિ રૂપે અમારાં પગલાંની છાપ અહીં રહી જવાની હતી.
**
સ્પેસક્રાફ્ટ પૃથ્વી તરફ પરત જઈ રહ્યું હતું ત્યારે અચાનક કોઈ કારણસર ઈસરોના વૈજ્ઞાનિકો સાથે સંપર્ક તૂટી ગયો. અમે ફરી સંપર્ક કરવા પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ. આટલું ઓછું હોય તેમ અમારી નજીક એક વિશાળ અવકાશી પદાર્થ આવી ગયો. એના આકર્ષણથી યાનને પ્રચંડ ધક્કો લાગ્યો. ગોવિંદસિંહ કશાક સાથે અથડાયો કે શું થયું એની ખબર ન પડી. એ બેસી ગયો, માથું પકડીને. યાનની દિશા પણ ફરી ગઈ હતી. એન્થોની મારી મદદે આવ્યો. યાનને સાચી દિશામાં લાવવાના પ્રયત્નો અમે ચાલુ રાખ્યા. રહીરહીને આશંકા ડંખ મારવા લાગી: અમે પૃથ્વી પર પાછા ફરી શકીશું?
નિરાશાએ મને મારાથી અલગ કરી દીધો. અંતિમ મુલાકાતમાં નેહા સાથે સંવાદ થયો હતો તેનું સ્મરણ થવા લાગ્યું. હું અંતરિક્ષમાં જાઉં તેને લઈને કદાચ એ ઉત્સુક ન હતી. એ મારી સાથે પરણી ઠરીઠામ થવા ઇચ્છતી હતી. મૃત્યુ નજીક હતું ત્યારે મને એ સાચી લાગવા માંડી. અહીં આ યાનમાં વર્ષો સુધી મુસાફરી કરી મેં શું મેળવ્યું? હવે આ સ્પેસક્રાફ્ટ સાથે હું પણ હવે અનંતમાં ક્યાંક ખોવાઈ જઈશ. ઈસરો માટે આ એક નિષ્ફળ અભિયાન બની રહેશે. લોકો ચા પીતાંપીતાં એ સમાચાર છાપામાં વાંચશે. બધું ભૂલી જવાશે ને છાપું પસ્તી બની જશે. પણ આ બધું અત્યારે વિચારીનેય શું? હું મને છોડી દેવાની ધાર પર આવી ઊભો રહી ગયો. ને તે જ ક્ષણે...
તે જ ક્ષણે ચમત્કાર થયો.
પૃથ્વી સાથે સંપર્ક ફરી સ્થાપિત થયો. સ્પેસક્રાફ્ટે સાચી દિશા શોધી લીધી. બુઝાવા જતી જિજીવિષા ઝળહળી ઊઠી.
છેવટે ચોવીસ વર્ષોના પરિણામને પોતાનામાં સમાવી બેઠેલી એવી એક ગાભણી ક્ષણે અવકાશયાને પૃથ્વી પર સફળ ઉતરાણ કર્યું.
મને લાગ્યું, મારો નવો જન્મ થયો છે.
બે હજાર ચુંમોતેરનું વર્ષ.
ચોવીસ વર્ષ પછી એક સાંજ. હું અને નેહા છેલ્લીવાર મળ્યા હતાં એ જ જગ્યાએ નદીના તટ પર મળ્યાં. અજાણ્યાં બે જણની જેમ અમે પરસ્પરને જોઈ જ રહ્યાં. મને આઘાત લાગ્યો: હું જે નેહાને અહીં મૂકીને ગયો હતો તે ક્યાં? હું ગયો ત્યારે નેહા ત્રેવીસ વર્ષની યુવતી હતી એને હું શોધવા લાગ્યો પણ નિરાશ થયો. નેહા હવે પચાસની નજીક પહોંચી ગઈ છે. એક સમયે સુંદર ઈમારત હતી એના થોડાક કાંગરા કાળની થપાટોએ ખેરવી નાંખ્યા છે. ચહેરા પરની ત્વચા ઢીલી પડી ગઈ છે. આગળના બે દાંત સિરામિકના છે. વાળ રંગ્યા છે, બ્લોન્ડ કલરથી. અવાજ પણ બદલાઈ ગયો છે. પણ હું હજી પચીસ વર્ષનો જ છું, પ્રકાશની ગતિએ સફર કરી હતી એટલે. કાળ મને સ્પર્શી શક્યો નથી.
નેહા તરફથી દૃષ્ટિ હટાવી હું નદી સામે જોઈ રહ્યો.
“શું જુએ છે?” નેહાએ પૂછ્યું.
“નદીને. એ મને જુદી અને અપરિચિત કેમ જણાય છે? શું આ એ જ નદી છે?”
“હા, નદી તો એ જ છે. પણ એમાં ઘણું પાણી વહી ગયું છે. હા, એની તરજ બદલાઈ છે પણ ધ્વનિ એ જ છે.” કહી નેહાએ અચાનક વાતનું વિષયાંતર કર્યું, “હું ભગવાનને રોજ પ્રાર્થના કરતી હતી તે ફળી. તું હેમખેમ પાછો ફર્યો..”
મેં સ્મિત કર્યું ને પૂછ્યું, “પછી તેં લગ્ન કર્યાં?”
“હા, તેં મારી પાસેથી વચન લીધું હતું તે મેં પાળ્યું. પણ લગ્ન પછી થોડા મહિનામાં જ મારા પતિનું આકસ્મિક અવસાન થયું.”
“ઓહ!” થોડી ક્ષણો મૌનની આંગળી પકડી ચાલી ગઈ. મેં પૂછ્યું; “અત્યારે તું શું કરે છે?”
“નોકરી.”
“સંતાન?”
“એક દીકરી છે. વિપાશા.”
નેહા મને એના નિવાસસ્થાને લઈ ગઈ, સૌર ઊર્જાથી આકાશમાં ઊડતી મોટરકારમાં.
ઘરનું દ્વાર ઊઘડ્યું.
મારી સામે એક યુવતી ઊભી છે, સસ્મિત. ક્યારેક નેહા પહેરતી એવી લીલા રંગની સાડી અને સ્પેઘેટી બ્લાઉઝમાં. કોઈએ વશીકરણ કર્યું હોય તેમ હું સ્તબ્ધ. થયું, આ જ તો એ નેહા છે, જેને હું અહીં મૂકીને ગયો હતો. એ જ રૂપ, એ જ ચિરપરિચિત સ્મિત, એ જ અવાજ અને એ જ...
“આ વિપાશા..” નેહાએ કહ્યું; “ને વિપુ, આ છે પરીક્ષિત..”
“વિપાશા મને ઓળખે છે?”
“હા, તને પ્રત્યક્ષ મળવું બાકી જ હતું. તારા વિશે મેં એને ઘણું કહ્યું છે. વિડિયોઝમાં એણે તને ખૂબ જોયો છે.. તારો અવાજ સાંભળ્યો છે...”
વિપાશા કિચનમાં ગઈ, મને પ્રિય એવી એક્સપ્રેસો કોફી બનાવવા. નેહાએ કહ્યું: “મારી તને એક વિનંતિ છે.”
હું એની સામે જોઈ રહ્યો, પ્રશ્નભરી નજરે.
એણે કહ્યું: “તું વિપાશાને પરણીશ?”
હું કશું બોલી ન શક્યો.
નેહા પાસેથી મેં વચન લીધું હતું. એ મારી રાહ નહિ જુએ ને પરણી જશે. પણ એણે મારું વચન પાળીને પણ મારી રાહ જોઈ હતી. નેહાએ મારો હાથ એની હથેળીમાં લીધો, મેં વર્ષો પહેલાં વચન માંગતી વખતે એનો હાથ મારા હાથમાં લીધો હતો તેમ. મને લાગ્યું, જરૂર કૈંક એવું છે જે બુદ્ધિની પહોંચ બહાર છે. ભલે નામરૂપ જુજવાં હોય, પણ અંતે તો હેમનું હેમ જ હોય છે. પછી એને નેહા કહો કે વિપાશા કહો.
સ્રોત
- પુસ્તક : લેખક તરફથી મળેલ કૃતિ
