Munzaro - Short Stories | RekhtaGujarati

મૂંઝારો

Munzaro

દલપત ચૌહાણ દલપત ચૌહાણ
મૂંઝારો
દલપત ચૌહાણ

જીવી સૂંડલામાં પાડું લઈ સાથી પર આવી. પાછળ-પાછળ રણછોડ આર-છરી લઈ આવી પહોંચ્યો.

એણે દૂરથી બૂમ પાડીને જીવીને કહ્યું: “હાથરી વચ્ચોવચ હુલ્લી ઉતારજે...’

‘હારું.. લ્યો આઘા આવો... ઊતરાવો.’

જીવીએ જવાબ આપતાં સુલ્લી ઉતરાવવા માટે રણછોડને હાથથી ઇશારો કર્યો. રણછોડે આર-છરી જમીન પર મૂકી, સુલ્લી ઊતરાવી, જીવીએ સુલ્લી સાથરી વચ્ચે ઊંધી વાળી. ત્યાં કૂતરાં આવી પહોંચ્યાં. રણછોડે, હડડ... હડ... કરીને કૂતરાંને દૂર કર્યાં. ભોંય પરથી છરી લઈ ઉગામી. કૂતરાં દૂર જઈ તરપતી જીભે હાંફતાં બેઠાં. સાથરીથી દૂર કણજીની ડાળે બેઠેલાં ગીધમાંથી એક ગીધે પાંખો ફફડાવી, હળવેથી સાથરીની બાજુના આકાશમાં ચક્કર માર્યું, પછી કણજીની ટોચે જઈ ઊતર્યું. બધાં ગીધ ડોક ઊંચીનીચી કરી સાથરી તરફ ભુખાળવી નજરે જોતાં રહ્યાં.

“હુલ્લી લેઈ તું ઘેર જા? ના... ના રવા દે; પેલો ભીખો કોઢી લેઈ આવઅ સઅ, મું બધું હુલ્લીમઅ લેઈ ઘેર આયે.”

“હારું...” કહી જીવીએ પગ ઉપાડ્યા.

“અવઅ ઊભી રઅ. જેનો ભાગ હોય ઈનઅ કેતી જજે, કઅ ભોથાં લેવા ઘેર આવઅ... ઓંમ તો કાંઈ મોટું નહીં...”

કહીને રણછોડે પાડા તરફ ઇશારો કર્યો. જીવી જવાબ આપવાને બદલે ચૂપચાપ ઘર તરફ જવા વળી. રસ્તામાં મેનાડોસી મળ્યાં. જીવી ઊભી રહી.

“હાચુલી જીવલી... લવજી કોરોટનો પાડો મરી જ્યો...?” મેનાડોસીએ પૂછ્યું.

“ઓવ્વ... તમન ખબેર પડી જઈ... મેનાં મા...”

“ચ્યમ ખબેર ના પડઅ, લવજીની ભેંસનઅ પાડો આયો તાણ ખબેર અતી... પાડો...”

કહેતાં મેનાડોસી મર્માળું હસ્યાં, પછી આગળ ઉમેર્યું,

“આ... તો પાડાનઅ પંદર દાડા... લવજીની વઉ બવ કાઠી કઅ આટલું જિવાડ્યું. નકર ચ્યારનોય હાથરી ભેગો થઈ જ્યો હોત.”

જીવીને ચીડ ચઢી. એણે જવાબ આપ્યા વિના ચાલવા પગ ઉપાડ્યો.

“ચપટી ભોથાં મનઅ આલજે, મારી બઈ! મારી વાત હાંભળીનઅ?”

મેનાડોસી બોલતાં રહ્યાં. જીવી આડું જોઈ ઘેર પહોંચી, ઘરકામમાં જીવ પરોવ્યો.

**

ભીખાએ આવી કુહાડી જમીન પર મૂકી. ઊભો રહ્યો. રણછોડે પાડાને ચત્તો કર્યો. પગનો ટેકો આપી પાડાને સ્થિર કર્યો. આર-છરી જુદાજુદા હાથમાં લઈ અરસાવ્યાં.

“અલ્યા ભીખા, પાડાના પગ પકડ!”

નજીક જઈ ભીખાએ પાડાના પગ પકડ્યા. રણછોડ નીચે બેઠો. આર પાડાથી દૂર મૂકી, પાડાનું પૂંછડું પકડ્યું. પછી પાડાની સામે ધારી ધારીને જોવા માંડ્યો.

“હાહરું ઓંમનઅ ઓંમ આયખું ઢહડાવાનું! દિયોર આતે કાંઈ માણહનાં લેખાં કેવાય? તો વખાના માર્યા, કરવું પડ... જીવ જીવનઅ ખાય.... શો મનખાવતાર...’

એનો મન સાથે બબડાટ ચાલુ રહ્યો. થોડી વારે એને લાગ્યું કે પૂંછડું પકડેલી હથેળીમાં પરસેવો થઈ રહ્યો છે. એણે પૂંછડું છોડી દઈ ભોંય પર હાથ ઘસ્યો. પછી પૂંછડું હાથમાં લઈ તેના વાળ પર છરીની ધાર ફેરવતાં પોતાના વિચાર પર હસ્યો. પૂંછડાને જોતાંજોતાં પોતાનું કામ શરૂ કર્યું અને પૂંછડાની ગોળાઈ મુજબનો કાપ મૂક્યો. બીજી પળે, કાપ પર લોહીના ટશિયા ફૂટ્યા અને પૂંછડું ધ્રૂજવા લાગ્યું; સાથે ચારેય પગ. રણછોડ કાંઈ સમજે તે પહેલાં પાડું ‘હંતળોક’ ઊભું થઈ ગયું અને ધફ્ફાંગ દઈને નીચે પટકાયું. ભીખો તો પગ છોડી દઈ ક્યારનોય દૂર જતો રહ્યો હતો.

રણછોડના હાથમાંથી છરી પડી ગઈ. એના શરીરે પરસેવો વળી ગયો. ફાટી નજરે પાડાને જોઈ રહ્યો. પાડાના પગ હજી ધીમેધીમે ધ્રૂજતા હતા, પાંસળીઓ વચ્ચે એકાદ વાર પેટ ઊંચું થયાનો આભાસ રચાયો. પછી બધું શાંત થઈ ગયું, હક્કબક્ક થયેલો રણછોડ ભાનમાં આવ્યો. એને લવજી કોરોટ ઉપર ગુસ્સો આવ્યો.

“હત્તારી બુનના ધણી! લવજીડા; તીં મારા માથઅ પાપ ઘાલ્યું. કે’વું’તું કઅ પાડું જીવઅ સઅ. કભારજા જીવલીનય ભાન ના પડ્યું!”

એમ બબડતાં ભોંય પડી ગયેલી છરી એણે ઉપાડી. જાણે લવજીને ઘા કરતો હોય એમ હવામાં વીંઝી.

ભીખો દૂર ઊભો ઊભો બધું જોતો હતો.

“ચ્અમ ઓંમ કરો સો, રણછોડકાકા?”

“તાણઅ હું કરું? દિયોરે આપડા માથઅ પાપ ઘાલ્યું... પાડું...”

થોડી વાર સુધી પાડા સામે જોઈ રહ્યો. પછી બોલ્યો:

“દિયોર! જીપાંણી ખાય... અનઅ પાપ આપડા માથઅ ઘાલઅ?”

પછી કાંઈક યાદ આવતાં ઉમેર્યું,

“અલ્યા ભીખા? ઊજા, જઈનઅ લોટો પાણી લેઈ આય. અજીવ પાડો ધરુજએ સર.”

ભીખો રણછોડની વાત સાંભળી ફક્ક દઈને હસી પડ્યો.

“અમઅ તો ટાઢું થઈ જ્યું, કાકા! પાંણી હું કરશો? પાડાનો કોગળો લેવો સઅ?”

રણછોડ કાંઈ બોલ્યો. ભીખો ઊભા પગે પાડા પાસે નીચે બેઠો. પાડાના નાક આગળ હાથ ધર્યો, પેટ પર હાથ ફેરવ્યો અને પછી જાહેરાત કરી.

“કાકા, થોડોક ગરમાટો સઅ, જીવ નહીં. મરી જ્યું બાપડું. ડોળામઅ થઈ જીવ નેહરી જ્યો.”

એણે પાડાની આંખો પર હાથ મૂક્યો.

“અમણ બેસ સોનુંમોનું! હાલ તો ઊભો થઈ જ્યો તો! પડ્યું એવું મરી જ્યું? ના બન!”

રણછોડને પાડાના મોતનો વિશ્વાસ બેસતો નહોતો. બંને જણ થોડી વાર ચૂપ રહ્યા. ભીખો માથું નીચું રાખી પાડાની બહાર નીકળેલી જીભ પર આંગળી ફેરવતો રહ્યો. એકાએક પાડાનું મોઢું પકડી ઊંચું કરી ભીખો બોલ્યો,

“આ જુઓ, જીવ જતો રયો સઅ! પાડું મું પકડી રાખું છું, પાડવા માંડો પૂંછડઅથી. અમણઅ બપોર થહઅ, ઘેર ચોપડીખાવા રંધાઈ જાય... હંમ્બો!”

“ભાંડામઅ જ્યું! ચોપડીખાવા, તારું હુંમ્બો મેલ દેવતામઅ. આજી લવીજીડાનઅ સુસવાઈ મેલું. મનઅ પાપમઅ ઘાલ્યો, મું જવસું, તું પાડું પાડજે, મેં દિયોરની ખબેર લ્યું.”

રણછોડ અકળાતો જતો હતો. એણે જવા પગ ઉપાડ્યો.

“કાકા, ટાઢા પડો. નેચઅ બેહો.”

“નહીં બેહવું, મું ગૉમ્મસ જવસું. આજી દિયોર ઓજું નંઈ કઅ મું નંઈ.”

એણે છરી ભીખાને આપી. ભીખો છરી લઈ ઊભો થયો. ધીમેથી પાડાની બીજી બાજુ ગયો.

“હમું પાડજે, મું અબ્બી આયો.”

કહી રણછોડ સાથરી છોડી ઘેર આવ્યો. આંગણામાં રહી જીવીને બૂમ પાડી.

“નાંનિયાની મા, ચ્યાં જઈ! નાંનિયો ચ્યમ દેખાતો નહીં.”

“નાંનિયો ચ્યાં ઘરમઅ ટકઅ સ. રમતો અસે નઈંડાં હારી. તમે તો પાડું પાડતા’તા નઅ, ચ્યમ હેંડ્યા આયા?”

જીવી પૂછતી ઘરમાંથી બહાર આવી.

“મારી લાકડી લાયનઅ ગૉમ્મઅ જવું સઅ, ચલમ લેતી આય. દેતવા હળગાયો હોય તો છૉણું ઝાલતી આવજે.”

જીવી રણછોડ સામે જોઈ રહી. પછી બોલી, “ચ્યમ ઑમ ચઢ્યા ઘોડે નઅ ચઢ્યા ઘોડે સો. હું થ્યું સઅ તે ઑમ?”

“તારા ભાનું કપાળ! જીવતું પાડું ઉપાડી લાઈનઅ કેસઅ કઅ હું થ્યું?”

જીવી જવાબ આપે તે પહેલાં, માવજી પંડ્યો ખભે ‘કણેક’ માગવાનો ખડિયો સરખો કરતા આંગણામાં આવી ઊભા. માવજી પંડ્યાને જોતાં બંને જણાં ચૂપ થઈ ગયાં. માવજી પંડ્યાએ એક હાથે ખડિયો પકડી રાખી બીજા હાથે આશીર્વાદ આપતાં કહેવા માંડ્યું:

“રાંમ... રાંમ... ભા! સવસ્તી કલ્યાણ જે થાવ, આજી અગિયારશનો જોગ, મા’રાજનઅ કણેક કરાવો ભા... પુનશાળી આત્મા સો..”

બંનેમાંથી કોઈ હાલ્યું નહીં એટલે માવજી પંડ્યાએ આગળ ચલાવ્યું:

“આજી અગ્યારસનો જોગ, આથે તે સાથે ...કણેક આલો સવસ્તી... જે થોવ.”

“ચ્યમ માવજી ભા, હવારના પોરમઅ?”

રણછોડથી એકાએક પુછાઈ ગયું. માવજી પંડ્યો હસી પડ્યા.

“મા’રાજનએ હવાર હું નઅ બપોર હું! મા’રાજનઅ કણેક કરાવો! કોઈ દાડો અગ્યારસ કરો સો ભઈ? ના ખાધું હોય તો અગ્યારસનો અપ્પા (અપવાસ) રાખો. બવ પુન મળસે... પુને પાપ નાહઅ...”

“ઈમ...?” રણછોડથી બોલાઈ ગયું અને તરત પેલું પાડું યાદ આવ્યું.

“હાહરું પાપ થ્યું... અપ્પા કરીએ તો પાપ જાય!”

વિચારે ચઢ્યો. જીવી મહારાજની વાત સાંભળી ઘરમાં જઈ ખોબો ભરીને બાજરી લઈ આવી.

“લ્યો, ભા...!”

માવજી પંડ્યાએ હથેળીથી ખડિયાનાં ખાનાંઓ દબાવી, બાજરીવાળું ખાનું શોધી જીવી સામે ધર્યું. જીવીએ બાજરી ખાનામાં નાખી.

“સવસ્તી! જે થાવ ભા... વાહમઅ કૂતરાં તો કૈડતાં નથીનઅ!”

“ના...” રણછોડે ટૂંકમાં જવાબ આપ્યો. માવજી પંડ્યો “જે થાવ” કહી બીજા ઘેર જવા નીકળ્યા.

**

માવજી પંડ્યો ગયા એટલે રણછોડને લવજીભા યાદ આવ્યા. જીવી તરફ ફર્યો.

“તું ચલમ અનઅ લાકડી લાય. હેંડ...” રણછોડ ગામમાં જવા ઉતાવળ ક૨વા માંડ્યો.

“અમ અજી ભૂલ્યા નહીં.”

“મીં કીધું હાંભળ્યું નઈં? જા સોનીમોની લાકડી લાય, મા’રાજ કીસઅ અગ્યારસ સસ. લવજીભાએ જીવતું પાડું ઉછેળવા આલી દીધું. તનય ઉપાડતાં ખબેર ના પડી?”

રણછોડના સવાલથી જીવીને ધ્રાસકો પડ્યો. પાડું ઉપાડવા ગઈ ત્યારે મણિમાએ કહેલું,

“અલી જીવી! સોનુંમોનું લેઈ જા. સેજ હાહ નાખતું’તું. એક વાર જોબઈ જ્યું’તું. રસ્તામઅ ટાઢું થઈ જહઅ!”

પોતે પાડું લઈ જવાની ના પાડેલી, પણ મણિમાએ પાંચ કિલો બાજરીની લાલચ આપેલી એટલે લઈ આવી હતી. વાત રણછોડને કરવાની ભૂલી ગઈ હતી. વળી લવજીભા તો ભેંસ દોરવા બીજે ગામ ગયા છે. એણે પોતાની ભૂલ છુપાવવા કહેવા માંડ્યું:

“આ પાડું જીવતું મેકલ્યું તે હું થઈ જ્યું? અમઅ તો મરી જ્યું કઅ નંઈ?”

“મરી તો જ્યું, પાપ હાથરીએ ઘાલ્યું ઈનું હું? દિયોર બચારાનઅ દૂધ વના ટટળાઈ નઅ મારઅ, અનઅ કીસઅ મિયોર મરેલું હોધસઅ. હાહરાં પાપિયા?”

જીવીએ જવાબ આપ્યો, ઊભી રહી એટલે ઘરમાં ગયો. બારણા પાછળ આડમાં મૂકેલી લાકડી અને ગોખલામાંથી ચલમ, તમાકુની પોટલી લીધાં, બાંડિયાના ખીસામાં મૂક્યાં. લાકડી પકડી બહાર આવ્યો.

“જો... જો... કોઈ ટિટિયારો કરતાં, પરભું બધું જુવઅ સઅ, આપડે કાંઈ પાડું માર્યું નહીં.”

“સાની રઅ, પરભુવાળી, રાંધવાનું કર, મું અબ્બી અબ્બી આયો.”

“મીં હું કીધું ટિટિયારો હારો નંઈ. એકલા લવજીભા નંઈ, આખી મલક પાડાં મારઅ સઅ.”

જીવીની વાત કાન પર ધરતાં રણછોડ ગામમાં જવા નીકળ્યો. એના મનમાં ઊથલપાથલ મચી હતી. એને જીવીના છેલ્લા શબ્દો રહી રહીને યાદ આવતા હતા.

“એકલા લવજીભા નંઈ, આખી મલક પાડાં મારઅ સ!”

“ઓવઅ ઓવસ આખી મલક પાડાં મારઅ સઅ ખરી, પણ જીવતાં હાથરીએ નહીં મેકલતા.”

એમ એનાથી બબડી જવાયું.

“અને આખું ગૉમ પાડાં મેકલસઅ! તો મિયોરઅ અનઅ કહઈ મઅ ફેર હું?”

વિચારતો ગયો. એણે ચાલતાં-ચાલતાં માથું ધુણાવ્યું. એને ચલમની તલબ લાગી. રસ્તાની બાજુમાં ઊભો રહી ગયો. બાંડિયાના ખીસામાંથી ચલમ કાઢી, તમાકુની પોટલી હાથમાં લીધી, પણ ‘દેવતા’ ક્યાંથી લાવવો વિચારે એણે ચલમ અને તમાકુની પોટલી ખીસામાં પાછાં મૂક્યાં. ત્યાં વળી એને પાડો યાદ આવ્યો એના ધ્રૂજતા પગ... એને કંપારી છૂટી, એની મા કે’તી:

“આપડે કોઈનઅ મારી નાસીએ તો ભગવાનનઅ હોનાનું કરાઈ આલવું પડઅ!”

એને થયું સોનાનો પાડો આપવો પડે તો? ક્યાંથી લાવવો?

સોનાની વાત આવતાં આવી ગમગીનીની દશામાંય હસી પડ્યો.

“દિયોર, બૈરીની નાકની કાંટી કરાવતઅ તો, ચાર વરહ હાથી ભાજીયામઅ જ્યા? અનઅ હોનાનો પાડો... ભગવાનનઅ આલવાનો...

આગળ ચાલ્યો. વિચારમાં ને વિચારમાં લવજીભાના ઘેર પહોંચી ગયો.

**

મણિમા આંગણામાં ઊભાં હતાં, એમણે રણછોડને આવતાં જોયો અને વરસી પડ્યાં:

“ચ્યમ'લ્યા, હાલ જીવી પાડું લેઈ જઈ નઅ તું હેડ્યો આયો બાજરી લેવા! હાહરાં ભુખાળવાં કાંઈ હમજ નંઈ. બેસ પેલા ખૂણામઅ થડિયાં ઉપર, થોડી વાર ચેડે આલોય.”

“હું...” રણછોડ મણિમાની વાત સમજી શક્યો નહીં.

“હું... હું... કર્યા વનો બેહ, લવજીભા આવતા ઓય’. રણછોડ મણિમાનો હુકમ ટાળી શક્યો નહીં, વળી લવજીભા આવે છે વાતે લાકડી આડી મૂકી ખૂણા પાસેના લાકડાના થડિયા પર છાંયડે બેઠો, અને વિચારે ચઢી ગયો. ક્યાં સુધી એમ ને એમ બેઠો હશે તેનું તેને ભાન રહ્યું નહીં, થાક અને ભૂખના લીધે ઝોકુંય આવી ગયું.

“અલ્યા, પેલા ખીલે ભેંસ બાંધજે, કુણ બેસ લ્યા ખોધા ઉપર? અલ્યા રણછોડ, હું કરસઅ ઈંકણિયાં?”

રણછોડ લવજીભાનો અવાજ સાંભળી હડફડ કરતો જાગી ગયો. એણે લાકડી હાથમાં લીધી, એને પાડાવાળી વાત યાદ આવી. લાકડી પર પકડ મજબૂત કરી, પણ લવજીભાને સામે જોતાં ગભરાઈ ગયો. એના શરીરે પરસેવો વળી ગયો. શું કરવું કે શું કહેવું એના ગૂંચવાડામાં પડી ગયો. એક જણ ભેંસને ખીલા તરફ દોરી જતો હતો. રણછોડના ગળામાંથી માંડમાંડ અવાજ નીકળ્યો.

“પા...ડો...!”

“શેનો પાડો લ્યા? એકલી ભેંસ દોરી લાયો. ઈનો પાડો તો બે દા’ડામ મરી જ્યો તો બાપડો. ટંકે બોઘણું દૂધ આલોય ભેંસ...”

લવજીભા એમની નવી દોરી લાવેલી ભેંસનાં વખાણ કરવા માંડ્યા. ભેંસનો પાડોય મરી ગ્યાની વાત સાંભળી એનાથી બોલાઈ જવાયું.

“હેં?”

“હેનું હેં... હૈં... કરસઅ? લે... ધોળી પી, તો પાંચ અજાર પૂરાની સ.... હમજ્યો... તું હું કામ આયો સઅ?”

એટલું કહેતાં લવજીભાએ બે ફૂંક પીધેલી સળગતી સિગારેટ રણછોડ તરફ ફેંકી. રણછોડે લાકડી છાતી તરફ છૂટી મૂકી, ખોબામાં સિગારેટ ઝીલી લીધી, બે આંગળીઓ વચ્ચે પકડી, સિગારેટ સામે જોતાંજોતાં એક કશ ખેંચ્યો. એને કશમાં મજા આવી. એણે આકાશ તરફ જોયું.

“હાહરું બપોરાં વેળા થઈ જઈ, મું ઉંજી જ્યો તો કઅ હું...” એમ બબડી એણે સિગારેટનો બીજો કશ ખેંચ્યો, જાણે મોઢું કડવું થઈ ગયું હોય એમ લાગ્યું. એણે નીચા વળી સિગારેટ હોલવી નાખી, ઠૂંઠું ખીસામાં મૂક્યું. એને તરસ સાથે ભૂખની લાગણી થઈ. પેટમાં ગુડગુડ થવા માંડ્યું. લવજીભા અને પેલો માણસ ભેંસની સેવામાં લાગી ગયા હતા. ત્યાં મણિમા ઘરની બહાર આવ્યાં.

“અજી તું આંય સઅ? જા... હાંજઅ આવજે. ચ્યારનો બેહી રયો તો, બપોરાં થઈ જ્યાં.”

રણછોડને પાડાની વાતે લડવાના હોશ રહ્યા હતા. ખૂબ તરસ લાગી હતી. છતાં એણે પાણી માગ્યું.

“હાળાં... બધાંય... એવાં...?” એમ બબડી ઘર તરફ ચાલ્યો, પણ બાજરીવાળી વાત એને સમજાઈ.

ઘેર આવી લાકડી આંગણામાં ફેંકી, રણછોડે જીવીને બૂમ પાડીને કહ્યું:

“નાંનિયાની મા, કળશ્યો પાણી લાવજે, તરસે જીવ જાય સઅ.”

“તમી તો લવજીભાના ઘેર જ્યા’તા, કાંઈ ટિટિયારો તો નહીં કર્યો નઅ?” કહેતી જીવી લોટો ભરી પાણી લઈ આવી.

“ભાંડામઅ જ્યો લવજીભા! ખાવાનું કાઢજે આંય ભૂસેં જીવ જાય સઅ.”

“તીં...?”

“કાંય નહીં કર્યું જા. ખાવાનું કાઢ...”

“રોટલાનઅ ચોપડીખાવા તીયાર સઅ.”

એમ કહી નીચે પડેલી લાકડી લઈ જીવી ઘરમાં ગઈ. રણછોડે હાથ-પગ-મોઢું ધોઈ, લોટામાંથી બે ઘૂંટ પાણી પીધું, ઘરમાં જઈ લોટો પાણિયારે મૂકી, માથે બાંધેલો રૂમાલ હાથમાં લઈ મોઢું લૂછતો, હાથણી પાસે ઊભા પગે બેઠો.

જીવી પિત્તળની ચારણીમાં બાજરીના રોટલા અને તાંસળામાં પાડાનું શાક લઈ આવી અને રણછોડના પગ પાસે મૂક્યાં.

“ચોપડીખાવા શેનું કર્યું સઅ?” રણછોડે તાંસળામાં જોતાં કહ્યું.

“પાડાનું. ચ્યમ ભૂલી જ્યા?”

“હૈં...!” રણછોડ ચમક્યો.

આગળ બોલવા ચાહતો હતો, છતાં બોલી શક્યો. એણે તાંસળામાં નજર નોંધી રાખી, એને તાંસળામાં શાક ઉપરતળે થતું લાગ્યું, ધીમેધીમે તાંસળામાં હલચલ વધતી ગઈ, તાંસળામાં પાડાની ખરીઓ પગ... પછી પાડું દેખાવા માંડ્યું. એણે આંખો મસળી... ત્યાં...

“ધબ્બાક... ધબ્બાક”

જાણે પાડું તાંસળામાં પછડાતું હોય એમ લાગ્યું. એણે તાંસળામાં નજર નોંધી. તાંસળામાંથી મોટો લોહીનો ટશિયો ફૂટતો હોય એમ... ટશિયો મોટો ને મોટો થવા માંડ્યો. ધ્રૂજતું પૂંછડું... એકાએક ધબ્બાક... પાડો તાંસળામાં પટકાયો... આખા ઘરમાં પાડાનાં બોટાં બોટાં... દરેક બોટું લાલ... લાલ... લોહી જેવું.. એણે આંખો મીંચી દીધી.

“ના ખાધું હોય તો... પુને પાપ નાહઅ” માવજી પંડ્યાના શબ્દો ઘૂમરાયા. ત્યાં રેકતું પાડું ઘરમાં ધસી આવતું હોય એમ લાગતાં, ઝડપથી ઊભો થઈ ગયો. આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું.

“અમ ઊભા થઈ જ્યા? અમણ તો કે’તા’તા ભૂખે જીવ જાય સઅ!”

જીવીનો અવાજ સાંભળી એણે આંખો ખોલી. સામે જીવી ઊભી હતી. ચારણીમાં રોટલા અને તાંસળામાં શાક હતું. એને મૂંઝારો થયો. શું કરવું એની સમજણ પડતી હતી. એકાએક વાંકા વળી એણે તાંસળાને આઘું ધકેલ્યું. પછી સીધો થયો. એણે દૂર ધકેલાયેલા તાંસળા તરફ નજર નાખતાં જાણે મન પરથી બોજ દૂર થઈ ગયો હોય એમ નિરાંત અનુભવી, અને બીજું કાંઈ સૂઝતાં, ખીસામાંથી અડધી બળેલી સિગારેટ કાઢી, જીવી તરફ મલકી પડતાં કહ્યું:

“આજેણમથી છાંણું લી આવજે, આજી તો અપ્પા!”

(વાર્તાસંગ્રહ: ‘મૂંઝારો’)

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી વાર્તાઓ - દલપત ચૌહાણ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : દલપત ચૌહાણ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019