મોહન પરમાર
Mohan Parmar
આંખે અંધારાં આવવા જેવું થયું, તોય એ તો અજેય યોદ્ધાની જેમ બેઠો રહ્યો. એની છોકરી રમા શોરબકોર કરીને બૉબિન ભરતી રાધાને હેરાન કરતી હતી. રાધા બરાબરની કંટાળી હતી. એણે રમા સામે હાથ લાંબો કરીને ધ્યાન ખેંચ્યું છતાં કાંતિ એક જ મુખમુદ્રામાં બેઠો રહ્યો. એણે ફળ ભર્યું, ને પછી વણવાનું શરૂ કર્યું. વણતાં વણતાં રાચમાં એક તાર ભરાયો, ને કાંઠલો ઊછળ્યો. સીધો જ દીવાલે ભટકાયો. માટીની દીવાલમાં ખાસ્સો એવો ગોબો પડ્યો. ‘હત્ તારી...’ બબડીને ટુવાલ કમર પર લપેટીને એ ઊભો થયો. રાધા એકદમ દોડી આવી. કાંતિ સામે જોતાં બોલી :
‘આજ આમ કેમ થાય છે ?’
‘બસ, હવે એવું જ થવાનું' – કહીને કાંતિ મૌન રહ્યા.
કાંઠલો લઈને પાછો સાળમાં ગોઠવાયો. તૂટેલા તારને વેજા પર મૂકીને એણે વણવા માંડ્યું. જે જગ્યાએ તાર તૂટેલો હતો, ત્યાં ચીરું દેખાતું હતું. ઊંચાનીચા થતાં રાચ અને કાપડ પર ઠોકાતી ફણી કાંતિને અત્યારે અળખામણાં લાગી રહ્યાં હતાં. એનો એક પગ જોરદાર રીતે પાવડી પર ઠોકાયો. ફટાક કરતી રાચને બાંધેલી દોરી તૂટી ગઈ. રાચ વેજા પર લબડી પડ્યાં. એક હાથ હાથા પરથી છટકી ગયો. બીજા હાથે પકડેલી ગિલોલી પર હાથનાં આંગળાંની છાપ ઊપસી આવી. ઘડીભર તો એણે લમણે હાથ મૂકી દીધા. અમદાવાદ સાંભરતું હતું. પોતે સાળ સાથે નહિ ગોઠવાઈ શકે તેવું એને લાગ્યું. એણે ઊંચે નજર કરી. ઘરની વળીઓ નીચે લબડતી હતી. બાકોરાંમાંથી આવતો પ્રકાશ પણ કાંતિને લટકી રહેલો લાગ્યો. ભોંય પર ઠેર ઠેર પડેલાં જાળીબારાં જોઈને ક્રાંતિને પોતાનું બાળપણ યાદ આવ્યું. નાનપણમાં જાળીબારાંમાંથી આકાશની દરેક રીતરસમ એણે નીરખી હતી. સૂર્યની આડે આવતાં અને પછી સડસડાટ પસાર થતાં વાદળાં એણે આ જાળીબારાંમાં દીઠાં હતાં. જે જગ્યાએ કાંઠલો ભટકાયો તે દીવાલ પર તો કાંતિએ જાળીબારાં સામે અરીસો ધરીને ઘણી વાર પ્રકાશ પાડેલો. આ બધું યાદ આવતાં એને બાળક થઈ જવાનું મન થયું. ત્યાંથી નજર ખસેડીને વેજા તરફ જોયું. સરૈયો ખરક પર ત્રાંસી ગોઠવાઈ ગઈ હતી. રોષમાં ને રોષમાં એણે સરૈયોને આઘી હડસેલી. ફટાક કરતાં બે–ત્રણ તાર તૂટી ગયા. બખાળો કરતી રમાને એણે હાક મારી. રમા કાંતિના હાકોટાથી ડરી ગઈ.
કાંતિ સાળમાંથી ઊભો થયો. પાણિયારા પાસે જઈને એણે પ્યાલામાં પાણી લીધું. ઘડીભર પાણીને તાકી રહ્યો. અમદાવાદ સાંભરી આવ્યું. રેંટિયા પર રાધા બેઠી હતી. ત્રાગ પર બૉબિન ઘાલવા મથતી રાધાની પીઠ જોરદાર રીતે ઊપસી આવી હતી. ભમ્મર ભમ્મર થતી માળ સામે નજર પડી, ને પછી રાધાની પીઠ પર ખોડંગાઈ ગઈ. એના મોંમાંથી નિસાસો સરી પડ્યો. ‘બિચ્ચારી, બહુ ફિસ્સી પડી ગઈ છે.' એવું બબડીને એણે વેજા તરફ જોયું. વેજા પર રાચ નમી પડ્યાં હતાં. એ મનોમન ખિજાયો. ત્વરિત ગતિએ બહાર નીકળ્યો. રાધાને હેરાન કરતી રમાની પીઠમાં એણે જોરદાર ધબ્બો લગાવ્યો. રાધા શિયાવિયા થઈ ગઈ. રમા તડતડાટી બોલાવતી ભાગીને લીમડા નીચે ઊભી રહી. પછી જોરદાર ભેંકડો તાણ્યો. કાંતિએ ઘૂરી કરી :
‘બંધ થઈ જા, તારી...’
‘શું બોલો છો ? તમને તે કાંઈ ભાન છે કે નહિ ? મનમાં ને મનમાં ગૂંચવાયા કરો છો. રુદિયું ખોલો તો કાંક ખબર પડે.'
‘ડાહી થયા વિના તું તારું કામ કર.' કહીને કાંતિએ ચંપલ પહેર્યાં. રમા તરફ આંખ કાઢીને એ ચાલવા લાગ્યો.
‘પણ સાંભળો તો ખરા !'
‘હું આવું છું. રાચની દોરી તૂટી ગઈ છે. તું વણી રાખજે.'
ફળિયામાં કૂતરાં ભસતાં હતાં. એક મદારી મોરલી વગાડતો વગાડતો લીમડા નીચે આવીને બેઠો. રમા મદારીનો ખેલ જોવામાં પરોવાઈ ગઈ. કાંતિ થોડી વાર ઊભો રહી ગયો. લીમડા નીચે છોકરાં ભેગાં થઈ ગયાં. મદારીએ ખેલ શરૂ કર્યો. એક અવળચંડો છોકરો હાથમાં ઈંટાળો લઈને મદારીને મારવા તાકીને ઊભો હતો. કાંતિએ એની સામે જોયું. કાંતિને જોઈને એણે ઈંટાળો ફેંકી દીધો. કાંતિ ખુશમિજાજમાં હોત તો જરૂર હસી પડ્યો હોત. એ ચાલ્યો. પુરીમાનું ઘર આવ્યું. એના પગ અટકી ગયા. પુરીમા ઓસરીમાં બેઠાં બેઠાં દલાના છોકરાને હીંચકો નાખીને હાલાં ગાતાં હતાં. ઘોડિયામાં ઊંઆં ઊંઆ થઈ રહ્યું હતું.
‘બળ્યું આ છોકરું તો ઊંઘતુંય નથી. મારા તો હાથેય દુશી જ્યા.' પુરીમાએ ઘોડિયામાંથી છોકરાને લઈને કેડમાં ઘાલ્યો. વળી કાંતિને જોઈને પાછો ઘોડિયામાં નાંખતાં બોલ્યાં :
‘આય ભૈ, આય. અલ્યા દલિયા ! તારો ભૈબંધ આયો.’
દલો ઘરમાં ‘વેલેરા આવજો નકળંગ' વાળું ભજન ગાતો ગાતો વણતો હતો.
‘હવે ઊભો થા નકળંગવાળા !' – કહીને કાંતિએ સૂતરની ગાંસડી પર જમાવ્યું.
‘ચ્યમ ફરવા નેહળી જ્યો ?'
‘વણવામાં દિલ ચોંટતું નથી. સૂતરમાંય સાલી હવે તો ભેળસેળ થઈ ગઈ છે. દોરીઓ પણ તૂટી જાય છે.'
‘તે જોર ઓછું કરીએ.'
દલાએ કાંતિની સામે જોઈને હસી લીધું.
‘મા, જરા દેતવા હળગાવજે.'
‘ચ્યાં જઈ તારી વઉ ? વાતવાતમાં માનું તો લોઈ પીજ્યો.'
‘એ તો અઘવા જઈ છ.’
‘ઈનઅ આવવા દે. તારો હણીજો ઊંઘતોય નથી. અમણાં આંયથી ઊઠી નથી કઅ રાડો પાડવા માંડશે. ભગવાંન હવઅ તો આ જંજાળમાંથી છોડ !'
‘તે મરી જા ને !'
‘મું મરી જઈશ, પછઅ તારી રેવડી લૂંટાશે.’ – કહીને પુરીમા ઊઠ્યાં. ચૂલાગરમાં પેઠાં. દેતવા સળગાવ્યો. ચાનો ઉકાળો મૂકીને પાછાં ઘોડિયા પાસે આવીને બેઠાં ને હાલાં ગાવા મંડી પડ્યાં. દલાએ કાંતિને બીડી આપતાં કહ્યું :
‘ચાર પાવડીના રૂમાલ તો ફાવઅ છ નઅ ! હું જો આ ચાદરો ઝીંક્યે રાખું છું.’
‘હવે વણવામાં દિલ ચોંટતું નથી. મન તો મિલમાં ભમે છે.'
‘ગાંડા ! પારકા પર આધાર રાશીનઅ બેહી રે'વું, ઈના કરતાં આ કાંઈ ખોટું છઅ ?'
કાંતિએ બીડીનો કશ ખેચ્યોં. બહાર ડબલું ખખડવાનો અવાજ થતાં એણે બહાર નજર ફેંકી. દલાની વહુ બેની સંડાસનું ડબલું કુંભી પર ભરાવતી હતી. એને જોઈને કાંતિ બોલ્યો : 'લ્યો, આવી ગયા.'
બેની ઘરમાં આવી, કાંતિ સામે આંખનો ઉલાળો કરતાં બોલી :
‘કાંમ કરતાં બહુ જોર આવઅ છ એટલે ઈની દાઝ છોકરાં પર કાઢવાની, નઈ ! બચારી રાધા મારી આગળ ચેટલું બધું રોઈ.'
‘તે રોવા દે ને ! એક તો મનનાં ઠેકાણાં ન હોય, ને ઉપરથી ઘરમાં બખાળો કરે છે.’
મદારીનો હાકોટો સંભળાયો. જાણે કોઈ મોટો જાદુ બતાવતો હોય તેવું લાગતું હતું. કાંતિ બેની સામે જોઈને હસવા લાગ્યો.
બેની એના ચાળા પાડતાં બોલી : ‘અમદાવાદ જેવું તો ચ્યાંથી ફાવઅ? ફૂલફટાસીયા થઈનઅ ફરતા'તા. આંય તો જાત તોડવાની છ. દોરીયે તૂટી જાય, નઅ તારેય તૂટી જાય. બધું હાથે જ કરવું પડઅ. ઈમ હિંમત હારી જ્યાં ત। કમાઇ ર્યા.'
મિલ બંધ થઈ તે વખતની વેળા કાંતિને યાદ આવી ગઈ. મિલ બંધ થઈ ત્યારે મનમાં હતું કે બે—ચાર દિવસ પછી પાછી ચાલુ થઈ જશે. પંદર દિવસ નીકળી ગયા. છતાં મિલ ચાલુ થવાનાં ઠેકાણાં હતાં નહિ. મિલમાં એ દરરોજ ધક્કા ખાતો હતો પણ વીલે મોઢે પાછા ફરવું પડતું હતું. મહિનો—બે મહિના એણે ધીરજથી અમદાવાદમાં કાઢી નાંખ્યા. એની સાથે કામ કરતા ઘણા બધા ઘરવખરી લઈને પોતાનાં વતન ભણી વિદાય થયા હતા. રાધાને એણે ગામડે જવાની વાત કરી ત્યારે એ માત્ર એટલું જ બોલી હતી : ‘જેવી તમારી મરજી,’ એ રાધાને લઈને ગામડે આવ્યો ત્યારે વાસનાં બધાં તેની સામે તાકી રહ્યાં હતાં. કાંતિ માટે એ પળા વસમી હતી. વારતહેવારે એ ઘેર આવતો ત્યારે વટ પડતો. બધાં એનાં ઇસ્રીબંધ કપડાં અને મોં પરના રુઆબને જોઈને આભાં બની જતાં. રાધાની શહેરી ભાષા અને અંગ પરનાં આભૂષણ જોઈને વાસનાં બૈરાં એની પાછળ પાછળ ફરતાં. પણ મિલ બંધ થયા પછી ઘેર આવ્યાં ત્યારે બધાં અચરજથી એમની સામે જોઈ રહેલાં. કાંતિ ઘરમાં ગયો હતો. ખૂણામાં બેસીને રડી પડેલો. બહાર નીકળ્યો ત્યારે ભરઊંઘમાંથી જાગ્યો હોય તેમ સાવ ગમગીન બની ગયેલો. તે વખતે દલાએ એને સાંત્વન આપેલું : ‘હું છું પછ તું હેની ચિંત્યા કરઅ છ! તનઅ વણતાં તો આવડઅ છઅ. હું તનઅ બધી જ મદદ કરીશ.’
દલાના સાંત્વનથી કાંતિને હામ આવી ગઈ હતી. એણે ઘરમાં સાળ લાવી દીધી. વણવાનું શરૂ કર્યું. વણાટકામ કરવાનું આમ તો એને રુચ્યું પણ ખરું. અત્યાર સુધી એણે કોઈનો એક શબ્દ પણ વેઠ્યો નહોતો. અહીં પોતે સ્વતંત્ર હતો. કોઈને ત્યાં મજૂરી કરવા જવાનું નહોતું કે કોઈની ગુલામગીરી પણ કરવાની નહોતી. એણે સ્નેહનીતરતી આંખે દલા સામે જોયું. દલો બીડીનો ધુમાડો હવામાં કાઢીને કશાક વિચારમાં પડ્યો હતો. એકાએક સાળમાંથી ઊભો થયો. ખીંટીએ ભરાવેલ પહેરણમાંથી કશુંક શોધવા લાગ્યો. કાગળિયાં કાઢીને અવળસવળ કરતો હતો, ત્યાં કાંતિ બોલ્યો :
‘શું શોધે છે ?’
‘કશું નહિ.’
‘ખાનગી લાગે છે.'
‘અમારઅ વળી ખાનગી શું હોય !'
‘તો બોલી નાખને...’
‘એ તો સૂતરનું બિલ શોધતો હતો. આ વખતઅ ઘટ વધારઅ પડશે, ચાદરો મૂંઘી આલવી પડશે.'
‘હવે એ બધી ચિંતા છોડીને બેસ !’
કાંતિએ દલાનો હાથ પકડીને પડીકા પર બેસાડ્યો. બેની ચા લઈને આવી. કીટલી અને રકાબીઓ મૂકીને એ ચૂલાગરમાં પેઠી. દલાએ કાંતિને ચા આપી. બંને ચા પીતા હતા ત્યાં જેઠાડોસાનો નટલો આવ્યો.
‘આય નટું, લે ચા પી.’
‘મારઅ ઉતાવળ છ, તમે બેય હેંડો ! મારી બુનનું આંણું તેડવા મૈમાંન આયા છે.'
‘કુણ રેવનદા આયા છ ? હેંડો આઈયે છીએ. પણ તું ચા તો પી.' – કહીને દલાએ નટલાને ચા આપી. નટલો ચા પીઈને ગયો ને થોડીવાર પછી એ બંને જણ ઊઠ્યા, જેઠાડોસાના ઘરની ઓસરીમાં બધા બેઠા હતા. મહેમાન હોકો ગગડાવતા હતા. કાંતિ અને દલાએ રામ રામ કર્યા, રેવનદાએ દલાને કહ્યું :
‘પછઅ દલા તમે તો અમારા ગાંમ બાજુ ઢૂંકતાય નથી.'
‘આ વણવામાં ઊંચા આઈયઅ તો નઅ... તમારઅ મારા ભૈ ઠીક છઅ. ઘરની જમીન છઅ એટલે ગમે તાણઅ ગોમીતરું કરવા નેહરી પડો', કહીને દલો હસી પડ્યો. બધાની વચ્ચે બંને બેઠા.
લીમડામાંથી ચળાઈને આવતો પ્રકાશ આંગણામાં પડતો હતો. એક કૂતરું ઊંઘમાંથી ઊઠીને દોડી ગયું, ને પાછું આવી લીમડા નીચે બેઠું.
જેઠાડોસાએ બધાને બીડીઓ આપી ને નટલાને કહ્યું : ‘અલ્યા, મોતીરામ અનઅ તળશી ચ્યમ ના આયા ?'
‘તળશીકાકો વેચવા જ્યા છઅ. અનઅ મોતીરામ ઓઘળુ હોચ કરતા'તા ત્યાં કરસન દેહઈની ગાય દોડતી આયી, નઅ ઓઘળુ અળંગવળંગ કરી દીધું છઅ. અવાય તો આવું છું ઈમ કીધું છઅ.’
‘હારૂ.’
ચા પી રહ્યા પછી કાંતિને ઊઠવાનું મન થયું. એણે દલા સામે જોયું પણ દલો તો વાતોમાં મશગૂલ હતો. આજે કશું જ કામ ન થયું, એનો કાંતિના મનમાં ખટકો ઊપડ્યો હતો. રાધાએ દોરી વણી લીધી હશે. આજ તો કાંઈ ખાસ કામ થયું નથી. ક્યારે અહીંથી ઊઠું ને વણવા માંડું એવી એને ચટપટી જાગી. પટ્ટીઓવાળા ટુવાલને કંદોરામાં બરાબર ભેરવીને એ ઊભો થવા જતો હતો ત્યાં દલો બોલ્યો : ‘બેસનઅ હવઅ !’
કાંતિ બેઠો.
રેવનદાએ હોકાની નળી બે હોઠો વચ્ચે દબાવીને હોકાનો કશ ખેંચ્યો. થોડો ધુમાડો મોંમાં મમળાવીને રેવનદા બોલ્યા : ‘પછઅ પેલો ઝગડો પતી જ્યો હરિદા !'
‘ચીયો ?'
‘આ પેલા ગોવા સોમપરાની છોડીવાળો.'
‘અરઅ ભૈશાબ, એ વાત જ મેલો નઅ. ઇમાં તો આખું પરગણું રફેદફે થઈ જયું.'
‘આંમ તો કાળાના છોકરાનો જ વાંક હતો નઅ !'
‘હતો તો કાળાના છોકરાનો વાંક; પણ છોકરું તો હવઅ ઢીલું પડી જ્યું છઅ, છોડીનય લ્યો મોકલો તો હાલ તેડી જવા તૈયાર છ.’ ઈશાએ ટાપસી પૂરી.
‘પણ હવઅ ઇમ છોડીનઅ મોકલાય જ નહિ, છોકરો નાહતો ફરતો'તો એ હાચું કઅ ખોટું ?'
‘હાચું હાંચું'. થોડા દા'ડા તો કોકનઅ લઈનઅ સુરતમાં બે મહિના રયો, એવું હાંભળ્યું'તું. પણ હવઅ તો લાઈનમાં આયી જ્યો છ. આ છવીવાળાં મારાં બેટાં નેચું પડવા દેતાં નથી.’
છવીસનું નામ આવ્યું એટલે કાંતિના હૃદયમાં ઊભરો આવ્યો. એ પોતાની જાતને રોકી ન શક્યો. એ બોલ્યો :
‘આ છવીસ અને ચુંવાલીસમાંથી હવે તો કાંઈક માર્ગ કાઢો.'
‘તનઅ ખબર ના પડઅ. અલ્યા, પરગણું એટલે શું એ તારા બાપગોતરમાંય ખબર છ તનઅ ! હારી હારી વાતો થતી હોય ઇમાં આ મારાં બેટાં છોકરાંય વચ્ચે ટપકી પડતાં શરમાતાં નથી.' કાંતિને ખીજવવા નરસીકાકાએ મજાક કરી.
‘જો આ નરસીઓ પાછો ઠેંહરે ચડ્યો !' જેઠાડોસાએ કહ્યું.
કાંતિ કાંઈ બોલવા જતો હતો ત્યાં દલાએ એનો હાથ ખેંચીને શાંત રાખ્યો. કાંતિને પંચ વિષે ઘણું બધું બોલવું હતું : ‘પરગણાના બે ભાગ પડી ગયા છે. છૂટક છૂટક ભેગા થઈને પણ કશો ફોડ પાડતા નથી. આગેવાનો બંધારણનો ભંગ કરે તે ચાલે. સામાન્ય માણસ ભંગ કરે તો વાતનું વતેસર થાય. તાકાત હોય તો પરગણું એક કેમ કરતા નથી ? શા માટે બધા એકબીજાના મોં સામે તાકીને બેસી રહ્યા છે ? કોઈમાં પાણી જ નથી ને ! છેલ્લાં છ વર્ષથી તમારા જેવા પાઘડીવાળાઓએ ગૂંચવણો ઊભી કરીને પરગણાનું ઠેકાણું પડવા દીધું નથી. અમારા જેવા જુવાનિયાને સોંપી દો. હાલ પરગણું કેવું એક થઈ જાય છે ! અમે અમદાવાદમાં તો હળીમળીને રહીએ છીએ. છવીસમાં કોઈ મરી ગયું હોય તોય અમે તો સ્મશાને જતાં અચકાતાં નથી. અહીં ગામડાંઓમાં તો આ લોકોએ પરગણાના બીજા ભાગમાં લેવાદેવાની પણ બંધ કરી છે. સારા-નરસા કામે પણ જવા-આવવાનું બંધ કર્યું છે. આમ કરવાથી તો આ તો અંટસ વધી. એક થતું હોય તોય ના થાય. અમારા જેવા જુવાનિયાઓના મનમાં તો કશું નથી. સીંતેર ગામનું પરગણું છે. ચુંવાલીસ ગામ એક બાજુ અને છવીસ ગામ એક બાજું. બિચારાં બૈરાંને પણ કેટલી બધી તકલીફ પડે છે ! આ દલાની વહુ બેનીના પિયરમાં એના કાકાનો છોકરો મરી ગયો. એ છવીસમાં હતા, તે કોઈ રોવાય જઈ ના શક્યું. શું ધાર્યું છે, આ પાઘડીઓવાળા આગેવાનોએ ! શીરો ખાઈ ખાઈને તાજામાજા થઈને ફરે છે. કશો ભલીવાર પાડતા નથી. ઉપરથી આડુંઅવળું બોલીને બંને ભાગોમાં તંગ વાતાવરણ ઊભું કરે છે. શું કહેવું ? કોને કહેવું ?' કાંતિ આ બધું મનમાં બોલી ગયો. હાકોટો મારીને જાહેરમાં કહી દેવાનું એને મન થયું પણ કશું બોલ્યો નહિ. હોકો ફરતો ફરતો મહેમાન પાસે આવ્યો એટલે મહેમાને હોકાનો ગડુડાટ બોલાવતાં ઝીણી આંખો કરીને કહ્યું :
‘આ હમણાં બોલ્યા એ કુના દીકરા ?’
‘ના ઓળશ્યા ! વરૂડોહાના છઅ.’
‘ઓળશ્યા, ઓળશ્યા. પેલા ચીયા ગાંમમાં પછેડીઓ વેચવા જ્યા'તા, નઅ પછઅ પટેલિયા પાંહે નરસીના ટાંટિયા ભગાયા'તા. એ જ વરૂડોહો નઅ ?'
‘હા, એ જ.’ હરિકાકા હસ્યા.
‘એ વળી શું ?' દલો બોલ્યો.
‘અરઅ, હાંભળવા જેવું છઅ, જેઠા કે ન તું !' હરિકાકા બોલ્યા.
‘ના, તું કે હિર !’
‘ઇમાં એવું હતું કઅ વરૂ અનઅ નરસી એક ગામમાં વેચવા જ્યા. જુદા જુદા વાહમાં પેઠા. વરૂએ એક પટલોણીનઅ પછેડીઓ બતાઈ. પટલોણીનઅ ગમી ગઈ. વરૂ કે તમનઅ જ પેરાવા લાયો છું. કહીનઅ એ તો પટલોણીના ઠેંહરે ચઢ્યા. પટલોણી ખિજોણી, વરૂ તો નાઠા. ત્યાં નરસીએ ‘પછેડીઓ લ્યો'ની બૂમ મારી, ને એ જ વાહમાં પેઠા. એવો જ પટેલે તો હણહણતો ધોકો નાંશ્યો, ને સીધો નરસીના પગોમાં...’
બધા ખડખડાટ હસી પડ્યા. કાંતિ પણ પેટ પકડીને હસી પડ્યો. રેવનદાએ નરસીડોસાને હોકો આપતાં કહ્યું :
‘નરસી પછઅ તમે ચોખવટ નો કરી ?’
‘ચોખવટ કરવા જઉં તો બીજો ધોકો પડઅ.' – કહીને ડાકલી પહોળી કરી એ હસી પડ્યા. પછી બોલ્યા : ‘એ વખતની વાત જ જુદી હતી. વરૂ તો બહુ ફારસ કરતા. એક ગાંમમાં બે મિયાં બેઠા બેઠા એક રૂપિયો જોયા કરઅ નઅ ગડભાંજ કર્યા કરઅ : ‘આ કયા રાજાનો સિક્કો છઅ.' અમે બેય ત્યાં જ્યા ત્યારે એક મિયાં કહે, ‘મહેતર! જુઓનઅ આ સિક્કો કયા રાજાના વખતનો છઅ.' વરૂ તો હાથમાં સિક્કો લઈને અવળ-હવળ ફેરવતાં બોલ્યા : આ તો દિલ્લીમાં પેલો બે દા'ડા માટઅ બાદશાહ થઈ જ્યોનઅ ઇનો સિક્કો છ. નાંમની ખબર છએ ?'
મિયાં બોલ્યા : ‘ના.’
‘એ બાદશાહનું નાંમ વરૂ બાદશાહ હતું !'
બધા પાછા ખડખડાટ હસી પડ્યા.
આગળપાછળની વાતો ચાલુ હતી ત્યાં વાસમાં કૂતરાં ભસવા લાગ્યાં. લીમડા નીચે સૂતેલું કૂતરું ઊંઘમાંથી ઊઠીને આડેધડ ભસવા લાગ્યું ને દોડીને બીજાં કૂતરાં ભસતાં હતાં એમાં ભળી ગયું. બધાની નજર ત્યાં ગઈ. મંગળદાસ મુખી હાથમાં લાકડી લઈને આવી રહ્યા હતા. બધાને અહીં બેઠેલા જોઈને મુખી આ બાજુ વળ્યા. મુખીને જોઈને જેઠા ડોસા ઘરમાંથી ખુરશી લઈને આવ્યા. મુખી બેસતાં બેસતાં બોલ્યા : ‘લ્યો, હારું ક્યું કઅ કાંતિયે આંયી છઅ. મારઅ તારું જ કાંમ હતું.'
‘શું કામ છે ?’ કાંતિ બોલ્યો. દલો મંગળદાસના મોં સામે જોઈ રહ્યો. મુખીને એવું તો કાંતિનું શું કામ પડ્યું હશે કે આંય લગણ આવવું પડ્યું ! દલો વિચારમાં પડી ગયો.
‘ભઈ કાંતિ ! જો મેં રોડનો કંટરાટ રાશ્યો છ. સોમો હતો ત્યાં હુંધી તો મનઅ કાંઈ ચિંત્યા નો'તી. અમારા પટેલોમાં બધા નોકરીએ જતા રયા. ભણેલો મારી પાહે ના રયો, મનઅ થ્યું કઅ બા’ર ગાંમનો કોઈ માણહ લાવું, એના કરતાં આ કાંતિ શું ખોટો ? ભણેલો તો ખરો ! અનઅ પાછો અમદાદ રયેલો એટલઅ બધું જાંણઅ. મોટી વાત તો એ છ ભૈ ! બીજા કરતાં તારા પર મનઅ વિસવા વધારે છઅ. અત્યારે વાઢવા-લણવાનું પણ ચાલું થ્યું છ એટલઅ મનઅ થ્યું કઅ આ કાંમ કાંતિનઅ સોંપું તો મારઅ કાંઈ ફિકર નંઈ !'
‘એ વાત હાચી. કાંતિ પાસો બીજા જેવો રેઢિયાળ નહિ, કાંમ કરી જાંણઅ.' દલો બોલી પડ્યો.
કાંતિને વણવામાં ફાવતું નહોતું તે દલો સારી પેઠે જાણતો હતો. આવું કામ કાંતિને હાલ પૂરતું મળે તો એનો જીવ હેઠો બેસે. મંગળદાસ મુખી દલાને દેવતા જેવો લાગ્યો. મુખીની વાત સાંભળીને કાંતિના દિલમાં પણ હરખ મહાતો નહોતો. આજે વણતાં વણતાં રાચની દોરી તૂટી ગઈ ત્યારે આ કામ પડતું મૂકવાનું એને મન થયેલું. ભગવાને મંગળદાસને મોકલ્યા તે સારું કર્યું. પરંતુ મુખીને ગરજ તો બતાવવી જ નથી. મુખી પોતાની ગરજે કામ પર રાખે છે, તેવું વાતાવરણ ઊભું કરવા એ મૂંગો રહ્યો.
‘બોલ ભૈ કાંતિ ! તુ આવીશ ?'
‘આવું તો ખરો, પણ મને પાલવવું તો જોઈએ ને !'
‘તારે એટલું જોવાનું કઅ મનઅ ફાયદો થાય છ કઅ નંઈ. મનઅ તારા પર વિસવા છ એટલે તો હેંડ્યો હેંડ્યો આંય આયો. તું આય રે'વા આયો તાણનું મનમાં હતું કઅ તનઅ કાંક કાંમ આલું. ભગવાંનની દયાથી કંટરાટ મંજૂર થઈ જ્યો, તે વળી તારોય મેળ પડી જ્યો, તું કાલ હવારે વેલો આઈ જજે હાં, ભૂલતો નહિ !'
‘એ સાચું મંગળદા ! આપણે સાથે ભણતા હતા ત્યારના મારા મિજાજને તો જાણો છો ને ! હું ખોટું સહન નહિ કરું.'
‘હારૂ ભૈ હારૂ !' કહીને મંગળદાસ હસ્યા. પછી બોલ્યા :
‘કાલ તું મારા ખેતરે આવજે. હું તનઅ બધું હમજાવી દઈશ, તનઅ વણવામાં જે રોજ મળઅ છ, તેના કરતાં વધારે આલીશ. ખાવાપીવાનું મારા ઘરનું, બસ...’
‘સારું આવીશ.’
‘લ્યે તાણઅ હું જઉં, પાછું સરપંચના ઘેર જવું છ.’ કહીને મુખી ઊભા થવા ગયા ત્યાં જેઠાડોસા બોલ્યા :
‘ચા મૂકી છ. પીનઅ જાઓ.’
‘ના કાકા, ના, હું ચા પીનઅ જ નેહર્યો છું.’ કહીને મુખી ઊભા થઈને ચાલવા લાગ્યા. કાંતિ હસવા લાગ્યો. મુખી પાછું જોયા વિના વાસ ઓળંગી ગયા. દલો બોલ્યો :
‘જોયુંનઅ રેવનદા ! અમારા મંગળદા મુખી ચેવા દયાળુ છ ! છઅ કાંય અભિમાંન ! કાંતિનઅ કાંમનું કઈ જ્યાનઅ...'
‘કેવું પડઅ હોં ! અમારઅ ત્યાં તો દરબારો અમારા ઘેરેય આવતા નથી. ઉપરથી ગાંમમાં નેહળ્યા હોય તોય કેય કઅ જોનઅ મારાં હાળાં ફાટી જ્યાં છ, તે બાલેટન જેવાં થઇનઅ ફર છ.'
‘ભઈ, આ મુખીના લીધે તો ગાંમમાં શાંતિ છ. આ અનોમત આંદોલન ચાલઅ છ નઅ, પણ આંય અમારઅ શાંતિ. મુખી જાતે કઈ જ્યા; કોઈ ગભરાશો નંઈ. આપણઅ લડીનઅ શું વેચી લેવું છે. આ દિયોર પરધોન બનવા માટઅ આગેવાનો લડાઈ મારઅ છ.’
‘તો તમારઅ હારું લ્યો !'
જેઠાડોસા ચા લઈને આવ્યા. ચા પી રહ્યા પછી દલો અને કાંતિ ઊઠ્યા. રસ્તામાં કાંતિની પીઠ પર ધબ્બો મારીને દલાએ કહ્યું :
‘લે તારઅ હારું થઈ જ્યું. દોરી તૂટી જવાની તો ચિંતા મટી.’
‘ખરી વાત કહું, હું વણવામાં કંટાળ્યો હતો. મને જેવું કામ ગમતું હતું તેવું મળ્યું. ઓછામાં ઓછા છ મહિના તો કામ ચાલશે. ને ભગવાન કરશે તો સરકાર મિલો પોતાના હસ્તક લઈને ચાલુ કરવાનું વિચારી રહી છે. કદાચ તેટલા સમયમાં મિલ ચાલુ થાય પણ ખરી.’
કાંતિએ ઘરે આવીને રાધાને વાત કરી. રાધા આનંદમાં આવીને બોલી પડી : ‘સારું થયું. તમે કંટાળતા હતા, તે જોઈને મારું તો શેર શેર લોહી બળી જતું હતું.'
‘તેં દોરી વણી ?'
‘હા.’
લાય ત્યારે બાંધી દઉં, ટાઈમ મળે તો એટલું આજ ઉતારી દઉં.’
કાંતિ દોરીઓ લઈને ઘરમાં ગયો. રાચ વેજા પર હજુયે લબડી રહ્યાં હતાં. કાંતિએ રાચને ઊંચાં કરીને વ્યવસ્થિત કર્યાં. ગરગડી પર ગોઠવીને માપ લીધું.
કાંતિ દોરી બાંધીને નવરો થયો. રાધા બૉબીન ભરીને પરવારી હતી. કાંતિ સાળમાં બેસવાનું વિચારતો હતો. એ સાળ બાજુ વળ્યોય ખરો, પણ રાધા આવીને બોલી :
‘હું બેસું ?’
‘ફાવશે તને ?’
‘શિખવાડો.’
‘અને નહિ આવડે તો ?’
‘બધાં ક્યાં શીખીને આવ્યાં હતાં ?’
‘લે, બેસ ત્યારે.’
રાધા સાળમાં બેઠી, રમા આશ્ચર્યભર્યું હસીને રાધાની પાછળ બારી હતી તેમાં ગોઠવાઈ. કાંતિ બાજુમાં બેસીને બોલ્યો : ‘બે પાવડીવાળા રૂમાલ તો તું વણી શકીશ, પણ આમાં તો તારે ધ્યાન રાખવું પડશે. જો ડાબો પગ પહેલી પાવડી પર રાખ ને જમણો પગ ત્રીજી પાવડી પર રાખ. પહેલી પાવડી દબાવીને કાંઠલો નાંખવાનો; પછી ત્રીજી પાવડી દબાવવાની. વળી કાંઠલો નાંખવાનો. પછી તરત જ ડાબો પગ બીજી પાવડી પર લઈ જવાનો, ને જમણો પગ ચોથી પાડી પર લઈ જવાનો. બીજી દબાવીને કાંઠલો નાંખ્યા પછી ચોથી પાવડી દબાવવાની, પછી પહેલી અને ત્રીજી, બીજી અને ચોથી. એમ વારાફરતી દબાવ્યા કરવાની. ફાવશે તને...’
‘આ તો અઘરું છે. પણ હું પ્રયત્ન કરું છું.’
રાધા પ્રયત્ન કરવા લાગી. ક્યારેક પહેલી પછી ચોથી દબાવતી તો ક્યારેક બીજી પછી ત્રીજી દબાવતી. આમ થોડી ક્ષણો ચાલ્યું.
‘આ તો ડિઝાઇન જ બદલાઈ ગઈ.’
‘બદલાઈ જ જાય ને... તારા પગ જ બરાબર ઊપડતા નથી ને.’
‘જુઓ, આમ ને...’ કરીને રાધા ફટોફટ પગ ઉપાડવા લાગી. હાથમાં ગિલોલી પકડીને એ એવી અદાથી વણવા લાગી કે રમા તાળીઓ પાડીને હસવા લાગી.
‘શિખવાડો રાંણીનઅ. આ દહ વરહથી હાળમાં બેહું છું તોય મનઅ તો ફાવતું નથી, ને જુઓનઅ આ રાધા રાંણીનઅ વણતાં શીખી જવું છ.' – કહેતી બેની ઘરમાં પ્રવેશી. કાંતિ હસવા લાગ્યો.
‘ઊઠ, ઊઠ. કોકવાર બેસાડીશ. અત્યારે આટલું મને ઉતારી લેવા દે.’
રાધા સાળમાંથી ઊઠી. બેની અને તે, બંને ઓસરીમાં બેઠાં. કાંતિએ જે ડિઝાઇન બદલાઈ ગઈ હતી, તે બધા તાર બ્લેડ વડે કાપીને કાઢી નાંખ્યા. પછી એણે ઉમંગથી વણવાનું શરૂ કર્યું. સાંજે વણીને ઊભો થયો ત્યારે હળવોફૂલ લાગતો હતો. વેજુ ઉતારી નાંખ્યું હતું. સવારે વહેલો ઊઠીને કાંતિ મુખીના ખેતરે ગયો. મુખીએ ખેતરમાં જ પાકું ઈંટોનું ઘર બનાવ્યું હતું. મુખીનું ખેતર ગામથી સાવ નજીક હતું, એટલે એમણે અહીં જ રહેવાનું રાખ્યું હતું. પ્રસંગોપાત કાંતિ અમદાવાદથી ગામડે આવતો ત્યારે મુખીના ઘેર અચૂક આવતો. પણ મિલ બંધ થઈ ત્યારે કાંતિને બદલે મંગળદાસ સામેથી તેને મળવા આવેલા. કાંતિ અને મંગળદાસ પ્રાથમિક શાળામાં સાથે ભણતા હતા. સાતમું પાસ કરીને મંગળદાસે ભણવાનું છોડી દીધેલું. કાંતિ ત્રણેક માઇલ દૂર બીજા ગામની માધ્યમિક શાળામાં ભણવા ગયો હતો. પણ મંગળદાસ સાથે પ્રાથમિક શાળામાં બંધાયેલી મૈત્રી અકબંધ હતી. આ મૈત્રી વધારે ગાઢ તો ત્યારે બની કે જ્યારે મંગળદાસના લગ્ન દીવા સાથે થયાં. દીવા અને કાંતિ એક જ વર્ગમાં ભણતાં હતાં. કાંતિ માટે દીવાને આદર હતો, તેની મંગળદાસને ખબર હતી.
મંગળદાસ આમ તો બુદ્ધિશાળી હતા. એટલે જુવાન વયમાં ગામમાં સારી છાપ પાડી હતી. વયોવૃદ્ધ પણ એમની આમન્યા રાખતા. કોઈ અગત્યના કામ માટે મંગળદાસ કાંતિની સલાહ લેતા. અરે, અમદાવાદ જવાનું થતું તો કાંતિને મળવા માટે તેની ચાલીમાં પણ એ જતા. કાંતિની મિલ બંધ થઈ ત્યારે એમણે આશ્વાસન આપેલું કે તારા લાયક કામકાજ હશે ત્યારે તને જણાવીશ. મંગળદાસે વચન પાળ્યું હતું. ને તેથી તો મુખીનું કામ કરવાનો કાંતિને ઉમંગ હતો.
‘આવ, કાંતિ ! બેસ.’
કાંતિ ખાટલી પર બેઠો. કાંતિને ચા આપીને મુખી તૈયાર થવા ઘરમાં ગયા. દીવા ભેંસોને ચાર નાંખતી હતી. કાંતિ બેઠો તો ખરો પણ તેની નજર તો દીવાની પીઠ ભણી હતી. હજી દીવાએ આ બાજુ જોયું જ નહોતું. દીવા અને પોતે માધ્યમિક શાળામાં સાથે ભણતાં હતાં તે વેળાની બધી વાતો કાંતિને યાદ આવી. ને એ મનમાં હસી પડ્યો. ભેંસને ચાર નાંખતી વખતે એકાએક દીવાની દૃષ્ટિ કાંતિ બેઠો હતો તે તરફ પડી. ને એ ચમકી. ઝડપથી કામ આટોપીને કાંતિ બેઠો હતો તે તરફ વળી. બંનેની દૃષ્ટિ ટકરાઈ. હરખપદૂડી થઈને દીવા દોડતી હોય તે રીતે કાંતિ પાસે આવીને બોલી :
‘ક્યારના આવ્યા છો ?'
‘હમણાં જ આવ્યો.’
‘શરીર કાંઈ વધારે દૂબળું પડી જ્યું લાગઅ છ.’
‘હવે તો એવું ચાલે.’
‘કેટલા વખતથી ગાંમમાં આયા છો ? આંયી આવવાનું મન થાય છઅ ક નહિ !'
‘કામ વિના આવીને શું કરવું ?’
‘બધું ભૂલી જ્યા ?’
‘જે ભૂલવા જેવું હોય તે ભૂલવું જ જોઈએ ને !'
‘મનઅ તો બધુંય યાદ આયા કરઅ છે.'
‘ખાસ તો પેલો જ્યંતિ પ્રજાપતિ યાદ આવતો હશે, નહિ !'
‘એ લૂડિયાંના હાળાનઅ વળી અત્યારે ચ્યાં યાદ કર્યો ?' કહીને દીવાએ ગાલ ફુલાવ્યા. ઘરના બારણા ભણી દૃષ્ટિ કરી. હજી મુખી બહાર નીકળ્યા નહોતા. મન મૂકીને કાંતિ સાથે વાતો કરવી હતી. કાંતિએ જયંતિ પ્રજાપતિને જે પાઠ ભણાવ્યો હતો, તે દીવાને યાદ આવ્યું ને એ હસી પડી.
‘મારો રોયો હતો તો અટકચાળો હોં !’
‘પણ પછી કેવો મીંદડી જેવો બની ગયો હતો ! તે દિવસે મેં એને મેથીપાક ના આપ્યો હોત તો તમને કાયમ રંજાડવા કરત.’
‘સાચું કહું, તમે ના આવ્યા હોત તો મારી શું વલા થાત ! હું તો ઇનઅ ઓળખતીયે નહોતી. પાછળ પડી જ્યો'તો. વર્ગમાં મનઅ એકલી ભાળીનઅ આયેલો, તમે લૉબીમાં ઊભેલા તેની મને તો ખબર હતી; પણ એણે તમનઅ જોયેલા નહિ. હું તો જાણે વર્ષોથી ઓળખતી હોઉં તેમ કેવી અદાથી મારો હાથ પકડ્યો હતો !'
‘પછી તેની અદા નીકળી જ ગઈ ને ! ખૂબ મારવો હતો, પણ તેનું ભવિષ્ય ન બગડે એટલે છોડી મૂક્યો.' – કહીને કાંતિ ટટ્ટાર બેઠો. દીવા અનિમેષ નજરે કાંતિની સામે જોઈ રહી હતી. કાંતિને થયું : તે દિવસે જો જ્યંતિ પ્રજાપતિએ દીવાની છેડતી ન કરી હોત તો કદાચ દીવાના પરિચયમાં ખાસ આવવાનું બન્યું ન હોત.
એ દીવા સામે જોઈને કશુંક મમળાવવા લાગ્યો. ઘણુંબધું કહેવાનું મન થતું હતું, પરન્તુ એ ચૂપ રહ્યો. તે પ્રસંગ બન્યા પછી દીવા પોતાના પ્રત્યે કેટલો બધો આદરભાવ રાખતી હતી ! પછી તો શાળામાંથી છૂટીને બંને સાથે જ નીકળતાં. જયાં બંનેના ગામના રસ્તા ફંટાતા ત્યાં ઊભા રહીને કલાકો સુધી બંને જણ વાતોએ વળગતાં. એક દિવસે તો દીવાએ કાંતિની સાથે એના ઘેર આવવાની પણ રઢ કરી હતી, તે કાંતિને યાદ આવ્યું. તે વખતનો રોમાંચ જ સાવ જુદો હતો.
પછી તો એસ.એસ.સી.નું વર્ષ પૂરું થયું હતું. પરીક્ષા વખતે ભેગાં થયેલાં. દીવાનો ભાઈ સાથે આવેલો. ખાસ વાતચીત થઈ શકી નહોતી. દીવા પોતાના જ ગામની વહુ થઈને આવેલી તે કાંતિને ઘણું ગમ્યું હતું. પણ અમદાવાદથી ભાગ્યે જ ગામમાં આવવાનું થતું એટલે દીવાને મળવાનું ખાસ થતું નહોતું. ને કિશોરાવસ્થામાં થયેલા મનમેળનો આધાર લઈને આગળ વધવાની એની બિલકુલ ઇચ્છા નહોતી.
કાંતિને મૂંગો બેઠેલો જોઈને દીવા ઘરમાં ગઈ. મુખી તૈયાર થઈને આવ્યા, બંને જણ રોડનું કામ શરૂ થવાનું હતું ત્યાં ગયા. મુખીએ કાંતિને બધી બાબતોથી માહિતગાર કર્યો. કાંતિને રોડના કૉન્ટ્રાક્ટનો થોડો અનુભવ તો હતો જ. એટલે એને તકલીફ પડી નહિ. મુખીએ પહેલા દિવસથી જ કાંતિ પર બધો ભાર મૂકી દીધો. વાઢવા-લણવાના તે દિવસો હતા. મુખીને તેમનાં ચારપાંચ ખેતરોનું ધ્યાન રાખવું જરૂરી હતું. એટલે હાલ પૂરતા તો એ રોડના કામમાં ધ્યાન આપી શકે તેમ નહોતા. કાંતિ પર ભરોસો રાખીને એ ગયા. કાંતિએ મજૂરો સાથે હળીમળીને કામ લેવાનું શરૂ કર્યું. કાંતિના સાલસ સ્વભાવને લીધે મજૂરોને પણ કામ કરવાનો ઉત્સાહ જાગ્યો. સાંજે મુખી કામ જોવા આવ્યા ત્યારે એમણે રાહતનો દમ ખેંચ્યો. આજનું કામ આટોપીને બંને ખેતરે આવ્યા. ખેતરમાં પાક લચી પડ્યો હતો. ખેતમજુરો કામ કરીને ઘર તરફ જઈ રહ્યા હતા. દીવા એક મજૂરણ બાઈ સાથે વાતોએ વળી હતી. મુખીએ ખોંખારો ખાઈને એનું ધ્યાન દોર્યું. વાતો પડતી મૂકીને દીવા દોડતી આવી. એની ઊંચી હાડેતી કાયા હવામાં હિલ્લોળાતી હતી જાણે.
એ બોલી : ‘આવી જ્યા ?’
કાંતિ સામે એણે એવી રીતે જોયું કે કાંતિ ઘડીભર તો પોતાની હસ્તી જ જાણે ભૂલી ગયો.
મુખી ઝભ્ભો કાઢવા માટે ઘરમાં ગયા. તેટલી પળોમાં તો દીવાએ કાંતિને પૂછી લીધું:
‘થાચી જ્યા હશો, નૈ !'
‘થાક તો લાગે ને....’
‘ગામડાનો તડકો બહુ આકરો હોં ! શેરના માંણહથી એ નો વેઠાય:’
‘અહીંના તડકાથી હવે હું ટેવાઈ ગયો છું.’
‘જો જો આ તડકો તમનઅ બાળી ના મૂકઅ.’
‘બાળી મૂકશે તોય વતનનો છે. શહેરના પોકળ તડકા કરતાં આ શું ખોટો ?' એમ કહીને કાંતિ હસી પડ્યો. દીવા પણ હસવા લાગી. એના સફેદ દાંત અને નાજુક હોઠ કાંતિને મીઠા મધ જેવા લાગ્યા.
મુખી ઝભ્ભો કાઢીને બહાર આવ્યા. બેઉને હસતાં જોઈને બોલ્યાં :
‘ભાભી–દિયોર ચ્યમ આટલું બધું હસો છો ? કાંઈ કઉતુક થયું ?'
‘કઉતુક શું થાય ? આ કાંતિ ભૈનઅ ગાંમડાનો તડકો ફાવી જ્યો છ ઈની વાત.’
‘હા, કાંતિ તો કાંતિ છ. આખા મલકમાં ઈમની નાતમાં આ કાંતિ એક જ હોં !’
મુખી કાંતિના વખાણે ચઢ્યા. દીવાએ મુખીને કહ્યું :
‘કાંતિભૈનઅ ખાવાનું આંય છઅ ?’
‘હા.’
‘ના. આજે તો હું ઘેર જ ખાઈશ. રાધાને કીધા વિના આવ્યો છું. એ મારી રાહ જોતી હશે.'
‘ના ભૈ કાંતિ, તારઅ તો બેય ટેમ મારા ઘેર જ ખાવાનું, મીં તનઅ પે'લેથી તો કીધું છઅ.'
‘ના, ના મુખી, હું તો ઘેર જ...' કહીને કાંતિ ચાલવા લાગ્યો. દીવા મુખીને ધમકાવતી હોય તેમ બોલી :
‘તમે આગ્રહ તો કરતા નથી. પછઅ એ પરાણે થોડા આંય ખાવા બેહી જાય ?’
‘પણ હું ચ્યાં ના પાડું છું ! બળજબરીથી તો થોડા બેહાડાય છ !'
‘ના ચ્યમ બેહઅ...!' - કહીને દીવા કાંતિ આગળ આવીને ઊભી રહી.
‘તમનઅ તો અમે સામાન્ય માંણહ લાગતા હશું નહિ ! આટલું બધું માંન આલીએ ઇનો અરથ એ નહિ કઅ તમે ફુલાઈ જાઓ.'
‘એવું નથી ભાભી ! રાધાને હું કહીને આવ્યો છું કે સાંજે ઘેર જમીશ. તમે મારી આટલી બધી ફિકર કરશો તો હું પાછો અભિમાની બની જઈશ. જાઓ કાલે બંને ટાઇમ જમીશ.' એમ કહીને કાંતિ માંડ માંડ છૂટ્યો.
તે દિવસે કાંતિ છૂટ્યો તો ખરો પણ બીજા દિવસથી દીવાએ કાંતિ પર હક્ક જમાવી દીધો. પછી તો અવારનવાર એ કાંતિની ફિકર કરવા લાગી. ખુદ કાંતિને પણ દીવાનું આ વર્તન ન સમજાયું.
મુખીની પત્નીના નાતે દીવા કાંઈ પણ આવી ચેષ્ટા કરે તે ખુદ કાંતિને ગમતું નહોતું. એણે એકવાર દીવાને મનાવી હતી પણ દિવસો વીતતા ગયા તેમ કાંતિની દરેક બાબતમાં એ ચિંતા કરવા લાગી. કાંતિને દીવાના બદલાતા વર્તનની સાથે સાથે પોતાનું વર્તન પણ બદલાતું હોવાની શંકા જવા લાગી. દીવાની હાડેતી કાયા અને ખીલેલાં વક્ષઃસ્થળ જોઈને એ ભાન ભૂલી બેસતો. એને શાળામાં ભણતી સોળ– સત્તર વર્ષની છોકરી કરતાં અત્યારની દીવા વધારે ગમતી હતી. પણ બંને વચ્ચે જે અભેદ દીવાલ હતી તે એને નડ્યા કરતી હતી. દીવા આમ તો તીખા મરચા જેવી હતી. મુખીનો ભાઈ સેંધો આ બાજુ આવતો અને દીવા સામે આડુંઅવળું બોલવાની કોશિશ કરતો ત્યારે દીવા એને એવા શબ્દોથી ઝાટકી નાંખતી કે ખુદ કાંતિને પણ સેંધાની દયા આવતી. કાંતિ સાથે લળીલળીને વાત કરતી દીવાને સેંધો જોતો ત્યારે એને કાંતિની ઈર્ષા આવતી તેથી તો સેંધો મુખીને કાંતિ વિરુદ્ધ ભંભેરણી કરીને કાંતિને અહીંથી પાણીચું અપાવવા માટે દાવપેચ ખેલતો હતો. દીવા આ બધું જોતી, ને એણે સેંધાને ખેતરે આવવાની મનાઈ ફરમાવી દીધી હતી.
સેંધો આવતો બંધ થયો, ને દીવાને માર્ગ મળી ગયો. કામ ચાલતું હોય તો વચ્ચે એકાદવાર કાંતિ ખેતરે આંટો લગાવી જતો. દીવાને એ ગમતું. હવે તો કાંતિની પાસે રઢ પણ લેવા માંડી હતી. મજાકમાં કાંતિ એનું કહ્યું કરતો નહિ ત્યારે મોં ફુલાવીને એ ખેતરમાં ચાલી જતી. બે દિવસ સુધી કાંતિ સામે હરફ પણ ઉચ્ચારતી નહિ. છેવટે કાંતિ એને મનાવતો. સાંજે સમયસર કાંતિ ખેતરે આવે નહિ તો ચિંતામાં ગળાબૂડ થઈને ઝાંપલી આગળ ઊભી રહેતી. મુખીનો સાથી ચતુરજી ટકોર કરે, ‘ભાભી, આંય શીદને ઊભાં છો ?' ત્યારે એ ખિજાઈને પીઠ ફેરવી લેતી.
એક દિવસ મુખી બહારગામ ગયા હતા. કાંતિ વહેલો આવીને પૂળા પર બેઠો હતો. દીવા કૂવા પર કપડાં ધોતી હતી. કાંતિને બેઠેલો જોઈને એ જેમતેમ કપડાં ધોઈને આવી; પણ કાંતિની પાછળ ફરતા એક સાપને જોઈને એ છક્ક થઈ ગઈ. કપડાંની ડોલ એના હાથમાંથી પડી ગઈ, ને એણે દોટ દીધી. જોશભેર આવીને એણે કાંતિના બંને હાથ પકડીને એને પૂળા પરથી ખેંચી લીધો. આવેશમાં આવીને જાણે સાડલામાં કાંતિને સંતાડવા મથતી હોય તેવી ચેષ્ટા કરવા લાગી. કાંતિના દિલની ધડકન વધી ગઈ હતી. સારું હતું કે પાક માથોડાં માથોડાં લચી પડ્યો હતો ને તેની આડશે બધા મજૂરો કામ કરતા હતા તેથી કોઈની નજર આ બાજુ ન પડી. તે દિવસે બંને મૌન રહીને એકબીજા સામે જોઈ રહેલાં. કોઈ કશું જ બોલેલું નહિ. માત્ર આંખો એકબીજા સામે પલક પલક થયાં કરતી હતી. કાંતિને ત્યારે સમજાઈ ગયું હતું કે દીવા તેના તરફ ઢળી ચૂકી હતી. હવે બેઉએ એકબીજાને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. સાંજે ખેતરમાં આવતા મુખી ક્યારેક તો બારોબાર સરપંચ પાસે ચાલ્યા જતા. કાંતિ એકલો ખેતરે આવતો. ખાટલી પર બેઠો હોય, ને દીવા પાણી આપવાને બહાને આવીને કાંતિને અડપલું કરી બેસતી. કાંતિને આ બધું નહોતું ગમતું એમ નહિ, એને મુખી યાદ આવતા, ને એ નરમ પડી જતો. પોતાની જાતને આગામી પરિસ્થિતિમાંથી બચાવી લેવા માટે મથતો. ઊડતી ઊડતી વાત મુખીના કાને પહોંચશે ત્યારે મુખી આ આઘાત જીરવી નહિ શકે, તે કાંતિની જાણ બહાર નહોતું. તેથી તો કામ ચાલુ હોય ત્યારે વચ્ચે ખેતરે આવવાનું પણ એણે બંધ કર્યું હતું. હવે એ કામમાં મગ્ન થતો જતો હતો. જે રીતે રોડનું કામ ચાલતું હતું, તે જોઈને મુખીને સંતોષ થયો હતો. કાંતિ પર મૂકેલો વિશ્વાસ એળે નથી ગયો એવું એમને લાગતું હતું. કાંતિ દીવા સાથે હસીને વાત કરતો, તેમાં એમને કશું અજુગતું લાગતું નહોતું. કારણ કે તે દીવાના હસમુખા સ્વભાવથી પરિચિત હતા. સંધાએ એક દિવસ વાતવાતમાં કહ્યું હતું કે ‘તમને બીજો કોઈ માંણહ ન મળ્યો, તે ઘરમાં ઘો ઘાલી.’ ત્યારે મુખીએ સેંધાને પરખાવી દીધું હતું : ‘મારા કામમાં તારઅ ડખલગીરી ના કરવી. જો તું કામ સંભાળતો હોય તો કાંતિનઅ હાલ કાઢી મેલું.' ત્યારે સેંધો બોલતો જ બંધ થઈ ગયો હતો. પોતાની મર્યાદાઓ સેંધો સારી પેઠે જાણતો હતો. સેંધાને કાંતિ કામે રહે કે ના રહે તે સાથે કશી નિસબત નહોતી. દીવા સાથે હસી હસીને એ વાતો કરતો, તે સેંધાને ખૂબ કઠતું હતું.
તેથી તો મુખી જે દિવસે બહારગામ જવાના હોય તે દિવસે એ મુખીના ખેતરે આંટા પર આંટા લગાવતો. દીવાની દરેક રીતરસમ પર એ ધ્યાન રાખતો. કાંતિ રોડનું કામ પડતું મેલીને ખેતરે તો જતો- આવતો નથી ને, તેની રજેરજ માહિતી એ રાખતો હતો. આવતી કાલે મુખી અને સરપંચ બહારગામ જવાના છે તેવું સેંધાએ જાણ્યું કે સેંધો બીજા દિવસે મુખીના ખેતરે દોડી આવ્યો. દીવા ગમાણ સાફ કરીને માંડ બેઠી હતી. સેંધાને આવતો જોઈને એને ફાળ પડી. એ ઊભી થઈને ઘરમાં ચાલી ગઈ. સેંધો મજૂરો કામ કરતા હતા એ બાજુ વળ્યો. ચતુરજી પાસે જઈને બીડી લીધી. બીડી પીતો પીતો એ શેઢા બાજુ જવા લાગ્યો. દીવાએ બહાર આવીને જોયું તો સેંધો ખેતરમાં જ હતો. એને સેંધા પર પારાવાર ખીજ ચઢી. ‘સેંધો અહીં હોય અને કાંતિ આવી ચઢે તો...!’ એ સંધાથી ગભરાઈ ગઈ. સેંધો જવાનું નામ લેતો નહોતો. દીવાને બહાર ઊભેલી જોઈને સેંધો તે બાજુ વળ્યો.
દીવા કાંપવા લાગી. ‘આંય શું દાટ્યું છ તે નખ્ખોદિયો આંયથી જતો જ નથી !’ બબડીને કામ નહોતું તોય ખળામાં પેઠી. સેંધો એની આગળ આવીને ઊભો રહ્યો.
‘ચ્યમ છો ભાભી !'
સેંધો હસ્યો. દીવા બોલ્યા વિના હાથમાં સાવરણો લઈને ખળામાં ફેરવવા લાગી. એ વાંકી વળી ત્યારે સેંધાની નજર ક્યાંય સુધી દીવાની કાયા પર મંડાયેલી રહી. દીવાનું ધ્યાન સેંધા તરફ નહોતું. કશું જ બોલ્યા વિના આ બલાને એ અહીંથી ટાળવા માંગતી હતી.
‘કાંતિ હારું કામ કરઅ છ, નૈ ભાભી !’
‘મનઅ ખબર નથી.’
‘મીં હાભળ્યું છ કઅ તમે તો ઈનાં વખાણ કરતાં થાકતાંય નથી.’
‘કરીએય ખરાં.’
‘કરો, કરો, આ દિયોર દુશ્મન લાગ્યો છ. નઅ વેરીનઅ...’
‘હવએ તમનઅ હાથ જોડું, આંયથી જાઓ ભૈશાબ !’
‘અમે કડવા વખ જેવા લાગતા હશું, નંઈ ! લો તમનઅ ના ગમતું હોય તો આ હેંડ્યા!'
કટાણું મોં કરીને સેંધો ગયો. એ ગયો ને તરત જ કાંતિ આવ્યો.
દીવા હાંફળીફાંફળી બની ગઈ. કાંતિ સામે એકીટસે જોઈ રહી. આંખમાં ઝળઝળિયાં લાવીને બોલી :
‘આજ ચ્યમ વે’લા ?'
કામમાં દિલ ચોંટતું નહોતું. વારેઘડીએ મન અહીં દોડતું હતું.'
દીવા કાંતિના શબ્દો સાંભળી સ્વસ્થ થઈ ગઈ. આંખો લૂછી નાંખીને બોલી :
‘તે દિલ કાબૂમાં રાશીયઅ...'
‘બહુ મથ્યો, ના રહ્યું એટલે તો દોડી આવ્યો.’
‘તે આવું ઠાલું ઠાલું ચ્યાં હુંદી ચલાવવું છ ?'
કાંતિ બોલ્યા વિના સૂનમૂન બહાર બેઠો. દીવાએ કતરાતી નજરે કાંતિ સામે જોઈને કહ્યું :
‘હવેય બા'ર બેસશો ?’
એ બોલતાં તો બોલી ગઈ, પણ તરત જ એને સેંધો યાદ આવ્યો. હમણાં જ ગયો છે. જો પાછો આવશે તો આવી જ બન્યું સમજો.
‘અંદર તો ન અવાય. ચતુરિયો ચાલાક છે. અને ખરું પૂછો તો મને સેંધાની ખૂબ બીક લાગે છે. હમણાંથી એના આંટાફેરા અહીં વધી પડ્યા છે.’
‘હું ડરતી નથી પછઅ તમારઅ શું ચિંત્યા ?'
‘થોડી મર્યાદા તો રાખવી પડે ને ?’
‘ચા બનાવું ?’
‘ના.’
‘તો મૂંગામંતર બેહી રે'વું છઅ ?’
‘હા.’
તો માળા લઈ આવું.’
‘ભગત બનાવવો છે ?'
‘તો એ વન્યા બીજો ઉપાય જ ચ્યાં છ !'
‘મુખી બહારગામથી પાછા ક્યારે આવશે ?’
કાલે હાંજે આવઅ તો આવઅ. નકર પરમદા'ડે હવારે.’
દીવા દોરી પર કપડાં સુકાતાં હતાં, તે લેવા ગઈ. કપડાં લેતાં લેતાં એ કશાક વિચારમાં હતી. બે વખત તો મુખીની બંડી પડી ગઈ. તે લેતાંય મન તો ચકરાવે ચઢી ગયું હતું. કશુંક વિચારતી હતી. એ કપડાંની ગડી વળીને ઘરમાં મૂકી આવી. કાંતિની સામે આવીને ઊભી ત્યારે કશુંક બોલવા માટે હોઠ ફફડું ફફડું થઈ રહ્યા હતા પણ બોલી શકતી નહોતી. કાંતિ દીવાના ઊઘડું ઊઘડું થતા હોઠ સામે જોઈ રહ્યો. પછી બોલ્યો :
‘કંઈ કહેવું છે ?’
હા, પણ...’ કહીને દીવા હસી પડી.
પછી બોલી : ‘નથી કહેવું.’
‘સોગંદ આપું ?’
એ પાછી ખેતર સામે મોં કરી ઉદાસ થઈને ઊભી રહી. એકાએક કાંતિ સામે જોઈને એણે બોલી નાંખ્યું :
‘તમારઅ હવારઅ વે'લા ભરભાંખળે આંય આવવાનું છ.’
‘શું કામ ?’
‘કાંમ છ, ચતુરિયો મરચાં લઈનઅ હાંજનો બહારગૉમ જવાનો છ, તે કાલ બપોરે આવશે. મુખી તો નથી. હવારે વે'લા તો આંય ચકલુંય ફરકતું નથી. શું જોઈ રહ્યા છો? આવશો નઅ...’
કાંતિ મૌન રહ્યો. એ સાંઠીકડા વડે જમીન ખોતરવા લાગ્યો. દીવા પાસે આવી, ને ગરદન પર આંગળી દબાવતાં બોલી : ‘કાલ આવશો ન ?'
જમીન ખોતરતાં ખોતરતાં કાંતિથી બોલી પડાયું, ‘હા.’ ને બેઉ બેઠાં હતાં, તે લીમડા પર એકાએક પંખીઓનો કિલકિલાટ વધી પડ્યો.
તે રાતે ખોડાને ત્યાં ભજન હતું. છોકરાં સમી સાંજે ભજનનું વાયક દઈ ગયાં હતાં, પણ કાંતિ તો વાળુ કરીને તરત જ ખાટલા ઢાળવા માંડ્યો. એટલે રાધા બોલી :
‘અત્યારથી ઊંઘવા માંડયા ? ભજનમાં નથી જવું ?'
‘ના.’
‘અરે, એમ ચાલતું હશે ! નહિ જાઓ તો લોકો શું ધારશે ? વાંક મારો જ ગણાશે.’
‘એવું તો હોતું હશે ! કાલે વહેલાસર જવાનું છે. કદાચ ઉઠાય નહિ તો...’
‘હું ઉઠાડીશ.’
‘સારું. થોડીવાર આડો થઈને જાઉં છું.'
કાંતિ ખાટલામાં આડો પડ્યો ને વિચારવા લાગ્યો : ‘મંગળદાસ મુખી બહારગામ ગયા છે. દીવાએ ભરભાંખળે બોલાવ્યો છે. ભજનમાં ગયા પછી રાત્રે બે–ત્રણ તો સહેજે વાગી જશે. જો મોડું થયું તો આખો પ્લાન બગડી જશે. દીવાના ઘરમાંથી નીકળતાં કોઈ જોઈ ન જાય એટલા માટે તો દીવાએ મને ભરભાંખળે બોલાવ્યો છે. ભજનમાં નહિ જવાય તો નહિ ચાલે ?' એણે મનોમન પ્રશ્ન કર્યો. પણ પાછો મનમાં પ્રત્યુત્તર વાળ્યો. ભજનમાં નહિ જાઉં તો લોકો મને નાસ્તિક ગણી કાઢશે, ને બીજા દિવસે ખોડો જ આવીને ઠપકો આપશે ત્યારે પોતે શું જવાબ વાળશે ? કાંતિ પાસું ફર્યો, આમ તો એને ભજનમાં જવાનો ઘણો શોખ હતો. અમદાવાદમાં એની ચાલીમાં ગમે ત્યાં ભજન હોય તો એ પહોંચી જતો, એ ભજન ગાતો નહિ પણ ભજન સાંભળવાં એને ગમતાં, ભજનમાં થતી ભક્તિની વાતોમાં પણ એને રસ પડતો.
એક બાજુ ભજનમાં જવાનું મન થતું હતું, તો બીજી બાજુ દીવાનો ચહેરો નજર સામે અલપઝલપ થયા કરતો હતો. શું કરવું તે કાંતિને ઝટ ના સૂઝ્યું.
એના દેહમાં કંપ શરૂ થયો. પ્રથમ વખત એ પરસ્ત્રી સાથે મોજમજા માણવાનો હતો. મનમાં કલ્પના પણ નહોતી કે પોતે રાધા સિવાય બીજી કોઈ સ્રી સાથે આવા સંબંધોથી જોડાઈ શકશે. દીવાએ દિલ ઢોળ્યું હતું.
અનેક રીતે મનને કાબૂમાં રાખવા છતાં પોતાનું મન દીવા પર ઓળઘોળ થયું હતું. હવે દીવાને ટાળવાનો ઇલાજ નહોતો. જે ઉમંગથી આજે દીવાએ એની સાથે વાતો કરી હતી, એ બધી વાતો યાદ આવતાં કાંતિનું દિલ ઊંચુંનીચું થવા લાગ્યું.
કાંતિ ચત્તો થયો. રાધા વાડા પાછળ નાહીને આવી. પગમાં ધૂળ ચોંટી ગઈ હતી. પગ ભોંય પર પછાડતી પછાડતી કાંતિના ખાટલા પાસે બેઠી. કાંતિને આકાશ તરફ એકીટશે જોઈ રહેલો જોઈને એ બોલી :
‘આકાશમાં શું દેખાય છે ?’
‘હેં...!' કાંતિ એકદમ ભાનમાં આવીને રાધા તરફ ફર્યો. રાધાએ હસીને કહ્યું :
‘ક્યાં ભૂલા પડ્યા હતા ? મને થયું કે આકાશમાં ચંદ્ર અને તારા સિવાય પણ બીજું કશુંક તમને દેખાતું હશે !' કાંતિને રાધાના બોલવા પર સંદેહ ગયો, પણ રાધા ફક્ક કરતી હસી પડી એટલે કાંતિને રાહત થઈ.
એ બોલ્યો :
‘આ આખો દિવસ ગરમીમાં થાકી જાઉં છું, એટલે આમ થોડીવાર પડી રહેવાનું મન થયા કરે છે.’
‘હવે રોડનું કામ કેટલા દિવસ ચાલે એમ છે ?'
‘બે–ત્રણ મહિના.’
‘મિલ ચાલુ થવાની કાંઈ વાત સંભળાય છે ?'
‘મને લાગે છે કે આ કામ પૂરું થશે, ને મિલ પણ ચાલુ થશે.'
‘થાય તો સારું...’ કહીને રાધા આકાશમાં તારા જોવા લાગી. પછી કશુંક યાદ આવતાં એકાએક તે બોલી પડી : ‘તમે વેજુ ઉતાર્યું હતું, તેની આજે મેં સાંધણી સાંધી કાઢી છે. નવરાશ મળે તો કાલ–પરમદી એટલું સાળ પર મને ચઢાવી આપો. હું ધીરે ધીરે વણીશ.'
કાંતિએ હેતભરી નજરે રાધા સામું જોયું. રાધાની નજર, રમા બીજા છોકરાં સાથે સંતાકૂકડી રમતી હતી ત્યાં વળી. કાંતિએ આંગળાથી આંખો મસળી નાંખી ને એ થોડો અતીતમાં ભૂલો પડ્યો : મિલમાં ચઢ્યો ય નહોતો અને પોતાનાં લગ્ન થઈ ગયાં હતાં. એ વખતે તો મા–બાપ જીવતાં હતાં. છતાં બંને વૃદ્ધ હોવાથી એમની સેવા કરવાની, દિવસે વણવાનું, તેમાંથી પરવાર્યાય ન હોય ને રાત્રે પાછી સાંધણી સાંધી રાખવાની. આ બધાંમાં રાધાએ પોતાને કેવો સધિયારો આપ્યો હતો ! મિલમાં જોડાયો ત્યારે બદલીઓય ક્યાં મળતી હતી ? મહિનામાં વીસ વીસ દિવસ પાછા આવવાનું બનતું. ઘરે રાધા મજૂરી કરીને મા–બાપને સાચવતી હતી, ને પોતે અમદાવાદમાં માંડ પોતાની વીશી પૂરી કરી શકતો હતો. મા–બાપ ગુજરી ગયાં. એમની પાછળ બારમું કરવું પડ્યું – કુટુંબીઓના દબાણને વશ થઈને. પોતે દેવાદાર બની ગયો. રાધાને અમદાવાદમાં લાવ્યો. પોતે કાયમી થયો ત્યાં સુધી બિચારીએ કારખાનામાં મજૂરી ફૂટી છે.
સંતાકૂકડી જોતી રાધાને કહેવાનું મન થયું : ‘હવે જીવનમાં તું ક્યાં સુધી સાંધણીઓ સાંધ્યાં કરીશ રાધા !'
કાંતિ પાસું ફરી ગયો. અવાવરું ઘરની ઊખડેલી દીવાલ પર એની નજર મંડાઈ. ઝાંખા ચહેરા જોવામાં એ મગ્ન હતો, ત્યાં એની પીઠ પર હળવો ધબ્બો પડ્યો. એ ચમક્યો. જોયું તો દલો હસતો હસતો ઊભો હતો.
‘લે હૈંડ હવઅ ભજનમાં. જાંણઅ થાચી જ્યા હોય ઇમ પડ્યા છ ખાટલામાં. અમે તો આખો દા'ડો વણવામાં પગ તોડીઅ છીએ. દસ- અગિયાર વાજ્યા વિના ખાટલો ચેવો નઅ વાત ચેવી.'
કાંતિ બેઠો થયો. દલાને હાથ પકડીને ખાટલામાં બેસાડ્યો. રાધા લાજ કાઢીને ઓટલા પાસે ઊભી રહી, કાંતિએ એને કહ્યું :
‘થોડી ચા મૂક. પીઈને જઈએ.'
‘ના, રહેવા દે. ચા–બા પીવી નથી.’
રાધા થોડીવાર ઊભી રહીને રમા રમતી હતી એ બાજુ ગઈ, કાંતિ અને દલો વાતોએ વળગ્યા. અમદાવાદમાં અનામત આંદોલન ચાલુ થયું હતું તેની દલાએ વાત કાઢી. કાંતિએ એમાં રસ લીધો. પણ વાત બહુ રસપ્રદ તબક્કામાં ન પહોંચી શકી. કારણ કે ખોડાના ઘરમાં તબલાં વાગવાં શરૂ થયાં હતાં. બંને જણ ભજનમાં જવા ઊઠ્યા.
તેઓ આવ્યા ત્યારે ભજન ચાલુ થઈ ગયું હતું. પાંચ ભજનો પૂરાં થયાં, ને બધા ચા—પાણી પીવા રોકાયા. ચા-પાણી વખતે વળી અનામત આંદોલનની વાત નીકળી. રતિલાલ માસ્તર ગઈકાલે જ અમદાવાદ જઈ આવ્યા હતા. તેમણે અમદાવાદમાં ચાલતાં તોફાનોની વાત કરી. તેમાંથી ગામડાંઓની વાતો નીકળી. રતિલાલે જ કહ્યું : ‘સારું છે કે આપણા ગામમાં શાંતિ છે. પેલા એક ગામમાં તો હરિજનોનાં ઘર બાળી નાંખ્યાં.’
કાંતિને થયું : ‘કદાચ આ ગામની શાંતિ હણાય તેના કારણરૂપ હું તો નહિ બનું ને... ગઈકાલે દીવા જોડે હું ઊભો હતો ત્યારે પટેલોનાં બેચાર બૈરાં શંકાભરી નજરે જોતાં જોતાં જતાં હતાં. ને સેંધો તો મારા પર કાળઝાળ છે જ. ન કરે નારાયણ ને સેંધો અમારા સંબંધોની વાત વહેતી કરે પણ ખરો, તો તો અહીં પણ અશાંત પરિસ્થિતિ સર્જાય ખરી...'
ચા-પાણી પીઇને હરજી ભગતે હાથમાં તંબૂરો લીધો. ભજનો શરૂ થયાં. પહેલું ભજન, ‘જી રે લાખા લાવો રે કૂંચી ને તાળાં ખોલીએ.’ સાંભળી કાંતિનું દિલ ડોલી ઊઠ્યું. કાંતિને ભજનોમાં રસ પડ્યો.
કાંતિએ દલાને કહ્યું : ‘તું પણ ભજન ગા ને.’
દલો પણ સારું ગાતો હતો.
‘પણ આ હરજી ભગત તંબૂરો હેઠો મેલઅ તો ગવનઅ ન.’ – કહીને દલો હસ્યો. બાજુમાં નરસીકાકા બેઠા હતા, તેમણે હરજી ભગતને કહ્યું : ‘હરજી, આ દલીયાનઅ તંબૂરો આલઅ નઅ. બેચાર ભજન એય ગાય.’
દલાએ તંબૂરો હાથમાં લીધો. કાંતિ એની સામે જોઈ રહ્યો. દલાએ બેચાર સાખીઓ બોલીને ગણપતિની સ્તુતિ કરી. પછી ભજન ઉપાડ્યું :
‘દેખો છો ડુંગર છતાં કાં ચડો...’ ને વાતાવરણ ગુંજી ઊઠ્યું. દલાનો અવાજ ઝીણો અને મીઠો હતો. બધા દલાની સામે એકીટસે જોઈ રહ્યા. કાંતિ દિંગ થઈ ગયો. સામે ડુંગરની હારમાળા એને દેખાઈ. તેમાં ખીણો હતી. કાંતિને ચક્કર આવી ગયાં. પોતે ડુંગર ચઢતાં ખીણમાં ગબડી પડ્યો હોવાનો અનુભવ કરવા લાગ્યો. દલો ખીલ્યો હતો. એના શબ્દો ઘરમાં એક ખૂણેથી બીજે ખૂણે ભમવા લાગ્યા જાણે. એક હાથે મંજીરાં રણકતાં હતાં, બીજા હાથની આંગળીઓ તંબૂરા પર ત્વરિત ગતિએ ફરી રહી હતી. ને દલાએ ભજન પૂરું કર્યું.
દલાએ વારાફરતી ભજન ગાવાં શરૂ કર્યાં ને કાંતિ ડોલતો ગયો. બે વાગ્યા, ત્રણ થયા. ભજનો થોડીવાર બંધ રાખીને બધા ભક્તિની વાતોમાં પરોવાયા. બ્રહ્મની જાણકારી, અલખપુરુષ વિષે અટકળો, દૈવી શક્તિનું ગૂઢ રહસ્ય વગેરે વિષય પર વાતો ચાલી. ઇશ્વર હવે હાથવગો જ છે અને અહીં બેઠેલા બધાને હવે ઇશ્વર મળવો જ જોઈએ તેવું બધાની વાતો કરવાની ઢબ પરથી લાગતું હતુ. કાંતિ ગળાડૂબ થતો ચાલ્યો. સવારે છ વાગ્યા સુધી બધા ભક્તિની વાતોમાં પરોવાયેલા રહ્યા. કાંતિની આંખ જરાપણ મીંચાઈ નહિ. એક પછી એક બધા જવા માટે ઊઠવા માંડ્યા હતા. પાંચસાત જણા ભક્તિના ખરા રસિયા હજી જાગતા હતા. કાંતિએ બહાર નજર કરી. ભળભાંખળું થયું હતું. ને એને દીવા સાંભરી આવી. એકાએક એના દિલમાં ધ્રાસકો પડ્યો. બધાનું ધ્યાન ચૂકવીને એ ઊભો થયો. હડફડ હડફડ કરતો ઘેર આવ્યો. રાધા જાગી ગઈ હતી. ઉજાસ વધતો જતો હતો. કાંતિને જોઈને એ બોલી : ‘તમે આખી રાત બેસી રહ્યા, તમારે તો વહેલા જવાનું છે તેની તો ખબર છે ને ! નાહી લ્યો. ચા તૈયાર છે. હું સંડાસ જઈને આવું છું.' કાંતિ નાહીધોઈને તૈયાર થયો. ચા પીધી, કપડાં પહેર્યાં, પછી બહાર આવ્યો. ઘરમાં ગયો. ખૂણામાં સાંધણી સાંધીને રાધાએ મૂકી હતી. એણે રાચ સાથે ઓઘળું ઊંચક્યું. પછી સાળ પાસે આવ્યો. રાચ અને બધું વ્યવસ્થિત ગોઠવીને ભાંજણી વાળી. કૂછડો ફેરવીને સરૈયો આઘી ખસેડી, એ સાળમાં ગોઠવાયો. ને એણે વણવાનું શરૂ કર્યું. રાધા ડબલું મૂકી હાથપગ ધોઈને ઘરમાં આવી. કાંતિને સાળમાં બેઠેલો જોઈને એ બોલી :
‘તમે મુખીના ઘેર ના ગયા ? સાળમાં કેમ બેસી ગયા ?’
‘બસ, નથી જવું. ક્યાંય જવું નથી. હું તો આજથી વણવાનો હવે....’ - કહીને કાંતિએ ‘સખી, સોહમ્ ઓહમ્ ની સત્તરમી કળા કોઈ જાણે રે...’ વાળા ભજનની લીટીઓ લલકારીને ગિલોલી હવામાં વીંઝી. પોતાની જાત સાથે પટાબાજી ખેલતો હોય તેમ એણે વણવા માંડ્યું. આભી બનીને રાધા ઘર વચ્ચોવચ ઊભી ઊભી કાંતિ સામે જોઈ રહી હતી. ત્યાં બેની દોડતી આવી.
‘અલી રાધા, તીં હાંભળ્યું ?'
‘શું ?’
‘ભરભાંખળે સેંધાભૈએ મુખીની વહુની લાજ લીધી.'
‘હેં....!’ રાધાને બદલે કાંતિ બોલી ઊઠ્યો. એણે જોરથી પાવડી પર પગ પછાડ્યો. ને જેવો પગ દબાવ્યો તેવી જ રાચની દોરી તૂટી ગઈ. રાચ વેજા પર લબડી પડયાં હતાં.
સ્રોત
- પુસ્તક : નકલંક (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : મોહન પરમાર
- પ્રકાશક : રન્નાદે પ્રકાશ
- વર્ષ : 2014
